માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૧

From Ekatra Foundation
Revision as of 01:28, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧

મરુભૂમિથી નૈમિષારણ્ય ઘણું દૂર હતું. પથહીન રણવિસ્તાર પાર કર્યા પછી વિવીતપથ (ગોચરો વચ્ચેનો માર્ગ) શરૂ થતો. તે પૂરો કર્યા પછી કુરુજનપદની સીમા આવતી અને ત્યાંથી વિશાળ રાજમાર્ગ ઉત્તરપથ મળી જતો. આ પ્રાચીન માર્ગની બંને બાજુ ઘટાદાર વૃક્ષોની વીથિકા હતી, પાન્થશાળાઓ અને પરબોની વ્યવસ્થા હતી. હરએક કોશ પર અંતર દર્શાવતા આંકડા હતા. આ ઉત્તરપથ રાતદિવસ ઘર્ઘરતા રથો, ચાબુકના સપાટાઓ અને અશ્વોના ડાબલાથી ગાજતો રહેતો. સાર્થવાહોની વણજાર તેના પર પાણીના રેલાની જેમ વહેતી રહેતી. ઉત્તરપથ વિષે કહેવાતું કે છેક ગાંધારથી કોઈ માણસને આંખે પાટા બાંધી પાંચાલ પ્રદેશમાં લાવવામાં આવે અને તેના પાટા ખોલી તેને કહેવામાં આવે કે પેલી દિશામાં રહ્યો ગાંધાર દેશ, તું એ તરફ ચાલતો થા, તો વિના થડકે તે સીધો ગાંધાર પહોંચી જાય. બળરામ ગોચર ભૂમિઓ પાર કરી દેવિકા નદી પાસે આવી પહોંચ્યા. જળવિહીન વિસ્તાર વટાવ્યા પછી પહેલી જ વાર તેમણે વહેતું જળ જોયું અને તેમનું હૃદય આનંદિત થઈ ઊઠ્યું. દેવિકા નદીને કિનારે દેવિકાગ્રામ વસ્યું હતું. તેની પાન્થશાળામાં પ્રવેશ કરતાં બળરામે જોયું તો સારથિ દારુકનો ભાઈ સુમાલી દશબાર સેવકો ને સૈનિકોના બેડા સાથે રાહ જોઈ રહ્યો છે. બળરામને જોઈ સહુ દોડી આવ્યા. સુમાલી પગે પડ્યો. આનંદથી બોલી ઊઠ્યો : “આવી પહોંચ્યા, દેવ?” “અરે, સુમાલી તું? અહીં ક્યાંથી?” “દેવ, અમને કૃષ્ણપ્રભુએ મોકલ્યા છે. આપને લેવા માટે. બે દિવસથી આપની રાહ જોઈએ છીએ.” કૃષ્ણે લીધેલી કાળજી માટે બળરામને મનમાં સારું લાગ્યું, પણ પૂછ્યું : “કેમ? ઉત્તરપથમાં યાત્રા માટે રથ મળતા બંધ થઈ ગયા છે? હું વ્યવસ્થા કરી લેત.” “જી. રથ હવે નથી મળતા. યુદ્ધ શરૂ થઈ ગયું છે ને!” “હં.” બળરામ ઊંડા ઊતરી ગયા. પછી સેવકો અને સૈનિકો ભણી જોઈ પૂછ્યું : “અને આવડો મોટો રસાલો શા માટે મોકલ્યો?” “એમ છે ને દેવ, આપણે રાતે પણ મુસાફરી કરવી પડે. અને હવે માર્ગ સલામત નથી રહ્યા.” એક મહાબલીને પણ રક્ષણની જરૂર પડે એવો જમાનો આવી ગયો હતો ત્યારે સામાન્ય જનની તો શી સ્થિતિ? બળરામે આ નાનકડા પ્રસંગમાં આગમનાં એંધાણ વાંચી લીધાં. બ્રહ્માવર્ત ભારતનું હૃદય ગણાતું. તેમાં પણ નૈમિષારણ્ય એ હૃદયના ધબકાર