રણજિતરામ ગદ્યસંચય – ૨/સોઠ્ઠલ
પાટણમાં જૂના ગ્રંથભંડારો (લાઇબ્રેરી) છે, તેમાં મુખ્યત્વે કરીને જૈનધર્મના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી હસ્તલેખો છે. ગયે વર્ષે એ ગ્રંથો વાંચી એમાં સપાયેલી ઉપયોગી હકીકત વિશે રિપોર્ટ કરવા નામદાર ગાયકવાડ સરકારે રા. રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ નામના વિદ્વાનની નિમણૂક કરી હતી. સુરતમાં ભરાયેલી પાંચમી સાહિત્ય પરિષદમાં વાંચવા રા. રા. ચિમનલાલે પોતાનો રિપોર્ટ ટૂંકામાં લખી મોકલ્યો હતો. આ રિપોર્ટને પાંચમે પાને વાલભ કાયસ્થ સોટ્ઠલનો વૃત્તાંત આપ્યો છે. આ કાયસ્થે સંસ્કૃત ભાષામાં ઉદયસુંદરી નામની કથા લખેલી છે. કથાનાં આઠ પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં સોટ્ઠલે પોતાની જાતિની ઉત્પત્તિ અને પોતાનો વંશવૃત્તાંત આપ્યો છે, ‘વલભીના રાજા શિલાદિત્યને પ્રધાન બદલવાની ચિંતા (એક વખતે) થઈ. રાત્રે લક્ષ્મીએ સ્વપ્નામાં દર્શન આપ્યું અને શિલાદિત્યને પોતાના ભાઈ કલાદિત્યને અમાત્યપદે નિયુક્ત કરવાનો આદેશ કર્યો. તેણીએ કહ્યું કે તારો કનિષ્ઠ ભ્રાતા કલાદિત્ય શિવના કાયસ્થ નામના ગણનો અવતાર છે. જ્યારે દેવતાઓએ સમુદ્રમંથન કર્યું ત્યારે પ્રથમ તો હું તેમના દૃષ્ટિપથે આવી, પરંતુ મંદર(પર્વત)ના પરિભ્રમણથી ઉત્પન્ન થયેલા આવર્તના સન્નિવેશથી એકદમ તરત જ ગંભીર પાણીમાં ડૂબી ગઈ. ઇંદ્રાદિ સર્વ દેવો તે વખતે વિષણ્ણ થઈને બૃહસ્પતિને પૂછવા લાગ્યા. બૃહસ્પતિએ કહ્યું કે શ્રીકણ્ઠની પાસે કાયસ્થ નામનો અતિપ્રસિદ્ધ ગણ રહે છે. અષ્ટમૂર્તિ ભગવાનની જલમયી મૂર્તિને અધિષ્ઠિત સમુદ્રના આસન્ન સહચરત્વથી કાયને વિશે રહેલો તે કાયસ્થ એમ કહેવાય છે. જલધિનું પ્રેમપાત્ર હોવાથી તેનાથી સમુદ્રમાંથી લક્ષ્મી લાવી શકાશે. આ કાયસ્થ ગણની મદદથી દેવોએ મને સમુદ્રમાંથી કાઢી. આ કાયસ્થ ગણ શિવની આજ્ઞાથી પૃથ્વી પર અવતરેલો છે અને તે તમારો ભાઈ કલાદિત્ય છે અને તે પોતાનો વંશ સ્થાપવા પર્યંત અહીંયાં રહેશે. શિલાદિત્યે આથી પોતાના ભાઈને અમાત્યપદે સ્થાપ્યો. આ કલાદિત્યથી વલભીથી નીકળેલો વાલભ નામનો કાયસ્થનો વંશ ઉત્પન્ન થયો. (વલભી વિનિર્ગત ઇતિ વાલભો નામ કાયસ્થાનાં વંશઃ)’ આ પ્રમાણે પોતાના વંશની સ્તુતિ કર્યા પછી પોતાના કુલનું વર્ણન આપ્યું છે. લાટદેશમાં વાલભ કાયસ્થો વસતા હતા. તેમાં ઉમેશના વંશમાં ચંડપતિ થયો, તેનો પુત્ર સાલ્લાપેય થયો; તેનો સૂર થયો; તેનો પંપાવતીથી પ્રથમ સોટ્ઠલ નામનો પુત્ર થયો. તેના પિતા બાલ્યાવસ્થામાં તેને મૂકી મરણ પામ્યા તેથી તે પોતાના મામા ગંગાધરને ત્યાં મોટો થયો. ગંગાધર લાટદેશના રાજા ગોગિરાજનો મિત્ર હતો. પાટણના મૂળરાજ સોલંકીની સામા થનાર લાટદેશના રાજા બારપ્પનો ગોગિરાજ પુત્ર થાય. ઈ. સ. ૯૪૧માં બારપ્પ ગાદી પર હતો. ગોગિરાજના પુત્ર કીર્તિરાજનાં ઈ. સ. ૧૦૧૮ના તામ્રપત્ર સુરતમાંથી મળ્યાં છે એટલે ઈસવીસનની દસમી સદીના ઉત્તરાર્ધમાં ગોગિરાજ થયેલો. પણ ગોગિરાજ થોડા વખતમાં મરણ પામ્યો હશે. કારણ કે એના પૌત્ર કીર્તિરાજનો પુત્ર સિંહરાજ અને સોટ્ઠલ સહાધ્યાયી થયા હતા. ચંદ્ર નામના વિદ્વાન ગુરુ પાસે તેઓએ વિદ્યાભ્યાસ કર્યો. લાટદેશમાં ૭૨ ગામના એક મહાલની અને ૭૦૦ ગામના એક મહાલની ધ્રુવવૃત્તિ સોટ્ઠલના વંશમાં હતી. ઉંમરે આવતાં તે એ ધ્રુવવૃત્તિનો સ્વામી થયો. પણ નાનપણથી એમનામાં કવિત્વનાં અંકુરો સ્ફૂર્યાં હતાં એટલે ધ્રુવ કરતાં કવિ થવા તરફ વિશેષ વૃત્તિ હતી. એવામાં કીર્તિરાજ ગુજરી ગયા અને એમનો પુત્ર વત્સરાજ ગાદીનશીન થયો. આ આરસામાં થાણાના શિલાહાર રાજાની સભાઓમાં કવિઓનો સારો સત્કાર થતો હતો. અશોકવતી કથાના કર્તા મહાકવિ શ્વેતાંબરાચાર્ય ચંદનાચાર્ય, ખઙ્ગકાવ્યના કર્તા શીઘ્રકવિ વિજયસિંહ તથા રત્નમંજરી નામની ચંપૂકથાના કર્તા દિગંબરાચાર્ય ઇંદ્ર વગેરે એ સભાને શોભાવતા હતા. સોટ્ઠલનો પણ ત્યાં સારો સત્કાર થયો. આ બધા કવિઓ એના મિત્રો થયા. એના એક પ્રદીપક શ્લોકથી મુદિત થઈ મુમ્મુણિરાજે સભામાં એને કવિપ્રદીપ એવા નામથી બોલાવ્યો હતો. કવિ થાણા ગયા ત્યારે સ્થિતરાજ ગાદી પર હતો. સ્થિતરાજ અને તેના ભાઈઓ નાગાર્જુને અને મુમ્મુણિરાજે કવિ પર ભાવ સારો રાખ્યો હતો. કવિએ જિંદગી થાણામાં કાઢી હોય એમ લાગે છે અને આયુષ્ય પણ લાંબું ગાળ્યું હશે. મુમ્મુણિરાજનું એક તામ્રપત્ર શ. ૯૮૨(ઈ. સ. ૧૦૬૦)નું છે અને લાટના કીર્તિરાજનું ઈ. સ. ૧૦૧૮નું છે. આ બે સાલના અંતરાલમાં કવિ હયાત હતા એટલું ચોક્કસ છે. સિંહરાજ અને સોટ્ઠલ સહાધ્યાયી એટલે મિત્રો હતા. સિંહરાજનો ભાઈ વત્સરાજ ગાદી પર બેઠો ત્યારે બન્નેભાઈ વચ્ચે વખતે અણરાગ થયો હશે અને તેથી સોટ્ઠલને લાટ દેશ છોડવો પડ્યો પણ હોય.
