રણજિતરામ ગદ્યસંચય – ૨/સુરતના ભૂતકાળમાં નજર

From Ekatra Foundation
Revision as of 02:10, 9 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુરતના ભૂતકાળમાં નજર[1]

ફ્રાન્સિસની વાડીમાં થયેલા સમારંભ સુરતના ઇતિહાસમાં અપૂર્વ અને ચિરસ્મરણીય છે. એ સ્થળ સ્મૃતિમાં સંતાયેલો ભૂતકાળ ખડો કરે છે. હતો એક દિવસ જ્યારે ફ્રાન્સિસ, અંગ્રેજ, ફિરંગી, વલંદા, આરબ, ઈરાની, ચીના, મોગલ, મલબારી વગેરે સોદાગરોનો વેપાર આ નગરમાં ધમધોકાર ચાલતો; હતો એક દિવસ જ્યારે એ વેપારથી વધેલા વૈભવથી લોભાયેલા મલિક અમ્બરો, શિવાજીઓ— મુસલમાન, મરાઠા અને ફિરંગી લૂંટારાઓ તીડની માફક શહેર પર ઊતરી પડી રૈયતને રંજાડતા; હતો એક દિવસ કે પાશ્ચાત્ય સોદાગરોએ નવાબને મદદ કરી અને પરિણામે નવાબી ગઈ—સોદાગરો ચક્રવર્તી થયા અને તેમના અમલે સુરતનું નૂર મુંબઈમાં પ્રગટાવ્યું અને સુરતીઓને સમગ્ર ભારતવર્ષની દેશજનતા પોષવાની અને સત્કારવાની શક્તિ બક્ષી. ચક્રવર્તી સામ્રાજ્યની છાયામાં જાગેલી દેશજનતા (Nationality) અને સ્વદેશપ્રેમની ભાવનાઓના પ્રેર્યા દેશોદ્ધાર અર્થે દેશદેશાવરથી ધર્મ, પ્રાન્ત કે જાતિના વેર, દ્વેષ, મતમતાન્તર વીસરી હિંદુ, મુસલમાન, પારસી, વિશ્વાસીઓ એકઠા મળ્યા છે. એ સંમેલન સુરતના અતીત ઇતિહાસમાં આ પંચરંગી પ્રજાએ કેવો અને કેટલો રંગ જમાવ્યો હતો તે આલેખવા ઉત્કંઠા થાય છે. ગુજરાત વેપારીઓનું બ્રહ્માવર્ત છે. પંજાબમાં આર્યો વેદના ગાન ગાતા હતા ત્યારે દક્ષિણના અને સૌરાષ્ટ્રના દ્રવિડો મિસર અને બાબિલોન સાથે વેપાર ખેડતા. ભૂમધ્ય સમુદ્રમાં વહાણવટી ફિનીશીઅનો નિવાસો(Colonies) સ્થાપતા, વેપાર ચલાવતા અને તે રીતે સંસ્કૃતિનું પ્રયાણ ગતિમાન કરતા. તેવી જ રીતે અરબી સમુદ્ર અને હિંદી મહાસાગરમાં દ્રવિડોનાં વહાણો માલ અને સંસ્કૃતિની લાવ–લઈજા કરતા. જમાનાના જમાના વહી જાય છે. સૌરાષ્ટ્ર અને લાટ તથા અપરાન્તમાં આર્યો, શક, ગ્રીક, પારસી, આદિ પ્રજાઓ વસે છે અને ભૂમિને પખાળતા સમુદ્રને કાંઠે નાનાંમોટાં બંદરો સ્થાપે છે. સોપારા, ભરૂચ, ખંભાત, ઘોઘા, ધોલેરા, વેરાવળ, રાંદેર, ટંકારિયા, વગેરે વગેરે સ્થળે હિંદુસ્તાન અને પરદેશનું વાણિજ્ય જાહોજલાલીમાં આવજા કરતું. આ બંદરોના સાહસિક ખલાસીઓ અને વાણિયાનાં સાહસપરાક્રમ લોકકથા, જૈન રાસા આદિમાં સંઘરાઈ રહ્યાં છે તેમ આરબ, ચીની અને યુરોપીય મુસાફરોના પ્રવાસવૃત્તાંતમાં પણ પ્રશંસા પામ્યાં છે. ગુજરાતમાં જુદે જુદે જમાને પ્રસરેલી ધર્મની અને પરદેશી રાજ્યકર્તાઓની છોળોએ સમુદ્રના બદલાતા પ્રવાહની માફક પોતપોતાને અનુરૂપ બંદરો—નિષ્ક્રમણદ્વાર શોધ્યાં હતાં. બિલ્હણ કવિની માફક એમના સંતાપ સમુદ્રદર્શન અને દરિયાઈ સફરથી ઊડ્યા હતા. દેશદેશના વેપારીઓ ને કારીગરો બંદરોમાં એકઠા થતા એટલું જ નહિ પરંતુ પરદેશીઓ વેપારની ઇચ્છાથી, વખાના માર્યા કે જુલમીઓના ત્રાસમાંથી છૂટવા બંદરોમાં અને ત્યાંથી આસપાસના પ્રદેશમાં આવી વસી દેશની આબાદી વધારતા. આવી કેટલી પ્રજાઓ આવી હશે તેનો ખ્યાલ આજ આવી શકે એમ નથી. પારસીઓ અને આરબો સિવાયની પ્રજાઓ હિંદુ થવાથી એ ઇતિહાસ જાણવાનાં સાધન લુપ્ત થયાં છે. મક્કાના પેગમ્બરના દીનની હાક ભારતવર્ષમાં ગાજી રહી હતી. પેગમ્બરના અનુયાયીઓનો સૂર્ય મધ્યાહ્નમાં તપતો હતો ત્યારે દીનના ફરમાન મુજબ હજ કરવા જનારાઓનાં વહાણો સુરતથી ઊપડવા લાગ્યાં તે આગમચ વેરાવળ હાજીઓનું કાબુલ–મક્કા હતું. રાજ્યકર્તાની અમી નજર ઠરી એટલે ગોપી અને રાંદેરી વેપારીઓના પ્રયાસે ખીલતું માછીનું ગામડું મોટું બંદર થયું. અમદાવાદ, ભરૂચ, ખંભાત, ચાંપાનેર, રાંદેર અને આસપાસનાં ગામડાંઓમાંથી લોકોનાં વહેણ સુરત તરફ વહ્યાં. અમદાવાદમાં બાદશાહી તૂટી સૂબેદારી સ્થપાઈ એટલે કસબ-કારીગીરી, ધંધોરોજગાર ઓછાં થયાં અને ત્યાંથી નીકળી સુરતમાં જઈ વસ્યાં. સુરતના બારામાં મોટાં સફરી જહાજો લંગરાવા માંડ્યાં એટલે બીજાં બંદરોનો વેપાર પણ સુરત તરફ વળ્યો અને બંદરી વેપારીઓ સુરતમાં આવી વસ્યા. આજ જેમ મુંબઈ કરાંચીને લીધે સુરત, દમણ, ખંભાત અને કાઠિયાવાડી બંદરોનો વેપાર પડી ભાંગ્યો છે અને શેરીઓની શેરીઓ નિર્જન થઈ પડી છે તેમ સુરતના ઉદયકાળ વખતે ગુજરાતના અનેક નગરમાં થયેલું. અંગ્રેજ વેપાર કરવા અમદાવાદમાં આવ્યા ત્યારે વેપારની ધમાલથી ગાજતું સરખેજ આજે અમદાવાદના મિલઉદ્યોગને લીધે નીરવ બની ગયું છે. આવી આસમાનીસુલતાની નગરોના છઠ્ઠીના લેખ લખતી વેળા વિધાત્રી નિર્માણ કરે છે અને તેથી જ શેષ નાગના માથામાં મારેલી ખીલી અવિશ્વાસને સંતોષવા પાછી કાઢી પૂંછડામાં મારવાની દંતકથાઓ નગરોના ભંગુર જીવન ઉપદેશવા પ્રચલિત થઈ હશે. સુરત તરફ વળેલા વિવિધ નાગરિકો પોતપોતાના નગરની ખાસિયતો, સારાનરસા ગુણો, ઊંચીનીચી રસજ્ઞતા અને અનુભવો સાથે લેતા આવ્યા. આ મુસલમાની શહેરમાં મુસલમાનોના અને તેમના પાટનગર દિલ્હી તરફના મોજશોખો પણ આવ્યા. શોખીન, રસજ્ઞ અને બુદ્ધિશાળી મોગલોનો અમલ દિલ્હીમાં પૂર દમામમાં હતો. ત્યાંથી એ સઘળું હજ કરવા જવાના બંદરમાં આવ્યું—ત્યાં સત્કારાયું, ઉત્તેજાયું અને પોષાયું અને પરિણામે સુરતના જીવનમાં એકરસ થઈ ગયું. ગુજરાતમાં બીજે નહિ પણ સુરતમાં કલગીતોરાવાળાની ઉત્તર હિંદુસ્તાનમાં ભરાતી તેવી મહેફિલ જામતી, વેશ્યાઓ અને બીજી ગાનારીઓના નાચ, ગરબા અને મુજરા મોગલોના દરબારમાં ઊછરેલા સંગીતની ખૂબી ને મસ્તી અનુભવાવતાં, મોગલ સુબાઓની સાથે આવેલા મુત્સદ્દી કાયસ્થો એમના ‘મકાન’માં ઉત્તરની મોજમજા માણતા,—ગુજરાતમાં બીજે નહીં એવો પતંગ ચગાવવાનો અને જાનવરોની શરત દોડાવવાનો શોખ દિલ્હી તરફથી સુરતમાં જામ્યો હતો; અમદાવાદ અને દિલ્હીના કુશળ કારીગરો કિનખાબ વગેરે સોનેરી રૂપેરી કાપડ વણી અને હાથીદાંતનું નકશીદાર કામ કરી પરદેશીઓને સુરતની રસવૃત્તિથી ચકિત કરતા. ગોકુળમથુરામાં વહેતી રસની રેલ પણ સુરતમાં આવી હતી. આ રસ અને દિલ્હીના મોગલ શોખોમાં તરબોળ થયેલા પુષ્ટિમાર્ગીય આચાર્ય વલ્લભાચાર્ય સુરત આવી વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા આપી ગયેલા.[2] વલ્લભાચાર્યની દીક્ષાએ ભક્તિમાર્ગને પોષ્યો અને વિલાસી સુરતને અનુકૂળ ધર્મ આપ્યો. ગોરો સાથે જનોઈ બદલાવવાના પ્રસંગે કાયસ્થોને થયેલી તકરારનો નીવડો એ જ સંપ્રદાયે આણ્યો હતો. જનોઈ તોડી કંઠી તેઓએ બાંધી હતી. નવાબીની અમલદારીની એમની સમૃદ્ધિએ ખાસ મંદિર બાંધી ગોસાંઈજી મહારાજની ખાસ ગાદી પણ સ્થાપી. સુરતના મોટા મંદિર—આચાર્યજીની ગાદીના ગોસાંઈ જીવણલાલ મહારાજે સુધારાવાળાઓની સામે ઝંડો ઉપાડ્યો હતો અને ‘મહારાજ લાયબલ કેસ’થી એ સંપ્રદાયને સમગ્ર દુનિયામાં પાશવ અને અધમ લેખાવ્યો. હાજીઓનું બાબુલ મક્કા મુસલમાન