સરળ અલંકાર-વિવેચન/પ્રતીપ

Revision as of 01:55, 24 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૧૬) પ્રતીપ :

પ્રતીપ અલંકાર કેટલેક અંશે વ્યતિરેક અલંકારને મળતો છે; કેમકે પ્રતીપ અલંકારમાં પણ આમ તો ઉપમેયનું જ ચઢિયાતાપણું સૂચવાતું હોય છે. પણ વ્યતિરેક કરતાં આ અલંકારનું જુદાપણું એ રીતે છે કે પ્રતીપમાં ઉપમાનનો (૧) તિરસ્કાર અથવા તો (૨) નિરર્થકતા દર્શાવાતાં હોય છે; ને એ રીતે ઉપમેયનું ચઢિયાતાપણું સૂચવાતું હોય છે.

દમયંતીનો ચોટલો દેખી અતિ સોહાગ,
અભિમાન મૂકી, લજ્જા આણી, પાતાળ પેઠો નાગ.

(નળાખ્યાન)

અહીં ઉપમાન નાગ ઉપમેયથી શરમાય છે, ભોંઠો પડે છે એમ બતાવ્યું છે, માટે પ્રતીપ. એવો જ બીજો દાખલો : હે સુંદરિ! અહીં આવ, અહીં આવ; ચંદ્રને તારા મુખની સાથે સરખાવીને તારી કેવી નિંદા કરવામાં આવે છે તે તો જે ! અહીં મુખ ચંદ્રની સાથે નહિ પણ ચંદ્ર મુખની સાથે સરખાવવામાં આવ્યો છે; અર્થાત્ ચંદ્ર ઉપમેય છે ને મુખ ઉપમાન છે. ખરું જોતાં જે ઉપમાન જ ગણાય છે તે ચંદ્રને અહીં ઉપમેય ગણીને ઉતારી પાડ્યો છે, ને વળી ચંદ્રની સાથે સુંદરીના મુખની સરખામણી થવાથી સુંદરીની નિંદા થતી બતાવી છે! આમ હોવાથી આ પહેલા પ્રકારનો પ્રતીપ અલંકાર છે. હવે બીજા પ્રકારનો દાખલો જુઓ : હે રાજા ! સૌંદર્યમાં, પ્રતાપમાં, ત્યાગમાં ને ક્ષમામાં તારા જેવો અગ્રેસર છે, પછી બ્રહ્માએ શા સારું, ચંદ્ર, સૂર્ય, ચિંતામણિ તથા કુલ (નામના)–પર્વતો સર્જ્યા હશે ? આમ કહીને અહીં ચંદ્ર, સૂર્ય, ચિંતામણિ વગેરેની નિરર્થકતા સિદ્ધ કરી છે માટે પ્રતીપ અલંકાર.