માડી મને સાંભરે રે/માડીના ખોળા બેનીએ વિસારી મેલ્યા....

Revision as of 01:39, 22 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૬.
માડીના ખોળા બેનીએ વિસારી મેલ્યા

જસુમતી પરમાર

હમણાં તો જીવતાજીવ ભવોભવના વિજોગ પડી ગયા છે. એક બાજુ માણિગર અને બીજી બાજુ મા. એકને ખોયા વગર બીજાનો મેળાપ નહિ, એવું લખાઈને અવતરી હોઈશ કર્મે. નહિ તો સગી સહેલી જેવી મા પાદર જેટલી ઢુકડે હોય તોય લોકલાજે મળાય નહિ એ તો શાપ જ કહેવાય. મા જ્યાં જાય—ખેતરે, ગામ–પરગામ, નદીનાળે—અમે એક બીજાના પડછાયાની જેમ. માને સાસરે સાથે લઈ જવાતી હોત તો કેવું રૂડું ! ક્રાં વરજીને મારા પિયર માની, બાપુની, ભાઈની સાથે અમારા કુટુંબના સભ્યની જેમ સાથે લઈ જવાતા હોત તો કેવું સારું ! કયા નખ્ખોદિયા પંચાતિયાએ આ કાયદો કર્યો કે વહુ જ સાસરે જાય ને દરેક માથી એની દીકરી જીવનભર વિખૂટી પડે ! પણ હું તો પૂરી અભાગણી. વાર–તહેવારે કે સારામાઠા પ્રસંગે સૌ કુંવાસિઓ એમના પિયર જાય, મન મૂકીને મા સાથે સાસરિયાનાં સુખ–દુઃખની વાતો કરે. મને તો એવું ઘડી બેઘડીનુંય સુખ નહિ. ના આશ્વાસન, ના દિલાસો, ના હૈયાધારણ, ના વહાલનાં બે વેણ, ના સૂધબૂધનો સધિયારો ! માના શબ્દો હરહંમેશ પડઘાય છે મારા આંસુઓના સરવરમાં : મારી જસલી ફૂલોમાં પંકાતી’તી ! એને વળાવવા આખું ગામ આવત. પણ આજે એકાદી બહેનપણીનું ગાણું ય નથી ગવાતું... હું ને મારી મા, અમે બેઉ તડપીએ છીએ એ ગાણાના સૂર માટે, જે સૌ દીકરીઓને વિદાય આપે છે : માડીના ખોળા બેનીએ વિસારી મેલ્યા... મારો શો દોષ મા, મારો શો ગુનો ? હું જાણું છું મા, તારો તો લગીરેય ગુનો નહિ, તું તો પેલી હરણી જેવી—પારધીને વચન આપી ચૂકેલી કે મારાં ભૂખ્યાં બાળ ધવડાવીને તરત પાછી ફરીશ તારો શિકાર થાવા. તેં મને મનમાની કરવા દઈ વહાલ પણ નિભાવ્યું ને પંચાતિયા પારધીઓની વણઉચ્ચારી સજા પણ ભોગવી. કહેવતમાં કહ્યું છે તે સાચું : એક ખમે ધરતી ને બીજું ખમે મા. ગામડાંઓમાં છોકરીઓને કોઈ ખાસ ભણાવે નહિ ને તેમાંય અમે તો નીચી વરણનાં. છતાં અભણ, ગરીબ, માએ કાળી મજૂરી કરી મને ભણાવી. હું એસ.એસ.સી. થઈ ગઈ. માને મન એમ કે હું મહેતી બનું; એની જેમ આખી જિંદગી વૈતરામાંથી બચી જાઉં, પણ મારા ઓછા ટકાને કારણે એડમિશન લેવું સહેલું નહોતું. માએ બહુ જણને કાલાવાલા કર્યા, ખોળા નાખ્યા, દોડધામ કરી, પૈસા ખર્ચી મેન પી.ટી.સી.માં ભરતી કરાવી. પી.ટી.સી. પાસ થયે વળી પાછી ક્યાંકથી લાગવગ શોધી ૧૦૦ રૂ.ના પગારમાં ખાનગી શાળામાં મને નોકરીએ ચઢાવી. પાંચ વરસ પછી પગાર ૫૦૦ રૂપિયે પહોંચ્યો. હવે માને એમ કે, સુખના દહાડા આવ્યા. પણ ભોળી માને ક્યાં ખબર હતી કે તેની દીકરી શહેરમાં આવીને કોઈક જુદા જ રંગે રંગાઈ હતી ! એ દિવસ હતો જ્યારે મા તાવથી તરફડતી હતી ને હું એને ગોદડાં ઓઢાડી હંમેશને માટે નાસી છૂટી હતી. પ્રેમના ઊભરામાં મા ભુલાતી હતી ત્યાં બાળલગ્નનો પતિ તો શી વિસાતમાં ? ને વળી પાછા માને માથે દુઃખના ડુંગર ઊગી નીકળ્યા. સૌ કોઈ, સગાંસંબંધી, ગામ–પરગણું, માને જ દોષિત ગણવા લાગ્યાં : છોકરીને તેં જ બહુ ફટવી હતી રેવલી. ભણાવો, કૉલેજ કરાવો, નોકરી કરાવો. તેં જ છોકરીને ભગાડી મૂકી... મેણાંટોણાં તો ઠીક પણ બાપડી માને મારે લીધે માર પણ ખાવો પડ્યો. રૂપિયા–બે રૂપિયાની મજૂરીથી બચાવેલા પૈસની સારી એવી કમાની મને શોધવામાં વેરવિખેર થઈ ગઈ. કોઈ કહે વડોદરા ગઈ છે, તો સગાઓને ૧૦૦–૨૦૦ રૂપિયા આપી ત્યાં મોકલે. કોઈ કહે આબુ ગઈ છે તો ત્યાં મોકલે. એમ માના બધા પૈસાનું પાણી થઈ ગયું પણ કાંઈ ના વળ્યું. માએ મને આ અગાઉ ખૂબ સમજાવેલી : બેટા, જવાની તો કાલ જતી રહેશે. સારાને તો સૌ કોઈ નભાવે પણ એલઘેલિયાને નભાવે એ ખરા ! ને મા પોતાના દામ્પત્યની વાતો માંડતી. માએ યુવાનીમાં સહેલીઓ પાસેથી જાણ્યું હતું કે પહેલા આણા વખતે તો સાસરિયામાં પતિ મોજશોખ કરાવે, સારું સારું ખાવાનું ખવડાવે, મેળે લઈ જાય. પણ માના તો બધા અરમાનો પાણીમાં. માને તો પહેલા આણેથી જ બરોબરની પલોટવા માંડી. ખેતરમાં જાર કાપવા, આખા દળણું, કૂવે પાણી, છાણવાસીદા, લાકડાં લેવા જેવું... નવી નવી વહુ સાસરિયામાં માનપાન વધે તેથી ખૂબ ઝડપે પાળિયું વાઢી નાખે. પરસેવે રેબઝેબ થઈ જવાય. બપોરે ભૂખ તો એવી કકડીને લાગે કે પેલી વાર્તામાં આવે છે એમ એક ખાઉં, બે ખાઉં, ત્રણ ખાઉં એમ સાતેયને ખાઈ જાઉં ! પણ એક રોટલાથી જ ચલાવી લેવું પડે. નહિ તો સાસરિયા કેહ કે વહુ તો મણભાર ખાય છે. એટલે બાકીની ભૂખ પાણી પીને ઠારવી પડે. અર ! કુદરતી હાજતની યે શરમ. ખેતરમાં કામ કરતાં કોઈ કે વાછૂટ કરી તો બધા ટીખળે ચડ્યા : રેવલી પાદી. મા તો નવી નવી તે શરમની મારી અડધી–અડધી થઈ ગઈ ને ત્યાંને ત્યાં રડવા લાગી. નવ ભઈલામાંથી અમે ત્રણ જીવી ગયાં. અમને મોટાં કરતાં બહુ દુઃખ વેઠ્યાં માએ. કોઈએ કહ્યું, અખતની (મળ) સાત સળી ચાટવાની બાધા રાખો તો માએ તેમ કર્યું. કોઈએ કહ્યું ભરબપોરે અડવાણા પગે સાત બેડાં પાણીથી રસ્તો ઠારો. માએ તેમ કર્યું. યાદ આવે છે, વગડેથી માથે ટોપલીનો ભાર લઈ ખરા બપોરે આવતી મા. માને જોઈને અમે દોડતાં. લાકડાં ભરેલી ટોપલી ઊંધી વાળી દેતાં. અંદરથી ક્યારેક મધમીઠાં બોર, તો ક્યારેક ગળ્યાં મધ રાયણાં, જાંબુડા, કૂણી કૂણી ડોડીઓ, કુવલ પદુડાં મળતાં. વગડે પણ માએ એનાં છોરાં વિસાર્યાં નથી. સૂંડલા ભરીને ઉલેચું તોય માના દુઃખનો પાર નહિ આવે. જ્યારે જ્યારે માને મારું મો જોવાનું મન થાય ત્યારે મા છાનીછપની ખેતરે કામ કરવા જવાના બહાને, કાણે જવાના મશે મને મળવા આવે અને મારી આગળ માથું કૂટીને