સલ્તનતમાં હિંદુસ્તાનના વેપારનું મુખ્ય મથક થયું એટલું જ નહિ પણ એશિયાનું મોટું બંદર અને શહેર થયું. યુરોપ, આફ્રિકા, એશિયાના સોદાગરોથી સુરત ઊભરાતું. વેપારથી તેની જાહોજલાલી વધવા લાગી—તેનો સૂર્ય મધ્યાહ્નમાં તપવા લાગ્યો. ગુજરાત જીતી, મીરઝાઓને વીખેરી નાંખી અકબરે સુરત મોગલ સામ્રાજ્યને અધીન કર્યું, અને બાદશાહી સૂબો મોકલ્યો ત્યારથી સુરતની સૂરત ખરેખરી ખીલી નીકળી. સામ્રાજ્યમાં જુદે જુદે ઠેકાણે બનતો માલ પરદેશ મોકલવા સુરતના બંદરે આવતો. આરબ સોદાગરો ઉપરાંત યુરોપના ફિરંગી, અંગ્રેજ, વલંદા અને ફ્રાન્સિસે શહેરમાં કોઠીઓ નાંખી હિંદુસ્તાનનો માલ પોતાને દેશ મોકલતા અને ત્યાંનો માલ અહીં વેચતા. મુલ્લાં ખડકીના ઓવારા પાસે અંગ્રેજોની કોઠી હતી; ત્યાંથી સહેજ આગળ ફિરંગીઓની હતી. હાલની ટપાલ ઑફિસ અને ડાક બંગલો છે ત્યાં વલન્દાની હતી—આજ પણ એ ભાગ વલન્દાના ઓવારાના નામથી ઓળખાય છે; અને જ્યાં કોંગ્રેસ કૉન્ફરન્સના મેળાવડા મળ્યા હતા ત્યાં ફ્રાન્સિસની કોઠી હતી. કિલ્લા ઉપર મોગલ શહેનશાહનો અને કોઠીઓ ઉપર યુરોપીય વેપારીઓના વાવટા ઊડતા. વેપાર અર્થે પરદેશીઓના તેમ જ સુરતી સોદાગરોનાં જબરાં જહાજોની ઠઠ જામતી. સ્વાલી બંદર આગળ યુરોપીય જહાજો અદેખાઈથી જંગ મચાવતાં પણ ખરાં. સફરી જહાજો એમ એકઠાં થતાં એટલું જ નહીં પણ નવાં જહાજો બંધાતાં પણ ખરાં. મક્કે જનારાં ‘રેહમી’ અને ‘મહમદી’ વહાણોનું માપ એક પાશ્ચાત્ય મુસાફરે આપ્યું છે. ‘રેહમી’ની લંબાઈ ૧૫૩ ફૂટ, પહોળાઈ ૨૪૦ ફૂટ ને ઊંચાઈ ૩૧ ફૂટ હતી. ‘મહમદી’ની લંબાઈ ૧૩૬ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૨૯।। ફૂટ હતી. ઇમારતી લાકડાનાં તે બાંધવામાં આવતાં. નાળિયેરનાં છોડાંનાં દોરડાં અને ડામરનો પણ બાંધવામાં ઉપયોગ થતો. વજનમાં ૧૦૦૦-૧૫૦૦ ટનનાં વહાણો તો સાધારણ હતાં. વહાણો બાંધવામાં[3] પારસી સુથારો—વાડિયાઓ એક્કા ગણાતા, અને વહાણવટી સુરતના ખારવાઓ ઘોઘારી ખારવાઓથી જ ફક્ત ઊતરતા લેખાતા. શ્રીકૃષ્ણના સમયથી અને તેથી પણ પહેલાના દરિયો ખેડનાર ખલાસીઓના વંશજો ગુજરાતી ખલાસીઓમાં સર્વોત્તમ હોય એમાં નવાઈ જેવું નથી. એક દિવસ એવો પણ હતો કે હિંદુઓ વેપારી-જહાજો જ નહીં, પરંતુ લશ્કરી વહાણો પણ બાંધતા અને એ વહાણોને ફતેહમંદીથી લડાઈમાં ઉતારનાર વીરનાવિકો પણ આ ભૂમિમાં જન્મતા. મુસલમાની સલ્તનત દરમ્યાન મુસલમાન ટંડેલોના હાથ નીચે કવાયત પામેલો ગુર્જર ખારવાઓનો કાફલો અનેક વેપારીઓને વેપાર સ્થાપવા યા વધારવા—રાજજ્ઞો કે રાજ્યલોભી પરદેશીઓને રાજ્ય વધારવા મદદગાર નીવડ્યો હતો. અંગ્રેજ ખારવાઓ ઉપર ઇંગ્લૅંડના સારી દુનિયામાં વેરાયેલા સામ્રાજ્યના અખંડિત અસ્તિત્વનો આધાર છે. આજની દરેક મોટી પ્રજાના વેપારનો ફેલાવો અને રક્ષણ જેમ તેમનું દરિયાઈ લશ્કર બળવાન અને વધારે તેમ વધારે સારી રીતે થઈ શકે છે. જર્મની આદિ દેશો પોતાનાં નૌકાસૈન્ય અને યુદ્ધનૌકાઓની વૃદ્ધિ આ જ કારણ બતાવી કર્યે જાય છે. પણ આપણે ત્યાં આપણા વેપારના પડી ભાંગવાની સાથે આપણો વહાણવટીનો પેશો પણ મરી ગયો છે. વહાણ બંધાતાં ઓછાં થઈ ગયાં છે અને જે વેપાર આપણાં વહાણો અને ખલાસીઓ મારફત થતો તે હવે પરદેશી વહાણો અને ખલાસીઓ મારફત થાય છે. આમ આયપત ઓછી થઈ એટલું જ નહીં પણ આવડ પણ નાબૂદ થઈ. નેલ્સન અને ટોગો જેવા વીરનરો ઈતર દેશના