ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ વિષય વિવેચન
અરવિંદ દર્શન
પટેલ, પ્રવિણા કે, ૧૯૩૪
શીર્ષક : શ્રી અરવિંદનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ, ૧૯૮૧-૮૨
માર્ગદર્શક : રમણલાલ જોશી : ગુજરાત, ૧૯૮૨
પ્રકા. ૧૯૮૪, પૃ. ૨૭૩
આત્મકથા
કડિયા, રસીલાબહેન ચંદ્રકાંત
શીર્ષક : આત્મકથા : સ્વરૂપ અને વિકાસ
માર્ગદર્શક : મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૧
પ્રકા. ૧૯૮૫, પૃ. ૪૭૨
આ મહાનિબંધમાં ‘આત્મકથા’નું સ્વરૂપલક્ષી સંશોધન વિવેચન થયું છે. આત્મકથાનાં સ્વરૂપની વિચારણા, લક્ષણો વગેરેની ઊંડાણથી ચર્ચા થઈ છે તો પશ્ચિમ અને ગુજરાતનાં સાહિત્યમાં આત્મકથાના વિકાસનો અભ્યાસ તેમ જ ગુજરાતી સાહિત્યની આત્મકથાઓનો અભ્યાસ અહીં થયો છે. અન્ય ભાષાની પણ ગુજરાતીમાં અનુદિત આત્મકથાઓને અહીં આવરી લેવામાં આવી છે.
દેસાઈ, નલિની હર્ષદરાય, ૧૯૬૧
શીર્ષક : આત્મચરિત્ર, ડાયરી અને પત્રસાહિત્યનો સ્વરૂપગત અભ્યાસ અને તેનો વિકાસ.
ગુજરાત, ૧૯૮૭
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ
દોશી, રજનીબાળા પી.
શીર્ષક : ગુજરાતી આત્મચરિત્રાત્મક સાહિત્ય અને સામાજિક લગ્નજીવનમાં પ્રતિબિંબિત લગ્નનું ભાવચિત્ર
પૂના, ૧૯૮૫
પટેલ, રમેશચંદ્ર મોતીભાઈ, ૧૯૪૩–
શીર્ષક : ગુજરાતી આત્મકથા : તેના સ્વરૂપગત પ્રશ્નો
માર્ગદર્શક : ડૉ. પ્રમોદકુમાર પટેલ, સરદાર પટેલ, ૧૯૮૬-’૮૭
શીર્ષક સૂચવે છે તેમ આત્મકથાના સ્વરૂપવિશેષને ઓળખવાનો પ્રયત્ન છે. વિશિષ્ટ સાહિત્યપ્રકાર લેખે એના આકાર અને સંયોજનના પ્રશ્નોને નજરમાં રાખીને આ અભ્યાસ થયો છે. આત્મકથાલેખકોએ પોતાના જીવનની કઈ સામગ્રી સ્વીકારી, કઈ રીતે એનું સંયોજન કર્યું, તેને કઈ રીતે ઘાટ આપ્યો છેવટે કેવું સ્વરૂપ થયું તે મુદ્દાઓની તપાસ કરી છે. પ્રકરણ-૧ ‘અધ્યયન વિષયની ભૂમિકા અને પ્રવેશ’, પ્રકરણ-૨ આત્મકથાનું સાહિત્યસ્વરૂપ જેમાં સાહિત્યની વ્યાખ્યા, સંજ્ઞા વિશે, ચરિત્રકથા અને આત્મકથાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ, આત્મકથાના સ્વરૂપ વિશે પાશ્ચાત્ય વિવેચન, ગુજરાતી આત્મકથાનો વિચાર, આત્મકથાના મૂલ્યાંકનનાં ધોરણો, આત્મકથાનો અન્ય ચરિત્ર સાહિત્ય સાથેનો સંબંધ વગેરે પ્રશ્નો તપાસ્યાં છે. પ્રકરણ-૩માં સુધારક યુગની આત્મકથાઓ, પ્રકરણ-૪માં સાક્ષરયુગની આત્મકથાઓ, પ્રકરણ-પમાં ગાંધીયુગની આત્મકથાઓ, પ્રકરણ-૬માં સ્વાતંત્ર્યોત્તર આત્મકથાઓ, પ્રકરણ-૭માં સમાપન અને ગુજરાતી આત્મકથા, સ્વરૂપબોધના પ્રશ્નો તરફ સંકેત કરી ગુજરાતીની નોંધપાત્ર આત્મકથાઓની સૂચિ તથા સંદર્ભોની માહિતી આપી છે.
કેળવણી
ત્રિવેદી, શાંતિલા બી.
શીર્ષક : ગુજરાતી લેખકોના કેળવણી વિષયક વિચારો.
માર્ગદર્શક : બિપિન ઝવેરી
ગુજરાત, ૧૯૬૮, પૃ. ૪૬૦
આ મહાનિબંધમાં આઠ પ્રકરણનો સમાવેશ છે. પ્રથમ પ્રકરણમાં કેળવણીનો ઇતિહાસ છે. કેળવણીની ચઢતી-પડતી કેવી રીતે થઈ તે સમજાવ્યું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં અનુક્રમે સુધારકયુગ પંડિતયુગ અને નવીનયુગના કેળવણીની દૃષ્ટિએ ઉપયોગી લેખકોનો સમાવેશ થાય છે. ગાંધી યુગના ચોથા પ્રકરણમાં ગાંધીજીના લેખો ઉપરાંત મશરૂવાળા, મુનશી, દર્શક અને કાકાસાહેબનો સમાવેશ થાય છે. ૫-૬-૭માં પ્રકરણમાં નીતિ અને ધર્મનો કેળવણી, સત્તા અને મનોવૈજ્ઞાનિક કેળવણી વિશે ગુજરાતી લેખકોના કેળવણીના ઉદ્દેશોની ચર્ચા અને પુનઃ રચનાના સૂચનો છે. અને પ્રકરણ -૮- ઉપસંહારથી આનું સમાપન થાય છે.
કૃષ્ણ
જોશી, દિનેશચંદ્ર લાલજી
શીર્ષક : અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં શ્રીકૃષ્ણ
માર્ગદર્શક : હસમુખ દોશી, સૌરાષ્ટ્ર, ૧૯૮૧ પૃ. ૭૦૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકશ્રીએ ભારતીય સાહિત્યમાં શ્રીકૃષ્ણના પાત્રને એક ચમત્કારીક પાત્ર ગણાવી આલેખ્યું છે. ત્યારબાદ પ્રાક્ નરસિંહ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં માધવનું સુપેરે આલેખન કર્યું છે.
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે સ્તબકવાર વાત આલેખી છે. જેમાં પ્રથમ સ્તબકમાં પ્રાક નરસિંહ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં માધવ આલેખ્યા છે. એજ રીતે દ્વિતીય સ્તબક, તૃતીય સ્તબક, ચતુર્થ સ્તબક, પંચમ સ્તબકમાં પણ ઉપર મુજબનું આલેખન કર્યું છે.
