રણજિતરામ ગદ્યસંચય – ૨/જૈનો અને ગુજરાતનું નવજીવન

From Ekatra Foundation
Revision as of 01:58, 9 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જૈનો અને ગુજરાતનું નવજીવન

મુંબઈ ઈલાકામાં (વડોદરા રાજ્ય બાદ કરતાં) જૈનોની સંખ્યા ૪,૮૯,૯૫૨ છે. ગુજરાતના શ્વેતામ્બર અને કર્ણાટકના દિગમ્બર જૈનોની ભેગી આ સંખ્યા છે. સરકાર તરફથી પ્રસિદ્ધ થતા વસ્તીગણનાના હેવાલો(Census Reports) પરથી બન્નેની સંખ્યા જુદી પાડી શકાતી નથી. જેમ ગુજરાતમાં દિગમ્બરો છે, તેમ દખ્ખણમાં શ્વેતામ્બર પણ છે. સિંધમાં જે જૈનો છે તે કચ્છ ને ગુજરાતમાંથી વેપાર માટે ત્યાં ગયેલા હશે. એમનામાં કેટલાક મારવાડી જૈન પણ હશે. મુંબઈ બેટમાં ૩૦,૪૬૦ જૈનો છે—આમાં પણ શ્વેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસી ભેળા ગણાયેલા છે તેમ દખણી અને ગુજરાતી પણ. આપણા ગુજરાતમાં ૨,૬૯,૯૨૮ જૈનો છે. કર્ણાટકમાં ફક્ત ૬૨,૨૮૬ છે. આ પરથી સ્પષ્ટ જણાય છે કે આપણા ઈલાકામાં ગુજરાતી જૈનોની સંખ્યા વધારે છે. ગુજરાતમાં ૭૬,૮૫,૮૭૫ માણસો વસે છે; એટલે કુલ વસ્તીના લગભગ છવ્વીસમે અંશે જૈનો છે; છતાં દેશના જીવન પર એમનો પ્રભાવ નાનોસૂનો નથી. પારસીઓ ફક્ત ૮૩,૫૬૫ હોવા છતાં અગ્રેસર થયેલા છે. સંખ્યા કરતાં દેશના ઐતિહાસિક અને આર્થિક જીવનમાં જેવી પ્રતિષ્ઠા મેળવાય તે પ્રમાણે પ્રભાવ પડે છે. ભાવનગરની સુપ્રસિદ્ધ જૈન ધર્મપ્રસારક સભાના મહોત્સવ સમયે પ્રગટ થયેલા એમના વાજિંત્રના ખાસ અંકમાં ગુજરાતના ઇતિહાસમાં જૈનોએ લીધેલા ગૌરવશાળી ભાગ વિશે મેં એક પરિચ્છેદ લખ્યો હતો એટલે આ સ્થળે તેનું પુનઃકથન કરતો નથી. ભૂતકાળમાં જ જૈનો ગુજરાતના અગ્રગણ્ય નાગરિકો હતા અને હવે નથી એવું કોનાથી કહી શકાશે? અમદાવાદ શહેરમાં વધતા જતા મિલઉદ્યોગમાં, સુરત મુંબઈના ઝવેરાતના વેપારમાં, મુંબઈના વેપારમાં અને નાનાં નાનાં ગામડાંઓમાં પણ ગામડાની નાની નાની જરૂરિયાતોને પહોંચી વળવા જામેલા નાના નાના વેપારમાં પણ જૈનોને મોખરે રહેતા કોણે નથી જોયા? કાઠિયાવાડમાં નાગરોની સાથે રાજદ્વારી નોકરી માટે જબરી હરીફાઈ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડયા હશે પણ વેપારમાં તો આગળ ને આગળ વધતા જ જાય છે. આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગ દ્વારા પૈસા પેદા કરનાર વર્ગમાં જૈનો પણ આગળ પડતા છે. ગુજરાત સાથે એમનો જૂનો અને નિકટનો સંબંધ છે. એમનાં કેટલાંક મોટાં તીર્થક્ષેત્રો ગુજરાતમાં છે અને વેપાર તથા ઉદ્યોગ દ્વારા ગુજરાતના પ્રજાજીવનના દરેક થર સાથે તેમને નાના પ્રકારનો નાતો છે. ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુઓએ સારી અવિરત સેવા કરેલી છે. પોતાની ધર્મભાવના મૂર્ત કરવા બાંધેલાં મંદિરોથી હિન્દુસ્તાનની સ્થાપત્યકલામાં ગુજરાતની જૈન પદ્ધતિ એમણે ઉમેરી છે અને ગુજરાતના મુસલમાન બાદશાહોની મસીદો પર એ પદ્ધતિની છાપ કાયમની પાડી છે – વગેરે વગેરે રીતે ગુજરાતના જીવન પર એમની અસર હોવાથી સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે એ જ દેશના નવા જીવન પર આ કોમ કેવો પ્રભાવ પાડશે અથવા પાડી શકે? પ્રશ્ન મહત્ત્વનો છે; તેનો ઉત્તર આપવો સહેલો નથી અને તે પણ જૈન નહિ એવાએ? ગુજરાતમાં વસનારાઓ એકએકમાં ભળી ગયેલા હોવા છતાં હિન્દુઓને, મુસલમાનોને, જૈનોને અને પારસીઓને પોતાના પડોશીઓના જીવનના પ્રશ્નો વિશે અજબ અજ્ઞાન હોય છે – અરે! અંદર અંદર પણ જબરું હોય છે. હિન્દુઓમાં બ્રાહ્મણોને વાણિયાના જીવનના પ્રશ્નો કે વાણિયાઓને બ્રાહ્મણના જીવનના પ્રશ્નો વિશે માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં ઉક્ત પ્રશ્ન ચર્ચવાની ધૃષ્ટતા અક્ષમ્ય જ લેખાય. છતાં બે કારણોસર આ વિષયનું દિગ્દર્શન કરવા