રણજિતરામ ગદ્યસંચય – ૨/નાતો અને ગુજરાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નાતો અને ગુજરાત

એમ કહેવાય છે કે ગુજરાતમાં જેટલી નાતો છે–માત્ર હિન્દુઓમાં નહીં પરંતુ મુસલમાનોમાં પણ જેટલી નાતો છે તેટલી હિન્દુસ્તાનના બીજા કોઈ ભાગમાં નથી. અલબત્ત, આ કિંવદંતી છે, શાસ્ત્રીય અન્વેષણને પરિણામે પ્રકટ થયેલી વસ્તુસ્થિતિ નથી. હિન્દુસ્તાનના બીજા વિભાગોની જ્ઞાતિવ્યવસ્થા અને જ્ઞાતિસંખ્યા સાથે મુકાબલો કરવા જરૂરી સાધનો ઉપસ્થિત નથી. એટલે હાલ કિંવદંતીને સાચી લેખી આપણે આપણી પ્રગતિનો વિચાર કરીએ છીએ. ગુજરાતમાં અસંખ્ય નાતો છે અને એમની જુદી જુદી દીવાલોને લીધે આપણે ત્યાં એકતા નથી, ભેદપ્રભેદ વૈમનસ્ય–ઉપેક્ષા છે, સહકારિતાનો અભાવ છે, રાષ્ટ્રીય ચેતન નહીં જેવું છે; હિન્દુસ્તાનમાં ગુજરાતની પ્રતિષ્ઠા નથી, ગૌરવ નથી; ગુજરાતનાં પ્રભાવ અને શક્તિનો સ્વીકાર નથી. નાતો સમૂળગી નાશ પામે અને ઈષ્ટ એકતા જન્મે એ ઘણાં વર્ષો લગી મિથ્યા આશા છે. કારણો ઘણાં છે. નાતોની ઉત્પત્તિની હજુ સંપૂર્ણ મીમાંસા થઈ નથી. કયા હેતુઓ સિદ્ધ કરવા જ્ઞાતિવ્યવસ્થા થઈ હતી તે હજુ આપણે જાણતા નથી. જગતમાં જુદા જુદા દેશોમાં સામાજિક વ્યવસ્થા થાય છે અથવા થઈ છે તેમની સાથેના મુકાબલામાં આપણી જ્ઞાતિવ્યવસ્થા કોઈ રીતે ઊતરતી લાગતી નથી. ઘણી રીતે ચડિયાતી પણ લાગે છે. અલબત્ત આ સંબંધમાં મતભેદ છે. આજ વર્ષો થયાં આપણા ઇતિહાસ, ધર્મ, સ્વભાવ, સંસ્કૃતિ, દેશનાં હવાપાણી, આપણા લોકોની ખાસિયતો વગેરેને અનુલક્ષી જે સામાજિક વ્યવસ્થા થઈ છે અને વિવિધ તુમુલ ઝંઝાવાતો વાયા અને સમુદ્રનાં પાણી આકાશ લગી ઊછળ્યાં ત્યારે જે જ્ઞાતિઓએ આપણું રક્ષણ કર્યું છે તેમનો ઉચ્છેદ કરી, યુરોપમાં અત્યારે સામાજિક વ્યવસ્થા અસંતોષપ્રદ, કલહજનક, દુઃખકારક ત્યાંના વિચારકોને લાગે છે તેનું સ્થાપન કરવું એ પ્રજાનો આત્મઘાત કરવા જેવું છે એવો પણ એક મત છે. એટલાં બધાં વર્ષોથી નાતોની સંસ્થા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે કે પ્રજાના આત્મા પર પણ તેના સંસ્કાર પડી ગયા છે. એક રૂપે નાત તોડશો તો તે બીજે રૂપે જન્મશે. દેહમાં હોય તે નાશ પામે પણ આત્મામાં હોય તે એકદમ શી રીતે નાશ પામે? આ ભિન્ન ભિન્ન અથવા સમગ્ર દૃષ્ટિબિન્દુઓ જ્ઞાતિનો વિનાશ ઇષ્ટ લેખતાં નથી. જ્ઞાતિઓના ભેદપ્રભેદથી પણ તીવ્ર ભેદપ્રભેદ જાતિઓ(race)માં અને ધર્મોમાં હોય છે છતાં આ જમાનામાં તેમની એકતા વિવિધ રીતે સિદ્ધ થાય છે– જાતિઓની ભિન્નતા કાયમ રાખી, ધર્મનાં અંતર વિરોધી રહેવા દઈ – એકતા સિદ્ધ થાય છે. એટલે આપણી નાતો આપણી એકતાને પ્રત્યવાય રૂપ થશે એવું માનવું એ ભ્રમણા છે. સમાજશાસ્ત્રનું અજ્ઞાન છે. જ્ઞાતિઓના ભેદપ્રભેદ રાષ્ટ્રીય ઉત્કર્ષને બાધક ન નીવડવાનો પણ સંભવ છે. આમ હોવાથી ગુજરાતની પ્રગતિનો વિચાર કરતાં જ્ઞાતિનો ધ્વંસ વિચારવા કરતાં જ્ઞાતિરૂપી સંસ્થા કેવી રીતે પ્રગતિને સહાયક થાય તેનો વિચાર કરવો ઘટે છે. એમના દુશ્મન બની એ સંસ્થા ઉપર હથોડા મારવા કરતાં, આપણા સામાજિક જીવનમાં રહેલું એમનું સ્થાન યથાર્થ સમજી, ઈષ્ટ પ્રાપ્તિ માટે એમનો જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરતાં અચકાવું ન જોઈએ. જ્ઞાતિનો નાશ એ આપણું લક્ષ્ય નથી. ગુજરાતનો ઉત્કર્ષ એ આપણું લક્ષ્ય છે અને જ્ઞાતિઓ નાશ પામ્યા વિના લક્ષ્ય પ્રાપ્તિ કરાવી શકે તો પછી જ્ઞાતિનાશ મુદ્દાનો પ્રશ્ન રહેતો નથી. મારી પોતાની આવી કાંઈક સમજ હોવાથી જ્ઞાતિઓ ગુજરાતનો ઉત્કર્ષ કેવી રીતે લાવી શકે તે સંબંધમાં, વધારે ઊંડા ઊતર્યા વિના, જે કાંઈ સૂઝ્યું છે તે આ લેખમાં સમાવ્યું છે. જ્ઞાતિઓના પ્રચલિત સ્વરૂપમાં શેનો શેનો અનુભવ થાય છે? જ્ઞાતિઓમાં એકતાની લાગણી છે. એકતાને લીધે મમતા છે; સહકારિતા છે. સહકારિતામાં સેવાભાવ, ત્યાગવૃત્તિ રહેલાં છે. ‘વર્ણાશ્રમ’ પ્રમાણે નાતોની રચના હોવાથી પ્રત્યેક નાતને પોતાની વિશુદ્ધિ, ધર્મપરાયણતા, હિન્દુસમાજની અખિલ ઘટનામાં રહેલા, પોતાના યોગ્ય સ્થાનનું અભિમાન છે. નાતોમાં સમાનતા છે, ઊંચનીચના, શ્રીમંત કે અકિંચનના ભેદ નથી. સર્વે એકસરખી જ્ઞાતિસેવા કરે છે. લોકશાસનનાં બીજ એમાં રહેલાં છે. પ્રત્યેક નાતને હિન્દુપણુંનું અભિમાન છે. હિન્દુ સંસ્કૃતિ તેમના જીવનમાં વણાયેલી છે. દરેક નાતને પોતાની ભાવના, પોતાનો આદર્શ હોય છે. મહિમા, પરાક્રમની મૂર્તિ તેમની કલ્પનાએ ઘડેલી હોય છે. ઉત્કર્ષ અથવા પ્રવૃત્તિના પણ પ્રેરનાર પ્રેરણા એ કલ્પનામાંથી આવે છે. બ્રાહ્મણ ભિક્ષા માંગતો હોય છતાં જે ધનાઢ્યો પાસેથી અથવા રાજા પાસેથી દ્રવ્ય કે જાગીર મેળવી શકે છે તે પરાક્રમી ગણાય છે. વાણિયો વેપારમાં ધનાઢ્ય થવા ઉત્સુક હોય છે. નાગર અમલદારી મેળવવા આતુર હોય છે. આમ પ્રત્યેક જ્ઞાતિમાં અક્ષરબદ્ધ થયા વગરની ભાવના હોય છે. જે જે ગામોમાં નાતોની વસ્તી હોય છે તે તે ગામો એ વસવાટથી લાભ પામે છે. નાતની પોળ હોય, નાતની સમૃદ્ધિના પ્રમાણમાં ઘરોની બાંધણી હોય, નાતનાં સ્ત્રીપુરુષોના પોષાક અને રહેણીકરણી હોય, નાતની વાડી હોય, નાતનું મંદિર હોય, ગામના જીવન પર પ્રભાવ પડે એવી નાતની વિદ્યા કે સમૃદ્ધિ કે સંસ્કૃતિ હોય, તે સર્વની અસર ગામને થાય છે. પ્રસંગ પરત્વે જ્ઞાતિભોજનો કરવા, લહાણું લહાવા, સંઘ લઈ જવા, દાન કરવા (કૂવા બંધાવવા, પરબડી બંધાવવા, પાંજરાપોળ નિભાવવા, બ્રાહ્મણાદિને મદદ કરવા અને તેમની વિદ્યા ઉત્તેજિત રાખવા નાતના અકિંચન લોકોને પોષવા વગેરે), અમુક અમુક પ્રકારની નીતિ પાળવા, ધર્મની વિધિઓ અને ઉત્સવો ઉજવવાના આગ્રહ જુદી જુદી નાતોમાં જુદા જુદા હોય છે અને