નારીસંપદાઃ નાટક/ભવની ભવાઈ — એક અંશ

From Ekatra Foundation
Revision as of 00:37, 28 April 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


ભવની ભવાઈ — એક અંશ

(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! દાદા : આ તો ભવની ભવાઈ

જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ
તમે જોતા જાજો ભાઈ!
સલામતી જ્યાં સળિયા પાછળ
એ તે કેવું શહેર?
રખેવાળથી રહેવું બીને
જીવવાની શી લહેર?
આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ!
તમે જોતા જાજો ભાઈ!
હૂંફાળી ને કાજળકાળી
વીતી જશે આ રાત
ગજબ ગૂંચો લઈ ગજા બહારની
ઊગવાનું પરભાત!
તા થૈયા... થૈયા તા થૈ!
ખળખળ વહેતી... સઘળું સહેતી
નદી વહેતી જાય... સહેતી જાય!
પળપળ કહેતી જાય!..

બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી?

**

(રાજાના મહેલમાં રાજા, જ્યોતિષી આવે છે) જ્યોતિષી : મળી ગયો! મળી ગયો! રાજા : (નવાઈ પામીને) કોણ મળી ગયો? જ્યોતિષી : ઉપાય! ગ્રહોને રીઝવવાનો અજોડ અને અફર ઉપાય! રાજા : તો ભસી નાખો ને! વાવમાં પાણી આવે તો મારા જીવમાં જીવ આવે. જ્યોતિષી : ધરતી ભોગ માગે છે. રાજા : તો આપો ને! વાર કેટલી! જ્યોતિષી : પણ આમાં તો નરબલિ જોઈએ. રાજા : અં? તો કોઈને પણ પકડીને વધેરી નાખો ને! રાજાને શું પ્રજા પર આટલોય અધિકાર નથી? જ્યોતિષી : ના, આમાં ગમે તે માણસનો ભોગ કામ લાગી શકે નહીં મહારાજા! આમાં તો બત્રીસ લક્ષણો પુરુષ મળી આવે અને એનો ભોગ અપાય ત્યારે જ ધરતી રીઝે અને ત્યારે જ વાવમાં પાણી છલકાય અને પછી જ આપને પુત્રરત્નની પ્રાપ્તિ થાય! રાજા : તો ખોળી લાવોને એવો પુરુષ! બત્રીસ ચોત્રીસ જે જોઈતાં હોય તેવાં લક્ષણવાળો! જ્યોતિષી : (હસીને) એવા તો માત્ર બે જ છે. એક તો - એક તો આપ પોતે! રાજા : એ શું, જોષી? અમારા મરવાથી તે કંઈ અમને દીકરો થતો હશે? જ્યોતિષી : તો પછી બીજો... બીજો માલા ઢેડનો દીકરો જીવો! રાજા : જીવો? જ્યોતિષી : હં... રાજા : જીવો! તો બેસી શું રહ્યા છો? જાઓ! અને એને પકડી મંગાવો. જ્યોતિષી : હાજી...હાજી...હાજી!

**

(જીવો ને ઉજમ દોડતાં દેખાય છે. રસ્તે દાંડી પિટાય છે.) ઉજમ : ચાલ ને! જીવો : હા! દાંડી પીટનારો : સાંભળજો રે સાંભળજો! સાંભળજો રે સાંભળજો! રાજાનું મન ઉદાસ છે સખત ત્રાસ ત્રાસ છે... જીવો : રાજાનો રોગ ખાસ છે; દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન!

નીંદર હરામ છે જરી ના આરામ છે.
રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે!
સાંભળજો રે સાંભળજો...
**

(ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.) સૈનિકો : બોલ! બોલ! માલો : મારશો નહીં બાપલા. સૈનિકો : બોલ! જીવાને ક્યાં સંતાડ્યો છે? માલો : ના મારા બાપલા! ના મારા બાપલા! જીવલો જડતો જ નથી. સૈનિક : જડતો કેમ નથી? બોલ! બોલ! માલો : નહીં બાપલા!

**
(રાજદરબારમાં ભંગીઓ રાજાને મળવા આવે છે.)

રાજા : અમને— ભંગીઓ : મહારાજાને ઘણી ખમ્મા! રાજા : અમને— અમને... તમારું કામ પડ્યું છે! માલો : બાપજી! ધનભાગ્ય ને ધનઘડી કે અમે રાજ્યના ખપમાં આવીએ! રાજા : વાત જાણે એમ છે કે—વાવમાં પાણી આવતું નથી ને અમારું વાંઝિયામહેણું ટળતું નથી. માલો : અમે ખોદવા તૈયાર છીએ બાપલા. અં... કામ શીદને બંધ કરાવ્યું? બીજો ભંગી : આપ હુકમ કરો એટલી વાર! રોટલો ખાવાયે ઊંચું નહીં જોઈએ. ત્રીજો ભંગી : હાં હવે તો પાણી નીકળશે ત્યારે જ જંપીશું. રાજા : અરે મૂર્ખાઓ! પાણી એમ નીકળતું હશે? બત્રીસલક્ષણાનો ભોગ આપ્યા વિના આ વાવ કોરીધાકોર જ રહેવાની. સમજ્યા? એક ભંગી : પણ- પણ- બત્રીલખ્ખણો ચ્યોંથી લાવવો? રાજા : આ છે ને! માલાનો દીકરો— જીવો! માલો : મારો? મારો જીવલો ? પ્રધાન : જીવો બત્રીસલક્ષણો છે… અને વાવમાં ભોગ આપવા માટે એની પસંદગી કરવામાં આવી છે. એટલે ઝટપટ જીવાને હાજર કરો! માલો : પણ જીવલો તો જડતો જ નથી. પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો.