રણજિતરામ ગદ્યસંચય – ૨/સુરતની સાહિત્ય પરિષદનું પ્રદર્શન

From Ekatra Foundation
Revision as of 02:09, 5 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુરતની સાહિત્ય પરિષદનું પ્રદર્શન

મે(૧૯૬૫)ના અન્તમાં સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન સુરતમાં થયું હતું. સાથે હસ્તલેખો, મુદ્રિતગ્રંથો, ચિત્રો અને પુરાણી ચીજો વગેરેનું પ્રદર્શન પણ ભરવામાં આવ્યું હતું. લગભગ ૧૫૦૦ હસ્તલેખોનો સંગ્રહ થયો હતો. આથી જૈન અને હિન્દુ ગુજરાતી સાહિત્યનો, જુદા જુદા શતકમાં સંખ્યા, ભાષા તથા વિષયનાં દૃષ્ટિબિન્દુથી મુકાબલો કરવાનું, સુરતમાં કયા કયા કવિઓ લોકપ્રિય હતા તે જાણવાનું, કયા કયા કવિના કયા કયા ગ્રંથો ખાસ લોકપ્રિય થયા હતા તે પ્રદર્શનમાં આવેલી પ્રતોની સંખ્યા અને રચ્યાની સાલ પરથી જાણવાનું, ખાસ સુરતમાં અને સુરત જિલ્લામાં કયા કયા કવિઓ થઈ ગયા છે–તેમના કયા ગ્રંથો પ્રસિદ્ધ અને કયા ગ્રંથો અપ્રસિદ્ધ છે–તે જાણવાનું, સુરતમાં રચાયેલા કે લખાયેલા ગ્રંથોની સાલ પરથી સુરતના ભૂતકાળના ચોક્કસ સમયનિર્દેશ જાણવાથી સુરતની ઉત્પત્તિને લગતી દંતકથાઓની શોધનસમીક્ષા કરવાનું, ગુજરાતી ભાષામાં અર્વાચીન ગદ્યના જન્મ પૂર્વે કેવું ગદ્ય લખાતું હતું તે જોવાનું, પ્રસિદ્ધ ગ્રંથોની રચનાની સમીપની લેખિત પ્રતો જોવાનું અને તેથી હાલમાં પ્રચલિત પ્રતોના પાઠો તપાસવાનું અને ક્ષેપક અંશ પેસી ગયો હોય તો તે જોવાનું, પ્રાચીન ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ નિહાળવાનું, લોકશિક્ષણ માટે આપણા પૂર્વજોએ કરેલા પ્રયત્નોનું માપ કાઢવાનું બની આવે એવું હતું. ગ્રંથો શતકવાર ગોઠવવામાં આવ્યા હતા. વડોદરામાં ૧૯૧૨માં ચોથું અધિવેશન થયા પછી ગુજરાતી ભાષામાં જે ગ્રંથો પ્રકટ થયા હોય તેમનો બને તેટલો સંગ્રહ કરવા પ્રયત્ન થયો હતો. આ વિભાગમાં આશરે ૨૩૦ ગ્રંથો, ચોપાનિયાં વગેરે હતાં. બે અધિવેશનના અંતરાળમાં ગ્રંથપ્રસિદ્ધિ તો આથી અનેકગણી હતી. સમયના સંકોચને લીધે પરિષદ વખતે એમનું અવલોકન રજૂ નહોતું કરી શકાયું. પરંતુ પુસ્તકો નજરે જોવાનો— ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સારા ગ્રંથો અને ચોપાનિયાં એક સ્થળે જોવાનો પ્રસંગ ઘણાને પ્રાપ્ત થયો હતો. આ ગ્રંથસંગ્રહમાં અખંડાનંદે પ્રગટ કરેલાં સસ્તાં પુસ્તકો અને ભાવનગરની આત્માનંદ જૈન સભા તરફથી પ્રકાશિત ગ્રંથોની સંખ્યા મોટી હતી. આ સંગ્રહથી ગ્રંથોનું દર્શન થઈ શકે છે, ભાતભાતની છપાઈ અને બંધામણી નજરે જોઈ શકાય છે અને ગુજરાતી ભાષામાં કયા કયા વિષયના કેવા કેવા ગ્રંથો રચાય છે તે પણ જોઈ શકાય છે. પ્રાચીન વસ્તુઓ નાના પ્રકારની હતી. તામ્રલેખો હતા. અણહિલવાડના સોલંકીઓએ લાટદેશ ક્યારે સર કર્યો તે ધમડાછાના બે તામ્રપત્રો પરથી જણાયું. લાટના ચૌલુક્ય કીર્તિરાજનું તામ્રપત્ર હજુ અપ્રકાશિત છે. રાષ્ટ્રકુટ કક્કરાજનું તામ્રપત્ર પ્રગટ થયેલું છે. એક તામ્રપત્ર ઊકેલી શકાયું નહોતું. ખંડિત મૂર્તિઓના લેખો, ભાંગેલા શિલાલેખ વગેરે પણ હતા. સિક્કાઓ મોટી સંખ્યામાં હતા. અંગ્રેજી રીતરિવાજના પ્રવેશ પહેલાં સુરતના શ્રીમંતોમાં — હિંદુ, જૈન, મુસલમાન, પારસી શ્રીમંતોમાં કેવા કિંમતી અને કેવી તરેહનાં કપડાંનો વપરાશ હતો તે પ્રદર્શનમાં રજૂ થયેલાં કેટલાંક વસ્ત્રોથી જણાતું હતું. ચિનાઈ વાસણોનો સંગ્રહ દર્શનીય હતો. એના જે પારખ હોય છે તે ખરી ચીજ હાથ આવે છે તો મોંમાંગ્યું મૂલ આપી ખરીદે છે. સુરત મૂળે મોટું બંદર હતું તેથી અને હજુ મુસલમાનો સફરી હોવાથી વિવિધ ભાતના અને આકારનાં ચિનાઈ વાસણો સુરતમાં મળી આવે છે. પિત્તળનાં વાસણો, મૂર્તિઓ વગેરેનો પણ સંગ્રહ હતો. રોજના વપરાશની ચીજો પણ આપણા પૂર્વજો કેવી રમ્ય બનાવતા તેનો ખ્યાલ આથી આવતો. મૂર્તિવિદ્યાના અજ્ઞાનને લીધે તે ઓળખવાનું બની શક્યું નહોતું. આપણે ત્યાં અંગ્રેજી પ્રભાવ વિનાની ચિત્રકલા કેવી પ્રચલિત હતી તે ચિત્રો અને સચિત્ર હસ્તલેખોથી જોઈ શકાતું હતું. છેલ્લા બાજીરાવ પેશ્વાના સોબતી ત્રિંબકજી ડેંગલેએ ગાયકવાડના એલચી ગંગાધરરાવ શાસ્ત્રીનું ખૂન કર્યું હતું અને પરિણામે પેશ્વાઈ ખોઈ હતી, તે શાસ્ત્રીની સુરતમાં હવેલી છે. આ હવેલીના એક ઓરડાની ચારે ભીંતો ચિત્રોથી ભરેલી હતી. આ ચિત્રોમાંના કેટલાંક આવ્યાં હતાં. ઋતુઓનાં, માસનાં, રાગરાગણીનાં, રાશિઓનાં, શૃંગારનાં ચિત્રો હતાં. એક જૈન દિગંબર પંડિતની પોતાને હાથે ચીતરેલી તસ્વીર હતી. સચિત્ર ગ્રંથોમાં જૈન ગ્રંથો વિશેષ પ્રમાણમાં હતા. સુરતના દિગંબર જૈનોનાં પુસ્તકો અને ભાવનગરના શ્વેતાંબર