ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નવલકથા

From Ekatra Foundation
Revision as of 13:03, 24 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨ ક. ૨. નવલકથા

આશર, બિપિન વલ્લભદાસ, ૧૯૫૮-
શીર્ષક : ‘ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા, મધુરાય અને કિશોર જાદવની નવલકથાઓમાં આધુનિક વલણો’
માર્ગદર્શક : શ્રી પ્રભાશંકર તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૦. પૃષ્ઠ સંખ્યા : ૩૪૩
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૨ ખંડમાં વિભાજિત કર્યો છે. પ્રથમ ખંડમાં આધુનિકતાની સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. જેમાં આધુનિકતાનો અર્થવિચાર, આધુનિકતાનો વૈશ્વિક સંદર્ભ જણાવ્યો છે. એ ઉપરાંત આધુનિકતા એક વિવાદાસ્પદ સમ્પ્રત્યય છે તે સાબિત કર્યું છે અને આધુનિકતા અને અન્ય નિકટવર્તી સંજ્ઞાઓનો સંબંધ સામ્ય-વૈષમ્યતા જણાવી છે. તે ઉપરાંત આધુનિકતાનો ભારતીય સંદર્ભ અને આધુનિક ગુજરાતી નવલકથા ઉપર દૃષ્ટિપાત કર્યો છે. ખંડ-૨માં ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓમાં પ્રતીત થતા આધુનિક વલણો, રાધેશ્યામ શર્માની નવલકથાઓમાં પ્રતીત થતા આધુનિક વલણો, મધુરાયની નવલકથામાં પ્રતીત થતા આધુનિક વલણો અને કિશોર જાદવની નવલકથામાં પ્રતીત થતાં આધુનિક વલણો તપાસ્યાં છે.

ઇનામદાર, વસુધા મહેશભાઈ, ૧૯૪૭
શીર્ષક : છેલ્લા ૨૫ વર્ષની આધુનિક પ્રયોગાત્મક ગુજરાતી અને મરાઠી નવલકથાઓનું અધ્યયન.
ગુજરાત, ૧૯૮૪-૮૫

પટેલ, રાવજીભાઈ મહીજીભાઈ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પ્રયોગશીલ નવલકથાની વસ્તુસંકલના.
માર્ગદર્શક : શ્રી મફત ઓઝા,
એમ. એસ. યુનિ. પૃષ્ઠ સંખ્યા : ૫૦૯+૧૪
આ મહાનિબંધમાં ગુજરાતી નવલકથામાં વસ્તુસંકલના સ્વાતંત્ર્ય પૂર્વે, વસ્તુ સંકલનાની દૃષ્ટિએ સ્વતંત્રતા પૂર્વ અને પછી તેમજ સ્વાતંત્ર્યોત્તર પ્રયોગશીલ નવલકથાનું વર્ણન કર્યું છે. તથા નવલકથાની વસ્તુ-સંકલના : તપાસ અને તારવણીનું આલેખન કર્યું છે.

શાહ, મીના ચંદ્રકાંત
શીર્ષક : ‘આધુનિક નારીનું નિરૂપણ ધીરુબેન પટેલ, કુંદનિકા કાપડિયા અને સરોજ પાઠકની નવલકથાઓના સંદર્ભમાં’
માર્ગદર્શક : શ્રી એન. કે. પંડ્યા, ઉશનસ્
દક્ષિણ ગુજરાત, ૧૯૯૩

ઇતિહાસ (સ્વરૂપ, વિકાસ) અને વિવેચન
પટેલ, રમણભાઈ ઇશ્વરભાઈ
શીર્ષક : ગુજરાતી નવલકથાનો ઇતિહાસ : એક અધ્યયન.
મુંબઈ, ૧૯૫૦

પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર, ૧૯૩૨
શીર્ષક : ઈ.સ. ૧૯૫૦થી ૧૯૭૦ સુધીની ગુજરાતી નવલકથા : એક આલોચનાત્મક અભ્યાસ (સ્વરૂપવિકાસની દૃષ્ટિએ)
ગુજરાત, ૧૯૭૭-૭૮
માર્ગદર્શક : અનંતરાય રાવળ

પાઠક, પ્રફુલ્લચંદ્ર શંકરલાલ, ૧૯૩૦–
શીર્ષક : ગુજરાતી નવલકથા : આંશિક મૂલ્યાંકન (ઈ.સ. ૧૯૪૧થી ૧૯૫૦)
માર્ગદર્શક : ડૉ. બિપિનચંદ્ર ઝવેરી,
ગુજરાત, ૧૯૮૨-૮૩ પૃષ્ઠ સંખ્યા : ૫૩૬
૧૯૪૧થી ૧૯૫૦ સુધીનો દાયકો સાહિત્યના પ્રવાહના ફેરફાર માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં ખાસ કરીને નવલકથાના માટે અધિકતર મહત્ત્વ છે. નવલકથાના સ્વરૂપ અને વિકાસના અભ્યાસ બાદ આ મહાનિબંધને ત્રણ ભાગમાં વહેંચ્યો છે (૧) પૌરાણિક નવલકથાઓ, (૨) ઐતિહાસિક નવલકથાઓ અને (૩) સામાજિક નવલકથાઓનુ મૂલ્યાંકન કરી ઉપસંહારમાં સમગ્ર દાયકાની નવલકથાનું અવલોકન કરવામાં આવ્યું છે.

