રણજિતરામ ગદ્યસંચય – ૨/બેસતા વર્ષે સ્ત્રીમંડળના સભાસદોને

From Ekatra Foundation
Revision as of 01:46, 9 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બેસતા વર્ષે સ્ત્રીમંડળના સભાસદોને

ગુજરાતની શક્તિઓ!

ગુજરાત અને ગુજરાતીઓ એટલે? જેઓ જન્મથી ગુજરાતી ભાષા બોલે છે તેઓ ગુજરાતી છે. જે દેશમાં ગુજરાતી ભાષા વાપરનારા લોકો વસે છે તે દેશ ગુજરાત છે, અને તેના વતનીઓ ગુજરાતીઓ છે. તેમનાં આચારવિચાર, રહેણીકરણી, ખોરાક, પહેરવેશ. વગેરે પરથી પણ તેઓ એક દેશના વતની છે એવું જણાઈ આવે છે. આમ ભાષા, વતન અને રિવાજ એક હોવાથી આપણે ગુજરાતીઓ એક કુટુંબનાં હોઈએ એવું લાગે છે. ગુજરાતમાં કે ગુજરાત બહાર જ્યાં જ્યાં આપણે જઈ વસીએ છીએ ત્યાં ત્યાં આપણો દેશ ગુજરાત છે અને આપણે ગુજરાતીઓ છીએ એવી લાગણી આપણને થવી જોઈએ; કારણ કે આપણે એક જ ભાષા વાપરીએ છીએ; એક જ જાતના રિવાજ પાળીએ છીએ અને આપણી સૌની જન્મભૂમિ એક જ છે,— પછી ભલેને આપણે પુરુષ હોઈએ, સ્ત્રી હોઈએ કે બાળક હોઈએ, હિન્દુ હોઈએ કે જૈન, મુસલમાન હોઈએ કે પારસી, બ્રાહ્મણ, વાણિયા, કણબી, રજપૂત, વોરા કે ખોજા ગમે તે હોઈએ. જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ એક કુટુંબનાં છે એવી લાગણીનો સૌને અનુભવ થવો જોઈએ. તમને એ અનુભવ ન થયો હોય તો આજના મંગલ દિનથી એ લાગણી તમારા દિલમાં જગાવો. તમે પણ ગુજરાતની પુત્રીઓ છો, ગુજરાત તમારી જન્મભૂમિ છે. જે માબાપ જન્મ આપે તેમની, તેમના કુળની, તેમની નાતની આબરુ તમારાથી વધે તો તમારું જીવતર લેખે ગણાતું, પણ હવે સાથે સાથે જે દેશમાં તમારો જન્મ થયો હોય તેની આબરુ વધારવાનો ધર્મ પણ ઉત્પન્ન થયો છે. તમારા જન્મપૂર્વે તમારા દેશની–તમારા ગુજરાતની જેવી સ્થિતિ હતી તેવી ને તેવી જ સ્થિતિ તમારા દેહ પડ્યા પછી પણ રહે તો તમારો ભવ એળે ગયો છે. આ ભવમાં સારાં કર્મો કરવાથી આવતો ભવ સારો મળતો હોય તો દેશની આંતરડી ઠારવાનાં, દેશની હાલત સુધારવાનાં, દેશને વધારે સુખી, ઉદાર, સબળ અને તવંગર કરવાનાં સુકૃત્યો તમારો આવતો જન્મ જરૂર સુધાર્યા વિના રહેશે નહીં. આથી વિપરીત તમારાં કર્મ હશે તો દેહ પડ્યા પછી દુઃખ પણ તમારે સહેવું પડશે. આપણા દેશની બૂરી હાલત કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કોઈ પણ દાનથી, વ્રતથી કે ભક્તિથી થઈ શકતું નથી. એ જ દેશમાં જન્મ મેળવી તેની સેવા કરવાથી જ પાપમાંથી મુક્તિ મળે છે. દેશસેવા એ કળિયુગનો મોટામાં મોટો ધર્મ છે. એ ધર્મ પાળતાં થયેલી ચૂકની સજા ભયંકર છે એટલે એ ધર્મ યથાર્થ સમજવા, સમજી બરાબર પાળવાનો સંકલ્પ આજના મંગળ દિવસે કરો અને સંકલ્પ પાર પાડવા તમારી સર્વે શક્તિઓ વાપરો. જન્મભૂમિની સેવા કરવી એ મનુષ્યમાત્રનો ધર્મ છે એટલું જાણવાથી સેવા થઈ શકતી નથી. તેને માટે શક્તિ, આવડત અને સાધનો જોઈએ છે. તમારામાં શક્તિ છે તેને કેળવો, ઉપયોગમાં લો એટલે આવડત આવશે. પછી શક્તિ અને આવડત દેશસેવાનાં માર્ગ અને સાધન પોતાની મેળે મેળવી લેશે. પણ તમારામાં શક્તિ છે એની ખાતરી શી? પ્રસંગ સાધી એકાદ મનોરથ પાર પાડો એટલે અનુભવ થશે કે કેવી શક્તિ તમારામાં છે. એક સુશિક્ષિત સન્નારીને શોભે એવા