સરળ અલંકાર-વિવેચન/કવિતાને ઘડનારાં મુખ્ય તત્ત્વો

From Ekatra Foundation
Revision as of 02:41, 22 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિતાને ઘડનારાં મુખ્ય તત્ત્વો

લાગણી વિનાનું માનવજીવન-માનવજીવન જ શા માટે, જીવન માત્ર-કલ્પી શકાતું નથી, તેમ લાગણી વિનાની કવિતા પણ અસંભવિત છે; અર્થાત્ ઊર્મિ, કવિતાનું પ્રાણપ્રદ તત્ત્વ છે. મા બાળકને જોતાં જેમ લાગણી અનુભવે છે, બાળક જન્મે છે ને માતાની છાતીમાં પ્હાનો ફૂટે છે, વાત્સલ્યની ધારા વહે છે, તેમ જ સંવેદનશીલ કવિનું હૃદય પણ જીવનમાં અવારનવાર ચિત્રવિચિત્ર અનુભવોથી ઘડાતું-રંગાતું-પલટાતું સંવેદનો અનુભવે છે. અલબત્ત વૃક્ષને જેટલાં પાંદડાં હોય છે તેટલી મંજરી હોતી નથી ને મહોર કે ફૂલ હોય છે તેટલાં ફળ હોતાં નથી, તેમ કવિના બધા જ અનુભવો કંઈ કાવ્યરૂપ પામતા નથી; પણ જે અનુભવ કવિને સૌથી વધુ પ્રેરક, વેધક, હૃદયભેદક લાગે છે તે કવિના ચિત્તનો કબજો લઈ લે છે ને એ અનુભવ અંતે કાવ્યરૂપ પામે છે. આવો વિશિષ્ટ અનુભવ પામ્યા પછી કવિ ઘણીવાર અસ્વસ્થ બની જાય છે; એ અનુભવ, એ સંવેદન, એ ઊર્મિ, ચિત્તમાં ફરી જાગ્રત થાય ને હૃદયને ઘેરો ઘાલે પછી તે કાવ્યરૂપે અભિવ્યક્ત ન થાય ત્યાં લગી કવિને જાણે કે ચેન પડતું નથી. કવિની આ અનુભૂતિને–તેની ગજાસંપત પ્રમાણે, તેની શક્તિ પ્રમાણે-વાચા મળે છે, ત્યારે જ કવિને કરાર વળે છે; જાણે કે પેલો અનુભવ સર્જનરૂપે વહેતો થાય છે ને કવિને મુક્ત કરતો જાય છે-પિંજરમાંનું પંખી મુક્ત થાય ને તેનું ઉલ્લાસભર્યું. ગાન હવામાં ગુંજી ઊઠે, તેવું કવિપંખીનુંય છે. વેદનાનું ગાન ગાતો કવિ પણ વેદનાને વ્યક્ત કરતી વેળા, સર્જનનો, મુક્તિનો, આનંદ અનુભવતો હોય છે; ને તેથી કરુણ કાવ્યના સર્જનમાં પણ સર્જક એક જાતની મધુર વેદના અથવા વેદનાનું માધુર્ય જાણે કે અનુભવતો હોય છે. આ લાગણીનું મહત્ત્વ સમજવા એક જ દાખલો પૂરતો થશે. સમજો કે એક કાગળ છે; તેમાં દુનિયાનાં વિવિધ સુંદર સ્થળોનું લાંબું વર્ણન છે; બીજા કાગળમાં માત્ર ચાર જ લીટી લખેલી છે. પણ તે દૂર દૂરથી આવેલો માતાનો પત્ર છે. બેમાંથી વધુ કિંમત શેની થશે ? પેલાં વર્ણનો ગમે તેટલાં મહત્ત્વનાં હોવા છતાં માતાની લાડભરી લાગણી આગળ સાવ લૂખાં લૂખાં છે. કવિતામાં લાગણીનું-ભાવનું આટલું બધું મહત્ત્વ આથી જ છે. પણ માત્ર લાગણીથી કાવ્ય બનતું નથી. એમ તો, માતાના અવસાનથી રોતાં, કકળતાં બાળકો લાગણી ઘણીયે અનુભવે છે, પણ તેને કાવ્ય કહી શકાય? શબ્દ અને અર્થ તેમાં હોવાં જોઈએ તે સાચું પણ મરણ વખતે ગવાતા મરશિયા કે છાતી કૂટતી વખતે બોલાતાં વચનો-તેમાં ક્યાંક ક્યાંક કાવ્યત્વ કે હૃદયભેદક દીનતા ને કોમળતા હોવા છતાં–શુદ્ધ કાવ્ય છે, એમ કોણ કહેશે? (અલબત્ત ‘રતિવિલાપ’ કે ‘અજવિલાપ’ ઉત્તમ કાવ્યકૃતિ છે, એમાં શંકા નથી.) ત્યારે કાવ્યમાં લાગણી કે ઊર્મિ ઉપરાંત પણ બીજાં તત્ત્વો જોઈએ. માટીના લોંદા જેવો લાગણીનો પિંડ ચાકડા ઉપર ચઢતાં જેમ નવો જ ઘાટીલો આકાર પામે, વધારાની માટી ખરી પડે, ને દૃઢ આકાર બનતો જાય, તેમ યોગ્ય અયોગ્યનો નિર્ણય કરતી બુદ્ધિ, સંયમ અથવા સ્વસ્થતા, શબ્દસમૃદ્ધિ, કલ્પનાશક્તિ, કલામય ઘાટ આપવાનું કૌશલ-એમ ઘણું ઘણું કવિમાં પણ હોવું જોઈએ. આ બધું સાચા કવિમાં સહેજે આવી જાય છે; ને કવિતામાં છૂટક છૂટક હોતું નથી કે રહેતું પણ નથી. જેમ આપણે ચાલવાનું નક્કી કરીએ છીએ ત્યારે મગજ, હાથ, પગ, આંખો બધાં એકી સાથે ને એકમેકને અનુકૂળ બનીને કામ કરે છે, આંખ ક્યાંક જુએ, પગ બીજી દિશામાં ચાલે ને મગજ વળી ત્રીજું જ કંઈ વિચારતું હોય, એવું સામાન્યપણે બનતું નથી, તેવું જ કવિતાના પ્રદેશમાં કાવ્યસર્જન પરત્વે પણ છે. કવિતામાં ભાવ, ચિંતન, લાગણી કે ઊર્મિ, કલ્પના, છંદ તથા શબ્દસમૃદ્ધિ-બધું શરબતમાં નખાતા વિવિધ પદાર્થોની જેમ એકરૂપ બની જાય છે ને પરિણામે નવું જ કાવ્યસ્વરૂપ સર્જાય છે. અલબત્ત આ બધાં તત્ત્વોને સાંકળનારી કવિપ્રતિભા છે. તે વિના આ બધાંય એકડા વગરનાં મીડાં છે. પ્રતિભાનો એકડો હોય તો જ આ બધું શોભે. કવિ-કવિમાં જે નાના મોટા ભેદ દેખાય છે, તેનું કારણ આ સર્જનશક્તિ અર્થાત્ પ્રતિભા જ છે.