રણજિતરામ ગદ્યસંચય – ૨/સાહિત્ય પરિષદનો કાર્યપ્રદેશ

સાહિત્ય પરિષદનો કાર્યપ્રદેશ

તા. ૨૯-૩૦-૩૧મી મે(૧૯૧૫)ના રોજ સુરતમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન થશે. તે વખતે કેટલીક ચર્ચાઓ અને ઠરાવો થશે એવી આશા છે. બંગાળી સાહિત્ય સંમેલન અને મરાઠી સાહિત્ય સંમેલન કેવા કેવા પ્રશ્નો સ્પર્શે છે તેની વિગત અગાઉ મેં પ્રગટ કરી છે અને હવે પછી થોડીક પ્રગટ કરવાનો છું. દરમ્યાન આપણી પરિષદે ધ્યાન આપવા યોગ્ય કેટલીક બાબતો મને સૂઝી છે તે ‘ગુજરાતી’ પત્ર દ્વારા જાહેરમાં મૂકું છું. વખતે એમાંની કોઈ બાબત આગામી અધિવેશનમાં ચર્ચવાનું આથી સુકર થશે એમ ધારીને. ૧. ગુજરાતી સાહિત્ય લોકપ્રિય કરવા, એનો અભ્યાસ વધારવા – જન્મભાષા અને તેના સાહિત્યના ગાઢ સેવન અને પરિચયથી ગુજરાતીઓની માનસિક શક્તિઓના વિકાસ માટે શા શા ઉપાયો યોજવા? (અ) હાઈસ્કૂલોમાં કેટલાક વિષયો અંગ્રેજીને બદલે ગુજરાતીમાં શીખવવાની હિમાયત કરવી જોઈએ અને ફતેહમંદ અજમાયશો પણ કરી બતાવવી જોઈએ. (આ) મેટ્રિક અને એવી બીજી પરીક્ષામાં કેટલાક વિષયોના સવાલોના ઉત્તરમાં ગુજરાતીમાં આપવાની છૂટ મેળવવા પ્રયત્ન થવા જોઈએ (ઈ) હાઈસ્કૂલોમાં ગુજરાતી વ્યાકરણ, નિબંધલેખન અને સાહિત્યનો ફરજિયાત અભ્યાસ દરેક વિદ્યાર્થી કરી શકે એવી તજવીજ કરવી જોઈએ. આ ઇષ્ટપ્રાપ્તિ માટે ક્રમવાર રસિક અભ્યાસપોથીઓની રચના થવી જોઈએ તેમ નિશાળોનાં ઉત્સવ સંમેલનોમાં અંગ્રેજી નાટ્યપ્રયોગો અને પઠન(recitation)ની સાથે ગુજરાતી નાટ્ય અને પઠન પ્રયોગોને વિશેષ સ્થાન મળવું જોઈએ. (ઈ) કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ પ્રારંભથી તે અંત લગી ઐચ્છિક વિષય તરીકે રખાવવા પ્રયત્ન થવો જોઈએ. ૨. ગુજરાતી સાહિત્યની શાસ્ત્રીય સમાલોચના થાય અને અભ્યાસ વધે માટે ગુજરાતની એકાદ કૉલેજમાં ગુજરાતી સાહિત્યના પ્રોફેસરની નિમણૂક થવી જોઈએ. હાલમાં યુનિવર્સિટી કેટલાક વિષયો પરત્વે વિદ્વાનો પાસે ભાષણો એમ. એ.ના વિદ્યાર્થીઓ માટે કરાવે છે. આ ભાષણમાળામાં ગુજરાતી સાહિત્યને સ્થાન અપાવા પ્રયત્ન કરવા જોઈએ.જે. ૩. જે જે સ્થળે ગુજરાતીમાં જ હુન્નરઉદ્યોગનું શિક્ષણ અપાતું હોય –વડોદરાના કલાભવન, અમદાવાદની રણછોડલાલ ટેક્ષ્ટાઈલ ઈન્સ્ટિટ્યુટ, સુરતની પારેખ હુન્નરશાળા વગેરે સ્થળે ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે તજવીજ થવી જોઈએ. ૪. સ્ત્રીશિક્ષણના પ્રસાર માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મનીતિના જ્ઞાનના પ્રસારણ માટે થિયોસોફીકલ સોસાયટી જેવી વાર્ષિક પરીક્ષા લે છે તેવી ગુજરાતી સાહિત્યના અભ્યાસની વૃદ્ધિ માટે યોજના કરવી જોઈએ. ૫. જૂના ગુજરાતી હસ્તલેખો જુદે જુદે વિખરાયેલા છે તેના પરિવેક્ષણ(Survey), રક્ષણ અને સંગ્રહ માટે તજવીજ થવી જોઈએ. ગુજરાત વર્નાકયુલર સોસાયટી, ફાર્બસ ગુજરાતી સભા, ના. ગાયકવાડ સરકાર કે કોઈ ધનાઢ્ય જૈન મંડળ આ કાર્ય હાથમાં લે તો સત્વર નાશ પામતા સાહિત્યનું રક્ષણ થશે. સરકાર તરફથી પુણામાં સંસ્કૃત હસ્તલેખોનો સંગ્રહ થાય છે–પુણાના સંગ્રહનો લગભગ પોણો ભાગ ગુજરાતીમાંથી જ લઈ જવામાં આવ્યો છે, તેમ અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં ગુજરાતી હસ્તલેખોનો સંગ્રહ કરવા સરકારને વિનંતી કરવી જોઈએ. રાજકોટ પરિષદ વખતે કેટલાક ગ્રંથો આવ્યા હતા તેમાંના ઘણાનાં દર્શન સુરતમાં થવાનાં નથી તેમ સુરતના પ્રદર્શનમાં જે ગ્રંથો આવ્યા છે તેનાં પણ દર્શન પછીથી થવા સંભવ નથી. માટે આ દિશામાં જેટલું થઈ શકે તે સત્વર થવું જોઈએ. ૬. ગુજરાતના ઇતિહાસની સાચી માહિતી શિલાલેખો અને તામ્રલેખો અને સિક્કાઓ પરથી જેવી મળે છે તેવી બીજાં સાધનોથી પ્રાપ્ત નથી. આ કાર્યને માટે એક સરકારી ખાતું છે પણ તેના તાબામાં રાજસ્થાન, સિંધ, કચ્છ, ગુજરાત, દક્ષિણ, મધ્યપ્રાંત, માળવા વગેરે પ્રદેશો હોવાથી ગુજરાતની સમૃદ્ધિ એકઠી કરવા પર જોઈએ તેટલું ધ્યાન તેનાથી અપાતું નથી. રાજકોટમાં વોટ્સન મ્યુઝિયમ છે તેના અધિકારીઓ કાઠિયાવાડ અને કચ્છમાં ફરી ઘણી ઉપયોગી માહિતીનો સંગ્રહ કરે છે. તળ ગુજરાતમાંથી આવી માહિતી દેશી રાજ્યો, સરકારી પ્રાચીન શોધખાતું અને વોટ્સન મ્યુઝિયમના અધિકારી દ્વારા મેળવવા પ્રયત્ન થવા જોઈએ. ૭. ગુજરાતમાં સ્થળે સ્થળે સુંદર મંદિરો, તળાવો, મકાનો વગેરે છે તેમનાં વૃત્તાંતો, છબીઓ, નકશાઓ વગેરે અમદાવાદ જેવા મધ્ય સ્થળે એકઠાં કરાવવાં જોઈએ. આવું જ મૂર્તિઓ, પૂતળાં, ચિત્રો(મંદિરોમાંના અને બીજે સ્થળના) સંબંધમાં થવું જોઈએ. ૮. ગુજરાતની અતીત કળાનું દર્શન એક સ્થળે થાય એવી જોગવાઈ કરવા ઉપરાંત વર્તમાન અને ભવિષ્યત્ ગુજરાતમાં પાછું એવું જ કે એથી પણ સરસ કલાવિધાન આવિર્ભાવ પામે માટે કળાશિક્ષણમંદિર અને કલાસંગ્રહસ્થાન સ્થાપવા પ્રયત્ન થવા જોઈએ. સંગીત સર્વત્ર પ્રસારણ પામે તેમ જ શુદ્ધ સંસ્કારી સ્વરૂપમાં ખીલે એવા પ્રયત્નો થવા જોઈએ. ૯. ગુજરાતી રંગભૂમિ વધારે સુંદર અને ઉન્નત બને, અભિનયકળા વધારે ખીલે, દૃશ્ય વસ્તુઓ વધારે સ્વાભાવિક અને અનુકૂળ અને ઉચિત થાય, ગુજરાતનું નવજીવન ઘડવામાં તેઓ સંપૂર્ણ રીતે મદદગાર નીવડે માટે તેમના કાર્યની કડક સમીક્ષા કરાવવા, તેમનાથી થતા સારા અભિનયો વગેરેની ઉત્સાહભરી યોગ્ય તારીફ અને કદર કરાવવા પ્રયત્ન થવા જોઈએ. ૧૦. પરિષદના બે અધિવેશનના અંતરાળમાં જે જે સાહિત્ય પ્રસિદ્ધિ પામે અને જે જે નવા અભિનય થાય તેનું વિશેષજ્ઞો પાસે અવલોકન કરાવવા તજવીજ થવી જોઈએ. વર્તમાનપત્રો અને માસિકોમાં અવલોકનો નિયમિત રીતે પ્રગટ કરાવી આ કાર્ય સુકર અને સત્વર થઈ શકે એવી તજવીજ થવી ઘટે છે. ગ્રંથવિક્રેતાઓ પાસેથી દર વર્ષે વાર્ષિક વિક્રયનું સરવૈયું મેળવી ગુજરાતની અભિરુચિનું માપ કાઢવા પ્રયત્ન થવા જોઈએ. ૧૧. મોતીભાઈ નરસિંહભાઈએ ખાનગી રીતે પ્રથમ જેમ ગામડામાં પુસ્તકસંગ્રહો સ્થાપ્યા હતા અને હાલમાંના ગાયકવાડ સરકાર તરફથી થાય છે તેમ થવા ગુજરાતનાં બીજાં દેશી રાજ્યો દ્વારા ગાળે ગાળે પુસ્તકસંગ્રહ અને વાંચનાલય સ્થાપવા પ્રવૃત્તિ ઉત્તેજવા પ્રયત્ન થવા ઘટે છે. ગુજરાતી પુસ્તકોનું સમગ્ર પુસ્તકાલય ગુજરાતમાં એક સ્થળે કરવા મહેનત થવી જોઈએ, રાજકોટમાં જન્મ પામેલા પરિષદ પુસ્તકાલયને પૂરતો આશ્રય મેળવી આપવા મહેનત કરવી જોઈએ. ગ્રંથકારો પાસેથી ના. સરકાર ત્રણ નકલ લે છે તે એક નકલ વધારે લઈ પરિષદ પુસ્તકાલયને આપે એવી વિનંતિ કરવી જોઈએ. ૧૨. ગુજરાતમાં પુરુષોની અને સ્ત્રીની કેળવણીના પ્રસાર માટે એક પણ ગામડું નિશાળ વિના રહી ન જાય એવી વ્યવસ્થા કરવા પ્રયત્ન થવો જોઈએ. (૧) પુરુષો માટે ગુજરાતી દ્વારા હુન્નર-ઉદ્યોગની કેળવણી મેળવવાનાં સાધનોની વિપુલ અને વિવિધ સામગ્રી ઊભી કરવા સતત પ્રયાસ થવા જોઈએ. (૨) વડોદરામાં સ્થપાયેલી “વર્નાક્યુલર કૉલેજ” નિષ્ફળ ગઈ તે નિષ્ફળ ન નીવડે એવા રૂપમાં જુદે જુદે સ્થળે સ્થાપવા અને સિદ્ધિથી તે પ્રયાસને અંકિત કરવા ઉપાયો યોજવા ઘટે છે. (૩) હાલના ગ્રામ્ય ધોરણે વિશે જુદી જુદી ફરિયાદો આવે છે તે બહુ અઘરાં છે, વાણિયા બ્રાહ્મણના શિક્ષણને કુંઠિત કરનારાં છે વગેરે પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમ, અભ્યાસ કાર્યક્રમ (ટાઈમ ટેબલ) અને અભ્યાસગ્રંથો વિશે નાના પ્રકારની બૂમો લોકોમાં ઊઠે છે તે–વગેરે સંબંધમાં યોગ્ય તપાસ ચલાવી જેટલું જેટલું અનિષ્ટ અને હાનિકારક લાગે તેનું ઉન્મૂલન કરાવવા પ્રયત્ન થવા જોઈએ. (૪) સાત સાત વર્ષ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં ભણવા છતાં અંગ્રેજીમાં કાચા રહે છે, એમની માનસિક શક્તિઓ બુઠ્ઠી રહે છે, સ્વતંત્ર વિધાન તેઓ કરી શકતા નથી વગેરે જે જે અપવાદો અત્યારે આપણી શિક્ષણપ્રણાલીને અંગે પ્રચારમાં હોય તેમનું શાસ્ત્રીય અન્વેષણ કરાવી ગુજરાતની બુદ્ધિ અને શક્તિ વધારે કેવી રીતે વિકસે તેના ઉપાયો વિમર્શી, અમલમાં મુકાવા પ્રયત્નો કરવા જોઈએ. (૫) અંગ્રેજીનો વધારે ફેલાવો કરવા અને જ્ઞાન વધારે સંગીન કરવા પ્રાથમિક ગુજરાતી શાળાઓમાં અંગ્રેજી શીખવાની જોગવાઈ કરી આપી ગુજરાતી સાત ચોપડીઓ લગી અભ્યાસ કર્યા પછી જ શિક્ષાર્થીઓ હાઈસ્કૂલમાં જાય એવી રીત વાજબી અને ફળદાયી લાગતી હોય તો તેના સર્વત્ર સ્વીકાર માટે પ્રયત્ન થવા ઘટે છે. ૧૩. ગુજરાતી ભાષાનું શાસ્ત્રીય વ્યાકરણ રચવા જુદા જુદા પ્રદેશ અને નાતોમાં વપરાતી ભાષા, શબ્દો, રૂપો; રૂઢિપ્રયોગ,’ કહેવતો વગેરેનો સંગ્રહ કરાવવો જોઈએ. ૧૪. ગુજરાતના લોકોના રીતરિવાજ, માનતાઓ વગેરેનો સંગ્રહ કરાવવો અને પ્રત્યેક નાતો સંખ્યામાં ઘટે છે કે વધે છે; કેળવણીમાં આગળ કે પાછળ છે; આર્થિક સ્થિતિમાં સમૃદ્ધ કે નિષ્કિંચન છે; બુદ્ધિમાં પ્રૌઢ કે જડ છે, વગેરે બાબતો નિરૂપવાનાં સાધનો એકઠાં કરવાં.

૧૨-૫-૧૫.