ઉત્સાહથી ગં. સ્વ. જમનાબહેન સક્કઈએ આપણા સાર્વજનિક જીવનમાં ભાગ લેવા માંડ્યો ત્યારે પ્રતીત થયું કે ગુજરાતી સ્ત્રીઓ પણ આવાં કાર્યોમાં આગેવાની લઈ શકે છે. ગોંડળેશ્વરી સૌ. નંદકુંવરબાએ ઓઝલનો ત્યાગ કર્યો ત્યારે આ જમાનાની રજપૂતાણીના મનોબળનો સૌને અનુભવ થયો. સૌ. વિદ્યા અને સૌ. શારદા બી. એ. થયાં ત્યારે યુનિવર્સિટીની ઊંચી પરીક્ષાઓ પાસ કરવાની તમારી શક્તિઓ જણાઈ. ગં. સ્વ. શિવગૌરી ગજ્જરે, ગં. સ્વ. બાજીગૌરી મુનશીએ અને ગં. સ્વ. સુલોચનાબહેને વનિતાવિશ્રામની સ્થાપના કરી ત્યારે જ જણાયું કે ગુજરાતની સ્ત્રીઓ પોતાની બહેનોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરી શકે છે. સૌ. સુમતિ, સૌ. વિજયાગૌરી, સૌ. હરિસુખગૌરીએ કાવ્યો, વાર્તાઓ, નાટકો, નિબંધો, લખી સાક્ષરવિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી ત્યારે, ‘સુન્દરીસુબોધ’ના ખાસ સ્ત્રીઅંકો પ્રગટ થવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ થયું કે ગુજરાતની સ્ત્રીઓ પણ વિદ્યાવતી અને સંસ્કારી છે. દુકાળમાં અનાથોને મદદ કરવા ગં. સ્વ. જમનાબહેન અને ગં. સ્વ. શિવગૌરી ગજ્જર ફર્યાં ત્યારે, અનાથ વિધવાઓનાં દુઃખ કમી કરવા પચાસ હજાર રૂપિયાની બાદશાહી રકમ ગં. સ્વ. ઝવેરબાઈએ આપી ત્યારે, ગુજરાતી સ્ત્રીઓ કેવી દયાળુ અને પરગજુ છે તેનો તમને ખ્યાલ થયો. આવા આવા અનેક દાખલા આપી તમારામાં દબાઈ રહેલી શક્તિઓનો તમને અનુભવ કરાવી શકાય. શક્તિઓ છે એટલું સાબિત થયું તેથી દેશસેવા થઈ જતી નથી. શક્તિઓ કેળવી, પ્રસંગો ઊભા કરી તેમનો ઉપયોગ કરી, શુભ ફળ ન નીપજે ત્યાં લગી શક્તિ હોય કે ન હોય એ સરખું જ છે. શક્તિઓ એટલે? આપણા શરીર વડે સંસારનાં અનેક કામો આપણે કરીએ છીએ. પણ એ કામો શરીર જ નથી કરતું. શરીરમાં રહેલો આત્મા એ કામ કરે છે. શરીરની ઇંદ્રિયો દ્વારા એને સંસારનું જ્ઞાન થાય છે. પોતાની વિવેકબુદ્ધિથી જ્ઞાનની સારાસારતા તે તપાસે છે અને સંકલ્પબળથી જે સારું લાગે છે તેને તે આચરણમાં મૂકે છે. માણસની સંસારયાત્રા સુખી કે દુઃખી કરનાર આ ત્રણ શક્તિઓ છે. વિવિધ સ્વરૂપમાં એઓ પ્રગટ થાય છે. જેમની આ શક્તિઓ કેળવાયેલી વિશુદ્ધ અને બળવાળી હશે તેઓ જાતે સુખી થઈ બીજાને સુખી કરી શકશે. એથી વિપરીત હશે તો પોતાની સાથે બીજાને પણ દુઃખી કરશે. ગુજરાતની સ્થિતિ સુધારવા આ ત્રણે શક્તિઓનો કેવી રીતે તમે ઉપયોગ કરી શકો એ પ્રશ્ન આજના પર્વને દિવસે આપણે વિચારવાનો છે. મનુષ્યમાત્રમાં એ શક્તિઓ હોવાથી તમારામાં પણ એ છે. પણ બાળકની અને વૃદ્ધની એ શક્તિઓના સ્વરૂપમાં ફેર પડે છે. અનુભવ અને વપરાશથી વૃદ્ધોની શક્તિઓમાં બાળકની શક્તિઓ કરતાં આસમાનજમીનનો ફેર પડી જાય છે. તમારી શક્તિઓ પણ અનુભવ અને વપરાશ પ્રમાણે વિકાસ કે સંકોચ પામે છે. પણ તમારા અનુભવ ઓછા અને સાધારણ છે કારણ કે શક્તિઓ વાપરવાના પ્રસંગો અને પ્રદેશો પણ તમારે માટે મર્યાદિત છે. એ પ્રસંગો અને પ્રદેશો વધારવા તે તમારું અને તમારા પુરુષસંબંધીઓનું કર્તવ્ય છે. તમે શહેર બહાર ગયાં હો ત્યારે ચારે તરફ નજર નાંખો તો દૂર દૂર આકાશ અને જમીન ભળી જતાં લાગશે. જ્યાં આ પ્રમાણે થતું દેખાય છે તેને ક્ષિતિજ કહે છે. હવે જો તમે ટેકરા પર ચડશો તોપણ ક્ષિતિજ તમારી નજરે પડશે; છતાં નીચેથી અને ડુંગરા ઉપરથી નજર નાખતાં તમારી અને ક્ષિતિજ વચ્ચેની જમીનના વિસ્તારની વધઘટ જણાશે. નીચેથી જોતાં જેટલો વિસ્તાર જોયો હતો તેથી વધારે વિસ્તાર ઉપરથી જોતાં લાગશે. જેમ જેમ ઊંચા ચડશો તેમ તેમ એ વિસ્તાર વધશે. વાયુરથમાં બેસી ઊડશો તો તેથી પણ વિસ્તાર ઘણો જ વધી જશે. જેમ જેમ તમારી શક્તિઓ ઊંચી થશે તેમ તેમ તમારા પ્રસંગો અને પ્રદેશોનો વિસ્તાર પણ વિસ્તરશે. ઊડશો તો દુનિયા આખી તમારી છે. તમારી શક્તિઓ ખીલવવા તમારે કેળવણીની જરૂર છે,—માત્ર ભણતર નહીં પણ કેળવણીની જરૂર છે. સંસારના જે જે બનાવો તમે તમારી ઇંદ્રિયોથી જાણો છો તે કેળવણીથી વધારે સારી રીતે જાણી શકશો. સારાસારનો વિવેક વધારે સારો કરી શકશો અને સારાં આચરણથી ઇચ્છાવૃત્તિ પણ મજબૂત થશે. કેળવાશો તો જ સંસારનું જે જ્ઞાન મનુષ્યે અનુભવથી આજ લગી મેળવ્યું છે તે તમને પ્રાપ્ત થશે. તમારા પુરુષસંબંધીઓ અને તમારી વચ્ચે જે અત્યારે અંતર છે તે ત્યારે જ નાશ પામશે. તમારા અને તેમના વિચારો સરખા થશે અને વિચારો સરખા થવાથી આચાર સરખા થશે. તેમની પ્રગતિના માર્ગમાં તમે અત્યારે વિઘ્નરૂપ છો તેને બદલે વેગ આપનાર થશો. તેમની અભિલાષાઓ નિષ્ફળ નીવડવાનો કે સ્તબ્ધ રહેવાનો અપજશ તમારે માથે ઓઢાડાય છે તેને ઠેકાણે એ અભિલાષાઓ સતેજ કરી તમે મૂર્ત કરાવશો. કવિ નાનાલાલના ‘ચેતન’ કાવ્યની નાયિકા પેઠે તમારામાં સાધનસામગ્રીની ન્યૂનતા છે એવો વિલાપ કરશો નહીં તેમ એ જ કવિની ‘સાગરને યાચના’ કાવ્યની નાયિકા પેઠે પુરુષની પ્રગતિ જોઈ સંતોષ પામશો નહીં; પણ ‘સ્નેહમુદ્રા’ની નાયિકા પેઠે પુરુષોને તેમના ધર્મોનું ઉદ્બોધન કરી કર્તવ્યમાં પ્રેરજો અને તે ઉપરાંત તમેય તેમાં સામેલ થજો અને વખત આવ્યે એકલે હાથે તમારા મનુષ્યધર્મો બજાવવા કેડ કસજો. અજ્ઞાન અને અણકેળવાયેલી સ્ત્રીઓ દેશને ભારરૂપ છે, – કુટુંબોમાં ફેલાતા પ્રકાશનું ‘ઘરણ’ કરનારી છે, – પુરુષોની પાંખો કાપનારી છે. એનું તમને ભાન થશે ત્યારે ગુજરાતની એક પણ સ્ત્રી અજ્ઞાની કે અણકેળવાયેલી રહેશે નહીં. જમાનો એવો આવ્યો છે કે કમાવાને માટે પણ ભણવું પડશે. કદાચ કમાવાની સર્વેને જરૂર ન પડે તોપણ છોકરાં ઊછેરવા અને કેળવવામાં કેળવણીની ખાસ જરૂર પડવાની. નિર્વાહનાં સાધન મેળવવાના વ્યવસાયમાં પુરુષો એટલા બધા લીન થતા જવાના કે કુટુંબની વ્યવસ્થા કે છોકરાંઓની કેળવણી પર તેઓ ધ્યાન નહીં આપી શકે. બજારમાંથી ઘરની વપરાશ માટે જોઈતી ચીજો નવરાશને અભાવે પુરુષો નથી લાવી શકતા તો તે મંગાવી અથવા લાવી તમે ઘરની તજવીજ સાચવો છો. તમારાં છોકરાંઓના શિક્ષણ પર તેમના પિતા નજર નહીં રાખી શકે તો તમારે રાખવી પડશે. છોકરાં સારાં નીવડે તો તમારી કીર્તિ જગમાં પ્રસરશે, તેમ નઠારાં નીવડશે તો કૂખ પણ તમારી લજવાશે. નવ માસ ઉદરમાં સંતાનને રાખવાથી જ માનો ધર્મ પૂરો થતો નથી પણ તેના દેહ અને શક્તિઓ કેળવી ગુજરાતની સ્થિતિ સુધારો એવી તજવીજ કરો ત્યારે જ એ ધર્મ ખરેખરો બજાવ્યો ગણાય. ગુજરાત આપણી સર્વેની જન્મભૂમિ છે, માતા છે. જન્મ આપ્યા પછી પણ મૃત્યુ લગી અનેક રીતે એ આપણને પોષે છે,—રંજન