ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/દયારામ

Revision as of 02:46, 13 July 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧ દયારામ

ઉશનસ્

જન્મ-બાળપણ ને સંસ્કારો

ઈસુની ૧૮મી સદીના તેમ જ આખા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા શ્રેષ્ઠ કવિ તો નિઃશંકપણે દયારામ જ છે. દયારામનો જન્મ નર્મદાકાંઠાના પવિત્ર યાત્રાધામ ચાંણોદ[1] ઉર્ફે ચંડીપુરમાં, ઈ. ૧૭૭૭[2]માં, પ્રભુરામ ભટ્ટને[3] ત્યાં થયો હતો. ૧૮મી સદીનો આ ગાળો એટલે મધ્ય યુગના અસ્તનું છેલ્લું ચરણ; મધ્યયુગની કવિતાનો પ્રધાનસૂર એટલે વૈષ્ણવ ભક્તિ; નરસિંહ, મીરાં, ભાલણ, સ્વામિનારાયણી અને બીજા ભાગવત કવિઓએ ગાયેલી આ ભક્તિધારા દયારામ આવતાં સુધી તો પરિપુષ્ટ થઈ હતી. ગુજરાતના વાતાવરણમાં વૈષ્ણવભક્તિનો ભેજ ઝમતો હતો, અને દયારામનું આગમન થાય છે. એટલે ગળથૂથીમાં જ એમને વૈષ્ણવ સંસ્કાર પ્રાપ્ત થાય છે. આ સંસ્કાર કવિએ નર્મદાજળના સીકરોની સાથસાથ આકંઠ પીધા હતા; એટલું જ નહીં, નર્મદા તો ગુજરાતની ગંગા-જમના છે; ચાંણોદમાં ભગવાન શેષશાયીનું મંદિર છે; શિશુ દયારામે આ શેષશાયીના મંદિરમાં ગવાતાં ભજનો અને આરતીઓ પણ પીધાં હતાં; પરિણામે દયારામમાં વૈષ્ણવભક્તિનો પાકો પિંડ બંધાયો; તે એટલે સુધી કે કિશોર દયારામ પદો ગાતાં ગાતાં આવડે તેવું પોતે રચી પણ દેતો ને ગાતો. પછી તો જે બન્યું તેથી તો જાણે ગુજરાતમાં રેવાકાંઠે વ્રજ–વૃંદાવનની આખી સૃષ્ટિ જ ઊતરી આવી આ કૃષ્ણકાલીન પરંતુ ગુજરાતમાં ભૂલી પડેલી પ્રેમલક્ષણા ભક્તિની દયારામ રૂપી ગોપીમાં : અને જાણે મધ્યકાલીન ભક્તિનો દીપક જે હવે પછી થોડાં વર્ષોમાં બુજાઈ જવાનો હતો તે બુઝાવા પૂર્વે નરસિંહ–મીરાં પછી એક વારકો અને કદાચ છેલ્લી વારકો મોટી શગે ઝળહળી ઊઠ્યો, આખું ગુજરાત અજવાળતો. નાગર કુટુંબના જન્મજાત સંસ્કાર, રેવાકાંઠાની પવિત્રતા, ચાંણોદનાં વૈષ્ણવ મંદિરોની ધાર્મિકતા, પુરોગામી ગુજરાતી ભક્તકવિનાં પદો અને આ બધાંથી પ્રજ્વલી ઊઠેલી સર્વશક્તિએ દયારામમાં એક ધરખમ વૈષ્ણવકવિનાં મૂળ નાંખ્યાં જે આગળ જતાં નર્મદા-બેટના કબીરવડ જેવા અને જમુનાકાંઠાના બંસીવડ સમોવડ નર્મદા તટના બીજા એક વટરાજમાં પરિણમ્યાં, પવિત્રતામાં અને ઘટામાં.

વૈષ્ણવ દીક્ષા : દયારામની વિદ્યાર્થી લેખે ખાસ કોઈ વિશિષ્ટતા ઉલ્લેખનીય નથી; તે વખતે મળતું હશે તે ગુજરાતી શિક્ષણ એણે લીધું હશે; પણ એનો કર્ણ પ્રથમથી જ કાવ્ય કેળવાયેલો લાગે છે; પુરોગામી ભક્તિકવિઓનાં પદો એ સરસ રીતે ગાય છે અને એમની રગમાં જ આગળ જઈ થોડુંક જોડકણા જેવું રચી પણ બેસે છે. વૈષ્ણવમતના એ પાછળથી ઝનૂની પુરસ્કર્તા થયા તેનું પણ જ્ઞાન એમને કથાવાર્તાને કારણે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ મળ્યું હશે. એમનાં માતાપિતા એમને કાશીના પંડિત બનાવવા માગતાં હતાં, પણ દયારામની કારકિર્દી કોઈ જુદો જ આકાર લેવાની દિશામાં આગળ વધતી હતી; બારમા વર્ષે તો દયારામ માબાપનું સુખ ખોઈ બેસે છે. માબાપનું છત્ર જતાં દયારામ થોડાક રખડેલ થઈ જોવનાઈના તોફાને પણ ચઢી ગયા હશે એમ લાગે છે; આ અનન્ય કૃષ્ણભક્તમાં ચરિત્રકારોએ તેમના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણના શૈશવ જેવાં અટકચાળાં પણ નોંધ્યાં છે; શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ બંનેના અંશો ધરાવતા આ કવિ કેવો આકાર લેત તે કળી શકાતું નથી; પણ એમના જીવનને આકાર અને દિશા બંને આપે એવો એક મહત્ત્વનો બનાવ બન્યો : ડાકોરવાળા ઇચ્છારામ ભટ્ટજીનો તેમને સમાગમ થયો. દયારામ, ભટ્ટજીને પોતાનું કોઈ પદ ગાઈ સંભળાવે છે : ભટ્ટજી પ્રસન્ન થાય છે અને દયારામને ગુરુ મળે છે. આ ગુરુ દયારામને અનેકધા પલટી નાખે છે. વિજયરાય લખે છે, ‘હવે તેના અંકુરતા રસાત્માને પોતાની શક્તિનું ભાન થતાં, મનમોહક ગરબીઓના ભાવિ કવિને કાવ્યદીક્ષા એ દિવસે મળી; તેની ભગવદ્ ભક્તિ, સાચા સાધુ વિદ્વાનોના સમાગમની તેની તીવ્ર ઇચ્છા, તેનું ભાષાજ્ઞાન અને તેનું જનસ્વભાવ નિરીક્ષણ – આ સર્વેને વિકસાવતી તેની ત્રણ ત્રણ વખતની પવિત્ર તીર્થોની ભારતયાત્રાઓનો પ્રારંભ એ રીતે થયો; અને ઇચ્છારામ ભટ્ટજીએ જ તેને ‘શ્રીકૃષ્ણ શરણંમમ’ એ શુદ્ધદ્વૈતનો રહસ્યપૂર્ણ અષ્ટાક્ષર મંત્ર પણ, ‘બ્રહ્મસંબંધ’ લેવા સૂચવતાં આપેલ તેથી, ભવિષ્યનો, ‘રસિકવલ્લભ’કાર વૈષ્ણવ સિદ્ધાંતાભિમુખ પણ એ સ્થળેથી સ્થૈર્યપૂર્વક થવા લાગ્યો.’[4]

દયારામના સંપર્કમાં આવેલી સ્ત્રીઓ : દયારામમાં નાગરસહજ રૂપ અને રસિકતા ઊતર્યાં હતાં; કહે છે કે દયારામ ઘણા સુંદર અને મોહક હતાઃ તે ગૌરવર્ણા, મધુર કંઠવાળા અને વરણાગી ટેવોવાળા છેલછબીલા હતા. આ બધી શરીર સંપત્તિવાળા કવિના જીવનમાં સ્ત્રીવિષયક નબળાઈઓ તેમના ચરિત્રકારોએ ઉલ્લેખી છે. આ રૂપસંપત્તિમાં, આ વૈષ્ણવરસિકતા મળે તો આવા તર્કોને ભૂમિકા સાંપડ્યા વિના ભાગ્યે જ રહે. તે આ મુજબ છે : ચાંણોદમાં કિશોર અવસ્થામાં એમણે નર્મદાના ઘાટ પર કાંકરીચાળો કરી, એક સોનારણનું બેડું ફાડેલું ને પરિણામે એમને કરનાળી ભાગી જવું પડ્યું હતું ને જેને પરિણામે દયારામને તેના જીવનના પ્રથમ ગુરુ કરનાળીના સાધુ કેશવાનંદજી મળ્યા હતા તે; આ નાનકડા પ્રસંગમાંથી પણ દયારામના સ્વભાવનાં લક્ષણો પકડી શકાય તેમ છે કે દયારામ એમની કિશોરાવસ્થા ને જોવનાઈમાં સ્ત્રીપ્રિય, અડપલા, અનુભવાર્થી અને ગુરુની શોધમાં નીકળેલા જીવ હતા. શરૂઆતમાં ગુરુ તેમનો શિષ્ય તરીકે સ્વીકાર કરવાની ના પાડે છે એટલે દયારામ આ ગુરુની નિંદા કરતી લાવણી લખી નાખે છે, એ ઘટનામાં તરુણ દયારામમાં હજી અહંકારલોપ સર્વથા શક્ય નથી તે તથા છેવટે આ ગુરુ તેનો શિષ્ય તરીકે સ્વીકાર કરે છે ત્યારે ‘ગુરુ મોટા ગુરુ મોટા’નું પદ જોડે છે તેમાં તેમનું આશુરોષપણું તેમ જ આશુતોષપણું પ્રગટ થતું જણાય છે. બીજો સ્ત્રીવિષયક બનાવ તો તેમના લગ્નજીવનનો જ હતો. કવિનું વેવિશાળ નાગરકન્યા ગંગા જોડે થયું હતું; પણ લગ્ન થાય તે પૂર્વે જ ગંગાનું અવસાન થયું; ને તે ઠીક જ થયું. ઉદ્દામ વૈષ્ણવ રસિકતા અને સંસાર-વૈરાગ્ય બન્ને તત્ત્વો જેમાં ગૂઢ રીતે નિહિત હતાં તે આ કવિ કોઈને ય પરણેતર તરીકે ભાગ્યે જ જીરવી શક્યા હોત : કવિનો સ્વભાવ જોતાં ગંગા જો કવિને પરણીને જીવી હોત તો ભાગ્યે જ સુખી થઈ શકી હોત; પણ પછી તો કવિએ લગ્નનો વિચાર જ માંડી વાળ્યો તે તેમનામાં રહેલા નિગૂઢ વૈરાગ્યનું દ્યોતક લક્ષણ ગણી શકાય. કવિ પૂરાં પોણાસો વર્ષના આયુષ્ય દરમિયાન આમરણ બ્રહ્મચારી જ રહ્યા! અને એ પણ ઠીક જ થયું એમ ગણવું જોઈએ કારણ કે કવિ પાછળથી પ્રેમલક્ષણા ભક્તિના અનન્ય ગોપીભાવે શ્રીકૃષ્ણ નામના ગોપીજનવલ્લભને પોતે જ સ્ત્રૈણ ભાવે એકમાત્ર પતિ તરીકે સ્વીકારવાના હતાઃ તેમાં આ લગ્નજીવન બાધાકારક જ નીવડ્યું હોત ને અનેક પ્રશ્નો પણ ઊભા થયા હોત. પણ આનો અર્થ એમ નથી કે દયારામના અપરિણીત જીવનમાં સ્ત્રીવિષયક પ્રશ્નો જ ત્યારબાદ ઊભા થયા નથી. કવિની આધેડ વયે ૪૦-૪૫ વર્ષની એક દુઃખી સોનારણ વિધવા તેમના જીવનમાં, ત્યાર પછી ક્યારેય નહીં નીકળવા પ્રવેશ કરે છે; જીવનમાં જ માત્ર નહીં, એ તો કવિના ઘરમાં આવીને રહે છે. આ નાગર–સોનારણ સંબંધે આ બ્રહ્મચારી કવિને સામાજિક મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડ્યો હોય? પણ આ સંબંધ નિભાવવામાં કવિનો ખુમારીવાળો સ્વભાવ જોઈ શકાય છે. કવિએ આ સંબંધમાં પેલા જનમનો કોઈ ઋણાનુબંધ જ જોયો છે. તે તો કહેતા, ‘અમારો ને એનો યોગ શી રીતે થાય? એ રહી સોનારણ ને અમે નાગર, એ દૈવી જીવ છે માટે જ અમે એને અમારે ત્યાં રહેવા દીધી છે.’ દયારામ આ સંબંધમાં પેલા ભવનું ચાલ્યું આવતું પતિ-પત્નીપણું પણ જુએ છે! પેલા જન્મની વાત તો ગમે તે હો, પણ આ જન્મે તો રતન સોનારણે કોઈ પરણેતર પણ ન કરે એવી કવિની સન્નિષ્ઠ સેવા આખો અવતાર, છેક કવિના મરણ સુધી કરી હતી તેમાં શંકા નથી. કવિના ચરિત્રકારો કવિના સ્વભાવને જેવો વર્ણવે છે તે જોતાં કવિને આખી જિંદગી સુધી જીરવવા એ તો રતન સોનારણનું જ ગજું. આ સંબંધ પાંત્રીસેક વર્ષ ટક્યો. રતનબાઈ કવિની અનન્યપણે સેવા કરતી, કવિનું ઘર સંભાળતી ને આ ઉદંડ કવિનો મિજાજ વેઠતી. આવા મિજાજમાં કવિએ તેને ઘર બહાર કાઢીય મૂકી હતી તોયે તે કવિને છોડીને ન ગઈ તે ન જ ગઈ; તેણે પણ મરજાદ લીધી હતી ને કવિની શિષ્યા પણ થઈ હતી, કવિની સાથે ઘરમાં, યાત્રામાં સર્વત્ર એ સાથે ને સાથે જ રહી હતી. કવિના સંધ્યાકાળમાં એમની માંદગીની વેળાએ પણ રતનબાઈ શુશ્રુષા–સારવાર કરતી હતી. કવિના જીવનકાળમાં જ નહીં, કવિનાં મરણ પછી પણ કવિની છબીને પૂજીને જ ખાવાનો નીમ રાખ્યો હતો; તો દયારામ પણ ઓછા કદરદાન ન હતા. તેમણે પણ રતનની અવ્યભિચારિણી ભક્તિ જોઈ લીધી હતી ને કવિ જ્યારે મરણ પૂર્વે વસિયતનામું કરે છે તેમાં પોતાની છબી આ રતનબાઈને નામે લખી જાય છે!