વ્યાસ, ગુણવંતરાય રમણીકલાલ
શીર્ષક : ગુજરાતી સાહિત્યની પસંદગીની નવલકથાઓમાં શ્રીકૃષ્ણનું નિરૂપણ : એક અભ્યાસ
માર્ગદર્શક : જે. ઓ. શાહ
દક્ષિણ ગુજરાત, ૧૯૯૭
ગદ્ય
ઠાકર, કાંતિલાલ દેવશંકર
શીર્ષક : ઓગણીસમાં શતકનું લલિતેતર ગદ્ય સાહિત્ય
માર્ગદર્શક : પ્રભાશંકર આ૨. તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૮૫. પૃ. ૪૪૦
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકશ્રીએ ૨ ખંડોમાં વિભાજીત કર્યો છે. ખંડ-૧માં ગદ્ય વિષયક વિચારો રજૂ કર્યા છે. જેમાં પૂર્વપીઠિકા બાંધી સંસ્કૃત ભાષા સાહિત્યમાં ગદ્યવિચાર, અંગ્રેજી ભાષા સાહિત્યમાં ગદ્ય વિચાર, ગુજરાતીમાં થયેલો ગદ્ય વિચાર એમ વિવિધ ભાષામાં થયેલાં ગદ્ય વિચાર રજૂ કર્યા છે. ખંડ ૨માં ગુજરાતી ગદ્ય રજૂ કર્યું છે. જેમાં ઓગણીસમાં શતકના ગદ્યની પૂર્વભૂમિકા, દલપતરામ ડાહ્યાભાઈ : લલિતેતર વાઙ્મય, નર્મદાશંકર લાભશંકર દવે : લલિતેતર વાઙ્મય, નવલરામનું ગદ્ય, સુધારકયુગના ગૌણગદ્યકારો અને પંડિતયુગના મણિલાલ નમુભાઈ દ્વિવેદી વગેરેના ગુજરાતી ગદ્યો રજૂ કર્યા છે.
પઢિયાર, દલપતસિંહ નારણભાઈ, ૧૯૫૦-
શીર્ષક : ગાંધીયુગનું ગદ્ય
માર્ગદર્શક : મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૮
પ્રકા. ૧૯૯૧, પૃ. ૧૭૨
શ્રી મોહનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયેલો કવિશ્રી દલપત પઢિયારનો આ નિબંધ મૂળગામી સંશોધનનો નમૂનો પૂરો પાડે છે. બે ખંડમાં તેમણે ૭૩૬ પૃષ્ઠ આપ્યા છે. સંસ્કૃતથી માંડીને ગુજરાતી સુધીના ગદ્યનો સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી ગુજરાતીમાં ગાંધીયુગની ભૂમિકા, ગાંધીયુગના મુખ્ય ગદ્યકારો, ગાંધીયુગના અન્ય ગદ્યકારો તેવા પ્રકરણો પાડી તેમણે ગાંધીયુગનાં ગદ્યનો સાહિત્યિક અભ્યાસ કર્યો છે.
પરમાર, જોસેફ લુકાસ, ૧૯૫૧–
શીર્ષક : અર્વાચીન ગુજરાતી ગદ્યનો વિકાસ (ઈ.સ. ૧૮૫૦થી ૧૯૧૧)
માર્ગદર્શક : ધીરુભાઈ ઠાકર
ગુજરાત, ૧૯૮૧, પ્રકા. ૧૯૮૭. પૃ. ૩૮૦
ઈ.સ. ૧૮૫૦થી ૧૯૧૫ સુધીમાં સાહિત્યના ઇતિહાસે સ્વીકારેલ સુધારક યુગ અને પંડિતયુગના મુખ્ય અને ગૌણ સર્જકોની તેમની મુખ્ય કૃતિઓ સાથે સમાવેશ કર્યો છે. પ્રત્યેક મુખ્ય સર્જકના ગદ્યકાર્યનો આછો નિર્દેશ અને તેને અનુષંગે ઉદ્દભવતાં નવીન વલણો અને પરિમાણો બતાવ્યાં છે. ગદ્યની વિવિધ તરેહોનો ખ્યાલ આપવા તે તે યુગના સાહિત્યકારોમાંથી પ્રતિનિધિરૂપ કૃતિઓને લક્ષમાં લઈ તેવી કૃતિઓમાં ગદ્યના પલટાતાં વલણો સૂચવ્યાં છે. ગદ્યના વિવિધ પ્રકારોનો તેમજ શૈલી સ્વરૂપોનો તેની અગત્યતા મુજબ નિર્દેશ કર્યો છે. પ્રત્યેક યુગની ગદ્યસિદ્ધિ ઉપસંહાર દ્વારા સૂચવી છે.
પરમાર, નટવરસિંહ પ્રભુસિંહ
શીર્ષક : ૧૮૮૦થી ૧૯૨૦ દરમિયાનના કેટલાક અલ્પખ્યાત ગદ્યકારો,
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાત, ૧૯૭૭-૭૮
ભટ્ટ, રમણલાલ જી.
શીર્ષક : પંદરમા શતકના ગુજરાતી ગદ્યનું મોડેલ
મુંબઈ, ૧૯૪૫
શાહ, દિનુભાઈ મંગળદાસ
શીર્ષક : ‘જનાન્તિકે’ પછીનું ગદ્ય
ગુજરાત, ૧૯૯૪
ગાંધી, મોહનદાસ કરમચંદ
વ્યાસ, હરીશ અંબાલાલ, ૧૯૨૯–
શીર્ષક : મહાત્મા ગાંધીની ગુજરાતી સાહિત્ય પર અસર
માર્ગદર્શક : અનંતરાય મ. રાવળ
ગુજરાત, ૧૯૭૩. પૃ. ૭૦૫
આ મહાનિબંધ ચાર પ્રકરણમાં વહેંચાયો છે. પ્રથમ પ્રકરણ પ્રસ્તાવનારૂપે છે જેમાં ગાંધીજીનું વિરાટ વ્યક્તિત્વ, નવયુગના શિલ્પી તરીકે પ્રગટ થતી તેમની સર્વતોભદ્ર પ્રતિભા અને એમના આગમન પહેલાની સ્થિતિનું વર્ણન છે. બીજા પ્રકરણમાં ગાંધીજીના ઐતિહાસિક જીવનકાર્યમાં સમગ્ર ઘડતરની કથા, પ્રેરણામૂર્તિઓ, ગાંધીજીનાં વિચારો અને પ્રવૃત્તિઓ તેમજ તેમની લેખન સામગ્રી વ્યક્ત થાય છે. ત્રીજા પ્રકરણમાં ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપો, કવિતા, વાર્તા, નાટક, ચરિત્ર, નિબંધ, પ્રકીર્ણ, ભાષા-જોડણી લિપિ અને મુદ્રણ જ્યાં સાહિત્ય પર ગાંધીજીના જીવનકાર્ય, ધાર્મિક સામાજિક કલાવિષયક વિચારો અને પ્રવૃત્તિઓનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે. ચોથા પ્રકરણમાં મહાનિબંધનો સાર દર્શાવીને સંશોધનને પરિણામે ઉપલબ્ધ તારણો રજૂ કર્યા છે.
સુદ, સુમન
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ઉપન્યાસોં મેં ગાંધી વિચારધારા, દિલ્હી, ૧૯૭૯
ગીતા
શાહ, ઇંદિરા પૂંજાલાલ, ૧૯૩૯
શીર્ષક : અર્વાચીન ગુજરાતી ભાષામાં ગીતા વિષયક સાહિત્ય,
મુંબઈ, ૧૯૬૭
ગુજરાતી અધ્યાપન
ઉપાધ્યાય, ભાનુમતી ઉ.
શીર્ષક : પ્રાથમિક અધ્યાપન મંદિરમાં થતાં ગુજરાતીનાં અધ્યાપન કાર્યનું સર્વેક્ષણ : એક આંશિક આલોચના.
