બહુરંગી/કર્તા-કૃતિ પરિચય

From Ekatra Foundation
Revision as of 01:04, 27 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ-૧

કર્તા-કૃતિ પરિચય


૧. સ્વ. વિદ્યાગૌરી નીલકંઠ

સંભ્રાત પરિવારમાં જન્મ-ઉછેર અને લગ્ન. વિદ્યાબહેન અને તેમનાં બહેન શારદાબહેન મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક બનનાર સૌપ્રથમ ગુજરાતી સન્નારી હતાં, વર્ષ ૧૯૦૧. સાહિત્ય, શિક્ષણ, સમાજસુધારણા અને સમાજસેવા તેમનાં મુખ્ય કાર્યક્ષેત્રો હતાં. તેમણે લેખસંગ્રહો, અનુવાદો અને જીવનચરિત્ર લખ્યાં છે. સ્વ. રમણભાઈ નીલકંઠના પુસ્તક ‘હાસ્યમંદિર’માં તે સહલેખિકા હતાં. ‘વખત ગુમાવવાની કળા’ નિબંધમાં લેખિકાએ કશું જ ઉત્પાદક કામ કર્યા વિના સમય પસાર કરનાર એક પુરુષની દિનચર્યા પ્રથમ પુરુષ એકવચનમાં રજૂ કરી છે. નિરાંતભરી શૈલીમાં થયેલું એ વર્ણન હળવો કટાક્ષ કરી જાય છે.

૨. સ્વ. વિનોદિની નીલકંઠ

સાક્ષર માતાપિતા સ્વ. રમણભાઈ અને સ્વ. વિદ્યાગૌરી નીલકંઠનાં પુત્રી. તેમણે ગુજરાતી સાહિત્યને નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, બાળવાર્તાઓ અને અનુવાદિત સાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં દાયકાઓ સુધી ચાલેલી કટાર ‘ઘર ઘરની જ્યોત’ દ્વારા તેમણે મુદ્રિત શબ્દ થકી સ્ત્રીજાગૃતિ ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું છે. આ કટાર ગુજરાતની મહિલાઓ માટે પ્રેરણારૂપ હતી. ‘રોજની રામાયણ’માં શહેરની પોળમાં વસતા મધ્યમવર્ગનાં કુટુંબો વચ્ચે ચાલ્યા કરતી રોજિંદી કજિયાની હળવાશભરી રજૂઆત કથાનકરૂપે કરાઈ છે.

૩. રંભાબહેન ગાંધી

લેખનક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવતાં સ્વ. રંભાબહેન ગાંધી નાટ્યલેખિકા, ગીતકાર, નિબંધકાર, અનુવાદક, હાસ્યલેખક અને સામાજિક કાર્યકર હતાં. જન્મે સૌરાષ્ટ્રવાસી, રહેવાસી મુંબઈનાં. તેમના વૈવિધ્યસભર હાસ્ય, રમૂજ, કટાક્ષ અને ચિંતનસભર નિબંધો નિબંધલેખિકાઓમાં તેમને આગવું સ્થાન આપે છે. ‘જોયા, મોહ્યા અને લઈ આવ્યા’માં ‘એ’ સર્વનામથી સતત કોઈને વિશે વાત કરીને લેખિકાએ વાર્તાને અંતે રહસ્યોદ્ઘાટન કર્યું છે. દ્વિઅર્થી સંવાદો વાચકોની ઉત્સુકતા જગાવે છે અને છેલ્લે સુધી કુતૂહલ ટકાવી રાખે છે.

૪. વસુબહેન ભટ્ટ

શ્રી વસુબહેને વર્ષો સુધી ‘આકાશવાણી’ના અમદાવાદ-વડોદરા-રાજકોટ કેન્દ્રોમાં વિવિધ પદો પર અને કેન્દ્ર નિયામક પદે રહીને શ્રાવ્યમાધ્યમમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમનાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે અને પુરસ્કૃત થયાં છે. સમાજસુધારણા ક્ષેત્રે વિવિધ સામાજિક સંસ્થાઓમાં નોંધપાત્ર કામ કર્યું છે. ‘તલપ’માં બસસ્ટૅન્ડે બસ માટે રાહ જોઈ રહેલા એક વૃદ્ધજન પોલીસકસ્ટડીમાં પહોંચી જાય છે એમની બેહાલીની નાટ્યાત્મક રજૂઆત છે. કથાનો અંત વાચકના ચહેરા પર સ્મિત ફરકાવી દે છે.

૫. સ્વ. રેખા શ્રોફ

સ્વ. રેખાબહેને વિનોદપ્રધાન નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કટાક્ષલેખો, કાવ્યો, બાળનાટકો, બાળકાવ્યો જેવાં વિવિધ સર્જનાત્મક લેખનસ્વરૂપમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીમાં હાસ્યનવલકથાઓ ઓછી છે. તે ક્ષેત્રમાં સ્વ. રેખાબહેને ત્રણ હાસ્યનવલકથાઓ આપી છે. તેમની નવલકથા ‘શુભદૃષ્ટિ’ એક હળવાશભરી પ્રેમકથા છે. આ પ્રકરણમાં નાયિકાનો કૉન્ટેક્ટ લેન્સ આંખમાંથી ભરરસ્તામાં નીકળી જાય છે. તે શોધવાની મથામણનું દૃશ્ય છે.

૬. મીનાક્ષી દીક્ષિત

ગુજરાતી સાહિત્યનાં અનુસ્નાતક ગૃહિણી. એમની સ્મરણકથા ‘અંજની તને યાદ છે’ અને ટૂંકી વાર્તા ‘હીંચકો’ પુરસ્કૃત થયાં છે. એક બ્લાઉઝ અને અનેક સાડીઓની મનોરંજક કથા ‘વાત કંઈ ખોટી નથી...’ સાવ હળવાશભરી રજૂઆત.

૭. તરુલતા પટેલ

ગુજરાતી સાહિત્યનાં પ્રાધ્યાપિકા, પચીસ વર્ષની કામગીરી પછી કાર્યકારી આચાર્યાપદેથી નિવૃત્ત થયાં છે. તેમણે હાસ્યલેખન ઉપરાંત કાવ્યો પણ લખ્યાં છે. ‘જનસત્તા’ દૈનિકમાં ઘણાં વર્ષોથી ‘પંચાતિકા’ વ્યંગલેખ કટાર લખે છે. ‘મારું મંદ મંદ હાસ્ય’ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલા આ નિબંધમાં લેખિકા સ્ત્રીઓના થતા ‘કન્ડિશનિંગ’ વિશે આ શબ્દ પ્રયોજ્યા વિના રમતિયાળ, રમૂજી રીતે વર્ણન કરે છે. છેલ્લા ફકરામાં થતી કબૂલાત નિબંધને એક નવું જ પરિમાણ આપે છે.

૮. ડૉ. પ્રજ્ઞા પૈ

બાળરોગવિશેષજ્ઞ તબીબ ડૉ. પ્રજ્ઞા પૈ મુંબઈમાં નાયર હૉસ્પિટલ અને ટોપીવાલા મેડિકલ કૉલેજમાં અને તે પછી કેઈએમ હૉસ્પિટલ અને શેઠ જી.એસ. મેડિકલ કૉલેજમાં સેવાઓ આપીને હાલ નિવૃત્ત છે. વિવિધ વર્તમાનપત્રો અને સામયિકોમાં લેખનમાં વ્યસ્ત છે. તેમનાં કુલ ૨૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘લીપ સર્વિસ’માં લેખિકા બોલવે શૂરાં સગાંસંબંધીઓની વાતોની હાસ્યપૂર્ણ રજૂઆત કરે છે. કૃતિમાં સાદ્યંત હળવાશ છે. સરળ વાતચીતની ભાષાની છાંટ છે અને કટાક્ષ-ટીકા-કટુતાનો સંપૂર્ણ અભાવ છે.

