ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંતકવિતા ધારા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૨. સંતકવિતા-ધારા

નિરંજન રાજ્યગુરુ

ભક્તિપ્રધાન સંતસાહિત્ય

સગુણભક્તિ અને નિર્ગુણ-નિરાકારની ઉપાસનાનો સમન્વય એ ગુજરાતી સંત સાહિત્યની સંતકવિતાધારાની પ્રધાન લાક્ષણિકતા છે. ભારતીય સંતસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો કબીરને આદિ સંત તરીકે ઓળખાવીને હિન્દી ભાષામાં થયેલાં સંશોધનો પ્રમાણે કબીર સાહેબ (અવ. ઈ. ૧૪૯૭), કમાલ (ઈ. ૧૪૪૮ આસપાસ), ધરમદાસ (ઈ. ૧૪૫૦ આસપાસ), સિંગાજી (ઈ. ૧૫૧૯-૧૫૫૯), દાદુ (ઈ. ૧૫૪૪-૧૬૦૩), બખના (ઈ. ૧૫૫૩-૧૬૪૩), રજ્જબ (ઈ. ૧૫૬૭-૧૬૮૩), મલૂકદાસ (ઈ. ૧૫૭૪-૧૬૮૨), સુંદરદાસ (ઈ. ૧૫૯૬-૧૬૮૯), પ્રાણનાથ સ્વામી (ઈ. ૧૬૧૮-૧૬૯૪), ધરનીદાસ (ઈ. ૧૬૫૩), યારીસાહેબ (ઈ. ૧૬૬૮-૧૭૧૩), કેશવદાસ (ઈ. ૧૬૯૩-૧૭૬૮), બુલ્લાસાહેબ (ઈ. ૧૬૩૨-૧૭૧૩), દરિયાસાહેબ (બિહારના-ઈ. ૧૬૭૪-૧૭૮૦), દરિયાસાહેબ (મારવાડના ઈ. ૧૬૭૬-૧૭૫૮), જગજીવનસાહેબ (ઈ. ૧૬૮૨-૧૭૬૧), દૂલનદાસ (ઈ. ૧૬૬૦–૧૭૭૮), ચરણદાસ (ઈ. ૧૭૦૩-૧૭૮૨), સહજોબાઈ (ઈ. ૧૬૮૩-૧૭૯૩), દયાબાઈ (ઈ. ૧૬૯૨-૧૭૯૩), ગુલાલસાહેબ (ઈ. ૧૬૯૩-૧૭૯૩), ગરીબદાસ (ઈ. ૧૭૧૭-૧૭૭૮), પલટુસાહેબ (ઈ. ૧૭૯૩ આસપાસ), ભીખાસાહેબ (ઈ. ૧૭૯૧) અને તુલસીસાહેબ (ઈ. ૧૭૯૩-૧૮૪૩) વગેરે સંતો આ પરંપરાના વિશિષ્ટ સંતકવિઓ છે. જેમાંના કેટલાયના નામ ઉપર પંથોની સ્થાપના થઈ છે અને પોતપોતાની આગવી સાધનાપરંપરા શરૂ થઈને આજ સુધી જીવંત રહી છે. ગુજરાતી સંતસાહિત્ય ઉપર્યુક્ત ભારતીય સંતો તથા જયદેવ, સૂરદાસ, તુલસીદાસ, નામદેવ, તુકારામ, જ્ઞાનદેવ વગેરે નાભાદાસની ભક્તમાળમાં વર્ણવાયેલા સંત-ભક્તોની ભક્તિ-સાધનાની અસર નીચે ઘડાતું રહેલું.

ધર્મસાધનાનું ભાતીગળરૂપ

મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવેલી ને અધ્યાત્મ-સાધના સાથે જોડાયેલી સંતકવિતા-ભજનવાણીનું ઘડતર અનેક પ્રકારના– ક્યારેક એકબીજાથી તદ્દન જુદી જ વિચારધારા અને સાધનાપરંપરા ધરાવતા ધર્મ-પંથ-સંપ્રદાયોના સંતો-ભક્તો-કવિઓ દ્વારા થતું રહ્યું છે. વૈષ્ણવ, શૈવ, શાક્ત, સંતમત, ઈસ્લામ (પીરાણા-સૂફી) વગેરે પાંચ મુખ્ય શાખાઓમાંથી અગણિત ધર્મપંથો-સંપ્રદાયોનો ઉદ્ભવ અને વિકાસ થતો રહ્યો છે. એકના એક ધર્મ કે સંપ્રદાયમાંથી સમયભેદે, સ્થળભેદે અને જાતિભેદે અનેકવિધ ફાંટાઓ ઉદ્ભવે અને એક વિશાળ વડની જેમ એમાંથી અનેકાનેક શાળાઓ ફૂટતી રહે. ક્યારેક તો એના મૂળ સુધી કે પ્રથમના થડ સુધી પ્રત્યક્ષ અનુસંધાન પણ ન રહ્યું હોય એટલી હદે પરિવર્તન જોવા મળે છે. અઘોરી, આર્યસમાજી, ઉગાપંથી, ઉજાગરી, ઓલિયા, કબીરપંથી (રામકબીર અને સતીકબીરની અનેક શાખાઓ), કાપડી, કાપાલિક, કેવળ, ખાખી, ગેબીપંથી, ગોદડિયા, જતિ, જંગમ, જોગી, ટાટંબરી, ટેલવા, તાપડિયા, દશનામી (-ગિરિ, -સાગર, -વન, -અરણ્ય, -પૂરી, -પર્વત, -ભારતી, -સરસ્વતી, તીર્થ કે આશ્રમ ઉપસર્ગ જેમના નામ પાછળ લાગતો હોય તેવા શંકરાચાર્યના અનુયાયી, શૈવ સંપ્રદાયના), દરિયાપંથી, દંડી, દિગમ્બરી, દાદુપંથી, દાસાપંથી, દૂધાધારી, નાથપંથી, નાગા, નિર્વાણ, નિરાલંબી, નિર્મોહી, નિમાધારી, પીરાણા, પંચરાત્ર શૈવ, પાશુપત, પ્રણામી, પુષ્ટિમાર્ગી, ફક્કડ, ફકીર, બ્રહ્મચારી, ભૈરવ, ભભૂતિયા, ભરથરી, મહાપંથી (બીજમાર્ગી, દશા, વીસા, કાંચળિયા, કૂંડાપંથી, નિજારીલ નિજિયાપંથી, મારગી, વામમાર્ગી, રામદેવપીરના પંથી) મુંડિયા, મેકાપંથી, રવિભાણપંથી, રાધાસ્વામી, રામાનંદી (જેની બાવન જેટલી શાખાઓ-મઢીઓ જે બાવન દુવારા તરીકે ઓળખાય છે તે માંહેના રામાવત, નિમાવત, કૂબાવત વગેરે....) રામસંનેહી, રૂખાડિયા, લિંગાયત, લીરબાઈપંથી, વૈરાગી, વાડીના સાધુ, વડવાળાના અનુયાયી, સૂફી, સંન્યાસી, સરભંગી અને સાંઈ જેવી અનેકાનેક પરંપરાઓની ભક્તિ, જ્ઞાન-વેદાન્ત, યોગ, સહજસાધના અને તાંત્રિક ગૂઢ-ગુપ્ત સાધનાવિધાનોની અસર નીચે આપણું સંતસાહિત્ય ઉદ્ભવતું-વિકસતું રહ્યું છે. એમાં પણ કેટલાક ભક્ત/સંતકવિઓ પોતાના સંપ્રદાયના જ ચુસ્ત કંઠીબંધ અનુયાયી હોય તો કેટલાક અનેક જાતની ધર્મ-પંથ સંપ્રદાયની સાધનાનો પોતાના જીવન/કવનમાં સમન્વય કરનારા હોય. કેટલાક સ્વયં અનુભવસિદ્ધ હોય તો કેટલાક માત્ર પોતાની ગુરુપરંપરાની વાણીનું કેવળ અનુકરણ કે અનુસરણ કરનારા પરંપરાના વાહકો જ હોય. ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક એમ ચાર વિભિન્ન પ્રવાહોમાં આ કવિઓ દ્વારા સર્જન થતું રહ્યું છે. શાસ્ત્ર-પુરાણોની કથાઓ કે વેદાન્ત તત્ત્વચિંતન ધાર્મિક અને આધ્યાત્મિક ધારાની કવિતામાં દેખાય તો પોતાના સંપ્રદાયની વિચારધારા-આચાર અને સાધના પ્રણાલીના પ્રચાર-પ્રસાર માટે પોતાના પંથ-સંપ્રદાયના ઇતિહાસ કે પુરોગામી ગુરુપરંપરાનો પરિચય આપતી ‘પરચરી’ પ્રકારની રચનાઓ સાંપ્રદાયિક સંતસાહિત્યમાં આવે, સૌથી વિશેષ પ્રમાણમાં પોતાની રહસ્યવાદી સાધનાકીય અનુભૂતિઓનું બયાન કરતી સાધનાત્મક સંતવાણી સાંભળવા મળે. પદ કે ભજન પ્રકારની ટૂંકી ઊર્મિકાવ્ય સ્વરૂપની રચનાઓ, અંગ, કક્કો, બારમાસી, વાર, તિથિ, મહિના જેવી દશથી પચીસ-પચાસ કડી સુધી વિસ્તરતી દીર્ઘ રચનાઓ, ‘ગુરુમહિમા’, ‘ચિંતામણી’, ‘ગીતા’ના નામથી ઓળખાતી સાખી-દોહરા-છપ્પા-ચોપાઈ-કડવાબંધની આખ્યાન જેવી લાંબી રચનાઓ, ગુરુવંશાવળી કે ગુરુપરંપરા દર્શાવતી સાંપ્રદાયિક રચનાઓ, ગોષ્ઠિ, સંવાદ, પ્રશ્નોતરીરૂપે જ્ઞાન, વેદાન્ત, અધ્યાત્મ-સાધનાના સિદ્ધાંતોના સવાલ-જવાબરૂપે માર્ગદર્શન આપતી રચનાઓ, અને અન્યભાષી-ભારતના અન્ય પ્રાંતના સંતકવિઓએ પોતપોતાની ભાષામાં રચેલી સંતવાણીના અનુસરણ કે અનુવાદ રૂપે રૂપાંતરિત થયેલી ગુજરાતી રચનાઓમાં સગુણ-સાકાર કે નિર્ગુણ-નિરાકારની સ્તુતિ-પ્રાર્થના, ગુરુમહિમા, યોગમાર્ગની જુદીજુદી સાધનાઓ અંગે માર્ગદર્શન, વૈરાગ્યનો ઉપદેશ, પોતાના મનની મૂંઝવણ અને ગૂઢ રહસ્યવાદી અવળવાણી જેવું પ્રકાર અને વિષયવસ્તુનું વૈવિધ્ય મધ્યકાલીન ગુજરાતી સંતકવિતામાં આપણને જોવા મળે છે.

વિવિધ પંથો-સંપ્રદાયો

મધ્યયુગમાં ગુજરાતમાં અનેક પંથો-સંપ્રદાયોનો ઉદ્ભવ થયો, કેટલાક પંથ-સંપ્રદાયો ભારતના અન્ય પ્રાંતોમાંથી પણ ગુજરાતમાં આવ્યા અને વિકસ્યા. એના પણ અનેક ફાંટા-પ્રવાહો વહેતા રહ્યા. સાહિત્યિક, સાંસ્કૃતિક કે વિચારસરણીની દૃષ્ટિએ સાધનાત્મક પ્રવાહો મુજબ જેમનું પ્રદાન અતિ અગત્યનું છે તેવા પંથ-સંપ્રદાયોમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ, બૌદ્ધ, જૈન, સૂફી, નાથપંથ, કબીરપંથ અને પીરાણાપંથની સાથોસાથ દરેક પંથ-સંપ્રદાયની ગૂઢ ગુપ્ત અને રહસ્યમય તાંત્રિક જીવનસાધનાની અતિ લાંબી પરંપરાઓએ ગુજરાતના સંતસાહિત્યને પુષ્ટ કરવામાં પોતપોતાની રીતે અગત્યનો ફાળો આપ્યો છે. ગુજરાતના સંત કવિઓની ભજનવાણી-સંતકવિતાની પરિભાષાના અભ્યાસથી એ સ્પષ્ટ થાય છે કે એમાં તંત્ર અને યોગસાધનાના પારિભાષિક શબ્દો ખૂબ વપરાયા છે. શાસ્ત્રો-પુરાણોના અધ્યાત્મદર્શન કે તત્ત્વચિંતનની અપેક્ષાએ આ લોકસંતો વિવિધ ભારતીય લૌકિક સાધના પરંપરાઓથી ખૂબ જ પરિચિત હતા. જેનો સીધો સંબંધ કાયાશોધન કે પિંડશોધનની પ્રક્રિયા સાથે હોય અને જેમાં આત્મસાક્ષાત્કારની ભૂમિકા સુધી પહોંચાડવાનો ક્રિયાયોગ સધાતો હોય એવી સહજસાધના આ સંતો-ભજનિકોએ અપનાવેલી, એટલે કોઈ ચોક્કસ પંથ-સંપ્રદાયમાં દીક્ષિત થયા હોવા છતાં તેમની જીવનસાધના કોઈ ચોક્કસ વિધિવિધાન-ક્રિયાકાંડ કે વિધિ-નિષેધના ચોકઠામાં બંધાયા વિના અધ્યાત્મના તમામ પ્રદેશોમાં વિહરતી રહી છે. એકનો એક કવિ નિર્ગુણ-નિરાકારમાં પણ માને અને સગુણ-આકારમાં પણ માને. નાથપંથી હઠયોગના આસન-મુદ્રા-બંધ જાણતો હોય ને કબીરના શબ્દ-સુરત-યોગને પણ અનુસરતી હોય.