ખારવાઓને નેતા તરીકે મળ્યા છે પણ આ દેશમાં? વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ખારવાનો ધંધો હલકો ગણાતો હોવાથી બીજી વર્ણોના બુદ્ધિશાળી, દેશાભિમાની, વીર, દીર્ઘદૃષ્ટા પુરુષો વહાણવટી થતા નહીં, તેમ જ ખારવા બિચારા શૂદ્ર લેખાઈ વિદ્યાભ્યાસને માટે અનધિકારી ગણાતા એટલે આપણે ત્યાં ઉક્ત નરવીર જેવા નેતા ન પાકે તેમાં આપણા ઋષિમુનિઓ અને તેમનાં ત્રિકાળાબાધ સનાતનધર્મ વિના અન્યનો દોષ સંભવી શકતો નથી. અથવા હિંદના ખારવાઓના છઠ્ઠીના લેખ લખતી વખતે વિધાત્રીએ જે નિર્માણ કર્યું હશે તે કોણ ફેરવી શકે? પરિણામ તો એટલું જ આવ્યું છે કે જ્યારે દુનિયાની બીજી વેપારી પ્રજાઓ જગતમાં સર્વોપરી કે સમ્રાટ થઈ છે ત્યારે ગુજરાતની પુરાણ વેપારી પ્રજા અનેક રીતે પરાધીન જ રહી છે. તેનો વેપાર તેના દેશમાં જ પરાધીન છે એટલું જ નહીં પરંતુ તેનાં સંતાનોને પરદેશમાં વસવાટ કરવાનો પણ હક રહ્યો નથી. ગમે તેટલાં વર્ષ ગાળ્યાં હોય તોપણ ગોરાઓની મરજી રૂઠી એટલે એમણે જે જે મુલકમાં વસ્યા હોય તે છોડી ઘરભેગાં થવું જ જોઈએ નહિતર કેદ અને સખત મજૂરી એમને માટે તૈયાર રાખવામાં આવ્યાં છે. સુરત! જ્યારે તારી જાહોજલાલી[4]પૂર્ણ કળામાં હતી ત્યારે તને ખ્યાલ પણ નહિ હોય કે શતક વીત્યે તારા હિન્દુ, મુસલમાન, પારસી સંતાનો આફ્રિકાના ગોરાઓના જુલમ અને મમતના ભોગ થઈ પડશે. જ્યારે ઇસ્લામનો વાવટો સુરતના કિલ્લા ઉપર ફરફરતો ત્યારે વર્ષમાં એક વખત યુરોપનાં વહાણો આવતાં અને જતાં. અમદાવાદ, ખંભાત, ભરૂચ, આગ્રા વગેરે સ્થળોની બનાવટો ખરીદી યુરોપ મોકલવામાં આવતી, અને યુરોપથી સીસું, લોખંડ અને લોખંડી કામ સુરત આવતાં. ઉપરાંત મલબારનું કાપડ, સિંધમાં બનતો માલ, ઈરાન, ચીન અને બંગાળનું રેશમી કાપડ, ચીનાઈ વાસણો, જાવા વગેરે તરફના તેજાના, ઈરાનનાં તાંબું, મોતી અને શેતરંજીઓ, અરબસ્તાનનાં અત્તરો વગેરે વગેરે સુરતમાં આવતાં અને હિન્દુસ્તાનની અંદર કે બહાર મોકલાતાં. લાખો રૂપિયાની જબરી નાણાંની ઊથલપાથલ થતી. અંગ્રેજો કારીગરોને નાણાં ધીરી માલ તૈયાર કરાવી પરદેશ મોકલતા. હિંદુઓ સોદાગીરીને બદલે ઘણુંખરું નાણાવટી અને દલાલનો ધંધો કરતા. વહાણો ભરી માલ પરદેશ મોકલવાનું સાહસ વહોરતા નહોતા. મુસલમાન સોદાગરો વહાણો માલથી ભરી સફરે મોકલતા. અબ્દુલ ગફુર નામનો સોદાગર દર વર્ષે મોટાં વહાણો ભરી માલ પરદેશ મોકલતો;—તેનું વહાણ કોઈ અંગ્રેજે લૂંટ્યું હશે તે ઉપરથી સુરતના સઘળા અંગ્રેજોને કેદમાં નાખવામાં આવ્યા હતા. આવી કેદ અંગ્રેજોને ઘણી વાર ભોગવવી પડેલી. કેદથી એમની આંટ અને વેપારને ધોકો પણ પહોંચેલો. આજની માફક તે વખતે તેમને માટે અલાયદાં કેદખાનાં નહોતાં. પગમાં બેડીઓ નાખવામાં આવતી અને સખત મજૂરી લેવામાં આવતી એટલું જ નહીં પણ આખા શહેરમાં તેમને ફેરવવામાં આવતા[5] કે તેમના દીદારનાં લોકો દર્શન કરે અને તેમની સાથેનો વ્યવહાર બંધ પાડે. સુરતના બારામાં વહાણ આવે ત્યારે તેમાંનો માલ જકાત માટે તપાસાતો એટલું જ નહીં પણ વહાણમાં આવેલા દરેકેદરેક ઉતારુઓનાં લૂગડાં અને શરીર બારીકાઈથી ચકાસાતાં. આ તપાસમાંથી સર ટોમસ રો મહામહેનત અને જબરી કળે બચી શક્યો હતો. અંગ્રેજોની કોઠીમાં તેમના વેપારી અને અમલદારો રહેતા. એમના અમલદારોના મુખ્ય માણસને ‘પ્રેસિડન્ટ’(પ્રમુખ) કહેવામાં આવતો. તેને વર્ષ દિવસે ૩૦૦ પૌંડ (તે વખતના પૌંડની કીમત આજના કરતાં સહેજ વધારે હતી) અને હલકામાં હલકા કારકુન(‘ફેક્ટર’)ને ૭ પૌંડ પગાર મળતો. ઓછા પગારને લીધે તેઓ ખાનગી વેપાર કરતા. તેથી કંપનીના વેપારને ખમવું પણ પડેલું. દેશીઓને આંજવા અંગ્રેજો પૂર ભપકામાં રહેતા. ‘પ્રેસિડન્ટ’ બાદશાહી ઠાઠ રાખતો. જ્યારે બહાર નીકળતો ત્યારે મોખરે વાજાંવાળા ચાલતા, પછી અંગ્રેજ સિપાહીઓ, પછી ૪૦ મુસલમાન સિપાહીઓ, પછી નિશાન, પછી કિનખાબની ગાદીવાળી રત્નજડિત પાલખીમાં ‘પ્રેસિડન્ટ’ અને પાછળ બે ધોરી બળદના સગરામમાં કારકુનો અને વેપારીઓ—એ પ્રમાણે સરઘસ નીકળતું. પ્રેસિડન્ટ નવાબને મળવા જાય ત્યારે તોપો પણ ફૂટતી. ખાવાપીવામાં અંગ્રેજોએ દેશી રિવાજો અને વાનીઓ દાખલ કર્યાં હતાં. ઇંગ્લૅંડ અને હિંદ વચ્ચેની અવરજવર કરતાં મહિનાના મહિના લાગતા એટલે મેડમો બહુ જૂજ અહીં આવતી. તેથી ઘણા અંગ્રેજો દેશી સ્ત્રીઓ સાથે નિકાહ પઢતા અથવા તેમને અંગવસ્ત્ર તરીકે રાખતા. આમ ભપકાથી ખોરાક અને લગ્નથી સુરતના વતનીઓનાં નિકટ સહવાસ અને શ્રદ્ધા તેઓ મેળવતા, ને દલાલો મારફત વેપાર ચલાવતા.

સુરતના શરાફો અને નાણાવટીઓ ધનાઢ્ય અને શાખવાળા આસામીઓ હતા. હિન્દુસ્તાનમાં અને તેની બહાર પરદેશમાં હૂંડી લખતા, અને દેશદેશાવરની હૂંડી સ્વીકારતા; વહાણના માલનો વીમો ઉતારતાં ખચકાતા નહીં, અને યુરોપીયન વેપારીઓ જ્યારે ભીડમાં આવતા ત્યારે ત્યારે નાણાંની મદદ કરતા. વેપારથી શ્રીમંત થયેલા સુરતની મોજશોખમાં અને એશઆરામમાં કશી કમી નહોતી. એપ્રિલ અને. ઑક્ટોબરમાં શીતળ હવા ખાવાને પૈસાદારો ડુમસ જઈ રહેતા. વરઘોડો અને નાતોમાં અંગ્રેજ મુસાફરોને છક કરી નાખે એવો ઠાઠ ને ભપકો રાખતા. પાંજરાપોળોથી ખ્રિસ્તીઓને આશ્ચર્યલીન કરી તેમના ધર્મની ખામી બતાવતા. શહેર બહાર વાડીઓ અને બગીચાઓ વસાવી ત્યાં વાર-તહેવારે જઈ આરામ લેતા, કે નાચમુજરામાં તલ્લીન થઈ પોતાનું લાલાજીપણું પ્રકાશતા. સક્રાન્ત ઉપર પતંગ ઉડાવવામાં લખલૂટ ખર્ચ કરતા, અને ઘરડાઓ જુવાન થઈ જુવાનોની સાથે ભેગા મળી એ રમત ઊજવતા. શ્રાવણથી શરૂ કરી આસો સુધી ગેણીઆ પાળી ચંદનીની સહેલગાહ અનુભવતા, અને તહેવારોને દિવસે શરતોમાં ઊતરી ઇનામો મેળવવાની હરીફાઈ કરતા. વેણીમાધવ જેવાના અખાડામાં ઉસ્તાદો પાસે તાલીમ લઈ પહેલવાન બનતા. તાપીના જબરા વહેળામાં નહાવા પડી તારાઓ થતા. ગાયનના જલસા કરી સંગીતની ઉસ્તાદી મેળવતા, અને બીજાઓને તોડતા. આવી રીતે હિન્દુ-મુસલમાન કે પારસીના ભેદભાવ તેઓ દૂર કરતા, અને શહેરી તરીકેનું ઐક્ય અનુભવતા. મોજિલા અને લાલાજી સુરતીઓ આવી રીતે નીડર, સ્વતંત્ર અને સાહસિક બનતા. આનંદ, હાસ્ય, આરામ માણતા છતાં વખત આવે જુલમની સામા થઈ જતા. અંગ્રેજ સરકારના એક ધારાની વિરુદ્ધ આખી સુરતની પ્રજા ઊમટી હતી એ બનાવ એમના જુસ્સાનો ખ્યાલ આપશે. આ જુસ્સો પ્રજાહક્કના સિદ્ધાંતો કે સ્વદેશાભિમાનથી પ્રેરાયેલો ન હોવાથી સુરતીઓ પોતાના વતનને મોગલો, મરાઠા કે યુરોપીયોનાં લૂંટાલૂંટ ત્રાસ કે આક્રમણથી પાયમાલીમાંથી બચાવી શક્યા નહીં. કવિ કેમ્પબેલે જેવો આદેશ ઇંગ્લૅંડના લોકોને સંદેશ્યો હતો તેવો આદેશ પોતાનાં સંતાનોને આપવાનું ભાગ્ય સુરતીઓ કોઈ કવિના લલાટે નિર્માણ કરી શક્યા નહીં, ઊલટું નર્મદાશંકર અને મલબારીને આંસુ સારવાં પડ્યાં. ઉપર વર્ણવેલી આબાદી ઝાઝું