ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ગદ્યસાહિત્ય
હરિવલ્લભ ભાયાણી
પ્રાસ્તાવિક
જૂની ગુજરાતીના ગદ્યસાહિત્યને બે વ્યાપક પ્રકારમાં વહેંચી શકાય : સ્વાયત્ત રચનાઓ અને પરોપજીવી કૃતિઓ. આ વિભાગોને પરસ્પર વ્યાવર્તક નથી સમજવાના. બંને પ્રકારનાં લક્ષણોની વધતીઓછી ભેળસેળવાળી કૃતિઓ સહેજે ચીંધી શકાશે. છતાં પણ ગદ્યનાં પ્રયોજનો અને સ્વરૂપ ધ્યાનમાં લેતાં આ રીતનું વર્ગીકરણ દ્યોતક બની રહે છે. પરોપજીવી પ્રકારમાં સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના મૂલાનુસારી અનુવાદો, સંક્ષેપો, વિવરણો વગેરેનો સમાવેશ થશે. સંસ્કૃત વ્યાકરણ ગુજરાતીમાં શીખવતાં ઔક્તિકો, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના શબ્દાનુસારી ભાષાંતર જેવા ટબા અને મૂળ પર આધારિત અનુવાદ, સારસંક્ષેપ કે વિવરણ આપતા બાલાવબોધોને આપણે આ પહેલા વિભાગમાં મૂકી શકીએ. તેમનું પ્રયોજન મૂળ કૃતિના શબ્દોનો અર્થ અવગત કરાવવાનું છે. મૂળ કૃતિની આંગળી પકડીને જ આ રચનાઓ પગલાં માંડતી હોય છે. લેખકને સ્વતંત્રપણે સામગ્રીનું આયોજન કરવાનો તથા તેને સમુચિત ભાષા, શૈલી વગેરે વડે ઘાટ આપવાનો સર્જનાત્મક પ્રયાસ કરવા માટે અહીં કશો અવકાશ હોતો નથી. અર્થઘટનનું કે વિવરણનું પ્રયોજન હોવાથી આ પ્રકારના ગદ્યમાં સાહિત્યિકતાની કશી અપેક્ષા હોતી નથી. આના વિરોધમાં સ્વાયત્ત રચનાઓમાં સામગ્રી અને સ્વરૂપની સંઘટના અપેક્ષિત છે. લેખકે પૂર્વવર્તી સામગ્રી, ભાષા કે શૈલી ઉપયોગમાં લીધી હોય ત્યાં પણ તેમને તે વધતેઓછે અંશે પોતાની રીતે ઘટાવીને કશુંક સમગ્ર, એકાત્મક સિદ્ધ કરવા મથામણ કરે છે. વર્ણકો સહિતની બોલીબદ્ધ રચનાઓ, બાલાવબોધોમાંની દૃષ્ટાંતકથાઓ વગેરેનો આ પ્રકારમાં સમાવેશ કરી શકાય. પહેલા ગ્રંથમાં આઠમા પ્રકરણમાં જણાવ્યું છે તે પ્રમાણે જૂનું ગુજરાતી ગદ્યસાહિત્ય તેરમા શતકથી શરૂ થઈને વિપુલતામાં ઉત્તરોત્તર વધતું ગયું છે. તેનું વિષયક્ષેત્ર સારી રીતે સીમિત હોવા છતાં પંદરમી શતાબ્દીથી ઓગણીશમી શતાબ્દી સુધીના ગાળામાં તેનું પ્રમાણ ઘણું જ વિશાળ બન્યું હોવાનું જોઈ શકાય છે. અને આમાં મુખ્ય ફાળો જૈન ગ્રંથકારોએ રચેલા બાલાવબોધોનો છે. નામથી નોંધાયેલા બાલાવબોધોની સંખ્યા એક હજાર લગભગ છે,૧[1] અને આમાં બીજા બસો-પાંચસોનો ઉમેરો થઈ શકે તેમ છે. દેખીતાં જ આ સામગ્રીનો સમુચિત વૃત્તાંત આપવા માટે સારી એવી પૃષ્ઠસંખ્યા જોઈએ, કહોને કે એક સ્વતંત્ર પુસ્તક જ જોઈએ. પરંતુ આમાંની ઘણીખરી કૃતિઓ હજી સુધી અપ્રકાશિત હોવાથી અહીં ગદ્યસાહિત્યનો વૃત્તાંત તેના વ્યાપ અને મહત્ત્વના પ્રમાણમાં અનિવાર્યપણે અત્યંત ટૂંકમાં જ આપી શકાય તેમ છે.
બોલીબદ્ધ રચનાઓ : શ્લોક, વર્ણકો.
પંદરમી શતાબ્દી સુધીમાં બોલી–શૈલીના ગદ્યનો મુખ્યત્વે બે રીતે ઉપયોગ થયેલો છેઃ સળંગ રચના માટે અને વર્ણક રૂપે.૨[2] સળંગ રચનાઓમાં બોલીબદ્ધ કથાકૃતિ તરીકે માણિક્યસુંદરનું ‘પૃથ્વીચંદ્રચરિત’ (૧૪૨૨) એક અને અદ્વિતીય રહ્યું છે. એ આલંકારિક શૈલીમાં કથા રચવાનો તે પછી કોઈ બીજો પ્રયત્ન થયો નથી. કથા રચવા સિવાય ઇતર હેતુઓ માટે પણ એ શૈલી પ્રયોજાતી હોવાનું આપણે જિનવર્ધનની બોલીબદ્ધ ‘જૈન ગુર્વાવલી’ (૧૪૨૬) ઉપરથી, અનુમાને પંદરમી-સોળમી શતાબ્દીની એક અનામી લઘુ રચના નામે ‘શોકાધિકાર’ ઉપરથી, અને ‘શ્લોક’ કે ‘સલોકા’ નામક ગદ્યરચનાઓ ઉપરથી જોઈ શકીએ છીએ.
