સરળ અલંકાર-વિવેચન/ઉપમેયો૫મા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૫) ઉપમેયો૫મા :

ઉપમેય દ્વારા બનતી ઉપમા તે ઉપમેયોપમા; અર્થાત્ આ અલંકારમાં જે ઉપમેય હોય તે જ પાછો ઉપમાન બને છે ને ઉપમાન હોય તે ઉપમેય બને છે: એટલે કે બે પદાર્થોની ઊલટસૂલટ સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમેયોપમા અલંકાર બને છે. જેમકે, અહા, કેવાં રાતાચોળ ઓષ્ઠ જેવાં પરવાળાં ને લાલ પરવાળાં જેવા હોઠ! અહીં હોઠને ને પરવાળાંને કોઈ ત્રીજી ચીજ સાથે ન સરખાવતાં પરસ્પર સાથે સરખાવ્યાં છે, બે ઉપમાઓ દ્વારા, માટે આ ઉપમેયોપમા છે. ઉપમેયોપમામાં આમ વસ્તુતઃ બે ઉપમાઓ આવે છે તે ખ્યાલમાં રાખવું ઘટે. એવું જ જુઓ નીચેનું દૃષ્ટાંત :

ભૂરાં જલે સભર સિંધુ સમાન સૂતું
આ આભ: ને શ્યામલ નીલ વ્યોમ
સરીખડો શો જલધિ પ્રશાંત !

અહીં આભને સિંધુ સાથે ને સિંધુને આભ સાથે સરખાવેલ છે, માટે આ ઉપમેયોપમા છે. અંતર જેવું ઓઢણું રાખજે ને ઓઢણા જેવું અંતર.

* (જયાજયંત)


પવનમાં છુટ્ટા લટકતા કેશકલાપ જેવી આ ચાલી જતી કાળી નાગણ, ને સરકતી નાગણ જેવો આ હવામાં ફરફરતો કાળો કેશકલાપ! બેમાં કયું વધુ સુંદર ? આ ઉદાહરણો પણ ઉપમેયોપમાનાં છે તે સ્પષ્ટ થશે.