પમાડે છે તેમ તમારે પણ તમારે પેટ અવતરેલાં સંતાનોને કેળવવાનાં છે. તમારાં સંતાનો નઠારાં, નિર્માલ્ય નીવડશે તો ભાર તમારા દેશને અને તમારે માથે છે. તેમનાથી દેશ દુઃખી, અધમ થાય તો તમારી પણ એવી જ દશા થવાની. છોકરાંઓ અને તમારી કેળવણીમાં ફેર હશે તો તમારાથી જ્ઞાન, અનુભવ અને ચારિત્ર્યમાં આગળ વધતાં છોકરાંઓ તમારી આમન્યા રાખશે નહીં, તમારા સ્નેહની પરવા કરશે નહીં. આમ થાય તો તમારા કુટુમ્બમાં સુખ રહેશે? તમારું જીવતર સુખી રહી શકશે? તમારી ઇચ્છા હો કે ન હો – તમારી પાસે સાધન હો કે ન હો, પણ હાલના જમાનામાં બળો એવાં છે કે તમારાં છોકરાંને તમારે ભણાવવાં અને કેળવવાં પડશે. આવી સ્થિતિમાં તમારી અને એમની વચ્ચે અંતર ન રહે; કુટુંબના સ્નેહની પરવા ન રાખવાથી તેઓ ખરાબ રસ્તે જઈ કુળની લાજ ગુમાવે નહીં અને દેશની આશા ધૂળધાણી કરે નહીં માટે તમારે ભણવું પડશે અને કેળવણી લેવી પડશે. કેળવાયેલી સ્ત્રીઓ જ માત્ર એમના પતિની સખી થઈ શકે છે; અભણ સ્ત્રી ગમે તેટલી પતિવ્રતા હોય પણ તે એના પતિની દાસી છે,—તેની અર્ધાંગના કે તેનું બીજું હૃદય નથી. તેના ઘરમાં તમે કરતાકરાવતા થશો; તેના ખજાનાની ચાવી તમારી પાસે રહેશે, તેના વૈભવની મોજ તમે ચાખશે, પણ તેના જીવનના ગૂઢ મંદિરમાં તમારો પ્રવેશ નહીં થાય. વર્ષો સુધી સાથે સુખદુઃખ ભોગવ્યા છતાં ત્યાં તમે પરાયાં થવાનાં. તમારી બેપરવાઈ, જીદ, પ્રમાદ, સંકલ્પશક્તિની નબળાઈથી કેટલા ઊંચે ઊડતા પુરુષોની પાંખો તમે કાપી નાંખી છે? કેટલાના હૃદયમાં શુભ વાંછનાઓને જન્મતાં જ તમે દૂધપીતી કરી દીધી છે? કેટલાના જીવનમાં નિરંતર હોળી સળગાવી છે? કેટલાને નિરાશાને લીધે અધમ જિંદગી ગાળતા કર્યા છે? પતિ મરી જાય તો તેની ચિતામાં તમે બળી શકતાં. આજે દયાળુ અંગ્રેજ સરકાર તમને સતી થવા નથી દેતા ત્યારે તમે ઝૂરી ઝૂરીને પ્રાણત્યાગ કરી શકો છો. નસીબ વાંકું થાય છે ત્યારે પતિની સાથે ઝૂંપડામાં મહેલની મજા માણી શકો છો, તેને સુખે સુખી અને દુઃખે દુઃખી થઈ શકો છો, છતાં તમારા ભણેલા કેળવાયેલા પતિની ભણેલી કેળવાયેલી સખીઓ થવા તમે કેમ કાંઈ કરતાં નથી? તમારા પુરુષસંબંધીઓ તમારી તીવ્ર વાંછના છતાં તમને ભણવા અનુકૂળતા કરી નથી આપતા? એવું કાંઈક છે ખરું, પણ વાંક તમારોય નથી? જોઈએ એવાં ઘરેણાં અને કપડાં તમે કેમ એમની પાસેથી લઈ શકો છો? તમને ફાવે તે પોતાનાં, જાતનાં, તરેહનાં, ફેશનનાં ઘરેણાં, કપડાં—તમારા ધણીનું ગજું હોય કે ન હોય તોપણ તમે જીદ કરી, યુક્તિ રચી, દેવું કરી-કરાવી તે પહેરવા ઓઢવાનો લહાવો લઈ શકો છો તો કેળવાયેલા પુરુષોનું કેળવણી ફેલાવવાનું ગજું સારી પેઠે હોવા છતાં તેમની પાસેથી તમે કેળવણી કેમં નથી લેતાં? તમારા ધણીનો પૈસો વાપરવામાં તમને જેવી લહેજત પડે છે તેમ તેની વિદ્યા વાપરવામાં કેમ નથી પડતી? તમને કેળવવાને તમારા ધણીને ફુરસદ ન હોય તો તમને જોઈતી કેળવણી મળે એવી સંસ્થાઓ કાઢો. સંસ્થા ચલાવવા પૂરતું દ્રવ્ય ન હોય તો જેને આવડત હોય તેણે પોતાની અભણ બહેનોને ભણાવવા જવું. તમે એકબીજાને ત્યાં સારે માઠે પ્રસંગે જઈ શકો છો, વખત ગાળવા જઈ શકો છો, રસોઈની નવી વાની કરવાનું કે કોઈની તરેહ ભરવાનું શીખવા જઈ શકો