માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨

From Ekatra Foundation
Revision as of 01:00, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ધરતી સાથેની પ્રીતિ એટલે જીવનભરની પ્રીતિ. સાંદીપનિએ આ મહામંત્ર બળરામને આપ્યો હતો. આ પ્રીતિ એટલે માત્ર આષાઢી મેઘ નહીં પણ બળબળતી વૈશાખી લૂ. આ પ્રીતિ એટલે પોતાનાં જ હાડકાંનું ગળતિયું ખાતર, પોતાની છાતી ચીરીને ચાલતું અણીદાર હળ, અને સાંદીપનિએ જ બતાવ્યું હતું તેમ આ પ્રીતિ એટલે પોતાના એકના એક કૃષ્ણનું હરેક બીજમાં, કણસલામાં, ડૂંડામાં દર્શન. હવામાં ઝૂલતું કૃષ્ણનું હાસ્ય. સાંદીપનિએ એ પણ બતાવ્યું હતું કે આ પ્રીતિ એટલે ધરતીનો તરડાઈ ગયેલો ચહેરો, અને એ એક એક તરડમાંથી ઊઠતી કૃષ્ણની ચીસ. બળરામને એ પ્રસંગ બરાબર યાદ હતો. કૃષ્ણ અને સુદામા જંગલમાં સમિધ લેવા ગયા હતા. તેમને આવતાં ઘણું મોડું થઈ ગયું. બળરામની ચિંતાનો પાર ન રહ્યો. રાત પડી ગઈ પણ ચાંદનીનો છંટકાવ હતો. બળરામ વ્યાકુળ બની જંગલની વાટે નીકળી પડ્યા. થોડે દૂર જતાં જ કૃષ્ણ-સુદામા સામે મળ્યા. બળરામને એટલો આનંદ થયો કે બન્ને ભાઈઓને વૃન્દાવનમાં જમુનાકિનારે તેમણે ગાળેલી રાત યાદ આવી ગઈ. ગુરુને સુદામા સાથે સંદેશો કહેવડાવી દીધો અને બન્ને ભાઈ જમુનાકિનારાની જેમ શિપ્રાને કિનારે રાત રોકાઈ ગયા. બન્ને જ્યારે પાછા આવ્યા ત્યારે ગુરુ ખેતરમાં પાણી વાળતા હતા. બળરામે નજીક આવી ગુરને વંદન કર્યાં. ગુરુએ પાણીને ધોરિયામાં વહેવા માટે માટીના પિંડા હટાવવાનું કાર્ય ચાલુ રાખતાં પૂછ્યું, “સંકર્ષણ, તારે કેટલા બંધુ?" કૃષ્ણ સિવાય બળરામની આંખો કોના તરફ મંડાય? પણ ગુરુએ હાથ લંબાવી નીવારના રોપા બતાવતાં કહ્યું : “આ બધા તારા બંધુ છે, સંકર્ષણ, અને તારા હાથથી પ્રેમ પીવા માટે આતુર રહે છે. ગઈ કાલથી હજાર હજાર આંખો માંડીને એ તારી રાહ જોતા બેઠા છે.” બળરામને યાદ આવી ગયું કે પાણી વાળવાનો તો તેનો વારો હતો. કૃષ્ણની ચિંતામાં ને પછી કૃષ્ણ-મિલનના આનંદમાં તે આ વાત સાવ ભૂલી ગયા હતા. બળરામ તો ગુરુનો આ સંકેત ન ભૂલે, પણ ખૂબી એ કે કૃષ્ણે પણ ગુરુનાં વેણ હૃદયમાં કંડારી રાખ્યાં હતાં. પાછળથી રાજકાર્યોમાંથી પરવારી કૃષ્ણ બળરામની વાડીએ મળવા આવતા ત્યારે સૌથી પહેલાં પૂછતાં : “આપણા બંધુઓ શું કરે છે, મોટા, મજામાં છે ને બધા?” સાંદીપનિના આશ્રમમાંથી વિદાય લઈને બળરામની ઇચ્છા તો સહુથી પહેલાં નંદબાબાનો કોઠાર ભરવાની હતી. પણ મથુરામાં પગ મૂક્યો ને જરાસંધના હુમલા શરૂ થયા. આસપાસના વિસ્તારમાં જે કાંઈ ખેતી હતી એ જ ઉજ્જડ બની ગઈ ત્યાં નવાં ખેતર વસાવવાની વાત શી? ઘણી વાર બળરામને થતું કે ક્યાંક આઘે આઘે જતું રહેવું, અને લહેરાતા મોલ વચ્ચે જીવન