રા. રા. ચિમનલાલે ઉદયસુંદરી કથામાંથી તારવેલી હકીકતમાં જરૂરજોગી ઐતિહાસિક માહિતી ઉમેરી ઉપરનો વૃત્તાંત લખ્યો છે. હવે વૃત્તાંત પરથી ઊઠતા પ્રશ્નોની તપાસ કરીએ. વાલભ કાયસ્થ એટલે વાલ્મિક કાયસ્થ એવું મારું માનવું છે. સં. ૧૫૮૨માં ઉનામાં કાયસ્થ મટાનો જે લેખ કોતરાયો છે તેમાં પણ એ વલભીપુરને વાલ્મિક કાયસ્થોનું મૂળ ઉત્પત્તિસ્થાન ગણે છે. વલભીપુરમાં વાલ્મિક ઋષિએ એમને વસાવ્યા એવું એનું એટલે તે જમાનાના કાયસ્થોનું માનવું હતું. સોટ્ઠલ પણ વાલભ કાયસ્થો વલભીપુરમાંથી નીકળેલા માને છે એટલું જ નહીં પણ વલભીના મૈત્રક રાજા શિલાદિત્યના ભાઈ કલાદિત્યના વંશજ હોવાનું માને છે. ઈ. સ. આઠમા સૈકાના ઉત્તરાર્ધમાં વલભીના મૈત્રક વંશનો નાશ થયો હતો. સોટ્ઠલ ઈસવીસનના અગિયારમા શતકમાં થયો. પોતાના જમાનાથી આશરે ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયેલા રાજ્ય સાથે કાયસ્થોનો સંબંધ તે વખતના કાયસ્થોની સ્મૃતિમાંથી ભૂંસાયો નહીં હોય. વિ. સં. ૧૧૯૦માં માળવામાં વિજયપાલનો લેખ લખનાર આશાધર(એનો બાપ કેલ્હણ, એનો બાપ રાજપાલ) પોતાને માત્ર વાલભાન્વય કાયસ્થ તરીકે ઓળખાવે છે. સંવત ૧૨૬૨ના શ્રીમાલના લેખમાં વાલમ્યાન્વય યશોપાલનો ઉલ્લેખ છે. આમ જે વાલભ કાયસ્થ કહેવાતા તે કાળ વહેતાં વાલમ કાયસ્થ કહેવાવા લાગ્યા. પ્રભાસપાટણનો કાયસ્થ કવિ કેશવ હૃદેરામ સં. ૧૫૩૯માં લખાયેલા ભાગવતમાં પોતાને વાલભ કાયસ્થ કહે છે અને સંવત ૧૫૮૨નો ઉનાનો લેખ વાલમ અને વાલ્મિકનો સંબંધ બતાવે છે. વલભીપુરના મૂળ વતની કાયસ્થો કાળક્રમે વાલ્મિક કાયસ્થો કહેવાવા લાગ્યા. મારા ગોર પાસે વાલ્મિક પુરાણ હોવાનું મારા જાણવામાં આવ્યું છે પણ હજુ તે ગ્રંથ હું જોઈ શક્યો નથી. વલભીપુર, વાલ્મિક ઋષિ વગેરેના સંબંધથી જ્ઞાતિના નામની વ્યુત્પત્તિથી ત્રીજી જ વ્યુત્પત્તિ વાલ્મિક નામના દેશથી કરવાનો પ્રયત્ન પણ થયો છે. (જુઓ રા. સન્મુખરામનો લેખ). આ બધા ઉપરથી એટલું જ ફલિત થાય છે કે જે જે કાળમાં એ ગ્રંથો લખાયા તે તે કાળમાં કાયસ્થોનો પોતાની ઉત્પત્તિ વિશે જે મત હતો તે પેલા ગ્રંથોમાં અક્ષરબદ્ધ માત્ર થયો છે અને તેથી ઉત્પત્તિનું નિરાકરણ થતું નથી. જેમ મૂળ વસતિસ્થાન ભુલાયું અને નવી ઉત્પત્તિ શોધાઈ તેમ મોગલાઈ દરમ્યાન ઊંચા હોદ્દા મેળવતાં દિલ્હી તરફનો વસવાટ માનભર્યો ગણાતો હોવાથી સુરતના કાયસ્થો દિલ્હી તરફથી આવ્યાનું માનવા લાગ્યા હશે. પણ એ માનવાપણું ઇતિહાસે ખોટું પાડ્યું છે. બુદ્ધના સમયથી માંડી ઈ. સ.ના પંદરમા શતક લગી એટલે આશરે ૨૦૦૦ વર્ષના શિલાલેખ અને તામ્રલેખો અવારનવાર મેં જોયા છે. તેમાં અનેક સ્થળે વાસ્તવ્ય, નૈગમ, માથુર અને ગૌડ કાયસ્થોનાં નામ આવે છે પણ વાલ્મિક કાયસ્થનું નામ બે ત્રણ સ્થળ – અને તે પણ ગુજરાતના અથવા ગુજરાતની સરહદના સ્થળ – સિવાય કાંઈ જણાયું નથી. ગુજરાત બહાર એમની વસ્તી વિસ્તારમાં હોવાનો પુરાવો મળતો નથી. આપણે મૂળથી જ ગુજરાતના છીએ. પાટણના સોલંકીઓના અને વસ્તુપાલ તેજપાલના લેખોમાં કાયસ્થ વટેશ્વર અને જૈત્રસિંહ ધ્રુવનાં નામ આવે છે પણ તે વાલ્મિક કે બીજા કાયસ્થ હશે તેનો નિર્ણય થઈ શકતો નથી. કાયસ્થો સુરત તરફ ઘણા જૂના વખતથી આવેલા અને ધ્રુવ(દરૂ)ની નોકરી કરતા એ સોટ્ઠલના વૃત્તાંત પરથી જણાય છે. સોટ્ઠલે ઉદયસુંદરી જેવી કથા સંસ્કૃતમાં લખી અને કેશવરામે ભાગવતનો ગુજરાતીમાં સારો તરજુમો કર્યો એ ઉપરથી કાયસ્થો સંસ્કૃતનો સારો અભ્યાસ કરતા એવું પ્રતીત થાય છે. આજના કાયસ્થોએ પાછો એવો જ સારો અભ્યાસ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.
રા. ચિમનલાલના રિપોર્ટમાં સોટ્ઠલની પૂર્વે કાયસ્થ ભીમ કવિનો નિર્દેશ છે. બંગાળાના પાલવંશના યુવરાજની આજ્ઞાથી અભિનન્દ કવિએ રામચરિત લખેલું અને તેના છેલ્લા ચાર સર્ગો (૩૭–૪૦) કાયસ્થ ભીમની કૃતિ છે. બંગાળી રાજાના આશ્રયથી લખાયેલા કાવ્યની સંપૂર્તિ બંગાળી કાયસ્થે કરી હશે એમ મારું માનવું છે. બંગાળમાં કાયસ્થોની વસ્તી છે. ગુજરાતના વાલ્મિક કાયસ્થ કરતાં સંખ્યામાં, વિદ્યામાં, સત્તામાં તેઓ અનેક રીતે ચડિયાતા છે એટલે ભીમ બંગાળી કાયસ્થ હોવાનો સંભવ છે. વાસ્તવ્ય, માથુર, નૈગમ, ગૌડ અને વાલભ કાયસ્થો પોતાનાં તડનો નિર્દેશ કર્યા વિના રહેતા નથી. તેમ વાલ્મિક કાયસ્થો બંગાળમાં ગયાનો જ્યાં લગી પુરાવો હાથ નથી લાગ્યો ત્યાં લગી ભીમ કવિને વાલ્મિક કાયસ્થ હું ગણી શકતો નથી. ભીમે માત્ર પોતાને કાયસ્થ તરીકે જ ઓળખાવ્યો છે. પોતાનું તડ નથી જણાવ્યું એટલે એને આપણા તડમાં લેવાનો હાલનો પુરાવો નથી.
પૂણા. ૧૭-૦૮-૧૫