‘શોકાધિકાર’
‘શોકાધિકાર’નો વિષય છે જૈન કલ્પસૂત્રમાંના મહાવીરચરિત્રનો એક સુકુમાર ભાવવાળો દ્યોતક પ્રસંગ.૩[3] ગર્ભાવસ્થામાં સાડા છ માસ વીત્યા બાદ ભગવાન મહાવીર પોતાના અંગસ્ફૂરણથી માતા ત્રિશલાને કષ્ટ થશે એમ વિચારીને નિશ્ચલ બની ગયા. માતાને શંકા પડી કે મારા ગર્ભને કશી હાનિ તો નહીં પહોંચી હોય? આથી તે શોકાકુલ બન્યાં. રાજભવનમાં પણ સર્વત્ર શોકનું વાતાવરણ છવાયું. અનુકંપાથી પ્રેરાઈને પોતે જે કર્યું તેની અવળી જ અસર પડી એ જાણીને ભગવાને પોતાની એક આંગળી ફરકાવી. માતાનાં શંકા ને શોક દૂર થયાં અને સઘળે ફરીથી આનંદ પ્રવર્ત્યો. ‘કલ્પસૂત્ર’માં ઉલ્લિખિત આ પ્રસંગનો ‘સુખબોધિકા’ ટીકા વગેરે અનેક સ્થળે વિસ્તાર મળે છે. પ્રસંગ ગર્ભાવસ્થાથી જ ભગવાન કરુણાપૂર્ણ, કોમળ હૃદયના હોવાનો સૂચક છે. એકાવન પ્રાસોની આ રચના ત્રણ નાના નાના ખંડમાં વહેંચાયેલી છેઃ સ્ફૂરણ બંધ થતાં ત્રિશલાના શોકભાવનું ચિત્રણ, રાજભવનના શોકમય વાતાવરણનું ચિત્રણ અને ગર્ભસ્થ મહાવીરે કરેલું શોકનિવારણ. ત્રિશલાનો મનોભાવ દર્શાવતી થોડીક પંક્તિઓ જોઈએઃ
મઇ જાણિઉં હતૂં હસિઇ સુલખ્યણ કુમાર;
થાસિઇ વિશ્વ-રઈં આધાર.
જાણિઉં હતૂં આવિસિઈ જિવારઇ માહરઇ ઘરિ,
તિવારઇં હૂં થાસિ પુત્રવંતી નઇં ધુરિ.
માહરઉ જાયુ થાસિઇ મોટઉ રાઉ,
દેસિ વયરી-તંણિ મસ્તકિ પાઉ.
તઉ પાપી દૈવિઇં ભાગી સવે આસ,
પડિઉ સમ-કાલ દુ:ખ-તણઉ પાસ.
ભાગી સઘલીઇ રુલી, સંતાપ શ્રેણિ ઊછલી.
આસ-વેલિ જઈ બલી, માહરઇ મનિ સુખ–તણી વાર્તા જ ટલી.
આસા-તરુયર મુહુરીઉ, જામ ફૂલેવા લગ્ગ.
વિધિ-કુંજરિ ઉમ્મૂલિઉ, એહ કુસંધિઈં ભંગ્ગ.
રાજભવનના વાતાવરણનું ચિત્રઃ
જે હૂંતા બડૂયા, તે થયા કડૂયા...
રાજ-ભવનિ જેણઇ રંજઇ ચીંત, તે એકૂ ન સાંભલીઇ ગીત.
જે હૂંતા પંડિત, તે થયા દુ: ખ મંડિત...
જે સાંભલાં થઇઇ હરાણ, તે ન વાચીઇં પુરાણ.
જે સાંભળતાં ફીટઇ વ્યથા, તે એકૂ ન સાંભલઇં કથા.
જે હૂંતા આચરીયા, તે થયા લાસરીયા.
જેહે નીરંતર જીવ વાવરી, તે મૌન કરી રહિયા ટાવરી...
જેહિ મનિ ઊપજઇ પ્રમોદ, તે એકૂ ન દીસઇ વિનોદ...
જે સભા બઇસતા રાણા, તે સવે મનિ ઉલ્હાણા.
જે તિહાં બઇઠા છઇં સેઠિ, તે જોઇવા લાગા નીચી દ્રેઠિ.
જે ભલા ભંડારી, તેહની મુખ-છાયા અંધારી.
શ્ર્લોક
બોલી-શૈલીનો બીજો પ્રયોગ શ્લોક કે શલોકા નામની લઘુ રચનાઓ માટે થયો છે. આવી આઠેક રચનાઓ જાણવામાં આવી છે.૪[4]શ્લોક, કે શલોકા, સલોકા, સિલોકા વગેરે નામે જાણીતી રચનાઓ પંદરમી શતાબ્દીથી આજના સમય સુધી ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત છે.૫[5] પ્રારંભમાં ‘તોરણે આવેલો વર વિદ્યા ને ચાતુરીની કસોટી તરીકે, સાળાની સાથેની સ્પર્ધામાં સંસ્કૃત શ્લોક જોડીને બોલે એવો ચાલ હતો. એવા શ્લોકનો વિષય પોતાના કુળ વગેરેનું વર્ણન, વિવાહની સાથે સંકળાયેલી વસ્તુઓ કે પ્રસંગનું વર્ણન, નગર, રાજવી, શણગાર વગેરેનું વર્ણન, ભેટની માગણી, દેવતાસ્તુતિ વગેરે રહેતો.’ પછીથી પોતાની બનાવેલી રચનાને બદલે કોઈકની તૈયાર રચના બોલવાનો, અને સંસ્કૃતને બદલે લોકભાષામાં રચના કરવાનો રિવાજ પડ્યો. પ્રાસબદ્ધ આલંકારિક બોલી-શૈલીનું જે ગાળામાં ચલણ હતું તે ગાળામાં તે શૈલીના ગદ્ય ‘શ્લોક’ રચાયા. સાળાને સંબોધીને આ ‘શ્લોક’ કહેવાતા હોઈને ‘અહો શ્યાલક’ એવા શબ્દોથી તેમનો આરંભ થતો. આ કારણે ‘અહો શ્યાલક બોલિ’ એવા નામે પણ તેમનો નિર્દેશ થયો છે. જૈન મુનિઓનો નગરપ્રવેશઉત્સવ વરઘોડા જેવી ધામધૂમથી ઉજવાતો હોઈને તેના વર્ણન માટે પણ આ શૈલી અપનાવાઈ છે. ‘વર્ણક-સમુચ્ચય’માંની દસમા ક્રમાંકવાળી આવી રચના – ‘ગુજરાતી સુલતાનોનું પ્રશસ્તિકાવ્ય’માં ‘અહો, વર’ એવું સંબોધન હોવાથી તે સાળાએ વરને કહેલો ‘શ્લોક’ છે. સોળમી-સત્તરમી શતાબ્દીના બોલીબદ્ધ શ્લોકોના પ્રતિનિધિ તરીકે આપણે ‘વર્ણક-સમુચ્ચય’માં આપેલા ‘અહો શ્યાલક બોલિ વર્ણક’ને લઈ શકીએ. તેમાં પ્રથમ ગણપતિ, સરસ્વતી વગેરે દેવોની સ્તુતિ, પછી અનુક્રમે દેશવર્ણન, સાસૂવર્ણન, નગરવર્ણન (પાટણ અને અમદાવાદ), રાજવર્ણન (અકબર પાદશાહ), રસોઈવર્ણન, પાટવર્ણન, શકુનવર્ણન આપ્યાં છે. નાહટાસંપાદિત ‘વર-પરિચય-શ્લોકરચના’માં એકવીશ સંસ્કૃત છંદો છે અને દરેક છંદની નીચે તેનો અનુવાદ બોલીના ગદ્યમાં અપાયો છે.