વાણીનો આવિષ્કાર : એમાં રૂપ અને રીતિ

ભજનિક સંતો દ્વારા રચાયેલી ભજનવાણી કે સંતવાણીના સર્જન પાછળ વ્યક્તિગત ઊર્મિઓને વાચા આપી પરમાત્માની ઉપાસના; માનવકલ્યાણની ભાવના અર્થે ઉપદેશ; પોતાની કોઈ વિચારધારા-માન્યતા કે સિદ્ધાંતનું પ્રચલન; પોતાના પંથ-સંપ્રદાય કે ગુરુની વિશિષ્ટતાઓના ગુણગાન; પોતાના ગૂઢ ગહન યૌગિક અનુભવો-પારલૌકિક અનુભવો લોકસમુદાય સમક્ષ મૂકી અધ્યાત્મપંથના સાધકોને માર્ગદર્શન; પોતાની પરમતત્ત્વ-પરમચેતના પ્રત્યેની ભક્તિભાવના તથા એ અંતિમ મહાસત્ય સાથેનો પોતાનો દિવ્ય સંબંધ પોતાના શિષ્યો-અનુયાયીઓ સમક્ષ રજૂ કરવાની ભાવના; પોતાના મનની મૂંઝવણનો ઉકેલ શોધવાની મથામણ; આત્મલક્ષી–માત્ર પોતાના ચિત્તને જ, પોતાની જાતને જ – ઉપદેશ; પરંપરાથી ચાલી આવતી દાર્શનિક વિચારધારાને આગળ ધપાવવાની મહેચ્છા; પોતાનાં વ્યાવહારિક કાર્યો ઉકેલી આપવા પરમાત્માને અરજ અને પોતાની વિટંબણાઓથી, સાંસારિક કસોટીઓથી ત્રાસીને એમાંથી બહાર લાવવા ઈશ્વરને ઠપકો જેવાં તત્ત્વો કારણભૂત છે. વેદકાલીન સમયથી ચાલી આવતી આત્મસાધના અને તત્ત્વવિચાર-ચિંતન પરંપરાઓને સહજ-સરળ લોકબોલીમાં-લોકઢાળોમાં મૂકી આપીને મધ્યકાલીન ધર્મસાધનાના પ્રવાહને જીવંત રાખવાનું કાર્ય આપણા ભજનિક સંતકવિઓએ કર્યું છે. એની વાણીમાં ધાર્મિક-આધ્યાત્મિક માર્ગદર્શન હોય, પુરોગામી સંતો-ભક્તોનો મહિમા ગવાયો હોય, શબ્દ દ્વારા સૂરતાની-સ્થિરતા-તલ્લીનતા કેમ પ્રાપ્ત કરવી તેનું નિદર્શન હોય અને સાત્ત્વિક આનંદ પ્રાપ્ત કરવા માટેનાં વિધિવિધાનોની જાણકારી પણ હોય. આ સંતવાણી કે સંતકવિતા જનસમુદાયમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, સેવા, સમર્પણ અને સાધનાની ઇચ્છાવાળા સંસારીઓ કે સાધુઓની મંડળીઓ દ્વારા, અધિકારીજનો દ્વારા ચોક્કસ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગ રૂપે આ વાણીનું ગાન અનિવાર્ય મનાયું છે અને તે કારણે મુખોપમુખ આ સાહિત્ય જીવંત સરવાણીરૂપે વહેતું આવ્યું છે. મંદિરો, મઠો, સંતસ્થાનો અને ભજનિકો ત્યાં ક્યાંકક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્ય બહુધા ગૂઢ-રહસ્યાત્મક-સાધનાત્મક પરિભાષા અને ઉક્તિઓ ધરાવે છે. એની ચોક્કસ પારિભાષિક શબ્દાવલીના કોશગત, લોકપ્રચલિત અને સાધનાપરંપરાગત અર્થો જાણ્યા સિવાય એના મર્મને પૂરેપૂરો પામી શકાતો નથી. સંતકવિતાના સર્જકો નિશ્ચિત છે. દરેક કૃતિને અંતે એ રચનાના સર્જક તથા એમના ગુરુનું નામ દર્શાવતું રચનાવર્ષ, તિથિ-વાર-મહિનો, રચનાસ્થળ વગેરે વિગતો પણ સંત કવિ દ્વારા મૂકવામાં આવી હોય છે.

મહાપંથ-બીજમાર્ગ-નિજારી સંપ્રદાયના જ્યોત ઉપાસક સંતકવિઓ

ખૂબ જ પ્રાચીન સમયથી અત્યંત વ્યાપક રીતે અને છતાં ગુપ્તપણે જળવાઈ આવેલો આ ગૂઢ સાધનામાર્ગ કંઠોપકંઠ રીતે ભજનવાણી, ગુપ્ત વિધિવિધાનો અને તેના ગુપ્ત લૌકિક મંત્રો દ્વારા આજસુધી જીવંત રહ્યો છે. મહાપંથનો મુખ્ય સિદ્ધાંત છે માનવમાત્રની સમાનતા. તમામ જીવો રજ અને બીજથી ઉત્પન્ન થાય છે, સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય પણ રજ અને બીજમાં જ સમાયેલું છે, આ રજ-બીજની સાચી ઓળખાણ થઈ જાય પછી કશું જ જપ-તપ-તીરથ-ધ્યાન ન કરવું પડે, પણ એ માટે સ્ત્રી કે પુરુષ, ઊંચા કે નીચા, નાના કે મોટા, સ્વામી કે સેવક એવા ભેદ ભાંગી જવા જોઈએ. અને એટલે જ નારીની મહત્તા સ્વીકારીને એને ગુરુસ્થાને સ્થાપીને મહાપંથમાં દીક્ષિત થઈ શકાય છે. સતી-સાધિકા નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ ‘જતિ’ બનીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવા આ પ્રાચીન ગુપ્ત લોકધર્મમાં તોરલ, રૂપાંદે, લોયણ, દેવળદે, દાડલદે, લીરલબાઈ, અમરબાઈ, લીરબાઈ, હુરલબાઈ, ગંગાબાઈ વગેરે (‘સતી’ પૂર્વપદધારી) સંત કવયિત્રીઓ દ્વારા રચાયેલી ભજનવાણીની સાથોસાથ જેસલ, રાજસ્થાનના રાવ મલ્લિનાથ, માલદે, ખીમરો કોટવાળ, દેવાયત પંડિત, અખૈયો, અમરસંગ, કડવોભગત, કાળુભગત, દેવીદાસ, મેઘ કચરો, મેઘ જીવો, મેઘ ધારવો, રૂખી રામદાસ, લખમો માળી, શીલદાસ, સરવણ કાપડી જેવા ભજનિક સંતોની ભજનવાણી ગામડાંની ભજનમંડળીઓમાં અને બીજમારગી ગુપ્ત પાટઉપાસના કે રામદેવપીરના મંડપ-પાટ-સમૈયામાં, ઠાકરથાળીમાં ગવાતી રહી છે.