ઠૂઠવો મૂકે : "જસલી, ચાર મરી ગઈ એની ભેગું તું પણ મરી ગઈ હોત તો આજે મારી આ દશા ના આવત. વકીલને પણ પાછી પાડી દઉં એવીને તેં આજે ભોંયમાં ઘાલી દીધી. મારી કિંમત પૈની કરી નાખી, ઊંચું મોં નથી કરાતું. નાતમાં દંડ લીધા. ઘર નાત બહાર મુકાયું." મારા આંતરજ્ઞાતિય લગ્નને કારણે મા તો ચારે બાજુથી હડધૂત થઈ. હવે તો એને એનાં પિયરિયાં પણ નથી બોલાવતાં. માને તો બિચારીને દીકરીએ ગઈ ને પિયરવાટ પણ ખોઈ બેઠી. માને રડતી જોઈ હું પણ ચોધાર આસુંએ રડવા લાગી. માને એમ કે દીકરીએ જે કર્યું તે કર્યું પણ સુખી છે એટલે નવાશ. પણ અહીં યા મારો પ્રેમીપતિ ખૂબ વહેમી, મને વહેમમાં દુઃખી કરી મૂકે મા આગળ રડી પડાયું. ને ચતુર મા દીકરીના ભાવો કળી ગઈ. માને થયું, કરતાં તો કરી બેઠી પણ હવે પસ્તાતી હશે. એ મારા પ્રેમીપતિને કહેવા લાગી : મારી છોકરીએ તમારા માટે આ બધું કર્યું છે ને તમે દુઃખ આપો એ સારું ના કહેવાય. ને અભણ મા મામાનો સહકાર લઈ મારા પ્રેમીપતિને ત્યાંથી મને લઈ ગઈ. પિયરમાં તો રખાય નહિ એટલે મામાને ત્યાં મૂકી. બીજે ઠેકાણે મને વગે કરવા ને તેમ કરતાં પૈસા કમાવા મામા તો તલપાપડ હતા. મારું મોં જોવા મા, મામાને ઘેર આવતી પણ હું રૂમનાં બારણાં બંધ કરી દેતી. હું જડ જેવી રૂમનાં બારણાં ખોલું જ નહિ. મા કહેતી : જસલી, મને મારવી હોય તો મારી લે પણ તારું મોં જોવા દે. મામાને ત્યાં કોઈ નાનું પણ કામ બતાવે તો મા દુઃખી થતી ને કહેતી : જે જોવા ન’તી મળતી એ વાપરવા મળી ! મામએ શોધી કાઢેલો મૂરતિયો મને શેણે ગમે ? મારું મન તો મારા વિખૂટા પડી ગયેલા પ્રેમીપતિમાં જ હતું. માને કહેતી કે આ તો મને નથી ગમતો ત્યારે મા સમજાવતી : બેટા, ઢેઢનો છોકરો તો ઢેઢ જેવો હોય, એ કાંઈ વાણિયા-બામણ જેવો થોડો હોય ? આપણા કર્મે લખ્યો એ કિરતાર. માએ મને મારી નામરજી છતાં લોકબીકે બીજે વળાવી પણ મેં ત્યાં દશ દિવસ તો માંડ માંડ કાપ્યા. મનથી માનેલા મારા પ્રેમીપતિને જ યાદ કરતી રહી. સાસરિયા તરફથી મારા વર્તનની ફરિયાદો માને મળવા લાગી. પણ પિયરમાંથી કે મોસાળમાંથી મને મળવા તો ઠીક, મારું મોં જોવા સુધ્ધાં કોઈ તૈયાર નહોતું. આખરે એક દિવસ મા મને મળવા આવી અને તહેવાર બહાને મને પિયર તેડાવી ગઈ. વળી પાછી હું માને છેહ દઈ મારા પ્રેમીપતિ પાસે પહોંચી ગઈ. ને જાણે કે માને જીવતા–જીવ ઘોરમાં દાટી દીધી. મા આજે મરવા વાંકે જીવે છે. મૂંગે મોઢે. એકલવાયી, એની દીકરીને ઝંખતી જેમ કોચમીન અલીડોસો તેમ મારી મા પણ મરતાં સુધી એની જસલીને શોધશે. દૂર દૂર શરણાઈના કરુણ સૂરો વાગતા હશે, કોઈ જાન ઉઘલતી હશે, કોઈ કન્યાને માબાપ સાસરે વળાવતાં હશે, ત્યારે મા વગડે અથડાતી-કૂટાતી, ઝાડવેઝાંખરે ઊભી રહી, મોકળે મને રડતી હશે : માડીના ખોળા બેનીએ વિસારી મેલ્યા.