ઉપેય
જુઓ,થીમ

ઐતિહાસિક નવલકથા
કડકિયા, કૃષ્ણકાંત ઓચ્છવલાલ, ૧૯૪૦
શીર્ષક : ઈ.સ. ૧૯૨૧થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિંદી ઐતિહ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ,
ગુજરાત, ૧૯૭૬, પ્રકા. ભા. ૧, ૧૯૭૮, પૃ. ૨૮૬, ભા. ૨ ૧૯૮૧, પૃ. ૫૭૮.
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી
પ્રથમ અધ્યાયમાં ‘ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા’ના સ્વરૂપનો વિસ્તૃત વિચાર. બીજા અધ્યાયમાં ઐતિહાસિક નવલકથાનો વિકાસ, તૃતીય અધ્યાયમાં ગુજરાતી અને હિંદીમાંથી નમૂના લઈને તેમાં ઐતિહાસિક તથ્ય અને લોકકથા વગેરેનું નિરૂપણ કઈ રીતે થયું છે તે બતાવ્યું છે. ચોથો અધ્યાય ત્રીજાના અનુસંધાનમાં છે, પાંચમાં અધ્યાયમાં ઈ, ૧૯૨૧થી ૧૯૪૦ સુધીનો ઐતિહાસિક નવલકથાઓનો કથાવસ્તુના આધારે પરિચય કરાવવામાં આવ્યો છે. છઠ્ઠા અધ્યાયમાં એ રીતે હિંદી નવલકથાઓનો પરિચય પ્રાપ્ત થાય છે. સાતમાં અધ્યાયમાં તુલનાત્મક અભિગમથી તારણો કાઢવામાં આવ્યાં છે.

તુલી, ચંદ્રપ્રભા
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે ઐતિહાસિક ઉપન્યાસ સાહિત્ય કા તુલનાત્મક અધ્યયન
૧૯૦૦-૧૯૬૦ (હિંદી). દિલ્હી, ૧૯૭૩

પટેલ, હરજીવન પ્રભુદાસ, ૧૯૧૮-
શીર્ષક : ૧૯૨૦ સુધીની ગુજરાતી અને હિંદી ઐતિહાસિક નવલકથાનો તુલનાત્મક અભ્યાસ
ગુજરાત, ૧૯૬૭

ભારદ્વાજ, નારાયણ
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓં કા તુલનાત્મક અભ્યાસ, (હિંદી), એમ. એસ. યુનિ. ૧૯૭૪

રાવલ, મનોજકુમાર બી.
શીર્ષક : ગુજરાતી ઐતિહાસિક નવલકથાનાં સીમાસ્તંભો
માર્ગદર્શક : હસમુખ દોશી : સૌરાષ્ટ્ર, ૧૯૮૨. પૃષ્ઠ : ૨૨૫
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ ઐતિહાસિક નવલકથાના બાહ્યસ્વરૂપ અને આંતરિક સ્વરૂપની વિગતે વાત આલેખી છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા. સ્વાનુભવ રસિક ઐતિહાસિક નવલકથા. ઇતિહાસનું કેવળ આલંબન અને ઐતિહાસિક સત્યનું નિરૂપણ કરતી નવલકથાઓ ઇતિહાસ અને કવિતાના સમન્વય વાળી નવલકથા, ઇતિહાસનું યથાર્થ દર્શન કરાવતી નવલકથાની વિસ્તૃત વાત કરી છે. સંશોધકશ્રીએ પ્રસ્તુત મહાનિબંધમાં ઇતિહાસ અને લોકકથાની સંયુક્તિ, અર્ધ ઐતિહાસિક નવલકથાઓ, આદર્શરંગી ઐતિહાસિક નવલકથાઓનું સુંદર આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે વિવિધ પ્રકારની નવલકથાનું અર્થઘટન કર્યું છે. જેમ કે ઐતિહાસિક નવલકથાનું નવીન અર્થઘટન. અદ્યતન ઐતિહાસિક નવલકથાનું અર્થઘટન અને છેલ્લે ગુજરાતી ઐતિહાસિક નવલકથાની વિભાવના (બદલાતી જતી વિભાવના)ની વાત વિસ્તૃત રીતે વર્ણવી છે.

શર્મા, બંગાલીપ્રસાદ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર હિંદી-ગુજરાતી ઐતિહાસિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન,
આગ્રા, ૧૯૮૦

શર્મા, સરોજિની
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે ઐતિહાસિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન
આગ્રા, ૧૯૬૪

દલીચા, બટુક ડાહ્યાલાલ
શીર્ષક : ગુજરાતી નવલકથામાં વિકસેલું કૃષ્ણતત્ત્વ
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૯૨
સંશોધકે પૌરાણિક નવલકથાની વિભાવના સ્પષ્ટ કરી કૃષ્ણ વિષયક ગુજરાતી નવલકથાના ઉદ્ભવ અને સ્રોત ચાર્ચ્યા છે. મુનશી કૃત ‘કૃષ્ણાવતાર’ ભાગ ૧થી ૮, હરીન્દ્રની ‘માધવ ક્યાંય નથી’, નવનીત સેવકની ‘યુગાવતાર’, રઘુવીર ચૌધરીની ‘ગોકુલ’, ‘મથુરા’, ‘દ્વારકા’ વગેરે કૃતિઓના સંદર્ભમાં કૃષ્ણતત્ત્વની ચર્ચા કરવામાં આવી છે. અંતમાં ગુજરાતી નવલકથામાં કૃષ્ણના પરમતત્ત્વનો વિકાસ કેટલે અંશે થયો છે એની ચર્ચા કરી નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કર્યો છે.