તે તેમના ગૌરવના, મહિમાના, અભિમાનના વિષય હોય છે. પોષાકની, ભોજનની, રહેણાકની ફેશન નાતો પાડી શકે છે. નાગરી રસોઈ, નાગરી ઘરો, પારસીશાઈ કે ગરાસીઆશાઈ પોષાક, બ્રાહ્મણશાઈ, ભાટીઆશાઈ, કપોળશાઈ, વાણિયાશાઈ અનેક વસ્તુઓ મશહૂર છે. આપણી નાતોમાં સહકારિતા, દયા અને સમાનતા એ ખાસ કરીને તરી આવે એવા ગુણો છે. નવા જમાનાની અસર જેમ જેમ થતી ગઈ તેમ તેમ નાતોના આ ગુણો આવિર્ભાવ પામ્યા વિના રહ્યા નથી. કેળવણીની વૃદ્ધિ માટે માન અથવા ઇનામના મેળાવડા, શિષ્યવૃત્તિઓ, છાત્રગૃહો(બોર્ડિંગો), અખાડાઓ, મહિલામંડળો, પુસ્તકશાળાઓ, જ્ઞાતિપત્રો, યુવકમંડળો, પરિષદોની સ્થાપના જુદી જુદી નાતો તરફથી થાય છે અને દિવસે દિવસે વધવાનો પ્રબળ સંભવ છે. પોતામાં થતા લખલૂટ ખર્ચા બંધ કરવા, શ્રીમંત જેવા ખર્ચ કરવા જતાં ગરીબોને દેવાદાર થઈ જતાં અટકાવવા, નાતના યુવકો કન્યા વિના અપરિણીત ન રાખવા, કન્યાવિક્રય બંધ કરવા વગેરે વગેરે દોષો દૂર કરવા ઘણી નાતોએ બંદોબસ્ત કર્યો છે. સામાજિક સંબંધોના નિર્વાહનું જ મંડળ નાત નહોતી પણ નીતિપાલનની પણ વ્યવસ્થા હતી. દારૂ પીનાર, વ્યભિચારી, કેદની સજા ભોગવનારને નાત નાતબહાર મૂકી, નાતનો વેપાર બંધ કરી સજા કરતી અને એ રીતે નીતિનો પ્રદીપ અખંડ રાખતી. નાત ગાઢ સંકલનાવાળું મંડળ હોવાથી, પ્રત્યેક જ્ઞાતિજનનું જીવન ઈતર જ્ઞાતિજનોને પારદર્શક અને પ્રસિદ્ધ હોવાથી અનાચારની સખત ટીકા થતી અને વિશુદ્ધ રહેવાની ફરજ પડતી. નાતોમાં ઘણીવાર એક જ ધર્મ પ્રત્યે આસ્થા હોવાથી નીતિને જે પોષણ ધર્મ તરફથી મળે તે મળતું. સમાજની સમગ્ર રચનામાં પ્રત્યેક નાત સંકલિત હોવાથી નાતો એકબીજા સાથેના વ્યવહાર બંધ કરી નીતિની સત્તા જાળવે છે. દેશમાં વ્યક્તિસત્તાક રાજ્ય હતું. એટલે રાજ્યસેવામાં કોઈ નાત આગળ પડતી તો તેનો અને રાજ્યનો સંબંધ લાંબો કાળ ચાલતો. એકાદ પુરુષ બુદ્ધિબળથી કે રાજપ્રસાદથી રાજસેવામાં ઉન્નત થતો તો પોતાની જ્ઞાતિ સમસ્તને એ સેવામાં નિયુક્ત કરી તેની સ્થિતિ પ્રતિષ્ઠાપાત્ર કરવામાં તે ધર્મ લેખતો. વેપારમાં કે હુન્નરમાં કોઈ પુરુષ સફળ થતો તો પણ પોતાની જ્ઞાતિને એમાં રોકી પોતાના જેવી ઉન્નતિ સાધવાની સુગમતા કરી આપતો. જ્ઞાતિસંસ્થાથી જ કેટલાક વેપાર-ઉદ્યોગ જાહોજલાલીમાં હતા. વિદ્યા પ્રાપ્ત કરી કોઈ વ્યક્તિ સમર્થ થતી તો પોતાના જ્ઞાતિજનોને પોતાની વિદ્યાનો લાભ આપતી. જ્ઞાતિવ્યવસ્થામાંથી જન્મની મમતા અને સહકારિતાનાં આ પરિણામ હતાં. એમાં દેશ પ્રત્યે મમતા નહોતી. વફાદારી હતી પણ રાષ્ટ્રભાવના નહોતી. હિન્દુધર્મ પર નાતોની આસ્થા હતી. એ ધર્માનુસાર જે સામાજિક બંધારણ આચાર્યોએ નિયમિત કર્યું હતું તેનો તેમણે સ્વીકાર કર્યો હતો. હિન્દુસમાજ એક છે એવી ધાર્મિક અને સામાજિક લાગણીને સૌ વશ હતા. હિન્દુ સંસ્કૃતિથી સર્વનું આંતર