માર્ગદર્શક : ધર્મેન્દ્ર એમ. માસ્તર
ગુજરાત, ૧૯૯૨, પૃ. ૪૭૩
આ મહાનિબંધમાં પ્રાથમિક અધ્યાપન મંદિરોનો ઈતિહાસ અધ્યાપન મંદિરમાં માતૃત્વનું શિક્ષણ, સંશોધન-રૂપરેખા. પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન. અધ્યાપન મંદિર અને આચાર્ય, ગુજરાતી વિષય શીખવતા અધ્યાપકો, ગુજરાતીના શિક્ષણની શિક્ષણ પદ્ધતિઓ, આયોજન અને વ્યવસ્થા, અધ્યાપન મંદિરમાં આપલે થતા ગુજરાતીના શૈક્ષણિક પાઠો, માતૃભાષાનું પાઠ્યપુસ્તક, માતૃભાષાનો અભ્યાસક્રમ, ગુજરાતીમાં સ્વાધ્યાય, ગુજરાતીના શિક્ષણનું મૂલ્યાંકન, ગુજરાતીના શિક્ષણમાં તાત્કાલીક સુધારણા માંગી લેતા પ્રશ્નો, તારણો, સારાંશ અને ગુજરાતીના શિક્ષણ માટેના ઉપકારક સૂચનોનો અભ્યાસ રજૂ થયો છે.
ચરિત્ર સાહિત્ય
પટેલ, પ્રેમાભાઈ સોમાભાઈ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ચરિત્ર સાહિત્ય (આત્મચરિત્ર અને જીવનચરિત્ર)
માર્ગદર્શક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
ગુજરાત, ૧૯૯૮
પ્રકરણ-૧ – જીવનકથાના સ્વરૂપ વિશે, પ્રકરણ-૨ આત્મકથાના સ્વરૂપ વિશે, પ્રકરણ – ૩ ઈ.સ. ૧૯૫૦ સુધીની ગુજરાતી જીવનકથાઓ -સર્વેક્ષણ, પ્રકરણ-૪. ઈ.સ. ૧૯૫૦ સુધીની ગુજરાતી આત્મકથાઓ સર્વેક્ષણ, પ્રકરણ-૫. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી જીવનકથાઓની તપાસ, પ્રકરણ-૬. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી આત્મકથાઓની તપાસ, પ્રકરણ-૭ ઉપસંહાર
ભટ્ટ, ઉપેન્દ્ર રવિશંકર, ૧૯૧૬
શીર્ષક : ગુજરાતી ચરિત્ર વાઙ્મયની ટૂંકી રૂપરેખા અને નિવેદન.
ગુજરાત, ૧૯૫૮. પ્રકા. ‘ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’ ૧૯૬૭, પૃ. ૨૭૬.
મહેતા, રમેશચંદ્ર બી.
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ચરિત્રાત્મક નિબંધ
માર્ગદર્શક : બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૨૦૦૧
ચુડાસમા રાજવંશ
રાયજાદા, વિક્રમસિંહ ભરતસિંહ
શીર્ષક : ચુડાસમા રાજવંશની પ્રશસ્તિ કવિતા
માર્ગદર્શક : બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૩-’૯૪. પૃષ્ઠ સંખ્યા : ૫૪૨
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે ચૂડાસમા રાજવંશની ઉત્પત્તિ જણાવી રાજવંશની વંશાવળી રજૂ કરી છે. ત્યારબાદ સંશોધકે જૂનાગઢનાં ચૂડાસમા રાજવંશનો ઇતિહાસ અને તેની શાખાઓ તેમજ પ્રશાખાઓનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે ચારણી પ્રશસ્તિ કાવ્યનો ઇતિહાસ, ઉદ્ભવ અને વિકાસનું સાલવાર પ્રમાણે આલેખન કર્યું છે. જેમાં ઈ.સ. ૯૦૭થી ૧૦૨૧ સુધીના ચારણી કાવ્યો, ઈ.સ. ૧૦૨૧થી ૧૪૫૦ સુધીના ચારણી પ્રશસ્તિ કાવ્યો, અને ઈ.સ. ૧૪૫૧થી રા’માંડલિકનાં અંત સુધીના પ્રશસ્તિ કાવ્યો ઉપરાંત બીજા ઉલ્લેખનીય કાવ્યો/ગીતોનું આલેખન કર્યું છે. પ્રશસ્તિ કાવ્યોની વંશ પ્રમાણેની યાદીમાં સંશોધકે ગાંફ રાજ્યના રાજવીઓ અને તેમનાં પ્રશસ્તિ કાવ્યો, તેમજ ચુડાસમા, સરવૈયા, રાયજાદા વગેરે જૂનાગઢના ભાયાતોના પ્રશસ્તિ કાવ્યોનું સુંદર આલેખન કર્યું છે. મહાનિબંધના અંતમાં સંશોધકે ચુડાસમા રાજવંશના પ્રશસ્તિ કાવ્યોમાંથી મળતી ઐતિહાસિક કડીઓ તેમજ રસલંકાર આલેખ્યો છે.
નારી
પટેલ, કાંતાબેન જેકિશન, ૧૯૪૦–
શીર્ષક : ગોવર્ધનરામના પુસ્તકોમાં નિરૂપિત સ્ત્રીજાતિ.
મુંબઈ, ૧૯૬૯
મહેતા, નલિની એન.
શીર્ષક : સ્ત્રીઓની સમસ્યાઓ : ઈ.સ. ૧૯૦૧-૧૯૭૫ દરમ્યાન ગુજરાતી સ્ત્રી-લેખિકાઓએ પોતાની નવલ અને ટૂંકી વાર્તાઓમાં નિરૂપિત સ્ત્રીઓની સમસ્યાઓ : વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, ધીરુબેન પટેલ, સરોજ પાઠક અને ઇલા મહેતાના વિશેષ સંદર્ભે.
એસ. એન. ડી. ટી. ૧૯૮૬
મારફતિયા, સુભદ્રા રવિવદન, ૧૯૧૭
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં નારીભાવનાનો વિકાસ, ૧૮૨૫થી ૧૯૧૫
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી
ગુજરાત, ૧૯૬૬, પૃ. ૩૭૩
અહીં વિદેશીય અને ભારતીય પ્રાચીનનારીની ભાવના નિરૂપી છે. માનવસમાજના એક મુખ્ય ભાગરૂપ નારીના ઉત્કર્ષ અને અપકર્ષનો વિષય એક રીતે સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય. આમ, સમાજશાસ્ત્રને સ્પર્શતા આ વિષયને સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં સરી જતો બચાવી સાહિત્યિક મર્યાદામાં રાખવાનો છે. આ કારણે સ્ત્રીઓની સ્થિતિ-સુધારણાના સુધારકો અથવા તેમનાં કાર્યોને છોડીને પોતાની વિશિષ્ટ નારીભાવનાને માત્ર સાહિત્ય દ્વારા વ્યક્ત કરી છે અને નારી વિકાસમાં ફાળો આપ્યો છે તેવા ગણનાપાત્ર સાહિત્યકારોનો આ મહાનિબંધમાં સમાવેશ કર્યો છે.
નિબંધ સાહિત્ય
દરજી, પ્રવિણચંદ્ર શનિલાલ, ૧૯૪૪
શીર્ષક : ગુજરાતી નિબંધ સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ
માર્ગદર્શક : ધીરુભાઈ પ્રે. ઠાકર
ગુજરાત, ૧૯૭૩, પૃ. ૫૮૬
પ્રકા. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ ૧૯૭૫, પૃ. ૩૩૪
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નાટક, વાર્તા, ચરિત્ર અને કવિતાની સાથે નિબંધે પણ ગણનાપાત્ર વિકાસ સાધ્યો છે. અહીં આરંભમાં નિબંધના સ્વરૂપ વિશે વિગતે ચર્ચા કરી છે. આશરે બાર દાયકાના નિબંધ ખેડાણનો ઇતિહાસ આપતી વખતે તેના લલિત અને લલિતેતર તરીકે ઓળખાતા બધા જ પ્રકારોનો સમાવેશ કર્યો છે. વ્યક્તિત્વના પ્રકટીકરણના મુદ્દાને આગળ કરીને નિબંધચર્ચામાં સાહિત્યિક નિબંધના સ્વરૂપને સમજાવવા પર અહીં વિશેષ ભાર મૂકેલ છે. સાંપ્રત ગુજરાતી નિબંધ સાહિત્ય વિશે પણ વિસ્તૃત આલોચના થયેલ છે.
