રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતની રંગભૂમિ (એક ચર્ચાપત્ર)
‘વસંત’ના મેહરબાન તંત્રી સાહેબ,
સંવત ૧૯૭૨ના માર્ગશીર્ષના અંકમાં સત્યેંદ્રરાવ દિવેટિયાનું ચર્ચાપત્ર છે. તે સંબંધમાં મને જે સુઝ્યું છે તે લખી મોકલું છું. આશા છે કે આપ તેને ‘વસન્ત’માં સ્થાન આપશો. આપણી રંગભૂમિના દોષો જે પ્રકારે સત્યેંદ્રરાવે બતાવ્યા છે તે પ્રકાર ગુજરાતના ક્રમિક પત્રોની સૃષ્ટિમાં બહુ જૂનો અને જાણીતો છે. જિંદગીમાં એકવાર કોઈ વિદ્વાન અમુક કારણોસર એકાદ નાટક જોવા જાય અને આપણી રંગભૂમિની પ્રચલિત સ્થિતિમાં સ્વાભાવિક રીતે અસંતોષ પામે એટલે આખી રંગભૂમિની ઝાટકણી કાઢે, તેનામાં કાંઈ જ પ્રશંસાપાત્ર તત્ત્વ નથી એવો ડિંડિમનાદ કરે અને પછી જે નિદ્રામાંથી જાગી આ બધી પ્રવૃત્તિ કરી હતી તે જ નિદ્રાનો આશ્રય લે છે. આપણી રંગભૂમિ નિર્દોષ છે એમ મારું માનવું કે કહેવું નથી. પણ તેને સંસ્કારી કરવાના માર્ગ સત્યેંદ્રરાવે સૂચવ્યા તેથી નિરાળા મને લાગે છે. પ્રથમ તો આપણી રંગભૂમિ કોને માટે છે? કોના આશ્રય અને પોષણથી ચાલે છે? વિદ્વાનોના, સાક્ષરોના, લેખકોના, કવિઓના? બિલકુલ નહીં. અસંસ્કારી ધનાઢ્યો, અર્ધસંસ્કારી કેળવાયેલાઓ અને મહેનતુ અથવા કુત્સિતસંસ્કારી શૂદ્ર વર્ગને લીધે ગુજરાતમાં રંગભૂમિ છે. જ્યાં લગી એ વર્ગ સંસ્કારી નથી થયો અથવા વિદ્વાનોના આશ્રયથી નભતી અલાયદી રંગભૂમિ થાય નહીં. ત્યાં સુધી જે આદર્શ આપણે કલ્પીએ છીએ તે સાક્ષાત્કાર કરી શકવાના નથી. કેળવણીની વૃદ્ધિ અને વિશેષ પ્રસારણ વિના વર્તમાન રંગભૂમિના દૃષ્ટાંઓ સંસ્કારી થવાના નથી. વિદ્વાનો ધનાઢ્ય થાય અથવા ધનાઢ્યો વિદ્વાન થાય તો જ રંગભૂમિના સંસ્કાર ઊંચા થાય. આપણી રંગભૂમિ ઉપર ખેલ કરનાર વર્ગનો મોટો ભાગ પૂર્વે ભવાઈ કરનારી નાતોનો બનેલો છે. અભણ, અલ્પશિક્ષિત, અર્ધસંસ્કારી નટો હોય છે એટલું જ નહીં પણ માલિકો અને વ્યવસ્થાપકોયે એવા જ હોય છે. સ્વાભાવિક રીતે આવા વર્ગ સાથે સંસ્કારી ઊંચી જ્ઞાતિના કોઈ માણસો રંગભૂમિ પર ન ઊતરે એ સ્પષ્ટ છે. એવા પુરુષો અલાયદી રંગભૂમિ ઉત્પન્ન કરે અથવા હાલના નટોને કેળવવાની વ્યવસ્થા થાય તો આ સ્થિતિ સુધરે. નાટક ભજવવાનું શીખવવાની નિશાળ સરકાર, કોઈ દેશીરાજ્ય, કોઈ મ્યુનિસિપાલિટી, કોઈ દેશભક્ત પરોપકારી ધનાઢ્ય ગૃહસ્થ, કે કોઈ નાટક કંપની સ્થાપે તો આશીર્વાદરૂપ થઈ પડે, પરંતુ શરૂઆતમાં સારા શિક્ષકો અને ઉમંગી વિદ્યાર્થીઓનો