રાજા વિરાટનું તાકીદનું તેડું આવ્યું. કૃષ્ણ બળરામને સાથે આવવા માટે કહેવા ગયા. વાડીએ આવી જુએ છે તો દશબાર ખેડૂત સ્ત્રીપુરુષોનું ટોળું જામ્યું હતું. હવામાં આશ્ચર્ય, ઉત્સાહ, આનંદની ભરતી ચડી હતી. બળરામની વાણી બધી જ બરછટતા નિતારીને વહેતી હતી. રેવતી એક લીલાછમ, ઘાટીલા છોડમાંથી પીળી પાંદડીઓ ચૂંટી રહી હતી. કૃષ્ણ આવ્યા એટલે હલચલ મચી ગઈ. બળરામે લોકોનો પરિચય કરાવતાં કહ્યું : “નાનુ, આ મારા મિત્રો છે. મારા શેઢાભાઈ પણ કહેવાય. તેમનાં ખેતરો આપણા ખેતરને અઢેલીને છે." “મને દરવાજામાં દાખલ થતાં જ લાગ્યું કે તમારો કુટુંબમેળો જામ્યો છે. કાંઈક મોટી ખુશાલીનો પ્રસંગ છે? શું ચાલે છે?” રેવતીએ કૃષ્ણનો હાથ પકડી પેલા છોડ પાસે દોરી જતાં કહ્યું : “તમે તમારી નજરે જ જોઈ લો, ગોપાલ." કૃષ્ણે જોયું તો એક લીંબુડીના છોડ પર ડાળે ડાળે લીંબુ આવ્યાં હતાં. કેટલાંક તો પોતાનો હીરકચ્ચો રંગ લઈ પાંદડીઓ વચ્ચેથી મોં બહાર કાઢી સૃષ્ટિને જાણે આશ્ચર્યથી વિલોકી રહ્યાં હતાં. કૃષ્ણે આનંદથી કહ્યું : “ફાલ તો બહુ સારો આવ્યો છે. અને બાળકો તંદુરસ્ત લાગે છે. પણ એનો આટલો બધો આનંદ શા માટે?” બળરામે એક ખેડૂતને આગળ કરી કહ્યું : “વિશ્રામ, તું જ કહે.” વિશ્રામ, પહેલાં તો અચકાયો. પછી ધીરે ધીરે આત્મવિશ્વાસ મેળવી બોલ્યો : “પ્રભુ, આ લીંબુડી ફાલતી જ નહોતી. કોઈક એવાં ફળઝાડ હોય છે. તમે ગમે તેટલું ખાતર નાખો, પાણી પાઓ, ક્યારાને પડતાળો પણ એને ફાલ આવે જ નહીં, ને ફાલ આવે તો ખરી જાય. બળરામદાદાને અમે તો કહી દીધું’તું કે દાદા, આવા વાંઝિયા છોડને ઉખેડી નાખો. કોણ એની વાંહે ખુવાર થાય? પણ દાદા કહે ના, આને જ એટલાં લીંબુ આવશે કે તમે જોઈ રહેશો. અમે કીધું, લ્યો, તમ તમારે મહેનત કરો અને આજ ખરેખાત જોયું. વાહ, ભા! લીંબુ તો ખોબે ને ધોબે આવી પડ્યાં છે ને શું! “પહેલાં તો માન્યામાં જ નો આવ્યું. પણ દાદાએ સમજણ પાડી કે કેટલાક છોડવાય માળા, હઠીલા છોકરા જેવા હોય છે. એને ખાતરપાણીથી પૂરું નથી પડતું, હેત-પ્રીત જોવે છે. એની હાર્યે બે મીઠી વાતું કરવી જોવે છે. હવે આવું કાંઈ ગળે ઊતરે?” આખું ટોળું હસી પડ્યું. કૃષ્ણે બળરામ સામે જોયું, કહ્યું : “અને દાદાએ મીઠી વાતું કરી આ લીંબુડીને લ્હૅરમાં લાવી દીધી. દાદાની જીભમાં આટલું બધું મધ છે એ તો આવા છોડવા જ જાણતા હશે.” બળરામ અને રેવતી હસી પડ્યાં. એક બીજો ખેડૂત આગળ આવ્યો, બોલ્યો : “પ્રભુ, અમે તો ઘણીયે વાર જોતા ને? દાદા ઘૂંટણિયે પડી લીંબુડી હાર્યે વાતું કરતા હોય. વળી પુચકારે, વળી વાતું કરે. અમને લાગ્યું કે દાદાનું તો સાવ -” ખેડૂત વાક્ય પૂરું કરે તે પહેલાં વળી હાસ્યની છોળો ઊઠી. બળરામે કહ્યું : “તમે આ લીંબુડીને ઉખેડી નાખવાની વાત કરેલી ત્યારે જ એ ધ્રૂજી ઊઠી હતી. પણ તમને એ ક્યાંથી