રાવલ, પ્રફુલ્લ જગજીવનદાસ, ૧૯૪૮
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર લલિત નિબંધ.
ગુજરાત, ૧૯૮૭-૮૮. માર્ગદર્શક : ધીરુભાઈ પરીખ
લાડવા, અલકા
શીર્ષક : ગુજરાતી લલિત નિબંધ (કાકા કાલેલકર, ઉમાશંકર જોશી અને સુરેશ જોશીના સંદર્ભમાં)
માર્ગદર્શક : બળવંત એસ. જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૯. પૃષ્ઠ સંખ્યા : ૨૬૬
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે ભૂમિકા, અભ્યાસની સીમારેખા અને સંશોધનની પદ્ધતિ આલેખી છે. ત્યારબાદ ગુજરાતીમાં લલિત નિબંધનું સ્વરૂપ અને પ્રકારની ચર્ચા આલેખી છે. જેમાં નિબંધના નામકરણ વિશે, નિબંધની પ્રકારલક્ષી વિચારણા, નિબંધની સ્વરૂપ વિચારણા આલેખી છે. ત્યારબાદ સંશોધકે કાકા કાલેલકરના લલિતનિબંધોની વિષય સામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ આલેખ્યું છે. ઉમાશંકર જોશીના લલિત નિબંધોની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપ વિશે સંશોધકે સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખન કર્યું છે. અને એ જ રીતે સુરેશ જોશીના લલિત નિબંધોની વિષય સામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ આલેખ્યું છે. અને મહાનિબંધના અંતમાં સંશોધકે ગુજરાતી લલિતનિબંધ સ્વરૂપના ઘડતરમાં ઉક્ત નિબંધકારોનું યોગદાન આલેખ્યું છે.
પત્ર સાહિત્ય
વ્યાસ, ધીરજલાલ વ.
શીર્ષક : ગુજરાતી પત્રસાહિત્યનાં પ્રમુખ લેખકો
માર્ગદર્શક : હસમુખ દોશી
સૌરાષ્ટ્ર, ૧૯૮૩. પૃષ્ઠ સંખ્યા : ૫૦૧
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ત્રણ ખંડોમાં વિભાજીત કર્યો છે. પ્રથમ ખંડમાં પત્રસાહિત્યનાં સ્વરૂપ વિશેની વાત કરી છે જેમાં પત્રસાહિત્યનાં જન્મ, ઉદ્ગમ્-સ્થાન વિશેની ચર્ચા કરી છે.
ખંડ-૨માં સંશોધકશ્રીએ ગુજરાતી સાહિત્યમાં પત્રસાહિત્યના આરંભ અને તેના સ્થાન વિશેની વાત કરી છે. જેમાં પ્રથમ પત્ર આપણને કોની પાસેથી મળ્યો તેની માહિતી તેમજ ગુજરાતી સાહિત્યસ્વરૂપોમાં પત્રસાહિત્ય સ્વરૂપનું શું સ્થાન છે તે વર્ણવ્યું છે.
ખંડ-૩માં સંશોધકશ્રીએ ગુજરાતી સાહિત્યમાં પત્રસાહિત્યનાં પ્રમુખ લેખકોની વાત કરી છે. જેમાં નર્મદ, કાન્ત, કલાપી, ગાંધીજી, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી વગેરેના પત્રો ઉદાહરણ સહિત રજૂ કર્યા છે. આ ઉપરાંત મહાનિબંધના અંતે ગુજરાતી પ્રમુખ લેખકોનાં પત્રો રજૂ કર્યા છે અને તેની હસ્તાક્ષરવાળી તસ્વીરો જોડી છે.
પત્રકારિત્વ
માર્શલ, રતન રુસ્તમજી, ૧૯૧૧–
શીર્ષક : ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ
મુંબઈ, ૧૯૪૯. પ્રકા. ૧૯૫૦, પૃ. ૧૮+૩૮૪
દલાલ, યાસીન
શીર્ષક : સૌરાષ્ટ્રનું ગુજરાતી પત્રકારિત્વ; ઉદ્ભવ અને વિકાસ
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૮૧-’૮૨. પૃષ્ઠ સંખ્યા : ૨૪૪
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકે પત્રકારિત્વનો ઉદ્ભવ અને વિકાસ આલેખીને સૌરાષ્ટ્રના પત્રકારિત્વનો પ્રારંભકાળ વર્ણવ્યો છે. ત્યારબાદ ‘વિજ્ઞાન વિલાસ’, ‘ગુજરાત શાળાપત્ર’, ‘જ્ઞાન દીપક’ મણિભાઈ નભુભાઈનું ‘પ્રિયંવદા’ ‘આર્ય સહોદર’ અને ‘ખેડૂત’ ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ ‘સૌરાષ્ટ્રનો પ્રારંભ’, ‘શારદા’ અને ‘કૌમુદી’ ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ વગેરેનું આલેખન કર્યું છે. પ્રકીર્ણ પત્રોનું પણ સંશોધકે વિગતથી આલેખન કર્યું છે. અને સૌરાષ્ટ્રના પત્રકારોને પણ વિગતથી સંશોધકે આલેખ્યા છે. અને મહાનિબંધના અંતમાં સંશોધકે પત્રકારિત્વનું વિહંગવાલોકન કરીને મહાનિબંધની સમાપ્તિ કરી છે.
દવે, અમિતા
શીર્ષક : છેલ્લા દાયકાના ગુજરાતી વર્તમાનપત્રોની સાહિત્યિક કટારો, કેટલાંક મહત્ત્વનાં વર્તમાનપત્રોના સંદર્ભમાં,
ગુજરાત, ૧૯૯૮
માર્ગદર્શક : સતીશ વ્યાસ
પ્રકા. ૧૯૯૯, ‘સાહિત્યરંગી પત્રકારત્વ’
પાલણપુરની સાહિત્ય પરંપરા
રાવલ, ઋષિકેશ યશવંતભાઈ
શીર્ષક : પાલણપુરની સાહિત્ય પરંપરા
માર્ગદર્શક : દીપક રાવલ,
ઉ. ગુ. યુનિવર્સિટી, ૨૦૦૨
પ્રવાસ સાહિત્ય
બક્ષી, અરૂણા મનહરભાઈ
શીર્ષક : ગુજરાતી પ્રવાસસાહિત્ય
માર્ગદર્શક : પ્રો. જશવંત શેખડીવાળા
સરદાર પટેલ, ૧૯૮૦, પ્રકા. ૧૯૮૪, પૃ. ૪૧૪
આ મહાનિબંધમાં ગુણવત્તાની દૃષ્ટિએ મહત્ત્વની ગુજરાતી પ્રવાસકથાઓનું વિગતવાર વિવેચન કરવાનો અને અલ્પસત્ત્વ કે નિઃસત્ત્વ કૃતિઓનો સંક્ષેપમાં પરિચય કરવાનો ઉપક્રમ રાખ્યો છે. પ્રવાસસાહિત્યને કલાસ્વરૂપ તરીકે દર્શાવીને સુધારાયુગ, પંડિતયુગ, ગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર યુગના પ્રવાસસાહિત્ય વિશે વિસ્તૃત વિચારણા કરી છે. છેલ્લે ઉપસંહાર અને સંદર્ભસૂચિ આપી છે.