૯. પન્ના અધ્વર્યુ

શિક્ષણક્ષેત્રમાં અધ્યાપન, સંશોધન, તાલીમ અને વહીવટ એમ વિવિધ સ્તરે ઉજ્જ્વળ કારકિર્દી બાદ વયનિવૃત્ત પન્નાબહેને હાસ્યનિબંધો, લલિતનિબંધો, રેડિયો વાર્તાલાપો, લેખો, નવલકથાઓનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યમાં એક અગ્રણી લેખિકા તરીકે સ્થાન મેળવ્યું છે. ‘જાગીને જોઉં તો’માં ચશ્માંનો ઊંચો નંબર ધરાવતાં લેખિકાને ચશ્માંના કાચ તૂટી જવાને પરિણામે થયેલા દૃષ્ટિઅનુભવોનું હાસ્યપ્રચૂર વર્ણન છે.

૧૦. ઇલા આરબ મહેતા

ગુજરાતી સાહિત્યનાં પ્રાધ્યાપિકા, નાની વયથી જ લેખનકાર્યમાં સક્રિય ઇલાબહેનનાં પચીસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. શિક્ષણક્ષેત્રમાંથી વયનિવૃત્તિ બાદ લેખનકાર્યમાં વધુ સક્રિય બન્યાં છે. ‘ઘર એટલે....’ નામક દીર્ઘ કૃતિનો એક અંશ આ સંચયમાં સમાવ્યો છે. આજકાલના ‘ટ્રેન્ડ’ મુજબ ડિઝાઇનર વસ્તુઓ જ નહીં, ડિઝાઇનર ઘરો બનાવવાના આકર્ષણમાં ખેંચાતા શહેરી સમાજના ધનિક કુટુંબમાં મહેમાન બનીને ગયેલાં લેખિકા તેમનાં અનુભવોનું વર્ણન કરે છે. ‘હું’ એક નિરીક્ષક બની રહે છે.

૧૧. વર્ષા અડાલજા

યુવાનવયે લેખનકાર્ય શરૂ કરીને લગભગ ચાર દાયકાથી સતત સર્જનાત્મક લેખનમાં વ્યસ્ત વર્ષાબહેને વિવિધ ગદ્યસાહિત્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે. તેમનાં કુલ પચાસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. વર્ષ ૨૦૦૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખપદે રહી ચૂક્યાં છે. ‘નયા જમાના, નયે તરાનેં’માં ટેલિવિઝન પર રજૂ થતી સ્પર્ધાઓ, જેને હવે ‘રિયાલિટી શૉ’ કહે છે, તેમાં સક્રિયપણે જોડાઈ ગયેલા એક કુટુંબના અનુભવોની કહાણી હાસ્ય-કટાક્ષપૂર્ણ રીતે રજૂ કરી છે.

૧૨. સ્વ. અંજની પારેખ

અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા. નિવૃત્તિ પછી થોડા જ સમયમાં તેમનું અવસાન થયું હતું. તેઓ વર્ષો સુધી ‘ગુજરાતમિત્ર’માં હાસ્યલેખોની કટાર લખતાં રહ્યાં હતાં. જોકે તેમના લેખોનો સંગ્રહ ‘વિનોદિકા’ મરણોત્તર પ્રકાશિત થયો છે. ‘ધ સાહિત્યસર્જન પ્રાઇવેટ લિમિટેડ’માં લેખિકાએ ભાષા, શબ્દકોશ અને ગાણિતિક કૌશલ્યોનો સમન્વિત પ્રયોગ કરીને આધુનિક, અછાંદસ કવિતા લખતાં શીખવ્યું છે. સમગ્ર પ્રક્રિયાનું હાસ્યપૂર્ણ વર્ણન કૃતિને સાદ્યંત આનંદ આપતી રચના બનાવે છે.

૧૩. સ્વ. ચંદ્રિકા પંડ્યા

અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા સ્વ. ચંદ્રિકાબહેને ૧૯૯૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી પછી અકસ્માત અવસાન સુધી સતત લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યાં હતાં. નિબંધલેખનમાં તેમની કાબેલિયત કટાક્ષલેખનની છે. તેમના હાસ્યલેખોનો એક અને લલિત નિબંધોના બે સંગ્રહો પ્રકાશિત થયા છે. એમણે અંગ્રેજી ભાષામાં લખેલી એક નવલકથા પ્રકાશનની પ્રક્રિયામાં છે. ‘અમારી નાડ તમારે હાથ’ નિબંધમાં લેખિકાએ આજના ભારતમાં તબીબી સારવારની આંટીઘૂંટીઓ અને તેમાં અટવાતા મધ્યમવર્ગના લોકોની હાલતનું કટાક્ષપૂર્ણ વિવરણ કર્યું છે. અહીં હાસ્ય કરતાં તિક્ત કટાક્ષ વધારે જણાય છે.