સ્ત્રી કવિઓ : તોરલ

ગુજરાતના સંતસાહિત્યમાં કેટલીક સંતકવયિત્રીઓનું ભજનસર્જનક્ષેત્રે આગવું પ્રદાન છે. એમાં તોરલને આદ્ય ગણાવી શકાય. તોરલનો સમય ઈ. ૧૪૦૦ની આજુબાજુનો મનાયો છે ને કચ્છના ઇતિહાસ મુજબ જેસલનો સમય ઈ. ૧૪૦૪ આસપાસનો ગણાવાય છે. પણ એને બહુ વિશ્વસનીય આધારો નથી. રાજસ્થાનમાં ઈ. ૧૩૨૮માં જન્મેલા રાવળ મલ્લિનાથ/રાવ માલદે અને સતી રૂપાંદેનાં સમકાલીન એવાં જેસલ-તોરલ એક જ પંથ-સંપ્રદાયનાં સાધક પ્રવાસી છે, રાવ મલ્લિનાથે ઈ. ૧૪૦૦માં જીવતાં સમાધિ લીધી એ પહેલાં રૂપાંદે-માલદે અને જેસલ-તોરલનું મિલન કચ્છમાં થયું ગણાય છે અને તુરત જ કચ્છ-અંજારમાં જેસલ-તોરલે સમાધિ લીધી છે. પણ એક બીજા મત મુજબ જેસલ ૧૬મી સદી પૂર્વે થયા હોવાનો સંભવ નથી. જેસલ-તોરલ બંનેનાં પદો ખૂબ લોકપ્રિય છે પણ સમય અને કર્તૃત્વના પ્રશ્નો એ બંને સાથે જોડાયેલા છે. તોરલના નામાચરણ સાથે આજે મળતી તમામ ભજનરચનાઓ તોરલનું જ સર્જન હશે એવું સ્પષ્ટ કહી શકાતું નથી, કારણ કે આ વાણી કંઠોપકંઠ રીતે ભજનમંડળીઓમાં ગવાતી-જળવાતી આવી છે. તેના પાઠ નિશ્ચિત નથી, અનેક પાઠાંતરો-રૂપાંતરો મળે છે, છતાં મહાપંથી વિચારધારા મુજબનાં – ચાર જુગના ચાર પાટ, એના ભક્તો, જ્યોત પાટની ગુપ્ત ઉપાસના, વૈરાગ્ય અને સાધનાનો ઉપદેશ, ગુરુની અનિવાર્યતા અને સદ્ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ તથા સમર્પણ જેવાં તત્ત્વો તોરલને નામે મળતી ભજનરચનાઓમાંથી પ્રાપ્ત થાય છે. ‘હે વીરા! નર સચિયારા તમે સાચું વોરો રે....., ‘જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર.....’, ‘તોળી કયે પરીક્ષા કરોને નર પૂરા...’ ‘એજી તમે વિસવાસી નરને કાં રે વેડો માણારાજ રે....’ જેવાં અનેક ભજનો લોકકંઠે સચવાયાં છે.

સતી લોયણ (સંભવતઃ અઢારમી સદી)

મહાપંથી સંતકવયિત્રીઓમાં ભજનરચયિતા તરીકે લોયણનું નામ પણ ખૂબ જ આદરથી લેવાય છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામે લુહાર જ્ઞાતિમાં જન્મેલાં સતી લોયણે લાખાને ઉદ્દેશીને ઊંચી કોટિનું તત્ત્વજ્ઞાન અને સાધનાનું માર્ગદર્શન આપતાં ચોરાશી જેટલાં ભજનોનું સર્જન કર્યું હોવાનું મનાય છે. જેમાં નિજિયાપંથની ઓળાવ, ગુરુ અને ગુરુગમ, શિષ્યની લાયકાત, રહેણી અને કરણી, યોગની ક્રિયાઓ, બ્રહ્મનું રહસ્ય, માયા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પરમતત્ત્વની પ્રાપ્તિનો આનંદ જેવા વિષયો ઉપર ક્રમશઃ સાધનાનું માર્ગદર્શન અપાયું છે. ‘હે જી રે લાખા! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો હો.....જી....., તમે મન રે પવનને બાંધો રે હાં....’, ‘જી રે લાખા! પ્રથમ સદ્ગુરુના પાય પૂજીને જી, તમે મનવાંછિત ફળ માગો રે હાં.....’ ‘જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા છે મોટો રે જી.....’ જેવાં ભજનોમાંથી ભક્તિનો માર્ગ, સદ્ગુરુની સાન, જ્ઞાન, ભક્તિ અને યોગમાં શિષ્યની પાત્રતા, અને પિંડશોધનની પ્રક્રિયાનો માર્ગ દર્શાવ્યો છે. લોયણના ગુરુ તરીકે ભજનોના નામાચરણમાં શેલણશી/શેલર્ષિ/શેલાણી જેવાં નામો મળે છે. લોયણના સમયગાળા વિશે કોઈ ચોક્કસ પ્રમાણો મળતાં નથી, લોકકંઠે સચવાયેલી અનેક દંતકથાઓમાં એમના જીવનપ્રસંગો ચમત્કારમૂલક ઘટનાઓ સાથે વર્ણવાય છે. લોયણનાં નામે મળતી ભજનરચનાઓમાં કેટલીક તો કથાકાર કે આખ્યાનકાર-પુરાણી પંડિત કવિ દ્વારા રચાઈ હોય એવો શાસ્ત્ર-પુરાણોની વેદાન્તી પરિભાષાનો વિનિયોગ એમાં થયો છે. ઉપનિષદ, ગીતા, ભાગવત, સાંખ્યદર્શન, અષ્ટાંગ યોગ વગેરે વિશેના પ્રશ્ન અને જવાબ એ રીતે સંવાદપદ્ધતિમાં પણ કેટલાંક ભજનો રચાયાં છે.