ટકી નહીં. બ્રાહ્મણી રાજ્યોના બુદ્ધિશાળી સેનાપતિ મહમદ ગાવન અને મલિક અમ્બરે તેમ જ ફિરંગીઓએ કોટ વગરનું સુરત લૂંટ્યું. કોટ બંધાયા પછી પણ ‘મહારાષ્ટ્ર ધર્મ‘ ફેલાવનાર શિવાજી બે વખત આવી મુસલમાનોના બાબુલ–મક્કાની લક્ષ્મી હરી ગયો, અને સુરત તથા તેની પાછળ પથરાયેલી ગુજરાતની સોનાની વાડી લૂંટવાનો રસ્તો પોતાના લોકોને બતાવી ગયો. મોજશોખમાં મશગૂલ થયેલા સુરતીઓએ એક પણ વખત આ ધાડપાડુઓને તાપ બતાવ્યો નહીં. સુરતીઓને ભાગવત, મહાભારત કે રામાયણની કથા કહેનાર પ્રેમાનંદ ભટ્ટે પણ એ ધાડો પડી જ નહીં હોય તેમ પોતાની માણ વગાડ્યા કરી, અને વર્તમાનમાં ભૂતકાળ તરફ લોકોનું લક્ષ ખેંચ્યું; વર્તમાન ભૂલાવી ભૂતકાળમાં તેમને રચાવ્યા. ધાડપાડુઓની માફક દિલ્હીના શાહુકારોની પણ ખોટ નહોતી. ચાઇલ્ડ નામના અંગ્રેજ પ્રેસિડન્ટે સુરતના શરાફો પાસેથી પુષ્કળ નાણાં વ્યાજે કાઢી માલ લઈ વહાણ ભરી ઇંગ્લૅંડ પાઠવ્યાં. બારામાંથી વહાણ હંકારાઈ ગયાં, એટલે વ્યાજે નાણાં કાઢવાનો ઇન્કાર કર્યો અને વેપારીઓને ડુબાવ્યા. તાપી નદીમાં વારંવાર આવતા પૂરે પણ શહેરની ખરાબી કરવા માંડી. કામડાં અને સાદડીથી ગરીબોનાં ઘરો બાંધવામાં આવતાં. શ્રીમંતોની હવેલીઓમાં પણ સસ્તાં લક્કડને લીધે લક્કડકામ વધારે પ્રમાણમાં રહેતું. આથી સહેજ ભડકો થતાં આગ સારા શહેરમાં ફરી વળતી અને પાયમાલી વધારતી. લૂંટ, રેલ, આગ અને અંધાધૂંધીથી સુરતની જાહોજલાલી ઘટવા માંડી. લોકોના બાલીશ વહેમે, પાયમાલીનું કારણ નવાબી દરમ્યાન શહેરના બંધ દરવાજા ઉઘાડવામાં નહીં આવવાથી ગુસ્સે થયેલા એક ફકીરના શાપમાં આરોપ્યું, અને એ રીતે તકદીર આગળ કરી તદબીરો અમલમાં ન મૂકી અને પડ્યા તેટલા પ્રહાર તેઓ ખમ્યા. મુંબઈ અંગ્રેજોની સત્તાનું મુખ્ય સ્થાન થવાથી, મરાઠાના દરોડાની હરકત અને બીક ત્યાં ન હોવાથી તેમ જ સુરત કરતાં ત્યાંનું બારું વિશેષ સગવડવાળું હોવાથી વેપાર સુરતથી ઊપડી મુંબઈ ગયો. મુસલમાની રાજ્ય નાશ પામ્યું. તેની સાથે તેમના દોરદમામનો અંત આવ્યો. મુસલમાનોનું શહેર તેમના અવસાન સાથે અસ્ત પામ્યું! કાયસ્થ, નાગર, વાણિયા, જૈન અને અનાવિલ આદિ હિંદુઓએ, વૉરા અને બીજા મુસલમાન સોદાગરોએ, હિંદુઓમાંથી વટલેલા મુસલમાનોએ, અને પારસીઓએ સુરતની જાહોજલાલી અને આસમાનીસુલતાનીમાં ભાગ લીધો છે. નાગર, કાયસ્થ અને પારસીઓએ શહેરના કારભાર ચલાવ્યા; વાણિયા, જૈન અને વૉરાઓએ વેપાર ખેડ્યા અને પારસીઓએ તથા હિંદુ કારીગરોએ હુન્નરકસબ વધાર્યો. દિલ્હી અને તે તરફના મુલકોમાંથી આવેલો હાથીદાંત અને વણાટની કારીગરી અમદાવાદ અને ચાંપાનેરમાં દાખલ થઈ. ગુજરાતના સુલતાનો પદભ્રષ્ટ થવાની સાથે ઉક્ત હુન્નરો મોગલોના બંદર સુરતમાં સુલતાનોના પાટનગર અમદાવાદથી આવ્યા. મુસલમાની સત્તા દરમ્યાન આવા અનેક હુન્નરો સુરતમાં ખીલ્યા. યુરોપીયનોના સહવાસે તેમના હુન્નરો અને રસજ્ઞતાનો પાસ પણ એ હુન્નરોને લાગ્યો. ખંભાતની ભૂરચના વેનિસ જેવી હશે પરંતુ વેનિસ અને એથેન્સની રસિકતા તો ખંભાત કરતાં સુરતમાં જ નજરે ચડે છે. બેશક અમદાવાદનું મુસલમાન સ્થાપત્ય સુરતમાં નથી; તોપણ લોકોની ઇમારતો અને હવેલીઓ જેટલી સુરતમાં આકર્ષક ને મનહર છે તેટલી ગંદા, અંધારા અને ધૂળીયા અમદાવાદમાં નથી. સુરતના કવિઓ કરતાં અમદાવાદ કાઠિયાવાડના કવિઓની રસિકતા ઉન્નત નીવડી છે, પણ લોકસમૂહ જોતાં સાર્વજનિક રસિકતા અમદાવાદ કરતાં સુરતમાં વધારે છે. અમદાવાદ, ચાંપાનેર, ભરૂચ ને ખંભાતની સંચિત શક્તિ સુરતમાં મુસલમાનો અને યુરોપીયનોથી સંસ્કૃત થઈ અને આજે એ શક્તિ કાઠિયાવાડ, કચ્છ અને દખ્ખણની શક્તિઓમાં સંયમ પામી મુંબઈમાં નવો જ પ્રભાવ દાખવે છે. અમદાવાદ, સુરતના ભેદ હવે રહ્યા નથી અને રહ્યા હોય તો જવા જોઈએ. હવે દરેકે ગુજરાતી થવું જોઈએ, અને ગુજરાતના પાટનગર અમદાવાદ અને મુંબઈનું નાયકત્વ સ્વીકારવું જોઈએ. ગુજરાતી થઈ હિંદીની ભાવના જગાવી હિંદની એક પ્રજા બનવું એ દરેક ગુજરાતી ભાષા બોલનાર સ્ત્રીપુરુષનો અભિલાષ થવો જોઈએ. પ્રજાઓના ઇતિહાસમાં નગરો, જેવી તેવી સેવા બજાવતાં નથી; તેમાંયે પાયતખ્ત અને બંદરો તો મુખ્યત્વે ઘણી જ મોટી સેવા બજાવે છે. ત્યાંનાં રહેવાસીઓ સમગ્ર દેશની પ્રજાનું ભવિષ્ય ઘડે છે. માટે જ શહેરોની તવારીખ લખાવી જોઈએ; તેમના જન્મદિવસ કે શત યા સહસ્ત્ર વર્ષની સાલગીરી ઊજવાવી જોઈએ.[6] આજ સુરત મુફલીસ અને નિરુદ્યમી છે. પણ વેપાર અને રાજ્યનીતિમાં ધુરન્ધર એવા તેના પુત્રો પરદેશમાં બિરાજે છે અને પરદેશીઓને પોતાની બુદ્ધિ અને હૃદયના પ્રભાવથી દોરે છે. બાબુલ–મક્કાનો ભપકો અને પવિત્રતા ગયાં છે પણ અમદાવાદથી આવેલી વૉરાઓના મુલ્લાજીની ગાદીથી તે પવિત્રતા લુપ્ત થતી રહી ગઈ છે. અકિંચન સુરત પરદેશ ગયેલા પુત્રોની કમાણીથી સમૃદ્ધ થતું જાય છે. જૈન ઝવેરાતનો વેપાર કરી, પારસીઓ અને વૉરાઓ ફાવે તે મુલકમાં જઈ વેપાર કરી લક્ષ્મી મેળવી સુરતમાં લાવે છે. પરદેશ વેરાયેલા સુરતીઓ ગુજરાતના કે આફ્રિકાના હિંદી વતનીઓમાં ચેતન ચમકાવે છે અને પોતાની રસિકતા સત્કારાવે છે. દુર્ગારામ મહેતાજીએ વેગ આપેલી સુધારાની પ્રવૃત્તિ ગુજરાતનાં બીજાં શહેરો કરતાં સુરતમાં ડહાપણથી અને વ્યવહારથી ચાલી રહી છે. પરદેશગમનની બીજે ચૂંથાચૂંથ થયાં કરે છે, પણ સુરતમાં તેની છૂટ થઈ છે. સ્ત્રીજાતિના સહજ હક્કને પણ ત્યાં સારું સન્માન અપાવું શરૂ થયું છે. સુરતના લાલીયાઓ અંગ્રેજોની નોકરીમાં સમગ્ર હિંદમાં ફરી વળે છે; ગુજરાતી ભાષા પોતાની સાથે લઈ જાય છે, અને બ્રાહ્મણોના સનાતન (?) વર્ણાશ્રમને ભરીખી જ્ઞાનથી સંપન્ન થાય છે તેમ જ સ્પર્શાસ્પર્શનાં કૃત્રિમ બંધનોમાંથી પોતાની જાતને મુક્ત કરે છે. સુરતીઓની બુદ્ધિ હજુ મંદ નથી પડી; તેમનું હૃદય હજુ ઠંડું નથી થયું. અમલદારીમાં તેમ જ્ઞાનકળામાં તેઓ હજુ પાછા નથી પડ્યા. બંગભંગને પરિણામે જાગેલા વીર્યવાન ચેતનની ‘શક્તિ’ ગુજરાતને આપવા એ જ નગરે કમર કસી છે. એ નગરમાં શૌર્ય અને પ્રેમનાં મહામંત્રો જગાડી જનાર પેગમ્બર નર્મદનું મંદિર ખબરદારની કવિતામાં સ્મરણ અને સન્માન પામે છે અને દેશમાં જાગેલા નવચેતનને પ્રતાપે એ મહામંત્રોથી ખેંચાયેલા ગુજરાતીઓ એ મંદિર તરફ વળે છે. વળતા જાય એમાં શી નવાઈ? નર્મદના અનુયાયી અને સુરત પ્રત્યે અત્યંત વહાલ રાખનાર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું કવિત્વ નર્મદના કવિત્વની સાથે ભળી, ગુજરાતમાં વીર કવિતાની પ્રબળ રેલ રેલાવે, અને ગુજરાતીઓમાં જુસ્સો ને બળ પ્રેરે એવી દરેક સુરતીની આંતરવાંછના હો! ત્યારે શું સુરતના ભૂતવર્તમાન લજ્જાસ્પદ છે? કયા નગરનો આવો સમર્થ અને જ્યોતિર્મય ઇતિહાસ છે? લડાયેલાં સુરતનાં સૌંદર્ય અને સૌરભ ઘટ્યાં છે? નહીં ઘટ્યાં