નારીસંપદાઃ વિવેચન/અંધારિયો ખંડ

From Ekatra Foundation
Revision as of 02:56, 12 May 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૭. અંધારિયો ખંડ

પન્ના ત્રિવેદી

આપણે સહુ “આધુનિક કહેવાય તેવી એકવીસમી સદીમાં શ્વસી રહ્યાં છીએ, ચારે તરફ પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ રહ્યો છે- શું મૂલ્યોના કે શું જીવનશૈલીના બદલાતા જતા સમય અને તેની અસર સંદર્ભે સતત અભ્યાસ પણ થતા રહે છે. બદલાતી જીવનતાસીર સંદર્ભે સ્ત્રી પણ તેમાંથી બાકાત નથી. સ્ત્રી બદલાવ અનુભવે છે. ટેક્નોલૉજી તથા વૈશ્વિકીકરણે સ્ત્રીની દશા અને દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે એમાં કોઈ સંદેહ નથી. યુગોથી જે પ્રશ્નોની પૃચ્છાનો અધિકાર માત્ર પુરુષસત્તાએ અબાધિત રાખ્યો હતો તે જડ શૃંખલા તોડીને સ્ત્રી સવાલ પૂછતી થઈ છે. પોતાના પૂર્વે થઈ ગયેલી લાખો કરોડો સ્ત્રીઓએ સાધી રાખેલી ચુપ્પી, દાબી દીધેલ અવાજને આ સદીમાં તેના વડે શબ્દો મળે છે. હવે એક તરફ આર્થિક સ્વાતંત્ર્ય છે તો બીજી તરફ અભિવ્યક્તિની મોકળાશ પણ છે. સ્ત્રી પોતાની ઈચ્છા- અનિચ્છાને નિઃસંકોચ કે નિર્ભિક રીતે પ્રગટ કરતી થઈ છે. તેનું કાર્યક્ષેત્ર હવે માત્ર ઘરની ચાર દીવાલ નથી પણ તેણે પોતાના માટે પાંચમી દિશા પણ ખોલી છે. ઑફિસ, મલ્ટીનેશનલ કંપનીઓ, હવાઈજહાજ, ટ્રાફિક કંટ્રોલ, માર્કેટિંગ, કોલસેન્ટર, ગ્લૅમરજગત... આ બધું જ છે, પણ...? એક વ્યાખ્યાનના સંદર્ભે નારીકેન્દ્રી વાર્તાઓ અને વૈશ્વિકીકરણ વિષય પર સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો અભ્યાસ કરતી હતી ત્યારે તેની વિસ્તરતી જતી ક્ષિતિજના આનંદ વચ્ચે પણ આ ‘પણ...’ તો સાંપડયો. બદલાવ ચોક્કસ આવ્યો છે પણ પ્રશ્નોનાં રૂપ બદલાયાં છે; છતાંય નારીચેતનાને પ્રગટાવતી વાર્તાઓ સાથે હજીય ક્યાંક એવા અંધારિયા ખૂણાનાં દૃશ્યો—ચિત્રણો પણ સાંપડ્યાં કે જે આજે પણ અંધારિયા ખંડ રૂપે જ રહ્યાં, વણઉકલ્યાં! ઊજાસના એક કિરણ માટેનાં વલખાં આજે પણ છે. આ ખંડના દરવાજાની સાંકળો એટલી મજબૂત છે લાખ પ્રયાસે હજી ખૂલી શકતી નથી - ક્યારેક પરંપરાના નામની, ક્યારેક ઘરની આબરૂના નામની, ક્યારેક રિવાજના નામની તો ક્યારેક લજ્જાના નામની-જાતજાતની લોખંડી સાંકળો... ઘસાયેલા હાથના કાંડા કપાઈ જાય છે પણ ખંડ ખૂલી શકતો નથી... પરિવર્તિત વાસ્તવના એક ચહેરાની સામે વાસ્તવનો બીજો એક ચહેરો આ પણ મળે છે. એક તરફ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના રાજમાર્ગ પર પહેલીવાર પુરુષો સાથે કદમ મિલાવી, તાલથી તાલ મિલાવી માર્ચ કરતી, આગેવાની કરતી સ્ત્રીઓને જોઈને ગૌરવ અનુભવાય ત્યાં જ નિર્ભયાકાંડના વિપક્ષી વકીલ શ્રી(?) એલ.