કવિની તીર્થયાત્રાઓ : કવિને કૃષ્ણભક્તિની તથા તે નિમિત્તે તીર્થયાત્રાની દૃઢ પ્રેરણા ઇચ્છારામ ભટ્ટજી દ્વારા મળી હતી : ઇચ્છારામ ભટ્ટજી કવિને તેમની ૧૩ વર્ષની ઉંમરે મળ્યા હોવાનું કહેવાય છે. આને પરિણામે દયારામે અનેકવાર તીર્થધામોની પગપાળા યાત્રા કરી હતી. કૃષ્ણભક્તિના કેન્દ્ર સમા શ્રીનાથજીની સાતવાર, ગુજરાતના કૃષ્ણધામ ડાકોરજીની તો અનેકવાર ને ભારતનાં તીર્થધામોની યાત્રા તેમણે ત્રણવાર કરી હતી. આ યાત્રાઓના પરિણામે કવિની અનુભવસમૃદ્ધિ તેમજ ભાષાસમૃદ્ધિમાં ઘણો વધારો થયો હતો, એટલું જ નહીં આગળ જતાં કવિએ ભારતની અનેક ભાષાઓમાં રચના કરી હતી તે બધી ભાષાઓ તે યાત્રા દરમિયાન શીખ્યા હતા. તેમના આખા જીવનકાળ ઉપર નજર નાખીએ છીએ તો માલૂમ પડે છે કે કવિ એક અઠંગ યાત્રાળુ હતા, એટલું જ નહીં તેમના જીવનનો મોટો ભાગ તેમણે યાત્રાઓમાં જ ગાળ્યો હતો! આ યાત્રાઓની ફલશ્રુતિ વિશે અભ્યાસીઓએ જે તારવી આપ્યું છે તે આ પ્રમાણે છે : તીર્થસ્થળોની યાત્રાથી ભક્તિભાવ પુષ્ટ થયો ને તેઓ અનન્ય કૃષ્ણભક્ત બન્યા, વલ્લભ સંપ્રદાયના અષ્ટ સખાના ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો, એટલું જ નહીં બીજી અનેક ભાષાઓ સાથે વ્રજ ભાષાનો ઉત્તમ અભ્યાસ કર્યો. આ બધી યાત્રાઓના પરિણામે તે માત્ર મહાન વૈષ્ણવ ભક્તરૂપે સ્થપાયા એટલું જ નહીં પણ જમના–નર્મદા એકાકાર કરી મૂકતી મહાન વૈષ્ણવ કવિતાના કવિ પણ નીવડ્યા.

કવિના જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો : હકીકતો અને અનુશ્રુતિઓ : કવિના જન્મ અને શૈશવ–કિશોરાવસ્થા અંગે કેટલીક હકીકતો આપણે પાછળ જોઈ ગયા; કવિ જાતે રૂપાળા, સ્વભાવે ફક્કડ અને છેલછબીલા હતા; તો વળી સ્વમાનની વાત આવે ત્યારે એટલા જ અક્કડ પણ હતા. તે કદી મોટાં નામથી અંજાઈ જતા નહીં; પૂરા નિર્ભીક અને સત્યવકતા હતા. ગુરુ માનેલા ગુંસાઈજીની પોતે બાંધેલી કંઠી તોડી નાંખતાં તેમને વાર લાગતી નથી. ઢોંગીઓના ઢોંગ ઉઘાડા પાડવામાં તે શરમ અનુભવતા નથી; ‘એક વર્યો ગોપીજન વલ્લભ’ ગાનાર કવિ ઉત્તરોત્તર હડહડતા ઝનૂની વૈષ્ણવ બન્યા હતા. તે વખતના ધનવાન ગોપાળરાવ મૈરાળે તેમને જો ગણપતિ સ્તવન કરે તો સાલિયાણું બાંધી આપવા કહેલું; પણ દયારામ તો કૃષ્ણ વિના કોઈનું ગાન કરવા તૈયાર ન હતા, ને પરિણામે તે સાલિયાણું મેળવી ન શક્યા! દયારામના સ્વભાવમાં કંઈક આવેગયુક્ત વર્તનનું લક્ષણ જણાય છે નહીં તો તે હરિભક્તિનું વર્ષાસન લેવાનું છોડી દઈ પોતાને મળવા આવનાર કોઈ બાઈને મળવા તાબડતોબ ડભોઈ ચાલ્યા ન જાત. દયારામમાં ઊંચી શાસ્ત્રીય-હવેલી સંગીતની જાણકારી પણ હતી. એમની સંગીતનિપુણતા અંગે એક કિસ્સો પ્રચલિત છે : કવિ એકવાર એક બાવાજી સાથે તાલસ્પર્ધામાં ઊતરી પડ્યાઃ કવિ રાગ-રાગિણી ગાય ને જુગલબંધીમાં બાવાજી તબલા પર તાલ આપે. કવિ જાત-જાતના સંકુલ તાનપલટા મારે, પણ બાવો જેનું નામ–જરાય મચક આપે નહીં. સ્પર્ધા તીવ્રતમ બની રહી. છેવટે કવિએ એવો તો તાન–પલટો માર્યો કે બાવાજી તબલા ઉપર તાલ ચૂકી ગયા – દયારામની સરસાઈ પુરવાર થઈ. પણ કવિ ખેલદિલ હતાઃ બાવાજીની સંગીત-કુનેહના પ્રશંસક હતા. તેમણે પોતાને ગળેથી સોનાની કંઠી ઉતારી બાવાજીને પહેરાવી દીધી! આવા અક્કડ, અલ્લડ અને ફક્કડ કવિની શક્તિ જોતાં તેમની આજુબાજુ દંતકથા ન જોડાય એવું ભાગ્યે જ બને. કવિ નર્મદ દયારામને કવિતાશક્તિ કેવી રીતે મળી તેનું બયાન આમ આપે છેઃ કવિ કાશીની જાત્રાએ ગયા. કાશીવિશ્વનાથનાં દર્શન કરવા જાય છે તો મંદિરના દરવાજા બંધ. થોડીવારમાં કોઈ પુરુષનાં દર્શન થાય છે, તે કહે છે કે, ‘ઊઠ, દરવાજા ખુલ્લા છે.’ કવિ ઊઠ્યાં, સ્નાન કરીને કાશીવિશ્વેશ્વરનાં દર્શન કરે છે ને કવિ એક લાવણી રચી ગાય છે. કવિનું આ પહેલું કાવ્ય. કાશીવિશ્વેશ્વરના અનુગ્રહથી કવિને કવિતાશક્તિની બક્ષિસ મળે છે. નર્મદ લખે છે, ‘કાશીવિશ્વેશ્વરે જ એને કવિત્વશક્તિ આપી મૂર્ખના ચતુર અને ખલના સાધુ બનાવી દીધા.’‘અનુભવમંજરી’માં કવિએ પોતે વર્ણવેલો દ્વારકા-ગમનનો એક ચમત્કારિક પ્રસંગ છે, જેમાં રસ્તે કોઈક ગામડામાં ખરીદી કરેલી પણ નાણાં ચૂકવવાં રહી ગયાં હતાં; તે કવિને ઘણે દૂર ગયા પછી યાદ આવતાં તે નાણાં ચૂકવવા એ જ દુકાને પાછા ફરે છે ને જુએ છે તો વેપારીના ચોપડામાં પ્રભુએ પોતે જ દયારામ રૂપે નાણાં ચૂકવી દીધાં હતાં! ત્રીજો પ્રસંગ પણ યાત્રાઓના અનુષંગે છે : કહે છે કે કવિને કાશીવિશ્વનાથના દર્શનમાં હરિ અને હર સાથે દેખાયા હતા. ચોથો પ્રસંગ પણ યાત્રાનો જ છેઃ રામેશ્વરની યાત્રાપ્રસંગે કવિને એક બાવા સાથે ધાર્મિક બાબતમાં ઝઘડો થઈ જાય છે; બાવો જેવો કવિને મારવા માટે દંડ ઉગામે છે કે બાવાનો હાથ ઊંચો ઉગામેલો જ રહી જાય છે ને શ્રીકૃષ્ણ આ દંડ પકડી લે છે!વળી બીજો એક ચમત્કારિક પ્રસંગ કવિને નામે નોંધાયો છે. ત્રીજી વારની શ્રીનાથજીની યાત્રાપ્રસંગે શ્રીનાથજી પોતે કવિને વ્રજમાં લઈ જાય છે ને રાસલીલાનાં દર્શન કરાવે છે. તે વખતે કવિ જમુનાજીને કાંઠે પોતાનું પહેરણ ભૂલી જાય છે. પછી જ્યારે તે ખરેખરા સદેહે વ્રજમાં જાય છે ત્યારે પેલું પહેરણ ત્યાં જોવા મળે છે! આ અને આવી બીજી ચમત્કારિક અનુશ્રુતિઓમાં હકીકતનું સત્ય ભલે ન હોય; પણ કવિની ભક્તિ પ્રજામાં દંતકથા ને ચમત્કાર યોગ્ય છે તે તો અવશ્ય લાગ્યું છે એમાં શંકા નથી.