વર્ણક
આપણે આ પૂર્વે પહેલા ગ્રંથમાં જોયું તેમ સાહિત્ય-રચનાઓમાં આલંકારિક વર્ણનની જે દીર્ઘકાલીનપૂર્વ-પરંપરા ચાલી આવતી હતી તે જૂની ગુજરાતીમાં વર્ણકસાહિત્યને રૂપે ચાલુ રહેલી છે. પ્રાકૃત, પાલિ અને સંસ્કૃત સાહિત્યમાં રૂઢ પૂર્વસિદ્ધ વર્ણનોને ઉપયોગમાં લેવાની પરિપાટી કેટલીક પરંપરાગત ધાર્મિક કૃતિઓમાં જોવા મળે છે. ‘વર્ણક’ને નામે જાણીતાં એ વર્ણનો સમાસપ્રચુર, અલંકારના ઠઠારાવાળી કૃત્રિમ ‘કાવ્ય’ શૈલીમાં હોય છે. તો યથાપ્રસંગ વર્ણ્ય વસ્તુસામગ્રીની નામાવલિઓ, લાંબી ટીપો અને પર્યાયગુચ્છો આપવાનું બીજું શૈલીલક્ષણ પણ કેટલીક રચનાઓમાં દેખાય છે. પ્રાકૃતમાં ‘ઔપપાતિક સૂત્ર’, ‘જ્ઞાતાધર્મકથા’, ‘પ્રશ્નવ્યાકરણ’ વગેરે જૈન આગમગ્રંથોમાં અને ‘વસુદેવહિંડી’ જેવા કથાગ્રંથોમાં, તો સંસ્કૃતમાં પુરોગામી ‘વાસવદત્તા’, ‘કાદંબરી’ અને ‘દશકુમારચરિત’નાં શૈલીવર્ણનોને વધુ ઉગ્ર બનાવતી ‘શૃંગારમંજરી’, ‘તિલકમંજરી’ વગેરે જેવી કથાઓમાં, તેમ જ આખ્યાયિકાઓ અને ચંપૂકૃતિઓમાં આ રચનારીતિ ફાલેલી છે. ‘દશકુમારચરિત’ના ગદ્યમાં આવતાં વર્ણનોમાં પ્રાસ-અનુપ્રાસનું તત્ત્વ એક વલણ તરીકે સ્પષ્ટપણે તારવી શકાય છે. રાજસ્થાનમાં આઠમી શતાબ્દીમાં રચાયેલી પ્રાકૃત ‘કુવલયમાલા’ કથામાં, તથા નવમી શતાબ્દીના પ્રાકૃતમાં રચાયેલા જૈન પૌરાણિક ચરિત્રોના ગ્રંથ ‘ચઉપન્ન મહાપુરિસ-ચરિય’માં થોડાક ટૂંકા ટૂંકા વર્ણનખંડો પ્રાસબદ્ધ શૈલીમાં અપાયા છે. ચૌદમી શતાબ્દીથી દેશભાષામાં વર્ણકો મળવા લાગ્યા છે તે જોતાં વચગાળામાં પણ તેમની પરંપરા ચાલુ રહી હોવાનું માનવું પડશે. અનુમાને બારમી શતાબ્દી લગભગ રચાયેલી સંભવતઃ ‘રાઉલવેલ’ નામની એક માળવાની પદ્યરચના ઉત્કીર્ણ રૂપમાં મળે છે, જેમાં છેવટનો ખંડ પ્રાસબદ્ધ ગદ્યમાં છે. આ હકીકત આપણને એક નાનો શો પણ ઘણો મૂલ્યવાન પુરાવો પૂરો પાડે છે. પંદરમી શતાબ્દીના પ્રાસબદ્ધ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’માં તો રૂઢ વર્ણકોનો ભરપૂર ઉપયોગ થયેલો છે અને પછીથી વર્ણકોના વધુ ને વધુ વપરાશના પુરાવા મળતા રહે છે. અઢારમી શતાબ્દી પછી વર્ણકોની પરંપરા વ્યાપક પ્રવાહમાંથી લુપ્ત થાય છે, છતાં ‘વચનિકા’ અને ‘દવાવૈત’ના પ્રકારો તરીકે તે રાજસ્થાની ડિગળ સાહિત્યની પરંપરામાં તથા થોડેક અંશે એ જ સ્રોતની ચારણી શૈલીની વાર્તાઓમાં જીવંત રહે છે. ચૌદમી-પંદરમી શતાબ્દીથી આ વર્ણકો સંગ્રહરૂપે સંકલિત કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગયેલી. ગુજરાતી–રાજસ્થાનીના આવા વિવિધ વર્ણકોના ‘વર્ણક-સમુચ્ચય’ (સંપાદકઃ ભો. જ. સાંડેસરા) અને ‘સભાશૃંગાર’ (સંપાદકઃ અગરચંદ નાહટા) એવાં નામ નીચે બે સંગ્રહો પ્રકાશિત થયા છે. મૈથિલીમાં જ્યોતિરીશ્વર ઠક્કુરનો ‘વર્ણરત્નાકર’ (ચૌદમી શતાબ્દી) અને મરાઠીમાં વૈજનાથનો ‘કલાનિધિ’ એ ગ્રંથો, બીજી ભાષાઓના મધ્યકાલીન સાહિત્યમાં પણ વર્ણકોનું પ્રચલન હોવાનું દર્શાવે છે. પ્રકાશિત સંગ્રહોમાં કેટલાક વર્ણકો સંસ્કૃતમાં કે મિશ્ર સંસ્કૃત-ગુજરાતીમાં પણ છે. વર્ણકોમાં ત્રણચાર જુદા જુદા પ્રકાર તારવી શકાય છે. એક પ્રકારમાં કેવળ નામોની યાદી હોય છે : જ્ઞાતિઓ, ચૌટાઓ, કલાઓ, દેશો, નગરો, લિપિઓ, વાદિત્રો, વસ્ત્રો, ભોજનની વાનીઓ, રાગો, વંશો, આયુધો, વૃક્ષો વગેરેની નામાવલિઓ. આ અંશમાં ગદ્ય કે રચના જેવું કશું હોતું નથી. આની પૂર્વપરંપરા પણ ‘રત્નકોશ’ નામે જાણીતી ૧૩મી-૧૪મી શતાબ્દીની સંસ્કૃત રચનાઓમાં જોવા મળે છે. બીજા પ્રકારમાં નગર, વન, રાજા, રાજસભા, હાથી, ઘોડો, યુદ્ધ, પુરુષ, સ્ત્રી, પ્રભાત, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, રાત્રી, ઋતુઓ, કલિકાલ, નિર્ધન, ચોર, દુકાળ વગેરેનાં છટાદાર, પ્રાસબદ્ધ, અલંકૃત બોલીશૈલીનાં વર્ણન હોય છે. ત્રીજા પ્રકારમાં ‘અહો શ્યાલક બોલિ’ને નામે જાણીતા, વિવાહપ્રસંગે વર કે સાળાને બોલવાના બોલીશૈલીના ‘સલોક’ને મૂકી શકાય. ચોથા પ્રકારમાં આવી જ શૈલીની કહેવતો, સુભાષિત જેવી ઉક્તિઓ અને નીતિબોધનાં સૂત્રાત્મક વચનોનો સમાવેશ થાય. વર્ણકો મોટે ભાગે પરંપરાથી ઊતરી આવેલા, રૂઢ સ્વરૂપના અને ઉત્તરોત્તર શુદ્ધિવૃદ્ધિ પામેલા હોય છે. કથાકાર કે અન્ય કોઈ તેમને પોતાની રચનામાં જરૂર પ્રમાણે ગોઠવી દેવાના કે બીજા કોઈ ઉપયોગમાં લઈ લે છે. સાંડેસરાસંપાદિત ‘વર્ણક-સમુચ્ચય’માં બે મોટા વર્ણકસંગ્રહો ‘વિવિધ વર્ણક’ અને ‘સભાશૃંગાર’ તથા બીજા છ-એક લઘુ વર્ણકો આપેલા છે. લઘુ રચનાઓમાં મુખ્યત્વે ભોજન કે વસ્ત્રના વર્ણક છે અને બે વિવાહવિધિમાં બોલવાના સલોકાનું કામ આપતી રચના છે. નાહટા-સંપાદિત ‘સભાશૃંગાર’માં મુખ્યત્વે ‘વર્ણક-સમુચ્ચય’વાળી સામગ્રી વર્ગીકૃત કરીને રજૂ કરવા સાથે થોડીક અધિક સામગ્રી પણ આપેલી છે. ‘વિવિધવર્ણક’માં વચ્ચેવચ્ચે સંસ્કૃત વર્ણકો અને જાતજાતની વસ્તુઓના પ્રકારોની નામાવલિઓ છે. ‘વર્ણક-સમુચ્ચય’નાં છટાદાર વર્ણનોમાં ભોજન, રાજા, રાણી, પ્રધાન, કુમાર, આચાર્ય, નગર, વર્ષા, સભા, સુભાર્યા, કુભાર્યા, હાથી, ઘોડો, રાવણ, વિરહિણી, અપશુકન, સંગ્રામ, અટવી, વધામણું, નૌકાભંગ વગેરે વિશેષ ઉલ્લેખપાત્ર છે. નમૂનારૂપે બેત્રણ વર્ણકો જોઈએઃ
વિરહિણી–વર્ણક
હાર ત્રોડતી, વલય મોડતી
આભરણ ભાંજતી, વસ્ત્ર ગાંજતી
કિકિણીકલાપુ છોડતી, માથઉં ફોડતી
વક્ષઃસ્થલ તાડતી, કંચુઉ ફાડતી
કુંતલકલાપ રોલતી, પૃથ્વીતલિ લોલતી
સકજ્જલ બાષ્પજલિ કંચુક સિંચતી, ડોડલા દૃષ્ટિ મીચતી
દીન વચન બોલતી, સખીજન અપમાનતી
પુનઃપુન રોયતી, અપરાપર દિગમંડલ જોયતી.
પાનીયરહિત મત્સ્ય જિમ તાલોવલિ જાતી, શોકવિકલ થાતી.
ક્ષણ એક રોયઇ, ક્ષણ એક જોઇ
ક્ષણ એક હસઇ, ક્ષણ એક વિકસઇ.
ક્ષણ એક આક્રંદઇ, ક્ષણ એક નિંદઇ
ક્ષણ એક મૂઝઇ, ક્ષણ એક બૂઝઇ
તેહ તણઉં તણું, સંતાપઇ ચંદણું,
મૃણાલનાલ, મેલ્હઇં જાલ.
ચંદ્રજ્યોત્સ્ના જાલઇં, ચંદ્રોપલ બાલઇ,
હાર દહઇ, કુંકુમસ્તબક ન સહઇ,
કદલીહર, માનઇ યમહર.
જે જલશીકર, તે ઉદ્વેગકર,
જે શીતલોપચાર, તે ભજઇં વિકાર.
ઇશઇ માનિ પ્રજ્વલતઉ બહલ, સ્નેહાંધિકારિ વિરહાનલ.
(`વર્ણક-સમુચ્ચય’, પૃ. ૪૫; પૃ. ૧૩૫-૧૩૬; `સભાશૃંગાર’, પૃ. ૧૧૦-૧૧૧).
વેતાલ-વર્ણક
સાગપાન સમાન કર્ણ, શ્યામલ કજ્જલ-સમાન વર્ણ,
નિલાટ-ચટિત વિકરાલ મહા ભૈરવાનુકારિ મુખ,
જ્વલન-જવાલા-કલાપ-પિંગલ દૃષ્ટિ,
નિરંતર અંગારવૃષ્ટિ કરતઉ, કડકડત મહિષ મોડતઉ,
પાતાલવિવરની પરિ પેટ સંકોડતઉ, આપણઉ કપાલ આસ્ફાલતઉ,
દુર્દરારવિ બ્રહ્માંડ ફોડતઉ, આકાશિ તારામંડલ ત્રોડતઉ,
કુલાચલપર્વત પાતાલિ ઘાતતઉ, હાથિ તીક્ષ્ણ કાતી નચાવતઉ,
મહાકપાલિ રુધિર પીતઉ, ગલઇ રુંડમાલ વહતઉ,
અટ્ટહાસ કરતઉ, કાતર આતુર બીહાવતઉ.
પ્રત્યક્ષ કાલ, કંકાલકરાલ વૈતાલ.