વ્યાસ, ગુણવંતરાય રમણીકલાલ
શીર્ષક : ગુજરાતી સાહિત્યની પસંદગીની નવલકથાઓમાં શ્રીકૃષ્ણનું નિરૂપણ - એક અભ્યાસ
માર્ગદર્શક : જગદીશ ઓ. શાહ : દ. ગુ. યુનિ., ૧૯૯૭
પૌરાણિક સાહિત્યના શ્રીકૃષ્ણ અર્વાચીન ગુજરાતી નવલકથાઓમાં કઈ રીતે મૂલવાયા છે તેની તપાસ કરવાનો સંશોધકનો ઉપક્રમ છે. મુનશી, હરીન્દ્ર, પન્નાલાલ, રઘુવીર, દર્શક, દિનકર જોશી વગેરે સર્જકોની સર્જકતા, તેમનો પૌરાણિક પાત્રોને જોવાનો અભિગમ અને પૌરાણિક કથાવસ્તુના સંદર્ભે મિથનો વિનિયોગ કૃષ્ણને કેન્દ્રમાં રાખી તપાસેલ છે. અંતમાં સંશોધકે સમગ્રદર્શી ચર્ચા કરી આ ક્ષેત્રની ભાવિ નવલકથાઓ માટે દિશાસૂચન કર્યું છે.

ગાંધીવિચાર
ઘંટીવાળા, રમેશચંદ્ર મોહનલાલ
શીર્ષક : ગાંધીજી અને તેમના અનુયાયી ચિંતકોનું કેળવણી વિષયક ચિંતન : એક અધ્યયન
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ, દક્ષિણ ગુજરાત, ૧૯૮૨.

શાહ, રમણલાલ ચીમનલાલ
શીર્ષક : ગાંધીવાદ અને માર્ક્સવાદની ગુજરાતી નવલકથા ઉપર અસર
મુંબઈ, ૧૯૭૫

સુદ, સુમન
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ઉપન્યાસો મેં ગાંધી વિચારધારા.
દિલ્હી, ૧૯૭૯

થીમ
મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ, ૧૯૪૪
શીર્ષક : ઈ.સ. ૧૯૪૦ સુધીના ગુજરાતી નવલકથા સાહિત્યમાં નિરૂપાયેલા ઉપેયો અને સમકાલીન પરિબળો સાથે તેમનો સંબંધ.
ગુજરાત, ૧૯૭૭, પ્રકા. ‘નંદશંકરથી ઉમાશંકર’, ૧૯૮૪, પૃ. ૩૯૮
માર્ગદર્શક : યશવન્ત શુકલ
પ્રકરણ ૧માં નવલકથામાં ‘વિષય’ની નિર્ણયાત્મકતા, ‘વિષય’ની વ્યાખ્યા અને તેના પર્યાય તરીકે ‘ઉપેય’ સંજ્ઞાનું ઔચિત્ય દર્શાવી બીજા પ્રકરણમાં ગુજરાતી નવલકથાના ઉદ્ભવનાં પ્રેરક પરિબળો તપાસાયાં છે. પ્રકરણ ૩માં આરંભકાળની નવલકથાઓની, પ્રકરણ ૪માં ‘સરસ્વતીચંદ્ર’ની તથા પ્રકરણ ૫થી ૮માં તે પછીની ૧૯૪૦ સુધીની ઉલ્લેખનીય નવલકથાઓની સદૃષ્ટાંત ચર્ચા કરી પ્રકરણ ૯માં વિષયની શોધની દૃષ્ટિએ અને સમકાલીન જાગતિકતાની દૃષ્ટિએ ગુજરાતી નવલકથાની ગુંજાશનો નિષ્કર્ષ તારવ્યો છે. લગભગ બસો જેટલી કૃતિઓનો આ અભ્યાસ છે.

વ્યાસ, શીલા ઉમેશ
શીર્ષક : નવલકથા વસ્તુરચના : એક અભ્યાસ
સરદાર પટેલ, ૧૯૯૫. માર્ગદર્શક : નરેશ એલ. વેદ
આ મહાનિબંધમાં સંશોધિકાએ નવલકથા સાહિત્યસ્વરૂપના એક અગત્યના ઘટક ‘વસ્તુરચના’ વિશે વિસ્તૃત વિચારણા કરી છે. નવલકથાના આ ઘટકને તેમણે ગુજરાતી સાહિત્યની ગણનાપાત્ર નવલકથાઓ - ‘સરસ્વતીચંદ્ર’, ‘સોરઠ તારાં વહેતા પાણી’, ‘જય સોમનાથ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘અમૃતા’, ‘ઝંઝા’, ‘સાત પગલાં આકાશમાં’ અને ‘કલ્પતરૂ’ના સંદર્ભમાં તપાસ્યું છે. પ્રથમ પ્રકરણમાં વસ્તુરચના એટલે શું તેની વીગતે ચર્ચા કરીને દરેક નવલકથાની વસ્તુરચનાની તપાસ અર્થે એક એક પ્રકરણ લીધું છે. અંતિમ પ્રકરણમાં ઉપસંહાર અને સંદર્ભસૂચિ આપી છે.