વિતાવી દેવું. પણ કૃષ્ણ? કૃષ્ણને છોડીને જતાં તો સ્વર્ગમાં પણ સૂનું લાગે. કૃષ્ણથી દૂર જવાનો વિચાર જ અસહ્ય હતો. અને કૃષ્ણને સાથે આવવાનું પણ કેવી રીતે કહી શકાય? મથુરા પર દુશ્મનોનાં દળકટક ગાજતાં હોય ત્યારે કૃષ્ણ શું મથુરા છોડે? અને પોતાને માટે પણ એ કાયરતા ન કહેવાય? બળરામે પોતાના મનોરથોને ભોંમાં ભંડારી દીધા અને તે કૃષ્ણની બાજુમાં ઊભા રહ્યા. બન્ને ભાઈઓએ અપૂર્વ વીરતા દાખવી જરાસંધને સત્તર વાર પાછો કાઢ્યો. અજેય ગણાતા મગધના ચક્રવર્તીનું પાણી ઉતારી નાખ્યું. પણ દરેક વિજય વખતે બળરામનું મન યુદ્ધમાંથી ઊઠી જવા લાગ્યું. છેલ્લે તો તે કહ્યા વિના ન રહી શક્યા : “નાનકા, ચાલને અહીંથી જતા રહીએ.” “કેમ મોટા, થાકી ગયા?” “ના, થાકી નથી ગયો. પણ થાય છે કે આ યુદ્ધોનો અંત નહીં આવે, ને મારે ઉગાડવું છે તે નહીં ઊગે.” “શું ઉગાડવું છે, મોટા?” “મારે હળ ઉગાડવું છે - ઊગી શકે તો.” કૃષ્ણ મોટા ભાઈની અદમ્ય ઇચ્છા પામી ગયા. મોટા ભાઈના અંતરમાં આ બધાં યુદ્ધો દરમિયાન ચાલતું ભીષણ યુદ્ધ પણ પારખી ગયા. અને કૃષ્ણને પ્રસન્ન કરવા બળરામ બધું જ કરી છૂટે તો બળરામને માટે કૃષ્ણ શું ન કરે? કોઈ પણ વીર ગણાતો પુરુષ ન લે એવો નિર્ણય કૃષ્ણે લીધો. તે મથુરાનું રણમેદાન છોડવા તૈયાર બની ગયા. તે રણછોડ બન્યા. એક દિવસ કૃષ્ણે બળરામને કહ્યું : “મેં બધી તપાસ કરી લીધી છે. હવે તમે હા કહો એટલી વાર છે. આપણે દૂર દૂર જઈએ છીએ, મોટા, તમે કહો છો તેમ અહીંથી ઘણા દૂર.” “પણ જરાસંધનું શું?.. “જરાસંધને તો આપણા બે સામે વેર છે ને! આપણે બન્ને મથુરા છોડી જશું તો પછી તે મથુરાનો વિનાશ નહીં કરે.” “પણ આપણે ભાગી છૂટીશું? આપણાથી પારોઠનાં પગલાં ભરાય? આપણને એ શોભે? તારી અમર કીર્તિનું શું?” બળરામ એકીસાથે, એકીશ્વાસે પૂછી બેઠા. મોટા ભાઈના સચિંત ચહેરા પર નજર ઠેરવી કૃષ્ણ હસી પડ્યા. કૃષ્ણની કીર્તિની આટલી કાળજી બીજું કોણ રાખે? “મારી અમર કીર્તિ?” કૃષ્ણને ફરી હસવું આવ્યું. “એવા ધુમ્મસના મિનારા આપણે કયે દિવસે ઊભા કર્યા છે, મોટા? અને શોભવાની વાતમાં હું તો એટલું સમજું કે જ્યાં તમે હશો ત્યાં ધરતી શોભશે અને ધરતી શોભશે તો આપણે શોભીશું. તમારા હળને વચ્ચે થંભી જવું ન પડે એટલે દૂર ચાલ્યા જઈશું. આપણી સાથે જેને આવવું હોય તે ભલે આવે.” બળરામ કૃષ્ણ સામે આનંદમાં તરબોળ બની જોઈ રહ્યા. તેમને થયું કે કૃષ્ણને જેવો મેં કલ્પ્યો હતો તેવો જ એ છે. અને છતાં તેને સમજવો કેટલો મુશ્કેલ છે! કોઈ વાર લાગે કે તે ખરેખર રાજરાજેશ્વર છે. તેના પ્રતાપનો ક્યાંયે પાર નથી. ત્યાં બીજી પળે થાય કે ના રે ના, આ તો સાવ નાના બાળક જેવો છે. ઘરની બહાર નીકળતાં જ રસ્તો ભૂલી જશે. તેને તો હાથ પકડીને દોરી જવો