જીવનયાત્રાનો અંત સમય : પ્રભુભક્તિનાં પદો રચવામાં અને યાત્રાઓમાં કવિજીવનનો મોટો ભાગ ખર્ચાઈ ગયો છે. ધાર્મિક યાત્રાઓ પૂરી કરી કવિ શાન્ત જીવન ગુજારે છે. સંવત ૧૮૯૮ના માગશર માસમાં કવિ મંદવાડમાં સપડાય છે. જીવનનાં છેલ્લાં બારેક વર્ષો કવિ માંદગીમાં પીડાતાં ગાળે છે; કવિને પોતાની જીવનયાત્રાનો પણ હવે અંત દેખાઈ ગયો હશે. એટલે કવિ પોતાની પાસે જે કંઈ હતું તેનું એક વીલ પણ તૈયાર કરે છે. અવસાન પૂર્વે જ પોતાની જીવનક્રિયા પણ પતાવી દે છે. સંવત ૧૯૦૯માં તો તે હવે અસહ્ય માંદગીમાં પટકાઈ પડે છે. નર્મદ આ માંદગી વિષે લખે છે : ‘અને (દયારામને) પાંચ આજાર હતા, ‘ભગંદર, તાવ, પરમિયો, સારણગાંઠ ને અંડવૃદ્ધિ.’ આવી અસહ્ય માંદગીમાં પણ કવિ કૃષ્ણનામવ્રત ચૂકતા નથી; વૈદકીય ઉપચારની ના પાડે છે ને હરિકીર્તન એ જ ઉત્તમ ઓસડ છે એમ માને છે. કવિને મોટું શિષ્યમંડળ છે. કેટલાક શિષ્યો વૈદ્યને તેડાવી મંગાવે છે. ત્યારે તો કવિનો એક જ જવાબ છેઃ પ્રભુભજન એ જ પરમ ઔષધ છે; કોઈ દવાથી મૃત્યુનું નિવારણ શક્ય નથી; બાકી દેહનાં દુઃખ તો દેહે ભોગવવાં જ રહ્યાં! અંતિમ દિવસોમાં કવિનો અહંકાર પૂર્ણ રીતે ગળી ગયો છે એમ લાગે છે ને આપણા મહાન ભક્તોની પરંપરાના તેઓ એક નમ્ર ભક્ત રૂપે જ વિકસેલા જણાય છે. તેમના શિષ્ય રણછોડ જ્યારે કવિની પાદુકા પૂજન કરવા માગણી કરે છે ત્યારે કવિ બોલી ઊઠે છે : ‘અરે, આ શું બોલ્યા? હું તો ભગવાનના દાસનો પણ દાસ, અને મારી પાદુકાનું તે પૂજન હોય?’ એમ કરતાં છેવટે માઘ સુદ ૧૪ને સોમવારે પોતાના શિષ્યોને મુખે પોતાનાં કૃષ્ણભક્તિનાં શરણાગતિનાં પદો સાંભળીને સને ૧૮૫૨ની વસંતઋતુમાં કવિનો દેહ પડે છે*[5] ને તે સાથે ગુજરાતમાં મધ્ય યુગનો અસ્ત થાય છે.

દયારામનો અક્ષરદેહ

કવિના ક્ષરદેહનું આયુષ્ય પોણાસો વર્ષ જેટલું દીર્ઘ છે તો કવિનો કવનકાળ પણ ઠીકઠીક લાંબો છે અને ગુણવત્તામાં તો ગુજરાતી ભાષાની આયુષ્યરેખા જેટલો દીર્ઘ, બલકે અજર-અમર છે. કવિની કૃતિઓની કુલ સંખ્યા અંતિમપણે હજી નિશ્ચિત થઈ નથી; એ વિશે વિવિધ મતો પ્રવર્તે છે. વિજયરાય વૈદ્ય ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’માં કૃષ્ણલાલ ઝવેરીના ‘માર્ગસૂચક સ્તંભો’નો હવાલો આપી કુલ સંખ્યા ૮૭ તથા બીજી ગોવર્ધનરામની ગણતરીએ ૪૮ જણાવે છે. શંકરપ્રસાદ રાવળ દયારામની તમામ કૃતિઓની કુલ યાદી કરી તે સંખ્યા દોઢથી બે લાખ સુધીની મૂકે છે! તો સુભાષ દવે એમના ‘દયારામ : એક અધ્યયન’માં દયારામની પ્રાપ્ત-અપ્રાપ્ત કૃતિઓની કુલ સંખ્યા અંદાજે ૩૦૧ જેટલી ગણાવે છે.[6] જેમાં ૬૪ ગુજરાતી, ૨૦ વ્રજભાષામાં, ૧ મરાઠી અને ૧ સંસ્કૃતનો સમાવેશ કરે છે. દયારામની કૃતિઓનો રચનાકાળ ઈ. ૧૭૯૦-૧૮૨૮ની આસપાસનો એટલે કે લગભગ ૪૨ વર્ષ જેટલો લાંબો હોવાનું જણાય છે.[7] આ ૪૨ જેટલાં વર્ષોમાં જે રચનાઓ થઈ તેમનાં વિવિધ વિદ્વાનોએ અભ્યાસની સગવડ માટે વિવિધ વર્ગીકરણો કર્યાં છે. મુનશી તેમના ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’માં[8] તેના પાંચ વિભાગ પાડે છેઃ

૧) વલ્લભ સંપ્રદાયને લગતી રચનાઓ : વલ્લભ પરિવાર, ચોરાશી વૈષ્ણવનું ધોળ, ભક્તિપોષણ.
૨) વલ્લભ સંપ્રદાયના ધાર્મિકતત્ત્વ કે તત્ત્વજ્ઞાનને લગતી કૃતિઓ : રસિકવલ્લભ, સતસૈયા (હિન્દી).
૩) પૌરાણિક આખ્યાનો : અજામિલાખ્યાન, વકત્રાસુરાખ્યાન, સત્યભામાખ્યાન, ઓખાહરણ, દશમલીલા, રાસપંચાધ્યાયી.
૪) પ્રકીર્ણ કૃતિઓ : નરસિંહ મહેતાની હૂંડી, ષડ્ઋતુવર્ણન, નીતિભક્તિનાં પદો.
૫) ગરબીસંગ્રહ.

અનંતરાય રાવળે તેમના ‘ગુજરાતી સાહિત્ય’ (મધ્યકાલીન)માં : (૧) સાંપ્રદાયિક કૃતિઓ (૨) ભક્તિમહિમાગાન અને (૩) ગરબીઓ – એવા ત્રણ વિભાગોમાં ચર્ચા કરી છે. વિજયરાય વૈદ્ય, દયારામની કૃતિઓનું વર્ગીકરણ કરતાં લખે છે કે, ‘દીર્ઘતમ કાવ્ય ‘રસિકવલ્લભ’ બીજા સર્વની ચાવી રૂપ છે અને તેમાં કવિની શ્રદ્ધાવલ્લી બીજથી ફૂલ સુધીના વિકાસવાળી સમાઈ છે.’[9] એટલે તેનો એકલાનો પહેલો વર્ગ ગણીશું. આ સિવાયના ત્રણ વર્ગોને લઘુ કાવ્યો, ગરબીઓ તથા પદો કહેવામાં આવ્યાં છે. સુભાષ દવે તેમના ‘દયારામ : એક અધ્યયન’માં કવિના અભ્યાસ માટે નીચેના વિભાગો યોજે છે : (૧) દાર્શનિક કૃતિઓ. (૨) નામસંકીર્તનાત્મક અને ઉપદેશાત્મક કૃતિઓ. (૩) આખ્યાનો અને પદો. (૪) અનૂદિત કૃતિઓ (૫) ગરબી ગરબો. (૬) ગદ્ય કૃતિઓ. આમ કવિની ગદ્યરચનાઓને બાજુમાં રાખીએ તો પદ્યરચનાના મુખ્ય વિભાગો પડે છે :

૧. વલ્લભ સંપ્રદાયની કૃતિઓ
૨. આખ્યાનો અને પ્રકીર્ણ કૃતિઓ
૩. ગરબીઓ
૪. ભક્તિનાં બોધક પદો.