નારી ચેતના
પરમાર, દમયંતી ધનજીભાઈ
શીર્ષક : શિવકુમાર જોશી અને જૈનેન્દ્રકુમાર જૈનની નવલકથાઓમાં નારીચેતના : એક તુલનાત્મક અધ્યયન
દક્ષિણ ગુજરાત, ૧૯૯૮. માર્ગદર્શક : ડૉ. અશ્વિન દેસાઈ

વ્યાસ, પી. કે.
શીર્ષક : રમણલાલ વસંતલાલ દેસાઈ અને શરદબાબુની નવલકથાની નારી,
મુંબઈ, ૧૯૯૧

પાત્રવિવેચન
જાની, બળવંતરાય શાંતિલાલ, ૧૯૫૧–
શીર્ષક : ગુજરાતી નવલકથામાં નાયક-નાયિકાની વિભાવના
માર્ગદર્શક : ઇશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૮૧. પૃષ્ઠ સંખ્યા : ૩૩૯
પ્રસ્તુત મહાનિબંધમાં શ્રી બળવંત જાનીએ ગુજરાતી સાહિત્યમાં નવલકથામાં નાયક-નાયિકાનાં આરંભ કેવી રીતે અને ક્યારથી થયો તેની માહિતી આપી છે. અને તેનું સારું એવું અર્થઘટન કર્યું છે. સંશોધકશ્રીએ સરસ્વતીચંદ્ર, ગુજરાતનો નાથ, ગ્રામલક્ષ્મી, ઝેર તો પીધા છે જાણી જાણી, માનવીની ભવાઈ, અમૃતા અને આકાર જેવી સફળ નવલકથાઓમાં જોવા મળતી નાયક-નાયિકાની વિભાવનાની વિસ્તૃત ચર્ચા કરી છે. અને છેલ્લે ગુજરાતી નવલકથામાં નાયક-નાયિકાની બદલાતી વિભાવનાની ચર્ચા કરી છે.

દવે, રમેશ રતિલાલ, ૧૯૪૭–
શીર્ષક : ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ ‘મુખ્ય બાર’ નવલકથાના સંદર્ભમાં
માર્ગદર્શક : ડૉ. ચિમનલાલ શિ. ત્રિવેદી : પૃષ્ઠ સંખ્યા : ૭૭૧, ગુજરાત, ૧૯૮૩. પ્રકા. ભા. ૧ ૧૯૮૫, પૃ. ૧૭૬, ભા. ૨, પૃ. ૨૨૮, ભા. ૩, પૃ. ૧૭૨
શોધનિબંધના પ્રથમ ખંડમાં નવલકથાનો ઉદ્ભવ અને સ્વરૂપ-વિકાસની ચર્ચાના પાયા પર પાત્રની વિભાવના અને તેની નિરૂપણ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો છે. બીજા ખંડમાં, વિવિધ પાત્રનિરૂપણ પદ્ધતિઓ પૈકી, કઈ નવલકથામાં કઈ કઈ પદ્ધતિઓ શી રીતે પ્રયોજાઈ છે અને તેનાં શાં શાં પરિણામ નીપજ્યા છે તે, બારેય નવલકથાની પાત્રનિરૂપણ જન્ય સમીક્ષારૂપે તપાસીને નવલકથા લેખકોની પાત્ર-નિરૂપણતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે.

પારસી લેખકો
પારેખ, મધુસૂદન હીરાલાલ, ૧૯૨૩-
શીર્ષક : ગુજરાતી વાર્તા સાહિત્યમાં પારસી લેખકોનો ફાળો
માર્ગદર્શક : યશવંત પી. શુકલ, ગુજરાત, ૧૯૫૮.
બ્રિટિશ સંપર્ક પછી પારસીઓએ દેશના જીવનમાં અનેક બાબતમાં પહેલ કરી છે તેમ સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રે પણ કરેલી છે. આ મહાનિબંધમાં પારસીઓનું ગુજરાતમાં આગમન, હિંદુસ્તાનનું પ્રાચીન વાર્તા સાહિત્ય, ગુજરાતી નવલકથાનો ઉદ્ભવ, ‘નોવેલ’ શબ્દનો ઇતિહાસ, ‘કરણઘેલા’ પૂર્વેની પહેલી પારસી નવલકથા, જહાંગીર તાલિયારખાનની નવલકથાઓ, પારસી વાર્તાકારોની રૂપાંતર અને અનુવાદ પ્રવૃત્તિ, અગ્રગણ્ય પારસી નવલકથાકારો કેટલાંક ગૌણ પારસી વાર્તાનવેશો, પાંચ પારસી નવલકથાઓની સર્વાંગી સમીક્ષા, પારસી નવલકથાઓમાં વ્યક્ત થતું પારસી સમાજજીવન અને તેના પ્રશ્નો, પારસીબોલી અને શબ્દકોશનો અભ્યાસ થયો છે.

પૌરાણિક નવલકથા
રાણપુરા, કાંતિલાલ મ.
શીર્ષક : ‘ગુજરાતી પૌરાણિક નવલકથાઓમાં વસ્તુ વિષયગત માવજતનો આલોચનાત્મક અભ્યાસ’ (સમાન વિષયવસ્તુ-વાળી નવલકથાઓના તુલનાત્મક અભ્યાસ સાથે)
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૮૭. પૃષ્ઠ સંખ્યા : ૫૨૧
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ આરંભમાં નવલકથાનો સંજ્ઞાવિચાર રજૂ કર્યો છે. ત્યારબાદ પૌરાણિક નવલકથાની સ્વરૂપ વિચારણા પ્રગટ કરી છે. સ્વરૂપ વિશેની વાત આલેખી રામકથાશ્રિત જે પૌરાણિક નવલકથા છે તે આલેખન કર્યું છે. તેજ રીતે કૃષ્ણચરિત્ર લક્ષી પૌરાણિક નવલકથાનું આલેખન કર્યું છે. પરશુરામ પર આધારીત પૌરાણિક નવલકથાઓનું સુંદર આલેખન કર્યું છે. સમાન વિષયયુક્ત પૌરાણિક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ કરી તેનું મૂલ્યાંકન આંક્યું છે. અને છેલ્લે મહાનિબંધનાં અંતે પ્રકીર્ણ પૌરાણિક નવલકથાઓ રજૂ કરી મહાનિબંધની સમાપ્તિ કરી છે.