૧૪. હિમાંશી શેલત

અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા અને સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ લેખનકાર્યમાં સંપૂર્ણ વ્યસ્ત વિદુષી લેખિકા. તર્કવિહોણાં બાળકો સાથે તેમણે વીસેક વર્ષ સુધી અભ્યાસલક્ષી અને આનંદલક્ષી પ્રવૃત્તિઓ કરી હતી. તેમનાં આઠ વાર્તાસંગ્રહો, ત્રણ નવલકથાઓ / લઘુનવલ, સ્મરણકથા, નિબંધ, બાળસાહિત્ય અને સંપાદનો-અનુવાદો સાથે કુલ ત્રીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. ‘નામવિલોપનની અદ્ભુત ઘટના’ નામક દીર્ઘ કટાક્ષકૃતિનો એક અંશ આ સંચયમાં લીધો છે. લેખિકા કોઈ ઇતિહાસકથાનું વર્ણન કરતાં હોય તે રીતે સમાજમાં પોતાના ‘નામ’ની પ્રસિદ્ધિ વિશેની લોકોની ઘેલછા વિશે કટાક્ષપૂર્ણ રજૂઆત કરે છે. અહીં હાસ્ય બૌદ્ધિક અને સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે.

૧૫. કલ્પના જિતેન્દ્ર

સામાન્ય રીતે સંવેદનાસભર, હૃદયસ્પર્શી વાર્તાઓ લખતાં કલ્પના જિતેન્દ્ર ગુજરાતી સાહિત્યનાં અનુસ્નાતક ગૃહિણી છે. ‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક પૂર્તિ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ વર્તમાનપત્રોમાં લખે છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ, સંમેલનોનાં આયોજનો અને સંચાલનોમાં સક્રિય રસ ધરાવે છે. ‘સત્યનારાયણનો શીરો’માં મધુપ્રમેહથી પીડાતા એક પ્રૌઢ વયના મિષ્ટ પદાર્થો ખાવાના શોખીન સજ્જન પત્નીની ગેરહાજરીમાં જાતે શીરો બનાવવાનું આયોજન કરે છે. શીરો બને પણ છે પણ પછી કંઈક એવું બને છે કે... છેક છેલ્લા વાક્ય સુધી રસ ટકાવી રાખતી અને અંતે હસાવી જતી વાર્તા.

૧૬. કલ્પના દેસાઈ

વિજ્ઞાનમાં સ્નાતક અને વાચન, લેખન, સંગીત, ફિલ્મ, નાટક અને પ્રવાસોનાં શોખીન કલ્પનાબહેને વર્ષ ૨૦૦૦માં હાસ્યલેખન શરૂ કર્યું. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં હાસ્યની કટારો દ્વારા શિષ્ટ, લોકપ્રિય અને સાહિત્યિક સૂઝ સાથેની હાસ્યકૃતિઓનું સર્જન કરે છે. તેમનાં ચાર પુસ્તકો પ્રકાશિત છે. ‘એટલે...એટલે...એટલે’ ગુજરાતી ભાષામાં બહુ પ્રયોજિત ‘એટલે’ શબ્દના વિવિધ અર્થો, ઉપયોગોનું વિશ્લેષણ કરતાં કરતાં લેખિકા ચિંતનમાં સરી પડે છે. તેની જાણ વાચકને પણ મોડેથી થાય છે.