વાંધો પડવાનો. જે જે ધંધાઓમાં નાનપણથી દાખલ થઈ શકાય છે અને ત્યાં ને ત્યાં તાલીમ મેળવતાં ઊંચી પાયરીએ ચઢાય છે તે તે ધંધાઓના શિક્ષણ માટે જોઈએ તેવું આકર્ષણ થતું નથી. નાટક કંપનીમાં નોકર રહ્યા પછી આવી નિશાળોમાં ભણવાનું કંપનીના માલિકોની પરવાનગી, મરજી કે ઉત્તેજન વગર થઈ ન શકે. અલબત્ત આ બધા વાંધા કાળક્રમે વિનાશ પામવાના. ભવાયાઓ રંગભૂમિ પર આવવાથી નટનું કામ આપણે ત્યાં આદર પામ્યું નથી. સારા માણસો એથી લોકપ્રતિષ્ઠા પામતા નથી. એથી એમેચ્યૉર ખેલ કરવા પ્રતિ પણ ગુજરાતમાં ઉત્સાહ નથી—બલ્કે પ્રેરણા નથી. એટલે એવી રીતે જે લાભ થવા જોઈએ તે થતા નથી. ગુજરાતનું એક કમનસીબ છે કે એ વેપારીઓનો દેશ છે, વિદ્વાનોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણોનાં જે સન્માન, પ્રતાપ, ગૌરવ, પ્રતિષ્ઠા છે તે આપણે ત્યાં નથી. જે આગેવાની એમના હાથમાં હોવી જોઈએ તે વેપારીઓના હાથમાં છે. સરસ્વતી કરતાં લક્ષ્મીનું રાજ્ય ગુજરાતમાં વધારે ચાલે છે. દેશોદય સાધનારી જે જે પ્રવૃત્તિઓ વાસ્તવિક આદર્શરૂપ બ્રાહ્મણોના હાથમાં હોવી જોઈએ તે તે સર્વે ધનના અને ધન મેળવવામાં પ્રાપ્ત થયેલા અનુભવના બળે વેપારીઓના હાથમાં છે. (બ્રાહ્મણ અને વેપારીઓથી કોઈ જ્ઞાતિ ઉદ્દિષ્ટ નથી. માત્ર એવા સંસ્કારવાળો વ્યક્તિસમૂહ ઉદ્દિષ્ટ છે.) આપણાં વર્તમાનપત્રોની દશા પણ આપણી રંગભૂમિની દશાથી કોઈ રીતે ચડિયાતી છે? આ જમાનામાં જે સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રનું ચેતન આપણામાં પ્રજ્વલિત થવું જોઈએ તે સંસ્થાઓ ‘બ્રાહ્મણો’ જેવા નિષ્કામ, એકનિષ્ઠ, સેવા-પરાયણ, પ્રખર બુદ્ધિમાન, ક્રાન્તદર્શી, જગતની માયાથી અનાવિષ્ટ અગ્રણીઓથી ચાલતી ન હોય ત્યારે પરિણામ શોચનીય જ હોય ને? આ પ્રસ્તાવથી સમજાશે કે નાટકકંપનીના માલિકો, જે ભાવનાથી આપણા ખરેખર વિદ્વાનો પ્રજ્વલિત હોય છે તેથી મુક્ત હોય છે. તેમની યોગ્યતા તેમના ધંધામાં પ્રાપ્ત થયેલી સિદ્ધિ(સાફલ્ય)ને લીધે હોય છે. જે સાધનોથી એ સાફલ્ય મળ્યું હોય તેમનો સમૂળો ત્યાગ કરી તદ્દન અપરિચિત અને સફળતા આણવામાં જેમનું મૂલ્ય અનિશ્ચિત એવાં સાધનોનો સ્વીકાર એમનાથી એક ઘૂંટડે થવો અશક્ય છે. સૂચિત સાધનો સિદ્ધિદાયક છે એવી ખાતરી થતાં કોઈની પણ સલાહની રાહ જોયા વિના તેઓ તેમનો અખત્યાર કરશે. ગુજરાતનું દુર્દૈવ અને સૌભાગ્ય કહો તો સૌભાગ્ય કે આપણા સંસારના નેતા પારસીઓ છે, હિન્દુઓ નથી. પારસીઓ જે ચીલો