જોઈએ. પણ એયે તેનું કોઈ અકળ સ્વરૂપ હોય તો? અસહાય બનીને જ તે અધીશ્વર બની જતો હોય તો? બળરામને કૃષ્ણ પર બહુ વહાલ આવી ગયું. પોતાની બરછટ વાણીમાં બને તેટલી કુમાશ લાવી તેમણે પૂછ્યું : “માધવ, તેં કોઈ સ્થળ પસંદ કર્યું છે?” “હા, પશ્ચિમ સમુદ્રતીરે આનર્ત પ્રદેશમાં.” “એ તો બહુ દૂર. ભારતવર્ષનો છેડો.” “અને બૃહદ્ ભારતનો લંબાતો બાહુ. મોટા, સમુદ્રપારના લોકો સાથે આપણે હાથ મેળવીશું. તમે પ્રસન્ન થઈ ઊઠો એવી બીજી પણ વાત છે.” “શી?” “અસુર લોકોએ તો ખેતીમાં કમાલ કરી છે. નવાં ધાન્ય ઉગાડ્યાં છે અને વરસો સુધી અનાજ સડે નહીં એવા કોઠારોનું નિર્માણ કર્યું છે. મેં તો સાંભળ્યું છે કે તેમની પાસે એવાં વાદ્યો છે, જેના સૂરોથી જ કિલ્લાઓ તૂટી પડે છે. ધાન્યના કોઠારો ભરવાની સાથે સાથે તમને મારી જેમ કિલ્લાઓ તોડવામાં પણ રસ છે, નહીં મોટા? આપણે એ વિદ્યા તેમની પાસેથી શીખશું.” બળરામ હસી પડ્યા. તેમને થયું કે પોતાનું નાનુંસરખું સ્વપ્ન કૃષ્ણે વિરાટ ફલક પર આંકી બતાવ્યું. આનું નામ જ કૃષ્ણ. બિચારી યશોદા મા હારીને કહેતી કે કનૈયાના મોંમાં તો આખું બ્રહ્માંડ છે તે ખોટું નહીં. કૃષ્ણ અને બળરામે મથુરા છોડવાનો નિર્ણય કર્યો, પણ યાદવસભામાં તેનો પ્રસ્તાવ મૂકતાં મોટી ધમાલ મચી ગઈ. વૃદ્ધ આગેવાનોએ ક્ષાત્રધર્મની આણ દઈ તેનો વિરોધ કર્યો. રણઘેલા જુવાનોએ યાદવકુળના નામ પર કાળી ટીલી લગાડતા આ પ્રસ્તાવને ફગાવી દીધો. મરી ફીટવા એ તૈયાર હતા પણ મૂછ નીચી કરી જીવવા માટે નહીં. કૃષ્ણે તેમને બિરદાવતાં કહ્યું : “ઊંચું માથું લઈ જીવવા માટે શું જોઈએ? પહેલાં હિંમત અને પછી પણ હિંમત. એક હિંમત તો તમે બતાવી છે. જરાસંધ સામે થવાય જ નહીં, તેને તો તાબે થઈ જવામાં જ સલામતી; તેને ખંડણી આપીને છુટકારો મેળવવો એ જ બહેતર - આવી કાયરતાને તમે ખંખેરી નાખી. અને તમે જોયું તેમ જરાસંધ સત્તર વાર પરાસ્ત થયો. મગધના અજેય મનાતા સૈનિકોને તમે ભાગતા જોયા, દયાની ભીખ માગતા જોયા. તમારા મનમાંથી મગધનો ભય નાશ પામ્યો.” કૃષ્ણે થોડી પળ થંભી જઈને કહ્યું : “પણ મને થાય છે કે તમે હજી ભીરુ છો, કાપુરુષ છો, નામર્દ છો. તમારામાં બીજી હિંમત નથી.” “કઈ હિંમત? કઈ હિંમત?” અનેક અકળાઈ ઊઠેલા ને ઉશ્કેરાયેલા અવાજોનો ધોધ ઊછળ્યો. “એ હિંમત છે – મારા કુળને કલંક લાગશે તો? હું બદનામ થઈશ તો? — એવી કાયરતા સામે માથું ઊંચકવાની હિંમત; મારાથી આમ કરાય જ નહીં — એવા તમે પોતે મનમાં જડેલા સળિયા તોડી નાખી બહાર નીકળવાની હિંમત. મથુરાની શેરીઓમાં તમે સત્તર સત્તર વાર વિજયનાં સરઘસ કાઢી નાચ્યા છો અને એ નાચ આજે તમારું કારાગાર બની ગયું છે. તમે તમારા વિજયના કેદી છો.