વ્યાસ, રેણુકા એમ.
શીર્ષક : ગુજરાતી પ્રવાસ સાહિત્ય : ઉદ્ગમ અને વિકાસ
માર્ગદર્શક : ડૉ. કુમારપાળ દેસાઈ
ગુજરાત, ૧૯૮૭. ૧૯૮૬, પૃ. ૭૩૨+૩૯
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમના સાહિત્યના પ્રભાવ હેઠળ નિબંધ, નવલકથા, નાટક, જીવનચરિત્ર જેવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા અને એ રીતે પ્રવાસ સાહિત્ય પણ ઉદ્ભવ પામ્યું. નવ પ્રકરણમાં વહેંચાયેલ આ મહાનિબંધમાં (૧) પ્રવાસસાહિત્ય : વ્યાખ્યા અને વ્યાવર્તક લક્ષણો, (૨) પ્રવાસ સાહિત્ય : હેતુ અને આલેખન, (૩) નર્મદયુગ પૂર્વેના સાહિત્યમાં પ્રવાસ, (૪) નર્મદયુગનું પ્રવાસ સાહિત્ય, (૫) પંડિત યુગનું પ્રવાસ સાહિત્ય, (૬) ગાંધીયુગનું પ્રવાસ સાહિત્ય, (૭) અનુગાંધીયુગનું પ્રવાસ સાહિત્ય, (૮) અદ્યતનયુગનું પ્રવાસ સાહિત્ય અને (૯) ઉપસંહારનો સમાવેશ થયો છે.
બાળ સાહિત્ય
ઝવેરી, ભારતી ભૂપતરાય, ૧૯૪૧
શીર્ષક : ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તા, સૈદ્ધાંતિક ગવેષણા
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧
ત્રિવેદી, શ્રદ્ધા અશ્વિનભાઈ, ૧૯૪૮
શીર્ષક : ગુજરાતીમાં બાલકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ.
ગુજરાત, ૧૯૮૯-૯૦
નાણાવટી, મીનલ આર.
શીર્ષક : ગુજરાતી બાલસાહિત્ય
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ
ગુજરાત, ૧૯૮૪, પૃ. ૪૯૭
આ મહાનિબંધમાં બાળસાહિત્યની વિભાવના ગુજરાતી બાળ વાર્તાસાહિત્ય ગિજુભાઈ પહેલાં, ગિજુભાઈનું પ્રદાન, ગિજુભાઈ પછીનું બાળવાર્તા સાહિત્ય, બાળકો માટેનું ચરિત્ર સાહિત્ય, બાળનાટક અને તેનો વિકાસ, કવિતા, અનુવાદિત કૃતિઓ સાથે બાળ સામયિક પર પણ ભાર મૂક્યો છે. ગુજરાતી બાળસાહિત્યની અપેક્ષાઓ અને શક્યતાઓ રજૂ કરી તેનો અભ્યાસ થયો છે. આજના બાળ સાહિત્યમાં કેટલી મૌલિકતા છે કે આજના વિજ્ઞાનયુગના બાળકને પરીકથાઓની આવશ્યકતા કેટલી છે? તે પ્રશ્નની છણાવટનો સમાવેશ પણ થયો છે.
વ્યાસ, બી. કે.
શીર્ષક : બાળકોની રમતોનું સ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં તેને વિકાસ
મુંબઈ, ૧૯૮૧
ભંગુરતા
રાઠોડ, પારૂલતા મગનલાલ
શીર્ષક : ભંગુરતાનું નિરૂપણ : મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુરાયની કૃતિઓમાં
માર્ગદર્શક : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
એમ. એસ. યુનિ. ૧૯૯૧. પૃ. ૨૬૮
આ મહાનિબંધમાં ભંગુરતાની વિભાવના : તેનાં વિવિધ પરિમાણો, તત્ત્વજ્ઞાનની વિવિધ ધારાઓને સંદર્ભે ભંગુરતાની વિભાવના વર્ણવી છે. ત્રીજા અને ચોથા વિભાગમાં મીરાં અને અખો તેમજ લાભશંકર ઠાકર અને મધુરાય વિશેની માહિતી આપેલ છે તથા પાંચમાં વિભાગમાં તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે.
મૂલ્યો
માધડ, રાઘવજી દાનાભાઈ
શીર્ષક : ગુજરાતી વિષયના પ્રાથમિક શાળાઓ માટેના પાઠ્યપુસ્તકોમાં અભિવ્યક્ત થતાં મૂલ્યો
માર્ગદર્શક : હિમાંશુ ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૨૦૦૧
રહસ્યવાદ
ભટ્ટ, વસંત તનસુખ
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં રહસ્યવાદ
મુંબઈ, ૧૯૬૬
લગ્નગીતો
પરમાર બીનાબેન કે.
શીર્ષક : સોરાષ્ટ્રનાં લગ્નગીતો : એક અધ્યયન
માર્ગદર્શક : હિમાંશુ ડી. ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૧૯૯૭. પૃષ્ઠ સંખ્યા : ૩૭૭
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે લગ્નસંસ્થાનો ઉદ્ભવ, તેનો વિકાસ અને તેની પ્રક્રિયાનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે લગ્નમાં નૃત્યવૈવિધ્યતા અને લગ્નમાં લોકવાદ્યોની વિગતે વાત આલેખી છે. તે પછી સંશોધકે હિંદુલગ્નની સમસ્યાઓ અને કુટુંબજીવનમાં સ્ત્રીનું સ્થાન આલેખ્યું છે. લોકગીતની વિશેષતા સંશોધકે વિગતે વર્ણવી અને લગ્નવિધિ સંસ્કૃત અને ગુજરાતીમાં અનુવાદ આલેખ્યો છે. ત્યારબાદ જુદી-જુદી જ્ઞાતિનાં લગ્નગીતોની વિશેષતાઓ આલેખી અને અંતમાં લગ્નમાં ગવાતા ફટાણાનું સુપેરે આલેખન કર્યું છે.
લોક દેવદેવીઓ
જાની, કિશોર એ.
શીર્ષક : સૌરાષ્ટ્રના લોકદેવ-દેવીઓ અને લોકજીવનમાં તેનું સ્થાન (અગત્ય)
માર્ગદર્શક : હિમાંશુ ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૧૯૯૭. પૃષ્ઠ સંખ્યા : ૪૪૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે સૌરાષ્ટ્રની લોકજીવનમાં અને પ્રાદેશિકતામાં અગત્યતા આલેખી છે અને લોકનો અર્થ, લોકદેવ-દેવીઓની ઉત્પત્તિ, લોક દેવદેવીની ઉત્પત્તિની કથાઓ, વૈદિક દેવ-દેવીઓ, અર્વાચીન દેવ-દેવીનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે લોકદેવ-દેવીઓ પ્રત્યેની શ્રદ્ધાનાં પ્રેરકબળો આલેખ્યા છે. જેમાં સામાજિક પરિબળ, મનૌવૈજ્ઞાનિક પરિબળ, સાંસ્કૃતિક પરંપરા, સામાજિક રિવાજો, સૌરાષ્ટ્રમાં પૂજાતા દેવ-દેવીઓ, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકદેવસ્થાનો, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોક દેવસ્થાનોનું પૌરાણિક - ઐતિહાસિક મૂલ્ય વગેરેનું આલેખન કર્યું છે. અંતમાં સંશોધકે લોકજીવનમાં ચારણદેવીનું પૂજન અને લોકજીવનમાં લોકદેવોનું પૂજન આલેખીને મહાનિબંધની સમાપ્તિ કરી છે.