પ્રવૃત્ત થયો છું. બ્રિટિશ રાજ્યની હુંફાળી છાયા નીચે, ઇંગ્લિશ પ્રજાજીવન અને વાઙમય દ્વારા જીવનભાવના સાથે વધતા જતા પરિચયથી આપણું દૃષ્ટિબિન્દુ વિશાળ બન્યું છે. શેરીના, ગામડાંના, નગરના કે કોમના પ્રશ્નો કરતાં દેશના વિશાળ પ્રશ્નો આપણી સમક્ષ ઊભા થતા જાય છે. આ વિશાળતામાં નાના નાના ભેદોપભેદો અદૃશ્ય થઈ જાય છે એટલે આવા ઉચ્ચ અને વિશાળ દૃષ્ટિબિન્દુથી અવલોકન કરતાં બનતા લગી અન્યાય થવાનો સંભવ ઓછો થવાનો. બીજું ઇંગ્લિશ કેળવણીએ આપણે માથે મોટી જોખમદારી નાંખી છે. આપણા અસંખ્ય અજ્ઞાન બન્ધુઓને દોરવાનું કર્તવ્ય આપણને સોંપ્યું છે. ભૂતકાળમાં જે કામ ઋષિઓ, સાધુઓ અને બ્રાહ્મણોએ કર્યું છે તે કેળવાયેલાઓને આ જમાનામાં કરવાનું છે; – અલબત્ત યથાશક્તિ જ આ કામ તેઓ સાધી શકશે. વિશાળ દૃષ્ટિબિન્દુથી અને કર્તવ્યની પ્રેરણાથી ટૂંકામાં થાય તેવું દિગ્દર્શન કરું છું. એમાં દોષો જણાય તો તે મમતાના દોષ છે, દ્વેષના નથી – એવું ગણી ઉદારતાથી જે હૃદય આ નકશો આંકવા તત્પર થયું છે તેનો સત્કાર કરશો. અત્યારે આપણે સૌથી મહત્ત્વનો સવાલ કેળવણીનો છે. સંસારના જે જે પ્રદેશમાં ઉન્નતિ મેળવવા આપણે ઉત્સુક હોઈએ તે તે પ્રદેશમાં કેળવણી વડે સહેલાઈથી અને ઝટ જવાય છે. આપણા ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક અભ્યુદય માટે આપણે સુશિક્ષિત થવાની જરૂર છે. દુનિયામાં અત્યારે જીવવા માટે અને એ જીવનમાં સુખવૈભવવિલાસ સતત મેળવવા માટે હરીફાઈ ચાલે છે. આપણા પુરાણા દેશને પણ એ હરીફાઈમાં ઊતરવું પડ્યું છે. હવે એ હરીફાઈમાંથી પાર ઊતરવું હોય તો આંગણે આપણા હરીફો જેટલા કે બલ્કે તેથી વધારે સાધનસંપન્ન થવું જોઈએ. ન થઈશું તો આપણો નાશ ચોક્કસ થવાનો. પથ લાંબો છે અને કામ વિકટ છે છતાં પ્રયત્ન કરીશું તો ફાવશું જ. જૈન જેવી ધનાઢ્ય કોમ આ પ્રયત્નને કેવી રીતે સાહચર્ય આપે? કેળવણીનાં ફંડો સ્થાપી તેમાંથી શિષ્યવૃત્તિઓ આપે, વિદ્યાર્થીભવનો ચલાવે, નાનાંમોટાં ગામોની જરૂરિયાત પ્રમાણે નિશાળ વગેરે સાધનો આપે, પરદેશની કેળવણીનો અનુભવ લેવા વિદ્વાનોને મોકલે વગેરે. એકલે હાથે આ સર્વ કરવાનું નથી પણ ગુજરાતના બીજા વતનીઓ સાથે મળીને; શક્તિ, વૃત્તિ અને આગ્રહ હોય તો આગેવાની લઈને. આપણી પડોશમાં પુણામાં દક્ષિણી બંધુઓએ સ્વાર્થત્યાગથી, કર્તવ્યનિષ્ઠાથી અને નિપુણ યોજકશક્તિથી કેળવણીનાં ભવ્ય સ્થાનો સ્થાપ્યાં છે. એમની પાસે આપણા જેટલું ધન નથી પણ આપણા ધનથી કિંમતી મનોબળ અને દેશપ્રેમનું ધન એમની પાસે છે. આપણામાં પણ એ ધન કેમ ન આવે? વેપાર કરતાં નફો મેળવવા જે રાત્રિદિવસ જીવતોડ મહેનત કરીએ છીએ તેનો અર્ધો ભાગ પણ આવાં કાર્યોમાં ગાળી શકીએ તો અભ્યુદયનો માર્ગ સરળ નહિ થાય? સંસાર પરથી મન ઊઠી જતાં સાધુ થઈએ ત્યારે આવા પરોપકારમાં મન પરોવીએ તો શું આપણું કલ્યાણ નહિ થાય? પાશ્ચાત્ય કેળવણી એના પૂરેપૂરા સ્વરૂપમાં આપણે નહિ લઈએ ત્યાં લગી આપણો ઉદય નથી. નોકરીમાં, વેપારમાં, ઉદ્યમમાં, ખેતીમાં–જ્યાં જાઓ ત્યાં એમના જેટલા જ સાધનસંપન્ન થઈશું તો જ આપણે શુક્રવાર વળશે. વેપાર-ઉદ્યોગમાં આગળ પડતા જૈનોએ પોતાની લક્ષ્મીથી સરસ્વતીનાં મંદિરો ઠેરઠેર સ્થાપી અખિલ દેશમાં તે મંદિરોનો ઘંટનાદ રાત્રિદિવસ વાગતો રાખવા ઉપરાંત તેઓએ પોતે પણ ઊંચી કેળવણી લઈ સુશિક્ષિત થવું ઘટે છે. કેળવણી લેવાથી તેઓ આપણા નવજીવનના પ્રશ્નો અને સ્વરૂપો વિશે માહિતગાર થશે. પોતાની વ્યવહારુ બુદ્ધિથી પ્રશ્નોના ઉકેલ ઝટ આણશે અને એવા આણશે કે દેશની પ્રગતિને લાભદાયક નીવડે. મુંબઈમાં પગ મૂક્યાને એક વીસી થઈ નથી છતાં ઓ. લલ્લુભાઈ શામળદાસ વેપારમાં જ નહીં પણ આપણા ઈલાકાના બીજા પ્રદેશોમાં પણ અગ્રેસર થતા જાય છે એ જૈનોએ લક્ષમાં લેવા જેવું છે. પ્રેમચંદ રાયચંદના સ્વધર્મીઓ આજ આટઆટલાં વર્ષ થયાં મુંબઈમાં વસે છે પણ એવું સ્થાન કેમ નથી મેળવી શક્યા? અમદાવાદમાં આટઆટલા ધનાઢ્ય જૈનો છે છતાં ત્યાં શું આગેવાની એમના હાથમાં છે? નગરશેઠાઈ કરનાર કોમમાં ખરી નગરશેઠાઈ હવે રહી છે? આફ્રિકા તો ઘણા જતા હતા અને હાડમારી ભોગવતા હતા પણ જ્યારે રા. રા. મોહનલાલ કરમચંદ ગાંધી ગયા ત્યારે ત્યાંના મામલાએ કેવું સ્વરક્ષક અને આત્મોન્નતિકારક સ્વરૂપ લીધું? મોતીનો વેપાર ઘણા જૈન. ઝવેરીઓ કરે છે પણ લંકાનાં મોતી લેવા વિલાયતમાં વેપારીઓની ‘સિન્ડિકેટ’ થઈ એમનો ધંધો એમના હાથમાંથી પડાવી લીધો ત્યાં સુધી એવી રીતે જોડાઈ વેપાર એકહાથે કરવાનું કેમ જૈનોને ન સૂઝ્યું? કારણ કેળવણીની ખામી અને તે દ્વારા દુનિયાનું હાલનું બંધારણ કેવું છે તે પારખવાની અશક્તિ. ઘણા જૈનો વૈરાગ્યથી સાધુ થઈ જાય છે પણ પુરાણમાં ‘ધી ડેકન એજ્યુકેશન સોસાયટી,’ ‘ધી સર્વન્ટ્સ ઓફ ઇંડિયા સોસાયટી’ કે ‘નિષ્કામ કર્મમઠ’ના જેવા સાધુઓ છે. તેવા કેમ કોઈ નથી થતા? વેપારમાં પડનારને કેળવણી લેવાનો વખત નથી એવું બહાનું કાઢવામાં આવે તો ઉત્તર સ્પષ્ટ છે કે બહાનું ખોટું છે. ગમે તેટલો ધીકતો વેપાર હોય છતાં રોજના કલાક-બે કલાક સુશિક્ષણ માટે કાઢી શકાય. તેમ આખું વર્ષ વેપારની ધમાલ પહોંચતી નથી. અમુક મહિના શાંતિ હોય છે. અમેરિકામાં હુન્નરઉદ્યોગની નિશાળના વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં સાહિત્ય, કલા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન આદિનું શિક્ષણ આપવામાં આવે છે, તેમ વેપારની રજામાં અહીં જૈનોને દેશના આગેવાન બનાવે એવું શિક્ષણ આપનારી શાળાઓ જૈનો નહિ સ્થાપે તો કોણ સ્થાપશે? વિશેષમાં ફાયદો એવો છે કે વેપારમાં ઘૂમનારની કેળવણી વેદીયા નીવડવાનો ભય નહિ રહે. શ્રીમંતો એમ ધારતા હોય કે ભણતર જ્યારે જોઈએ ત્યારે જે ભાવથી લેવા માંગીએ તે ભાવથી વેચાતું મળી શકે છે. વાત ખરી છે, પણ તેથી જે સંગીન લાભની ઉમેદ છે તે પાર પડતી નથી. લક્ષ્મીના નાશ સાથે એ સરસ્વતીનો સંયોગ નાશ પામે છે. સ્વતંત્રતાને બદલે પરતંત્રતા રહે છે; પોતાના વિચારોને બદલે બીજાના વિચારો પ્રગટ કરતાં કરવી પડતી છેતરપિંડીનું પાતક લાગે છે. પ્રગટ થયેલા વિચારો અને નિરંતરના આચારો વચ્ચે કોઈ પ્રકારનો કાર્યકારણભાવ રહેતો નથી, એટલે આચારના રૂપાંતર અને ઉચ્ચતા સધાતાં નથી. સારાંશમાં, જૈનો ધનાઢ્ય હોવાથી, વેપારી હોવાથી, અને ઘણાં સાંસારિક બંધનોથી મુક્ત હોવાથી ગુજરાતના નવજીવનને યોગ્ય કેળવણીની ખીલવણીમાં આગળ પડતો, સમર્થ અને સાધ્યસાધક ભાગ લે એનાથી રૂડો દિવસ કયો? કેળવણી પછી બીજો મહત્ત્વનો આપણો જીવનનો પ્રશ્ન સાંસારિક ઉન્નતિનો છે. શરૂઆતમાં જ કહ્યું કે આપણે દુનિયાની અગ્રેસર પ્રજાઓની હારમાં ઊભા રહેવું છે, એમની સાથેની હરીફાઈમાં થતો આપણો હ્રાસ અટકાવવાનો છે અને જે વારસો આપણા પૂર્વજa આપણને આપી ગયા છે તેથી મોટો વારસો આપણાં સંતાનોને આપણે આપવો છે. આપણા સંસારમાં જે જે દોષ હોય, આ ઉચ્ચ સાધ્યની સાધનામાં જે જે અંતરાય આવતા હોય, તે દૂર કરવા જોઈએ. પહેલો સવાલ આપણા ગુજરાતીઓની શરીરસંપત્તિનો છે. જેવી બળવાન એ હોવી જોઈએ તેવી નથી, તેમ જોઈએ તેટલી દીર્ધાયુ પણ નથી. આપણે મલકુસ્તી કરવા અને સુખવૈભવવિલાસ ભોગવવા બળ અને આયુષ્ય નથી જોઈતાં પણ આપણું જે સાધ્ય છે તે પ્રાપ્ત કરવી. આ લેખ લાંબો થવાને ભયે આ પ્રશ્ન વિશે વિશેષ નથી લખતો. બીજો સવાલ સ્ત્રીઓની સ્થિતિ ઉન્નત કરવાનો છે. જૈનોમાં સ્ત્રીઓ માટે હલકો અભિપ્રાય છે તે બનતી તાકીદે દૂર થવો જોઈએ. દેશના ગમે તે ભાગ સાથે લગ્નથી સંબંધ થઈ શકે, ગમે તેટલી મોટી ઉંમરે લગ્ન થઈ શકે એવી કોમની સ્ત્રીઓ ગુજરાતની આગેવાન થવી જોઈએ. તેમની કેળવણી, સંસ્કાર, દેશપ્રીતિ, લક્ષ્મી, વ્યવહારુપણું વગેરેથી દેશના