છો, તો ભણવા ન જઈ શકો? ટીપે ટીપે સરોવર ભરાય. ધીમે ધીમે ભણવા માંડશો તો જોતજોતામાં તમે વિદ્વાન થઈ જશો. જો રટણ એનું હશે તો વિદ્યા પ્રાપ્ત કરવાના નાના મોટા પ્રસંગો હંમેશ મળ્યા કરશે. આટલું છતાંયે તમને ભણવાની સગવડ ન મળે તો તમને ભણાવી શકે એવી પગારદાર શિક્ષિકાયે રાખો. પગાર ક્યાંથી આપવો? આળસુ, બેવકૂફ, અજ્ઞાન, અધમ બ્રાહ્મણોને રોજ તમે જેટલું દાન કરો છો તે આપવું બંધ કરો અને તે એકઠું કરી પગાર આપો. એવા બ્રાહ્મણોને દાન આપવાથી તમે તેમને વધારે નઠોર અને ખરાબ બનાવો છો અને પાપમાં પડો છો. દાન આપવાથી પુણ્ય મળવાની વાત કોરે રહી જાય અને પાપ થાય છે તે વધારામાં. કેળવણી લેવામાં એ દ્રવ્યાદિ વાપરશો તો તમારી નીતિ સુધરશે, તમારું જીવતર સારું થશે, હરામના મલીદા મળતા બંધ થવાથી બ્રાહ્મણો ઉદ્યમે લાગી ખરા પરસેવાની મજૂરી મેળવી સુખી થશે અને સરવાળે ગુજરાત દેશ સુખી, કેળવાયેલો અને તવંગર થશે. પણ દાનમાં અપાતી રકમ પૂરતી ન નીવડે તો? તમારા શોખ કમી કરો; તમારી હાજતો કમી કરો અને એ રીતની કરકસરથી જે ભેગું થઈ શકે તેટલું ભેગું કરી વાપરો. છેવટે કાંઈ ન થઈ શકે તો તમારું પલ્લું વાપરો. ગં. સ્વ. શિવગૌરી ગજ્જરે અને ગં સ્વ. બાજીગૌરી મુનશીએ શું કર્યું છે? વનિતાવિશ્રામની સ્થાપના પોતાનાં પલ્લાંથી કરી છે. બીજાના ઉદ્ધાર માટે આ બે વિધવાઓ આવો ત્યાગ કરી શકે—આવું દાન કરી શકે તો તમારા પોતાના ઉદ્ધારને માટે, તમારા પતિ અને સંતાનોના સુખને માટે, તમારા ગુજરાતની ઉન્નતિ માટે તમે થોડોઘણો પણ ત્યાગ નહિ કરી શકો? અમુક ન ખાવું કે ન ઓઢવું એવી બાધા આખડી લો છો તેને બદલે આજના શુભ મંગળ દિને વ્રત લો કે જ્યાં લગી અમે કેળવાઈશું નહીં અને અમારી અજ્ઞાન બહેનોને કેળવીશું નહીં ત્યાં લગી અમારે ફલાણું ફલાણું વર્જ્ય છે. ક્યાં લગી તમારે બીજાની ખાંધે ચડી મહાલવું છે? ક્યારે તમારા પોતાના પગે દોડવું છે? હવે તમે ઘરના પાંજરામાં પુરાયેલાં પંખીઓ નથી. તમે બહાર મહાલો છો. અમારી સાથે અમારા મોજશોખ, અમારી સાર્વજનિક સેવાઓમાં તમે સામેલ થાઓ છો. કોઈક કોઈક વાર એકલે હાથે પણ તમે સાર્વજનિક સેવા ઉપાડો છો. દાદાભાઈ નવરોજીની જયંતી આજ કેટલાં વર્ષો થયાં તમે જ ઊજવો છો ને? પણ જે કાર્યને માટે તમે એમનાં ઓશીંગણ છો તે કાર્યને, સ્ત્રીકેળવણીના કાર્યને, તમારી જાત માટે અને તમારી દેશબહેનોને માટે કેટલું વધાર્યું? એવો સવાલ દરેક જયંતીને દિવસે પૂછો છો? સ્ત્રીઓ કેળવાય એ ઘણી મોટી દેશસેવા છે, સ્ત્રીઓ કેળવાયેલી હશે તો તેમની સંતતિ કેળવાયેલી થવાની એ નિઃસંશય અને સ્વાભાવિક છે. પુરુષોને પણ, તેથી, વધારે કેળવાયેલા થવાની જરૂર પડશે. કેળવાયેલી સ્ત્રી માત્ર તેમની આજ્ઞાધારક પત્ની નહીં થાય પણ તેમના સંસારની ખરેખરી સહચરી અને સહધર્મચારિણી થશે. જો પુરુષોની કેળવણી અધૂરી હશે તો તેમનો સંસાર દુઃખી થશે અને દુઃખ કોઈને જોઈતું નથી એટલે તેઓ પણ ભણશે. આવો શુભ દિન જ્યારે આવશે ત્યારે ગુજરાતનાં ભાગ્ય ઝળહળ પ્રકાશ્યા વગર નહીં રહે. કેળવણીથી તેનાં સંતાનોનું ચારિત્ર્યબળ ખીલશે અને જ્ઞાનબળ વધશે. આ બે જ્યાં હોય ત્યાં પ્રગતિ અવશ્ય થાય છે. તમે કેળવાશો તો આમ સીધી તથા આડકતરી રીતે તમારાં સગાંઓને, નાતીલાઓને, દેશજનોને અને મનુષ્યોને ઉન્નત થવા પ્રેરશો. કેળવણીની જરૂરિયાત વિશે આપણે આજે વિચાર કર્યો. પણ કેળવણી અને ભણતરમાં શો ફેર? ભણતર એટલે મગજમાં જ્ઞાનની વિગતો ભરવી તે; બેચાર ભાષાઓ ઉકેલતાં આવડે તે. તમારી બુદ્ધિ, લાગણીઓ, કલ્પનાશક્તિ વિકાસ પામી તમને સુખી કરી શકે નહીં;—જે સ્થિતિમાં પડ્યાં હો ત્યાંથી સારી સ્થિતિમાં જવાની તીવ્ર ઉત્કંઠા તમને થાય નહીં ત્યાં લગી તમે કેળવાયાં નથી. સારી સ્થિતિ એટલે માત્ર દ્રવ્યથી પ્રાપ્ત થતી સારી સ્થિતિ નહીં, પરંતુ વિદ્યાથી, નીતિથી, ધર્મથી, પ્રાપ્ત થતી સારી સ્થિતિ. લક્ષ્મી ચંચળ છે છતાં આ સર્વેની દાસી છે. વપરાશથી લક્ષ્મી ખૂટવાની દહેશત રહે છે; વપરાશથી વિદ્યા, નીતિ, ધર્મ, સેવા વધારે ને વધારે વૃદ્ધિ પામે છે. આ વપરાશ યોગ્ય અને લાભદાયક થાય માટે તમારી સંસ્કારિતા અને ચારિત્ર્યબળ ખીલવાં જોઈએ. જ્યાં લગી જ્ઞાન પર પ્રીતિ થઈ નથી, વસ્તુમાત્રનો સંદર્ભ જાણવાની જિજ્ઞાસા તરવર તરવર થઈ નથી, નવી હકીકત અને નવા વિચારો સમજી આપણી જિંદગીમાં એકરસ કરવાની ટેવ પડી નથી, આપણા વિચારો અને આચારોમાં તેમને ભેળવી તે આપણાં જ હોય એવું કરવાની ટેવ પડી નથી, ટેવ પાડવાનો અભ્યાસ નથી, ટેવ પાડવામાં આપણી જાગતીજોત અને ચપળ બુદ્ધિ વપરાઈ નથી અને વપરાતાં નિરંતર ખીલી નથી ત્યાં લગી આપણામાં સંસ્કારિતા નથી. માત્ર ભણતરથી એ સંપાદન કરી શકાતી નથી. મન આ રસ્તે વાળવું, ઇંદ્રિયોથી મળતા અનુભવોનું વિશોધન કરવું અને જગતમાં વસી રહેલી સુંદરતાના સર્વે જુદા જુદા આવિર્ભાવ ગ્રહણ કરે એવી રીતે રસવૃત્તિ ખીલવવી અને કેળવવી એ સર્વે ભણતરની સાથે અભ્યાસથી થઈ શકે છે. જેઓ આવી રીતે સંસ્કારી હોય તેમની બુદ્ધિ અને હૃદય અને તમારાં બુદ્ધિહૃદય કોઈ પણ પ્રકારના અંતરાય વિના મિત્ર થઈ શકે તો તેમના સંસ્કાર તમારા સંસ્કાર જાગૃત કરી ખીલવશે. તમારા પુરુષસંબંધીઓનાં અને તમારાં બુદ્ધિહૃદયની વચ્ચે તમારી કેળવણીની ખામી અને ગેરહાજરીને લીધે જે તફાવત છે,—તમારી બુદ્ધિ પાનીએ હોવાનું મહેણું જ્યાં લગી તમારે સાંભળવું પડે છે ત્યાં લગી એ મૈત્રી નહીં થાય અને એ મૈત્રી વગર તમારા સંસ્કારનો લહાવો માણી શકશો નહીં, તેમ તમારી સાથે પોતાના સંસ્કારો માણવાના પ્રસંગ ન આવવાથી પુરુષોના સંસ્કારો કટાઈ જશે અને પરિણામે આપણો દેશ સંસ્કારહીન થઈ બીજા દેશોની પંક્તિમાં પોતાની આબરુ ગુમાવશે. પણ તમે કેળવાશો, તમારા સંસ્કારો કેળવશો તો તમે અને તમારો દેશ સર્વત્ર માન અને પ્રતિષ્ઠા પામશો. તમારા સંસ્કારોનો આવિર્ભાવ ગુજરાતના જીવનમાં થવા માંડે તો કેવા કેવા પ્રસંગો નીપજે એનું પણ આજે સ્વપ્ન કલ્પવું ઘટે છે. પ્રથમ તો તમારી ઈન્દ્રિયો અને તેમને લીધે સતેજ થતી રસવૃત્તિઓ વિશુદ્ધ, પવિત્ર, ગંભીર, થશે. વિશ્વની ખૂબીઓ તમે જોઈ શકશો. સુંદર, નીતિમાન વસ્તુઓ જોઈ તેવાં થવા ઉત્સુક થશો. અસુંદર કે અનીતિમાન વસ્તુઓનો તમને કંટાળો અને તિરસ્કાર છૂટશે. તમારી રહેણીકરણી, રીતભાત બધું બદલાઈ જશે. તમારા પોતામાં વધારે સુંદરતા, કોમળતા, વિશુદ્ધિ, અમીરાઈ, મધુરતા, સાધુતા, દયા, કરુણા આવી વસશે. જિંદગીમાં રસ, હોંશ, ઊમળકો