કાકીડા, ઉંદિર, સર્પ, ધિરોલાની માલ ધરતુ, તાલતમાલ જંધા ધરતઉ.
પગ છાપરા, કાન ટાપરા,
આંખિ ઊંડી, નિલાડી ભૂંડી,
ધમિયા લોહગોલા, તિસિયા બેઉ ડોલા.
એવંવિધ વેતાલ.
(‘વર્ણક-સમુચ્ચય’, પૃ. ૧૩૩-૧૩૪, ‘સભાશૃંગાર’, પૃ. ૧૫૫-૧૫૬)
ઉષ્ણકાલ-વર્ણક
ઉષ્ણકાલ પહુંતઉ –
જિસી દાવાનલતણી જ્વાલા, તિસી લૂ વાઇં
જિસિઉ બાવન્ન-પલ તણઉ ગોલઉ ધમિઉ હુઇ, તિસિઉ આદિત્ય તપઇ
જિસિ ભાડ-તણી વેલૂ, તિસિ ભૂમિકા ધગધગઇ
મસ્તક-તણઉ પ્રસ્વેદ પાન્હી ઊતરઈ
ઘર્મિ જીવલોક ગલગલઈ, શ્રીમંત તણાં ચઉબારાં ઝલહલઇ
જલદ્રાં શરીર લગાડીઇં, ગુલાલ તણા અભ્યંગ કીજઇં
બાવન્નાં શ્રીખંડ ઘસીયઇ, ચઉદિસિહિ વીજણા ફિરઇં
દ્રાક્ષા આંબિલી પાન કીજઇં, કલમ-શાલિ-તણા સીધઉરા કરંબા કીજઇં
આછા કાપડા પિરહરીયઇ, લૂ આહણ્યાં પાણી પીજઇં
(‘વર્ણક-સમુચ્યય’, પૃ. ૧૪૫; ‘શભાશૃંગાર’, પૃ. ૧૨૩-૧૨૪)
પણ આ વર્ણનો અને નામાવલિઓ કરતાં વધુ ધ્યાનપાત્ર છે કહેવતો, અનુભવવચનો ને નીતિવાક્યોના અનેક ગુચ્છો. જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં વ્યવહારુ નિરીક્ષણ અને અનુભવના નિચોડ સમી આ માર્મિક, ધારદાર, લાઘવવાળી ઉક્તિઓનાં જૂથો અનેક વાર સચોટપણું, તાદૃશતા, સદ્યોવેધિતા, પ્રવાહિતા વગેરે ગદ્યગુણોથી અંકિત છે. પ્રાસ-અનુપ્રાસના અને ઉપમા, રૂપક વગેરેના ઉપયોગથી તથા વાક્યો અને વાક્યખંડોને એકબીજા સાથે તોળી કે વિરોધાવીને અને તેમનો દીર્ઘ શ્રેણિબંધ રચીને તે પોતાનું આગવું સ્વરૂપ સાધે છે. કંઠાભરણ બનવાયોગ્ય આ ઉક્તિજૂથો લઘુ અનુભવપોથીઓનું કામ સારે તેવાં છે. ‘સભાશૃંગાર’માં નવમા વિભાગમાં આ પ્રકારનાં સૂક્તિગુચ્છો એકત્ર આપેલાં છે. થોડાક નમૂના જોઈએ. અતિશય ગૌરવવાન પોતાની વિશિષ્ટતા દુર્દશામાં પણ જાળવી રાખે છે તે સૂચવતી ‘ભાંગ્યું તો યે ભરૂચ’ જેવી કહેવતોનો ગુચ્છ આ પ્રમાણે છેઃ
જઇ સૂકી તઉ બઉલસિરી, જઇ ત્રૂટી તઉ મોતીસરી.
જઇ ભાગઉં તઉ વરાહઉં, જઇ થાકઉં તઉ સેરાહઉ.
જઇ ખાંડઉ તોઇ ચંદ્ર, જઇ બાલ તોઇ ઇંદ્ર.
જઇ તાવ્યઉં તોઇ કાંચનું, જઇ ઘસિયઉ તોઇ ચંદનુ.
જઇ કાલી તોઇ કસ્તૂરિ, જઇ એકઈ કલા તોઇ પૂરી.
જઇ વાદલઉં તોઇ દીહ, જઇ બહુડઉ તોઇ સીહ.
જઇ કુરમાણઉં તોઇ નાગરખંડઉં પાનુ, જઇ થોડઉં તોઈ સત્પાત્રિર દાનુ.
(‘વર્ણક–સમુચ્ચય’, ૧, પૃ. ૧૬, ૧૫૮, ‘સભાશૃંગાર’, પૃ. ૨૬૩, ૧૨૦-૧૨૧).
સાચી જાતવાન વસ્તુ :
ગંગા પાખઇ જલ નહી, મેઘ પાખઇ જલ નહી.
બંધવ પાખઇ બલ નહી, બાંહ પાખઇ બલ નહી.
મિત્ર પાખઇ હેજ નહી, અન્ન પાખઇ હેજ નહી.
રવિ પાખઇ તેજ નહી, ચક્ષુ પાખઇ તેજ નહી.
(વર્ણક–સમુચ્ચય, ૧, પૃ.૨૫, ૧૧૦)
ઉપરાંત ‘વર્ણક-સમુચ્ચય’ : ૧, પૃ. ૭૪ તથા ૧૨૦ ઉપર આવી કેટલીક વધારાની ઉક્તિઓ પણ છે. ડિંગળ–ચારણી શૈલીની રચનાઓમાં, તથા માંડણ, અખો, શામળ વગેરેમાં મળતી ‘મર્કટ ને વળી મદિરા પીએ,’ ‘ઓછું પાત્ર ને અદકું ભણ્યો’ અથવા તો ‘કડવી કારેલી અને લીમડે ચડી’ વગેરે જેવી, ‘ઇષ્ટમાં ઇષ્ટની વૃદ્ધિ’ એવો, અથવા તો ‘અધૂરામાં પૂરું’ એવો ભાવાર્થ ધરાવતી ઉક્તિઓઃ
એક ઇષ્ટ અનઈ વૈદ્યોપદિષ્ટ,
એક ઊમાહી અનઇ મોરહિ લવી દીધી ધાહી,
એક ધણ માંકડી અનઇ પાએ બાંધી કાંકણી,
એક યૌવનભર અને ચાચરિ ઘર,
એક હરિ અનઇ આવિઉ ઘરિ,
એક વસંત અનઈ આવિઉ ધરિ કંત,
એક બુભુક્ષિત બ્રાહ્મણ અનઇ ખીરિ ખંડિ નિયંત્રણ,
એક ત્રિસિઉ અનઇ જલુ કર્પૂરવાસિઉ,
એક શ્રાંત અનઇ દીઠઉ ગાડલઉ જાંત.