પી.શર્માના શરમજનક બયાનને સાંભળીને ‘અંધારિયા ખંડ’ની વાસ્તવિકતા વધુ ઉજાગર થતી જોઈ શકાય છે. તેઓ કહે છે કે અડધી રાતે જાહેર રસ્તા પર જો સ્ત્રી પર બળાત્કાર થાય તો તેમાં કરનાર કરતાં સ્ત્રીનો જ વાંક વધુ છે, અડધી રાત્રે રસ્તા પર પડેલી મીઠાઈને જોઈને જાનવર ખાવા આવવાનો’ આ મતલબનું તેમનું બયાન બેહદ નિર્લજ્જ છે. આજે પણ આવા કેટલાંક વર્ગના પુરુષો માટે સ્ત્રી એક ‘મીઠાઈ’ જ છે! રાતના અંધકારમાં આવી માનસિકતા લઈને રસ્તે ફરનાર જાનવર તો છે જ પણ આ કહેનારને પણ આપણે કઈ કોટિમાં મૂકીશું? આવી હિન વિચારસરણી જોઈને વાસ્તવિકતાનું ભાન થાય છે કે આજે પણ બળાત્કાર થવા પાછળ પુરુષની અધમ માનસકિતા નહીં પણ સ્ત્રીના વસ્ત્ર-પરિધાનને અને પ્રકૃતિદત્ત દેહરચનાને કારણભૂત માનવામાં આવે છે! ‘INDIA’S DAUGHTER’નું બિરુદ પામેલી નિર્ભયાનાં મા-બાપ આ કેસના ઉલ્લેખમાત્રથી ક્ષણે ક્ષણે દીકરી પર વીતેલ જઘન્ય અપરાધ અને તેની અસહ્ય પીડામાંથી કેટલી વાર પસાર થતાં હશે, કેટલી વાર મરતાં હશે એનો અહેસાસ છે કોઈને? કદાચ એનો અંદાજો સંવેદનશીલ કે અસંવેદનશીલ માણસની ધારણાથી પણ બહાર હશે! સંસદમાં એક હંગામો થઈ જાય, જાહેરમાં દીમાપુરની ઘટનાના આઘાત-પ્રત્યાધાત રૂપે અવાજો આવી ચૂપ થઈ જાય ત્યારે થાય કે આ હંગામો, આ ઘમાસાણ સમાજની માનસિકતામાં કેમ નથી થતો? શું સ્ત્રીને માર્ગ પર ફરવાનો કોઈ અધિકાર નથી? સ્ત્રી બહાર નીકળી છે પણ શું તેને બરાબરીનો દરજ્જો દરેક ક્ષેત્રમાં મળ્યો છે ખરો? ઈ.સ. ૧૯૭૮માં કિરણ શાહી જેવી સ્ત્રી બિહારમાં પ્રથમ મહિલા પ્રિન્ટિંગ પ્રેસ ખોલે છે. મધુ સિંહના સહયોગથી હિન્દીમાં માસિક મહિલા અખબાર પ્રકાશિત થાય છે પણ ૧૯૭૮ પછી ગુજરાતમાં કેટલાં એવાં પબ્લિકેશન હાઉસ છે જેને માત્ર સ્ત્રી ચલાવે છે! સાંપ્રત સમયની કોઈપણ ભાષામાં આવા અનેક અંધારિયા ખૂણાઓનું પ્રતિબિંબ ઝિલાયું છે. મારી ગુજરાતી વાર્તાઓ પણ એમાં બાકાત નથી. વધુ મહત્ત્વનો શબ્દ અહીં ‘સાંપ્રત’ છે, ચિત્રણ છે સાંપ્રત સમયના વાસ્તવનું. અધિકાર-હક અને સમાનતાનો ઉજાસ હજીય ખૂણે ખૂણે પ્રસર્યો નથી. નિત્શેએ ક્યાંક લખ્યું છે : “એક વાર જરથુસ્ત એક વૃદ્ધાને પૂછે છેઃ બતાવ, સ્ત્રીના વિષયમાં સત્ય શું છે? એ કહે છે : ઘણાં સત્યો એવાં છે જેના વિશે ચૂપ રહેવું જ બહેતર છે, હા, જો તું સ્ત્રી પાસે જઈ રહ્યો હોત તો ચાબુક સાથે લઈ જવાનું ન ભૂલતો.