હોય તો હજુ તે ક્યાં ક્યાં પ્રસરશે તે કોણ કહી શકશે? અનેકવાર પરાધીન થવા છતાં ઇટાલી સ્વતંત્ર થયું છે, તેમ સુરતનો ઉદય નહીં થાય? અથવા ઉદય નહીં થાય તોયે શું? ઇતિહાસમાં એ નગરનું સ્થાન અંકાઈ ગયું છે. માનવીની સેવા એણે કરી છે. સુરતની હાલની સ્થિતિ તેથી આપણને હતાશ કરતી નથી. અમદાવાદ, ચાંપાનેર, ભરૂચ, ખંભાત આદિ નગરો ભાંગી થયેલું સુરત અવસન્ત થઈ મુંબઈને પોષે અને જેવી રીતે સુરતે આર્ય પ્રજાનો ઉત્કર્ષ સાધ્યો હતો તેવી રીતે મુંબઈ નવી હિંદી પ્રજાનો ઉત્કર્ષ સાધે તેમાં સુરતને ખિન્ન થવાનું છે કંઈ? ‘સબ ભૂમિ ગોપાલકી’ કહેનાર પ્રજાના વંશજોને સુરતની પાયમાલી નિરુત્સાહી અને આશાભંગ નથી કરતી. સુરતના પુત્રો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં રહી પોતાના નગરનું નામ ગજવશે, અને ભારતવર્ષનો ઉદ્ધાર કરશે ત્યાં લગી સુરત પાયમાલ નથી થયું, પણ જ્વલંત ચેતનવાળું અને સોળે કળાની જાહોજલાલીમાં તે ઝૂકતું જ છે![7]


  1. આ લેખ ગુજરાત સાહિત્ય સભા આગળ વાંચવામાં આવ્યો હતો.
  2. તળ ગુજરાતમાં બ્રાહ્મણ-વાણિયા સિવાયની વર્ણોમાં ખાવાપીવાનો જેટલો આભડછેટ છે તેટલો કાઠિયાવાડમાં નથી તેમ હિન્દમાં બીજે પણ નથી. દ્રવિડના અનાર્યોમાં નિવસતા આર્યો સખ્ત આભડછેટ રાખતા. એ આભડછેટના સંસ્કારી વલ્લભાચાર્યે તો વૈષ્ણવ સંપ્રદાયના પ્રસારણ સાથે એ રિવાજ ગુજરાતમાં ફેલાવ્યો તો નહિ હોય?
  3. ઇસ્લામી તરવારથી અગ્નિદેવને બચાવવા ઈરાનથી નાસી પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે તેઓમાંનો ઘણોખરો ભાગ ખેડૂતનો હતો. અહીં જેમને ખેડાણ જમીન મળી શકી તેમણે ખેતી કરવા માંડી અને બીજાઓ હિંદુઓની નાતોનો કૃત્રિમ અને જુલમી પ્રત્યવાય ન હોવાથી પોતાની શક્તિને અનુકૂળ ધંધાઓ લીધા. તેમાં સુથારના અને મારફતિયાના ધંધામાં ખ્યાતિ પામેલા પારસીઓ યુરોપીયોના સહવાસમાં આવ્યા. અને એ સહવાસે એ કોમનું વર્તમાનભવિષ્ય પ્રકાશોજ્વજ્લ કરી નાંખ્યું.
  4. આપણા વહાણવટી વેપારની જાહોજલાલી અને પડી ભાંગવાનાં કારણો વિશે સવિસ્તર વાંચવાના અભિલાષીએ ‘મોડર્ન રિવ્યુ’ ફેબ્રુઆરી ૧૯૦૯ના અંકમાં એ વિશેનો રા. બ. જોશીનો લેખ જોવો.
  5. તે વખતમાં મોટા કેદીઓને શહેરમાં ફેરવવાનો રિવાજ સાધારણ હતો. શામળની વાર્તાઓમાં એ રિવાજનું વર્ણન આવે છે. જૂનાગઢના રા. મંડળિકને શ્રાપ દેતાં ચારણી નાગદેવી પમ તેને સુરત જેવા શહેરમાં કેદી તરીકે ભટકવાની જ વાત કહે છે.
  6. પારસીઓએ નવસારી અને સુરતની તવારીખ લખી છે; પણ ફક્ત પારસીના દૃષ્ટિબિંદુથી લખાયેલી હોવાથી તે અપૂર્ણ છે. અમદાવાદ, ખંભાત, પાટણ, વડોદરા, ચાંપાનેર, ભરૂચ, જૂનાગઢ આદિ શહેરોની તવારીખ લખાવનાર કોઈ નીકળશે? ગુ. વ. સોસાયટી આ દિશામાં લક્ષ આપશે? ઇંગ્લૅંડમાં તો તવારીખ લખાઈ છે એટલું જ નહીં પણ નાટક, સરઘસ, ચિત્રો, પ્રદર્શન આદિથી શહેરોની સહસ્ત્ર સંવત્સરીઓ પણ ઊજવાઈ છે અને ઊજવાય છે.
  7. ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં પ્રોવિન્સિયલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે એક મંડળમાં વાંચવા આ લેખ લખ્યો હતો. ત્યાર પછી એને વિસ્તારી ‘સુરતની તવારીખ’ લખવા મુરાદ થયેલી પણ વિવિધ સબબોને લીધે તે મુરાદ હાલ હાંસલ થઈ શકે એમ નહોવાથી લેખમાં સહેજ ફેરફાર કરી છપાવ્યો છે.