સતી લીરલબાઈ અને લીરબાઈ

ગુજરાતી ભજનસાહિત્યમાં લોકભજનિકોની કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં સંત કવયિત્રીઓનાં ભજનોમાં લીરલબાઈ, નીરલબાઈ, લીરબાઈ, લીળલબાઈ, લીલમબાઈ વગેરે એકથી વધુ સમાન નામો ધરાવતાં નામાચરણોવાળાં ભજનો ગવાય છે, એમાં ખાસ કરીને ત્રણ સંતકવયિત્રીઓની વાણી એકબીજીમાં ભળી ગઈ છે. ત્રણે ભજનિક સ્ત્રી સંતો મહાપંથની સાધનાધારા સાથે સંકળાયેલાં છે એટલે લોકકંઠે એમનાં સચવાયેલાં ભજનોમાં પાર વિનાના ફેરફારો કે ભેળસેળ થયાં છે. સમયની દૃષ્ટિએ પ્રથમ આવે જૂનાગઢ પાસેના મજેવડી ગામે જેમની સમાધિ છે તે દેવતણખી લુહારનાં દીકરી, મારવાડી સંત ભારી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિનાં શિષ્યા (લોયણનાં ગુરુનું નામ પણ શેલર્ષિ મળે છે) અને દેવાયત પંડિત સાથે સંકળાયેલાં નીરલબાઈ કે લીરલબાઈ તથા એમના જ સમકાલીન મનાતા ઈંદોર/ચિત્તોડગઢ/મેવાડ/આબુગઢના રાણા કુંભાનાં પત્ની અને બુંદી કોટના રાજા જૅમલ રાઠોડની દીકરી જે સંત વાસુકી લોબડિયાનાં શિષ્ય હતાં અને જેમની રચનાઓ ‘સૂરજારાણીનાં/લીલમબાઈનાં સપનાં’ તરીકે જાણીતી છે તે ભક્તનારી. પંદરમી સદી ઉત્તરાર્ધથી સોળમી સદી પૂર્વાર્ધમાં તેઓ હયાત હતાં એમ મનાય છે. અલબત્ત એ મતને કોઈ નક્કર આધાર મળતો નથી. ત્રીજાં સંતકવયિત્રી પોરબંદર પાસેના મોઢવાડા ગામે મેર જ્ઞાતિમાં જન્મેલાં લીરબાઈ પરબના સંત દેવીદાસજી (ઈ. ૧૭૨૫ થી ૧૮૦૦)ની શિષ્યપરંપરામાં જીવણદાસજીનાં શિષ્યા હતાં. અને ઈ. ૧૮૭૬માં રાણા કંડોરણા ગામે એમણે જીવતાં સમાધિ લીધેલી. ભાટી ઉગમશીનાં શિષ્યા લીરલબાઈના નામે કંઠસ્થ પરંપરામાં ‘એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ચૂંદલડી....’, ‘કાચી રામ કોણે ઘડી તારી કાયા...., ‘જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે....’ જેવી ભજનરચનાઓ મળે છે. ગુરુ ઉગમશીનાં શિષ્યા તરીકેનાં નામાચરણો ધરાવતી કથાત્મક અંશો ધરાવતી ભજનવાણી રાણા કુંભાનાં રાણી લીરાયબાઈ કે લીલમબાઈને નામે પણ મળે છે. ‘કુંભારાણા હાં....સતના વિસવાસે સદા ઋષિ મુનિ સીધ્યારે.....!’ ભજનમાં સૃષ્ટિની ઉત્પત્તિની સાથોસાથ મેઘવાળ જ્ઞાતિના સંતોનું માહાત્મ્ય ગવાયું છે. ખીમરો કોટવાળ, રોહિદાસ ચમાર, મેઘ માયો, મામૈદેવ, ડાલીબાઈ, મેઘ ધારવો વગેરે સંતો સાથે જોડાયેલા પરચાઓની દંતકથાઓ આ ભજન આપે છે. ‘કુંભારાણા મેલો દલડાની ભ્રાંત રે હાં, એવા મેવાડે મયલપાટ માંડીઓ....’, ‘જનમનો સંગાથી કુંભારાણા કોઈ નથી.....’, ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભ.....’ જેવી કથાત્મક રચનાઓ અને ‘સૂરજારાણીનાં સપનાં’ નામે ઓળખાતાં એક જ ભજનના પાંચ ખંડમાં બીજમાર્ગી પાટ ઉપાસકોમાં પ્રચલિત નકળંગ અવતારના પ્રાગટ્યની માન્યતા મુજબની ભવિષ્યવાણી છે. લીરબાઈને નામે ‘ગુરુ મારા સતની વેલડિયે, એવાં રૂડાં દત્તફળ લાગ્યાં રે હાં....’, ‘રમતો જોગી રે, કયાંથી આવ્યો રે, આવી મારી નગરીમાં અલેખ જગાયો રે વેરાગણ હું તો બની....’, ‘હાં હાં રે ગુરુજી આજ મારે આંગણે મોટા મુનિવર મળ્યા રે હાં....’, ‘હીરલા દેખીને તમે વણજું કરી લેજો વીરા... મારા શબદુંના સોદાગર....’ અને ‘અધૂરિયાંસે નો હોય દલડાંની વાતું મારી બાયું રે, નર પૂરા રે મળે તો રાતું રેડીએ રે જી.....’ જેવાં ભજનોમાં પરંપરિત મહાપંથી જ્યોતઉપાસક પાટધર્મી ઉપાસકોની માન્યતા મુજબનો વૈરાગ્ય, ઉપદેશ, ગુરુમહિમા અને નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું રહસ્ય દર્શાવ્યું છે.

મૂળદાસજી (ઈ.૧૬૫૫-૧૭૭૯)

ગુજરાતી ભજનસાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન અને માન ધરાવનારા સંતકવિ મૂળદાસજીનો જન્મ અમરેલી જિલ્લાના ઉના પાસેના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં થયેલો. વિવાહ પછી વૈરાગ્ય જાગતાં ગૃહત્યાગ કર્યો, અને પર્યટન કરતાંકરતાં ગોંડલના રામાનુજી સંપ્રદાયના સાધુ લોહલંગરી જીવણદાસજી પાસે દીક્ષા લીધી. ગુરુ-આજ્ઞાએ પત્નીને સાથે રાખી અમરેલી ગામે જગ્યા બાંધી અને સં.૧૮૩૫માં ચૈત્ર સુદ ૯ના દિવસે અમરેલીમાં જ જીવતાં સમાધિ લીધી. ભક્ત, જ્ઞાની, ઉપદેશક, વિચારક અને વિવિધ સંપ્રદાયોના અધ્યાત્મમાર્ગના સમન્વયકર્તા વૈરાગી લોકસંત તરીકેનું બહુરંગી વ્યક્તિત્વ ધરાવનાર મૂળદાસજીએ શ્રીમદ્ ભાગવતના સ્કંધોનો ગુજરાતી પદબંધોમાં અનુવાદ, શ્રીમદ્ભગવદ્ગીતાનો પદબંધમાં ભાવાનુવાદ, પ્રભાતી, રામગરી, ગરબી, કીર્તન, બારમાસી, ભજન, ધોળ જેવા પ્રકારોમાં પદમાળાઓ કે છૂટક ભક્તિપદોનું સર્જન કર્યું છે. કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ, ગુરુમહિમા અને મહાપંથી-બીજમાર્ગી આરાધવાણી ઉપરાંત કટારી, ચૂંદડી, વિવાહ જેવાં રૂપકગર્ભ પદો-ભજનો તથા સધુક્કડી હિન્દી-ગુજરાતીમાં પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહપદો આપનારા મૂળદાસજી વેદાન્ત જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી બંને શાખામાં સમાન રીતે વિહાર કરે છે. ‘આદ્ય ઓંકાર તે અનંતમાં એક છે, જૂજવા શબ્દને સર્વ સાધે...!’ ‘વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે...’ ‘મેલ તું મેલ તું માન મનનું પરૂં, મન કરમ વચનથી ફેર માળા...’ ‘બેની મારા રૂદિયામાં લાગી રે, મેરમની ચોધારી મારે કાળજે કટારી...’ ‘પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે....’, ‘સુંદરવરની ચૂંદડી સરવે સંત ઓધારણ ચૂંદડી....’, ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’ – જેવી ભજનરચનાઓ નરસિંહ મહેતા સાથે ઉજ્જ્વળ અનુસંધાન ધરાવે છે. ગરબી પ્રકારનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદો શ્રીમદ્ ભાગવતની અસર નીચે રચાયાં છે, જેમાં ગોપીવિરહ, ચીરહરણલીલા, ઉદ્ધવસંદેશ અને પિયુમિલનનો આનંદ વર્ણવાયો છે. ‘જી રે વટાવડા વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ ન કીજિયે રે...’, ‘જી રે જીવતાં મરો ભાવે ભક્તિ કરો જન તમે અજરા જરો....’ ‘જી રે આ નાટક નવરંગી છે.....’ વગેરે આરાધી ભજનો મહાપંથનું તત્ત્વજ્ઞાન અને સાધનાધારા સાથે અનુસંધાન ધરાવે છે.

રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી

ગુજરાતમાં કબીરની વિચારધારા અને શબ્દસાધનાનો પ્રચાર-પ્રસાર કરનાર રામકબીર શાખાના સંતકવિ ભાણસાહેબ (ઈ. ૧૬૯૮–ઈ. ૧૭૫૫), તેમના પુત્ર-શિષ્ય ખીમસાહેબ (ઈ. ૧૭૩૪–ઈ. ૧૮૦૧) અને તેજસ્વી શિષ્ય સંત કવિ રવિસાહેબ (ઈ. ૧૭૨૭–ઈ. ૧૮૦૪) દ્વારા સ્થપાયેલ રવિભાણ સંપ્રદાયના કવિસંતોએ તળપદી લોકબોલીમાં જ્ઞાન, ભક્તિ, યોગસાધના, ગુરુમહિમા, વૈરાગ્યઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલનના ભાવો વર્ણવતાં અસંખ્ય પદો-ભજનોનું સર્જન કર્યું છે. આ સંપ્રદાયના સંતોના નામ પાછળ ‘સાહેબ’ શબ્દ લાગે છે, જે કબીરપંથનો પ્રભાવ દર્શાવે છે.

ભાણસાહેબ (૧૮મી પૂર્વાર્ધ)

ચરોતર પ્રદેશના કનખિલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં કલ્યાણદાસ ઠક્કરને ત્યાં ભાણસાહેબનો જન્મ થયેલો, કબીરસાહેબની શિષ્યપરંપરામાં પદ્મનાભથી ચાલી આવેલી એક શાખા ગુજરાતમાં ઊતરી અને તેમાં દૂધરેજના નીલકંઠસ્વામી, રઘુનાથસ્વામી, યાદવસ્વામી અને તેમના શિષ્ય થયા ષટ્પ્રજ્ઞસ્વામી (જેને લોકસમુદાય છઠ્ઠાબાબા કે આંબા છઠ્ઠાના નામથી ઓળખતો) તેમની પાસે ૨૬ વર્ષની વયે ભાણસાહેબે ઈ. ૧૭૨૪ દીક્ષા લીધી. કેટલાક સાંપ્રદાયિક સંદર્ભો ઈ. ૧૭૧૦ પણ દર્શાવે છે. રામકબીર મંત્રની કંઠી બાંધ્યા પછી ભાણદાસ ‘ભાણસાહેબ’ કહેવાયા. ભાણસાહેબે વધુ ભજનોનું સર્જન નથી કર્યું; એમના નામાચરણ સાથે ચૌદેક ભજનો મળે છે, પરંતુ ભજનિક સંતોની એક સુવિશાળ પરંપરા ઊભી કરવાનું શ્રેય ભાણસાહેબને જાય છે. એમનાં જ્ઞાનમાર્ગી અધ્યાત્મબોધ, વૈરાગ્ય અને યોગસાધના તથા ગુરુમહિમાવિષયક ભજનોમાં ‘સતગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે અમ્મર નામ ઓળખાયો રે....’, ‘તમે કૂડ કાયાનાં કાઢો રે વીરા! આવ્યો આષાઢો...’, મન તું રામ ભજી લે રાણા તારે ગુણ ગોવિંદનાં ગાણાં...’, ‘એક નિરંજન નામ જ સાથે મન બાંધ્યો હે મારો રે....’ તથા ‘સતગુરુ સાહેબ સઈ કર્યા જેને પ્રેમ જ્યોત પરકાશી રે....’ જેવાં ભજનો ખૂબ જ લોકપ્રિય થયાં છે. જ્ઞાન, ભક્તિ, યોગ, ઉપદેશ અને આતમ-અનુભવની જ્યોત પ્રગટાવનારા ભાણસાહેબની શિષ્યપરંપરામાં નાદશિષ્ય રવિસાહેબ દ્વારા નાદશિષ્યોની અને બુંદશિષ્ય ખીમસાહેબ દ્વારા નાદ તથા બુંદ એમ બંને પ્રકારના શિષ્યોની–તેજસ્વી સાધક સંત ભજનિકોની બે શાખાઓ ચાલી.

રવિસાહેબ (ઈ. ૧૭૨૭-૧૮૦૪)