સમું હતું. ગંગા અને યમુના વચ્ચેનો આ પ્રદેશ અંતર્વેદિ કહેવાતો. એનો વિસ્તાર મત્સ્ય, શૂરસેન, કુરુક્ષેત્ર અને પંચાલનાં જનપદોને સમાવતો બ્રહ્મર્ષિદેશ તરીકે વિખ્યાત થયો હતો. અહીં આર્યોએ જે અગ્નિની સ્થાપના કરી હતી તે ચક્રવર્તી સમ્રાટોની વિજયયાત્રા સાથે ચારે દિશામાં ફેલાઈ ગયો હતો. અહીંના આર્યજનોનો ધર્મ, આચારવિચાર, વહેવાર શિષ્ટ ગણાતો, પૃથ્વીના લોકો માટે એ આદર્શ માનવામાં આવતો. નૈમિષારણ્યનાં ઋષિકુલો એ આદર્શને સદાયે પ્રજવલિત રાખવા મથતા અને જ્યારે આ યજ્ઞવેદિ આસપાસ જડતાની ઈંટો ને રૂઢિની આહુતિઓ ખડકાઈ જતી ત્યારે તેને ખસેડી યજ્ઞની જ્વાળાને ફરી ભભૂકતી કરનારા નીકળી આવતા. યજ્ઞ કદીક ઝંખવાતો, રાખમાં રગદોળાતો નહીં. આભને થોભ દે એવા મહામાનવો આ ભૂમિની માટીમાંથી ઊભા થતા, યજ્ઞ પર ચડેલી રાખ હટાવી દેતા અને તેની શુદ્ધ અગ્નિશિખાને ફરી દિશાઓને અજવાળતી કરી આપતા. આ સમયે એવા જ પ્રતાપી અને ઉન્નત પુરુષ હતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન. વેદોનું તેમણે નવેસરથી સંકલન કર્યું હતું. તેના યજ્ઞ, કર્મ અને જ્ઞાનવિભાગને તેમણે ફરી વ્યવસ્થિત કર્યા હતા. તેમનું નામ તેથી વેદવ્યાસ પડ્યું. એવી કોઈ વિદ્યા નહોતી, જેમાં પોતાની પ્રતિભાથી તેમણે નવો પ્રકાશ ન પાડ્યો હોય. આર્યાવર્તના ખૂણેખૂણામાં વ્યાસનું નામ પડતું અને કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી માથું નમાવતો. પણ આજે એ જ વેદવ્યાસ વૈદિક ધર્મને માન્ય ન હોય એવી વાતો કરવા લાગ્યા હતા. યજ્ઞોના સ્વામી પુરંદર ઇન્દ્રનું નામ તેમને મન ગૌણ બની ગયું હતું. યજ્ઞોનો અર્થ પણ એ વળી નવો ને નવો કરવા લાગ્યા હતા. અસહ્ય વાત તો એ હતી કે દેવરાજ ઇન્દ્રનું અપમાન કરનારા ગઈ કાલના ગોવાળિયા કૃષ્ણ યાદવને તે વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા હતા. જેની નાડીઓમાં શુદ્ધ આર્ય રક્ત વહે છે, તે આર્યજન આવો અધર્મ કેમ સાંખી શકે? અવતાર વળી શું? અવતાર જેવો કોઈ શબ્દ વૈદિક બ્રાહ્મણોના શબ્દકોશમાં નહોતો. ઉપેન્દ્ર વિષ્ણુ પ્રત્યે વેદવ્યાસને પક્ષપાત હોય તો એ બહુ વાંધા જેવું નહોતું. પણ એ જ વિષ્ણુ મનુષ્યરૂપે અવતાર ધરે એ તો શાસ્ત્રવિરુદ્ધ, ધર્મવિરુદ્ધ, પરંપરાવિરુદ્ધ હડહડતું જૂઠાણું હતું. અને વિષ્ણુને અવતાર ગ્રહણ કરવો હોય તો તે જંગલી ગોપને વેશે આવે, એમ? મહાજ્ઞાની બ્રહ્મર્ષિઓ આ વાત સાંભળી પોતાની મોટી મોટી