જીવનમાં તેમના દ્વારા ઓર જ રંગ આવવો જોઈએ. સંસારસેવાના મહાપ્રશ્નોમાં તેમની સામેલગીરી થવાથી કેટલો બધો લાભ થાય! હાલ શ્રાવિકાશાળાઓ જે કેળવણી આપે છે તે બસ નથી. તમારી પાસે પૈસો છે, હિન્દુઓ જેવાં તમારે ધર્મનાં બંધન નથી, સંસારમાંથી મુક્ત થવું હોય ત્યારે થઈ સાધ્વી બની શકાય છે, તો પછી સરસ્વતીનું સાસરું તમારે ત્યાં જ થવું જોઈએ;—સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનું બ્રાહ્મણોને ઘેર પિયર છે અને જૈનોને ત્યાં સાસરું. હસ્તલેખોને સંભાળથી રાખવા માટે પડેલી ઉક્તિ સમગ્ર જીવનથી ખરી પાડવા જૈનો પ્રવૃત્ત નહીં થાય? તમારામાં દર વર્ષે સ્ત્રી- ગ્રેજ્યુએટોની સંખ્યા નહીં વધે તો કોનામાં વધશે? યુરોપ સાથે સંબંધ રાખનારી કોમમાં એ પ્રગતિમાન દેશના નારીજીવન જેવું સ્વતંત્ર, ઉન્નત અને ઉદાર નારીજીવન નહીં થાય તો કોનામાં થશે? ગુજરાતની ઈતર કોમોમાં એ જીવન અભિજાત કરવા તમારે તમારું નારીજીવન ફેરવવું જોઈએ. તમારી સુશિક્ષિત સન્નારીઓ અને સાધ્વીઓ દ્વારા એ કર્તવ્ય તમારે લેવું જોઈએ. શ્રાવિકાશાળાઓ સ્થાપ્યાથી સંતોષ માનવાનો નથી પણ એમાં ઉદ્ભવતી સુગંધ સર્વત્ર ફેલાવવાની છે. લગ્નસંબંધી પ્રત્યવાય ન હોવાથી—કદાચ હોય તોપણ તમારા ધર્મનું વાસ્તવ સ્વરૂપ સમજી તે દૂર કરી દેશના અનેક ભાગો અને ઘરોને જોડી દેશમાં એકતાની લાગણી તમે ન ફેલાવો—અનુભવાવો તો કોણ કરશે? વૈષ્ણવો સાથે પણ તમારે લગ્નવ્યવહાર છે. નાનીસૂની તકો તમારે સ્વાધીન દેશસેવા અને જનસેવાની કેટલી બધી છે? તમારી પુત્રી સુશિક્ષિત અને સંસ્કારી થશે તો કેળવાયેલી બંગાલણોની માફક સમગ્ર હિંદમાં ભિન્ન ભિન્ન સ્થળે લગ્નસંબંધ બાંધશે અને જ્યાં જ્યાં તમારી વ્યાપારનિપુણતાની ખામી હશે ત્યાં ત્યાં પોતાનાં સંતાનો દ્વારા જગાવશે. આઘે શું કામ જઈએ? દક્ષિણના સ્વાર્થત્યાગ, દેશપ્રેમ, વિદ્યાભિરુચિ, યોજકશક્તિ અને ગુજરાતના દ્રવ્યોત્પાદકશક્તિ, વ્યવહારનિષ્ણાતાત, દાનવીરતા આદિનો સમન્વય એ બે પ્રાંતો વચ્ચેના લગ્નવ્યવહારથી થાય અને આપણા દેશની પ્રગતિ વધે એવો માર્ગ તમારા વિના કોનાથી અખત્યાર કરવાની શરૂઆત થશે? પતિત, અધમ, નિરાધાર, રોગી આદિના ઉદ્ધારનો પ્રશ્ન પણ સંસારોન્નતિને લગતો છે. પાંજરાપોળ સ્થાપનાર અને નિભાવનાર જૈનો ઇસ્પિતાલો, અનાથાશ્રમો, પતિતપાવક મઠો વગેરે સ્થાપે એ ધર્મ્ય છે. નીતિમય જીવન ઉન્નત અને ઉદાત્ત કરવાની જરૂર પૂરેપૂરી સમજવી જોઈએ. વેપાર, નીતિથી જ વધે છે અને ટકે છે. દેશની આગેવાની પણ એ જ નીતિથી લેવાય છે. કેળવણીના પ્રસારથી, સંસારમાં સ્ત્રીનું સ્થાન ઉન્નતિપ્રદ કરવાથી અને ધર્મનું ખરું સ્વરૂપ જીવનમાં મૂર્તિમંત કરવાથી નીતિની ભાવના અને તદાનુસાર આચરણ ઉત્કૃષ્ઠ થવાનાં જ. આપણા રાજદ્વારી જીવનના વિકાસમાં–પ્રાચીન કાળમાં રાજા અને પ્રજા ઉભયની મધ્યસ્થ રહી સર્વેનું હિત સાધનાર નગરશેઠ જે કોમમાંથી થતા તે કોમ આગળ પડતો અને પ્રભાવ પાડતો ભાગ ન લે એ નામોશીભરેલું નથી? અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખ અમદાવાદના નગરશેઠની પ્રજાસેવાનો જેવો અનુભવ કરાવે છે તેવો અનુભવ કરાવવાનું ભાગ્ય જૈન કોમમાં નથી? બાદશાહી અને ઈલાકેવાર, કાઉન્સિલમાં પ્રજાના પ્રતિનિધિ થઈ, મ્યુનિસિપાલિટી અને લોકલ બૉર્ડોમાં સભાસદ થઈ દેશસેવા કરતાં જૈનો પાછળ રહે, એ જૈનો માટે જેમને અભિમાન છે તેમનાથી કેમ સંખાય? પ્રજાના ઘરેઘરમાં વસનારી કોમ પ્રજાની જરૂરિયાતો સમજી શકે, પોતાની વ્યવહારદક્ષતાથી રાજકર્તાને તેનું સ્વરૂપ યથાર્થ સમજાવી શકે અને તે પૂરી પાડવાનાં સાધનો ઊપજાવી શકે. રાજ્યની અને પ્રજાની આબાદી હોય તો જ વેપાર અને ઉદ્યોગની આબાદી છે. રાજા અને પ્રજાથી માન્ય થયેલા વેપારીઓ વેપાર અને ઉદ્યોગની વૃદ્ધિમાં પડતી મુશ્કેલીઓ તરી શકે છે. લક્ષ્મીસંપન્ન જૈનો સરસ્વતીસંપન્ન થઈ આ પ્રદેશમાં પડે તો કોમને અને દેશને ફાયદો છે. વારંવાર તીર્થો સંબંધે રાજા પ્રજા વચ્ચે અણરાગ થાય છે તે દૂર કરવાનું ભાગ્ય પણ આવા આગેવાનોને પ્રાપ્ત થાય છે. રાજાની સેવા કરવાની છે, તેમ પ્રજાની સેવા પણ કરવાની છે. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીની વ્યવસ્થામાં ધનાઢ્યતાને લીધે જૈનોનો સારો હાથ છે. રા. બા. રણછોડભાઈએ કે સર ચિનુભાઈએ પોતાનાં બુદ્ધિ, અનુભવ અને લક્ષ્મીથી અમદાવાદની જે સેવા આદરી છે તે સેવાનો કેટલો અંશ ધનાઢ્ય જૈનોથી થયો છે? મંદિરો બંધાવવામાં જ નાગરિકકર્તવ્ય સમાપ્ત થતું નથી. નિશાળો, ગ્રંથાલયો, ઇસ્પિતાલો, સંગ્રહસ્થાન, પ્રયોગશાળા, કર્મમંડ, બગીચા આદિની સ્થાપના પર જેટલું લક્ષ અપાવવું જોઈએ તેટલું અપાયું નથી. પશ્ચિમના ઉદ્યોગસ્થાન નગર જેવી અમદાવાદની ખીલવટ જ્યાં લગી થઈ નથી ત્યાં લગી ઉદ્યોગવીર નાગરિકોના ધનાર્જનની સફળતા શી? રાજદ્વારી જીવનમાં—પ્રજાની જરૂરિયાતો અને અભિલાષાઓ રાજકર્તાઓને રોશન કરી તે તૃપ્ત કરાવવા કરવી પડતી ચળવળમાં તેઓ આગેવાન ન થાય—પોતાની બુદ્ધિ, અનુભવ, લક્ષ્મી અને લાગવગ એ ચળવળને સોંપે તો ધનને લીધે પ્રાપ્ત થયેલી સ્થિતિનો સદ્ઉપયોગ કર્યો કહેવાશે? સાહિત્ય અને કલાના ઉત્કર્ષ માટે-ગુજરાતના નવજીવનમાં એ બન્નેનું યોગ્ય સ્થાન સ્થાપવા માટે જૈનો અનેક રીતે પ્રયત્ન કરી શકે એમ છે. પશ્ચિમનું વીર્યવાન સાહિત્ય ગ્રેજ્યુએટો, સાધુઓ વગેરે દ્વારા ગુજરાતીમાં ઊતરાવે અને તેનો પ્રસાર કરાવે, મંદિરો બાંધતાં બાંધકામ, ચિત્ર અને મૂર્તિવિધાનની કળા વિશેષ ખીલવવા જમાનાને યોગ્ય તેમાં જીવનરૂપાંતર કરવા ધ્યાન આપે. અને આ ધ્યાન યથાર્થ આપી શકાય માટે સ્ત્રીપુરુષોમાં કલાભિરુચિ અને કલાના રસિક સંસ્કાર ભિન્ન ભિન્ન રીતે ફેલાવે. મંદિરોમાં થતા સંગીત અથવા ધનાઢ્યતાને લીધે મળતી નવરાશ અને તેમાં મણાતી મોજને પ્રસંગે થતા સંગીતને પણ કલા, પ્રજાજીવન આદિને ઉત્કર્ષ આપે એવું કરવા પ્રયત્ન કરે. અમને સારામાં સારું જ રુચશે—અમારું જ પણ તે જોઈએ. બીજાનું અનુકરણ રૂપ અંદરથી હલકું પણ ઉપરથી દેખાવડું નહીં જ પાલવે. નરસું અમારી પાસે બિલકુલ ટકનાર નથી એવી ભાવના રગેરગમાં ભરાય તો જ ખરું. વિસ્તાર ભયે આટલેથી જ વિરમવું ઉચિત છે. આ લખવાનો હેતુ એવો નથી કે આવાં કર્તવ્યો જૈનેતર કોમને નથી કરવાનાં. તેમણે પણ કરવાનાં છે. લખાણમાં સંગીન લેખ કરતાં ઉદ્ગારો વિશેષ છે, કર્તવ્યની નિશ્ચિત દિશા નથી દર્શાવાઈ એ કબૂલ કરવા જેવું છે. પણ ભવિષ્યમાં ‘હોલ્ડર’ના તંત્રી આમાં દર્શાવેલા વિષયો પર સમર્થ અને સહૃદય લેખકો પાસે લેખો લખાવી ‘પર્યુષણ અંક’ કાઢવા ઉદ્યુક્ત થશે તો આ ઉદ્ગારો—મમતાના ઉદ્ગારો અન્વર્થક થશે. શ્રી મુંબઈ માંગરોળ જૈન સભાના રજત મહોત્સવ પ્રસંગે આ વૃત્તાંત વાંચતાં જેવો આનંદ થયો છે તેવો આનંદ જવલ્લે જ થયો હશે. સેવાનું લક્ષ્ય ખરેખરું આ સભાએ સાચવ્યું છે. મમત્વ, ખોટી કીર્તિ, હોંસાતોંસી, સ્વાર્થ વગેરેથી દૂર રહી વ્યવહારુ જ્ઞાતિસેવા કીધા કરી છે. પોતે શરૂ કરેલાં કાર્યો વધારે સમર્થ રીતે કરનાર સંસ્થા જણાતાં જ તેને તે કાર્યો વગર સંકોચે સોંપી નવાં કાર્યો શરૂ કરવાનો અપૂર્વ સેવાભાવ આ સભાએ બતાવ્યો છે. જ્ઞાતિસેવા અને તે બને તેટલા સહકારથી કરવી એ જ ઉદ્દેશ પચીસ વર્ષ લગી સતત પાળવો એ નાનીસૂની સિદ્ધિ નથી—નાનોસૂનો ચારિત્ર્યનો પ્રભાવ નથી. વળી જમાનાની જરૂરિયાતો પ્રમાણે સેવાના નવા નવા પ્રદેશોનો સ્વીકાર કરતાં પણ સભા અટકી નથી. પોતાનાં સાધનો અને સંજોગોના પ્રમાણમાં જે જે કાંઈ થઈ શકે તે કરવાથી તે ડગી નથી. કોઈ પણ પ્રકારની મંદતા, સ્તબ્ધતા કે રૂઢિચુસ્તતાથી તેનો કાર્યપ્રવાહ બંધાઈ ગયો નથી. આટલું છતાં—આવું કાર્યસાતત્ય છતાં, આવી પ્રગતિશાલિતા છતાં, આવી સેવાનિષ્ઠા છતાં, આવા નીતિબળ છતાં, આવી વ્યાવહારિકતા છતાં આ સભાને જૈન જેવી ધનાઢ્ય જ્ઞાતિ તરફથી ધનનો જે વિપુલ આશ્રય મળવો જોઈએ તે નથી મળ્યો એ અત્યંત નિરાશાજનક છે. નિરાશાનું કારણ જૈનોની સામાજિક સ્થિતિ છે. વેપાર-ઉદ્યોગથી એમનો નિર્વાહ હતો, મુસલમાનો કે મરાઠાની માફક રાજસત્તાથી નહીં. અંગ્રેજી રાજ્ય જામતાં અને અંગ્રેજી કેળવણી પ્રસરતાં મુસલમાનો કે મરાઠા કે બ્રાહ્મણોની સૈકાઓથી સ્થિર રહેલી સ્થિતિને જેવો આઘાત લાગ્યો તેવો જૈનોને લાગ્યો નથી. ઊલટું એમને માટે વેપાર-ઉદ્યોગના અનેક નવા પ્રદેશ ઊઘડ્યા અને એ દિશામાંથી આવતો ધનનો પ્રવાહ સૂકાવાને બદલે રેલાતો ચાલ્યો છે. આવકને અથવા સામાજિક પ્રતિષ્ઠાને જ્યાં ધક્કો લાગ્યો નથી ત્યાં નવા જમાનાની સામગ્રીઓથી સંપન્ન થવાની જરૂર સમજાતી નથી. આમ હોવાથી જૈનોમાં કેળવણીનો ફેલાવો થયો નહીં—ભણતર વગર લાખો રૂપિયા કમાઈ શકાતા હોય તો પછી ભણતરની દરકાર કરવામાં આવતી નથી. કેળવણી વિના નવી અભિલાષા, નવી વાંછના, નવા આદર્શો, સાર્વજનિક સેવાની આવશ્યકતા જન્મ્યાં નહીં. જૂનું સાર્વજનિક જીવન રહ્યું પણ તેનું પુનર્જીવન કે રૂપાંતર થયું નહીં અને આમ થતાં હજુ બહુ વાર લાગશે. પરિસ્થિતિને લીધે જૈનોમાં જે નવું ચેતન આવવું જોઈએ તે ન આવવાથી એ નવું ચેતન રોપનારી સંસ્થાને ઉદાર મદદ મળી ન શકી. ધનાઢ્યો તરફથી મદદ નથી મળી શકતી તે સંબંધમાં એક બીજી વાત પ્રત્યે નજર નાંખવા જેવું છે. જૈનો ધનપ્રાપ્તિમાં રચ્યાપચ્યા રહે છે છતાં વૈરાગ્ય અને દાનની ભાવનાને અતિશય પોષણ આપે છે. સાધુઓ પ્રત્યે એમનો પૂજ્યભાવ ગાઢ હોય છે. આવી વસ્તુસ્થિતિ છતાં સુશિક્ષિત જૈનોમાંથી કોઈ વિરક્ત થઈ સાધુ ન થયો અને પોતાનાં વૈરાગ્યથી, તપથી, ચારિત્ર્યથી, જ્ઞાનથી સાધુઓમાં અને શ્રાવકોમાં પૂજ્ય લેખાઈ પોતાનો પ્રભાવ તેણે જૈનો પર પાડ્યો નહીં. જૈનોમાં કોઈ વિવેકાનંદ કે રામકૃષ્ણ થયો હોત તો દાનનો માર્ગ ફેરવાયો હોત. જેમને નવા યુગનો પ્રકાશ પ્રાપ્ત થયો હતો તેમાંથી કોઈએ ઐહિક સુખનો ભોગ આપ્યો હોત તો જૈનોનું ભાગ્ય વહેલું ફર્યું હોત. હજુ પણ આવો પ્રસંગ ગયો નથી; વેળા વીતી નથી ગઈ. સંક્ષેપમાં એક વિષમતાનું પૃથક્કરણ કર્યું. ભૂતકાળમાં આ સભાએ ઉજ્જ્વળ કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં એટલું જ અથવા એથી અધિક ઉજ્જ્વળ કાર્ય કરવા ઉત્સુક છે એથી સભા સમક્ષ નમ્રભાવે કેટલાક દૃષ્ટિબિન્દુ રજૂ કરું છું : ૧. જૈનો કોઈ દ્વીપમાં વસતા નથી. વસવાટના પ્રદેશમાં અથવા તેની બહાર જૈનેતર લોકો સાથે તદ્દન સંબંધ જ ન હોય એવું નથી. વર્તમાન અલગપણવાળો નથી તેમ ભૂતકાળ પણ નહોતો અને ભવિષ્ય પણ નહીં રહે. હિન્દુ, મુસલમાન, પારસીની માફક જૈનો પણ હિન્દુસ્તાનમાં વસે છે. તેઓ જૈનો છે તે ઉપરાંત હિંદુઓ છે. જૈન તરીકેના ધર્મો છે તો હિંદુ તરીકેના ધર્મ પણ તેમણે પાળવાના છે. જૈનોના ઉત્કર્ષ માટે જે જે પ્રયાસો, હિલચાલ થાય તે તે સર્વે એવી પણ સાથે સાથે હોવી જોઈએ જેથી તેમનું હિંદુપણું પણ વિકાસ પામે. તેમના હિંદુપણાને અણઊઘડ્યું રાખે અથવા નાશ કરે એવી હિલચાલને કોઈ પણ રીતે ઉત્તેજન ન મળવું જોઈએ. આ દૃષ્ટિબિન્દુથી બે બાબતોનો વિચાર કરીશું. જૈનો વેપારી છે. વેપાર પ્રત્યેક પ્રજાના જીવનનો, ઇતિહાસનો અને સંસ્કૃતિનો જેવો તેવો અંશ નથી. આ જમાનામાં સ્થલસ્થલના અંતર કમી થયાં છે, તેમ જ વેપારની વસ્તુઓ ઉદ્યોગોને લીધે વિવિધ અને વિપુલ થઈ છે, વિજ્ઞાનની સગવડોને લીધે એ વસ્તુઓની ખપત પણ પૃથ્વીના ખૂણેખૂણામાં જાગી છે એટલે વેપારનું મહત્ત્વ ઘણું જ વધી ગયું છે. દેશના હિતની દૃષ્ટિથી જોવાનું કે વેપારથી દેશની લક્ષ્મી દેશમાં જ રહે છે કે પરદેશ ચાલી જાય છે, પરદેશમાં ચાલતા ઉદ્યોગોથી ઉત્પન્ન