દેખાય? ખરો ખેડૂત તો એકાદ ફળઝાડને ઉખેડી નાખતાંયે સો વાર વિચાર કરે. એ કેમ નથી ફળતો તેનું મૂળ તપાસી જુએ. અને આવો ભલે એકાદ છોડ હોય પણ તે એકલો થોડો છે! તેમાં જુઓ, ડાળે ડાળે કેટલા છોડ લટકે છે! અરે આખી નવી વાડી જ જોઈ લો ને! તમારી વાડી પ્રત્યે તમને કેટલો પ્રેમ છે! એવો પ્રેમ એક એક છોડવા પર રાખો તો કોઈ છોડ ફળ વિનાનો ન રહે. પણ એને મનાવતાં આવડવું જોવે, એને રાજી કરી દેતાં શીખવું જોવે. નાના બાળક જેવા છે આ છોડવા. અને બાળક તો હેતનાં ભૂખ્યાં હોય છે. તમારા ઘરમાં કોઈ છોકરું આળવીતરું થાય તો તમે એનું માથું વાઢી નાખો છો? આપણે છોડવાને પણ પંડનાં છોકરાંની જેમ જાળવવા જોવે.” “મારી વાડીમાંય આવાં હઠીલાં ટાબર છે હો, દાદા!” વિશ્રામે કહ્યું : “પણ એને કેમ રાજી કરવાં તે વિદ્યા શીખવવા તમારે આવવું પડશે. આવશો ને?” બળરામને આવાં બીજાં આમંત્રણો પણ મળ્યાં. કૃષ્ણની પાસે રાજા વિરાટનો પત્ર હતો. કૃષ્ણના મનમાં અચાનક વિચાર ઝબકી ગયો : બળરામે કોનું આમંત્રણ સ્વીકારવું જોઈએ? બળરામની સાચી દિશા કઈ? ખેડૂતોએ વિદાય લીધી એટલે બળરામ, રેવતી અને કૃષ્ણ ઘરમાં ગયાં. કૃષ્ણે વિરાટના આમંત્રણની વાત કરી કહ્યું : “આપણે સત્વર જવું પડશે, મોટા!” અને પછી રેવતી તરફ જોઈ કહ્યું : “અને તમે પણ તૈયાર છો ને ભાભી, તમારે હસ્તિનાપુરની વાટ પકડવી પડશે.” રેવતીએ બળરામને બધી વાત કરી હતી. બળરામે કહ્યું : “કૌરવ-પાંડવો વચ્ચે સંપ થાય એના જેવું રૂડું શું? તે માટે બધા જ પ્રયત્નો કરી છૂટવા જોઈએ. એ રેવતીના હાથમાં તો નાનકા, તેં હુકમનું પાનું આપી દીધું છે. થાય, તો ભારે કામ થાય." રેવતી તુલસીનો ઉકાળો લઈ આવી. સાથે કૃષ્ણને ભાવતાં ઢેબરાં પણ હતાં. ત્રણે વરંડામાં બેઠાં. સવારની હવા હિલોળે ચડી હતી. વાડીની લીલી સુગંધ તેમાં માદકતા ઘોળતી હતી. ઊંડો શ્વાસ લેતાં અંદર કાંઈક તરબતર થઈ જતું. શરીરમાં તાજગી દોડવા લાગતી. રેવતીએ ઉકાળો અને નાસ્તો આપતાં કહ્યું : “લો ગોપાલ, આ બંને જરા વાડીની હવામાં ઝબોળી શિરાવો! તમારો થાક ઊતરી જશે.” “હા. ભાભી, અહીં આવું છું ત્યારે વૃન્દાવનની તાજગી ફરી રોમે રોમમાં ભરી લઉં છું. પછી માંધાતાઓ સામે બાથ ભીડતાં પણ મન પાછું પડતું નથી.” રેવતીએ કહ્યું : “પણ ગોપાલ, મને તો થાય છે કે આવા માંધાતાઓ સામે આપણે મીટ પણ શા માટે માંડવી જોઈએ? તેમાંથી બેચારનાં માથાં પડે કે બે-ચારના વિચાર બદલાય તેથી શું વળે? મને તો બેચાર માણસોના ફેર-પલટાથી આખો સંસાર બદલાઈ જાય એ વાત જ ગમતી નથી, અને છતાં કોઈ વાર એમ પણ થાય છે કે બેચાર વ્યક્તિઓ પર લાખોનાં જીવનમરણનો સવાલ તોળાઈ રહ્યો ત્યારે તેમને ઉવેખવાં કેમ પોસાય? કાંઈ સમજ પડતી નથી. તમને એક વાત પૂછું?” ‘“પૂછો, ભાભી, તમારા પ્રશ્નમાં પણ ક્યાંક વળાંક લેતી કેડી હશે.” “તો એમ પૂછું છું