સરળ અલંકાર-વિવેચન/છેકાપહ્‌નુતિ

From Ekatra Foundation
Revision as of 02:24, 23 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છેકાપહ્‌નુતિ

આ અલંકાર આમ અપહ્નુતિનો જ એક પ્રકાર છે. પણ અહીં નિષેધ કરીને સ્થાપના છેક છેવટે જ થતી હોય છે. એટલે અપહ્નુતિ-છુપાવવાની ક્રિયા-લગભગ છેક લગી ચાલુ રહેતી હોય છે. બીજી રીતે કહીએ તો, જેના બે અર્થ થતા હોય, બે રીતે જેને ઘટાવી શકાય, તેવી વસ્તુની અહીં છુપાવીને ચતુરાઈથી ચમત્કારપૂર્ણ રજુઆત કરવામાં આવે છે. સંસ્કૃતમાં આવાં સુભાષિતો ઘણાં છે. નીચેનો દૃષ્ટાંત જુઓ :

જે પાણિગ્રહલાલિતા, સુસરલા, તન્વી, સુવંશોદ્ભવા,
ગોરી, સ્પર્શસુખાપનારી, ગુણવંતી, નિત્ય રમ્યા હતી,
રે રે કોઈ હરી ગયું: વિરહથી તેના ન ચાલી શકું;
હે ભિક્ષો! તવ સુંદરી ? નહિ, નહિ, પ્રાણપ્રિયા લાકડી.

એજ પ્રમાણે શ્રી જ્યોતીન્દ્ર દવેની ‘પરિત્યક્તા’ નામની ડોલનશૈલીની રચના પણ છેકાપહ્નુતિનું ઉદાહરણ છે. આપણે તેમાંથી એક નાનો ખંડ જ જોઈએ.

પુરુષહૃદયની કૃતઘ્નતા જોઈ
પ્રથમ એનું હૈયું ભાંગ્યું,
પછી ભાંગ્યા હાથ.
પ્રથમ ચલિત થયું ચિત્ત
ને પછી ચલિત થયા ચરણ.
....
મૃત્યુની વાટડી જોતી,
ભીંત–આધારે એ ઊભી હતી.
.....
પુરુષે પ્રમદાને કહ્યું :
‘હવે આપણે આને બાળી મૂકીએ તો કેમ?’
અબળા હસી ને ઉચ્ચરી—
‘હા, ઊનું પાણી કરવા
હવે એ ખપ લાગશે.
એ ખુરશી બહુ વરસ ચાલી, નહિ?’

છેકાપહ્નુતિ ને અપહ્નુતિમાં ફરક એ છે કે છેકાપહ્નુતિમાં વસ્તુને છેક લગી છુપાવી હોય છે. છુપાવવા માટે ચતુરાઈથી શ્લેષપૂર્ણ તરકીબ કરી હોય છે; ને એ રીતે ચમત્કૃતિ સાધી હોય છે. અપહ્નુતિમાં તો કવિકલ્પના જ ગંભીરતાથી વિલસતી હોય છે.