થતી વસ્તુઓ આપણા દેશમાં ખપાવવાથી આપણને પુષ્કળ દલાલી મળતી હોય પણ એ વેચાણથી આપણા સ્વદેશી ઉદ્યોગો નાશ પામતા હોય, એ ઉદ્યોગોમાંથી નિર્વાહ કરનાર કારીગર વર્ગ નિરાધાર અને ધંધારોજગાર વગરનો થતો હોય. એથી દેશમાંનો કસબ નાશ પામતો હોય અને સામાન્ય જનસમૂહની રસજ્ઞતા ઊતરી જતી હોય, તો શું કરવું? દલાલીનો ત્યાગ કરવો? આવો ત્યાગ અતિશય વિરલ છે. માત્ર ઊંચામાં ઊંચી દેશભક્તિને જ શક્ય છે. પણ વસ્તુસ્થિતિ એવી હોય કે એક ત્યાગ કરે છતાં બીજા વેપારીઓ (મેમણ, ખોજા, વૉરા, પારસી, ભાટિયા, લુહાણા વગેરે) એવો ત્યાગ ન કરતાં એ દલાલી લેવા કૂદી પડતા હોય ત્યારે ત્યાગ કરવાથી કાંઈ જ લાભ નથી. આવે અવસરે ત્યાગ ન કરતાં એ વેપાર જેટલો હાથમાં લેવાય તેટલો લેવો અને તેની આવકમાંથી દેશના ઉદ્યોગોને જમાના મુજબની રીતિમાં આવવા મદદ કરવી અને પરદેશ જઈ ત્યાંના ઉદ્યોગોનું જ્ઞાન મેળવી સ્વદેશમાં એવા ઉદ્યોગો જમાવવા એ જ ખરી દેશભક્તિ છે. જૈનોએ ઉદ્યોગોની ખીલવણી માટે પરદેશ વિદ્યાર્થીઓ મોકલ્યા હોત—હજુ પણ મોકલે તો દેશને કેટલો બધો લાભ થાય? મોટા વેપારીઓ પોતાના જ કુટુંબમાંથી ચાલાક અને હોંશિયાર છોકરાને મોકલ્યે જાય તો સારું. આમાં પોતાનો સ્વાર્થ સાધવાની સાથે દેશનો પરમાર્થ સધાશે. ઉદ્યોગો શીખવા જેટલા જૈનોને પરદેશ મોકલી શકાય તેટલાને મોકલવા હવે જૈનોમાં લોકમત પ્રબળ થવો જોઈએ. વેપારમાં અથવા ઉદ્યોગમાં જે દ્રવ્યપ્રાપ્તિ થાય છે તે ક્યાંથી આવે છે? વેપારીના મગજમાંથી જ માત્ર આવે છે કે તેના ગ્રાહકોના પરસેવામાંથી પણ? આ વસ્તુસ્થિતિનો ખ્યાલ કોઈને રહેતો નથી એ ઘણી જ ખેદની વાત છે. જૈન પૈસા જૈનો માટે દાન કરે, ભાટિયો ભાટિયા માટે, મેમણ મેમણો માટે, ખોજો ખોજા માટે, પારસી પારસીઓ માટે, લુહાણો લુહાણા માટે ત્યારે ગ્રાહકોનું સ્મરણ રાખી તેમના શ્રેય અર્થે પણ થોડુંક દાન કરતા હોય તો કેવું સારું? હાલ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમાં આ ભાવનાનો અભાવ હોવાથી એવી કોમોની નીતિને નુકસાન થવાનો સંભવ છે. કોમના કલ્યાણ માટે થયેલા પ્રત્યેક દાનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણનો રાખવાનો સંપ્રદાય હવે શરૂ થવાની જરૂર છે. પોતાની કોમની ઉન્નતિ કરવી છે પણ તે દેશમાં રહેતા બીજા લોકોના સ્નેહ, સમભાવ, સહકાર્ય, કદર, એખલાસ આદિ વગર કદી ટકશે નહીં એ પણ લક્ષમાં રાખવા જેવું છે. બીજી કોમોથી તદ્દન અલાયદા જીવન ગાળવાનો જે પવન વાયો છે, તે દેશને હાનિકારક છે. એથી અભિમાન જન્મશે, બીજાઓની અવગણના, તિરસ્કાર, કરવાની વૃત્તિ થશે. પોતાના દોષથી વાકેફ રહેવાશે નહીં, ગેરસમજ થશે, સભ્યતા-વિવેક-સુજનતા આદિ સદ્ગુણોનો હાસ થશે અને પ્રગતિ થવા કરતાં શિથિલતા અને સ્તબ્ધતા આવવાનો સંભવ થશે. જિંદગીના વ્યવહારમાં અનેક પરકોમો સાથે આવ્યા વિના છૂટકો નથી ત્યારે ઉછેર અલગ કરવો એ કેવી રીતે શ્રેયસ્કર નીવડશે? પ્રત્યેક કોમી હિલચાલને દેશહિત અને પરકોમના સહકાર્યની આવશ્યકતાના દૃષ્ટિબિન્દુથી વિમુખ ન રાખવા મારો એવી હિલચાલોના સૂત્રધારોને આગ્રહ છે. આ સંબંધમાં હવે કાંઈ વ્યાવહારિક કાર્ય કરવાનો અવસર આવ્યો છે એવું મને લાગે છે : (૧) જૈનોની જેટલી સંસ્થાઓ હોય તેમાં બની શકે તેવી થોડીવત્તી જૈનેતરોની સંખ્યાના સ્વીકાર, સમાસ અને સહકાર્ય થવાં જોઈએ. પાઠશાળા હોય તો તેમાં જૈનેતરોને ભણવા થોડીક અનુકૂળતા કરી આપવી. સંસ્થાના વ્યવસ્થાપક મંડળમાં જૈનેતરોને સ્થાન આપવું. સંસ્થાઓને દેશની બીજી સાર્વજનિક સંસ્થાઓના ગાઢ સંબંધમાં લાવવા જેટલા પ્રયત્ન થઈ શકે તેટલા કરવા. (૨) જ્યારે દાન કરવાનો અથવા નવી સંસ્થા સ્થાપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ત્યારે દાનનો અમુક અંશ સાર્વજનિક લાભાર્થે કરવાની અને નવી સંસ્થાને