સરળ અલંકાર-વિવેચન/કવિતાનાં વિવિધ લક્ષણો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કવિતાનાં વિવિધ લક્ષણો

કવિતાની રચના, ખરું કહીએ તો સર્જન, નૈસર્ગિક એટલે કે કુદરતી પ્રવૃત્તિ છે. ગાયકને ગાવાનું મન થાય ને ગાયા વગર રહી જ ના શકે, સાચા ચિત્રકારમાં ચિત્ર ચીતરવાની ઊર્મિ ઊઠે ને ચીતર્યા વિના ચેન ના પડે, ભલેને તેમાંથી રોકવા તેને ગમે તેટલો કોઈ લોભાવે, તેવું જ સાચી સર્જનપ્રવૃત્તિનું છે. સવાર પડે ને ખેડૂતને ખેતરે ગયા વિના જેમ ચાલે જ નહિ, લીલાં લીલાં ખેતર, ઊડતાં પંખી, ધીમે ધીમે ચઢતો જતો સૂર્ય ને કિચૂડતો કોસ-બધાં એનું જાણે સ્વાગત કરે છે, ઝાડ પણ ડાળીઓ ઝુલાવીને જાણે પ્રેમથી ખેડૂતને વધાવે છે; ત્યારે હાડના સાચા ખેડૂતને જેમ ખેતરે ગયા વિના ચેન નથી પડતું, તેવું કાવ્યસર્જનનું છે. કવિતાસર્જનનો આનંદ પણ એવો જ સાત્ત્વિક છે. જો આટલું સમજાય તો કવિતાની ઘણી મિથ્યા આળપંપાળ સરી જાય. કવિતા કોને કહેવાય, કવિતામાં શું જોઈએ ને શું ન જોઈએ, કવિતાનાં પ્રાણભૂત તત્ત્વો કયાં, ઉત્તમ કવિતા કઈ, તે સમજવું અલબત્ત જરૂરી છે. પરંતુ જેમ ભાષાનું ઉચ્ચારણ કે તેનો વિનિયોગ વ્યાકરણને વળગી વળગીને થતો નથી, આપોઆપ જ વ્યાકરણની શુદ્ધિ ભાષામાં આવી જાય છે, શુદ્ધ ભાષાનો મહાવરો પડતાં, તેવું જ કવિતામાં વિવિધ લક્ષણો કે તત્ત્વોનું છે. સાચી કવિતા ઊડતા પંખી જેવી, ટહૂકતી કોયલ જેવી, કે સ્વચ્છંદે કળા કરતા મોર જેવી હોય છે. તેમાં કશું સભાનપણે, પ્રયાસ કરીને, લાવવું નથી પડતું. એ તો આપોઆપ એની મેળે આવી જાય છે. પણ કવિતાની સમજણ માટે તેનાં વિવિધ લક્ષણોનો થોડો પરિચય કરવો જરૂરી છે. તેથી આપણે અહીં તેની થોડી ખપપૂરતી ચર્ચા મુખ્યત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને અનુસરીને કરીશું. પણ તે પહેલાં અંગ્રેજીમાં શો મત પ્રવર્તે છે તે ટૂંકમાં જોઈશું. અંગ્રેજી સાહિત્યમાં પણ કવિતા અંગે વિવિધ મતો કે ખ્યાલો દર્શાવવામાં આવ્યા છે. એક પક્ષ કવિતામાં શબ્દ અને અર્થનું ગૌરવ કરે છે. તે માટે કોલરિજ કહે છે કે “Poetry is best words in the best order.” અર્થાત્ ઉત્તમ શબ્દોની ઉત્તમ વ્યવસ્થા કે રચના તેનું નામ કવિતા. બીજો પક્ષ ઊર્મિ પર ભાર મૂકીને કહે છે કે શાંતિની પળોમાં ઊર્મિનું થતું પુન:સ્મરણ કે પુનઃસર્જન તે કવિતા. વર્ડ્ઝવર્થ આ પ્રમાણે મતધરાવે છે ને કવિતાને “Emotion recollected in tranquillity” અથવા “Spontaneous overflow of powerful feelings” એમ કહે છે. તો શેલી જેવો કવિ કવિતામાં રહેલા કલ્પનાતત્ત્વ પર વિશેષ ભાર મૂકે છે ને તેથી કહે છે : “Poetry in a general sense may be defined as the expression of imagination.” તે કાર્લાઇલ જેવો કવિતામાં રહેલા વિચારના મધુર ગુંજનથી આકર્ષાઈને કહે છે : “Poetry, we will call musical thought.” આ ને આવા બીજા વિવિધ મતો અંગ્રેજી સાહિત્યમાં જોવા મળે છે; પરંતુ ટૂંકમાં એમ કહી શકાય કે ભાવની અથવા અનુભવની તીવ્રતા પર અને સર્જકની કલ્પનાશક્તિ પર અંગ્રેજીમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે સંસ્કૃત સાહિત્યની દૃષ્ટિએ જોઈએ તો કવિતા અંગે આથી ઘણા વિશેષ મતો આપણને જોવા મળે છે. સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર ખૂબ સારી રીતે વિકસ્યું છે તેનું આ ચિહ્ન છે એમ એક રીતે કહી શકાય. અલબત્ત અહીં મતભેદ પુષ્કળ જોવા મળે છે; પણ તેનું મુખ્ય કારણ એ છે કે કાવ્યશાસ્ત્ર ધીરે ધીરે સંસ્કૃત સાહિત્યમાં ખેડાતું જતું હતું ને ખીલતું આવતું હતું. તેથી વિવિધ કાવ્યમીમાંસકોએ સમયે સમયે કવિતાને લગતા વિવિધ અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. કવિતાના બાહ્ય દેહ કે બહિરંગ તરફ કંઈક વિશેષ ધ્યાન અપાતું આપણને સંસ્કૃત સાહિત્યમાં દેખાય છે; પણ તે શરૂઆતની ચર્ચાઓમાં જ. શબ્દ અને અર્થો ને તેમાંથી પ્રગટતા વિવિધ અલંકારો, રજૂઆતની વિવિધ રીતિઓ અથવા ભંગીઓ, વગેરે વિશે કાવ્યને લક્ષમાં રાખી ખૂબ ઊંડાણભરી ને ઝીણવટવાળી ચર્ચાઓ થઈ છે. કવિતામાં રસનું મહત્ત્વ સર્વોપરિ છે એવો મત પણ આપણને સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. પણ રસનું મહત્ત્વ સંસ્કૃત સાહિત્યમાં નાટ્યક્ષેત્રે વિશેષ સ્વીકારાયું હોવાથી કાવ્યચર્ચામાં રસની સર્વોપરિતા પાછળથી સિદ્ધ થતી આપણને દેખાય છે. તેથી શબ્દ અને અર્થોનો સહયોગ જેમાં હોય તે કાવ્ય-એવો કવિતામાં શબ્દાર્થ પર ભાર મૂકતો એક મત આપણને જોવા મળે છે. તો બીજો મત યોગ્ય શબ્દાર્થ દ્વારા સરજાતી રીતિ-શૈલી પર ભાર મૂકતો જણાય છે; એટલે રીતિને કવિતાનો આત્મા ગણે છે. ત્રીજો એક મત વક્રોક્તિને એટલે કે ચમત્કારયુક્ત ઉક્તિને કાવ્ય ગણે છે. કોઈ ધ્વનિને કાવ્યનો આત્મા કહે છે. અર્થાત્ જે કાવ્ય વાંચતાં અંદરથી કોઈ વિશેષ રમણીય અર્થનું સૂચન થતું હોય, કાવ્યના વાચ્યાર્થ ઉપરાંત જેમાંથી કોઈ વિશેષ રમણીય સૂક્ષ્મ અર્થ વ્યંજિત થતો હોય તેવું કાવ્ય ઉત્તમ કાવ્ય છે. *[1] આમ આ ચર્ચા વિકસતી આવે છે ને વિશ્વનાથ જેવા રસને જ કાવ્યનો આત્મા કહે છે—वाक्यं रसात्मकं काव्यम् । છેલ્લે, પંડિતરાજ જગન્નાથ જેવા કવિતામાં શબ્દ ઉપર વિશેષ ભાર મૂકે છે; તેમને મતે કવિતામાં શબ્દની ચમત્કૃતિ વધુ મહત્ત્વની છે; ને તેથી તે કહે છે કે રમણીય અર્થને નિષ્પન્ન કરનાર શબ્દ તે કાવ્ય છે. અહીં પ્રશ્ન થશે કે તો પછી અલંકારનું કવિતામાં શું મહત્ત્વ? એની ચર્ચા આગળ કરી છે. અહીં એટલું જ જાણવું બસ થશે કે અલંકારયુક્ત તે કાવ્ય, એવો પણ એક જબરો મત સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત હતો ને અગીઆરમી બારમી સદીમાં થઈ ગયેલા ‘કાવ્યપ્રકાશ’ના લેખક મમ્મટ તેના સમર્થ પક્ષકાર હતા. તેમની પૂર્વેના બધા કાવ્ય-મીમાંસકોએ પણ કવિતામાં અલંકાર પર ખૂબ ભાર મૂક્યો છે.


  1. * સરખાવો : “Suggestion is the soul of poetry.” આવાં કાવ્યોનાં અનેક ઉદાહરણ મળી રહેશે-જેમકે શ્રી. ઉમાશંકર જેવીનું ‘બળતાં પાણી’, કવિ નાનાલાલનું ‘ચંદ્રીએ અમૃત મોકલ્યાં હો બહેન !’ જેવાં અનેક કાવ્યો તથા આધુનિક કવિઓની પણ ઘણી આવી રચનાઓ મળશે; જેમકે ‘ધ્વનિ’માં શ્રી. રાજેન્દ્રશાહનું સોનેટપંચક “આયુષ્યના અવશેષે.”