સાંપ્રદાયિક કૃતિઓ

આપણે જોઈ ગયા છીએ કે દયારામ, વલ્લભ વેદાંતના ઊંડા અભ્યાસી અને ઉગ્ર અનુયાયી હતા. વલ્લભ વેદાંતનું તત્ત્વજ્ઞાન નિરૂપતા કવિએ જે બે ગ્રંથો રચ્યા છે તેમાં ‘રસિકવલ્લભ’ અને ‘ભક્તિપોષણ’ મુખ્ય છે. કહેવાય છે કે કવિએ ‘રસિકવલ્લભ’ નામનો પુષ્ટિમાર્ગની શાસ્ત્રીય ચર્ચા કરતો ગ્રંથ અખાના શાંકર-વેદાંતનું ખંડન કરવા ને પુષ્ટિમાર્ગનું મંડન કરવા લખ્યો હતો. તેની પ્રતિજ્ઞા છે : ‘ખંડન માયાવાદ’. આ માયાવાદ એટલે શાંકરવેદાંત, કેવલાદ્વૈત. આ માયાવાદ જગતને મિથ્યા ગણે છે: “ब्रह्म सत्य जगतमिथ्या जीवो बह्मैव नापर :’ (બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે; જીવ બ્રહ્મ પોતે જ છે : કોઈ ઇતર નથી.) જીવ અને બ્રહ્મનું અદ્વૈત છે. જુદાપણું તો ભાસે છે અવિદ્યાથી, માયાથી. આ અવિદ્યા તૂટે તો અભેદ માલૂમ પડે; અને આ અવિદ્યા ક્યારે તૂટે? ગુરુની કૃપા હોય તો જ આ દ્વૈત તૂટે; અને આપણો સાચો ગુરુ કોણ? તો અખો કહે છે તેમઃ ‘ગુરુ થા તારો તુંજ’. આપણે જ આપણા ગુરુ આપણે પોતે જ આપણો પોતાનો ઉદ્ધાર કરી શકીએ. આમ જે જ્ઞાન મળે તે મોક્ષનું સાધન બને છે. દયારામ આ તમામ મતોને દલીલોથી તોડવા મથે છે. તે કહે છે, જીવ અને બ્રહ્મ એક નથી; જીવ તો બ્રહ્નો અંશમાત્ર છે, તેથી તે પૂર્ણ શક્તિમાન નથી. વળી તે કહે છે કે : જગત અસત્ય નથી. શ્રીકૃષ્ણ પોતે જ પરબ્રહ્મ છે. તેનું કાર્ય છે આ જગત તો તે અસત્ય કેવી રીતે હોઈ શકે? માટે જગત પણ સત્ય છે. શ્રીકૃષ્ણ આગળ માયા ટકી શકતી જ નથી. ‘જ્ઞાન’ તો નબળું સાધન છે: ખરું સાધન તો છે ‘અનન્ય અવ્યભિચારિણી ભક્તિ’. તે કહે છે : ‘અમે ભક્તો તો ભક્તિ-ઘેબરના ભોગી છીએ, જ્ઞાન તો ઢોકળું છે અને ભક્તિ તો છે, ઘેબર-ઘેબર’. વળી કવિને માયાવાદનો મોક્ષ ખપતો નથી; એ તો માગે છે ભક્તિપૂર્ણ એક્તા – સાયુજ્ય. આમ, માયાવાદના ખંડન માટે ને પુષ્ટિમાર્ગના મંડન માટે કવિએ કેટલીક લાક્ષણિક દલીલો કરી છે. જગત અસત્ય માનનાર કવિને મતે ‘કાણો’ અને ‘વણમતિ’ છે. જીવ અને બ્રહ્મને એક માનનારને તે ‘ગમાર’ કહે છે. જ્ઞાન અને વૈરાગ્ય તો ભક્તિરૂપી ગાયની પાછળ પાછળ આવતાં વાછરડાં છે. ભક્તિ આગળ મુક્તિને તો તે ઉપહસે છે. ‘મુક્તિથી તો પ્રસન્ન થાય જન પ્રેત.’ જ્ઞાન તો બુઝાઈ જાય એવો દીપક છે પણ ભક્તિ તો છે સ્વયંપ્રકાશ અનસ્ત તેજમણિ. પ્રભુપ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે ભક્તિ, ને તેમાંય પ્રેમલક્ષણા ભક્તિ ઉત્તમ છે. આ પ્રેમલક્ષણા ભક્તિનો ભક્ત તો ભગવાનના આનંદમય, લાવણ્યમય લલિતત્રિભંગ સ્વરૂપને ઉપાસે છે. આવો ભક્ત ભગવાનની પુષ્ટિ (કૃપા) પામેલો હોય છે. તે પ્રભુચરણે સમર્પિત હોય છે. તેમનો પરમ ધર્મ પ્રભુની સેવા અને એ સેવાનું પરમ ફળ તે પ્રભુસ્વરૂપમાં આત્મીયભાવે રમણ. ૧૦૯ પદના ‘રસિકવલ્લભ’ને ગોવર્ધનરામ, કવિની શ્રેષ્ઠ કૃતિ ગણે છે તે કલાનાં ધોરણે તો નહીં જ હોય એમ લાગે છે; પણ દયારામને સમજવાની ચાવી પૂરી પાડે છે એટલે હશે. રસની અને કલાની દૃષ્ટિએ નર્યું તત્ત્વનું ટૂંપણું છે : એમાં કવિતાને ઇષ્ટ તે રસતત્ત્વની ખામી છે. ‘અખોઃ એક અધ્યયન’માં, ઉમાશંકર જોશી, ‘અખેગીતા’ની સાથે સરખાવતાં ‘રસિકવલ્લભ’ને તેના જોટાની કૃતિ ગણાવતા નથી. અખાનું ભાષાબળ કે દલીલબળ એકે દયારામના ‘રસિકવલ્લભ’માં નથી. જોકે મુનશી કહે છે તેમ ‘રસિકવલ્લભ’ની શૈલી ભવ્ય, સંસ્કૃત અને વ્રજ ભાષાના સંપર્કે કરીને સમૃદ્ધ અને પરંપરાગત કલ્પનાઓથી ભરપૂર છે[10] – એ વિચારવા જેવું છે. ‘રસિકવલ્લભ’ની સાથે જ યાદ આવે તેવી તેની કૃતિ ‘ભક્તિપોષણ’ છે. આ કૃતિ ૧૦૧ ચંદ્રાવળામાં રચાઈ છે. જેમાં ભક્તિનો મહિમા, ભક્તિનું સ્વરૂપ, ભક્તિના પ્રકારો વગેરેની દૃષ્ટાંતોની મદદથી કરેલી ચર્ચા જે પ્રબંધમાં કંઈક ‘રસિકવલ્લભ’થી ઢીલી રીતે થઈ છે. ક્યારેક ભક્તિની દલીલ તીવ્ર બને છે ખરીઃ ‘શ્રીકૃષ્ણભક્તિ અંક છે, બીજાં સાધન સર્વે શૂન્ય’. બીજું બધું તો એકડા વગરના મીંડાં જેવું જ; છતાં ‘ભક્તિપોષણ’ પણ કલાની દૃષ્ટિએ તો ઊણું જ ઊતરે છે. દયારામે આવી જ બે કૃતિઓ વ્રજભાષામાં પણ લખી છે : ‘રસિકરંજન’ અને ‘ભક્તિવિધાન’. આખ્યાનાત્મક કૃતિઓ અને ભક્તિનાં પદો : આવી કૃતિઓમાં નીચેની મુખ્ય રચનાઓનો સમાવેશ થાય છેઃ ૧. શ્રી કૃષ્ણનામ-માહાત્મ્ય (ગુજરાતી), ૨. શ્રી કૃષ્ણસ્તવન-ચંદ્રિકા (વ્રજ), ૩. નામપ્રભાવબત્રીશી (વ્રજ), ૪. ભક્તવેલ (ગુજરાતી), ૫. ચોરાશી વૈષ્ણવના ધોળ (ગુજરાતી), ૬. પુષ્ટિભક્તરૂપ-માલિકા (વ્રજ), ૭. શ્રી હરિભક્તિચંદ્રિકા (ગુજરાતી), ૮. બ્રાહ્મણભક્તસંવાદ (ગુજરાતી), ૯. મીરાંચરિત્ર (ગુજરાતી), ૧૦. કુંવરબાઈનું મામેરું (ગુજરાતી).

આખ્યાનો

૧. રુક્મિણીવિવાહ, ૨. સત્યભામાવિવાહ, ૩. અજામિલ-આખ્યાન, ૪. ભાગવતાનુક્રમણિકા (વ્રજ), ૫. ઓખાહરણ, ૬. શ્રીકૃષ્ણ જન્મખંડ, ૭. સારાવલિ, ૮. બાળલીલા, ૯. પત્રલીલા, ૧૦. કમળલીલા, ૧૧. રાસલીલા, ૧૨. રૂપલીલા, ૧૩. મુરલીલીલા, ૧૪. દાણચાતુરી, ૧૫. પ્રેમરસગીતા, ૧૬. પ્રેમપરીક્ષા, ૧૭. હનુમાનગરુડસંવાદ. ઉપરની યાદી જોતાં આપણને લાગે છે કે દયારામની કૃષ્ણભક્તિ વિવિધ સ્વરૂપોમાં અથાક રીતે વિલસી રહે છેઃ કલાતત્ત્વ કરતાં કૃષ્ણભક્તિની માત્રા જ વધી જાય છે. એમની આખ્યાનશક્તિનું એકંદરે મૂલ્યાંકન કરીએ તો લાગે છે કે આ મસ્ત ભક્તકવિમાં પરલક્ષી કૃતિઓમાં જોઈએ તેવું તાટસ્થ્ય નથી. દયારામ મુખ્યત્વે ઊર્મિપ્રધાન પ્રતિભા છે, એમને છલકાવું–ગાવું ફાવે તેવું તટસ્થ સપ્રમાણ જમાવટ કરવાનું ન ફાવે; પરિણામે પ્રેમાનંદમાં જેની ટોચ છે તે આખ્યાનો દયારામમાં ગ્લાનિ અનુભવે છે ને એમને હાથે જ આ મહાન મધ્યકાલીન આખ્યાનપ્રકારની પરંપરાનું અચ્યુતં કેશવં થઈ જાય છે. મુનશી એમની આખ્યાનકલાને એક-બે વાક્યોમાં આટોપી લે છે :

`The akhyanas have nothing extra-ordinary about them. The poet lacked the art both of story-telling and portrait painting which the eminent authors of the previous century possessed.’[11]

અનંતરાય રાવળ જણાવે છે: ‘ભાગવતને આધારે તેણે ‘રુક્મિણીવિવાહ’, ‘સત્યભામાવિવાહ’, ‘અજામિલાખ્યાન’ વગેરે જે રચનાઓ કરી છે તે એટલું જ બતાવે છે કે એને આખ્યાનની ફાવટ નથી.’[12] એને જે ફાવટ છે તે ઊર્મિંગીતોની, પ્રેમાનંદના ‘ઓખાહરણ’માં પાછળથી દયારામનો હાથ ફર્યો હશે એ ચોક્કસ છેઃ ખાસ તો ‘ઓખાહરણ’માં જે ગીતો પ્રવેશ પામ્યાં છે, તેનો દયારામ–સ્પર્શ અછતો રહેતો નથી. અનંતરાય સાથે આખ્યાન પૂરતા આપણે સંમત થઈ અહીં અટકીએ કે દયારામને આખ્યાનની ફાવટ નથી. આખ્યાન એ કંઈક ઠંડો, ફેલાયેલો હોવાથી ઓછી તીવ્ર-તીક્ષ્ણ લાગણીનો સાહિત્યપ્રકાર છે, જે દયારામને ભાગ્યે જ ફાવે; પણ જ્યાં કૃષ્ણનું ગાન હોય ત્યાં તે આખ્યાનથી વધુ સફળતા પ્રાપ્ત કરે છે; એનાં ‘લીલા’ કાવ્યો એનાં આખ્યાનોથી તો બહેતર રચનાઓ બની છેઃ કારણ કે અહીં ઇષ્ટ દેવ શ્રીકૃષ્ણની ભક્તિ ઊછળે છે ને એ ઉછાળો દયારામની પ્રતિભાને અનુકૂળ છે. ‘પ્રેમરસગીતા’ અને ‘પ્રેમપરીક્ષા’ દયારામની ધ્યાનાર્હ કૃતિઓ છે. વિષય ભાગવતનો છે. શ્રી કૃષ્ણ ગોકુલ છોડી, મથુરા ગયા પછી ઉદ્ધવ જ્યારે ગોપીઓને મળવા મથુરાથી કૃષ્ણસંદેશ લઈ ગોકુળ આવે છે ત્યારે ‘ઉદ્ધવસંદેશ’ વખતે ઉદ્ધવ–ગોપીનો સંવાદ થાય છે. દયારામમાં જે બૌદ્ધિક ગજું છે તેને આ પરિસ્થિતિ, આ ભાવસ્થિતિ ખીલવવાનું ફાવે છે. ઉદ્ધવ જ્ઞાની છે અને ગોપીઓને કહે છે કે શ્રીકૃષ્ણ તો બધે જ છે. તમારે કૃષ્ણવિરહનો શોક કરવો જોઈએ નહીં. આ અહીં રસબીજ બને છે. જેને દયારામ અમર વાણીમાં ખીલવે છે. ગોપીઓ ઉદ્ધવને કહે છે:

તમારે તો હરિ સઘળે રે અમારે તો એક સ્થળે;
તમે રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળે. (‘પ્રેમપરીક્ષા’)

વિજયરાય આ પંક્તિઓને ‘જ્ઞાન વિરુદ્ધ ભક્તિના કલહમાં ભક્તિની સર્વકાલીન મહત્તા સ્થાપતી પંક્તિઓ’[13] કહે છે તે યોગ્ય જ છે. ‘પ્રેમપરીક્ષા’ની ઉપર ઉદ્ધૃત કરેલી પંક્તિઓ ભાવ, ભાષા અને લયમાં આપણને એક એવી પરિણતિ આગળ મૂકી આપે છે જ્યાંથી હવે આપણે બહુ જ સ્વાભાવિકતાથી એક ડગલું આગળ ભરતાં જ દયારામના લોલવિલોલ કાવ્યાર્ણવની મઝધારમાં–ગરબીવૈભવમાં – એક છાલકમાત્રે જ મુકાઈ જઈએ છીએ.

