સરળ અલંકાર-વિવેચન/કવિતા વિશે પ્રાસ્તાવિક

From Ekatra Foundation
Revision as of 02:40, 22 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સરળ અલંકાર-વિવેચન
કવિતા વિશે થોડું પ્રાસ્તાવિક

किं वा काव्यरसः स्वादुः किं वा स्वादीयसी सुधा—શું વધારે મધુર, કાવ્યરસ કે સુધારસ ? એમ કહીને અમૃત સાથે જેની તુલના સંસ્કૃત કવિએ કરી છે, તેવી કવિતા સાહિત્યનું ઉત્તમોત્તમ સ્વરૂપ છે. જગતનું ઉત્તમોત્તમ સાહિત્ય ઘણે ભાગે કવિતામાં જ જોવા મળે છે. વેદની ઋચાઓ, રામાયણ ને મહાભારત, ઇલિયડ ને ઓડિસી, જેવી મહાન રચનાઓ કવિતારૂપે જ પ્રગટી છે; ને ઉત્તમ ગદ્યરચનાઓમાં પણ, બાઈબલમાં મળે છે તેમ સભર કાવ્યતત્ત્વ આપણને જેવા મળે છે. કવિની સૃષ્ટિને આટલા માટે જ બ્રહ્માની સૃષ્ટિ કરતાંયે ચઢિયાતી કલ્પવામાં આવી છે. કવિતાને આમ ‘નંદનવનનાં સુમનોની કલગી’ અથવા ‘પારિજાત’ તુલ્ય દિવ્ય ગણવાનું કારણ શું હશે ? એ જ કે કવિ સ્રષ્ટા છે તે સાથે દ્રષ્ટા પણ છે. એની રચનામાં કંઈક એવી વિશેષતા, રહસ્યમયતા, અનુપમતા, રહેલી હોય છે કે સામાન્ય અનુભવ, પ્રસંગ કે ઘટના પણ, શક્તિશાળી સાચા કવિને હાથે કંઈ અવનવું જ, જાદુઈ રૂપ પામે છે. દમયંતીના ‘અમૃતસ્રવિયા કર’માં મરેલાં માછલાં પણ જેમ જીવતાં થઈ જતાં, તેમ કવિ તુચ્છને પણ તેની પ્રતિભાથી જીવંત ને મહિમાવંત, ગૌરવવંત બનાવી દે છે. આટલા માટે જ કવિને ઋષિ કહ્યો છે—कविर्मनीषी परिभू: स्वयंभू: | આવા કવિની વાણી માત્ર સુન્દરતાનું સર્જન કરીને, છીછરાં રમણીય જળમાં છબછબિયાં કરીને અટકી જતી નથી. વિક્રમવંત કવિની તેજસ્વી વાણી તો અજરામર બની રહે છે; ગીતા કે કુરાન કે બાઈબલની જેમ પયગંબરી સત્યોથી પ્રકાશે છે ને માનવીના જીવનમાં યુગના યુગો સુધી મંગલતાનું અમૃત-વર્ષણ કરે છે. સાહિત્ય શબ્દ અને અર્થનું બનેલું છે. પણ ગમે તે શબ્દ અને અર્થથી જેમ સાહિત્ય થતું નથી, તેમ ગમે તે શબ્દ અને અર્થથી કવિતા પણ બનતી નથી. સાહિત્યમાં આપણે જેમ કશુંક અપૂર્વ, ઉદાત્ત, અસાધારણ હોવાની અપેક્ષા સહેજે રાખીએ છીએ, નરી વાસ્તવિકતાનું નિરૂપણ તેમાં થયું હોય તોયે ‘ખેમી’, ‘મુકુંદરાય’ કે ‘પોસ્ટ ઓફિસ’ની જેમ તેમાં હૃદયના તંતુએ તંતુને હચમચાવવાની, આપણા હૃદયને ચારે બાજુથી સ્પર્શવાની, અજવાળવાની, આકર્ષવાની શક્તિ કવિતામાં પણ હોવી જોઈએ, એ ન સમજાય તેવું નથી. કેમકે—

“રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો, છઠો શુક્ર છે વાર.”