એક નિદ્રાલ અને પાથરિઉ પલ્યંક વિશાલ,
એક જીવ આગઇ સવિકાર અનઇ વખાણીઇ શૃંગાર.
(‘વર્ણક–સમુચ્ચય’, પૃ. ૫૯, ‘સભાશૃંગાર’, પૃ. ૨૬૭-૬૮)
‘વરસઇ મેઘ નઇ રાતિ અંધારી’ (વ. સ. પૃ. ૧૨૬, ૧૬૧, સ. શૃં. પૃ.૨૭૦-૭૧) વગેરે પણ આ જ પ્રકારની ઉક્તિઓ છે. ‘જન બોલણઉ, સુણહ ભસણઉ, સસઉ નાસણઉ, સાંડ ત્રાડણઉ’ વગેરે (વ. સ. પૃ. ૭૬) ના જેવી ઉક્તિઓ હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં ટાંકેલી છે. (‘હત્થિ મારણઉ, સુણહુ ભસણઉ, જણુ બોલ્લણઉ’ વગેરે) સોમપ્રભના પ્રાકૃત ગ્રંથ ‘કુમારપાલ પ્રતિબોધ’માં ‘ન મંકણીએ ધણીએ પાએ કંકણિ બદ્ધા, એ કહેવત, – ‘નેમિનાથ ચતુષ્પદિકા’ (કડી ૩૩) માં ‘ખંડઇ જેવડુ ઘાઉ’ (= વ. સ. પૃ. ૭૬, ૭૮); ‘ભરતેશ્વર બાહુબલિ–રાસ’ (૧,૨૪)માં ‘અતિ તાંણિઉ ત્રૂટઈ’ વગેરે (= સ. શૃં. પૃ. ૨૪૧, વ. સ. પૃ. ૧૦૯) જોતાં આવી ઉક્તિઓની પરંપરા અપભ્રંશકાળથી લગાતાર ચાલુ હોવાનું જણાય છે.
દૃષ્ટાંતકથાઓનું ગદ્ય
જૈન ધાર્મિક અને ઔપદેશિક ગ્રંથો પરના સેંકડો બાલાવબોધોમાં પુષ્કળ દૃષ્ટાંતકથાઓ અપાયેલી છે. આમાંની કેટલીક સામાન્ય, રૂપરેખાત્મક, અનુવાદાત્મક કે સંક્ષિપ્ત સાર જેવી છે. (યશોધીરનો ‘પંચાખ્યાન-બાલાવબોધ’, સિદ્ધિચંદ્રનો ‘કાદંબરી–કથાનકોદ્ધાર’ વગેરે પણ આ જાતના છે.) તેમાં વિકાસ માટે બહુ ઓછો અવકાશ છે. પરંતુ અભિવ્યક્તિની ગુંજાશવાળી કથાઓનો પણ તોટો નથી. આ કથાઓનું ગદ્ય સુવિકસિત છે. તેની શૈલી કેવળ સંસ્કૃત કે પ્રાકૃતની ઉપજીવી ગણી શકાય તેમ નથી. તેની પોતાની આગવી ચાલ છે.એ ખરું કે ઘણુંખરું તે કોઈ મૂળ સંસ્કૃત કે પ્રાકૃત કથાના મુક્ત અનુવાદના રૂપમાં, અથવા તો સંક્ષેપ વિસ્તારના રૂપમાં હોવાથી તેની પદાવલિ પર પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓનો પ્રભાવ છે. કેટલીકવાર વાક્યરચના પણ સંસ્કૃત-પ્રાકૃતને અનુસરતી છે. પણ અશિક્ષિત શ્રોતાવર્ગને માટે હોઈને તે બોલચાલની ભાષાની સારી રીતે નિકટ છે. સમાસો અલ્પ છે અને વાક્યરચના પણ નિત્યની વ્યવહારભાષાને અનુરૂપ છે. પંદરમી શતાબ્દિ પહેલાંના આ પ્રકારના ગદ્યની સરખામણીમાં પાછળનું ગદ્ય અભિવ્યક્તિની દૃષ્ટિએ વધુ વિકસિત છે. વાક્યરચના સંકુલ બની છે અને વાક્ય અનેક ઉપવાક્યોનો ભાર સહેજે ઝીલવાની શક્તિ ધરાવે છે. કેટલીકવાર વિશેષણ કે વિશેષણાત્મક પદસમૂહ વિશેષ્યની પછી મુકાય છે, સર્વનામ વાપરવાને બદલે ક્યાંક મૂળ સંજ્ઞાનું પુનરાવર્તન કરાય છે, વિશેષણ તરીકે વપરાતા વર્તમાનકૃદંત કે ભૂતકૃદંતની સાથે ‘હુંતઉ’ (અર્વાચીન હિન્દી ‘દિયા હુઆ’ વગેરેમાં છે તેમ) મૂકાય છે. આવી આવી બાબતોમાં હજી તેને અર્વાચીન ગુજરાતી જેવું લાઘવ સિદ્ધ થયું નથી. તો એ પણ ખરું છે કે વસ્તુવર્ણન, ઘટનાનિરૂપણ અને સંવાદ-સંભાષણને અનુકૂળ વિવિધતા તે બરાબર દાખવે છે. મધ્યકાલીન ગુજરાતીમાં કથાકથનનું ગદ્ય પક્વતાની અને વિકસિત સબળ પરંપરાની છાપ પાડે છે. ઘણું ખરું ગદ્યસાહિત્ય અપ્રકાશિત હોઈને શૈલી, ભાષા વગેરેનો તથા સિદ્ધિઓ અને મર્યાદાઓનો ખ્યાલ આપતા પ્રતિનિધિરૂપ નમૂના આપવાનું શક્ય નથી. તો પણ બે કૃતિઓમાંથી થોડાક ખંડો નીચે રજૂ કર્યા છે, જેના ઉપરથી ગદ્યનાં સ્વરૂપ અને શક્તિનો થોડોક ચિતાર મળશે. નીચેનો ખંડ સામાન્ય કથાશૈલીનો ખ્યાલ આપશે. પછઇ પંચ પ્રકારિ ધાત્રીએ પાલીતી હૂંતી, જિમ મેરુપર્વતની ચૂલિકાઇ કલ્પવેલિ વાધઇ તિમ ગુણસુંદરી વાધતી હૂંતી, કલાચાર્ય સમીપિ ચઉસઠિ કલા, ગીતશાસ્ત્ર, દેશભાષા, લિપિ, ગણિત, નૃત્ય ઇત્યાદિ શાસ્ત્ર શીખતી યૌવનિ ભરિ આવી દેખી માતાંઇં સાલંકાર આભરણ કરી પિતા સમીપિ મોકલી. પિતાઇં પણિ હર્ષસ્નેહ લગઇં ઉત્સંગિ બઇસારી, પુત્રી નઉ રૂપ અનઇ આપણી રાજઋદ્ધિ દેખી ગર્વ લગઇ પૃથ્વી તૃણસમાન માનતઉ સમસ્ત સભાલોક આગલિ ઇસિઉં વચન બોલઇ, ‘અહો લોકો! તુમ્હે જે સંપદા ઋદ્ધિ પામી તે પ્રમાણ કેહનઉં?’