ગરબીઓ

દયારામની પ્રતિભાનું સ્વરૂપ જ મુખ્યત્વે ઊર્મિપ્રધાન હતું. આ વ્યાકુલ વૈષ્ણવને અનાકુલ આખ્યાનકથાઓ કરવાનું ફાવ્યું નથીઃ તત્ત્વચર્ચા માટે આ રસિક વિલાસી ઊર્મિકવિનું અખા જેવું બૌદ્ધિક ગજું નથી. જ્ઞાનની ખેડ એ આ કવિનો ખોટી દિશાનો પુરુષાર્થ છે. દયારામનું સત્ત્વ જે સમજે છે તેમને તેમનામાં જોવનાઈની અલ્લડતા અને અનન્ય કૃષ્ણભક્તિની નમ્રતા બંને સાથે કામ પાડવાનું અનિવાર્યપણે આવે છે. વિલાસ અને વૈરાગ્ય બેના તાણેવાણે દયારામનું સત્ત્વ ગૂંથાયું છે. ગરબીઓ દયારામના કવિસત્ત્વનું યોગ્યતમ માધ્યમ હતું. ગરબીઓમાં દયારામ અને આપણી ગુજરાતી ભાષા બંને છંદે ચઢે છે તે પૂર્વે કે તે પછી ક્યારેય ન ચઢ્યાં હોય તેવા જોવનાઈના લોલ–ઉલ્લોલ છંદેઃ અને અખા-પ્રેમાનંદ પછી ગુજરાતી ભાષા દયારામમાં વળી એકવાર – ને કદાચ મધ્યકાલીન રીતરસમોમાં તો છેલ્લી જ વાર–ભાવભરતીની ટોચે માઝા આંકે છે. દયારામ ગુજરાતમાં મીરાં પછીની પ્રેમલક્ષણા ભક્તિની છેલ્લી શ્રેષ્ઠ ગોપી છે. આ ગોપી નરસિંહ મહેતાની ગોપી જેવી વત્સલ નથી; દયારામની ગોપી તો જોવનાઈથી ફાટુંફાટું થતી કૃષ્ણ સાથે શૃંગારમૂલક છંદે ચઢેલી ગોપી છે. તે કૃષ્ણની નરી નમ્ર દીન ભક્ત નહીં, કૃષ્ણની સમોવડિયણ ને કૃષ્ણભોગાસક્ત તોફાની ને ટીખળી ને તેવતેવડી, પરાજય નહીં સ્વીકારતી અનુનેય. નરસિંહ મહેતાએ તો સુરતસંગ્રામ લખ્યો હશે કે નહીં તે ભલે શંકાસ્પદ રહ્યું; દયારામની ગરબીઓએ એક સુરતસંગ્રામ, તેના તમામ પહલુમાં ખેલી લીધો છે. આના પરિણામે ગુજરાતી ભાષામાં એક જાતની રતુંબડ ઝાંય તરવરી રહે છેઃ ટોળટપ્પાં, ટીખળ–મ્હેણાંની બૌદ્ધિક રસિકતાની એક ભાતીગળ વાઙ્મય ભાત ઊપસી આવી છે જે આપણી ભાષામાં કલાનાં ઊંચા ધોરણે અજોડ છે. ગુજરાતી ભાષા જે નરસિંહ-મીરાંથી સાખ થવા માંડી હતી તે મધ્યકાળને અંતે જતાં દયારામમાં પાકી ગલ બનીને વરણાઈ છે, આ વરણાગી કવિને હાથે. પ્રેમલક્ષણાભાવ, તેને અનુરૂપ ભાષા, આપણા દેશી લયો – બધું જ દયારામમાં પુરોગામીઓનો પૂરો લાભ ઊઠાવી લચકીલળી ગયાં છે. દયારામનો કાન પણ ખૂબ જ સરવો છે. નરસિંહાદિનો ખરો શિષ્ય જ દયારામ છે – ગુરુથીય સવાયો. લોકવાયકા દયારામને નરસિંહનો અવતાર કહે છે તે આ રીતે તો સાચું જ છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા દયારામની ગરબીઓમાં જેટલી મુકુલિત–પુષ્પિત–ફલિત થઈ ઊઠી છે તેટલી તો પ્રેમાનંદ પછી ક્યારેય થઈ નથી. વ્રજ ભાષા અને વ્રજનું તમામ સૌંદર્ય તેણે ગુજરાતીમાં ઉતારી આણ્યું છે. ગુજરાત ને ગુજરાતી ભાષા દયારામનાં સદાનાં ઋણી છે. દયારામ ભક્ત ઉપર અહીં દયારામ કવિનું છોગું ફરફરી રહે છેઃ લાલચટ્ટક. દયારામની વાણીને, કવિના એવા જ ઉત્તરાધિકારી કવિ ન્હાનાલાલને હાથે ‘બંસીબોલ’ની ઉપમા સાંપડી છે : ‘નથી એ બંસીબોલ પ્રેમાનંદની કે શામળની કે અખાની કવિતામાં; નથી દલપતરામમાં, નર્મદમાં કે ગોવર્ધનરામમાં. ગુણવિશિષ્ટતાએ દયારામ ગુર્જર સાહિત્યમાં અજોડ છે, ગુર્જરી સાહિત્યકુંજો ભરી બંસીનો છેડણહારો તો દયારામ. થોડી-ઝાઝેરિક છેડી છે નરસિંહ – મીરાંએ; ને કાંઈક કાંઈક છેડી છે સ્વામીનારાયણના સાધુવરોએ; વર્તમાન તો જાણે–પ્રધાનતઃ – પરદેશી હાર્મોનિયમ વગાડે છે. ને બંસીને જાણે અડકતાંયે અભડાય છે. દયારામની છે એવી અજબ મધુરપની ફરફર. એનાં છે ગુજરાતનાં સાચાં ને સર્વોપરી Lyrics.’[14] દયારામની બાની એટલે ‘બંસીબોલ’. ‘બંસીબોલ’ કરતાં એ વાત વધુ સારી રીતે ભાગ્યે જ કહી શકાય. એ વાતમાં હવે બધાં સંમત છે કે દયારામની સ્થાયી કીર્તિ છે એમની ગરબી રચનાઓ ઉપર; જોકે આ ગરબીસમુદાય એમના વિપુલ સર્જનનો નાનકડો ભાગ જ છે; છતાંયે આ ગરબીઓનો વિષય ગોપી–કૃષ્ણ વચ્ચેની ઉત્કટ આસક્તિ ને રતિ છે. જે અપાર વૈવિધ્યથી, અપાર વૈવિધ્યવાળા લોકઢાળોમાં સ્પંદિત થઈ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં નાયિકાભેદનાં જાણે અહીં ભરપૂર ઉદાહરણો ઊભરાય છે. કૃષ્ણ અદ્ભુત અને સર્વાંગસુંદર લાગે છે. ગોપીની આ મૂંઝવણની સૂક્ષ્મતા જુઓ :

‘કિયે ઠામ મોહિની ન જાણી રે મોહનજીમાં કિયે ઠામ.’

તો એક ગોપીએ એ મોહિનીનું ઠેકાણું પકડી પણ પાડ્યું છેઃ

‘કામણ દિસે છે અલબેલા તારી આંખમાં રે.’

‘ગોપીઓ જે જે સંબોધનોથી કૃષ્ણને બોલાવે છે તેમાંના વિશ્રંભ ને પ્રગલ્ભતા આસ્વાદ્ય છે; એ યાદી પણ કરવા જેવી છે. તો –

‘વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નહીં આવું; ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું?

–માં સ્વર્ગસુખને ઉપહસતો ગોપીનો અલ્લડ અવાજ પણ એવો જ કામણગારો છે. ગોપી–કૃષ્ણનો આખો સંસાર તેની તમામ વિવિધતાએ ને સામગ્રીએ અહીં છેડવામાં આવ્યો છે. ગરબીઓનો સંસાર છેઃ વ્રજ–વૃંદાવન-ગોકુલ, જમુનાનો પનઘટ, વાંસળી, રાસ ને ગોરસ; વિરહ-મિલન; છલ-લજ્જા ને અલ્લડતા, અને આ બધું રચાયું છે અદ્ભુત ગુજરાતી તળપદી વાગ્ભંગિઓમાં. આ તળપદા પ્રેમલહેકા માણીએઃ

માહરું મન મોહ્યું વાંસલડીને શબ્દે.
સામું જો નંદના છોગાળા.
ઓરો આવને સલૂણા હરિ.

ગોપીઓ કૃષ્ણને ઘરે આવવા આમંત્રણ આપે છેઃ

માણીગર, આવો મારે મ્હોલે.
આવો અલબેલા મારે આંગણે.

પંક્તિએ પંક્તિએ લાડભર્યું ઉદ્બોધન તો હોય જ. આ ગોપીઓને વાંસળીની અદેખાઈ કેમ ન થાય? કૃષ્ણ વાંસળીને હેઠે મૂકતા નથી; ને ગોપીનો તો ભાવે પૂછતા નથી:

જોતાં તું કાષ્ટ કેરો કરકડો, હો વાંસલડી,
તુંને આજ મળી છે ઠકરાત, રે હો વાંસલડી.

આ અદેખાઈનું કારણ છેઃ

પિયે અધરામૃત પીયુ તણું રે હો વાંસલડી!
અમારે શોક્ય સરિખું તું સાલ રે હો વાંસલડી;

તો અહીં વળી વાત બીજા લયમાં લચકાઈ છેઃ

‘ઓ વાંસલડી વેરણ થઈ લાગી છે વ્રજની નારને’

તો વળી એક ગોપીનો કૃષ્ણ-પ્રીતિનો દર્પ કેવો ઊપસ્યો છે?

હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું.

એથીય અદકો અચકોમચકો વળી આ રહ્યોઃ

હાવાં હું સખી, નહીં બોલું રે નંદકુંવરની સંગે,
મુંને શશીવદની કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.

તો વળી આ કૃષ્ણ સાથે રૂસણું લઈ બેઠેલી ગોપીની દ્વિધાય અદ્ભુત છેઃ મારે શ્યામ નામેય ન જોઈએ, કારણ કે

‘સર્વમાં કપટ હશે આવું’... પણ
મન કહે જે પલક ના નિભાવું.
મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાવું.

છેલ્લો પલટો તો જાણે કોઈ સૉનેટની ચોટ જોઈ લ્યો – એટલો બધો અદ્યતન લાગે છે ને!

અડશો મા, અલબેલા છેલા, અડશો મા... કેમ કંઈ કારણ?
કહાનકુંવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં.

બધું અગંભીરપણે ચાલે છે તે તરત પકડાઈ જાય છે. કૃષ્ણ પણ ગોપીના માથાના છે— કહે છે :

તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહીં થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી મુજ મોરો, તુજ તોરો.

એમ બબ્બેવાર આલિંગનનું સૂચન પણ કરી દે છે. હવે કેટલીક અદ્ભુત પંક્તિઓ ટાંકીને સંતોષ માનીએઃ

આઠ કૂવા ને નવ વાવડી રે લોલ...
પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, પ્રેમની પીડા....
ઓધવ નંદનો છોરો, છોરો તે નમેરો થયો જો,
મને એકલી મૂકીને મથુરાં ગયો જો....