ગોપાલ, કે તમે હમણાં જ અમારાં સગાંવહાલાંને અહીં જોયાં. તેમનો અવાજ પણ સંભળાય એવું ક્યારે બનશે? ક્યારે?” વાત કરતાં રેવતીના સ્વરમાં કંપ આવી ગયો. બળરામે એ સ્વરને પોતાના સુદૃઢ કંઠે ઉપાડી લેતાં કહ્યું : “નાનકા, આજકાલ તો એ અવાજને જ બળવાન અને બુલંદ કરવાનું કામ મેં ઉપાડી લીધું છે. રેવતી જાણે છે, હું રોજ કેટલાં ગામડાં ને ખેતર ખૂંદી વળું છું. મને હવે મોટાં મસ ખેતરોમાં ને માણસોનો જમેલો કરવામાં રસ નથી. જીમૂતને તો ક્યારનોયે વળાવી દીધો તે તું જાણે છે. આ નાનકડાં જૂથ, જેને દીઠે ચહેરો ઓળખાઈ જાય ને રોજનો નાતો બંધાઈ રહે એવાં જૂથ, પર મારો મદાર છે. તેમને એક વાર કોદાળી-પાવડાનું બળ બતાવી દઉં! હળનો મહિમા સમજાવી દઉં! - પછી ભલે તારા ચક્રવર્તી છાશવારે બદલાયા કરે." કૃષ્ણ એકચિત્તે સાંભળતા ગયા. બળરામનો આત્મા બોલી ઊઠ્યો : “અને મને આ લોકો વચ્ચે એટલો બધો આનંદ આવે છે! અમારે અહીં કોઈની ખુશામત કરવાની જરૂર નથી લાગતી. આ ખેડુ, આ કારીગર, આ દા’ડિયો કડવો થઈ શકે છે, કારણ કે તેને માટે આજની મહેનત ને આજની રોટી પૂરતી છે. તેને પોતાનાં બાવડાં પર ભરોસો છે. પણ રાજદ્વારીઓ અને વેપારીઓને તો પોતાની પેઢીઓ ચલાવવી છે. તેઓ જખ મારીને મીઠામધ જેવા થઈ જાય છે. મને તો તેમનું મોઢું જોવુંયે નથી ગમતું. નાનકા, મને વિરાટસભામાં ન લઈ જઈશ. મારી આ વામનસભા મારે માટે બસ છે. મારું એ કુદરતી બેસણું છું ને અહીં મારું કાળજું કોળી ઊઠે છે. ક્યાંક રાજામહારાજાને ચોપડાવી દઈશ તો એમનાં મોઢાં ચડી જશે ને તારું કર્યું-કારવ્યું રખડી પડશે.” બળરામના ચહેરા પર નફરત ફરી વળી. કૃષ્ણે વાતને નવો વળાંક આપતાં કહ્યું : “ભાભી, મને શું ભાવે છે તેની તમે કેટલી કાળજી રાખો છો! આ તુલસીનો ઉકાળો, આ ઢેબરાં, આ તાજી હવા, અહીં આવું ત્યારે ચાખવા મળે છે. પણ મોટા ભાઈ જે પીરસે છે એ તો આજે સારાયે ભારતવર્ષમાં દુર્લભ થઈ પડ્યું છે. એટલે તો તેમને સાથે રાખી આવી સાચ—પાયેલી વાણીને મડદું બનતા જતા સમાજમાં જીવતી રાખવાનું મન થઈ જાય છે." પછી એકીટશે જોઈ રહેલા બળરામ તરફ ફરી કહ્યું : “આ રાજાઓ, મહારાજાઓ, સમ્રાટોના ભોજનથાળમાં બત્રીસ જાતનાં પકવાન જ પીરસાય છે, મોટા, ત્યારે, આ મેથીના લાડુ ત્યાં લઈ જવા છે. તેમનું મોઢું ભલે બગડે, પણ તેમની હોજરીને તમે ઠેકાણે લાવી શકશો. તમને સાથે લઈ ગયા વિના હું કેવી રીતે જાઉં? આ લોકો વચ્ચે હું થોડો શોખથી બેસું છું, મોટા! આ દેશને ભયાનક હત્યાકાંડમાંથી બચાવી લેવા મારા લોહીનું બુંદે બુંદ હું ત્યાં નિચોવું છું. અને ત્યારે તમે જ મારી પડખે ઊભા નહીં રહો?” કૃષ્ણને વધુ કહેવું ન પડ્યું. બળરામે નાના ભાઈને બાથમાં લેતાં કહ્યું : “હું આવું છું, નાનુ, તારી સાથે જ આવું છું, ક્યારે ઊપડવું છે?” રેવતી સામે કૃષ્ણે આંખો માંડી. રેવતીએ કહ્યું : “થોડા દિવસમાં લક્ષ્મણા હસ્તિનાપુર જવાની છે, તેની સાથે જવાનું મેં નક્કી કર્યું છે. પણ ગોપાલ, મને કશી સમજ નથી પડતી. ગાંધારીના પાટા હું ઉખેડી શકીશ? જે પોતાની જાતે જ અંધકાર ઓઢી બેસે તેને પ્રકાશમાં શી રીતે લાવી શકાય?” રેવતીના ચહેરા પર ચિંતા તરવરી રહી. કૃષ્ણે કહ્યું : “ગાંધારી ધૃતરાષ્ટ્રની જેમ જન્માંધ તો નથી. સત્યને નિહાળવા અને ધર્મને પાળવા માટે તે સતેજ છે. પણ પતિની આજ્ઞા અને પુત્ર પ્રત્યેનો પ્રેમ તેને રસ્તો સ્પષ્ટ દેખાવા છતાં આગળ પગલું માંડવા દેતાં નથી. તમે તેના પગમાં પડેલી આ બે શૃંખલાઓ જો તોડી નાખો!” “તમને એ શક્ય લાગે છે?” “જેને કશું જ અશક્ય ન લાગે એવા પાગલને તમે આ કેવો પ્રશ્ન કરો છો, ભાભી? અને કદાચ આપણે સફળ ન થઈએ તોયે શું? વ્યાસદેવે નહોતું કહ્યું? — ઉન્નત ઝંખના એ ઉન્નત કાર્ય જેટલી જ મહત્ત્વની છે. એથી જરા આગળ વધી હું તો કહું કે જે ઝંખના દેખાતા કાર્યમાં નથી પરિણમતી એ પણ ક્યાંક અદીઠ કાર્યનો આંક માંડતી જાય છે, અને એ આંકડો પૂર્ણત્વનો છે.” “પણ આપણી નિષ્ફળતાને લીધે મહાસંહાર આવી પડે તો? તેનાથી કેવડી મોટી કરુણતા સર્જાશે તેનું તમને મનમાં કાંઈ નથી થતું?” “કર્તવ્યનો આંકડો પૂરો માંડ્યા પછી હિસાબ કરવાનું હું શીખ્યો નથી.” “સર્વનાશ સામે જ દેખાય તોપણ? એની સામે આંખો મીંચી દેવી એ શું કર્તવ્ય છે?” રેવતીના પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે કૃષ્ણે પોતાના ભ્રૂ મધ્યે આંગળી ફેરવતાં કહ્યું : “આંખો મીંચી દેવાની વાત તો ક્યારેય આવતી નથી. પણ એક ત્રીજી આંખ ખોલવાની વાત જરૂર આવે છે. પણ એ જે જુએ છે તે બીજાને બતાવી શકાતું નથી.” પછી રેવતીની ગ્લાનિને હટાવવાનો પ્રયત્ન કરતાં કૃષ્ણે હસીને ઉમેર્યું : “ગાંધારીના પાટા ન ઊખડે તો કાંઈ વાંધો નહીં. તમારું એ લોચન તો ખૂલી જશે, ભાભી!” રેવતીનો કંઠ ભરાઈ આવ્યો. કહ્યું : “ત્રીજું લોચન ઊઘડવાની વાત તો દૂર રહી, મારાં આ બંને લોચન બિડાઈ જાય એનીયે મને ચિંતા નથી. મને ક્યાંક ઊંડે ઊંડે રામ વિષે બહુ લાગી આવે છે. ગોપાલ, તમે એમની સાથે છો તેનો સંતોષ છે. પણ ક્યાંક તમે બંને જ સામસામે આવી જાઓ તો? તમને વારંવાર કહેવાનું મન થાય છે કે રામને સાચવી લેજો, ગોપાલ!” રેવતી વાત કરતાં રડી જ પડી. કૃષ્ણે તેના વાંસા પર હાથ ફેરવી કહ્યું : “ભાભી, તમે દાશરથિ રામ અને ભરતની કથા તો સાંભળી છે ને? વાલ્મીકિએ જે ભ્રાતૃવાત્સલ્યનું દર્શન કરાવ્યું છે એ તો મેં આકંઠ પીધું છે. આવું અમૃત પી મોટા ભાઈ સાથે કૃષ્ણ સદાય જીવશે. માત્ર જીવનમાં જ નહીં, મૃત્યુ પછી પણ તે આવા અમૃતથી જીવતો રહેશે.” કૃષ્ણે વિદાય લીધી અને બળરામ-રેવતીને વંદન કર્યાં ત્યારે તેના ચિબુકને સ્પર્શી રેવતી આનંદભેર બોલી ઊઠી : “કરોડ કરોડ વર્ષનો થા, મારા નાનકા!"