(!!!) હિમાંશી શેલત વડે આલેખાયેલ ‘ગર્ભગાથા’ની વાર્તાઓ માટે ફરીથી નિત્શેને યાદ કરવા ઘટે. તે લખે છે : “સ્ત્રીની દરેક બાબત એક કોયડો અને રહસ્ય છે. સ્ત્રીની દરેક બાબતનો ઇલાજ એક જ છે – ગર્ભ !” એક તરફ મેડિકલ ક્ષેત્રે કુટુંબનિયમનનાં સાધનો રૂપે થયેલ ક્રાંતિ સ્ત્રીદેહને વારંવારની પ્રસૂતિની પીડાથી નિચોવાઈ જતી રોકે છે પણ બીજી તરફ આ સહુલિયત એના પર થતા અમાનુષી બળાત્કારને ઉત્તેજે છે. એક ચર્ચા મુજબ મેડિકલ ક્ષેત્રે થયેલી આ ક્રાંતિને ભારતમાં લાવવા વધુ રસ હતો કેમ કે વિકસિત દેશોને પોતાને ત્યાં ‘બજાર’ ન મળતાં તે વિકાસશીલ દેશમાં એક ‘બજાર’ની શોધ આદરે છે. સુવર્ણાની એક વાર્તા જે છેક ઇ.સ. ૧૯૭૨માં લખાઈ હતી તેમાં આ જ પાયાનો પ્રશ્ન રજૂ થયો છે. સ્ત્રી- પુરુષની ઇચ્છાઓ ભિન્ન છે. સ્ત્રી પુરુષમાં પ્રેમ શોધે છે જ્યારે પુરુષ સ્ત્રીમાં શારીરિક આનંદ શોધે છે. તેથી જ તે પ્રશ્ન કરે છે : “આપણે ક્યાં છીએ?- જ્યાં હતા ત્યાં જ.” આદિમાનવોના યુગથી છેક ૧૯૭૨ અને ઈ.સ. ૧૯૭૨થી છેક ઈ.સ. ૨૦૧૫ સુધીમાં પણ ઠેરના ઠેર! બિંદુ ભટ્ટની વાર્તા ‘મંગળસૂત્ર’માં પતિ વડે જ વારંવાર થતો બળાત્કાર છે. દશરથ પરમારની વાર્તા ‘શલ્યા’માં પુરાકલ્પનની પ્રયુક્તિ દ્વારા સ્ત્રીની વિવિશતાને ઉજાગર કરી છે. કપટી ઇંદ્ર, ગૌતમ ઋષિ તથા મર્યાદા પુરુષોત્તમ રામ -તમામના વાસ્તવિક ચહેરાઓને એક કર્યા પછી જે એક ચહેરો મળે છે તે માત્ર એક ‘પુરુષ’નો જ છે! આ વ્યંજના બરાબર ઝિલાઈ છે. ગૌતમ ઋષિની બળજબરી આગળ લાચાર બનેલ અહલ્યા તેની જાત શિથિલ કરી શલ્યા બની જાય છે ત્યારે એ જ કરુણાસભર વાસ્તવ પ્રગટે છે કે સ્ત્રી પાસે શરણે થયા વિના અન્ય કોઈ માર્ગ નથી! નવનીત જાનીની વાર્તા ‘દીદી’માં પણ બળાત્કાર કરનાર સગી બહેનનો પતિ છે. બંધ બારણે થતા આવા શોષણના વરવા ચિત્રોનો હજીયે અંત નથી! હિમાંશી શેલતની વાર્તા ‘મૌનપઠન’ પણ આ સંદર્ભે જોઈ શકાય. ‘દીકરી ઘરનો ઉજાસ’ સૂત્ર ગમે તેટલું વહેતું થાય. હા, અસર પણ થઈ છે ક્યાંય ક્યાંક; પણ આજેય એક પુત્ર ભલે પછી તે જીવતેજીવત ‘અગ્નિદાતા’ હોય તોય પુત્રમોહની એષણા - વંશના વારસની ખેવના – જતી નથી. બિંદુ ભટ્ટની વાર્તા ‘મંગળસૂત્ર’ કે વર્ષા અડાલજાની વાર્તા ‘જોડકું’ આ જ માનસિકતાને તાકે છે. સ્ત્રીનું ઘર ક્યું? આ સવાલ સ્ત્રીનું મૂક મન યુગોથી પોતાની જાતને અને સમાજને પૂછતી રહી છે. પિતા-પુત્ર-પતિને અધીન રહેતી સ્ત્રીને, પોતીકી છત નીચે રહી શકે એટલી જમીનનો અલાયદો ટુકડો પણ આપવાનો નકાર છે! આ ધરતી પર એવા ‘દુર્યોધનો’ની ખોટ નથી. હરીશ નાગ્રેચાની ‘કૅટવોક’ અને ‘કૂલડી’ વાર્તામાં આ ‘સ્વ’ ઓળખનો સવાલ કરતી નાયિકાઓ સાંપ્રત સમયની અનેક સ્ત્રી-ચહેરાઓનું જાણે પ્રતિનિધિત્વ કરે છે. પારુલ દેસાઈની વાર્તા ‘ભણકાર’, હિમાંશી શેલતની ‘એકાંત’, પૂજા તત્સતની ‘તાવ’, બિંદુ ભટ્ટની ‘આડા હાથે મૂકાયેલું ગીત’ અને પન્ના ત્રિવેદીની ‘રંગ વિનાનો રંગ’ જેવી વાર્તાઓમાં કેવળ ‘લગ્ન’ નામની એક