શ્વેત જટાઓ ધુણાવતા હસી પડતા. તેઓ કહેતા, પરાશરનો દીકરો પાગલ થઈ ગયો છે. ઉપરાંત આ વિષ્ણુની વ્યાસે જે દશા કરી મેલી હતી એ તો સાંભળતાં જ અંગમાં આગ લાગી જાય એવી હતી. આ વિષ્ણુ હવે યજ્ઞભાગ ગ્રહણ કરનાર દેવ નહોતા રહ્યા. તેમને આવાહન આપવા માટે વૈદિક મંત્રોની જરૂર નહોતી રહી. એ વિષ્ણુ તો નાકવિહોણા અનાસ-ચીબા દસ્યુઓમાં, જંગલી કૌલ, ભીલમાં, આર્યોના શત્રુ અસુરોમાં પણ વ્યાપક બનીને રહ્યા હતા. અરે, આવી અધમ વાણી કોણ વેદવ્યાસ ઉચ્ચારે છે! બીજું કોઈ હોત તો તેને પકડીને તેના મુખમાં ધગધગતું સીસું રેડવામાં આવ્યું હોત. પણ આ તો જેણે વેદની અપૂર્વ સેવા બજાવી હતી તે વેદવ્યાસનાં વચન! અને વિષ્ણુને પણ તેમણે કેવો બનાવી દીધો? માથે મોરનું પીંછું, ગળે ચણોઠીની માળા, હોઠે માદક બંસી અને પાછળ ઘેલી સ્ત્રીઓનું ટોળું! આ ભૂમિમાં હજુ જેમને વૈદિક જ્ઞાન અને ઉપાસનાનો લાભ મળ્યો નથી એવા અબુધ જનો તો આવા અવતાર પાછળ નાચી જ ઊઠે ને! વ્યાસે આર્યધર્મની કેવી કુસેવા કરી છે તેનો એને ખ્યાલ નહીં હોય? આર્યકુલનો વંશજ આવું ઘોર પતન ક્યાં સુધી ચલાવી લે? કદાચ વ્યાસ પોતે એકલા આવી માન્યતા ધરાવી મૂંગા બેસે ત્યાં સુધી તો ઠીક. તેમની આર્યધર્મની સેવાઓ જોઈને તેમને માફ કરી શકાય. પણ એ તો પોતાના શિષ્યોને આવાં જંગલી ગાન શીખવી ઠેર ઠેર ઘૂમવા મોકલતા હતા. આર્યધર્મનો આથી મોટો દ્રોહ કલ્પી ન શકાય. એક આર્યને હાથે જ આ તો ધર્મનો ધ્વંસ. જેમના મનમાં વ્યાસ પ્રત્યે આદર હતો તેઓ પણ તેને કુલાંગાર માનવા લાગ્યા. નૈમિષારણ્યમાં આર્યત્વના રક્ષકોએ વેદવ્યાસ સામે ઝુંબેશ ઉપાડી. બળરામે નૈમિષારણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે લાગ્યું કે દરિયો ડહોળાઈ રહ્યો છે. વાતાવરણ અત્યંત ક્ષુબ્ધ હતું. જ્યાં સામગાનનો મધુર ઘોષ સંભળાતો ત્યાં ઉગ્ર ચર્ચાઓ જામી પડી હતી. ઋષિગ્રામો, આશ્રમો, યજ્ઞશાળાઓ અને એકાંત સાધનાકુટિરો પાસેથી બળરામનો રથ પસાર થયો ને સર્વ સ્થળે શાંતિ ડામાડોળ થતી લાગી. બળરામને મનમાં થયું : મહાયુદ્ધથી દૂર જવા માટે યાત્રાએ નીકળ્યો, ત્યાં આ જુદા મહાયુદ્ધ વચ્ચે આવી ચડ્યો. માણસ કદી યુદ્ધથી દૂર જઈ જ નહીં શકે? વેદવ્યાસના આશ્રમ પાસે રથ ઊભો રહ્યો. સંધ્યાનો સમય હતો એટલે મુનિ સંધ્યાવંદન કરવા ગયા હશે એમ બળરામે માનેલું. પણ એ તો આશ્રમના ચંક્રમણ માર્ગ પર ધીર ગતિએ ટહેલતા હતા. આશ્રમમાં નીરવ શાંતિ હતી. આશ્રમદ્વાર પાસે રથને ઊભેલો જોઈ મુનિ નજીક આવ્યા. બળરામને રથમાંથી ઊતરતા જોઈ ચાલની ગતિ વધારી. બાહુ પ્રસારી સ્વાગત કરતા બોલ્યા : “આવો! હલધર, આવો!” બળરામે વ્યાસને પ્રણામ કર્યા. વ્યાસે માથે હાથ મૂકી કહ્યું : “શુભ થાઓ!” પોતાને મરુદેશમાં કેવી રીતે કૃષ્ણનો સંદેશો મળ્યો અને પોતે કેવી ત્વરાથી આવી પહોંચ્યા એ તમામ વાત બળરામે કહી. સાંભળી વ્યાસદેવની આંખો ભીની થઈ. કહ્યું : “હલધર, નારાયણ ભક્તોનું રક્ષણ કરે છે એનો તો અનુભવ છે, પણ એ ભક્તિને પોષે છે એ તો આ પળે અનુભવ્યું. ભક્તિ અત્યારે ભયમાં છે, હલધર! એનું રક્ષણ કોને સોંપું એના વિચારમાં જ હતો ત્યાં તમને હરિએ મોકલી આપ્યા. આજે તમને એનો ભાર સોંપી નિશ્ચિંત બની જઈશ. પણ એ વાત પછી. પહેલાં તમે આરામ કરો. સ્વસ્થ થાઓ. તમારા અશ્વો અને સેવકો માટે વ્યવસ્થા કરું છું.” વ્યાસદેવે આશ્રમના વ્યવસ્થાપક નંદીવર્ધનને બોલાવી બળરામના સેવકોની સોંપણી કરી અને બળરામને અતિથિગૃહે લઈ જવા એક શિષ્યને કહ્યું. “જિગીષ, મહાબાહુ બળભદ્ર માટે મલ્લિકાકુંજમાં ઊતરવાની વ્યવસ્થા કરો!" બળરામ ગયા એટલે એ ફરી શાંત પગલે ટહેલવા લાગ્યા. આશ્રમનાં વૃક્ષો અને વીથિકાઓ પરથી સધ્યાના રંગો ઓસરતા હતા. ઝાંખા થતા અજવાસમાં પણ દરેક ફૂલછોડનાં પાન ચમકતાં હતાં. લાગતું હતું કે કોઈએ તેમને સંભાળથી લૂછ્યાં છે. અમ્લાન ચહેરે એ બધાં સુખની નીંદરમાં જઈ રહ્યાં છે અને જાગશે ત્યારે એકીસાથે હસી ઊઠશે, બાગને હસતો કરી દેશે. આશ્રમની છૂટીછવાઈ કુટિરોના દ્વાર પાસે અને તુલસીક્યારાના ગારલીંપ્યા ઓટલા પર દીવાઓ ઝગમગવા લાગ્યા હતા. અચાનક નજીક એક ઘટાની પાછળથી એક કોમળ નારીકંઠેથી વહેતો શ્લોકનો ગુંજાર તરતો આવ્યો. “બર્હાપીડં નટવરવપુ : કર્ણયોઃ કર્ણિકારં.” માથે મોરનું પીંછું, નટવરનું શરીર, કાનમાં રાનકરેણના ગુચ્છ, જિગીષે બળરામનો હાથ પકડી કહ્યું : “સાંભળો, રામ! જરા કાન માંડી સાંભળી લો. આ શ્લોકોએ તો શુક્રમુનિને વનમાંથી પાછા વાળ્યા. એક વીતરાગના હૃદયને પણ જીતી લીધું. અને એ શ્લોકો માટે હવે જરઠ જ્ઞાનીઓ અમારા પર દંડાપ્રહાર કરે છે, અમને મારી નાખવાની ધમકી આપે છે. પણ મહાઆશ્ચર્ય છે, રામ!” “શું?" “કે આ શ્લોકોથી જ અમારી ભીરુતા ચાલી જાય છે. અમારામાં રહેલો અત્યંત નિર્બળ બટુક પણ આ શ્લોક ગાય છે અને ભય સામે ખુલ્લી છાતીએ ચાલે છે.” શ્લોકના શબ્દો કાને પડતાં જ બળરામની સામે વૃંદાવન ખડું થઈ ગયું. કોઈએ સંજીવની છાંટીને