લોકસાહિત્ય
ગોહેલ, કમલેશકુમાર પરસોત્તમભાઈ
શીર્ષક : ગુજરાતી લોકસાહિત્યમાં વ્રતકથા - એક અધ્યયન
માર્ગદર્શક : પ્રહલાદ ટી. પટેલ
સૌરાષ્ટ્ર, ૧૯૯૮. પૃષ્ઠ સંખ્યા : ૨૭૮
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે લોકસાહિત્યની વિભાવના અને લોકકથાની વાત કરી છે. જેમાં લોકસાહિત્યનું મહત્ત્વ લોકશબ્દનો અર્થ, લોકસાહિત્ય સંપાદનની પરંપરા અને લોકસાહિત્યના સ્વરૂપો આલેખ્યા છે. પ્રકરણ ૨માં કુમારિકાઓનાં વ્રતો અને વ્રતકથાઓ આલેખી છે જેમાં કુમારીકાઓના વ્રતોમાં સામાજિક ભાવના, મનોવૈજ્ઞાનિકતા પ્રગટાવી છે. તે ઉપરાંત ઉનાળામાં ઉજવાતા વ્રતો, ચોમાસામાં ઉજવાતા વ્રતો, બારેમાસ ઉજવાતા વ્રતોનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. પ્રકરણ ૩માં સ્ત્રીઓનાં વ્રતો અને વ્રતકથાઓ આલેખી છે.
જોશી, ભૂપેન્દ્રકુમાર નારણજી
શીર્ષક : ગુજરાતી ગેય લોકસાહિત્ય સ્વરૂપો અને તેનું ગ્રંથસ્થ સાહિત્ય.
માર્ગદર્શક : હિમાંશું ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૧૯૯૨-’૯૩. પૃ. ૩૩૧
પ્રસ્તુત મહાનિબંધને સંશોધકે ૩ ખંડોમાં વિભાજીત કર્યો છે. ખંડ-૧માં લોકસાહિત્ય અને લોકગીતનું આલેખન કર્યું છે. તેમાં જોઈએ તો લોકસાહિત્ય અને લોકગીતની ભૂમિકા અને અભિગમ રજૂ કર્યો છે. અને લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય વચ્ચેનો ભેદ, લોકસાહિત્યની વ્યાખ્યા, લક્ષણો, સ્વરૂપ અને લોકગીતનું સ્વરૂપ આલેખ્યું છે. અને લોકગીત અને સંગીત, લોકગીતનાં લક્ષણો, લોકગીતનું વિભાજન વગેરેનું આલેખન કર્યું છે. ખંડ ૨માં સંશોધકે લોકગીતના ભિન્ન-ભિન્ન સ્વરૂપો આલેખ્યાં છે. જેમાં કથાગીત-ગીતકથા-સ્વરૂપવિચાર, કથાગીતનાં લક્ષણો, ભજન અને ભજનવાણીના પ્રકારો, ધોળનું વિષયવસ્તુ અને તેનો પ્રકાર, ધોળમંગળનું બંધારણ અને તેનાં મૂળભૂત તત્ત્વો, શ્રીમહારી ગીતો, દુહાછંદનું નામ અને બંધારણ, ગુજરાતી ચારણી સાહિત્યમાં દુહા-ચારણી દુહામાં જોવા મળતું રસવૈવિધ્ય વગેરેનું સુંદર આલેખન કર્યું છે. ખંડ-૩માં સંશોધકે ગુજરાતી ગેય ગ્રંથસ્થ લોકસાહિત્યનું આલેખન કર્યું છે.
જોશી, દિનેશ એમ.
શીર્ષક : કચ્છનું લોકશાસ્ત્ર
માર્ગદર્શક : પ્રહલાદ પટેલ
સૌરાષ્ટ્ર, ૧૯૯૪-’૯૫. પૃષ્ઠ સંખ્યા : ૫૬૫
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે કચ્છનો પરિચય આપ્યો છે જેમાં કચ્છનું સ્થાન, વિસ્તાર, જનસંખ્યા અને કચ્છની ઉત્પત્તિ અંગેની પૌરાણિક કથા આલેખી છે. ત્યારબાદ સંશોધકે કચ્છના લોકસાહિત્યમાં જોવા મળતી લોકબોલીનો પરિચય આપ્યો છે. જેમાં ભાષા અને લોકબોલી, કચ્છીબોલીની ઉત્પત્તિ અને વિકાસ તથા કચ્છીબોલીના નમૂના અને વ્યાકરણનું આલેખન કર્યું છે. સંશોધકે કચ્છના લોકસાહિત્યનું સરસ આલેખન કર્યું છે. જેમાં કચ્છના લોકગીતો, ઉત્સવગીતો, સંસ્કાર ગીતો, લોકગીતો, રાસનૃત્ય પ્રકાર, લોકગીતનો કલાપક્ષ ભાવપક્ષ વગેરેનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે કચ્છની લોકકથાનું આલેખન કર્યું છે. જેમાં કચ્છની લોકકથાઓનું વર્ગીકરણ, કચ્છનું પ્રકીર્ણ સાહિત્ય, લોકોક્તિઓ, દુહાઓ અને ઉખાણાઓ વગેરેનું આલેખન કર્યું છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે કચ્છના લોકસાહિત્ય દ્વારા પ્રગટતી કચ્છની લોકસંસ્કૃતિ વર્ણવી મહાનિબંધની સમાપ્તિ કરી છે.
દેવમુરારી, પરશુરામ મોહનલાલ, ૧૯૪૬
શીર્ષક : પાંચાળના ડુંગરાઓના માલધારીઓનું લોકસાહિત્ય અને તેનો લોકસંસ્કૃતિ સાથે સંબંધ
માર્ગદર્શક : શ્રી પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૮૧. પૃષ્ઠ સંખ્યા : ૨૩૪
પ્રસ્તુત મહાનિબંધના આરંભમાં સંશોધકે પંચાળની વાત આલેખી છે જેમાં સૌરાષ્ટ્રમાં પંચાળ, ગ્રંથોમાં પંચાળ, ઐતિહાસિક ગ્રંથોમાં પંચાળ. લોકસાહિત્યમાં પંચાળ આલેખ્યું છે. ત્યારબાદ સંશોધકે પંચાળના માલધારીની વ્યુત્પત્તિ, વ્યાખ્યા, સ્થળાંતરનો ઇતિહાસ, વસતી, શાખા, ગાત્રો, નામો અને સંસ્કૃતિના વ્યાવર્તક લક્ષણો રજૂ કર્યા છે. પંચાળના માલધારીઓનું લોકજીવન સંશોધકે સુપેરે આલેખ્યું છે. જેમાં લગ્ન, શિક્ષણ, વેશભૂષા, ખાનપાન, લોકરમતો, ભરતકામ, લોકમાન્યતા, ધાર્મિકજીવનનું આલેખન કર્યું છે. ત્યારબાદ સંશોધકે પાંચાળના માલધારીનાં લોકઉત્સવો, લોકનૃત્યો, લોકગીતો આલેખ્યાં છે. અને લોકકથાનો ઉદ્ભવ, જન્મસ્થળ, સ્વરૂપ, લક્ષણો, પ્રકારો આલેખ્યા છે અને લોકકથામાં જોવા મળતું રસવૈવિધ્ય, અલંકારો વગેરે આલેખ્યું છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે પ્રકીર્ણ લોકસાહિત્ય આલેખ્યું છે. જેમાં દુહા, ઓઠા, ટુચકા, ઉખાણા કહેવતો વગેરેનું આલેખન કર્યું છે.