૧૭. દિના પંડ્યા

દર્શનશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક દિનાબહેન ૧૯૮૪થી લખે છે. તેમની પાસે હૃદયસ્પર્શી, ઊંડી સંવેદનાપૂર્ણ, કરુણ ટૂંકી વાર્તાઓ લખવાની અને હાસ્યપૂર્ણ વાર્તાઓ લખવાની બેવડી હથોટી છે. તેમની ઘણી કૃતિઓ વિવિધ સ્પર્ધાઓમાં પુરસ્કૃત થઈ છે. તેમનો એક વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો છે. ‘પત્નીનું ગૌરીવ્રત’ શ્રાવણ માસમાં વ્રત-ઉપવાસ કરતી મધ્યમવર્ગની ગૃહિણીના કુટુંબજીવનનું રમૂજ અને સ્નેહસભર ચિત્રણ છે.

૧૮. આશા વીરેન્દ્ર શાહ

વિજ્ઞાનનાં સ્નાતક આશાબહેન અભિનય અને લેખન-વાચનમાં ઊંડો રસ અને સૂઝ ધરાવતાં ગૃહિણી છે. વિવિધ સામયિકોમાં હાસ્યલેખો, ટૂંકી વાર્તાઓ, અને બાળસાહિત્યના લેખનમાં વ્યસ્ત છે. છેલ્લા થોડા સમયથી ‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાં નિયમિત રીતે વાર્તાઓ લખે છે. વિપુલતા પણ અકળાવનારી હોય છે. કેરીની મોસમમાં કેરીઓની લેખિકા, પૂછે છે કેરીગાળાને - ‘કેરી-ગાળો’ કેમ ન કહેવો? કેરી-ગાળો શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈક વધારે કહેવાનું મન થઈ આવે છે એમને, શું?

૧૯. અરુણા જાડેજા

જન્મે મરાઠીભાષી કુટુંબમાં પણ ઉછેર, શિક્ષણ અને ગૃહસ્થજીવનમાં પણ ગુજરાતી તેવાં અરુણાબહેનનું મૌલિક લેખન ઓછું છે; પરંતુ પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદનું પ્રશસ્ય કાર્ય તેઓ કરી રહ્યાં છે. એ પ્રવૃત્તિના પરિણામે ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો પણ તેમને મળ્યાં છે. ‘આધાશીશી : મારી પારાશીશી’ એક સંશોધન અનુસાર ૭૦% સ્ત્રીઓ જેનાથી પીડાતી હોય છે તેવી એક શારીરિક પીડા નામે આધાશીશી-માઇગ્રેનના પીડાકારી, ત્રાસદાયક અનુભવની હળવાશભરી આત્મકથનાત્મક રજૂઆત છે.

૨૦. ભારતી સોની

વાચન-લેખન અને વિવિધ વાનગીઓ બનાવવાનાં શોખીન ભારતીબહેન સોની હાસ્યલેખન, વાર્તાઓ, બાળસાહિત્ય લેખનમાં પ્રવૃત્ત છે. ‘આશ્વાસન તો નહીં, પણ..!’માં લેખિકાએ ટૂંકી વાર્તાના લેખનની સ્પર્ધામાં ઝુકાવનાર એક ગૃહસ્થ, વ્યસ્ત ગૃહિણીના વાર્તા લખવાના પ્રયાસોનું હાસ્યપ્રેરક છતાં સંવેદનાત્મક વર્ણન કર્યું છે.

૨૧. ડૉ. નલિની ગણાત્રા

આયુર્વેદિક ચિકિત્સક અને અધ્યાપિકા ડૉ. નલિની ગણાત્રા માટે હાસ્યલેખન રસનો વિષય છે. વર્તમાનપત્રોમાં હાસ્યકટારો લખે છે. માનવસ્વભાવ અને માનવવર્તનનું સૂક્ષ્મ નિરીક્ષણ અને તે વિશે તેમની ટિપ્પણી તેમના લેખનની લાક્ષણિકતા છે. તેમનાં ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘બૉડી - ધ મિરેકલ ઍન્ડ મોબાઇલ કિટ’માં માનવદેહ વિશે, તેની કામગીરી વિશે, તબીબી જાણકારી અને સર્જનાત્મક સૂઝથી લેખિકા વિવરણ કરે છે. શરીરનાં અંગોનાં વિવિધ કાર્યો, કુદરતે સર્જેલાં અને માનવજાતે વિકસાવેલાં અંગો વિશે એક સુંદર નિબંધ.