(મેરુસુંદરકૃત ‘શીલોપદેશ-માલા-બાલાવબોધ’, ગુણસુંદરીની કથા)
નીચેના ખંડમાં ભાવાલેખન પરત્વે ભાષા અને શૈલીનું બળ સહેજે પ્રતીત થશે: એહવા અક્ષર લિખીનઇ નલ મઉડઇ સિઉં નીકલિવા લાગઉ. તિવારઇ આપણા જીવનઇ કહઇ, ‘અરે જીવ! તું ચાંડાલની પરિ નિર્દય કાંઇ, જે એ અબલાનઇ ટૂંકી જાઇ છઇ?’ વલી વિમાસઇ ‘જે અર્ધઉં વસ્ત્ર પહિરિઉં છઇ, તે કિમ ખાચી લિઉં?’ ઇમ ચીતવતઉ વલી કઠિન ચિત્ત કરી છુરીઇ કરી વસ્ત્રુ કાપિઉં. વલી ચીતવઇ, એ હાથ નઇ ધિક્કાર હુઉ, જે વસ્ત્રુ કાપતાં હાથ વહિઉ. તુ અરે જિમણા હાથ! એ તલી દયાઇ ન ઊપની?’ ઇત્યાદિ અનેક સંકલ્પવિકલ્પ ચીતવી નીકલિઉ. તિસઇ આઘેરઉ જઇ વલી નલ ચીતવિવા લાગઉ જુ ‘હૂં આપણઉ મુખ કિમ દેખાડિસુ?’ ઇસિઉં કહતઉ વલી પાછઉ જોતઉ વલી દૈવ નઈ ઉલંભા દિઇ, ‘અરે દૈવ! અરે વિધિ! તઇં એ સર્વ ગુણશાલિની દવદંતી કાંઇ નીપાઇ?’ અનઇ જુ નીપાઇ તુ એવડા દુખમાંહિ કાંઈ ઘાતી? તુ અહો વનદેવતાઉ! એ વલ્લભા તુમ્હનઈ ભલાવી છઈ. તિમ કરિજયો જિમ એહનઈ કષ્ટ નાવઈ. ઇત્યાદિ વિલાપ કરતઉ પાછઉં જોતઉ તાં ગયઉ, જાં આડા ઝાડ આવ્યા. ઘણી ભૂમિકા જઇ વલી ચીતવઇ, ‘રખે એહનઇ કોઈ વનચારી જીવ સંતાવઇ’. ઇમ ચીતવી વનલતા નઇ અંતરાલિ જોતઉ, આત્માનઇ કહઇ, ‘અરે નલ, જે તૂં એકલી નિરાધાર પ્રિયા વનમાહિ સૂતી મૂકી નઇ’ જાઈ છઇ, તુ તૂં શિતખંડ કાંઇ નહી થાતઉ?’ ઇમ જિ વલી વિલાપ કરતાં પ્રભાત હુઉં. (મેરુસુંદરકૃત ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’, દવદંતીની કથા) નીચેનો વર્ણનાત્મક ખંડ કંસે માંડેલા ધનુર્યાગના પ્રસંગને લગતો છે. આગલી કૃતિ કરતાં આ કૃતિની શૈલી કાંઈક વિશેષ સંસ્કૃતપ્રચુર છે. વર્ણનપ્રધાન હોવાથી ક્રિયાપદ વિનાનાં વાક્યોનો ઉપયોગ લાક્ષણિક રીતે થયો છેઃ અનેક મંચોન્મંચ બંધાણા છંઇ નિત્ય પ્રેક્ષણક હૂંઇ છંઇ, મહામધુર ધ્વનિ ગીત ગ્યાંન હૂંઇં, રાજેંદ્રના શતસહસ્ત્ર આવઇં છંઇ. જે જિસ્યા પોસાઇ તે તિસઇ મંચિ બઇસારીઅઇ છઇ ઇમ કરતાં દેખઇ કિસિઇ–બાર ચક્રવર્તિનું દલ હુઇ, તિસઇ મંડાણિ, દસઇ દસાર જિસિયા દિકપાલ હુંઇ, ઈસિયા સમુદ્રવિજયાદિક યાદવેંદ્ર આવતા દેખી, કંસ વિમુખ હૂઉ. પણિ અણગમતઇં સાંમ્હું ચાલિઉ. રાયનંઇ અભ્યસ્થાંન કરી પ્રણાંમ નીંપજાવિઉ. મોટા મંચોન્મંચ જે હતા તેહે જાદવ ભૂપાલ બઇસારિયા. હવું વલી એક વડુ મંચોન્મંચ, સવિહું પહઇં ઊંચુ, તિણિ મંચોન્મંચિ વલી ઊપરિ એક સિઘાસણ ઉચી. આપણપઇં અનેક વિધિનાં આભરણ પહિર્યાં છંઇ, જિસિયાં દેવદૂષિત વસ્ત્ર હુંઇં તિસિયાં વસ્ત્ર. મસ્તકિ કિરીટમુકુટ સુવર્ણિ મણિ કરી સશોભાયમાન. કાનનાં કુંડલ વીજના ઝાત્કાર જિમ ઝિગાજોતિ કરઇં છઇં કંઠકંદલના કાંઠલા. હૃદયતણા હાર, અધહાર. કેઊર, બહરખે કરી બાંહ શોભઇં છઇં, શ્રીવત્સ, માંણિક, ચુંક (૧) વીરવલય, હથસાંકલાં, હથકણ, દસઇ મુદ્રારત્ન, અંગૂથલી પ્રમુખ આભરણ-અલંકરણ પહિરી ઊંચઇ સિંઘાસનિ બઇઠુ. મસ્તકિ મેઘાડંબર છત્રની શોભા. ઉભય પાસિ સુવર્ણડંડ ચમરમાલા ઢલઇ. પાખલઇં અંગરક્ષક કરી મહા દુર્જેય દેખાવા લાગુ છંઇ. (‘પાંડવચરિત્ર-બાલાવબોધ’, પત્ર ૧૨ ખ)
મધ્યકાળનું અંતિમ ગદ્ય