ઘટના સ્ત્રીને સ્ત્રી હોવા માત્રના કારણે તેના જીવતરને ધરખમ રીતે બદલી નાખે છે! સમાધાન કેવળ સ્ત્રીના પક્ષે કરવાનું આવે છે ત્યારે જાત ગુમાવ્યાની પીડાનો તે અનુભવ કરે છે. હરીશ નાગ્રેચાની ‘કૂબો’ વાર્તામાં એક નક્કર વાસ્તવ પ્રગટ થયું છે. પતિને પોતાના પરિચિતોને ઘેર લઈ આવવા માટે પત્ની નામની પોતાની જ અર્ધાંગિનીની “મંજૂરી’ લેવાની અનિવાર્યતા નથી જણાતી કારણ કે તે ‘ઘર’નો માલિક છે પણ જો પત્ની પોતાની બહેનપણીને પતિને પૂછ્યા વિના આશરો આપે તો એ પુરુષને મંજૂર નથી. પલ્લવી ભટ્ટની વાર્તાનું શીર્ષક જ આ અર્થે ખૂબ સૂચક બની રહે છે. ‘બોનસાઈ’, જેમાં નોકરી કરતી વાર્તાનાયિકા શ્રીપદા, જેનો જીવ કળાજગતનો છે, જેને ચિત્ર-પ્રદર્શની જોવા સખી સાથે જવું છે પણ પહાડ રૂપી ઘરનો ઉંબર વળોટી શકતી નથી. ઘરની ચાર દીવાલો વચ્ચે બોનસાઈની જેમ કાપકૂપ કરેલ છોડની જેમ કેવળ શોભા માટે જ સીમિત રહી જાય છે! આ પ્રકારનું કુંઠિત જીવન જીવવા જાણે તે વિવશ છે. એકંદરે આજે સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. કૉલેજો અને વિશ્વવિદ્યાલયોની વિનયન શાખામાં યુવાનો કરતાં યુવતીની સંખ્યા જ વધુ માત્રામાં દેખાઈ રહી છે. અલબત્ત, રોજગારની અલ્પ તક અનેક કારણોમાંનું એક કારણ હોઈ શકે. છતાં સ્ત્રી કારકિર્દી પરત્વે સભાન બની છે પણ શું આ સ્ત્રીને ‘સાક્ષર’ તરીકે સ્વીકારતી, સમજતી, ગણતી ‘પુરુષ’ નજર પણ જોવા મળે છે? પ્રવીણસિંહ ચાવડાની વાર્તા ‘પારેવડાં’ની નાયિકા સાહેબની દ્વિઅર્થી વાતોથી અજાણ છે. રંજન શિક્ષિકા છે, તે પૂરી નિષ્ઠાથી કાર્ય કરવા ચાહે છે પણ સાહેબ તો તેને નોકરીએ રાખે છે તે દિવસે જ કહે છે: “અમે તો તમારું કામ કર્યું, તમે અમારું જરા વિચારજો.” શું વિચારવાનું? માત્ર દૈહિક સમર્પણ! કંદર્પ દેસાઈની વાર્તા ‘પાછા વળીને’માં પીએચ.ડી.નો અભ્યાસ કરતી યુવતીનું ‘માર્ગદર્શક’ વડે થતું શોષણ ખળભળાટ જન્માવે છે. પારુલ કંદર્પ દેસાઈની એક વાર્તા ‘અરીસો’માં પણ સ્ત્રીની બૌદ્ધિકતાનો અસ્વીકાર કરે છે. આજે પણ સ્ત્રી સૌંદર્યના ત્રાજવે જ તોલાય અને મૂલવાય છે. ધીરેન્દ્ર મહેતાની વાર્તા ‘ઘઉં વીણતી સ્ત્રીઓ’આનું ઉત્તમ ઉદાહરણ છે. દીવાલ પર ટીંગાતાં ‘સાક્ષર’ પત્નીનાં ધૂળ ખાતાં પ્રમાણપત્રો બસ એમ જ લટકતાં રહે છે. જાણે એમની બૌદ્ધિક ઓળખની કાંકરો કાઢી નાખતા પતિદેવો અહીં જોઈ શકાય છે. હિમાંશી શેલતની વાર્તા ‘નાયિકા ભેદ’માં સ્ત્રીને પોતાનાથી ઉચ્ચ પદ પર સાંખી ન શકતા પુરુષની વાત આલેખાઈ છે. આજે પણ સ્ત્રીની વધુ કમાણી, વધુ શિક્ષણ કે ઉચ્ચ પદ ક્યાંક કેટલાક પતિ માટે લઘુતાગ્રંથિનું કારણ બને છે. જો સ્ત્રી પોતાની ક્ષમતાથી પ્રમોશન મેળવે તો તેના મૂળમાં તેની કાબેલિયત કે બૌદ્ધિકતા નહીં પણ શિથિલ ચારિત્ર્યને ગણાવનાર પતિઓની સંખ્યા ઓછી નહીં હોય. વર્ષા અડાલજાની વાર્તા ‘સુતરને તાંતણે’માં આનું પ્રતિબિંબ સુપેરે ઝિલાયું છે. હરીશ નાગ્રેચાની વાર્તા ‘એ’ની નાયિકા ભણેલ છે પણ તોય જાત ઘસી નાખી મૂક પતિનો અત્યાચાર સહે છે. સ્ત્રીને એની પોતાની-આગવી એવી કોઈ નિર્ણયશક્તિ હોઈ જ ન શકે! આવું માનનાર એક વર્ગ આજે પણ છે. સુવર્ણાની નવલિકા ‘સિતારની સરગમ’માં ચાલીસ વર્ષની નાયિકાને લગ્નની ઇચ્છા થતાં એક યુવાન સાથે મુલાકાત ગોઠવાય છે, પસંદગી પણ થાય છે; પણ જ્યારે યુવાન પૂછે છે કે તમને કેવી જિંદગી ગમે? જવાબમાં દિનચર્યા વર્ણવતી નાયિકા સવારના કાર્યક્રમમાં એક કલાક સિતાર વગાડવાની વાત કરે છે પણ નાયકની જિંદગીમાં કળાનું, ખાસ તો નાયિકાના પોતીકા શોખનું કોઈ સ્થાન નથી! પરિણામે નાયિકા તે યુવાન કરતાં એકલતાના વિકલ્પ પર પસંદગી ઉતારવા વિવશ બને છે. હજી બે દિવસ પહેલાંની જ ભારતના ગામડાની તાજી ઘટના છે. મહિલા સરપંચની સીટ અનામત હોવાના કારણે ચૂંટણી લડનાર અને જીતનાર સ્ત્રી છે; પણ જીતી ગયા પછી શપથ લેનાર તે મહિલાનો પતિ છે. અલબત્ત અનેક બૂમરાણ બાદ પતિને બરખાસ્ત કરાય છે પણ આ ‘હજી ય’ આજનું વાસ્તવ છે. કલ્પેશ પટેલની વાર્તા ‘સહી’ એટલે જ પ્રતીતિકર અનુભવાય છે. જ્યાં શોષિત-દમિત સ્ત્રીને નાછૂટકે સરપંચ બનાવવી પડે પણ એક માનસિકતાનો એક ચહેરો તો એવો જ પ્રગટે છે કે સત્તાના દોર પુરુષહાથમાં રહે! તારિણીબહેન દેસાઈની વાર્તા ‘ત્રણ લાલ ગુલાબ’માં નોકરી કરતી એક સાધનસંપન્ન પરિવારની યુવતીને સાહેબ બોલાવે છે અને એક ગરીબ યુવાનને નોકરી આપવા તેને નોકરીમાંથી છૂટી કરવાનો નિર્ણય લે છે. અહીં વાત ગરીબાઈ કે શ્રીમંતાઈની નથી પણ પોતાના હકની છે. પોતે સ્ત્રી છે માટે? પોતે સંપન્ન પરિવારની છે તો તેનો શો દોષ? તેની ક્ષમતા અને તેના નિજી અસ્તિત્ત્વનું શું? ક્યાંક જો સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય આપવામાં આવે છે ત્યાં એથી વરવું નિમિત્ત હાથ લાગે છે. એક તરફ નિખાલતાના નામે, સુધારના નામે કે ઉદારમત દાખવીને કારકિર્દી કે ગમતા વ્યવસાય માટે સ્ત્રીને ‘આઝાદી’ આપવામાં આવે છે ત્યારે એક કાળી બાજુ એવી પણ ઉજાગર થાય છે કે વાસ્તવમાં આઝાદી કોણ ભોગવે છે? સ્વાર્થ તો આપનારનો સધાય છે! નવનીત જાનીની વાર્તા ‘સ્થાપન’માં કમાણી કરતી પુત્રીને સહુ ‘દેવી’ના સ્થાને સ્થાપે છે પણ દેવીની ‘લક્ષ્મીકૃપા’નો લહાવો તો કુટુંબ જ લે છે, એની કમાણી પર જલસા કરીને. હરીશ નાગ્રેચાની ‘ખીંટી’ વાર્તા પણ આ સંદર્ભે જોઈ શકાય; જેમાં કમાણી કરતી પુત્રી કુટુંબની અનિવાર્યતાઓ અને ઇચ્છાઓને ટાંકવાનું સાધનમાત્ર રહે છે. માત્ર કમાતી દીકરી જ ખીટી નથી; પત્ની પણ પોતાની પ્રગતિની નિસરણી બની શકે એવી માનસિકતા દર્શાવતો રમેશ ૨.