આવશે. માણસની ખરેખરી સંસ્કારિતા એના વર્તન પરથી જણાઈ આવે છે. અંતરાત્મા સંસ્કારી હોય તો જ વર્તન ઉદાર, મીઠું, સભ્ય અને પ્રતાપી હોય છે. ગુજરાતમાં આવાં સ્ત્રીપુરુષો વસે એ એનું ધન્ય ભાગ્ય જ ને? જ્ઞાન પરની પ્રીતિને લીધે જ્ઞાનનો પ્રસાર ગુજરાતમાં થશે. અજ્ઞાનનું અંધારું નાશ પામશે. જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સ્થળો, સાધનો જન્મ પામશે. જ્ઞાનથી ગુજરાતને સુખી કરવા નાનાવિધના ઉપાયો કેટલાંક સ્ત્રીપુરુષો રચશે. જ્ઞાનની સેવામાં જ અહોરાત્ર રહેશે કારણ કે જ્ઞાન વગર બળ નથી, ઉદય સુખ નથી. એમનું જ્ઞાન ગુજરાતને ગૌરવ અપાવશે, દુનિયામાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારશે અને ગુજરાત દ્વારા મનુષ્યોની સેવા અધિક કરાવશે. આ બધું કરવામાં તમે નિમિત્ત થાઓ. જ્ઞાનથી વિમુખ ન થાઓ. આજે તમે અજ્ઞાન, વહેમ, દુઃખ, અશક્તિ વગેરેનાં આશ્રયસ્થાન છો. આપણા સંસારમાં જેટલા દોષ હોય તે તમારે લીધે નાશ પામતા નથી એવી તમારી આબરૂ છે. આ અપવાદ નાશ પામો અને તમે જ્ઞાન, બુદ્ધિ, સુખ, શક્તિ, પ્રકાશ, સુંદરતા, મધુરતા આદિના પ્રવાહ બનો અને ગુજરાતની વાડીને વધારે ને વધારે ફળદ્રુપ બનાવો. સેવાનિષ્ઠ જીવનમાં થોડા વિલાસો ન હોય તો જીવતર કડવું લાગે છે. પરમેશ્વરે જે જે શક્તિઓ આપી છે તેમના દુરુપયોગમાં દુઃખ છે, તેમ તેમના અનુપયોગમાં પણ દુઃખ છે. તેમનો સદુપયોગ કરવામાં ધર્મ છે અને ધર્મ ત્યાં સુખ, શાન્તિ, ગતિ છે. સુંદરતા નિહાળવી, ઉત્પન્ન કરવી અને માણવી એ જેમ વિલાસ છે તેમ સંસ્કારિતાના અંશ છે. ગુજરાતની સ્ત્રીઓનાં શરીર સુંદર, હૃષ્ટપુષ્ટ અને પ્રતાપી થાય એ વિલાસ છતાં કર્તવ્ય છે. તમે એવાં હશો તો તમારી સંતતિ એવી થશે. અત્યારે પંદર અને વીસ વર્ષની અંદર ઊગતી જુવાનીમાં જે યુવતીઓ મૃત્યુ પામે છે તેઓ યમના પાર્ષદોને પાછા કાઢી સંસારનો મનમાનતો લહાવો લેશે, જે બાળકો પાંચસાત વર્ષની ટૂંકી સંસારયાત્રા કરી માબાપને રોતાં મૂકી ચાલ્યાં જાય છે તે લાંબું આયુષ્ય ગાળશે અને તમારી પાસે કેળવાઈ ગુજરાતનું નામ દીપાવશે. શરીરે સુખી તો સુખી સર્વે વાતે. જ્ઞાન, કેળવણી માટે જેટલી મહેનત કરો તેટલી જ શરીર મજબૂત, કસાયેલું, નિરોગી, દેખાવડું કરવા પણ લેજો. સુંદરતા પારખતાં આવડી – અસુંદરતા અનીતિ જેવી ખૂંચવા માંડી એટલે તમારા પહેરવેશમાં, રહેણાકમાં, ભોજનમાં, વર્તનમાં વગેરે સર્વ વ્યવહારમાં નવું ચેતન આવશે, નવો બહાર ખીલશે. તમારો પ્રતાપ, તમારી શક્તિ, તમારી રસજ્ઞતા જગતમાં પ્રતિષ્ઠા પામશે, તમારા કરતાં વધારે હતભાગ્ય દેશો હશે તે તમારે પગલે ચાલી સુખી થઈ તમને આશીર્વાદ દેશે. ગુજરાતનાં ઘરો, મંદિરો, મહેલો, નગરો, ગામોની રચના સુંદર, ભવ્ય થવાનો આધાર તમારી રસવૃત્તિના વિકાસ ઉપર છે. તમને ગંદું, બેડોળ ગમશે નહીં તો જ તમે ગુજરાતને નોખો પાડી નાખે એવી એની રચના રચવાની પ્રેરણા કરશો. ગુજરાતના જીવનમાં આજે સંગીત, ચિત્રકળા આદિ લલિતકલાઓને આદર નથી, પણ તમારો આત્મા જાગશે અને સુંદરતા ભોગવવા અને તેનું નિર્માણ કરવા તલપશે ત્યારે તમે સંગીત, ચિત્રકલા વગેરે શીખશો. ગુજરાતમાં ઘેરેઘેર તેમને સ્થાન આપી તમે અને તમારાં કુટુંબીજનો