અનંતરાયે યોગ્ય જ નોંધ્યું છે કે, આ બધી ગરબીઓ રાધા અને ગોપીઓના તેમ જ કૃષ્ણના ઉદ્ગારોને રજૂ કરતા નાટ્યાત્મક કે પાત્રલક્ષી ઊર્મિકાવ્યો (Dramatic Lyrics)ના પ્રકારની છે. દયારામની ગરબીઓનો મોટો ભાગ એવી રચનાઓનો છે.[15] ગરબી વિભાગની ચર્ચાનું સમાપન અનંતરાય આ શબ્દોમાં કરે છે. ‘દાસ દયાએ પોતાના પ્રીતમની લીલા તથા કૃષ્ણરત વ્રજાંગનાઓના વિવિધ ભાવાનુભાવો આ ગરબીઓમાં ઉમંગથી ગાઈ કૃષ્ણલીલા ગાવાનો આનંદ મેળવ્યો છે અને ગુજરાતી કવિતાને સુંદર પદ–સાહિત્યથી સમૃદ્ધ કરી છે. આ ગીતરચનાઓમાં રાગ અને ઢાળોનું વિપુલ વૈવિધ્ય છે. ટૂંકા વિસ્તારમાં સઘનતાથી રજૂ થતી કૃષ્ણલીન ગોપીઓનાં હૈયાંની સુકુમાર અને રસભર ભાવોર્મિઓ છેઃ સંગીત તથા ભાવને અનુરૂપ માધુર્યઝરતી વાણી છે, અને અંદર કવિ ઉલ્લસિત ભક્તિરસ ઉપરાંત યથાવકાશ ચાતુર્ય ચમકાવે છે અને વિનોદલહરી ફરકાવે છે. ઊર્મિગીતોના ઉત્તમ નમૂના બતાવતી દયારામની ગરબીઓ નરસિંહ ને મીરાં પછીની ભક્તિશૃંગારની મધ્યકાલીન પદકવિતાની મોટી સિદ્ધિ છે.[16] દયારામની ગરબીઓ વિશે ગોવર્ધનરામે પણ એવા જ પ્રહૃષ્ટ ઉદ્ગારો કાઢ્યા છે.

So far as poetical powers are concerned, he is undoubtedly the greatest genius since the days of Premanand. His poems on Krishna and the maids of Gokul are a stream of burning Lava of realistic passion and Love, and if lewdness of writings do not take away from the merits of a poet, he is a very great poet indeed.[17]

ન્હાનાલાલ તો લખે છે: ‘દયારામભાઈની ગરબીઓની કલ્પના તો જાણે વીજળીઓના ઝબકારા. નર્મદાશી મીઠ્ઠા જળની રસસરિતાના ઉરની જાણે પવનપગલી સમી લહરીઓ એ દયારામની ગીતભાષા... દયારામભાઈ એટલે ગુજરાતની મધુરપ, ઝમક, ઝબકાર અને વિહ્વળતા, ગુજરાતનું નારીસંગીત, એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું મોતી છે.’[18] મુનશી દયારામની ગરબી વિશે લખે છેઃ

Dayaram inverted the form, as a whole, with a charm and rhythm of his own. He made use of popular melodies. His language was the most perfect used so far by any poet of Gujarat.[19]

મુનશી વળી લખે છેઃ ‘ભાષાની સંસ્કારિતા, સમૃદ્ધિ કે સંગીતમાં, ઊર્મિઓની સચોટતામાં કે તરવરાટમાં, ભાવવૈવિધ્યની રંગબેરંગી ચમકમાં, હૃદયંગમ શબ્દમાધુર્યની મોહિનીમાં, પ્રણયના તલસાટની તીવ્રતામાં કોઈ કથનકાર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેને સ્પર્શી શક્યો નથી.’[20] હરીન્દ્ર દવે દયારામની કવિતા અંગે કહે છે: ‘કાળના કંઠમાં દયારામે આરોપેલી માળાનાં ફૂલો હજી જાણે હમણાં જ ચૂંટ્યાં હોય એવાં તાજાં ને મઘમઘતાં છે.[21] સાચે જ, દયારામની ગરબીના લય, તેની લાડથી લચી પડતી ભાષા, તેની ઊપડતી પ્રથમ પંક્તિઓની તાજગી બધું ભેગું મૂકો તો વસંતની એક ભરીભરી ફૂલછાબ બને જે હજી કાળની મ્લાન કરતી આંગળીથી અસ્પૃષ્ટ રહી છે.

ભક્તિનાં બોધક પદો

મુનશી દયારામનાં આ પદો માટે ઉત્સાહથી લખતા નથી. તે લખે છેઃ

His padas ethical and devotional, do not rise above the level of the age which could claim the elegance of Brahmanand.[22]

મુનશીએ દયારામનાં પદોને આમ સાધારણ કક્ષાનાં ગણ્યાં છે; પણ ‘લાગણીની તીવ્રતા, મનની તન્મય સ્થિતિ, ઇષ્ટપ્રાપ્તિ માટેનો તલસાટ, દૃઢ વિશ્વાસ, આગ્રહ, પશ્ચાત્તાપ દોષની નિખાલસ કબૂલાત અને દીનતા’નાં[23] લક્ષણો ધરાવતાં આ પદ દયારામની આરઝૂ, ભક્તિનો તીવ્ર સંવેગ અને દ્યુતિમાન કલ્પનાશક્તિને કારણે વિશિષ્ટ બન્યાં છે. વાત એમ લાગે છે કે દયારામની ગરબીઓથી અંજાઈ જઈને મુનશીએ દયારામનાં પદો તરફ ઉપેક્ષાદૃષ્ટિ રાખી છે; નહીં તો દયારામનાં પદો ક્યારેક તો એ કક્ષાએ સર્જાયાં છે કે તે માત્ર દયારામની ગરબીઓથી કંઈક જ નીચી કક્ષાનાં લાગે અને આપણી ભાષાના પદસંગ્રહમાં ઊંચા આસનનાં અધિકારી લાગે. દયારામના અભ્યાસીએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કવિમાં તારુણ્યપૂર્ણ વૈષ્ણવ રસિકતા અને પ્રગાઢ વૈરાગ્ય એક સાથે વસતો હતો; જુવાનવયમાં કવિએ આ શૃંગારરસિક ગરબીઓ ચગાવી છે તો પ્રથમથી જ ચાલી આવતી ને ઉત્તર વયે ઉપર તરી આવતી વૈરાગ્યવૃત્તિએ કવિને હાથે નીતિવૈરાગ્યના બોધક પદો લખાવ્યાં છે. જુવાનીનો તોર ઊતરી જતાં જીવનના થાકે અને રોગે કવિને વૈરાગી ને બોધક બનાવ્યા હોય તે બનવાજોગ છેઃ ગરબી લખનારો શૃંગારકવિ ભક્ત હોઈ જ ન શકે એવો તર્ક મનુષ્યમનને નહીં સમજવા બરાબર છે. દયારામનાં પદોમાં પણ સાચી કવિતાનો સૂર છે જે દયારામને જુવાનવયની ગોપી મટી ગયા પછી એક સાચા ભક્તની પ્રતિષ્ઠા પણ આપી જાય છે. નરસિંહ મહેતામાં પણ આવાં બે પાસાં સાથે સાથે કામ કરતાં દેખાય છે; પણ નરસિંહને કોઈ અભક્ત કે ન્યૂનભક્ત કહી શકે તેમ નથી; તો દયારામ માટે બીજા ગજ શા માટે હોવા જોઈએ? નરસિંહની માફક દયારામની શૃંગારભક્તિ અને એમની વૈરાગીભક્તિ શંકાતીત ગણવી જોઈએ; કેમકે બંને એક કૃષ્ણભક્તિ દિલની સાચી જ પેદાશ છે. નરસિંહ કરતાં દયારામ શૈશવમાં વધારે છેલછબીલા હતા એ જ કારણસર તેમની ગરબીમાં અંગત શૃંગારવૃત્તિ જોવી અને પદોની સચ્ચાઈ વિશે શંકા કરવી તે ઉતાવળિયું ને અનુદાર વિવેચન છે. દયારામની ગરબીઓની માફક તેમનાં કેટલાક પદો પણ પ્રજામાં ખૂબ જ લોકપ્રિય નીવડ્યાં છે, તેમનાં લોકપ્રિય થયેલાં પદોમાં મુખ્યત્વે ત્રણ ભાવ પ્રગટ થયા છેઃ

૧. દૈન્ય અને શરણાગતિ
૨. સાચા વૈષ્ણવનાં લક્ષણો
૩. ભક્તિમાર્ગનો મહિમા.

દૈન્ય અને શરણાગતિનો ભાવ ગાતાં પદોના કેટલાક ઉપાડ આ રહ્યા :

જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો
દામોદર દુખડાં કાપો રે, પાવલે લાગું
મારે અંત સમય અલબેલા મુજને મૂકશો મા.

આવાં પદોમાં દૈન્ય-શરણાગતિ ઉપરાંત દોષની કબૂલાત, પ્રભુની કૃપા—યાચનાનાં લક્ષણો હોવાથી તેમાં દયારામનું અહંકારગલિત નમ્ર સ્વરૂપ પ્રગટ થાય છે... મન તો માંકડા જેવું છે, એની દયારામને પ્રથમથી જ સારી પેઠે ખબર છેઃ ‘મારું ઢણકતું ઢોર, ઢણકે છે સહુ નગરમાં, સીમ ખેતર ખળું કાંઈ ન મૂકે’– કહેનાર કવિની નમ્રતા ને નિખાલસતા શંકાતીત ગણાવી જોઈએ. દયારામની અહંકારવૃત્તિ દુર્દાન્ત હશેઃ પણ કવિ તેને વિશે જાગૃત પણ અવશ્ય છે. આ અહંકાર સામે તેમણે લાંબી અને અવિશ્રાંત લડત લડી લીધી છે એમ લાગે છે; નહીં તો તે કહે નહીં કેઃ ‘આ ઘરમાં ‘હું’ને સ્થાન નથી.’[24] મનુષ્યદેહને વેડફી નાખવો ન જોઈએ કારણકે શરીર તો ધર્મ સાધનાનું આદ્ય સાધન ગણાય. દયારામ તો કહે છેઃ ‘પારસમણિને વાટકે ભટજી માગે ભીખ.’ દયારામનો શૃંગાર જોઈ એનો ભક્તમાંથી કાંકરો જ કાઢી નાખવા ઇચ્છનાર વિવેચકે એનાં પદોમાં એની ઇન્દ્રિયો સામેની જાગૃતિ એકવાર જોઈ જવી જોઈએ.

પરનારી ક્રીડા કરી કૃષ્ણ, તે તો આપણે કેમ થાય રે?.
ઊર્ધ્વ રેત અગ્નિ પીવો, ગોવર્ધન કેમ ધરાય?

કૃષ્ણભક્તિ એટલે નારીસંગ ક્રીડા એટલો જ અર્થ દયારામને, અલબત્ત અભિપ્રેત નથી. પ્રીતમ, બ્રહ્માનંદની માફક દયારામે પણ ‘હરિના મારગ’નું વર્ણન વીરોચિત ભાષામાં કર્યું છે.

નિશ્ચેના મ્હેલમાં વસે મારો વાલમો

પરમાત્મા રસ્તામાં પડેલો કોઈ સસ્તો પદાર્થ નથીઃ મક્કમ સંકલ્પબળ વિના તે મળી શકતો નથી. લગભગ પોતાને જ ઉપાલંભ આપતા હોય તેમ દયારામ કહે છેઃ

વૈષ્ણવ નથી થયો તું રે,
હરિજન નથી થયો તું રે શિદ ગુમાનમાં ઘૂમે?

અને આવા કાચા વૈષ્ણવને માટે કવિ કહે છે:
ઠાલાં થોથાં કૂટતાં ખૂટ્યું દીપક તેલ...
ફૂલ્યો શું ફરે છે રે! ભૂલ્યો ભવકૂપમાં પડ્યો.