એ દિવસોને ફરી જીવંત કર્યા હતા. બળરામે પૂછ્યું : “આ શ્લોક કોના વિષે છે, એની તો ખબર પડે છે. પણ એ રચ્યા છે કોણે?” “બીજું કોણ રચે, દેવ? કોની લેખિનીમાં એવી મધુરતા છે! અને બીજી વાત કહું?” જિગીષ વાતે વાતે ખીલતો ગયો. “તારા અવાજ પરથી લાગે છે કે તારાથી કહ્યા વિના નહીં રહેવાય, ખરું?” બળરામે હસીને જિગીષ સામે જોયું. પછી કહ્યું : ‘તો બોલ, મારાથી સાંભળ્યા વિના કેમ રહેવાય?’ જિગીષ તાનમાં આવી ગયો. બોલ્યો : “દેવ, કેટલા આશ્ચર્યની વાત છે! ગુરુ મહારાજ એક એક શ્લોક રચે, અને અમને હાક મારી બોલાવે. તેમનું હૃદય શ્લોક રચતાં એટલું ઉલ્લસે છે કે પોતે ઉચ્ચ સ્વરે ગાઈ ઊઠે, અને અમારી પાસે ગવડાવે. હમણાં તો આશ્રમનું મુખ્ય કર્તવ્ય આ ગાન ગાન ગાન થઈ પડ્યું છે. તમે બહેન માધવીને હમણાં જ ગાતાં સાંભળી ને! હવે એ આખી રાત આશ્રમની કુંજે કુંજે ગાતી ફરશે.” “પણ, જિગીષ, તેં એ તો ન કહ્યું કે આવા મધુર શ્લોક સાંભળીને મહાજ્ઞાનીઓ શા માટે કોપી ઊઠે છે?" “એ તમે જ્ઞાનીઓને મુખે જ સાંભળજો ને દેવ! ટોળાં બાંધી આવી પહોંચ્યા છે આશ્રમે. ગુરુમહારાજને કાંઈ કરી બેસશે તો અમે તેમની ખો ભુલાવી દઈશું.” “એમ? એ લોકો એટલા બધા આગળ વધે છે?” “તો? આચાર્ય જૈમિનીને એ લોકો ઉપાડી ગયા છે. ક્યાં છુપાવ્યા છે એનીયે ખબર નથી. જૈમિની સામગાનમાં નિષ્ણાત છે ને! એ લોકો કહે છે કે તેમનાથી સામગાન સિવાય બીજું કાંઈ જ ન ગાઈ શકાય, અને આચાર્ય તો ગુરુમહારાજના શ્લોકને પહાડી ઝરણાની જેમ મુખરિત કરી દે છે.” જિગીષ વાત કરતાં વચ્ચે અટકી બેઠો. બળરામ સામે જોઈ ચિંતાતુર સ્વરે બોલ્યોઃ "દેવ!" “હં.” “એ લોકો આચાર્ય જૈમિનીને પ્રાણદંડ તો નહીં આપે ને?” જિગીષને વહાલથી નજીક ખેંચી બળરામે કહ્યું : “જિગીષ, એવું નહીં થાય. પણ જો થશે તો પરશુરામે જેમ પૃથ્વી નક્ષત્રી કરી હતી તેમ આપણે પૃથ્વીને ન-બ્રાહ્મણી કરી નાખીશું.” જિગીષની મૃગશિશુ જેવી ભોળી આંખોમાં અંગારા સળગી ઊઠ્યા. મનોમન બોલ્યો : ગુરુમહારાજ સહન કરવાનું કહે છે. પણ મારાથી કેટલુંક સહન થઈ શકતું નથી. મલ્લિકાકુંજ પાસે બંને આવી પહોંચ્યા. અતિથિગૃહના પ્રવેશદ્વાર પાસે લતામંડપ હતો તે માલતીનાં શ્વેત ફૂલોથી છવાઈ ગયો હતો. ગૃહની પરસાળમાં દીવા બળતા હતા. નાગજાતિનો એક સેવક પગથિયા પર બેસી શેષશાયી વિષ્ણુનાં નામ મોટેથી ગોખતો હતો. બળરામ અને જિગીષને જોઈ તે ઊભો થઈ ગયો. ઓરડા ઉઘાડી આપ્યા. બધું સ્વચ્છ સુઘડ હતું. અતિથિગૃહની બાજુમાં કૂવો હતો. નાહવાની સગવડ હતી. સેવકે પાણી કાઢી આપ્યું. બળરામે સ્નાન કર્યું ત્યાં જિગીષ આશ્રમના રસોડામાંથી ભોજનનો થાળ લઈ આવ્યો. બળરામ ભોજન પતાવી પરસાળમાં સુખાસન પર બેઠા. ઓછાબોલો નાગ હજુ વિષ્ણુનાં નામ ગોખતો હોઠ ફફડાવતો હતો. બળરામે તેને પાસે બોલાવ્યો. પૂછ્યું : “તારું નામ શું?” “વ્યાસબાપુએ મારું નામ અનંત પાડ્યું છે.” “વાહ, તું ભુજગશયન, ભુજગશયન કહેતો હતો તે કોણ? વિષ્ણુ?” “હા, વિષ્ણુ ભગવાન જ તો વળી.” “પણ તે શેષનાગ ઉપર શયન શા માટે કરે છે?” “એ તો એવું છે ને! અસુરો સામે લડી લડી વિષ્ણુ ભગવાનનું શરીર એવું તપી જાય, એવું તપી જાય કે તેને ઊંઘ જ નો આવે.” “પછી?" “પછી અમારા મહારાજા શેષનાગે તેમને બોલાવી કીધું કે અહીં આવો, અહીં મારા શરીરનું લાંબું ફીંડલું વાળું છું ને માથે ફેણનું છત્તર ધરું છું. તમ તમારે નિરાંતે ઊંઘો. વિષ્ણુ ભગવાન તો શેષનાગના શરીર પર સૂતા. શીળી શીળી પથારીમાં પડ્યા હોય એમ તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા." “પણ વિષ્ણુને નાગની બીક ન લાગી? ક્યાંક કરડી બેસે તો?” અનંત એવી રીતે હસ્યો કે બળરામની બુદ્ધિ વિષે તેને પાકી શંકા પડી હોય. તમે તે કેવી મૂર્ખાઈભરી વાત કરો છો? એવાં વેણને ગળી જઈ પાછળનાં વાક્ય ધીમેથી બોલ્યો : “લે, દોસ્તારને કાંઈ દોસ્તારની બીક લાગે?” બળરામને અનંતે બે આકરાં વેણ સંભળાવી દીધાં હોત તોપણ તેમને આનંદ જ થાત. ભારતના ક્ષત્રિયો એકબીજાનાં ગળાં કાપતા હતા, અને બ્રાહ્મણો જ્યારે શુચિતા, રક્તશુદ્ધિના નામે ભારતના વિશાળ સમુદાયથી વિખૂટા પડી પોતાનું મોત નોતરતા હતા ત્યારે વ્યાસ સમગ્ર ભારતને હૈયે ચાંપી રહ્યા હતા. ભારતને એકસૂત્રે પરોવવાનો આ કેવો તો પુરુષાર્થ! અને એ સૂત્ર ભારતના હૃદયને સ્પર્શી જાય એ કેવડો મોટો ચમત્કાર! અતિથીગૃહનું વાતાવરણ ચમેલીની સુગંધથી તરબોળ હતું, એવું જ વ્યાસનું કાર્ય ભારતના કણેકણમાં પ્રસરાતું લાગ્યું. બળરામે તેમને મનોમન વંદના કરી અને પથારીમાં પડ્યા ત્યારે વિષ્ણુના જેવી જ નિદ્રા આવી ગઈ. વચ્ચે મોડી રાતે એકાદ વાર જાગી ગયા ત્યારે દૂરથી આવતા અસ્ફુટ સ્વર સંભળાયા. “બર્હાપીડં નટવરવપુ : કર્ણયો : કર્ણિકારં..." વળી નિદ્રાનાં મોજા ઘેરી વળ્યાં ત્યારે ચમેલીની ઊજળી સુગંધ પર બે ચહેરા તરતા ગયા : વૃંદાવનમાં વિહરતો કૃષ્ણ ફરકી ગયો. ગિરનાર ચડતી રેવતી ધોળાં વાદળમાં અદૃશ્ય થઈ ગઈ.