માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૮

From Ekatra Foundation
Revision as of 01:43, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮

સૂર્યના ધગધગતા ગોળામાં પોતે પ્રવેશ કરતા હોય એમ બળરામને લાગ્યું. પણ આશ્ચર્યની વાત એ બની કે આ ગોળાના કેન્દ્રમાં આવતાં જ જાણે અમૃતની વર્ષા થવા લાગી. બળીને ખાખ થવાને બદલે બળરામના અંતરમાં નવા જીવનનો સંચાર થવા લાગ્યો. સુદર્શનની જ્વાળાઓ વચ્ચે જ આ સુધાવર્ષા! બળરામનાં નેત્રોમાં એક વધુ વિસ્મય અને આનંદનું અંજન લગાડતી રેવતી દેખાઈ, તેની અવર્ણનીય કાન્તિમાંથી શીતળતા ઝરતી હતી. બળરામ બોલી ઊઠ્યા : “આવી પહોંચી, રેવતી!” "હા, રામ." બળરામે અસહ્ય દાહકતામાંથી અપૂર્વ શાંતિના અનુભવની વાત કરી. કહ્યું : “સારું થયું, રેવતી! તું આવી પહોંચી, નહીં તો હું આ કૃષ્ણના સુદર્શનમાં ભસ્મીભૂત થઈ જાત.” “તમે એ સુદર્શનમાં જ છો, રામ!” "રેવતી!" “તમને સોમચક્રનો અનુભવ યાદ છે?" “હા જ તો વળી.. “આ સુદર્શન જ સોમચક્ર છે, દક્ષિણ બાજુ ફરે છે ત્યારે જે દાહક છે, એ જ વામ બાજુ ફરે છે ત્યારે શામક બની જાય છે.” રેવતીએ અપલક નેત્રે બળરામ સામે જોયું. પછી અસીમ સ્નેહથી ભરપૂર સ્વરે કહ્યું : “રામ, સોમચક્રમાં પ્રવેશવાનો સમય આવી પહોંચ્યો. આ વેળા દત્તગુરુ આપણને નહીં રોકે. પ્રસન્ન છો ને રામ?” “પણ રેવતી, આ ભયંકર નરસંહાર! આ ભ્રાતૃહત્યા? કૃષ્ણે આવો દાવાનળ કેમ ન અટકાવ્યો? અમારી છેલ્લી અવસ્થામાં આવું કારમું દુઃખ!” “કદાચ આ મહત્તમ દુઃખનો સ્વીકાર કરીને જ કૃષ્ણ દુખિયારાં પ્રાણીઓ ભણી પોતાની મૈત્રીનો હાથ લંબાવતા હશે.” "મૈત્રી!" “હા, માધવ દુઃખમાં સાથે જ છે. કોઈ ન ઉપાડી શકે એવા દુઃખનો ભાર પોતાને શિરે લઈને સાથે ચાલે છે. મનુષ્યના એ કલ્યાણ મિત્ર છે ને! દુઃખથી ભાંગી ન પડવાનો એ પોતે જ માર્ગ ચીંધે છે. દુઃખથી ભાગી ન છૂટવાનું એમનાં પગલાં જ કહી આપે છે.” “આવા વિનાશમાંથી કદી મુક્તિ જ નહીં મળે, રેવતી?” “કેમ? તમારું હળ બાકી છે, બીજ બાકી છે તમારાં. આ ખેતર તમારી સામે જ નથી, રામ?” “હં.” “તો તમારું હળ ચાલુ રાખશો ને?” રેવતી ધીમું હસી, મૃદુ સ્વરે બોલી : “અને તમારા વારસદારો પણ આવી પહોંચ્યા છે, રામ. તમારા પછી તેઓ હળ ચાલુ રાખશે. મહાવિનાશની જ્વાળામાં બધું જ રાખ થઈ જાય છે, પણ એ રાખમાંથી જ વળી લીલા અંકુર પાંગરી ઊઠે છે.” "ખરું." “તો ઊઠો રામ! વર્ષામંગલને આજે વિફળ ન જવા દો.” બળરામના શરીરમાં કોણ જાણે ક્યાંથી અદમ્ય સ્ફૂર્તિ આવી ગઈ. રેવતીની આંખોમાંથી તેમણે પ્રસન્ન ફૂલ ઝરતાં જોયાં. બળરામે પરસાળમાં આવી તાળી પાડી સેવકોને બોલાવ્યા. કહ્યું : “પેલા કોદંડ અને તેના કુટુંબને બોલાવો.” ભોજન અને આરામથી કોદંડ અને તેનું કુટુંબ કાંટામાં આવી ગયું હતું. કોદંડ, તેના ભાઈઓ અને પુત્રો આવી હાજર થયા. સ્ત્રીઓ જરા દૂર ઊભી રહી, કૌતુકથી જોવા લાગી. એક જોરાવર જુવાનને ખભે હાથ મૂકી બળરામે પૂછ્યું : “તારું નામ શું?” “બીજલ!” “હળ ચલાવતાં આવડે છે?” “હોવે, મારા બાપના ખેતરમાં હું જ હળ ચલાવતો.” “તો સમજી લે કે આ તારા બાપાનું જ ખેતર છે. વરસે વરસે તું હળ ચાલતું રાખીશ ને!” કોદંડ હાથ જોડીને ઊભો હતો. માથેથી ફાળિયું ઉતારી બોલી ઊઠ્યો : “તમારા આશીર્વાદ, દાદા! તમારાં વેણ આંખે માથે.” “અને, જો,” બળરામે બીજલને કહ્યું. “તું હળ ચલાવે ત્યારે દાણા ક્યાં રાખે?” “હળની હાર્યે બાંધેલી કોથળીમાં.” “ના, એમ નહીં, આજને દહાડે શુકન તો કરવાં છે ને! તારે વહુ છે?” બીજલે શરમાતી નજરે સ્ત્રીઓના ટોળામાં જોયું. “એને બોલાવ, દાણાનો ટોપલો લઈ એ હળની સાથે ચાલશે. તું મુઠ્ઠી ભરી ભરી ઓરણીમાં ઓરતો જજે.” કોદંડે હાક મારી : “એ ફૂલી, દીકરી, ઓરી આવ. બીજલને મદદ કર." ફૂલી આવી, બીજનો ટોપલો કાંધે ઉપાડ્યો. બળરામે બળદની ઉત્તમ જોડ અને હળ મગાવી તેનું પૂજન કર્યું, બીજલે હળચાલન કર્યું, બળરામ તેની સાથે ચાલ્યા, બળરામે રેવતીને પોતાની બાજુમાં ચાલતી અનુભવી. સ્વરો સંભળાયા : “આપણા યાદવકુળનું નિકંદન નીકળી ગયું, રામ! પણ આપણા આ કૃષિકુળનો વેલો જોઈ લો! આંખો ભરીને જોઈ લો, રામ! અને દાવાનળ વચ્ચે હૈયું લીલુંછમ રાખો!” ધરતી પર અંકાતા ચાસથી દૂર, ક્ષિતિજ પર અંકાતી વાદળની રેખાઓ બતાવી રેવતીએ કહ્યું : “અને જુઓ, રામ! સૂર્ય નમતો આવે છે. આપણે સમુદ્રતટે જઈ એને પ્રણામ કરી લઈએ. એનો ઉદય ધન્ય, અસ્ત પણ ધન્ય.” બળરામે ભીલ કુટુંબને કહ્યું : “આજથી આ ખેતર, બળદ, સાધનસામગ્રી બધું જ તમારું છે.” સેવકોને બોલાવી કહ્યું : “તમારે અહીં રહેવું હોય તો આ કોદંડની સાથે મળી ખેડ કરજો નહીં તો ખુશીથી બીજે ચાલ્યા જજો. પણ આ ભીલને ખેતરમાંથી કોઈ કાઢી ન મૂકે એ ખાસ જોજો. મારે પગે અડી પ્રતિજ્ઞા લો.” સહુ સેવકોએ પ્રતિજ્ઞા લીધી, કોદંડ ધ્રૂજતે કંઠે બોલી ઊઠ્યો : “દાદા, તમે? અમને મેલી તમે ક્યાં જાઓ છો?” “જ્યાં સહુને મેલી