તો પછી સાચો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? નરસિંહ મહેતાની ઢબે તેણે ‘તાદૃશીજન તો તેને કહીએ’ એવું એક પદ માંડી સાચા વૈષ્ણવનાં લક્ષણો ગણાવ્યાં છે. બીજા એક પદમાં તેણે ગાયું છે કે, ‘પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાયે? તારા દિલનું કપટ નવ જાયે.’ પણ સાચા ભક્ત તો પ્રભુની કૃપા હોય તો જ થવાય. સદ્ગુણોનો સરવાળો એટલે કંઈ ભક્ત ન થઈ જવાય. તે કહે છે:

જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે.

આ પ્રેમ–અંશ ન હોય તો પ્રભુની પુષ્ટિ મળે નહીં; વળી પાછો જ્ઞાનને ઉપહાસતો આ કવિ ભક્તિરસનો મહિમા આમ ગાય છેઃ

શું જાણે વ્યાકરણી, વસ્તુને શું જાણે વ્યાકરણી?

પોતાની અંદર ઘી ટકોટક ભર્યું હોય પણ બરણીને ઘીનો સ્વાદ આવતો નથી એવું વ્યાકરણીનું છે; રસ સુધી તે જઈ જ શકતો નથી. તો, પ્રભુના ભક્તનું તો એક જ કામ: કૃષ્ણચરણે સમર્પણ. બધી જ ચિંતા કૃષ્ણને સોંપી દેવી જોઈએ. તે કહે છેઃ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.

કર્તુમ્-અકર્તુમ્ અને અન્યથાકર્તુમ્-સમર્થ તો હરિ એકલા જ છે.

ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે.

અંતિમકાળનાં અંતિમ પ્રસ્થાનનો ઉલ્લેખ કરતાં પદોમાં દયારામ હજી અજોડ છે. કૃતકૃત્યતાપૂર્વક એ જીવનની વિદાય લે છે; મરણની વિભીષિકા તો હોય જ ક્યાંથી? ‘મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી...’ નિજ-દેશ-વતન-જવાની તાલાવેલી જ દેખાય છે. દયારામે મરણ વખતે રડતા શિષ્યોને કહ્યું પણ હતું, ‘મારા મરણનો શોક ન હોય. તમે મારો ઓચ્છવ કરજો.’ દયારામના સમકાલીન આધુનિક અનુજ નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ – એ છેલ્લું નિવેદન યાદ આવ્યા વિના રહેતું નથી. આવા નમ્ર ભક્ત અને અલબેલા કવિની આ અંતિમ પ્રાર્થના અલબેલા ભગવાને જરૂર સાંભળી હશે:

મારા અંત સમે અલબેલા! મુજને મૂકશો મા.

દયારામનો શૃંગાર

મુનશી દયારામને ભક્ત માનવા તૈયાર નથી. તે લખે છેઃ ‘જે જમાનામાં ભક્ત કહેવડાવ્યા વગર ઊર્મિઓ દર્શાવાતી નહીં એ જમાનામાં એને ભક્ત થવું પડ્યું. તેનાં કાવ્યો ભક્તિસાહિત્ય કહેવાય છે, પણ તે માનવપ્રેમના ભક્તિસાહિત્યનાં દૃષ્ટાંત છે.[25] દયારામ સામેનો આ આક્ષેપ તેમની ગરબીઓમાં ભોગપરાયણ શૃંગારને કારણે છે તે તો દેખીતું જ છે. દયારામનો શૃંગાર ભોગપરાયણ ઉપરાંત ખુલ્લો અને સ્થૂલ પણ છે. વધારામાં તેમના શૈશવમાં દેખાયેલી તેમની સ્ત્રીપ્રિયતા પણ કારણભૂત હશે; આપણે દયારામનો થોડોક બચાવ ઉપર કર્યો છે કે એક જ મનમાં રસિકતા ને વૈરાગ્ય સાથે સાથે રહી શકે છે; જવાનીમાં રસિકતા છલકી, તો વાર્ધક્યમાં વૈરાગ્ય; બન્નેમાંથી એકે કૃતક હોવાનો સંભવ નથી. નરસિંહ–મીરાં પણ પ્રેમલક્ષણા ભક્તિની ગોપીઓ છે. નરસિંહનો સ્વામી અને મીરાંનો ગિરધર હાથવગા ને પ્રાપ્ય પ્રીતમ નથી. એ જ પ્રમાણે ‘દયાનો પ્રીતમ’ પણ અપાર્થિવ શ્રીકૃષ્ણ જ છે. એ કોઈ ચાંણોદ-કરનાળીની સ્ત્રી હોવાનો સંભવ નથી. કૃષ્ણ એ રસોનો પણ રસ છે ને શૃંગાર પણ રસોનો રસ છે. પ્રેમલક્ષણાભક્તિ પણ પરાપૂર્વથી પ્રેમમૂલક છે. આથી શૃંગારભક્તિના કવિઓ ઉપર પાર્થિવ ગંધનો આક્ષેપ આવે તે બનવાજોગ છે. પણ દયારામનાં ઉપર જોયાં તે પદોમાં જે આ લપસણા પદાર્થ સામે જાગૃતિ છે તે જ તેની આ ટીકા સામેનો શ્રેષ્ઠ ઉત્તર બની રહે છે. દલપતરામના પુત્ર અને ચુસ્ત સ્વામિનારાયણ કવિ ન્હાનાલાલ પણ દયારામનો જો આ બાબતમાં બચાવ કરવા પ્રેરાયા હોય તો દયારામના શૃંગારની ઇન્દ્રિયગંધિતાનો આક્ષેપ સાવ લૂલો પડી જાય છે. ન્હાનાલાલ કહે છેઃ ‘રાધાકૃષ્ણનાં રસકીર્તન ગાવે જ વિષયલંપટતા હોય તો તો સ્વામિનારાયણ સંપ્રદાયના એ પરમ સાધુવરોયે અનાચારી ઠરે.’ ને ઉમેરે છેઃ ‘દયારામ એટલે ગુજરાતની ગોપી, જે કહેતી: ‘અલબેલો છોડીને નહિ થાઉં આરજા.’[26] એમ તો રવીન્દ્રનાથ જેવા આધુનિક વૈષ્ણવ કવિઓએ પણ ક્યાં કહ્યું નથી કે ‘I shall not be an ascetic in my life’. આ રસિકતા એ તો કામ–વર્જિતતાનું જ બીજું નામ છે. ભાગવતમાં, જયદેવમાં, નરસિંહમાં જેવી શૃંગારમૂલક રસિક ભક્તિ છે તેનો જ એક તીવ્ર અંશ દયારામમાં છે. દયારામનો તો કામવિરોધ પણ જાણીતો છે. તે કહે છે :

જેણે કામને મોહ પમાડ્યો રે તે પ્રભુ કામવશ ક્યમ થાયે?
કૃષ્ણ ક્રીડા રસ ગાતાં રે કામ રોગ ઉપરથી જાયે

અનંતરાય સાચું જ કહે છે કે, ‘દયારામ ગુજરાતનો જયદેવ બન્યો છે.’[27]

દયારામ અને અન્ય કવિઓ : થોડીક તુલના

દયારામ ઉપર નજર નાખી જતાં નીચે દર્શાવેલા કવિઓની યાદ આવ્યા વિના રહેતી નથીઃ

૧. દયારામ અને નરસિંહ મહેતા
૨. દયારામ અને અખો
૩. દયારામ અને પ્રેમાનંદ
૪. દયારામ અને નર્મદ
૫. દયારામ અને ન્હાનાલાલ

દયારામ લોકવાયકામાં નરસિંહ મહેતાનો અવતાર ગણાય છે, તે સાવ અમસ્તું નથી; બંને પ્રેમલક્ષણાભક્તિના ગોપી–કવિઓ, બન્નેમાં શૃંગાર અને વૈરાગ્યનાં પૂર; બંનેની કૃષ્ણની અનન્ય ભક્તિ–વગેરે સમાન લક્ષણો છે. કેશવ હ. ધ્રુવ તો કહે છે કે, દયારામે નરસિંહ મહેતાને નામે પદો પણ જોડ્યાં છેઃ નરસિંહે ‘વૈષ્ણવજન’ની વ્યાખ્યાનું પદ લખ્યું, તો દયારામે ‘તાદૃશીજન’નું પદ લખ્યું. દયારામ ઉપર કોઈ એક કવિની પ્રગાઢ અસર હોવાનો સંભવ છે તો તે નરસિંહ મહેતા જ છે. છતાં થોડોક ભેદ પણ છે: નરસિંહ કોઈપણ સંપ્રદાયનો અનુયાયી નથી : તેની ભક્તિ મૂળ ભાગવતપ્રેરિત છે. જ્યારે દયારામ વલ્લભમતનો ઝનૂની સાંપ્રદાયિક કવિ છે. નરસિંહમાં વેદાંતનું જ્ઞાન છે તે શાંકરમત જેવું છે; જોકે બંને તત્ત્વના ટૂંપણાના સોગિયા કવિઓ છે. નરસિંહની વાણી તેની ઉચ્ચતમ કક્ષાએ ઉપનિષદો જેવી પડછંદે છે; તે ભવ્ય છે – જ્યારે દયારામ છે લલિત; બંને છે પોતપોતાની રીતે ભક્તિની ટોચના કવિઓ. અખા સાથે તુલના કરતાં તો વૈષમ્ય વિશેષ છે. અખો ભવ્ય છે. દયારામ લલિત. અખાની વાણી ઉમાશંકર કહે છે તેમ ‘I sing not siren like to tempt, for I am harsh.’ દયારામની વાણી તો ‘બંસીબોલ’ છે. લયમાધુર્યમાં, શબ્દમાધુર્યમાં તેનો આખા ગુજરાતી સાહિત્યમાં જોટો નથી. અખાના શાંકરમતને તોડવા દયારામે ‘રસિકવલ્લભ’ની માંડણી કરી હોય તે બનવા જોગ છે. પણ અખો ઝનૂની રીતે સામ્પ્રદાયિક નથી. બુદ્ધિમત્તામાં તે દયારામથી ક્યાંય ઊંચા આસને છે, અખાની દલીલો આગળ ‘રસિકવલ્લભ’ની દલીલો ફીકી લાગે. અખો જ્યારે વૈષ્ણવનાં લક્ષણો ‘અખેગીતા’માં આપે છે તે વૈષ્ણવતા ક્યાંય સાંપ્રદાયિક લાગતી નથી, પણ ભાગવતકુળની સીધી નીપજ જેવી લાગે છે. કટાક્ષશક્તિ પણ દયારામમાં અખાને મુકાબલે ઓછી જ ગણવી પડે તેમ છે. એક છે જ્ઞાનનો ગરવો વડલો, તો બીજો છે જમુના કાંઠાનો હોય તેવો બંસીવડ, ગરવો તો નહીં પણ લાવણ્યમાં તો અજોડ; એક સમુદ્રની રસસમાધિ છે તો બીજો સરિતાનો કલરવ. પ્રેમાનંદ સાથે પણ સમાનતા ઓછી જ છેઃ એક આપણો સર્વોત્તમ પરલક્ષી આખ્યાન પ્રતિભા છે, બીજો છે નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ટોચની શક્તિ. ભાષાબળમાં એકબીજાને ગાંજ્યાં જાય એવા નથી; આપણો સૌથી શ્રેષ્ઠ ‘ગુજરાતી લાક્ષણિકતા’ ખીલવતો કવિ જો પ્રેમાનંદ છે તો ગુર્જરનારીની વિશિષ્ટ લાક્ષણિકતામાં દયારામની જ સરસાઈ છે. ‘ઓખાહરણ’માં બંને કલમોનું કામ જણાય છે ને બંનેની વિશિષ્ટતા પણ ત્યાં જ પકડાઈ આવે છે. રસજમાવટમાં પ્રેમાનંદના પેંગડામાં કોઈ પગ ઘાલી શકે તેમ નથી; તો ગીતશક્તિમાં દયારામ પણ અદ્વિતીય છે. અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ, મધ્યકાલીન અંતિમ એવા દયારામના સમકાલીન અનુજ જેવો છે. બંને નાગર, બંને રસિક ને છેલછબીલા. બંનેમાં જુવનાઈનો ઉદ્રેકઃ એના પરિણામે એકે અર્વાચીનતાને માથે લીધી તો બીજાએ મધ્યકાલીન ભક્તિને ચગાવી. બંનેમાં સ્ત્રીપ્રિયતા સમાન; એક ગુજરાતનું અજોડ ‘પ્રેમશૌર્ય’ છે, તો બીજો ‘પ્રેમભક્તિ’. નર્મદ પોતાની કવિતાના શ્રી ગણેશ એક મધ્યકાલીન ઢબનું પદ રચીને માંડે છે; પણ દયારામ પછી આવવા છતાં તે પદોમાંય અનઘડ છે; જ્યારે દયારામ એટલે તો તેના માધ્યમની સંપૂર્ણતા, અનવદ્યતા. આપણે દયારામ માટે ‘પ્રેમભક્તિ’ શબ્દ વાપર્યો છે; એ ખરું તો ન્હાનાલાલનું ઉપનામ છે. દયારામ સાથે ન્હાનાલાલની તુલના જરૂર કરવા જેવી છે. બંને ‘ગરબી’ પ્રકારના, રાસ પ્રકારના, ગુજરાતના શ્રેષ્ઠ કવિઓ છે. દયારામે ગાયો કૃષ્ણાસક્તિ ભાવ, તો ન્હાનાલાલે ગાયો સ્નેહલગ્નનો ભાવઃ પણ બંને ભાવ ‘પ્રેમ’ના જ છે. બંને ગુજરાતણોના હૈયાના રસરાજવી કવિઓ છે. ન્હાનાલાલની કલ્પનાશક્તિ મોટી ને ભવ્ય, તો દયારામ મધુરસુંદર છે. લયમાધુર્ય બંનેનું હિલ્લોળે ચઢાવે તેવું છતાં દયારામનો ગીતકસબ અપ્રમત્ત છે; જ્યારે ન્હાનાલાલનાં ગીતો મોટી ભાવનાનાં હશે ભલે, પણ કારીગરીમાં પ્રમાદવાળાં છે. ન્હાનાલાલ આવી ગયા પછીય હજી દયારામ અબોટ, અજોડ કવિ રહે છે, એક ગીતપ્રતિભા લેખે. આપણે એ પણ જોઈ શક્યા છીએ કે ન્હાનાલાલનો રાસયુગ ક્ષણું ટકી આથમીય ગયો; ને વળી પાછો દયારામની ગરબીનો યુગ ગુજરાતમાં સુરેશ હરીન્દ્રમાં બેઠો છે, એ દયારામનો જાદુઈ પ્રભાવ સૂચવે છે. ન્હાનાલાલનું અનુસંધાન હવે કોઈ કવિમાં જોવા મળતું નથી. દયારામના લય–લહેકા અને લચક એવાં અનવદ્ય છે કે તે સદાય અદ્યતન રહેવા સર્જાયાં હોય એમ લાગે છે. વળી રાધાકૃષ્ણની સાથે જોડાયેલા લયોનું કામણ ગુજરાતને કદી જૂનું કે વાસી થવાનું નથી; ન્હાનાલાલમાં દયારામના ‘બંસીબોલ’ની ઊણપ વર્તાય છે.