જેવી રચના કવિતા નથી, જોડકણું છે, તે કોઈ પણ કવિતારસિક સમજી શકશે. જેમાં ભાવનો કશો ઉત્કર્ષં નથી, જે કવિતા આપણા હૃદયતંત્રને રણઝણાવતી નથી, આપણને એક ડગલું યે ઊંચે લઈ જતી નથી, તે કવિતા જ નથી. માટે જ દલપતરામે કહ્યું છે :-

સુણી કવિતાનો સ્વાદ મરદ માદા નહિ ડોલે,
નહિ કવિતા તે ઠામ, બરાબર બકરો બોલે.

જો મુરલીથી ફણીધર ના ડોલે, કવિતાથી સ્ત્રી-પુરુષ ના ડોલે, તો તે મુરલી ને કવિતા બંને નકામાં એમ દલપતરામ કહે છે. અને સંસ્કૃત કવિએ એટલા માટેજ કહ્યું છે, “તે કવિનું કાવ્ય ને તે બાણાવળીનું બાણ બંને શા ખપનાં જો પારકાના (અને શત્રુના) હૃદયમાં પેસી જઈને તેના માથાને ડોલાવી-ઘુમરાવી ના નાખે?” આ પરથી જણાશે કે કવિ આ જ જગતને કોઈ અનુભવ કવિતામાં વણી લેતાં એવો કંઈ કીમિયો કરે છે કે વસ્તુ એની એ હોવા છતાં આપણને તદ્દન નવીન, રમણીય ને પ્રેરક લાગે છે. શબ્દની, અલંકારની, સંવેદનની, કલ્પનાની, છંદની શક્તિથી—એક જ શબ્દમાં કહીએ તો તેની પ્રતિભાથી-કવિ નવી જ સૃષ્ટિ સરજે છે. જગત પરની સ્થૂળ અલકા આજ ભલે નાશ પામી હોય, પણ ‘મેઘદૂત’માં આલેખાયેલી કાલિદાસની અલકા તો આજેયે જીવંત છે, મૂળની અલકા કરતાંયે ઘણા વિશેષ મનોહર મંડિતરૂપે ! રામ અને સીતા થયાં હોય કે નહિ, પણ આપણાં સ્વજનો કરતાં, રામુભાઈને શોભના બહેન કરતાંય, રામ-લક્ષ્મણ ને સીતા જેવાં પાત્રો, આપણે કદી તેમનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો નથી છતાં, આપણા સૌના હૃદયમાં આપણા કરતાંયે જાણે વધુ જીવંત છે ! કવિની ભાવ-સૃષ્ટિની આવી બલિહારી છે. આમ જે કવિતા માનવજીવનનાં સુખદુઃખથી રંગાયેલી છે, તેમાંથી જન્મેલી છે, ને તેમાંથી જ પાંગરેલી છે, તે આપણામાં નવું જોમ આણે છે, નવો પુરુષાર્થ પ્રેરે છે, સૌંદર્યનો ગુલઝાર ઊભો કરે છે; આ જગતને સ્નેહથી, સમભાવથી, શ્રદ્ધાથી, જોવા આપણને જાણે નવું, નયન આપે છે—दिव्यं ददामि ते चक्षु:-એવું પણ કહ્યા વિના ! આપણામાં કોમળતા, મધુરતા, મંગલતા ને સુંદરતાનું તે ટીપે ટીપે સિંચન કરે છે. આટલા માટે જ સંસ્કૃતમાં કહેવાયું છે કે—જેમની યશરૂપી કાયાને જરા કે મૃત્યુનો કશો ભય નથી તેવા કલ્યાણકારી રસસિદ્ધ કવીશ્વરોનો જય હો!