પટેલ, અમૃતલાલ પરસોત્તમદાસ, ૧૯૫૬
શીર્ષક : મુક્તાપુર-તાલુકા સિદ્ધપુરનું ગેય લોક સાહિત્ય : સંપાદન અને અધ્યયન
માર્ગદર્શક : કનુભાઈ જાની
ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૫
પટેલ, પ્રહલાદ ત્રિ.
શીર્ષક : ઓખામંડળના વાઘેરોનું લોકસાહિત્ય
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૭૬. પૃષ્ઠ સંખ્યા : ૫૨૭
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ ઓખામંડળની ભૌગોલિકતા વર્ણવી છે, જેમાં ઓખામંડળનું સ્થાન, વિસ્તાર અને ઓખામંડળની જનસંખ્યા વર્ણવી છે. ત્યારબાદ ઓખામંડળના વાઘેરોની અને તેમની લોકબોલીઓ જેમાં – તેનું મૂળ, ઉત્પત્તિ તેના વિશેની દંતકથા, તે લોકોનો દેખાવ, સ્વભાવ વગેરેની વાત રજૂ કરી છે. વાઘેરોનું લોકસાહિત્ય જેમાં લોકશબ્દનો અર્થ અને તેની પ્રાચીનતા-શબ્દની ઉત્પત્તિની વાત કરી છે. વાઘેરોના લોકગીતો જેમાં ગીતોનું મહત્ત્વ આંકી તેની વિશેષતા વર્ણવી છે. વાઘેરોની લોકકથા જેમાં લોકકથાની વ્યાખ્યા, શબ્દ પ્રયોગ, ઉદ્ભવની વાત કરી છે.
પટેલ, બાબુભાઈ બી.
શીર્ષક : દક્ષિણ ગુજરાતના સાગરકાંઠાના માછીમારોનું લોકસાહિત્ય અને તેનો લોકસંસ્કૃતિ સાથેનો સંબંધ
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૮૨-’૮૩. પૃષ્ઠ સંખ્યા : ૪૩૩
પ્રસ્તુત મહાનિબંધના પ્રારંભમાં સંશોધકશ્રીએ દક્ષિણ ગુજરાત લોક સંસ્કૃતિનો પરિચય આપ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતની ભૌગોલિક ભૂમિકા, સ્થાન, વિસ્તાર, જનસંખ્યા વગેરેનું આલેખન કર્યું છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના માછીમારોનું લોકજીવન સંશોધકે આલેખ્યું છે. સંશોધકશ્રીએ માછીમારોની લોકબોલીની વિગતવાર રચના આલેખી છે. અને લોક બોલી સાથે પેટા બોલીઓ પણ વર્ણવી છે. ત્યારબાદ સંશોધકે માછીમારોનું લોકસાહિત્ય આલેખ્યું છે. માછીમારોના લોકગીતોમાં સંશોધકે લગ્નગીતો, હાલરડાં, ઉત્સવગીતો, દેવ-દેવીના ગીતો વગેરે આલેખ્યા છે. અને માછીમારોની લોકકથાઓ આલેખી છે. પ્રકીર્ણ લોકસાહિત્યમાં સંશોધકે માછીમારોના દુહા, છંદ, ઉખાણા વગેરે આલેખ્યાં છે. મહાનિબંધના અંતમાં સંશોધકે માછીમારોના લોકસાહિત્ય દ્વારા પ્રગટતી તેમની લોકસંસ્કૃતિ આલેખી મહાનિબંધની સમાપ્તિ કરી છે.
પંડ્યા, વિશ્વેશ આઈ.
શીર્ષક : લોકગીતમાં સંગીતનાં તત્ત્વો : એક અધ્યયન
માર્ગદર્શક : હિમાંશુ ભટ્ટ
સૌરાષ્ટ્ર, ૨૦૦૧
પરમાર, ખોડીદાસ ભાયાભાઈ, ૧૯૩૦
શીર્ષક : સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોક કળાઓ
સૌરાષ્ટ્ર, ૧૯૭૯
બોરીસાગર, જે. પી.
શીર્ષક : પ્રકાશિત ગુજરાતી લોકગીતોમાં કૃષ્ણ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૨૦૦૧
મહેતા, સ્નેહલકુમાર એસ.
શીર્ષક : ગુજરાતી લોકસાહિત્યમાં નારી
માર્ગદર્શક : મફત ઓઝા
ગુજરાત, ૧૯૮૭, પૃ. ૪૯૭
અહીં લોકસાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ખ્યાલ આપી લોક્સાહિત્યમાં નારી નિરૂપાઈ છે. વિવિધ સ્વરૂપે નારીનાં વિવિધ પાસાંઓ વિભાજ્યાં છે. લોકસાહિત્યમાંથી પ્રગટતું નારીનું રેખાચિત્ર રજૂ થયું છે. આધુનિક સાહિત્યમાં નિરૂપાયેલી નારીનાં રેખાંકનો આપી સાહિત્યમાં નારીનું ચિત્ર કેવું થતું ગયું છે એની રજૂઆત બતાવી વિવિધ મતમતાંતર અને નારીનો અભ્યાસ આ મહાનિબંધમાં થયો છે.
લુણત, હસન એ. ‘વિતાન’
શીર્ષક : સૂરતી સુન્ની વહોરા મુસ્લિમ કોમનું લોકસાહિત્યિક અને લોકસાંસ્કૃતિક અધ્યયન
માર્ગદર્શક : જયાનંદ એલ. જોશી
દક્ષિણ ગુજરાત, ૧૯૯૩
નવપ્રકરણ અને ૬૦૦ પૃષ્ઠમાં પથરાયેલા આ મહાનિબંધમાં સંશોધકે ભારત અને ગુજરાતમાં મુસલમાનોના આગમનનો ખ્યાલ આપી વહોરા કોમની ઉત્પત્તિ દર્શાવી સુરતી સુન્ની વહોરા મુસ્લિમ કોમનો પરિચય કરાવ્યો છે. એની શાદીની રસમો વર્ણવી એનાં શાદીગીતો-લગ્નગીતોનો અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. છઠ્ઠા પ્રકરણમાં વહોરા કોમનાં સહેરા, હાલરડાં અને પીર-ઓલિયાગીતો વિશિષ્ટ લોકગીતપ્રકાર તરીકે તપાસ્યાં છે. પછીના પ્રકરણોમાં વહોરાકોમનાં વ્યક્તિનામો, સ્થળનામો અને અટકોની તથા કહેવતો, મુહાવરા, જોડકણાં અને ઉખાણાની ચર્ચા કરી અંતિમ પ્રકરણમાં વહોરા કોમના ગુજરાતી લોકસાહિત્યમાંના પ્રદાનની સમગ્રલક્ષી ચર્ચા કરી છે.