૨૨. પલ્લવી મિસ્ત્રી

આર્કિટેક્ચરમાં ડિપ્લોમા પછી ગૃહિણીકાર્યમાંથી અનાયાસ લેખન તરફ વળેલાં પલ્લવીબહેન સ્વભાવગત સર્જનાત્મક અભિમુખતા ધરાવે છે. વર્તમાનપત્રો, સામયિકોમાં હાસ્યરસની કટારો લખે છે. તેમનાં ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘તથાસ્તુ’ સંવાદરૂપે લખાયેલી કૃતિ છે. ગૃહિણી અને તેને સ્વર્ગે લઈ જવા આવેલા દેવદૂત અને ગૃહિણીના કુટુંબીજનોના સંવાદ દ્વારા હળવાશભર્યું વાતાવરણ ઊભું થાય છે.

૨૩. પ્રજ્ઞા પટેલ

ગુજરાતી સાહિત્ય અને અર્થશાસ્ત્ર એમ બે વિષયોની સ્નાતક-અનુસ્નાતક ડિગ્રીઓ ધરાવતાં પ્રજ્ઞાબહેન હાલમાં ગુજરાત સરકારના માહિતીખાતામાં અધિકારી છે. નાટ્યલેખન, કાવ્યલેખન, બાળસાહિત્યનાં મળીને તેમનાં કુલ નવ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘બેસણું’ નાના નગરમાં વસતા એક અદના આદમીનું રમૂજી અને સંવેદનાપૂર્ણ રેખાચિત્ર છે. હાસ્યલેખનની આ પણ એક રીત છે, જેને હસીએ તેને ચાહી પણ શકીએ, એને માટે રડી પણ શકીએ!

૨૪. જિગીશા ત્રિવેદી

વાણિજ્યમાં અનુસ્નાતક અને અભિનયકળામાં ડિપ્લોમા ધરાવતાં જિગીશા ત્રિવેદી યુવાન લેખિકા છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં અભિનય અને લેખનકાર્ય કરે છે. ‘ગાયે ચલી જા’ ટેલિવિઝન સિરિયલોના પ્રભાવ હેઠળ જીવતી મધ્યમવર્ગની ગૃહિણીઓની પરસ્પર આંતરક્રિયાઓનું વિનોદી, નાટ્યાત્મક આલેખન છે. લેખિકાની ‘નાટક’ની સમજ પણ અહીં જરાતરા ઊપસી આવે છે.

૨૫. રિદ્ધિ દેસાઈ

ગુજરાતી સાહિત્યનાં સ્નાતક હાલમાં વિદેશમાં વસે છે. અભ્યાસનાં વર્ષોમાં ગઝલો અને પછી છેલ્લાં બારેક વર્ષથી વિવિધ ગુજરાતી સામયિકોમાં હાસ્યનિબંધો લખે છે. ‘મરને ભી દો યારોં’ લેખિકા પોતે આત્મહત્યાની તૈયારી કરે છે તે દરમિયાન એમને આવતા વિચારોનું ચાતુર્ય અને હાસ્યપ્રેરક વર્ણન કરતો જેને બ્લેકહ્યુમર કહે છે તેવો નિબંધ છે.

૨૬. ગિરા પિનાકીન ભટ્ટ

વાચન-લેખનમાં પ્રવૃત્ત ગૃહિણી હાસ્યનિબંધો અને બાળવાર્તાઓ લખે છે. તેમનાં બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘તલવારની ધારે’માં લેખિકાએ પોતે લખેલા એક હાસ્યલેખના પ્રતિભાવરૂપે એક ધમકીભર્યો ટેલિફોન આવે છે અને તે પછી સર્જાયેલી વિચિત્ર પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.

૨૭. મંજુલા ગાડિત

ગુજરાતી સાહિત્યનાં અનુસ્નાતક, શિક્ષિકા અને ગૃહિણી. બાળવાર્તાઓ, ટૂંકી વાર્તાઓ, હાસ્યલેખો લખવાની હથોટી ધરાવે છે. એક સહલેખન સહિતનાં પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘અબ તો બાત ફૈલ ગઈ’માં લેખિકાએ ખૂબ સરળ, નિખાલસ, રમતિયાળ શૈલીમાં પોતાની અણઆવડતો વિશે વર્ણન કર્યું છે.

