સરળ અલંકાર-વિવેચન/રૂપક
ઉપમેયને ઉપમાનની સાથે ઉપમામાં સરખાવવામાં આવે છે. તેને બદલે ઉપમેય ઉપમાન જ છે, બંને વચ્ચે અભેદ છે, એકતા છે, એમ જ્યારે બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય : “લગ્નનો લાડવો માત્ર પ્રેમનાં પાણીથી નથી વળતો, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.”
અથવા—
નહિ તે કંઈ દોષભર્યાં નયનો,
પણ નિર્મળ નેહ-સરોવર-સારસ
-યુગ્મસમાં પરિપૂર્ણ દયારસ,
એ જખમી દિલનાં શયનો.
અહીં બીજી પંક્તિમાં નિર્મળ નેહ (સ્નેહ)રૂપી સરોવર કહ્યું છે, માટે આ રૂપકનું ઉદાહરણ છે. અથવા તો,
ઊભીને કાલસિન્ધુને તીર,
બજાવે બંસરી ભવ્ય સુધીર.
અહીં કાલનો સિન્ધુ સાથે અભેદ છે, કાલ અને સિન્ધુ એકરૂપ થઈ ગયા છે, “કાલરૂપી સિંધુને તીર’ એવો અહીં અર્થ છે, ને માટે આ પણ રૂપક કહેવાય.
વસંતની ફૂલમાળા પ્હેરી, કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી કોણ ગયું ઉર પેસી ?
એમ કવિ સુંદરમ્ ‘એક સવારે’માં દિવ્ય અનુભવ વર્ણવે છે, ત્યાં પણ પરાગરૂપી પાવડી ને કોકિલરૂપી બંસી એવો અર્થ નીકળે છે, માટે એ પણ રૂપક ગણાય. આમ જ્યાં ઉપમેય ને ઉપમાનની એકરૂપતા, અભેદ અથવા એકતા દર્શાવાતી હોય-વસ્તુતઃ તે બંને જુદા હોવા છતાં-ત્યાં રૂપકની રચના થઈ કહેવાય. આ પરથી જણાશે કે જ્યારે સમ, તુલ્ય, જેવો, વગેરે ઉપમાવાચક શબ્દનો લોપ થાય ને અભેદ સૂચવાય ત્યારે રૂપક બને. એટલે ઉપમામાં ચાર અંગો હોય છે, પણ રૂપકમાં ઉપમાવાચક શબ્દ ન હોવાથી, ત્રણ અંગો જ હોય છે. આ પ્રકારના રૂપકના પણ પેટા વિભાગ છે (अ) સાંગ અને (ब) નિરંગ–અથવા (अ) સાવયવ અને (ब) નિરવયવ. આ નિરંગ અથવા નિરવયવ રૂપકનો એક પ્રકાર (માલોપમાની જેમ) (क) માલારૂપકનો પણ છે. આપણે આ વિવિધ પ્રકારો જોઈએ.