વત્તુંઓછું સાર્વજનિક સ્વરૂપ આપવાની વૃત્તિ થવી જોઈએ. દરવર્ષે જૈન દાનોનું સરવૈયું કાઢવામાં આવે અને પ્રશંસવામાં આવે ત્યારે સાર્વજનિક દાનની ખાસ નોંધ અને પ્રશંસા થવી જોઈએ. આ બાબતો પરત્વે માત્ર જૈનોએ જ લક્ષ નથી આપવાનું પરંતુ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમના સર્વે સૂત્રધારોએ આપવાનું છે. ૨. જૈનની વસ્તી આખા હિન્દુસ્તાનમાં છૂટક છૂટક પુષ્કળ છે. આપણા ગુજરાતમાં વસ્તી સારા પ્રમાણમાં છે. એકંદર સ્થિતિ દ્રવ્ય સંબંધે સારી છે. વિદ્યાનું પ્રસારણ ઓછું હોવાથી સાર્વજનિક સેવાના પ્રદેશોમાં જોઈએ તેટલી પ્રતિષ્ઠા – દ્રવ્ય અને સંખ્યાના પ્રમાણમાં હોવી જોઈએ તેટલી નથી. ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જૈન સંસ્કૃતિનો સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતોમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણોનો જે પ્રભાવ છે તેવો પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો(શૂદ્રો) સિવાય બીજા વર્ણો નથી હોતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણો, વૈશ્યો અને શૂદ્રો એ ત્રણ વર્ણો છે. બ્રાહ્મણો અને શૂદ્રો વચ્ચે જે મોટું અંતર બીજા પ્રાંતોમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઈલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્યોન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે અને વૈશ્ય બ્રાહ્મણ અથવા શૂદ્ર થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અનુરાગ, વિરોધ કે શત્રુતા નથી. આ સર્વ શુભ વસ્તુસ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ(વૈષ્ણવ વેપારી કોમોમાંની પણ ઘણી પૂર્વે જૈન હોવાનો સંભવ લાગે છે એટલે તેમની અલાયદી ગણતરી નથી કરી)નું અસ્તિત્વ છે., આમ વૈશ્યોનો જે પ્રભાવ ગુજરાતના જીવન ઉપર છે તેથી જેમ લાભ થયા છે તેમ ગેરલાભ પણ થયા છે, હવે જે લાભ છે તેથી ગુજરાતનું સાર્વજનિક જીવન વધારે ખીલે અને ગેરલાભો દૂર થાય એવી વાંછના પ્રગટવી જોઈએ, જૈન કોમે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ગુજરાતની પ્રગતિ માટે એમણે શું શું કરવું જોઈએ? પ્રો. બ. ક. ઠાકોર કહે છે કેળવણીવાળા સર્વે પ્રાંતોમાં ગુજરાત પાછળ છે,’ ગુજરાતમાં કેળવણીનો પ્રચાર જેવો તેવો નથી પણ કેળવણીના પ્રમાણમાં સાર્વજનિક જીવન જોઈએ તેવું ઉજ્જવળ નથી. મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબની જેવી પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર છે તેવી આપણા ગુજરાત પ્રાંતની અને આપણા ગુજરાતી લોકોની છે? નથી તો શી રીતે લાવી શકાય? જે પ્રાંતોની પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનાં કારણો વિચારી તે આપણે ત્યાં પ્રવર્તમાન થાય એવા સંજોગો ઊભા કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. ૩. રાજ્યતંત્રમાં માત્ર વકીલો કે દાક્તરોને જ સ્થાન નથી પણ વેપારીઓને અને ખેડૂતોને પણ હોવું જોઈએ. જૈન જેવી વેપારી કોમના કેટલા પ્રતિનિધિઓ ધારાસભામાં જઈ બિરાજ્યા? રાજદ્વારી પ્રવૃત્તિમાં કેમ જૈનો સામેલ નથી થતા? રાજ્યશાસ્ત્ર અને રાજ્યના પ્રશ્નોની ચર્ચા જૈનોમાં જેવી થવી જોઈએ તેવી થાય છે? ન થતી હોય તો તે કેવી રીતે કરવી? જૈનો રાજદ્વારી કાર્યોમાં રસ લેતા થાય અને પોતાનાં શક્તિ, અનુભવ અને સાધનોથી એ પ્રદેશમાં ગુજરાતની કીર્તિ વધારે એવો પ્રસંગ લાવવા હવે શરૂઆત થવી જોઈએ. ટૂંકામાં જૈન સભાઓનું ત્રણ દૃષ્ટિબિન્દુ પ્રત્યે લક્ષ ખેંચ્યું છે. આ પ્રશ્નોની સવિસ્તર ચર્ચા કરાઈ હોત તો સારું. પણ તેવી ચર્ચા જુદે પ્રસંગે કરવા અભિલાષ છે એટલે હાલ તો આટલાથી સંતોષ માનવો. પરિણામ આવશે તો ગુજરાતને લાભ થશે.