અને બાહ્ય જીવન ઘડાયેલું હતું. આધ્યાત્મિક, નીતિપરાયણ અને વ્યવહારપરાયણ જીવનના મૂળ પ્રવાહ એમાંથી વહેતા હતા. વિગતવાર એ સ્થિતિનું બધું વર્ણન કરવાનું આ લેખમાં પ્રયોજન નથી. આ ઇમારતને અંગ્રેજી રાજ્યે, અંગ્રેજી કાયદાએ, અંગ્રેજી વિદ્યાએ, નવી આર્થિક યોજનાએ, સુધારાએ કેવી શિથિલ કરી નાંખી છે તેનું બ્યાન કરવાનું પણ પ્રયોજન નથી. એક મહત્ત્વની વાતનો સ્વીકાર કરવાની જરૂર છે. પ્રજાના આંતર અને બાહ્ય જીવનમાં અદ્ભુત ફેરફાર થતો જાય છે. જૂના કાળમાં જે આકાંક્ષા, જે મહેચ્છા, જે આદર્શ, જે વિલાસૈષણા, જે ધર્મભાવ, જે સંસ્કાર, જે લાગણીઓ, જે નીતિસંતોષ આપતાં હતાં તે હવે સંતોષ આપતાં નથી—જે પ્રેરણા પ્રેરતાં હતાં તે હવે પ્રેરતાં નથી. ચાલુ જમાનામાં વ્યક્તિઓનાં મન અને હૃદયમાં જે સારી યા નરસી વૃત્તિઓ ઉદ્ભવે છે તેમને જૂની સ્થિતિ ઊણી, નકામી કે વિરોધી લાગે છે. સ્ત્રીઓ અને પુરુષોની યૌવનાવસ્થાનું નિરીક્ષણ કરતાં આ પ્રતીત થશે. બે સંસ્કૃતિના સમાગમ કાળે આવું દરેક સ્થળે અને દરેક યુગમાં અને દરેક પ્રજામાં થાય છે. વૃદ્ધો અને યુવાનો વચ્ચે કલહ થાય છે, વૈમનસ્ય થાય છે. વૃદ્ધોનો દોષ એમનું નવી સ્થિતિનું અજ્ઞાન છે, પૂર્વજોએ જેનાથી સુખ ભોગવેલું તે વ્યવસ્થા પરની મમતા છે અને કાળે જે વ્યવસ્થાની કસોટી કરી શ્રેયસ્કર હોવાનો નિર્ણય નથી આપ્યો તે વ્યવસ્થા (અથવા ઊથલપાથલ) પ્રત્યે અવિશ્વાસ છે, એમનાં સંસ્કાર, અનુભવ, ભાવના આ સંક્રાન્તિયુગમાં દુઃખ, નિપાત, ધ્વંસ નિહાળે છે. જે જે યુવાનોને શ્રેયસ્કર લાગે છે તે તે તેમને લાગતું નથી પણ એથી વિપરીત લાગે છે પણ આ કલહ ઊભો કરવાનો દોષ યુવાનોનો છે. યુવાનોએ પોતાના વડીલોની સ્થિતિ સમજવા પ્રયત્ન ન કીધો. વ્યક્તિના વિલાસ માટે સમાજને છિન્નભિન્ન કરવા થાય તેટલું કર્યું; પછી સમાજ સ્વસંરક્ષણને માટે સામું થાય એમાં નવાઈ નથી. હજુ યુવાનોએ પોતાને જે પ્રિય લાગે છે તે હિન્દુ સમાજને હિતકર છે એવું સાબિત કરી આપ્યું નથી, વળી જે ફેરફારો એમણે ઇષ્ટ માન્યા તેનાં બાહ્ય સ્વરૂપ ઉપર પરદેશીની છાપ હતી. પરદેશી સંસ્કૃતિના આક્રમણ સામે હિન્દુ સમાજે સૈકાઓ લગી પોતાનું રક્ષણ અનેક વિટંબણાઓ અને મૂંઝવણો છતાં કર્યું છે. આવો સમાજ નવી પરદેશી વસ્તુનો સ્વીકાર કરવા તત્પર થાય ખરો? હિન્દુસ્તાનમાં પરદેશીઓનો પ્રવેશ અવિરત થયા કર્યો છે. તે સર્વનો હિન્દુ સમાજે પોતામાં સમાસ કર્યો છે. તેમની કાંઈ કાંઈ ખાસિયતોને હિન્દુરૂપ આપી દીધું છે. આ બધા ઇતિહાસથી, અનુભવથી, શાણપણથી યુવાનો અપરિચિત હતા. જુવાનીનો ઉકળાટ લાગણીભર્યો હોય છે, વિચાર ગંભીર નથી હોતો, પણ હવે વસ્તુસ્થિતિ સમજાઈ છે. જુવાનો પ્રૌઢ થયા છે અને નવા જુવાનો જન્મ્યા છે. તેમની દ્વારા નવી લાગણીઓ પ્રકટવા માંડી છે. જૂના જુવાનો અને