ભાણસાહેબના સમર્થ શિષ્ય અને સમગ્ર સંપ્રદાય સાથે જેમનું નામ જોડાયું છે તેવા તેજસ્વી સંતકવિ રવિસાહેબનો જન્મ આમોદ તાલુકાના તણછા ગામે વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવધર્મના અનુયાયી મંછારામને ત્યાં સં. ૧૭૮૩માં મહાસુદ ૧૫ને ગુરુવારે – ઈ. ૧૭૨૭માં થયેલો. ઈ. ૧૭૪૮માં રવિસાહેબે ભાણસાહેબ પાસે રામકબીરની દીક્ષા લીધી. ચારસો જેટલાં ગુજરાતી-હિન્દી ભક્તિપદો-ભજનોની રચનાઓ ઉપરાંત આખ્યાન પ્રકારની દીર્ઘ કડવાંબદ્ધ કૃતિઓમાં રવિસાહેબે પોતાનું સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન વર્ણવ્યું છે. જેને સંપ્રદાયના અનુયાયીઓ ‘રવિગીતા’ને નામે ઓળખે છે તે ‘ભાણગીતા’ ચોપાઈ-ઢાળ-દુહા અને સાખીના રચનાબંધમાં એકવીશ કડવામાં ગુરુમહિમાની સાથે તત્ત્વચર્ચા અને સાધના માર્ગદર્શન આપતી કૃતિ છે. ઉપરાંત ‘આત્મલક્ષ ચિંતામણિ’, ‘રામગુંજાર ચિંતામણિ’, ‘બોધ ચિંતામણિ’, ૭૦ ચોપાઈ, ૧૨ સાખીના બંધમાં સાત વિશ્રામની ‘ગુરુમહિમા’ (ઈ. ૧૭૫૨), ‘મનઃસંયમ-તત્ત્વસાર-નિરુપણ’ જેવી સધુક્કડી હિન્દી-ગુજરાતી ભાષામાં લખાયેલી રચનાઓમાં જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણી-સંગમ થયો છે. પોતાના ગુરુ ભાણસાહેબનું ચરિત્ર વર્ણવતો ગ્રંથ ‘ભાણપરચરિ’ (અપ્રકાશિત; જેના છેલ્લા ચાર વિશ્રામ ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસે પૂર્ણ કરેલા) આ સંપ્રદાયમાં અધિકૃત ઇતિહાસ તરીકે જાણીતો છે. રવિસાહેબની વાણીમાં અગમ-નિગમનાં રહસ્યો, તત્ત્વજ્ઞાન, યોગસાધનાના અનુભવો અને સાધના અંગે માર્ગદર્શન અપાયું છે. નિર્ગુણ-સાકાર પરમતત્ત્વનો વિરહ અને બ્રહ્મમિલનનો આનંદ વ્યક્ત કરતાં ભક્તિપદો ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં-શ્રીમદ્ભાગવતના દશમસ્કંધ આધારિત ભાવગીતો જેવી રચનાઓમાં વેદાન્તની જ્ઞાનમાર્ગી તત્ત્વચર્ચા, કબીરનો રહસ્યવાદી શબ્દસૂરતયોગ, નાથસંપ્રદાયનો હઠયોગ, વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ અને સૂફીઓની મસ્તીભરી અલ્લડતાનાં દર્શન થાય છે. ‘આનંદ ઘડી હેતે ભજ્યા હરિ...’, ‘એવો પ્યાલો મેં તો પીધો રે......, ‘સંતો ગુરુ ગમ લહે ઓ જ્ઞાની’, ‘રવિએ રમતાં દીઠો રે બાવો છે ઝીણો, છે ઝીણો......’, ‘સુરતસખી જેની ચડી આસમાને...’, ‘સતગુરુ સાથે રે બાઈ! મારે પ્રીતડી....’, ‘સખી! સાંભળને કહું એક વાતડી....., ‘મેં માનુની રે મેં ભેદન પનિહાર...’, ‘અસલ ફકીર મેં આદ દરવેશા....’, ‘જી રે એના ઘડનારાને તમે પરખો જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો....’ જેવાં અનેક ભજનો લોકભજનિકો દ્વારા ભજનમંડળીઓમાં ગવાતાં રહે છે. એમાં જ્ઞાન-વૈરાગ્યનો બોધ, યોગ, ગુરુમહિમા અને નિર્ગુણવાદી સંતો તથા સગુણવાદી ભક્તોની ભક્તિસાધનાનો મહિમા ગવાયો છે. વડોદરા પાસેના શેરખી ગામે રવિ-ભાણ સંપ્રદાયની પ્રથમ ગાદી ઉપર મહંત તરીકે બિરાજીને રવિસાહેબે કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગામડાંઓ સુધી પોતાની જ્ઞાન-ભક્તિ-યોગ-સેવા અને સાધનાની સરવાણીઓ વહાવેલી. ૭૭ વર્ષની વયે ઈ. ૧૮૦૪માં રવિસાહેબે વાંકાનેરમાં દેહત્યાગ કર્યો અને જામનગરના ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે મોરારસાહેબની જગ્યામાં એમને સમાધિ અપાઈ.

રવિસાહેબની શિષ્યપરંપરા : મોરારસાહેબ (ઈ.૧૭૫૮-૧૮૪૯)

રવિસાહેબના અગિયાર જેટલા મુખ્ય શિષ્યોની શિષ્યપરંપરાઓમાં ઘણા સંત ભજનિક કવિઓ થયા છે. જેમાં મોરારસાહેબ (ખંભાલીડા), ગંગારામજી, (રાપર), લાલસ્વામી (પાટણ) મુખ્ય છે. ઈ. ૧૭૫૮માં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે વાઘેલા રજપૂત જ્ઞાતિમાં જન્મેલા માનસિંહજીએ રવિસાહેબ પાસે એકવીશ વર્ષની વયે દીક્ષા લીધી અને મોરારસાહેબ નામ ધારણ કર્યું. ગુરુઆજ્ઞાએ ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે આશ્રમની સ્થાપના કરી. ઈ. ૧૮૪૯માં જીવતાં સમાધિ લીધી. મોરારસાહેબની રચનાઓમાં જ્ઞાનમાર્ગી તત્ત્વચર્ચા અને ગુરુમહિમાની સાથોસાથ વિશેષતઃ પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો મળે છે. ખાસ કરીને પરંપરિત ‘પરજ’ ના ઢંગમાં રચાયેલાં વિરહપદો ‘લાવો લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે, એવો શિયો રે અમારો દોષ, પાછો ફેરો ન આવ્યા ફરીને રે....’, ‘મારું ચિતડું ચોરાયલ રે કોડીલા વર કાનજીએ....’, ‘કહોને ઓધવજી અમે કેમ કરીએં જી રે મનડાં હેરાણાં મારાં મોરલીએ....., ‘ઓધા અરજ હમારી રે મોહન મુખસેં કેનાં....’ વગેરેમાં મોરારસાહેબની પ્રભુવિરહની આરત વ્યક્ત થઈ છે. ભજન, પદ, આરતી, ગરબી, બારમાસી ઉપરાંત ઈ. ૧૮૧૯માં ‘ચિંતામણિ’, ‘ગુરુમહિમા’ અને જ્ઞાનવૈરાગ્યની સાખીઓ, કુંડળિયા, છંદ જેવી દીર્ઘ પદ્યકૃતિઓનું સર્જન પણ મોરારસાહેબે કર્યું છે.