જવું પડે છે ત્યાં. કોદંડ, સુખી થજે ભાઈ!" બળરામની આંખમાં પ્રેમનાં મોતી બાઝ્યાં. ઝડપથી તે સમુદ્રને કિનારે પહોંચી જવા ઊપડ્યા. ખેતરની ધૂળની જેમ તેમણે મનમાંથી બધું જ ખંખેરી નાખ્યું. છતાં મનના અગોચર ખૂણેથી કોઈ અતૃપ્ત કંઠે રહી રહી પૂછ્યા કરતું હતું : નાનકો, મારો નાનકો ક્યાં? એ નહીં જ મળે? બળરામ સમુદ્રતટે જઈ રેતીમાં બેઠા. સામે જ વિશાળ સાગર લહેરાતો હતો. સૂર્યનું બિંબ જળને સ્પર્શવા નીચે ઊતરતું હતું. તેના સોનેરી પટ્ટા તરંગો પર ઊછળતા હતા, રંગોનો સેતુ રચતા હતા. સમુદ્ર શાંત હતો. પણ એ તો બે તોફાન વચ્ચેની શાંતિ હતી. મહાવિકરાળ કેસરિયાની જેમ બે પંજા આગળ લંબાવી, પુચ્છનો ઝંડો ઉછાળી તે ઘેરું ઘેરું ઘૂરતો હતો. કેશવાળી ઉછાળી, ત્રાડ પાડી, છલંગ મારી એ ક્યારે ઊછળશે તે કોણ કહી શકે? સામે પડેલી કિનારા પરની કાળમીંઢ શિલાઓને તે પાડાની જેમ ચીરી નાખવા તલસતો હતો. સૂર્યબિંબે સમુદ્રને સ્પર્શ કર્યો. બળરામ પદ્માસન વાળી, મેરુદંડ ટટ્ટાર કરી ધ્યાનસ્થ થઈ બેઠા. બળરામની પાસે જ રેવતી હતી કે બળરામના પ્રાણમાં પણ રેવતીનો જ શ્વાસ ઘૂંટાતો હતો? વજ્રની ધાર જેવું તીક્ષ્ણ પણ કમળની પાંદડી જેવું કોમળ ચક્ર નાભિમાં ફરવા લાગ્યું. હૃદય સુધી આવ્યું, કંઠમાં પ્રવેશ્યું અને ભાલપ્રદેશની આસપાસ એ નાનકડા સૂર્ય સરખું તેજવર્તુળ બની ફરવા લાગ્યું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય - કોશ ભેદાઈ ગયા. એક આનંદમય કોશનું પડ પારદર્શક વાદળી જેવું બાકી રહ્યું. આનંદનું પાત્ર એક પરિપૂર્ણ આનંદથી સભર બની ગયું હતું. અમૃતનો ઘટ અમૃતના સાગરમાં ડૂબાડૂબ હતો. પણ ઘટના કાંઠા ભાંગતા નહોતા, ઓગળતા નહોતા, અલગ થઈ શકતા નહોતા. ક્યાંકથી પ્રાણના ઊંડાણેથી પુકાર ઊઠતો હતો : નાનકા! મારા ભાઈ! અચાનક બળરામની બંધ આંખો પર મોરપિચ્છ જેવી મૃદુ આંગળી ફરી, અમૃતથી સીંચ્યો હોય તેવો મધુર અવાજ આવ્યો : “મોટા, હું આવી ગયો છું હો.” બળરામે આંખો ઉઘાડી. કૃષ્ણ તેમની બાજુમાં બેઠા હતા. પોતાના હૃદયની એ આનંદમૂર્તિને બળરામ પરમ આનંદથી નિહાળી રહ્યા. કોઈ કાંઈ બોલ્યું નહીં. જેમને દિવસોના દિવસો, રાતોની રાત વાતો કરવા માટે ઓછી લાગતી હતી તે બંને બંધુઓ થોડી વાર અશબ્દ બેસી રહ્યા. બળરામે કહ્યું : “મારી એક ઇચ્છા પૂરી કરીશ?” “શી?" “મારા કાનમાં બંસીના બેએક સૂર રેલાવતો જઈશ?” કૃષ્ણે કમરે બાંધેલી બંસી હાથમાં લીધી. સૂર્ય સમુદ્રમાં વિલીન થતો ગયો, પણ બંસીના સૂરે સૂરે સંધ્યા ખીલવા લાગી. સંધ્યાના કેસરી, લાલ, નારંગી, જાંબલી રંગોની આભા એક પછી એક આનંદલોકનાં બારણાં ખોલતી ગઈ. માટીના કુંભના અણુએ અણુમાં અમૃત પ્રવેશવા લાગ્યું. ધીમે ધીમે શ્વાસ મંદ પડતો થંભી ગયો અને એ જ પળે બળરામના હાથમાં એક હવાનો બનેલો, તેજથી રસેલો પણ પૃથ્વીની સમગ્ર ઉષ્માનો સાકાર પિંડ હોય એવો હાથ પરોવાઈ ગયો. બંસીના સૂરની લહર પર બે ધૂપની સેર જેવા આકારો એકબીજાને મળતા, એકબીજામાં વિલોપન પામતા નર્યા ચૈતન્યનાં ધવલ મોજાં જેવા સમુદ્રનાં મોજાં પર ઊંચે ચડવા લાગ્યા. કૃષ્ણે બળરામની પ્રશાંત, સ્થિર, ગૌર કાયા સામે જોયું. આ અપૂર્વ રમણીય સંધ્યાના પ્રકાશમાં એ કાયા પ્રકાશનો પુંજ બની ગઈ હતી. કૃષ્ણ મૂક ઊભા રહ્યા. જ્યાં શબ્દનું ચલણ નથી એવા રાજ્યની સીમા પર એ આ દીપ્તિને આંખોથી પીતા ઊભા રહ્યા. સંધ્યાની આભા તેના સર્વોત્તમ બિંદુ પર પહોંચી. સમુદ્રનું એક પ્રચંડ મોજું આવ્યું અને બળરામના દેહને ફેનિલ ચાદરમાં વીંટાળી પોતાની ગોદમાં લઈ ગયું. ધીમે ધીમે ડગ માંડતા કૃષ્ણ એક પીપળાના ઘટાદાર વૃક્ષ ભણી ચાલ્યા. તેમનું પીતાંબર સંધ્યાનાં છેલ્લાં કિરણોને પોતાના તારેતારમાં વણી લેવા મથતું હતું. વૃક્ષ નીચે પ્રકાશ અને અંધકાર સંતામણીદા રમતા હતા. કૃષ્ણ ડાબા ગોઠણ પર જમણો પગ મૂકી સૂતા. માથા નીચે બે હાથ ટેકવ્યા. આકાશમાં જોયું. કાજળઘેરું અંધારું ઘૂંટાતું હતું. પણ કૃષ્ણની આંખોમાં આ આખોયે પીપળો શરદ પૂનમનો ચંદ્ર બની ગયો. પીપળાનું એકેએક પાન પૂનમના અજવાળામાં નૃત્ય કરી ઊઠ્યું. સમુદ્રનાં મોજાં પર ચૈતન્યનું મોજું બની વિહરતી આકૃતિઓ તેમની બંને બાજુ વીંઝણાની જેમ ઝૂલવા લાગી, અને અચાનક સનનન કરતું એક તીર આવ્યું. જમણા પગને વીંધી છાતીને ભેદતું શરીરમાં ખૂંપી ગયું. વૃક્ષ નીચે સૂતેલા માનવને હરણ માનીને તીરથી વીંધી નાખનાર વ્યાધ દોડતો આવ્યો. રુધિરભીનો પગ હરણમુખ જેવો સ્થિર હતો. પીતાંબર હરણની કાયા જેવું ફરકતું હતું. વ્યાધ અક્ષમ્ય અપરાધનો માર્યો ધ્રૂજવા લાગ્યો. કૃષ્ણે તેને પાસે બોલાવ્યો. માથે હાથ મૂક્યો. કહ્યું : “તારું કલ્યાણ થાઓ, મિત્ર.” પછી આછું હાસ્ય વેરી કહ્યું : “મારા માનવ બંધુઓને કહેજે, જ્યારે તમે કોઈ પ્રાણીને મારો છો, ત્યારે મને જ મારો છો.” કૃષ્ણે લોચન બીડી દીધાં અને એક જાજ્વલ્યમાન પ્રકાશની ત્રિવેણી આકાશના અગાધ નીલસિંધુમાં સમાઈ ગઈ. જગતમાં રાત પડી.

*