આનંદી અને સુખી થશો. એ કળાઓને એવી ખીલવજો કે તમારી સર્વ ખાસિયતો, શક્તિઓ, અભિલાષાઓ, વાંછનાઓ એમનામાં મૂર્ત થાય. એ મૂર્ત રૂપ માણવાથી તમારાં કાર્યોમાં આરામ, ઉત્સાહ, ઉત્તેજન વધારે મળશે, એ રૂપ એવું ઘડજો કે ગુજરાતનો મહિમા વધે. એ રૂપથી ગુજરાત દુનિયાને સુખી, પવિત્ર, શાંતિમય કરવા સફળ નીવડશે. તમારી આખી પ્રવૃત્તિ એવી રાખજો કે તમારો સર્વાંગસુન્દર વિકાસ થાય. તમે જ્ઞાનવાન, કેળવાયેલાં, સંસ્કારી હશો તો અત્યારે આપણે ત્યાં જે સવાલો ઊઠે છે તે સમજી શકશો, તેમના ઉકેલમાં પુરુષોને મદદ કરી શકશો અને જિંદગીની ઘણી કડવાશ અને મુશ્કેલીઓ ઓછી કરી શકશો. ગુજરાતમાં સર્વ ભાગની સ્ત્રીઓ આવી થાય તો ગુજરાતમાં એકતા આવે. અત્યારે ગુજરાત છિન્ન દશામાં છે. ભાષા સૌ એક બોલે છે. રિવાજ સરખા છે છતાં રાજ્યસત્તા ઠેકઠેકાણે નિરાળી છે. એક ઠેકાણે અંગ્રેજી રાજ્ય છે, બીજે ઠેકાણે ગાયકવાડી રાજ્ય છે તો ત્રીજે ઠેકાણે રજપૂત રાજ્ય છે. આમ દેશના ભાગ હોવાથી દેશમાં વસતા લોકોમાં પણ એથી ભેદપ્રભેદ પડી જાય છે. પણ તમે જો કેળવાયેલી અને સંસ્કારી હશો તો તમારાં સંતાનો મારફત સરખી કેળવણી અને સરખા સંસ્કાર ફેલાવી એ ભેદપ્રભેદ દૂર કરી એકતા જન્માવશો. એકતાની લાગણી જાગશે તો સંપ આવશે, સ્નેહ આવશે, સમૃદ્ધિ આવશે, સુખ આવશે, ગૌરવ આવશે;—શું નહીં આવે? ગુજરાતની પુત્રીઓ! તમે ગુજરાતી થાઓ. કચ્છી, કાઠિયાવાડી, – હાલારી, સોરઠી, ઝાલાવાડી, ગોહેલવાડી, – સુરતી, ભરૂચી, અમદાવાદી, મુંબઈગરી મટી જાઓ. જે રિવાજોથી તમારા આવા હાનિકારક ભેદો વધતા હોય અથવા તમારી એકતા થતી ન હોય તેમને દૂર કરો. ગામ કે નગરના વતની થવા ઉપરાંત આખા ગુજરાતના વતની થાઓ. આ નાત કે પેલી નાતનાં થવા ઉપરાંત ગુજરાતી થાઓ. જન્મભૂમિ સર્વેની જનની છે અને તમે પણ જનનીઓ છો. તમારાં સંતાનોથી ગુજરાતને વસાવો ત્યારે સાથે સાથે ભાવના, મહેચ્છા, સંસ્કારિતા આદિનાં પણ જનની થઈ ગુજરાતનું નવજીવન ઉજ્જવલ અને પ્રતાપી કરો. ગુજરાતના લોકોમાં જે જે સારપ હોય તે ખીલવો, કારણ કે માતાનો ધર્મ છે બાળકની સારી શક્તિઓ ખીલવવાનો. અંધકાર, અજ્ઞાન, ખોટા રિવાજની ગુલામગીરી, પ્રમાદ, ઉદાસીનતા વગેરેમાંથી તમે મુક્ત થઈ અમને મુક્ત કરશો નહીં,—વિચાર, વાણી અને વર્તનમાં વીરત્વ પ્રકાશશો નહીં ત્યાં લગી આપણો ઉદ્ધાર નથી. આ હકીકત પર આજે ઊંડો વિચાર કરો અને આજથી આ દેશધર્મ યથાર્થ આચરવા માટે તૈયારી કરવા માંડો. આજથી શરૂ થયેલી પ્રવૃત્તિના બળે તમે એવાં થાઓ કે તમારી પૂજા કરવા અમે આવીએ અને અમારા પુનિત સમાગમમાં શાંતિ અને ઉત્સાહથી પ્રેરિત થઈ સંસારના સંગ્રામમાં વિજયટંકાર ગજાવીએ. પૃથ્વીએ સત્યભામાનો અવતાર લઈ શ્રીકૃષ્ણભગવાન સાથે લગ્ન કર્યાં હતાં. સોળહજાર સ્ત્રીઓને કેદમાં રાખનાર નરકાસુરને પોતાનો પુત્ર હોવા છતાં તેનો વધ ભગવાન પાસે કરાવી સ્ત્રીજાતિને મુક્તિ અપાવી હતી. તમે પણ એ જ પૃથ્વીમૈયાની ખરી ભક્તિથી પૂજા કરશો તો અજ્ઞાન, અપગતિ, અશક્તિ આદિ અસુરોથી તે તમારી પણ મુક્તિ કરાવશે. માતાઓ મુક્ત થશે, પોતાની સર્વે ઈશ્વરદત્ત વિભૂતિઓનો વિકાસ કરવા સ્વતંત્ર અને સમર્થ થશે ત્યારે મનુષ્ય જાતિનું ભાગ્ય ઉજ્જવળ થશે.

૧-૧૦-૧૫