ભાડલાવાળા, સુચેતા છગનલાલ, ૧૯૪૨-
શીર્ષક : હાલારના માલધારીઓનું લોકસાહિત્ય અને તેનો લોકસંસ્કૃતિ સાથેનો સંબંધ
માર્ગદર્શક : પુષ્કર ચંદરવાકર
સૌરાષ્ટ્ર, ૧૯૭૪. પૃષ્ઠ સંખ્યા : ૫૭૧
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ હાલારની ઔતિહાસિક-ભૌગોલિક સ્થિતિનું નિરૂપણ કરી તેમાં વસતી લોકજાતિની માહિતી રજૂ કરી છે. માલધારી લોકજાતિઓની પેટાલોકજાતિની વિગત વર્ણવી છે. ત્યારબાદ માલધારીઓની લોકસંસ્કૃતિ અને લોકબોલીઓ, માલધારીઓનું લોકસાહિત્ય, માલધારી જાતિનાં લોકગીતો જેમાં લગ્નગીતો, હાલરડાં, ઉત્સવગીતોની વાત કરી છે અને લોકગીતનું કલાપક્ષ અને ભાવપક્ષ બન્ને દૃષ્ટિથી આલેખન કર્યું છે. સંશોધકશ્રીએ લોકસાહિત્યમાં લોકકથાઓ વર્ણવી માલધારીઓની લોકકથાઓની વાત કરી છે અને લોકકથાઓના આધારબીજ લક્ષણો વર્ણવ્યાં છે. છેલ્લે મહાનિબંધના અંતે માલધારીઓનું પ્રકીર્ણ સાહિત્ય જેમાં દુહા, છંદ, વગેરે સાહિત્યની રજૂઆત કરી છે અને માલધારીઓનું સંસ્કારજીવન આલેખ્યું છે. મહાનિબંધનાં પરિશિષ્ટમાં માલધારીનાં મહત્ત્વનાં લોકગીતો અને મહત્ત્વની લોકકથાઓ વર્ણવી છે.
વાઘાણી, ચંદ્રાવતી દયાળજી
શીર્ષક : ગુજરાતના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત સમાજજીવન
મુંબઈ, ૧૯૬૯
વ્રતકથાઓ
ડોબરિયા, એન. કે.
શીર્ષક : સૌરાષ્ટ્રની લોકકથાઓ : એક અધ્યયન
માર્ગદર્શક : એમ. આઈ. પટેલ,
સૌરાષ્ટ્ર, ૨૦૦૨
સમૂહ માધ્યમ
શાહ, પ્રીતિ એ.
શીર્ષક : ગુજરાતી સાહિત્ય પર સમૂહમાધ્યમોનો પ્રભાવ,
ગુજરાત, ૧૯૮૮. પ્રકા : ‘સમૂહમાધ્યમો અને સાહિત્ય’
૧૯૮૯, પૃ. ૨૬૮
માર્ગદર્શક : કુમારપાળ દેસાઈ
સંપાદન
બોરીસાગર, રતિલાલ મોહનલાલ, ૧૯૩૮-
શીર્ષક : ગુજરાતીમાં સાહિત્યિક સંપાદન - વિવેચનાત્મક અધ્યયન
(વિશેષભાવે પાઠસમીક્ષાશાસ્ત્રના અનુલક્ષ્યમાં)
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાંત શેઠ, ગુજરાત, ૧૯૮૯-’૯૦
પૃ. ભા. ૧. ૨૭૩, ભા. ૨. ૫૮૧, ભા.૩. ૨૧૬
આ મહાનિબંધ ત્રણ વિભાગમાં વહેચાયેલો છે.
ખંડ ૧. સિદ્ધાંત નિરૂપણ : સાહિત્યિક સંપાદન, પાઠસમીક્ષા : વિષય પ્રવેશ, પાઠ્ય સામગ્રી અને એનું પરીક્ષણ. અપપાઠ કારણો અને વર્ગીકરણ, હસ્તપ્રતોનું વંશવૃક્ષ પાઠસમીક્ષા : પદ્ધતિ અને અધિનિયમો.
ખંડ ૨. ગુજરાતી ભાષાના સાહિત્યિક સંપાદનો : મધ્યકાલીન કવિઓની કૃતિના સંપાદનનો અભ્યાસ : મધ્યકાલીન કવિઓ : નર્મદ, દલપતરામ, મહીપતરામ, ઇચ્છારામ, અખાના છપ્પા, નવલરામ વ.ની કૃતિઓ અને તેનો અભ્યાસ
ખંડ ૩. ગુજરાતી ભાષાનાં સાહિત્યિક સંપાદનો : અર્વાચીન જુદા-જુદાં, નર્મ ગદ્ય, કલાપીનો કેકારવ, કલાપીના પત્રો, આપણો ધર્મ, કલાન્ત કવિ, વિશેષ કાવ્યો, મણિભાઈ દ્વિવેદીનું આત્મવૃતાન્ત.
સાહિત્યિક સામયિકો
વ્યાસ, કિશોર હર્ષદરાય
શીર્ષક : ‘વીસમી સદી’થી ‘સંસ્કૃતિ’ના આરંભગાળા સુધીનાં નોંધપાત્ર સાહિત્ય સામયિકોના પ્રદાનનો સમીક્ષાત્મક અભ્યાસ ‘વીસમી સદી’, ‘સાહિત્ય’, ‘ગુજરાતી’, ‘કૌમુદી’, ‘માનસી’ અને ‘પ્રસ્થાન’ના વિશેષ સંદર્ભમાં
માર્ગદર્શક : રમણ સોની
એમ. એસ. યુનિ. ૧૯૯૭
સાહિત્ય સામયિકો તત્કાલે સાહિત્યલેખન અને સાહિત્યિક વાતાવરણનાં જીવંત વાહકો હોય છે ને નવા વિચાર-વાતાવરણના ઘડતરના કારણરૂપ પણ હોય છે. એવી પૂર્વધારણાને લઈને લખાયેલો આ શોધનિબંધ સાહિત્યિક પત્રકારત્વના સ્વરૂપની ભૂમિકા કરી ‘વીસમી સદી’ પૂર્વેનાં ગુજરાતી સાહિત્ય-સામયિકોની રૂપરેખા આપીને ઉક્ત પાંચ સામયિકોની કામગીરી તથા પ્રદાનનું વિગતે નિરૂપણ તેમજ મૂલ્યાંકન કરે છે.
હાસ્ય
જોશી, પ્રેમિલા પ્રાણશંકર
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ : ઈ. ૧૯૪૭ સુધી
માર્ગદર્શક : મધુસૂદન પારેખ
ગુજરાત, ૧૯૮૫. પૃ. ૨૮૭
ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ મધ્યકાળથી શરૂ થઈને વિપુલપણે થયું છે. એનો સવિસ્તાર અને વિગતે અંદાજ આપવાનું કાર્ય આ મહાનિબંધમાં થયું છે. મધ્યકાલીન સાહિત્યમાં અને અર્વાચીન સાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ કરવામાં આવ્યું છે. સાથે સાથે કવિતા, નાટક, નવલકથા ટૂંકીવાર્તા અને નિબંધમાં મુખ્યત્વે હાસ્યરસ પીરસાયેલો હોય છે. આ બધા સ્વરૂપો દ્વારા આવિર્ભાવ પામેલા હાસ્યરસનું અહીં સવિશેષ મૂલ્યાંકન થયું છે. ગુજરાતી બાળસાહિત્યમાં નિરૂપાયેલો હાસ્યરસ અને પારસી લેખકો દ્વારા ખેડાયેલા હાસ્યરસનો અહીં સમાવેશ થયો છે..
દલાલ, રસિકલાલ ઠાકોરદાસ
શીર્ષક : હાસ્યરસ : ગુજરાતી સાહિત્યમાં તેનો ઉદ્ભવ અને વિકાસ
પૂના, ૧૯૭૮-૭૯
વાળંદ, નરોત્તમ માધવલાલ, ૧૯૨૯
શીર્ષક : અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય (કાવ્ય અને નિબંધ)
દક્ષિણ ગુજરાત, ૧૯૮૬