પ્રાદેશિક નવલકથા
ખુરાના, રાજરાની
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી). દિલ્હી, ૧૯૬૮

ધામેચા, નવીનચંદ્ર કે.
શીર્ષક : જાનપદી નવલકથાની સંકલ્પના અને પન્નાલાલ પટેલ તથા ચુનિલાલ મડિયાની જાનપદી નવલકથાઓ-એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૯૨, પૃષ્ઠ સંખ્યા : ૩૭૮
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકે જાનપદી નવલકથા અંગેની વિભાવના વિચાર પ્રગટ કર્યો છે. ત્યારબાદ સંશોધકે પન્નાલાલ પટેલ અને ચુનિલાલ મડિયાનું વાઙ્મય, અનુભૂતિ વિશ્વ આલેખ્યું છે. સંશોધકે પન્નાલાલ પટેલ તથા ચુનીલાલ મડિયાની જાનપદી નવલકથાઓમાં જોવા મળતી સંવિધાનકલા આલેખી અને ઉભય નવલકથાકારોની કૃતિમાં ચરિત્રવિધાનતા દર્શાવી છે. ત્યારબાદ પન્નાલાલ પટેલ તથા ચુનિલાલ મડિયાની જાનપદી નવલકથાઓમાં જનપદનો સ્થાનીક રંગ કેવો ઉપસે છે તેની વાત કરી સંશોધકે મહાનિબંધના અંતમાં ઉભય કથાસર્જકોની જાનપદી નવલકથાનું ગદ્ય આલેખ્યું છે.

નાગપાલ, રાજ
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસ : એક તુલનાત્મક અધ્યયન
(હિંદી) દિલ્હી, ૧૯૬૬.
પ્રકા. અજન્તા પ્રકાશન, હિંદી, ૧૯૭૦, પૃ. ૧૨+૨૦૮

પટેલ, જશભાઈ એન.
શીર્ષક : ૧૯૪૦ પછીની ગુજરાતી નવલકથાઓમાં પ્રાદેશિક તત્ત્વો : (ઉત્તર ગુજરાતના વિશેષ સંદર્ભમાં)
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ. ગુજરાત, ૧૯૯૧, પૃષ્ઠ : ૪૪૦
આ મહાનિબંધમાં નવલકથાનું સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો વિકાસ અને પ્રાદેશિક નવલકથા ગુજરાતી નવલકથામાં પ્રાદેશિક તત્ત્વો : ઉત્તરગુજરાતના વિશેષ સંદર્ભમાં, અન્ય નવલકથાકારો : ઉત્તર ગુજરાતના વિશેષ સંદર્ભમાં અને નવલકથામાં પ્રાદેશિક તત્ત્વનો સમાવેશ થયો છે. ૧૯૪૦ પછીના નવલકથાકારોની સૂચિનો પણ સમાવેશ થયો છે.

પટેલ, પી. આર.
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસ સાહિત્ય કા તુલનાત્મક અધ્યયન
સૌરાષ્ટ્ર, ૧૯૮૭

પટેલ, વિનોદચંદ્ર બી.
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસોં કા અધ્યયન
(હિંદી), દક્ષિણ ગુજરાત, ૧૯૭૩

માંગુકિયા, ઘનશ્યામ જે.
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથા (The Regional Novel in Gujarati Literature)
માર્ગદર્શક : હસમુખ દોશી
સૌરાષ્ટ્ર, ૧૯૭૮. પૃષ્ઠ સંખ્યા : ૫૦૮
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકે મહાનવલમાં પ્રાદેશિકતા આલેખી છે. અને આ લેખકોનો પ્રાદેશિક સ્પર્શ નિરૂપ્યો છે. ત્યારબાદ સંશોધકે યુગલક્ષી નવલકથાકારની પ્રાદેશિક નવલકથાઓ આલેખી છે અને સાગરજીવનના સર્જકની પ્રાદેશિક નવલકથા આલેખી છે. વિભાગ-૨માં સંશોધકે પ્રાદેશીક નવલકથાના સમર્થ સર્જક, ઉત્કૃષ્ટ પ્રાદેશિક નવલકથાકાર, સમાજ દર્શનનું કલા ઉપર અતિક્રમણ, કલાકૃતિને આંબવા મથતી નવલકથાઓ અને સંસ્કૃતિમાં પ્રાદેશિકતાનું સુંદર આલેખન કર્યું છે. વિભાગ-૩માં સંશોધકે પ્રાદેશિક નવલકથાનું મૂલ્યાંકન કર્યું છે જેમાં ‘અશ્રુધર’, ‘અમૃતા’ના સર્જકની પ્રાદેશિક અભિગમ અને જીન્સીતત્ત્વો વચ્ચે ગૂંગળાતી પ્રાદેશીક નવલકથાનું મૂલ્યાંકન કર્યું છે.

મિસ્ત્રી, ભૂપેન્દ્ર રામલાલ, ૧૯૩૭–
શીર્ષક : ગુજરાતી નવલકથા સાહિત્યમાં પ્રાદેશિક વિશેષતાઓનું નિરૂપણ
માર્ગદર્શક : યશવંત પ્રા. શુકલ :
ગુજરાત, ૧૯૭૮, પૃષ્ઠ સંખ્યા : ૬૧૮, પ્રકા. ‘ગુજરાતી પ્રાદેશિક નવલકથા’ ૧૯૮૯, પૃ. ૨૫૨
બધી જ વાર્તાઓને દેશ અને કાળની ભોંય તો હોય જ. એટલે વ્યાપક અર્થમાં બધી જ નવલકથાઓ પ્રાદેશિક નવલકથાઓ છે એમ કહેવાય છતાં પ્રાદેશિકતાને એક લક્ષણ વિશેષ તરીકે સ્વીકારીને નવલકથાનો અભ્યાસ અહીં થયો છે. સાહિત્યમાં પ્રાદેશિકતા અને ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથાનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની રજૂઆત કરી ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, પીતાંબર પટેલ અને પુષ્કર ચંદરવાકર રચિત પ્રાદેશિક નવલકથાનો અભ્યાસ ઉપરાંત અન્ય નવલકથાકારોએ રચેલી પ્રાદેશિક નવલકથાઓનો સમાવેશ થયો છે.

મનોવૈજ્ઞાનિક
જરીવાલા, આઈ. સી.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથામાં નિરૂપિત માનસિક પ્રક્રિયાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ
દક્ષિણ ગુજરાત, ૧૯૮૦

માર્ક્સવાદ
શાહ, રમણ ચીમનલાલ
શીર્ષક : ગાંધીવાદ અને માર્ક્સવાદની ગુજરાતી નવલકથા ઉપર અસર
મુંબઈ, ૧૯૭૫

માનવ
દવે, ઉપેન્દ્રપ્રસાદ નટવરલાલ, ૧૯૪૫–
શીર્ષક : આધુનિક ગુજરાતી નવલકથામાં માનવ- ૧૯૫૭થી ૧૯૭૮
માર્ગદર્શક : સુમન શાહ
ગુજરાત, ૧૯૮૬, પૃષ્ઠ સંખ્યા : ૬૨૭
સાહિત્યમાત્રની મુખ્ય સામગ્રી માનવ છે. નવલકથા, લઘુનવલ, પ્રતિનવલ જેવાં વિવિધ સ્વરૂપોમાં નાયકની પ્રતિનાયક સુધીની એની વિસ્તૃતિમાં સર્વથા માણસની જ વાત જુદી-જુદી રીતે સ્થિર થતી આવે છે. શોધ સંકલ્પ : નવલકથા : લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ તરીકે. શોધ શીર્ષકની સમજૂતી સ્વરૂપ આધુનિક સંરચના, આધુનિક નવલકથાનો આરંભ, તેને ઘડનારાં મુખ્ય બળો, નવલકથામાં માનવનું રૂપ, ગુજરાતી નવલકથા વ્યક્તિમાનવનો અસ્તિત્વનો અને મરણનો સંદર્ભ આલેખતી નવલકથાઓ ટેકનિકવાળી નવલકથાઓ. સમકાલીન અને લોકપ્રિય જૂથની નવલકથાના માનવનો આધુનિક નવલકથાની તુલનાએ અભ્યાસ થયો છે.

મૅલોડ્રેમેટિક (અતિ નાટક)
નાયક, ભરત મગનલાલ, ૧૯૪૪-
શીર્ષક : મૅલોડ્રામેટિકનું સૌંદર્યશાસ્ત્ર (ગુજરાતી નવલકથાના સંદર્ભમાં)
માર્ગદર્શક : ડૉ. સુરેશ જોશી
એમ. એસ. યુનિ., ૧૯૮૨-૮૩. પૃ. ૨૬૪
આ મહાનિબંધમાં સાહિત્યિક કૃતિના નિર્માણ અને નવલકથા સ્વરૂપના અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ કરતી અભિનવ રચના પદ્ધતિઓમાં અત્યંત સંકીર્ણ, અતિપરિચિત રચનારીતિ ‘મૅલોડ્રામા’ની પણ છે. એવું દર્શાવીને ‘જય સોમનાથ’, ‘માનવીની ભવાઈ’, ‘નદી-નાવ સંજોગે’, ‘અશ્રુઘર’ અને ‘કામિની’ જેવી નવલકથાઓને પસંદ કરીને તેનો પ્રભાવ, કયા પ્રકારના ઘટકતત્ત્વો, યુક્તિ, રીતિ સામગ્રીઓનો સમાવેશ કર્યો છે.

