તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી; નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’ આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે. અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે. આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ. નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે. નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.” નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે. સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે. વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે. નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે. હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે. આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે. આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧) ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.
‘નિસબત’ ૨૦૦૪; ‘પરબ’, જૂન ૧૯૯૯