પાડે તે ચીલે ગુજરાતી હિન્દુઓ અને મુસલમાનો વિચરે છે. પારસીઓમાં સાચી ઊંડી સંસ્કારિતા નથી. દેશત્યાગની સાથે સંસ્કારિતા અને તેને પોષનાર પ્રવાહોનો પણ એમણે ત્યાગ કર્યો છે. જે જીવંત સંસ્કારિતા(Culture) હિન્દુ, મુસલમાન કે અંગ્રેજોના જીવનને રસી રહી છે તેવું એમને નથી. પોતાનું જ્યાં કાંઈ જ રહ્યું નથી ત્યાં પારકાનું ઉછીનું લેવું પડે છે. આવે પ્રસંગે જેની પ્રતિષ્ઠા ઊંચી હોય તેને ત્યાંથી ઊછીનું લેવાય. અંગ્રેજોને લીધે પારસીઓનો ઉદય છે અને અંગ્રેજોની પ્રતિષ્ઠા આજે ઊંચી છે, એટલે એમણે અંગ્રેજી સંસ્કારિતા ઉછીની લેવા માંડી. પણ ઘણાં શતકો લગી હિન્દુઓમાં રહેવાથી પૂર્વે ઉછીની લીધેલી હિન્દુ સંસ્કારિતાનો પટ એમના જીવન ઉપર હતો તેમ તેઓ ગુજરાતમાં હિન્દુઓ અને મુસલમાનો જેવા જ પ્રજાના અંગ હોય તેમ સંબંધમાં વસે છે, એટલે એમની નવી સંસ્કારિતા નરી અંગ્રેજી થઈ નથી પરંતુ મિશ્રણરૂપે છે. આ જમાનામાં હિન્દુઓની સંસ્કારિતા જે નવચેતન પામતી જાય છે તેનો પ્રભાવ પારસીઓમાં રસળતી રહેલી હિન્દુ સંસ્કારિતા પર પડવો જોઈએ તેવો પડ્યો નથી. એક તરફ આ સ્થિતિ તો બીજી તરફ એમને ત્યાં પણ આવી પ્રવૃત્તિઓ શરૂ કરનારાઓ ઊંચા સંસ્કારથી વિહીન હતા. જે ચેતનથી પ્રજાઓ સંચલિત થાય છે તે ચેતન એમનામાં નહોતું. રાજ્યસત્તા, ધર્મ, ભાષા, સાહિત્ય, સંસ્કારિતા, ઇતિહાસ, દંતકથા વગેરે જે જે વીર્યશાલી પુણ્ય સામગ્રીઓ એમણે દેશત્યાગની સાથે ખોઈ હતી. હિન્દુસ્તાનમાં આટલાં બધાં વર્ષોથી વસ્યાં છતાં ઈરાન એમને પોતાનો દેશ લાગતો અને અહીં દેશનિકાલ હોય એવું આછું આછું અનુભવાતું. પણ ઈરાનથી ઉદ્દીપ્ત થતી સર્વ ભાવનાઓ ભૂતકાળમાં દૂર દૂર ઝાંખી ઝાંખી લાગતી અને હિન્દુસ્તાનમાં પરદેશી જેવા થવાથી ત્યાંની ભાવનાઓ એમને સ્પર્શતી જ નહોતી. જ્યાં આખી કોમની આવી સ્થિતિ ત્યાં તે કોમના જે પુરુષો ઊંચી સંસ્કારિતાથી વિહીન હોય તેમની પાસેથી આદર્શનીય વસ્તુસ્થિતિની અપેક્ષા રાખવી મિથ્યા છે. એમણે સાહસ ખેડી જે જે શરૂઆત કરી તે માટે આપણે તેમના ઋણી છીએ. પણ એમના સંસ્કારની હીનતામાં જે રંગભૂમિને એમણે જન્મ આપ્યો તે રંગભૂમિ પ્રસવ અને બાલ્યકાળની અસરોવાળી હજુ રહે એમાં નવાઈ શી? મિશ્ર રાગરાગીણી વૃથા પ્રાસાનુપ્રાસ વગેરે માટે જે કડવી ફરિયાદ આપના ચર્ચાપત્રી કરે છે તે એ જમાનાની અસર છે તેમ વર્તમાનમાં પણ પારસી અને મુસલમાન કંપનીઓ એ વસ્તુઓ વાપરતી હોવાથી તેમનો તદ્દન ત્યાગ આપણી