૨૮. ડૉ. નીતા રામૈયા

અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા, કૅનેડિયન સાહિત્યમાં ડૉક્ટરેટ પદવી ધરાવતાં નીતાબહેન નિવૃત્તિ બાદ અધ્યાપન ક્ષેત્રે માનદ્ સેવાઓ આપી રહ્યાં છે. તેમણે ગુજરાતીમાં ઓગણીસ અને અંગ્રેજીમાં ચાર પુસ્તકો લખ્યાં છે. નારીવાદી કાવ્યલેખનમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સંવેદના, સમાનુભૂતિની સાથે પ્રવર્તમાન સામાજિક ઢાંચામાં ખાસ કરીને પરિવારની અંદર સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન કરવા એ ક્યારેક કટાક્ષનો આશ્રય લે છે. આ સંચયમાં તેમના કાવ્યસંગ્રહ ‘તે જળપ્રદેશ છે’માંથી એક કટાક્ષ-કાવ્ય સંગ્રહમાં સમાવ્યું છે.

૨૯. ડૉ. સરૂપ ધ્રુવ

ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટરેટની પદવી ધરાવતાં સરૂપબહેને ગુજરાતી ભાષાના શિક્ષણનું કાર્ય વર્ષો સુધી કર્યું છે. સાથે સાથે તેઓ સાંસ્કૃતિક કર્મશીલ છે. સમાજમાં પ્રવર્તમાન વિસંગતિઓ અને અન્યાયો સામે સશક્ત અવાજ ઉઠાવે છે. આ સંચયમાં તેમના કાવ્યસંગ્રહ ‘સળગતી હવાઓ’માંથી રાજકીય-સામાજિક પરિસ્થિતિઓ વિશે પ્રશ્નો ઉઠાવતું આ કાવ્ય છે.

૩૦. ચંદ્રાબહેન શ્રીમાળી

ચિત્રકળામાં વ્યાવસાયિક યોગ્યતા ધરાવતાં અને ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતક પદવી ધરાવતાં શ્રી ચંદ્રાબહેન અગ્રણી દલિત લેખિકા છે. તેમની ટૂંકી વાર્તાઓ, કાવ્યો, નવલકથા, ગીતો તેમ જ સંપાદનોનાં લગભગ દસ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમને ઘણા બધા સાહિત્યિક પુરસ્કારો પણ મળ્યા છે. તેમના કાવ્યસંગ્રહ ‘વલોણું’માંના ‘રામ જાણે’ કાવ્યમાં ચંદ્રાબહેન સીતાને અને એ જ રીતે નારીઓને થતા રહેતા અન્યાયો વિશે ટીકાત્મક પ્રશ્ન પૂછે છે અને પછી જવાબ આપે છે : ‘રામ જાણે!’

૩૧. પ્રતિભા ઠક્કર

વ્યવસાયે વકીલ પ્રતિભાબહેન લઘુકથાઓ અને વ્યંગકાવ્યો લખે છે. તેમનાં બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. પ્રસ્તુત કાવ્ય તેમના ‘વ્યંગિસ્તાન’ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.

૩૨. સંધ્યા ભટ્ટ

અંગ્રેજીનાં અધ્યાપિકા. વિવિધ સાહિત્યસ્વરૂપોમાં ૧૯૯૯થી લેખનકાર્ય કરે છે. આ ઉપરાંત, સાહિત્યકૃતિઓના અભ્યાસલેખો લખે છે. અનુવાદકાર્ય પણ કરે છે. અત્યાર સુધીમાં તેમનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘પત્નીને’ છેલ્લાં થોડાં વર્ષોથી પ્રચલિત બની રહેલા પ્રયોગાત્મક કાવ્યસ્વરૂપ હઝલ-હાસ્યગઝલની કૃતિ છે.

અંજની પારેખ
‘વિનોદિકા’માંથી