નવા જુવાનો વચ્ચે પણ વિરોધનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. એટલે શાંતિના, પ્રગતિનાં સમાધાનો થશે. છિન્નભિન્નતા નહીં પણ ખીલવણી લક્ષ્ય બનશે. જે સ્થિતિમાં આપણે હતા તે સ્થિતિમાં રહી શકીએ એમ નથી એ પૂરેપૂરું બધાએ સમજવાની જરૂર છે. તે ઉપરાંત અમુક અમુક દિશામાં ગતિ કર્યા વિના પણ છૂટકો નથી. સ્વસંરક્ષણના ઝઘડાઓમાં આપણી બધી શક્તિઓ ખર્ચાઈ ગઈ હતી. જે ઉજ્જવળ ચિત્ર જ્ઞાતિઓનું શરૂઆતમાં આપ્યું છે તેવું નહોતું. જ્ઞાતિસંસ્થા હોવા છતાં અનીતિ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. સત્તાધીશો ન્યાય અને સત્ય કરતાં પક્ષાપક્ષીથી અમલ ચલાવતા હતા. પલટાયેલી સ્થિતિનું સ્વરૂપ સમજવાનું જ્ઞાન નાતોમાં નહોતું, તે સ્વરૂપ ઓછામાં ઓછી હાનિથી સ્વીકારવાનું મનોબળ નહોતું. સમાજ છિન્નભિન્ન કરવા બહારથી જે પ્રહારો થતા હતા તે વખતે અંદરથી પણ સડો થતો હતો. આ સર્વે વિરોધી કે એકલક્ષી પ્રવૃત્તિઓનાં સમાધાન અને સમન્વય કરવાનું કાર્ય આવશ્યક થતું જાય છે. નાતો સંબંધી સંક્ષેપમાં જુદા જુદા દૃષ્ટિબિન્દુથી વિચાર કર્યો. એમના પરત્વે પક્ષપાત રાખી વિચાર કર્યો. પણ ત્યાં અટકી શકાય એમ નથી. એક મહત્ત્વના દૃષ્ટિબિન્દુથી નાતો સંબંધી વિચાર કરવાનો છે. નાતો હિન્દુસમાજના અંગ જેવી હતી અને હજુ છે. પણ હાલમાં નવી ભાવના ઊભી થઈ છે. ધર્મ સાથે જેટલો જ્ઞાતિજનોને સંબંધ છે તેટલો જ સંબંધ જે દેશમાં તેમનો વસવાટ હોય છે તેની સાથે હોય છે. જેવું ધર્મપરાયણ જીવન આજ લગી ગણાતું હતું તેવું જ હવેથી સાથે સાથે દેશપરાયણ જીવન ગાળવાનું છે. ધર્મને અર્થે જે જે પ્રયાસો, પ્રયત્નો, પ્રવૃત્તિ, સમર્પણો, ત્યાગ, અભિનિવેશ આદિ થતાં હતાં તે તે દેશને માટે થવાની જરૂર છે. જીવનનાં લક્ષ્યબિન્દુઓમાં દેશને સ્થાન આપવાનું છે. મોક્ષ માટે કે પરભવ સુખી કરવા માટે જે જે પાવક વૃત્તિઓ લેખાઈ છે તેમાં દેશ માટેની મમતા, દેશના ઉત્કર્ષ માટેની કામના અને પ્રવૃત્તિને પણ સમાવવાની છે. નાતોનાં કેવા કેવા ગુણો છે તેનું દિગ્દર્શન આપણે કર્યું છે. હવે એ ગુણોનો ઉપયોગ બીજે બધે થાય છે તે ઉપરાંત દેશને માટે કરવાનો છે. આમાં બહુ મોટી અડચણો કે હાડમારી ખમવાની નથી. માત્ર જે જે થાય છે તેનાં પ્રેરક બળમાં દેશપ્રેમને મૂકવાનો છે. એથી પરિણામ જુદું આવશે. આપણી શક્તિ વધશે અને પ્રતિષ્ઠા પ્રસરશે. દેશને અત્યારે એટલી બધી વસ્તુઓની જરૂર છે કે દરેક નાત પોતાનાં સાધનો, શક્તિઓ, ખાસિયતો, સંપન્નતાઓ, જુદી જુદી વસ્તુની પ્રાપ્તિ માટે વાપરે—એકરાગથી અને દેશના કલ્યાણની વૃત્તિથી ઉત્કર્ષના ક્રમે લે તો જે અભિશાપ, ધિક્કાર, વિરોધને પાત્ર જ્ઞાતિસંસ્થા થઈ છે તેને બદલે સમાજના અને દેશના સ્તંભરૂપે પ્રશંસા પામે. જરૂરની બધી વસ્તુઓનું બયાન કરવા