દયારામનું અવસાન : એક યુગાન્ત

આવા વિલક્ષણ ભક્તકવિ દયારામનું સને ૧૮૫૨માં અવસાન થાય છે ને એ જૂના યુગનું (જેના એ છેલ્લા પ્રતિનિધિ અને અવશેષ જેવા હતા) પણ અવસાન થાય છે, ને યુગપલટો થાય છે. વિજયરાય વૈદ્યની લોકોત્તર વાણીમાં આ બયાન સાંભળીએ: દયારામનો બંસીબોલ નીરવતાના ગહનમાં વિલય પામે છે અને તેની સાથે તેનું સહજીવી ગુજરાત પણ જાણે ચાલ્યું જાય છે. એ બંસીનો બંધ પડતો જતો સૂર ગુજરાતીઓને સુણાવતો ગયો કે તમારામાંથી હજી પનઘટ પર બેસી પનિહારીઓને સતાવનાર કોઈ નીકળશે પણ હવે તે મોટો થઈને એકલક્ષી ભગવદ્ભક્ત નહીં બની શકે; તમે સંસ્કૃત ભણીને ભાગવત વાંચશો પણ તેની દૈવી વાણીને જીવનમાં ચરિતાર્થ અમારા જેટલી નહીં કરી શકો; તમે અમારો સંતોષ સમજી નહીં શકો, અમારી સાત્ત્વિકતાને હસશો, અમારી ધાર્મિકતા ખોઈ બેસશો. એમ કર્યાંના બદલામાં તમને કંઈક મળશે; ઘણું મળશે; પણ તે કેવું હશે? રત્ન આપીને કોડી લીધા જેવું.’૨૭ હજી આગળ વિજયરાયને જ ટાંકીએ : જતા યુગે કરેલું આવતાનું એ દુઃખદાયક દર્શન... એ દયારામ વિદેહ થયા પછીનાં આ સોએક વર્ષમાં સાચું ઠર્યું છે. એમ થતું ઈશ્વરના ઘરનું નિર્માણ હતું, તેની અકળ રચનાના ગૂઢ સંકેતરૂપે જ યુગપલટો થયો.’[28] આ બાબતમાં મુનશીને પણ સંભારી પ્રકરણ સમાપ્ત કરીએ:

‘At the time when aged Dayaram was singing his garabis at Dabhoi, a new spirit was abroad and a new age had already been ushered in. Old Gujarat died with Dayaram, from its ashes, new Gujarat Phoenixlike was born with Narmadashankar.’[29]

અને છેવટે ન્હાનાલાલની આ અંજલિ સાથે આ રસકવિની વિદાય લઈએઃ

‘વંદના હો : અમારી –
ગુજરાતના નરનારની પરમ
વંદના હો પ્રાચીનતાના
મોતી વર્ષન્તા એ છેલ્લા
રસમેઘને.’[30]

સંદર્ભનોંધ:

  1. દયારામના જન્મસ્થળ અંગે પણ થોડોક મતભેદ છે. મુનશી, વિજયરાય, સુભાષ દવે વગેરે ચાંણોદને જન્મસ્થળ ગણાવે છે; જ્યારે અનંતરાય રાવળ કવિના મોસાળ ડભોઈમાં જન્મ થવાનો ઉલ્લેખ કરે છે. જુઓઃ અનંતરાય રાવળ, ‘ગુજરાતી સાહિત્ય’ (મધ્યકાલીન) બીજી આવૃત્તિ. ૧૯૬૩, પૃષ્ઠ-૨૩૧.
  2. કવિની જન્મસાલમાં પણ એકમત નથી. બીજા વિદ્વાનો જન્મસાલ ઈ.સ. ૧૭૭૭ જણાવે છે ત્યારે મુનશી ઈ.સ. ૧૭૬૭ જણાવે છે. જુઓ, મુનશી, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’, બીજી આવૃત્તિ, ૧૯૫૪, પૃ. ૨૬૮.*
    • મુનશીની આ સરતચૂક કે ભૂલ લાગે છે. – સં.
  3. દયારામના નામ અંગે પણ લોકવાયકા કહે છે કે તેનું મૂળ નામ તો દયાશંકર હતું પણ પાછળથી કવિએ પોતે કૃષ્ણપરાયણતામાં એ નામ બદલી ‘દયારામ’ એવું રાખ્યું; પરંતુ હરીન્દ્ર દવે જણાવે છે કે તેના પિતા અને દાદાનાં નામોને પણ ‘રામ’ લાગ્યું છે એ જોતાં, તથા જન્માક્ષરમાં પણ ‘દયારામ’ નામ મળી આવે છે એ જોતાં દયાશંકરમાંથી દયારામ થયા એ તર્ક ખોટો ઠરે. જુઓ હરીન્દ્ર દવે : પરિચય પુસ્તિકા ૨૦૫-‘દયારામ’, ૧૯૬૭. પૃ. ૬.
  4. વિજયરાય વૈદ્ય : ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, બીજી આવૃત્તિ–૧૯૪૯, પૃ. ૧૦૧.
  5. * સુભાષ દવે મુજબ અવસાનવર્ષ ઈ. ૧૮૫૩, સં. ૧૯૦૯, મહાવદ-૫, સોમવાર. જુઓ : ગુજરાતી સાહિત્યકોશ : ૧– સં.
  6. સુભાષ દવેઃ ‘દયારામ : એક અધ્યયન’, પ્રથમ આવૃત્તિ–૧૯૭૦, પૃ. ૫૩.
  7. એ જ. પૃ. ૫૪.
  8. મુનશી : ગુજ. લિટ્.., પૃ. ૨૭૧.
  9. વિજયરાય વૈદ્ય : ગુ. સા. રૂપરેખા, પૃ. ૧૦૬.
  10. મુનશી: ‘ગુજ. લિટ્., પૃ. ૨૭૧. The style is elegant, rich with the influence of Sanskrit and Vraj, and full of conventional imagery.
  11. એ જ, પૃ. ૨૭૧.
  12. અનંતરાય રાવળ : ‘ગુ. સા.’ (મધ્ય), પૃ. ૨૩૫.
  13. વિજયરાય વૈદ્ય : ગુ. સા. રૂપરેખા,’ પૃ. ૧૦૮.
  14. ન્હાનાલાલ : ‘આપણાં સાક્ષરરત્નો’, ભા. ૨.’ પ્રથમ આવૃત્તિ–૧૯૩૫, પૃ. ૯૯-૧૦૦.
  15. અનંતરાય રાવળ : ‘ગુ. સા.’ (મધ્ય), પૃ. ૨૪૧.
  16. એ જ, પૃ. ૨૪૧-૨૪૨.
  17. ગોવર્ધનરામ : ‘ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત’, પૃ. ૬૭-૬૮.
  18. ન્હાનાલાલ : ‘આપણાં સાક્ષરરત્નો’, ભા. ૨.
  19. મુનશી : ‘ગુજ. લિટ્.’, પૃ. ૨૭૨.
  20. મુનશી : ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’, પૃ. ૩૮૯.
  21. હરીન્દ્ર દવે : ‘દયારામ’, પૃ. ૩૨.
  22. મુનશી : ‘ગુજ. લિટ.’, પૃ. ૨૭૧.
  23. ર. વ. દેસાઈ : ‘જીવન અને સાહિત્ય’, ભા. ૧, પૃ. ૧૯૧-૧૯૨.
  24. હરીન્દ્ર દવે : ‘દયારામ’, પૃ. ૧૨.
  25. મુનશી : ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’, પૃ. ૩૮૯.
  26. ન્હાનાલાલ : ‘આપણાં સાક્ષરરત્નો’, ભા. ૨, પૃ. ૧૦૨.
  27. અનંતરાય રાવળ : ‘ગુ. સા.’ (મધ્ય), પૃ. ૨૪૫.
  28. વિજયરાય વૈદ્ય : ‘ગુ. સા. રૂપરેખા’, પૃ. ૧૧૫-૬.
  29. મુનશી : ‘ગુજ. લિટ્.’, પૃ. ૨૭૫.
  30. ન્હાનાલાલ : ‘આપણાં સાક્ષરરત્નો’, ભા. ૨, પૃ. ૧૨૬.