દવેની ‘શબવત્’નો નાયક પણ આ સંદર્ભે જોઈ શકાય. પતિ પોતાના પ્રમોશન માટે પત્નીને એક સાધનરૂપે સંવેદનવિહીન રમકડું માની લઈ, પોતાના બૉસ પાસે શારીરિક સંબંધ બાંધવા મોકલતાં ખચકાટ અનુભવતો નથી ત્યારે હિન્દી સાહિત્યકાર જયશંકર પ્રસાદનાં આ વિધાનો કેટલાં પ્રસ્તુત અનુભવાય છેઃ ‘પુરુષ નારી કો ઉતની હી શિક્ષા દેતા હૈ, જિતની ઉસકે સ્વાર્થ મેં બાધક ન હો...’ અહીં શિક્ષાને સ્થાને સ્વાતંત્ર્ય શબ્દ મૂકી દેવાય તો પણ સત્ય યથાસ્થાને જ રહેવાનું. કંદર્પ દેસાઈની વાર્તા ‘થોડુંક અમથું અજવાળું’માં ઘર ચલાવતી, નોકરી કરતી, મા-પત્નીની જવાબદારી નિભાવતી સ્ત્રી વૈયક્તિક માણસ રૂપે જીવવું કેટલું પીડાદાયક છે તે વાર્તાના અંતિમ વાક્ય ‘બર્નોલ લગાડેલી આંગળીમાં હું મને આખી જોઈ રહી’માં શકાય છે. એક પ્રશ્ન કદાચ દરેક સ્ત્રી પોતાની જાતને પૂછતી હશે અને તે એ કે સ્ત્રીના જીવનમાં વિકલ્પના ભોગે જ સુખ શા માટે? મહેશ દવેની વાર્તા ‘દ્વિધા’ની નાયિકા કૉલેજમાં ભણતી, સ્વભાવે શરમાળ એવી સરોજને અન્ય કળાઓમાં વિશેષ ફાવટ નથી પણ કેશગૂંફન અને મેઇકઅપની વિશેષ સૂઝને કારણે તે નાટ્ય વિભાગમાં જોડાય છે, અભિનેતા મિનેષ મિસ્ત્રી સાથે અનુક્રમે પ્રેમ અને લગ્નસંબંધે જોડાય છે. પતિ અભિનેતા બની જાય છે. તેની ઉન્નતિથી, તેના અવોર્ડઝથી સરોજમાં ઈર્ષા જાગે છે. દ્વિધા એ છે કે જો પતિને સિદ્ધિ મળે તો પોતાને સાંનિધ્ય અને સામીપ્ય ન સાંપડે અને જો સાંનિધ્ય મળે તો પતિની સિદ્ધિ ન મળે. સૌરાષ્ટ્રના તળપદની લોકબોલીમાં કહેવાયેલી રામ મોરીની વાર્તા ‘નાથી’માં આહીર અને રજપૂત કોમની બે મુગ્ધાઓ જે જીવનથી ભરી ભરી છે તેમની વાત કહેવાઈ છે. આહીર મૂળાઆતાની એકની એક દીકરી નાથી તેની નાતમાં બહાર બોર્ડિંગમાં રહીને ભણનારી પહેલી છોકરી છે. તેનું સગપણ ફઈના છોકરા સાથે નાનપણમાં જ નક્કી થઈ ગયું છે. નાથીને માણસુર સહેજેય ગોઠતો નથી. ફોઈને ઘેર તો કાનમાં નાખવાનાં ઠોળિયાં, હાથ જેટલો લાંબો ઘૂમટો અને ગળાની હાંસડી રાહ જોઈ રહ્યાં છે. નાગપાંચમના એક મેળામાં તેનો થનાર પતિ તેને મળવા આવનાર છે. ચકડોળમાં બેઠેલી નાથી અને બંધ થઈ ગયેલું પાંજરું એક સૂચક પ્રતીક બની રહે છે. માણસુર બળજબરી કરવા મથે છે. એવા સાસરે જવાની નાથી ના પાડે છે પણ ‘રોણાંને રોકતાં શીખ્ય બટા, સાત વાનાં કરશું તોય કાંઈ નથ થવાનું. લોઢે લીટો...’ અંતિમ શબ્દ કેટલીક સ્ત્રી માટે આજે પણ કારુણ્યસૂચક બની રહ્યો છે. આ જ લેખકની અન્ય વાર્તા ‘મહોતું’માં પણ ડેલાબંધ ઘર પાછળની સ્ત્રી ઘસાઈ- ઘસાઈને ‘મસોતું’ બની રહે જેનો ગર્ભિત અર્થ પીડાજન્ય છે. સ્ત્રી અને સૌંદર્યનો નાતો પરાપૂર્વથી સ્થાપવામાં-થોપવામાં આવ્યો છે. નિલેશ રાણાની વાર્તા ‘અધૂરી સ્ત્રી’માં સ્તન - કેન્સરના કારણે ડાબું સ્તન ગુમાવતી નાયિકા નાયકને મન કશું જ નથી. ઉપેક્ષા કરતો નાયક પડખું ફરીને સૂઈ જાય છે ત્યારે એ જ પ્રશ્ન ફરી-ફરીને સળગતો રહે છે. સ્ત્રી એટલે શું માત્ર દેહ? કિરીટ દૂધાતની વાર્તા ‘બાયું’માં પણ નાયિકા મંજુને સાથળ પર કોઢ છે એવી વાત જાણ્યા પછી તે અંગેની ખાતરી કર્યા વિના યુવાન લગ્નની ના પાડે છે ત્યારે હજીય ક્યાંય ‘ઘાઘરા પલટણને શું ખબર પડે?’ની માનસિકતાએ જાણે કેટલીય મંજુઓને દેહતપાસ માટે વિવશ બનાવાતી હશે! રાકેશ દેસાઈની વાર્તા ‘બાલકાંડ’ આ સંદર્ભે નોંધનીય બની રહે છે. પ્રતાપ અને જાનકી લગ્ન પછી સંતાનસુખ માટે તલસી રહ્યાં છે. પિતાની સલાહથી બંને સ્ત્રીરોગ નિષ્ણાત વાસંતીબહેનને ત્યાં બતાવવા જાય છે. ડૉક્ટર જાનકીને તપાસે છે, કશું વાંધા જેવું લાગતું નથી. એટલે તે પ્રતાપને સીમન ટેસ્ટ કરવા કહે છે. ત્યાંથી આદિયુગના કાળમીંઢ પથ્થરોની જેમ ‘પૌરુષત્વ’નો પડઘો પડધાય છેઃ ‘તારી પાસે તારી મર્દાનગીનું પ્રમાણપત્ર છે?’ અંદરના ઓરડામાં બા સીતાનો સ્વયંવરના ધનુષ્યને તોડવાનો પ્રસંગ વાંચે છે. વીર્યવાન રાજાઓના નિષ્ફળ પ્રયાસનું વર્ણન તેને અકળાવે છે. ટેસ્ટ કરાવવા ગયેલો કથાનાયક પરીક્ષણક્રિયા માટે ટોયલેટના બારણાનો કિચૂડાટ અને મધુરજની વખતે કટાયેલ બારણાનો કિચૂડાટ સ્મરતો ‘પુરુષત્વ’ પુરવાર કરવાની ક્રિયા આદરે છે અને પછી મૂછો વધારવાની, સ્કૂટર વેચી દઈ મોટરસાઇકલ ખરીદવાનું અને બૅન્કમાં નજીવી વાત માટે ‘તમે એક જ મરદ છો?’ કહી અકારણ ઝઘડી પડે છે. ક્રિયા-વિક્રિયાનું અનુભવજગત શરૂ થાય છે. સંનિધિકરણની રસપ્રદ પ્રયુક્તિને પોતાને કસોટીએ ચઢાવેલ ‘પૌરુષ’ની વાત છે. રિપોર્ટ નોર્મલ આવે છે ત્યારે છાતીમાં જામેલા આદિમ કાળમીંઢ ખડકો જાણે ખડખડાટ હાસ્ય કરી ઊઠે છે. કોઈ યુદ્ધ જીતેલા સેનાપતિની માફક પત્ની સમક્ષ પોતાના પુરુષત્વનું પ્રમાણપત્ર આપતો આખરે તો તર્જનીને પોતાની છાતી તરફ ને પછી પત્ની તરફ લઈ જઈ સ્થિર કરતો પુરુષ એ કેવળ એક ‘પુરુષ’ જ લાગે છે. અલબત્ત વાર્તાન્તે આખો સંદર્ભ અલગ છે. માવજી મહેશ્વરીની વાર્તા ‘છુટકારો’ આ જ વિષય પર જરા નોખું સંવેદન લઈને આવે છે. ગામડું હોય કે શહેર પણ સંતાન ન થવા માટે એક ચોક્કસ વર્ગનું પુરુષમાનસ આજે પણ સ્ત્રીને જ દોષી માને છે. દાયણ કે જેણે કેટલીક સ્ત્રીઓની પ્રસૂતિ કરાવીને એમને પીડામાંથી છૂટકારો આપ્યો છે; પણ પોતે જે પીડાથી પીડાય છે એનો કોઈ છુટકારો નથી જાણે! એના અનુભવી હાથોએ કેટલાંય બાળકો ગર્ભના અંધકારમાંથી પૃથ્વીના