સરળ અલંકાર-વિવેચન/અનુપ્રાસ

Revision as of 03:21, 22 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૨) અનુપ્રાસ :

વર્ણસામ્યને અનુપ્રાસ કહે છે; અર્થાત્ એકનો એક વર્ણ કે વર્ણો જ્યારે પંક્તિમાં ફરી ફરીને રમણીયરૂપે આવે ત્યારે વર્ણ સગાઈ કે અનુપ્રાસ અલંકાર થયો કહેવાય; આ અલંકારથી કવિતામાં વર્ણમાધુર્ય અથવા શબ્દમાધુર્ય આવે છે. જેમકે :

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસરમાંહી સરતી,
કામિની કોકિલા કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી. (પૂર્વાલાપ)

આ પંક્તિઓમાં જ, દ, ય, ક, સ, ભ, વગેરે વર્ણોની પુનરુક્તિથી માધુર્ય સધાય છે. અથવા

મેલીને મુક્ત હૈયું મધુર બજવતો મોરલી મર્મરોની...

(પ્રતીક્ષા)

જેવી પંક્તિમાં કે—

ભલે ન ચૂમ્યા અલકાન્ત કિંતુ તે
ચૂમ્યા ન રે કર્ણશિરીષતંતુ યે !

(પ્રાચીના)

જેવી પંક્તિમાં યમક અને અનુપ્રાસનો-ઝડઝમકનો–સુભગ યોગ જોવા મળશે. યમક, અનુપ્રાસ, ને રવાનુકારી શબ્દોની રચનાવાળી ચારણી શૈલીની કવિ દલપતરામની નીચેની પંક્તિઓ જુઓ :

ધરતી પદ ધમધમાક, ઝાંઝર ધ્વનિ ઝમઝમાક,
ઠણણણ ઠમ ઠમઠમાક, ઘોરે ઘણી ઘુઘરી.
ઝળળળ મુખ કાંતિ ઝળક, ખળળળ ભુજ ચૂડ ખળક,
ભળળળ શશી ભાલ ભળક, નથડી નાકે ધરી.
થનગન તન ચાલ ચપળ, બણિઠણિ શણગાર સકળ,
ઘણણણણણ ઘોર અકળ, કીધો ચાલે કરી,
તાતા થૈ કરતી ગાન, નાચતી નટવી સમાન
તિગડ તિગડ તિગડ તાન, સજતી તે સુંદરી.

સુંદરીનું આ કેવળ બાહ્ય વર્ણન છે : ભાવની રમણીયતા તો તેમાં ભાગ્યે જ કંઈ છે; માટે શબ્દચાતુરી ને કેવળ શબ્દમાધુરીને આરાધતું આ કાવ્ય, સંસ્કૃતમાં જેને “ચિત્ર કાવ્ય” કહ્યું છે, કેવળ સામાન્ય કક્ષાનું-ત્રીજી કક્ષાનું-કાવ્ય, તેનું જ ઉદાહરણ બની રહે છે. શબ્દ તેમજ અલંકાર આખરે તો સાધન છે, સાધ્ય નથી.