રંગભૂમિને માટે અશક્ય છે. પણ પ્રચલિત હીન સ્થિતિ સુધરે શી રીતે? પ્રથમ તો આપણા વિદ્વાનોએ પોતાનું દૃષ્ટિબિન્દુ ફેરવવું જોઈએ. પોતાના ઘરમાં બેસી રહી, પોતાની મનઃકલ્પિત ભાવનાઓ પ્રમાણે રંગભૂમિની જે ટીકાઓ આજથી પચીસ ત્રીસ વર્ષ પર તેઓ કરતા તેવી ને તેવી જ ટીકા આજે પણ કર્યા કરવી એ એમને માટે મુનાસિબ નથી, એમની વિદ્વત્તાને અને એમના દેશને લાંછન લગાડનારું છે. આટલાં વર્ષો દરમ્યાન આપણી રંગભૂમિએ કોઈ પણ આદરણીય દિશામાં સહેજ પણ પ્રગતિ કરી નથી એવું માન્યા કરવું એ આપણા દેશભાઈઓની શક્તિઓની વાજબી કદર કરતાં અચકાવા જેવું છે. અથવા તેમનામાં કોઈપણ શુભ ઉન્નતગામી પવિત્ર શક્તિ નથી એવું કહેવા જેવું છે. માટે જે જે યોગ્ય અને સારા ફેરફારો થયા હોય તેની સહર્ષ પ્રશંસા કરવી એ કર્તવ્ય છે. એ ફેરફારોની નોંધ લેતાં આપણાં લોકોમાં કેવી શક્તિઓ છે અને કયા વાતાવરણમાં તે પ્રફુલ્લ થાય છે તેનો અનુભવ થશે અને ભવિષ્યમાં આપણા આદર્શ પ્રમાણેની સ્થિતિ લાવવા કઈ રીતે કામ કરવું તે સૂઝશે. બીજું, રંગભૂમિનો દેહ ઘડાઈ ગયો છે તે એકદમ ફરે એમ નથી. દાખલા તરીકે આપણી રંગભૂમિ પર સીનેરીને જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે એટલું હિંદુસ્તાનના બીજા કોઈ પણ પ્રાંતની રંગભૂમિ પર આપવામાં આવતું નથી. એથી ઘણીવાર અભિનય, સંગીત, નાટકનું વસ્તુ વગેરે ગૌણતા પામે છે છતાં સીનેરી તદ્દન ઓછી કરવાનું હવે બને એમ નથી. વર્તમાન રંગભૂમિ પર જે જાતજાતની સીનેરી યોજવામાં આવે છે તે ગુજરાતીઓ તૈયાર કરતા હોય તો એમની એ દિશામાં કામ કરતી શક્તિઓ માટે આપણે મગરૂબ થવું ઘટે છે અને હજુ એ જ દિશામાં એ શક્તિઓ કેવી રીતે કામ કરી ગુજરાતનું ગૌરવ વધારે તેનું સૂચન વિદ્વાનોએ કરવું જોઈએ. સંગીત, નાચ, ફારસ પણ ગુજરાતી રંગભૂમિ પર આવશ્યક થઈ ગયાં છે. માત્ર ગદ્યાત્મક નાટક અત્યારે આપણી રંગભૂમિ પર સફળ થવાનો સંભવ બહુ જ ઓછો છે. બિલકુલ નથી કહીએ તો પણ ચાલે. હવે એમાં પણ ક્રમે ક્રમે જે ફેરફારો પછી સારા કે નરસા થતા જાય છે તેમની નોંધ લઈ એ વસ્તુઓ વધારે સારી શી રીતે થઈ શકે તે સૂચવવું જોઈએ. મુંબઈની ગુજરાતી નાટક કંપનીનાં એક નટે પ્રખ્યાત salome નૃત્ય ‘પ્રતાપલક્ષ્મી’માં કરવા જે પ્રયત્ન કર્યો હતો તે કેટલાક અનિવાર્ય કારણોથી જોઈએ તેવો સફળ થયો નહોતો છતાં એ પ્રયત્ન કરનારી શક્તિની નિર્ભર્ત્સના કરતાં કદર થવી જોઈએ. કેટલી બધી વિવિધતાવાળા નાચ આપણી રંગભૂમિ પર