જૈન પ્રેમચંદ રતનજીનાં પુસ્તકો ખાસ આકર્ષક હતાં. ધાર્મિક ગ્રંથો તેમ જ રાસાઓનાં ચિત્રો સુંદર હતાં. શકુનાવળીમાં જાનવરોનાં ચિત્રો આબેહૂબ હતાં. ચિત્ર દ્વારા આખી કથા કહેવાનો પ્રયત્ન થયેલો લાગતો હતો. ઓખાહરણ, ચંડીપાઠ અને ભગવદ્ગીતા એટલા સચિત્ર હિન્દુ ગ્રંથો હતા. આ સર્વેની કલમ ઊંચા પ્રકારની નહોતી પણ સુરત તરફ આ કલાઓને કેવું પોષણ મળતું હતું તે એથી જણાતું હતું. સોનેરી શાહીથી જુદી જુદી ભોંય પર લખેલા અક્ષરોવાળા હસ્તલેખો રમણીય હતા. શાહી અને રંગનો જેબ જાળવવા દેશી બનાવટના ભાતભાતના રેશમી કકડાઓ દરેક પાના પર ઢાંકવામાં આવ્યા હતા. અનાયાસે આપણે ત્યાં પૂર્વે કેવું રેશમી કાપડ બનતું તે જોવાનું આથી બની આવ્યું હતું. ગુજરાતમાં હાલમાં જૂના પ્રકારની ચિત્રકળા નાબૂદ થયેલી લાગે છે, તેમ નવી ચિત્રકળા હજુ ખીલી નથી. મનુષ્યોની તસ્વીર ચીતરવા ઉપરાંત કલ્પિત પ્રંસંગો ઘણા ઓછા પ્રમાણમાં ગુજરાતી ચિત્રકારો ચીતરે છે. જે જૂજ પ્રસંગો એમના ચિત્રપટ પર જન્મ પામે છે તે અંગ્રેજી કે દક્ષિણી ચિત્રોનાં નિર્જીવ અનુકરણ હોય છે. ગુજરાતી સૌન્દર્ય, શરીરગઠન, પહેરવેશ, વાતાવરણ, ભૂપ્રદેશ, જાનવરો વગેરેને સ્થાને સર્વ પરદેશી હોય છે. કલા પ્રજાના જીવનમાંથી જન્મતી નથી એટલે જ આવી રીતે આપણા રસની ક્ષતિ થાય છે અને આપણા સ્વદેશના ગૌરવનું ખંડન થાય છે. અર્વાચીન કાળમાં બંગાળી સાહિત્ય ઊંચા પ્રકારનું છે. જે રાષ્ટ્રીય ચેતને એ સાહિત્યનો ઉદ્ભવ કર્યો છે તેણે જ બંગાળમાં ખાસ ચિત્રકલાને આવિર્ભૂત કરી છે. હિંદી અને મરાઠી સાહિત્ય જેવું અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિપુલ કે સમૃદ્ધ નહીં હોય પણ સરસ્વતીચંદ્ર જેવા એક ગ્રંથથી અને અર્વાચીન કવિતાથી ગુજરાતી સાહિત્યે એ બન્ને સાહિત્યથી સરસું છે. જે પ્રજા ગોવર્ધનરામ અને નાનાલાલ ઉત્પન્ન કરી શકે છે તે પ્રજાની અનુપમ સૌંદર્યભાવના ચિત્ર દ્વારા હજુ આવિર્ભાવ પામી નથી. રજપૂત અને મુસલમાની રાજ્યકાળે જે પ્રજાએ મંદિરો અને મૂર્તિઓની રચનાથી ગુજરાતને કલાનું ક્રીડાંગણ બનાવ્યું હતું તે પ્રજા શું રસશૂન્ય થઈ છે? ગુજરાતમાં બે જ રસિક નગરો છે — સુરત અને જામનગર. ગમે તે પ્રકારે પોતાની રસિકતા અખોવન રાખવાનો ગોવર્ધનભાઈનો સુરતને પુણ્ય આદેશ છે. આ આદેશને વશ થઈ સુરત પરિષદના કાર્યવાહકોએ પરિષદના પ્રસંગે ગુજરાતની ચિત્રકલાને ગુજરાતી સ્વરૂપ આપવા મંગલાચરણ કર્યું છે. પ્રયાસ પ્રથમ, સમય ઓછો, જાહેરાત જૂજ, ભાવના નવી એટલે મોટા પ્રમાણમાં નવી ઢબનાં ચિત્રો નહોતાં આવ્યાં. છતાં સરસ્વતીચંદ્રની જુદા જુદા ચિત્રકારોની ચિત્રાવલી જોવાનું ભાગ્ય નાનુંસૂનું નહોતું. ‘ગુર્જરસુંદરી’ નું ચિત્ર પ્રદર્શનમાં ચિત્તાકર્ષક હતું. ભાવનાનો જન્મ થયો છે એટલે ઉજ્જવળ ભવિષ્યનાં કિરણો ફૂટવા માંડ્યાં છે. પ્રદર્શનની દર્શનક્રિયાનો આરંભ સચીનના નવાબસાહેબે કર્યો હતો. સુરતના રાજવંશીને હાથે — અને ભારતવર્ષની ચિત્રકલાને પોષવા મુસલમાનોએ આપેલા આશ્રયના સંસ્મરણ રૂપે જાણે એ મુબારક હાથે સુરતનું પ્રદર્શન ઊઘડે એમાં પણ ઉચિતતા જ હતી. રાજવંશીઓના આશ્રય વિના કલા પોષણ પામતી નથી. ગુજરાતનો બે તૃતીયાંશ જેટલો ભાગ દેશી રાજાઓને આધીન છે. એ સ્વરાજ્યમાં નવીન ચિત્રકલા ઉત્તેજન અને આશ્રય મેળવો. વડોદરા રાજ્યના પ્રધાન ગુજરાતી રાજપુરુષ રા. રા. મનુભાઈ નંદશંકરે પ્રદર્શન સંબંધી પ્રાસ્તાવિક ભાષણ કર્યું હતું. એમની મધુર વાણી, વિદ્વત્તા અને પ્રતિષ્ઠાનો પ્રભાવ ઓર જ પડ્યો હતો. ભારતવર્ષના પ્રાચીન કલાવિધાનના સ્વરૂપોનો નિર્દેશ કરી અર્વાચીન સમયમાં પાશ્ચાત્ય પ્રભાવથી રવિ વર્માનું જે ચરણ પ્રકટ થયું છે તેની સમીક્ષા કરી હતી અને બંગાળના રાષ્ટ્રીય ચરણનો અંગુલિનિર્દેશ કર્યો હતો. જે કોમે ગુજરાતી સાહિત્ય અને કલાના પોષણ માટે અખૂટ દ્રવ્ય વાપર્યું છે, જેમના ઉત્તેજન અને આશ્રય નીચે જન્મ પામેલાં સાહિત્ય અને કલાના આદર્શો આજે જગતમાં ગુજરાતને ગૌરવ અપાવે છે. કોમના – જૈન ઝવેરી રા.રા. જીવણચંદ સાકરચંદે પ્રદર્શનનો વૃત્તાંત વાંચી આ રસસત્રના કાર્યક્રમને એક રીતે ઉચિત અને સફળ બનાવ્યો હતો. રસિક કલાની જનની પણ સુંદરીઓ છે. સુરતના આ રસસત્રને પહેલું ઉત્તેજન પન્નાના નામદાર મહારાણીસાહેબે( ભાવનગરના રાજકુંવરીસાહેબ) આપ્યું હતું. તેમની સાથે ગુજરાતી હિંદુ બેરોનેટ, ગુજરાતી હિંદુ ન્યાયમૂર્તિ( હાઈકોર્ટના ન્યાયાધીશ) અને બીજા ગુજરાતી રાજકુમારો અને શ્રીમંતોએ ચાંદ આપી સમભાવ દર્શાવ્યો હતો તે ઉપરથી ગુજરાતના રૂડા ભવિષ્યની આશા આપણને સચેતન રાખો એટલી વાંછનાથી વિરમું છું.