પ્રકાશમાં આવ્યાં છે પણ પોતાની જ કૂખ ખાલી છે અને ધણી બીજી સ્ત્રી ગુલબાનુને લાવવાનો છે. ગુલબાનુ ‘બીજી સ્ત્રી’ તો છે જ પણ પાછી કાકાની દીકરી છે. ગામમાં ગંગાની સુવાવડ કરવા ગયેલી આ દાયણ તેને પુત્રજન્મની વધામણી આપી પીડામાંથી મુક્તિ અપાવે છે પણ તે સાથે જ જાણે તે બાજુના ખાટલામાં લોહીથી ખરડાયેલી સાથળોવાળી ગુલબાનુને જુએ છે અને બહાર બેઠો બેઠો પોતાનો ધણી જાણે મલકી રહ્યો છે. કદાચ વાસ્તવમાં પરિણામનારી આ કલ્પના તેને મન કેટલી પીડાદાયક હશે! કંદર્પ દેસાઈની વાર્તા ‘ગાંઠ’માં ભાઈ-બહેનના સ્નેહના નિર્વ્યાજ પ્રેમને આઘાત આપનારું રૂપ પ્રગટ થયું છે. સંબંધોની તૂટતી જતી ગાંઠ અને પેટની ગાંઠની સમાંતરે આખી વાર્તા ચાલે છે; જેમાં સગો ભાઈ જ બહેનની સંપત્તિ પર તરાપ મારે છે. થાપણ પણ પરત કરવાનો ઈનકાર કરે છે. આ સમયમાં સગો ભાઈ પણ પરાયો લાગવાની અનુભૂતિ આલેખાય છે- આ તો મામા કે કંસ? ભાઈ ધરમ ચૂકે છે પણ પોતાને ક્યાં કશું જોઈએ છે તેની પાસેથી? મન મનાવી બળેવના દિવસે મીઠાઈ લઈને રાખડી બાંધવા નીકળતી બહેનને એ જ ક્ષણે ભાઈ તરફથી વકીલની નોટિસ મળે છે અને દુઃખાવો પુનઃ શરૂ થઈ જાય છે. આદર્શ પ્રેમ અને નિર્મમ વાસ્તવિકતાનું દ્વંદ્વ અહીં જોઈ શકાય છે. હેમાંગિની રાનડેની વાર્તા ‘ટકો મૂંડો’માં પુત્રીના માથામાં જૂ પડી છે. મા તેનું મૂંડન કરાવવા તૈયાર થઈ છે અહીં પણ મૂંડન નિમિત્તે દાદી સરસ્વતીના કરુણ અતીત સાથે જોડાયેલ ઘટના એક ઓર અંધકારની છબી દર્શાવે છે. પ્રવીણ ગઢવીની વાર્તા ‘અરણ્યેર દિનરાત’માં અધિકારીના હોદા પર ફરજ બજાવતો નાયક કોઈક યોજનાકાર્યની તપાસ માટે એક ડાકબંગલે રોકાયો છે. સાગનાં જંગલોમાં ફરતા નાયકને પ્રકૃતિના નિતાંત સાંનિધ્યમાં સુહાગણ પંખી જોવાની ઇચ્છા થાય છે પણ ‘મવડી, મુરગી અને પછી મુલગી’ની ખેવના રાખતા સરકારી અધિકારીનું આંશિક ચિત્રણ અહીં મળે છે. આ નાયક પણ હરણ-શી એક આદિવાસી સ્ત્રી ભોગવે છે. નાયિકા કહે છેઃ ‘પે’લો ધણી ખાંસીમાં મર્યો. બીજો પી-પી મરી જયોં, અવે હહરેએ પડખે લીધી છે. મજૂરીએ જઈએ ત્યાં મુકાદમ, કન્ત્રાતી ના સોડે.’ કદાચ હજુ નીચલા સ્તરની સ્ત્રીની પીડા બદલાઈ નથી. ઘર અને બહાર બંને જગ્યાએ શોષાતી સ્ત્રી ક્યાં જાય? આ તો થોડાંક પ્રતિબિંબો માત્ર છે - ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં ઝિલાયેલ અનેક બિંબોમાંનાં થોડાંક; પણ પ્રશ્ન એ છે કે વાસ્તવજગતમાં હજીય કેટલાં ખૂણાઓ એવા હશે કે જ્યાં ‘સુધાર’, ‘ઉજાસ’ કે ‘ચેતના’નો એક પણ પ્રકાશકણ પહોંચ્યો ન હોય. આપણે પ્રથમ પ્રયત્ને મંગળગ્રહ પર પહોંચી ગયા પણ અનેક પ્રયત્નો પછી પણ સમસ્ત માનવનું મંગલ હજી બાકી જ…!!

(પૃ. ૨૩-૩૧ યથાર્થ, (૨૦૧૭))