જતાં બહુ વિસ્તાર થાય માટે ટૂંકા સૂચનથી જ સંતોષ પામીશું. જુદી જુદી નાતો હોવા છતાં—બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, ભંગીયા હોવા છતાં–સર્વે પોતાની જાતને હિન્દુ માને છે; ઔદીચ, રાયકવાળ, ગિરનારા, મેવાડા, સારસ્વત, તપોધન હોવા છતાં સર્વે બ્રાહ્મણ અને હિન્દુ છે; કપોળ, મોઢ, લાડ, નાગર, સોરઠીઆ, ઓસવાળ, પોરવાડ હોવા છતાં સર્વે વાણિયા હિન્દુ છે; હાલારી, પ્રશ્નોરા, સુરતી નાગર, ચરોતરી પાટીદાર, ઈડરીયા ઔદીચ્ય, કચ્છી જૈન, ઘોઘારી ખારવા, ચાંપાનેરી ઘાંચી હોવા છતાં સર્વે હિન્દુ છે. બ્રાહ્મણો એમને વૈદિક કે પૌરાણિક સંસ્કારો કરાવે છે, હિન્દુઓનાં ધર્મસ્થાનોમાં જવાની એમને સદર પરવાનગી હોય છે, કાયદાઓને તેઓ આધીન છે, હિન્દુધર્મના પરમ સિદ્ધાંતો કર્મ અને પુનર્જન્મમાં એ સર્વેની આસ્થા છે. એમની બોલીને લઈ હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાં એઓ જાય છે અથવા જઈ વસે છે, ત્યાં ગુજરાતી તરીકે ઓળખાય છે. આટલામાં એક જ વાત ઉમેરવાની છે કે એમનો દેશ ગુજરાત છે, અને એઓ ગુજરાતી છે. હિન્દુ છીએ તે વખતે ગુજરાતી છીએ એવું અભિમાન એમના લોહીમાં ધબકવું જોઈએ. જે જે ગુજરાતીઓ આફ્રિકા, અરબસ્તાન, સિંધ, બ્રહ્મદેશ, ચીન જાય છે તેમને આવી ભાવના અનુભવતાં સંકોચ થયો નથી. તેમના હિન્દુપણા કે હિન્દીપણામાં અંતરાય આવ્યો નથી. ગુજરાતમાં રહ્યે રહ્યે એ જ્વલંત ભાવના આપણે નહીં અનુભવી શકીએ? અલબત્ત અનુભવી શકીશું. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે જે અંતરાયો છે તે એથી દૂર થશે. જ્ઞાતિજ્ઞાતિઓ મળી જે જે સાર્વજનિક સેવાઓ કરે છે તેની સંખ્યા કે વિસ્તાર વધશે. આવા આવા પ્રસંગે ઐક્યની લાગણી પોષાશે અને રાષ્ટ્રના રૂપમાં આપણે પરિવર્તન પામીશું. ગુજરાત અત્યારે કઈ કઈ રીતે ન્યૂન છે? આ પ્રશ્ન જેમ પ્રત્યેક વ્યક્તિએ તેમ જ્ઞાતિએ પૂછવાનો છે. જે જે પ્રવૃત્તિઓ જ્ઞાતિ આદરે અથવા પોષે તે તે ગુજરાતને કેવી રીતે લાભકારી થાય તેનો પણ વિચાર થવો ઘટે છે. આ સંબંધમાં કાંઈ વ્યવહારુ માર્ગદર્શન થઈ શકે તો કરીએ. પ્રથમ રાજ્યતંત્રમાં આપણું લક્ષ્ય લોકશાસક થતું જાય છે, તે સંબંધમાં જ્ઞાતિઓ શું કરી શકે? શાસન અને સત્તા માત્ર એક જ માણસ, એક જ કુટુંબ, એક જ જ્ઞાતિ, એક જ જાતિના હાથમાં ન હોવાં જોઈએ. જે સર્વ પર શાસન કરવાનું છે, તેમનાં સંમતિ અને સહાયથી શાસન કરવામાં લાભ છે. જ્ઞાતિઓની રચનામાં આવા લોકશાસનનાં બીજ છે, પણ તેને વધારે વિકસાવવાની જરૂર છે. જ્ઞાતિઓની વ્યવસ્થા માટે હાલ જે બંધારણો છે તેમાં આ દૃષ્ટિથી ફેરફાર થવાની જરૂર છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ માટે પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે એક આવી યોજના રજૂ કરી હતી; પરંતુ જ્ઞાતિસત્તાથી યુવાનોને હેરાન થવું પડયું છે, અને સત્તા જ્યાં લગી પોતાના હાથમાં ન આવે ત્યાં લગી ગતિ નથી એવા મૂર્ખાઈભરેલા વિચારને તેઓ વશ છે, ત્યાં લગી બંધારણનું યુવાનો સ્વાગત કરવા તૈયાર નથી. વૃદ્ધો પોતાની સત્તાનો ત્યાગ કરવા, યુવાનોની સાથે સત્તા વાપરવા તૈયાર નથી, પણ દેશને માટે લોકશાસનના અનુભવની સાચી પ્રતીતિ થશે તો આ વિરોધો સમશે. આપણા રાજ્યતંત્રમાં મ્યુનિસિપાલિટી, યુનિવર્સિટી, ધારાસભા વગેરે જે લોકશાસનના તત્ત્વાનુસારી સંસ્થાઓ છે તેમાં પ્રતિનિધિ મોકલવાના હોય ત્યારે આપણો મત આપણા જ્ઞાતિજનને નહીં પણ લોકસેવા ઉત્તમ રીતે કરી શકે એવા યોગ્ય અને નિપુણ ગુજરાતીને આપવાથી આપણે લોકશાસનને ઉત્તેજન આપી શકીએ. રાજ્યતંત્રમાં વધારે સત્તા મેળવવા લડત ચાલતી હોય ત્યારે આખી નાત મદદ આપી શકે. દુકાળ કે રેલના સંકટ વખતે કે પાંજરાપોળ નિભાવવા મદદ નાતો કરી શકે છે. આવી જ રીતે દ્રવ્યની અને માણસની મદદ નાતો રાજદ્વારી લડત વખતે કરી શકે. અન્યાય કે જુલમ થતો હોય તો હડતાળ પાડી નાત પોતાનો વિરોધ બતાવી શકે. જે પ્રજા બુદ્ધિની સંપત્તિમાં મોખરે છે તેનો જ વિજય છે, તેને સુખ છે. આજે એવો જમાનો નથી કે અજ્ઞાનમાં શતકોનાં શતકો ગાળીએ અને સુખ, વૈભવ માણીએ. બુદ્ધિની સંપત્તિ ઓછી હશે તો વિશેષ જેમની બુદ્ધિ ખીલી છે એવી પ્રજાએ તેના પર હકૂમત ચલાવશે; બધી રીતે તેને પરતંત્ર કરશે; સ્વાવલંબન માટે સહેજ પણ અવકાશ રાખશે નહીં. જ્યાં સ્વાવલંબન નથી ત્યાં મૃત્યુ છે. ગુજરાતે પણ બુદ્ધિશાળી પ્રજા થવાની જરૂર છે. એને મૃત્યુ ન પામવું હોય તો પોતાની બુદ્ધિ પૂરેપૂરી રીતે ખીલવવાની જરૂર છે. નાતો આ બે રીતે કાર્ય સાધી શકે. નાતમાં પ્રત્યેક સ્ત્રીપુરુષની બુદ્ધિ કેળવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે, જેમણે ન કેળવી હોય તેમને દુઃખી થવું પડે, જેમણે કેળવી હોય તેમને એથી વધારે લાભ પ્રાપ્ત થાય, બુદ્ધિ કેળવવા સાધનો કે જોગવાઈ ન હોય તો તેની તજવીજ નાત કરી આપે; એ એક રીત. બીજું નાતમાં અથવા પરનાતમાં કોઈ પ્રખર બુદ્ધિશાળી નર હોય તેને તેની બુદ્ધિ સંપૂર્ણ ખીલવવાની જોગવાઈ સમગ્ર નાત કરી આપે તે અથવા દેશના વતનીઓમાં ગમે તે કોઈ એવો હોય તે ગમે ત્યારે એવો લાભ મેળવી શકે માટે કોઈ સંસ્થા સ્થાપે તે બીજી રીત. ઘણા શ્રીમંતો પોતાની જ્ઞાતિનાં શિક્ષાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપે છે, છાત્રગૃહો સ્થાપે છે, નિશાળો સ્થાપે છે; ઘણા શ્રીમંતો પોતાનાં વતન ગાળતા શિક્ષાર્થીઓને એવા જ લાભ આપે છે. એવી જ રીતે દેશસમગ્રને લાભ થાય તેવું કરવાનું છે અને હાલ જેટલું થાય છે તેનો બને તેટલો વિસ્તાર કરવાનો છે. યુરોપમાં ઘણાં ગામો, મહાજનો અને શ્રીમંતો વિદ્યાપ્રસારણ અને વિદ્વત્તાના આવિર્ભાવ માટે પુષ્કળ દ્રવ્ય ખર્ચે છે. આપણે ત્યાં ધનાઢ્ય નાતો—જૈન, વાણિયા ભાટિયા, કપોળ, લુવાણા, ખોજા, મેમણ, વૉરા, પાટીદાર, નાગર – જેવી નાતોએ એવાં વિદ્યાપીઠો ઊભાં કરવાં જોઈએ. એમનું દ્રવ્ય એમના સુખવૈભવ માટે, એમની જાહોજલાલી બતાવનારા પ્રસંગો ઊજવવા માટે કે બ્રાહ્મણો ને મંદિરો માટે વપરાય છે તે ઉપરાંત આ રીતે વપરાય તો એમના દેશનું ઋણ એમનાથી ફીટશે. દેશમાં જ્ઞાન વધશે, દેશીઓની બુદ્ધિ ખીલશે તો પછી વેપાર-ઉદ્યોગ હાલ છે તેથી વધારે ખેડાશે. વિજ્ઞાન આપણને આધીન થશે તો પછી આપણો પ્રભાવ વધશે. રાજ્યદ્વારમાં, નાણાંવ્યવહાર(Finance)માં, લશ્કરમાં આપણી પ્રતિષ્ઠા થશે. નાતો વચ્ચે ભેદ છે, અંતરાય છે. છતાં નાતો આ બધું ગુજરાતને માટે કરવા ધારે તો કરી શકે. સાથે હળીમળીને દરેક નાતો પ્રગતિ કરશે તો લાભ છે, નહીં તો શરીરનું એક અંગ જેમ કસાયેલું હોય અને બીજાં અંગો વિકસતાં હોય એવા પુરુષની જેવી દશા થાય અને કસાયેલું અંગ નિરુપયોગી ભારરૂપ નીવડે તેમ એક નાત આગળ પડતી હોય, અને બીજી નાતો તદ્દન પછાત હોય તો આપણા દેશની અને તે પ્રગતિશાળી નાતની પણ એવી જ વલે થવાની. જ્ઞાતિઓમાં દયા અને સહકારિતા છે તેની સાથે દેશને માટે વ્યક્તિ વ્યક્તિ પરત્વે ઉપરાંત નાતજાત પરત્વે સહકાર્ય કરવાની વૃત્તિ કેળવવી જોઈએ અને દેશના ગૌરવ માટે મહેચ્છા જાગૃત કરવી જોઈએ. એકબીજા સાથે જમી ન શકીએ, એકબીજાની અંદર લગ્નસંબંધ ન બાંધી શકીએ છતાં આપણે આટલું તો કરી શકીએ. નાતો અત્યાર લગી જે કરતી આવી છે તેવું જ કાર્ય કંઈક વિસ્તારથી, ઊંચી લાગણીથી, ઉદાર મમતાથી કરવાનું છે. નાતોને અંગે જે જે પ્રવૃત્તિ થાય છે તે દેશપરાયણ કરવા નાતોના આગેવાનો પ્રયત્ન કરશે તો એમને યશ અવશ્ય મળશે. ભારતવર્ષના બીજા પ્રાંતો ચેતનવંતા, ઉત્કર્ષશાળી, પ્રભાવપૂર્ણ થતા જાય છે, તેવે સમયે ગુજરાતની નાતો પોતાનું કર્તવ્ય સમજી પોતાની શક્તિઓ અને સામગ્રીઓ ગુજરાતના ઉત્કર્ષને માટે વાપરશે તો એમની શક્તિઓને અનુરૂપ ગુજરાતને ગૌરવભર્યું સ્થાન ભારતવર્ષમાં તેઓ અપાવી શકશે. લક્ષ્મીપ્રાપ્તિનાં ત્રણ મોટાં સાધનો છે. ખેતીવાડી, વેપાર અને ઉદ્યોગ— હિંદીઓમાંથી વેપાર અને ઉદ્યોગના પ્રદેશમાં જે લોકો મોખરે છે તેમાં આપણે ગુજરાતીઓ મોખરે છીએ. આ વેપાર-ઉદ્યોગના યુગમાં એ ગુણ આપણે કેળવ્યો છે અને ભારતવર્ષને એની ન્યૂનતા રહેવા દીધી નથી, કલંક લાગવા દીધું નથી. છતાં આપણામાં રાષ્ટ્રભાવ નથી. આપણા ગુજરાત માટે મમતા નથી, આપણી નાતો નાતો વચ્ચે દેશ માટે સહકાર્ય નથી. આપણામાં જેટલો જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ તેટલો નથી, આપણું ચારિત્ર્ય જેટલું ખીલવું જોઈએ તેટલું ખીલેલું નથી એટલે બંગાળીઓ, દક્ષિણીઓ કે પંજાબીઓ જેવી ગુજરાતીઓની આબરુ નથી. આબરુ અપાવવી એ નાતોની ફરજ છે.