રાષ્ટ્રભાવના, સાંસ્કૃતિક-સામાજિક ચેતના
ગાંધી, ચંપકલાલ હીરાલાલ, ૧૯૩૨
શીર્ષક : ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા (ગોવર્ધનરામથી દર્શક)
માર્ગદર્શક : ઇંદ્રવદન કે. દવે
દક્ષિણ ગુજરાત, ૧૯૭૧, પ્રકા. ૧૯૭૩, પૃ. ૩૯૨

ઠાકુર, દેવેન્દ્રનાથ
શીર્ષક : પ્રેમચંદ ઔર રમણલાલ દેસાઈ કે ઉપન્યાસોં મેં નિરૂપિત સામાજિક ચેતના
ઓસ્માનિયા, ૧૯૮૫

મહેતા, કંચન
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ઉપન્યાસોં મેં રાષ્ટ્રીય-સાંસ્કૃતિક ચેતના ૧૯૦૦-૧૯૩૬
(હિંદી). દિલ્હી, ૧૯૭૫

રચનારીતિના પ્રયોગો
પંડ્યા, ભરત
શીર્ષક : ૧૯૬૦ પછીની ગુજરાતી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો
માર્ગદર્શક : ડૉ. બિપીન આશર
સૌરાષ્ટ્ર, ૨૦૦૧. પૃષ્ઠ સંખ્યા : ૨૯૨
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે ખંડ વિભાગીય રીતે ખંડ ૧ માં ૩ પ્રકરણો આલેખ્યાં છે. ૧. પ્રકરણમાં રચનારીતિ : સંજ્ઞા અને સમ્પ્રત્યયનું આલેખન કર્યું છે. ૨, પ્રકરણમાં રચનારીતિનું મહત્ત્વ અને રચનારીતિ વિશેના વિદ્વાનોના મંતવ્યો બાબતની ચર્ચા કરી છે. જ્યારે ૩-પ્રકરણમાં રચનારીતિના વિભિન્ન આવિષ્કરણો સંશોધકે આલેખ્યા છે.
ખંડ ૨માં સંશોધકે ૧૯૬૦થી ૧૯૭૫ સુધીની ગુજરાતી નવલકથાઓમાં રચનારીતિ અને ૧૯૭૫ પછીની ગુજરાતી નવલકથાઓની રચનારીતિની દૃષ્ટિએ મૂલવણી કરી છે. અને મહાનિબંધના અંતમાં સંશોધકે રચનારીતિના પ્રયોગો રૂપે નિષ્કર્ષનું આલેખન કર્યું છે.

ચૌધરી, વી. એ.
શીર્ષક : ગુજરાતી નવલકથા : રચનારીતિના સંદર્ભે
માર્ગદર્શક : ડૉ. જયંત ગાડિત
ગુજરાત, ૧૯૯૯

લઘુનવલ
પટેલ, ગીતા રાવજીભાઈ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર હિંદી ઔર ગુજરાતી કે લઘુ-ઉપન્યાસ
(હિંદી) સરદાર પટેલ, ૧૯૮૫

વેદ, નરેશચંદ્ર લક્ષ્મીદાસ, ૧૯૪૮
શીર્ષક : લઘુનવલ : શિલ્પ અને સર્જન,
સૌરાષ્ટ્ર, ૧૯૭૮

સમય સંદર્ભ
રાવલ, અજય એમ.
શીર્ષક : નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલના
માર્ગદર્શક : નરેશ એલ. વેદ
આ મહાનિબંધનો મુખ્ય આશય શીર્ષક સૂચવે છે તેમ નવલકથામાં ‘સમયસંદર્ભ અને સમયસંકલના’ને શોધવાનો છે. આ સમય તત્ત્વ સાથે નવલકથાકારોએ જે બાથ ભીડી તેમાં તેમને કેટલી સફળતા મળી અને તેઓએ કેટલી સિદ્ધિ-મર્યાદાઓ દર્શાવી તેનું વીગતવાર આલેખન આ સંશોધનમાં છે. સાત પ્રકરણોમાં વિભાજિત આ મહાનિબંધમાં સમયના લક્ષણોને, સમયના સ્વરૂપને વિગતે તપાસ્યું છે. ઉપરાંત ત્રણ નવલકથાઓ ‘પેરેલિસિસ’ (ચંદ્રકાંત બક્ષી), ‘મરણોત્તર’ (સુરેશ જોશી) અને ‘પ્રિયજન’ (વીનેશ અંતાણી)માં સમય સંકલના ને સમય તત્ત્વને તપાસ્યાં છે.

સમાજજીવન
ખત્રી, અબ્દુલ્લા અહમદ
શીર્ષક : મેરિજ એન્ડ ફેમિલી રિલેશનશીપ ઈન ગુજરાતી ફિક્સન
લંડન યુનિ. ૧૯૭૦

પટેલ, માણેકલાલ મણિલાલ, ૧૯૩૪
શીર્ષક : ગુજરાતી નવલકથામાં આલેખાયેલું લગ્ન અને કુટુંબક્ષેત્રે સામાજિક પરિવર્તન
ગુજરાત, ૧૯૭૬. પ્રકા. ૧૯૮૩, પૃ. ૨૧૬

