સરળ અલંકાર-વિવેચન/વ્યતિરેક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૧૫) વ્યતિરેક :

ઉપમા અલંકારમાં ઉપમેયની સાથે ઉપમાનની સરખામણી થતી હોય છે; પણ એ જ દર્શાવે છે કે ઉપમેય ઊતરતું છે ને ઉપમાન ચઢિયાતું છે. કેમકે સરખામણી એક બીજાથી માત્ર જુદી જ નહિ, પણ ચઢિયાતી વસ્તુ સાથે થતી હોય છે. મુખ ચંદ્ર જેવું છે એમ કહીએ એનો અર્થ એ જ કે ચંદ્રથી વધુ સુંદર કંઈ નથી ને તેથી અહીં મુખને માટે ઉપમાન તરીકે આદર્શ ચંદ્રનો સ્વીકારેલો છે. આમ સામાન્ય રીતે બધે જ ઔપમ્યમૂલક અલંકારોમાં—ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે. પરંતુ વ્યતિરેક અલંકાર તે ગણાય છે જેમાં આનાથી અવળું જ હોય છે; એટલે કે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચઢિયાતું હોય, ઉપમાન ઊતરતું હોય, તે વ્યતિરેક અલંકાર ગણાય. નીચેનાં ઉદાહરણો પરથી આ સ્કુટ થશે :

બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહિ,
સખ્તાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહિ.

અહીં બલિહારીમાં ને સખ્તાઈમાં ઉપમેય ઉપમાન કરતાં ચઢિયાતું છે.

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે,
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.
... .... ....
વરસે ઘડીક વ્યોમ–વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે,
જનનીની.

(રાસતરંગિણી)

અહીં માતાનો પ્રેમ ગંગાનાં વધઘટ થતાં નીર કરતાં, તે એકસરખો હોવાને કારણે ચઢિયાતો છે; માતાના પ્રેમનો મેઘ બારે માસ વરસે છે જ્યારે વાદળી તો ઘડીક જ વરસે છે, એમ બે ઉપમાને– ગંગા ને મેઘ-કરતાં માતાના પ્રેમની-ઉપમેયની ઉચ્ચતા દર્શાવી છે, માટે આ વ્યતિરેક અલંકાર છે. ‘નળાખ્યાન’માં પ્રેમાનંદ વર્ણન કરતાં કહે છે- ‘પગપ્હાનીથી હાર્યો અળતો’; અર્થાત્ પગની પાની અળતાના રંગ કરતાંય વધુ લાલચોળ હતી. આમ ઉપમેય કરતાં ઉપમાન અહીં ઊતરતો છે, માટે આ પણ વ્યતિરેક અલંકાર છે. ‘નળાખ્યાન’માંથી વ્યતિરેક અલંકારનાં આ ઉદાહરણો પણ જુઓ :

હસ્તકમળથી કમળ હાર્યું, જળમાં કીધું ઘર;
ઉદર દેખી દમયંતીનું, સુકાયું સરોવર.
.... ....
જુગ્મ રવિસુત રૂપ આગળ જાય નાખી વાટ,
ગંભીરતાએ વર્ણવું પણ અર્ણવમાં ખારાટ.
શીતળતાએ શશી હાર્યો, મૂકી કળા પામે કષ્ટ,
તેજથી આદિત ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.

વ્યતિરેક-માલાના દૃષ્ટાન્ત માટે નીચેની પંક્તિઓ જુઓઃ

મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો,
પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો,
ચંદ્રથી નિર્મળ ક્ષમા, ક્રોધ અગ્નિથી તાતો,
દૂધથી ઉજળો યશ, અમલ મદિરાથી માતો.