— અને જરાસંધના કેદી બનવા કરતાં એ વધુ ખતરનાક છે. આપણે જરાસંધને આપણો હાથ બરાબર બતાવી દીધો છે. હવે મારે તે હાથ સાગરપાર લંબાવવો છે. તેમાં મને કોઈ કાયર ગણે ને ફિટકાર વરસાવે તેની લેશમાત્ર ફિકર નથી.” પછી કૃષ્ણે દ્વારિકાના નિર્માણની પોતાની યોજના વિસ્તારથી કહી. અંધક, ભોજ અને વૃષ્ણિકુળના યાદવો તેમાં જોડાયા. કૃષ્ણ-બળરામે મથુરા છોડ્યું. જરાસંધને ખબર પડી કે કૃષ્ણ મથુરામાંથી ભાગી ગયા ત્યારે તેણે કાળયવનને તેમનો પીછો પકડવા રવાના કર્યો. જરાસંધ, શિશુપાળ, નરકાસુર, ભગદત્ત વગેરે મહારાજાઓના દરબારોમાં કૃષ્ણની ભરપેટ નિંદા થઈ. જરાસંધને ત્યાં રહેતો અને પોતાને પુરુષોત્તમ ગણાવતો પૌંડ્રક છાતી ઠોકીને જરાસંધને કહેવા લાગ્યો : “જોયું ને, મહારાજ, કૃષ્ણ પોતાને જૂઠી રીતે વાસુદેવ કહેવડાવતો હતો, તેની આપને પ્રતીતિ થઈ ગઈ ને? આ પૃથ્વી પરનો વાસુદેવ તો હું જ છું અને આપને વિજય અપાવવા જ મારો અવતાર થયો છે.” જરાસંધે પત્નીઓ સાથે મળી તે દિવસે પૌંડ્રકની પૂજા કરી. જરાસંધને થતું હતું કે પોતે માત્ર ચક્રવર્તી જ નહીં, પણ સાર્વભૌમ ચક્રવર્તી થવા સર્જાયો છે, અને તેમાં તેને અવતારી પુરુષ પૌડ્રક વાસુદેવની સહાય છે. કૃષ્ણને પૌંડ્રક કૃતક વાસુદેવ કહેતો. કૃષ્ણ મથુરામાંથી ભાગી ગયા ત્યારે નકલી અવતાર તરીકે તેણે તેમની પુષ્કળ હાંસી ઉડાવી. ઉત્સાહમાં આવી જઈ તેણે ભવિષ્ય વચન ઉચ્ચાર્યું : “મહારાજ, ત્રણ માસ, ત્રણ દિવસ અને દિવસના ત્રીજા પ્રહરે કાળયવનને હાથે કૃષ્ણ-બળરામનાં માથાં કપાશે. આપનો દિગ્વિજય નિષ્કંટક બનશે.” જરાસંધે રત્નહાર આપી પૌંડ્રકનું બહુમાન કર્યું. પણ હજુ ત્રણ માસ વીતે ત્યાં સમાચાર આવ્યા કે રૈવતક પર્વતની ઘાટીઓમાં કાળયવનના સૈન્યનો કૃષ્ણે કચ્ચરઘાણ વાળી નાખ્યો છે અને કાળયવનને મારી નાખ્યો છે. જરાસંધ સ્તબ્ધ બની ગયો. કાળયવન તેનો પ્રિય સાથી અને મહાશૂર યોદ્ધો હતો. જેનો પોતે પરાભવ નહોતો કરી શક્યો એ કૃષ્ણને તે હણશે જાણી તેને આનંદ થયો હતો. પણ પૌંડ્રકની ભવિષ્યવાણી ખોટી પડી. જરાસંધે પૌંડ્રકને બોલાવ્યો. કાળયવનની હત્યાની ખબર સાંભળી જરા પણ ક્ષોભ પામ્યા વિના તેણે કહ્યું : “મહારાજ, કૃષ્ણનાં પુણ્ય હજુ થોડાં બાકી લાગે છે. કાળયવનને હાથે તે હણાવાનો જ હતો, પણ મારી શક્તિ કાળયવને બરાબર ઝીલી નહીં. યવન ખરો ને! આર્યનાં લોહી જેટલી ધારણાશક્તિ નહીં.” "તો હવે?" પૌંડ્રક જરાસંધની નજીક આવ્યો. તેના જમણા હાથ પર હાથ મૂકી સુદૃઢ સ્વરે બોલ્યો : “આપના આ દક્ષિણ બાહુમાં જ એ વિદ્યુત દોડવાની લાગે છે. આપની સુવર્ણગદા માટે જ તે યશ નિશ્ચિત લાગે છે.” જરાસંધનું મન આઘાત, વ્યથા, અસત્ય, રોષ, પ્રશંસા અને વળી ખુશ કરી દેતી ભવિષ્યવાણીમાંથી કોઈ એક પર સ્થિર નહોતું રહી શકતું. તે માથું નમાવી માત્ર વંદના કરી શક્યો.