થાય છે? તેમનો સંગ્રહ થાય તો એક જોવા જેવું પુસ્તક રચાય. ત્રીજું, નાટક લખનારાઓમાં પણ હવે ધીમે ધીમે સંસ્કારી વર્ગ સામેલ થતો જાય છે. ધીમે ધીમે એમણે જે નાના ફેરફારો કરવા માંડ્યા છે તેની પણ નોંધ લેવી ઘટે છે. આપણે ત્યાં નાટક કંપનીની રચના એવી હોય છે કે કંપનીના સારા નરસા ઍક્ટરોની સંખ્યા અને અભિનયવિશારદતાના પ્રમાણમાં નાટક લખવાનું હોય છે; વસ્તુ જેવો વિકાસ માંગે કે સ્વીકારે તે પ્રમાણમાં નહીં. આવી સ્થિતિમાં સારા સારા લેખકોનું કાર્યક્ષેત્ર કુંઠિત થવાનો બહુ સંભવ રહે છે. છતાં આગ્રહ રાખી કેટલીક અનિષ્ટ બાબતો કળથી અને વિવેકી સમજાવટથી ધીમે ધીમે દૂર કરાવવા તેઓ પ્રયત્ન કરે તો થઈ શકે. વિદ્વાનો રંગભૂમિને યોગ્ય નાટકો લખતા નથી. વસ્તુતઃ નાટકનું સાહિત્ય જ ગુજરાતમાં ઘણું અલ્પ છે. લલિતાદુઃખદર્શક, (અશ્રુમતી), કાન્તા, અમરસત્ર, જયા અને જયન્ત, રાઈનો પર્વત[1] – ખલાસ થઈ યાદી સારાં ગુજરાતી નાટકોની. જે કદાચ તેઓ લખે છે તે રંગભૂમિ પર ભજવી શકાતાં નથી. પણ જો તેઓ થોડાં વર્ષ હાલમાં ભજવાતાં નાટકોનું નિરીક્ષણ કરે; તેનાં આવશ્યક અંગોનો પરિચય લે અને અનિષ્ટ અંશો ખૂણેખાંચરેથી શોધી તેમને રફતે રફતે નાશ કરવાની કળા સંપાદન કરે તો રંગભૂમિને યોગ્ય નાટકો લખવામાં તેઓ સફળ થાય. આ ઉપરાંત ભજવાતાં નાટકોમાં બને ત્યાં ત્યાં થોડા થોડા ફેરફારો સૂચવી તેમને અમલમાં મૂકાવી કંપનીને દ્રવ્ય સંબંધી ધક્કો ન લાગે એવી રીતે નાટકોનું વિશોધન કરાય તોપણ ઓછો લાભ નથી. ખરી રીતે આમ કરવાથી રંગભૂમિની ખરેખરી જરૂરિયાત સમજાશે અને તે ઉચિત રીતે પૂરી પાડવાની કેળવણી મળશે. પણ આ કાર્ય મુંબઈમાં થવું જેટલું સહેલું અને શક્ય છે તેટલું બીજે નથી. ગુજરાતની બધી સારી કંપનીઓ અહીં આવવાની; મરાઠી, ઊર્દુ, અંગ્રેજી. ખેલો સાથે સરખામણી કરવાની તક મળવાની; પણ એ કાર્ય માટે વિદ્વત્તા, અવકાશ, દ્રવ્ય, સ્વતંત્રતા અને દેશપ્રેમથી કોઈ સંપન્ન ન હોય ત્યાં લગી સંપૂર્ણ રીતે ઇષ્ટસિદ્ધિ અશક્ય છે. આપણે ત્યાં એક એવો ભ્રમ છે કે માત્ર સર્વોત્કૃષ્ટની જ કદર કરવી! હીનતમ અને ઉત્કૃષ્ટતમની વચ્ચે ગમે તેટલાં અંશની યોગ્યતા હોય પણ તેની કદર કરવી જ નહીં! કાલિદાસ, ભવભૂતિ કે શેકસ્પિયર કે ઇબ્સન આપણે ત્યાં જન્મતા નથી એટલે જેટલા નાટકો લખે છે તેમનામાં પ્રશંસાપાત્ર કોઈ ગુણ જ નથી! આ વૃત્તિ બદલાવી જોઈએ. દોષની જેમ નિન્દા કરીએ છીએ તેમ ગુણની પ્રશંસા કરવી એ પણ નીતિ છે. આપણે