અનુવાદ, ટીકા, સંક્ષેપ વગેરે રૂપે પ્રધાનપણે પરોપજીવી ગદ્યરચનાની પ્રવૃત્તિ મધ્યકાલીન સાહિત્યમાં ઓગણીશમી શતાબ્દી સુધી ચાલુ રહી છે. અને તેમાં જૈન, હિંદુ અને પારસી લખાણોનો સમાવેશ થાય છે. ઓગણીશમી શતાબ્દીની પહેલી પચીશીના ધર્મોપદેશના ગદ્યનું એક નિદર્શન આપણને સહજાનંદ સ્વામીના ‘વચનામૃતો’માં મળે છે. તેમાં એક તરફ સૌરાષ્ટ્રી બોલીનો પાસ છે. (‘આંણું’ પ્રત્યયવાળાં કર્મણિ ભૂતકૃદંતો, સ્ત્રીલિંગમાં અને આજ્ઞાર્થમાં યકારવાળાં રૂપો વગેરેનો પ્રયોગ), તો બીજી તરફ તત્સમ શબ્દોની પણ વિપુલતા જોવા મળે છે. વાક્યરચનામાં ગૌણ વાક્ય સૂચવતા સંયોજક તરીકે ‘જે’નો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહોનો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર પ્રયોગ, તથા સમગ્રપણે ગદ્યની સંકુલતા ધ્યાન ખેંચે છે. તાત્ત્વિક અને સૂક્ષ્મ વિચારોને લોકગમ્ય કરવાના પ્રયાસમાં તે વેળા ઉપદેશકની સામે અભિવ્યક્તિની કેવી સમસ્યાઓ હતી, અને તેના ઉકેલમાં તેને કેવીક સફળતા મળતી તેની તપાસ માટે આ પ્રકારનું ગદ્ય રસપ્રદ સામગ્રી પૂરી પાડે છે. આ પછી છેવટમાં વિવરણાત્મક ગદ્યરૂપે થોડીક દયારામની રચનાઓ મળે છે. પણ તેમનું કોઈ ઉલ્લેખનીય લક્ષણ ભાગ્યે જ ચીંધી શકાય. આ પછી પશ્ચિમના સાહિત્ય અને જીવનના સંપર્કે આપણા સાહિત્યના બાહ્યાભ્યંતરમાં જબ્બર ક્રાંતિ આણી અને એક અતિ વ્યાપક, સર્વસ્પર્શી સાહિત્યિક માધ્યમ લેખે ગદ્યને સ્થાપવા-વિકસાવવાના શ્રીગણેશ ઓગણીશમી શતાબ્દીના ઉત્તરાર્ધથી મંડાયા.
સંદર્ભનોંધ :
- ↑ ૧. મો. દ. દેસાઈએ ‘જૈન ગૂર્જર કવિઓ’, ભાગ ૩, ખંડ ૨, પૃ. ૧૫૭૨ થી ૧૭૦૩ સુધી જેમના કર્તા કે લખ્યાસંવત જ્ઞાત છે તેવા બાલાવબોધોની વિગતવાર યાદી આપી છે, અને થોડીક કર્તા કે સાલ વગરની કૃતિઓનો પણ નિર્દેશ કર્યો છે. તેમણે ૮૫૦ બાલાવબોધો નોંધ્યા છે. આ ઉપરાંત લખ્યાસંવત કે કર્તાના ઉલ્લેખ વિનાના અનેક બાલાવબોધો હોવાનો તેમણે નિર્દેશ કર્યો છે. વળી તેમણે ન તપાસેલા અનેક ભંડારોમાં પણ સંખ્યાબંધ બાલાવબોધો હોવાનું આપણે જાણીએ છીએ. આ દૃષ્ટિએ દેશાઈએ આપેલી સંખ્યા બમણીત્રમણી થવાનો પૂરતો સંભવ છે.
- ↑ ૨. આ ઉપરાંત પદ્યકથાઓમાં વચ્ચે વચ્ચે વૈવિધ્ય ખાતર થોડીક પંક્તિઓનાં બનેલા બોલીશૈલીના વર્ણનાત્મક ગદ્યખંડ મૂકવાની પ્રથા હતી. જેમ કે હીરાણંદકૃત ‘વસ્તુપાલ-રાસ,’ નરપતિકૃત પંચદંડ’, વરસંગકૃત ‘ઉષાહરણ’, પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ,’ વગેરેમાં.
- ↑ 3. સંપાદિત, હ. ચૂ. ભાયાણી, ‘જૈનયુગ’, એપ્રિલ ૧૯૫૮, પૃ. ૯-૧૧.
- ↑ ૪. ‘રાજસ્થાની’ નિબંધમાલાના બીજા ભાગમાં ભંવરલાલ નાહટા દ્વારા ‘દો પદ્યાનુકારી કૃતિયેં’ એવા નામ નીચે પ્રકાશિત સોળમી શતાબ્દીની બે રચનાઓ; ભો.જે. સાંડેસરા દ્વારા પ્રકાશિત ‘વર્ણક-સમુચ્ચય’માંની ૯ અને ૧૦ ક્રમાંકવાળી બે, તથા ‘જયશેખરસૂરિકૃત ત્રણ શ્લોક’ (‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક’: ઓગસ્ટ ૧૯૬૧) એ લેખમાં પ્રકાશિત પંદરમી શતાબ્દીની ત્રણ રચનાઓ; ‘રાજસ્થાની સલોકે ઔર ઉનકી પરંપરા’ (‘મરુભારતી’, ૧, ૨, ૮૪-૯૨; ૧૯૫૩) એ લેખમાં અગરચંદ નાહટા દ્વારા પ્રકાશિત સોળમી શતાબ્દીની વર-પરિચય-શ્લોક-રચના’.
- ↑ ૫ સલોકાસાહિત્ય અંગે જુઓ હ. ચૂ. ભાયાણી, ‘રૂસ્તમનો સલોકો’, ભૂમિકા, પૃ. ૧૭-૩૭ (=‘શોધ અને સ્વાધ્યાય’, પૃ. ૨૯૧-૩૨૩).