રાવલ, પ્રદીપકુમાર જયશંકર
શીર્ષક : મેઘાણી-મડિયાની નવલકથામાં સમાજજીવન
માર્ગદર્શક : હેમંત દેસાઈ
સૌરાષ્ટ્ર, ૧૯૯૪-’૯૫. પૃષ્ઠ સંખ્યા : ૪૪૩
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૬ પ્રકરણોમાં વિભાજિત કર્યો છે. પ્રથમ પ્રકરણમાં સંશોધકે વિષય નિર્દેશ અને અધ્યયન ક્ષમતા સમજાવી અને સીમાનિર્ણય તથા નિરૂપણ પદ્ધતિ આલેખી છે. પ્રકરણ રમાં સંશોધકે નવલકથાનું સ્વરૂપ આલેખ્યું છે. જેમાં નવલકથાના પ્રકારો અને સામાજિક નવલકથાની વાત કરી છે. તથા સામાજિક નવલકથા અને સમાજવાસ્તવનું આલેખન કર્યું છે. અને મેઘાણી-મડિયાને સામાજિક નવલકથાકારો તરીકે મૂલવ્યા છે. પ્રકરણ ૩માં સંશોધકે નવલકથાકાર મેઘાણીના નવલકથા સાહિત્યનું આલેખન કર્યું છે. જેમાં મેઘાણીની વ્યક્તિમતા અને વાઙ્મય, મેઘાણીએ દાખવેલ સામાજિક સભાનતા, મેઘાણીકૃત નવલકથાઓમાં સમાજજીવન અને નવલકથાકાર મેઘાણીની સિદ્ધિ-મર્યાદાનું આલેખન કર્યું છે. પ્રકરણ ૪માં સંશોધકે નવલકથાકાર મડિયાને આલેખ્યા છે. જેમાં મડિયાનું વ્યક્તિત્વ અને કૃતિત્વ, મડિયાએ દાખવેલી સામાજિક સભાનતા, મડિયા રચિત નવલકથાઓમાં સમાજજીવન અને નવલકથાકાર મડિયાની સિદ્ધિ મર્યાદાનું સુંદર આલેખન કર્યું છે. પ્રકરણ પમાં સંશોધકે મેઘાણી-મડિયામાં જોવા મળતું સામ્ય-વૈષમ્ય આલેખ્યું છે. જેમાં મેઘાણી-મડિયા સામાજિક નવલકથાકારો, મેઘાણી-મડિયામાં જોવા મળતું સામ્ય, મેઘાણી-મડિયાની નવલોમાં જોવા મળતું વૈષમ્ય, મેઘાણી -મડિયાની સફળતા-વિફળતા અને મેઘાણી-મડિયા વિશેના મંતવ્યો આલેખ્યાં છે. પ્રકરણ ૬માં સંશોધકે પ્રતિપાદન અને મૂલ્યાંકન કર્યું છે. જેમાં સર્જકની લોકપ્રિયતા અને સર્જકતા આલેખી અને મેઘાણી-મડિયાની નવલકથામાં સમાજ સરખામણી આલેખી છે.

સરસ્વતીચંદ્ર
પટેલ, છગનભાઈ પૂંજીરામ, ૧૯૩૫-
શીર્ષક : ‘સરસ્વતીચંદ્ર’માં સમાજ-મીમાંસા,
દક્ષિણ ગુજરાત, ૧૯૭૫
માર્ગદર્શક : ઇંદ્રવદન કે. દવે

રૈયાણી, પ્રવિણા
શીર્ષક : ‘સરસ્વતીચંદ્ર’નાં નારી પાત્રો
ગુજરાત ૧૯૯૭. પૃ. ૩૫૨

સામાજિક નવલકથા
ગ્રોવર, સેવરાજ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તરકાલ મેં હિંદી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસ
(હિંદી). દિલ્હી, ૧૯૭૦

પટેલ, ફકીરભાઈ ગોરધનભાઈ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર (૧૯૪૭-૧૯૬૭) હિંદી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસોં કાં તુલનાત્મક અધ્યયન
(હિંદી), એમ. એસ. યુનિ., ૧૯૭૬

લૂથરા, આશા
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન
(હિંદી). પટના, ૧૯૭૨

હાસ્યકટાક્ષયુક્ત નવલકથા
દવે પ્રકાશ બી.
શીર્ષક ; ગુજરાતી નવલકથાઓમાં હાસ્ય અને કટાક્ષ
માર્ગદર્શક : બિપિન વી. આશર
સૌરાષ્ટ્ર, ૨૦૦૨

માંગુકિયા, વિનુભાઈ ત્રિ.
શીર્ષક : નર્મ-મર્મ અને હાસ્યકટાક્ષયુક્ત અભિગમની ગુજરાતી નવલકથાઓ : એક આલોચનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૯૨-’૯૩. પૃષ્ઠ સંખ્યા : ૪૩૦
પ્રસ્તુત મહાનિબંધનાં પ્રારંભમાં સંશોધકે નવલકથાનું સ્વરૂપ આલેખી હાસ્ય-કટાક્ષ નવલકથાના વિષયની સમજૂતિ આપી છે. ત્યારબાદ સંશોધકે હાસ્યકટાક્ષ કથા અને નર્મ-મર્મ કથાના સંજ્ઞાવિચાર રજૂ કરી તેનું સાહિત્યમાં કેવું સ્થાન છે તે આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે હાસ્યકટાક્ષ કથાની આંતરસામગ્રીમાં જોવા મળતું વૈવિધ્ય આલેખ્યું છે. નર્મ-મર્મ અને હાસ્યકટાક્ષની નવલકથાના વસ્તુ સંયોજનનું વર્ણન સંશોધકે સારી રીતે કર્યું છે. ત્યારબાદ હાસ્યકટાક્ષ કથામાં ચરિત્રપ્રધાન કથાનું સ્થાન આલેખ્યું છે અને હાસ્યકટાક્ષ કથામાં હાસ્યપરક પર તાત્ત્વિક ચર્ચા કરી છે. સંશોધકે મહાનિબંધનાં અંતમાં હાસ્યકટાક્ષયુક્ત નવલકથાઓનું ગદ્ય આલેખ્યું છે અને મહાનિબંધની સમાપ્તિ કરી છે.