બહુ પરગજુ છીએ; અધ્યાત્મજીવનમાં બહુ પ્રગતિ કરી હોય એવા છીએ. મમત્વ રાખવું એ પાપરૂપ છે. પારકી વસ્તુ અનુભવ કે સંપૂર્ણ પરિચય વિના પ્રશંસાપાત્ર લેખવી એ જ ખરેખરું પુણ્ય છે. ગુજરાતી લિપિ કે ગુજરાતી ભાષાનો જેટલો શક્ય વિકાસ હોય તે કરવા કરતાં નાગરી લિપિ અને હિંદીભાષાનો પ્રસાર કરવા આપણે તત્પર થઈએ છીએ. બંગાળી, મરાઠી, કે હિંદી સાહિત્ય કે સાહિત્યપ્રવૃત્તિનો સર્વાંગ પરિચય મેળવ્યા વિના ગુજરાતી સાહિત્ય કે સાહિત્ય પ્રવૃત્તિને આપણે ઊતારી પાડીએ છીએ અને પારકી વસ્તુઓની ખૂબ વાહ વાહ ગાઈએ છીએ. અલબત્ત કહેવાની જરૂર નથી કે આપણી વસ્તુઓનો પણ સર્વાંગ પરિચય મેળવવા ઉત્સુક નથી. તો પછી વ્યવસાય તો કરીએ જ શાના? આ સ્થિતિમાંથી મુક્ત થઈ પ્રશંસનીય આપણે ત્યાં પણ જે જે કાંઈ હોય તેની કદર કરીએ તો એ પણ દેશોન્નતિનું પગથિયું છે. આવી રીતે આપણો દૃષ્ટિકોણ ફરશે ત્યારે આપણાં નાટકો, તેના લેખકો, તેનો અભિનય કરનારાઓ વગેરેમાં જે ઓછાવત્તા ગુણો હશે તેનું ભાન થશે; ગુજરાતીઓની શક્તિનું માપ જણાશે અને પરિણામ સારું હશે તો અભિમાન જાગશે અને વધારે મોટા વિજયો મેળવવા પ્રવૃત્તિ થશે. પરિણામ અસંતોષકારક નીવડશે તો ખામીઓ દૂર કરી આવશ્યક ગુણો ખીલવવા પ્રવૃત્તિ થશે.
સાહિત્ય પરિષદને આ સંબંધમાં કેટલાંક કર્તવ્યનો બોધ સત્યેંદ્રરાવે કર્યો છે, એટલે થોડીક માહિતી આપવાનું પ્રાપ્ત થાય છે. સાહિત્ય પરિષદના પ્રારંભથી જ આપણી રંગભૂમિ પરત્વે અમે લક્ષ આપ્યું છે. પહેલી પરિષદમાં કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયા પાસે એક નિબંધ લખાવ્યો હતો. બીજી પરિષદમાં નરસિંહરાવ ભોળાનાથ પાસેથી ‘અભિનયકળા’ પર વિસ્તૃત નિબંધ મેળવવામાં આવ્યો હતો. અફસોસની વાત છે કે તે હજુ અપ્રસિદ્ધ રહ્યો છે. બીજી અને પાંચમી પરિષદ વખતે મુંબઈની ગુજરાતી નાટક કંપનીના કવિ, અજબસુન્દરી, કૃષ્ણચરિત્ર, દેવકન્યા વગેરેના કર્તા મૂળશંકર હરિનંદ પાસે લેખ લખાવવા કરેલા પ્રયત્નો એમના વ્યવસાય અને ઉપાધિઓને લીધે ફાવ્યા નહોતા. પાંચમી પરિષદ પ્રસંગે વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય પાસે મુંબઈની રંગભૂમિનો અનુભવ, નૃસિંહદાસ વિભાકર પાસે વર્તમાન રંગભૂમિની સ્થિતિ અને રમણિકલાલ અમૃતરાય મહેતા પાસે ગુજરાતી નટો(ઍક્ટરો) વિશે લેખો લખાવવા મહેનત કરી હતી પણ તેમાંય સફળતા મળી નહોતી. આવા વિષયોની વિદ્વત્તાભરી ચર્ચા કરી શકે એવા લેખકોની સંખ્યા અતિશય જૂજ છે. નાટક કંપનીના માલિકો, વ્યવસ્થાપકો, કવિઓ, નટો વિદ્યાનાં ઓછા સંસ્કારવાળા હોવાથી પરિષદને યોગ્ય ચર્ચા કરવા અસમર્થ હોય છે; ઘણીવાર અનિચ્છુ પણ હોય છે. પોતાનો ધંધો સારો ચલાવી જાણે તે માણસો તેનું નિરૂપણ પણ કરી શકે એ વિદ્યાના ગાઢ સેવન વિના અશક્ય છે. જ્યાં પરિષદમાં ચર્ચા કરવાનાં ફાંફાં છે ત્યાં જુદું નાટ્યસંમેલન કરવાની વાત જ શી? પરિષદના કાર્યવાહકોને એ અભિલાષ ક્યારનોય થતો હતો પણ હાલ શક્ય ન હોવાથી મુલતવી રાખ્યો છે. આપણે ગુજરાતીઓ આળા બહુ છીએ. ટીકા આપણાથી ખમાતી નથી. શુભ ટીકા પણ આપણને કડવી લાગે છે. મતભેદમાંથી દ્વેષ, વેર જન્મે છે. નરસિંહરાવ, રા. બ. કમળાશંકર, રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા વગેરેના વાદવિવાદને અંગે થયેલી અનિષ્ટ કડવાશથી કયો સુજ્ઞ ગુજરાતી ખિન્ન નથી થતો? જ્યારે વિદ્વાનોમાં આવું થાય છે ત્યારે પોતાના ધંધામાં સફળ થયેલા કમ વિદ્યા અને કમ સંસ્કારવાળા નાટકવાળાઓ જેમનાં લખાણો નાટકવાળાઓને માટે દ્રવ્યોત્પાદક નીવડતાં નથી અને જેઓ નાટકવાળાઓથી ભિન્ન સૃષ્ટિમાં વસતા હોય એવા વિદ્વાનોની વાજબી ટીકા પણ શી રીતે સહન કરશે? ટીકા ન થવી જોઈએ એવો અર્થ નથી. પણ હાલ છે તેથી વધારે વૈમનસ્ય ઊપજાવવા પરિષદ સાધનભૂત ન થવી જોઈએ. કમિટી નીમવા માટે જે સૂચના સત્યેંદ્રરાવે કરી છે તે નકાંમી છે. એનું કાંઈ ફળ નથી. એવા વિદ્વાનો ક્યાં છે? છે તો તેમને અવકાશ છે? અવકાશ હોય તો દ્રવ્ય સુખ સગવડ વગેરેનો ભોગ આપવો પડે તો તે આપવા તૈયાર છે? અને ધારો કે કમિટી થાય અને ઈપ્સિત વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરે તોપણ રંગભૂમિને અંગે રહેલી આર્થિક સ્થિતિ ફેરવવાની અનુકૂળતા કે શાસનશક્તિ પરિષદ પાસે છે? માત્ર લોકોની રુચિ સંસ્કારી કરવાનું વિદ્વાનો ધારે તો કરી શકે. નાટકો રચાવ્યાં રચાતાં નથી. વર્તમાન રંગભૂમિથી અનભિજ્ઞ વિદ્વાનોનાં નાટકો રંગભૂમિને માટે અનુચિત નીવડે છે. પ્રચલિત સ્થિતિને વળગી તેને ઊંચે ચડાવવામાં ખરી વિદ્વત્તાપ્રતિભા છે પણ તે ક્યાં છે? અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી, મરાઠી વગેરેમાંથી સારાં ભાષાંતરો કરાવી શકાય અને લોકરુચિને સંસ્કારી શકાય. મોલીઅરના Mock Doctorના સફળ ભાષાંતર સિવાય એક પાશ્ચાત્ય નાટકનું એવું ભાષાંતર ગુજરાતીમાં થયું નથી. ભાવનગરના નરેશની કૃપાથી ત્યાંની શામળદાસ કૉલેજના નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના પ્રોફેસર નરભેશંકર પ્રાણજીવન દવેએ સેકસ્પિયરનાં ચારપાંચ નાટકના તરજૂમા કર્યા છે. એમણે લોકપ્રિય તરજૂમા કરવા કરતાં ઉપોદ્ઘાત લખવા પર વધારે શ્રમ લીધો છે. તેમ જ તરજૂમો અક્ષરશઃ કરવાથી ભાષા અરુચિકર નીવડી છે. એટલે એમના તરજૂમા જે લોકાદર પામવા જોઈએ તે પામ્યા નથી. રાજ્ય નાટકો મફત છપાવી આપતું હતું છતાં એમણે એમાંથી વિપુલ દ્રવ્યોપાર્જન થાય તેમ દરેક નાટકની કિંમત ઘણી વધારે રાખી હતી. છતાં ગમે તેમ એથી ગુજરાતી સાહિત્યમાં એક નવો રસ આવતો હતો. પરંતુ સાંભળવા પ્રમાણે ભાવનગરના પ્રેસના મેનેજર અને એમને અણરાગ જેવું થવાથી એ ગ્રંથમાળા પ્રકટ થવી બંધ થઈ છે તે જાણી ગુજરાતી સાહિત્યના ઉપાસકોને ખેદ થશે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ‘હેમ્લેટ’ નો તરજૂમો કરાવવા વિચાર થયો હતો પણ તે મોકુફ રહ્યો લાગે છે. કાઠિયાવાડના એક ગ્રેજ્યુએટે એ નાટકનો તરજૂમો કર્યાનું સાંભળ્યું છે. સંસ્કૃત સારાં નાટકોનાં ઉજ્જવલ ભાષાંતરો થયાં છે. મરાઠીમાંથી પણ અવારનવાર થાય છે. મરાઠી રંગભૂમિ પર ભજવાતા ખેલોનાં વસ્તુઓ પણ ગુજરાતી રંગભૂમિ પર કદિક કદિક અભિનીત થાય છે. બંગાળમાંથી માત્ર બે નાટક અશ્રુમતી અને પુરૂવિક્રમ સ્વ. નારાયણ હેમચંદ્ર દ્વારા ગુજરાતીમાં ઊતર્યાં હતાં. હાલમાં સર રવીન્દ્રનાથ ઠાકુરના ચિત્રાંગદા નાટકનું ઉત્તમ પ્રતિનું ભાષાંતર થયું છે. સ્વ. નરસિંહલાલ ધ્રુવનો વિચાર ઘણાં બંગાળી નાટકો ગુજરાતીમાં ઉતારવાનો હતો. એમના અવસન્ન ‘સાહિત્ય’ માસિકમાં એમણે બંગાળી મહાકવિ માઈકલ મધુસૂદન દત્તના કૃષ્ણાકુમારી નાટકનો તરજૂમો થોડો છાપ્યો હતો. આપણાં ક્રમિક પત્રો ચાલુ વાર્તાઓ આપે છે તેમ ચાલુ નાટકો આપવાં શરૂ કરે તેમ જ ગુ. વ. સોસાયટી, ફાર્બસ ગુજરાતી સભા, ગાયકવાડી કેળવણીખાતું, સસ્તુ સાહિત્ય વર્ધક ખાતું, સાહિત્ય પરિષદ ભંડોળ ફંડ વગેરે સંસ્થાઓ નાટકો લખાવે તેમ રંગભૂમિ સંબંધી એ સંસ્થાઓ ગ્રંથો લખાવે અને આપણાં માસિકો અવારનવાર એ જ સંબંધી ખાસ અંકો પ્રગટ કરે તો લાભ થશે. પરંતુ ‘The harvest is great but the labourers are few.’
મુંબઈ તા. ૧૯-૩-૧૬.
★
- ↑ આમાં મણિશંકર રત્નજીનાં બે અપ્રસિદ્ધ નાટક ઉમેરો રોમનું આત્મશાસન; ગુરુગોવિંદસિંહ. નાનાલાલે એક વેળા મીરાંબાઈ, પંચાસરનો ઘેરો, પાટણની સ્થાપના વગેરે નાટકોનાં વસ્તુ ગોઠવ્યાં હતાં. લલિતે સીતાવનવાસ અને ગુણસુંદરી નામના નાટકો લખેલાં છે.