અન્ય કવિઓ

મોરારસાહેબના શિષ્યોમાં ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસજી, ટંકારાના જીવાભગત ખત્રી અને ચરણદાસજી જોડિયાના લોહાણા ધરમશીભગત જેવા કવિઓ મુખ્ય છે. નેકનાક ગામના સંધી મુસ્લિમ ભક્ત કવિ હોથી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામના વણકર ભક્ત કરમણે મોરારસાહેબ પાસે દીક્ષા લઈ ભજનોની રચના કરી છે. કરમણના શિષ્ય લખીરામના ‘પ્યાલા’ પ્રકારનાં ભજનો ખૂબ જ લોકપ્રિય રચનાઓ તરીકે ભજનમંડળીઓમાં ગવાય છે. જેમાં હોથીનું ‘સમરું તો સુધરે મનખા મેરા અલ્લા હો નબીજી...’, ‘આ તે રંગ શેનો રે બીબે બીજી ભાત પડી...’, ચરણસાહેબનાં ‘અબ તો મનવા મેરા કર સદ્ગુરુસેં હેત....’, અને લખીરામનાં ‘બેની! મું ને ભીતર સતગુરુ મળિયા રે.....,’ ‘મન મતવાલો પ્યાલો ચાખીયો, પ્યાલો પ્રેમ હુંદો પીધો રે…..’ મુખ્ય છે.

ખીમસાહેબ (ઈ. ૧૭૩૪)

ભાણસાહેબના પુત્ર અને શિષ્ય ખીમસાહેબ પણ સમર્થ કવિ હતા. ઈ. ૧૭૩૪માં શેરખી અથવા વારાહી ગામે તેમનો જન્મ થયેલો. પાછળથી ખીમસાહેબે રવિસાહેબ પાસેથી સાધનાદીક્ષા લીધેલી. રામકબીર પરંપરાનાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને યોગસાધના તથા ગુરુમહિમાના ગાન સાથેનાં વૈરાગ્ય ઉપદેશનાં પદો-ભજનો ઉપરાંત કાફી, ગરબી, આરતી જેવા વિવિધ પ્રકારોની પદ્યકૃતિઓનું સર્જન ખીમસાહેબે કર્યું છે. જ્ઞાનમાર્ગી ચિંતનાત્મક કૃતિ ‘ચિંતામણી’ ઈ. ૧૭૭૦માં રચાયેલી સધુક્કડી હિન્દી-ભાષામાં સાખી-ચોપાઈબંધની ૫૮ કડીની દીર્ઘ રચના છે. રવિસાહેબના આદેશથી ઈ. ૧૭૮૧માં કચ્છ વાગડના રાપર ગામે ‘દરિયાસ્થાન’માં જગ્યા બાંધી ‘ખલક દરિયા ખીમ’ તરીકે તે ઓળખાયેલા. ‘મુંને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોરછાપ પરવાના...’, ‘જુઓને ગગનાં હેરી જ્યાં બાંસુરી બાજે ઘેરી....’, ‘આતમ હીરલા પાયા સંતો.....’, ‘જા મુખસે સિયારામ ન સમર્યા તા મુખમેં તો ધૂર પરી....’ અને ‘હે રામૈયા તોજા તો ઘણા રે વેરેં વેરેં કુરબાન....’ જેવી ભજનરચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો સમન્વય થયો છે. ખીમસાહેબના શિષ્યોમાં પુત્રશિષ્ય મલુકદાસજી અને હરિજન સંત કવિ ત્રિકમસાહેબ મુખ્ય છે. કચ્છના વાગડ જિલ્લાના રામવાવ ગામના હરિજનગરોડા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ ત્રિકમસાહેબે ચિત્રોડ ગામે જગ્યા બાંધેલી, તેમના પ્રવેશથી રવિ-ભાણસંપ્રદાયમાં ‘વાડીના સાધુ’ની પરંપરા શરૂ થઈ, ત્રિકમશિષ્ય ભીમસાહેબ અને ભીમસાહેબના શિષ્ય દાસીજીવણ જેવા તેજસ્વી સંતકવિઓ આ પરંપરામાં થયા. ત્રિકમસાહેબની ભજનરચનાઓમાં ગુરુમહિમાનું ગાન અને યોગસાધનાના અલૌકિક અનુભવોનું બયાન મુખ્ય છે. ‘દેખો ખાવંદકા ખેલ, દરશત બ્હાર મેં તો દેખ્યા....., ‘ત્રિવેણીના તીરમાં મોતીડાંની હાર...’, ‘હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે?...’, ‘તારો રે ભરોંસો મુંને ભારી એવો ગરબો દાતાર ગિરનારી રે…’, ‘આવી આવી અલેખ જગાઓ બેની: અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવે રે..’ વગેરે અસંખ્ય ભજનરચનાઓ લોકકંઠે ટકી રહી છે. ત્રિકમસાહેબે ઈ. ૧૮૦૨માં રાપર જગ્યામાં જીવતાં સમાધિ લીધી હોવાનું મનાય છે. ત્રિકમસાહેબના મુખ્ય શિષ્ય થયા મોરબી પાસેના આમરણ ગામના હરિજન ગરોડા જ્ઞાતિમાં ઈ. ૧૭૧૮માં જન્મેલા ભીમસાહેબ. જેમણે ઈ. ૧૭૮૪માં ‘ચિંતામણિ’ અને ઈ.૧૮૦૬માં ‘ગુરુ-શિષ્ય ગોષ્ઠી’ ગ્રંથોની રચના કરી છે જે આજ સુધી અપ્રકાશિત છે. ‘સુનલે સુખમના નારી મેં તો અજલ નામ પર વારી...’, ‘ઊઠત રણુંકાર અપરંપારા, અખંડ આરતી બાજે ઝણંકાર...’ અને દાસી જીવણને સાધનાનો ઉપદેશ આપતું ભજન ‘જીવણ! જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તૂરા રે....’ જેવાં શબ્દસૂરતયોગના અધ્યાત્મ અનુભવોને વાચા આપતાં પદો ઉપરાંત ગુરુમહિમાનાં ભજનો, પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલન પદો અને ત્યાગ-વૈરાગ્યનો બોધ આપતાં ચેતવણીનાં ઘણાં ભજનો હસ્તપ્રતભંડારોમાં સચવાયાં છે. ભીમસાહેબની વિશેષ ખ્યાતિ તો સમર્થ સંતકવિ દાસીજીવણના ગુરુ તરીકેની છે.

દાસી જીવણ (૧૭૫૦-૧૮૨૫)

ખીમસાહેબની શિષ્યપરંપરામાં મધ્યસૌરાષ્ટ્રના ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના હરિજન ચમાર જ્ઞાતિમાં જન્મેલા સંત કવિ દાસી જીવણે ત્રિકમશિષ્ય ભીમસાહેબ પાસે દીક્ષા લઈને સગુણ અને નિર્ગુણ – સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મસાધનાપ્રવાહોનો સમન્વય સાધીને પુરૂષ હોવા છતાં દાસીભાવે–રાધાભાવે પરમતત્ત્વની ઉપાસના કરી છે. પરમ ચેતના આ સંતકવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ-ઉપદેશ, તત્ત્વચિંતન, ભક્તિ અને ભક્તમહિમા અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહપદો તથા હરિમિલનનો કેફ વર્ણવતી ‘પ્યાલા’ પ્રકારની મસ્તી દર્શાવતી પોણા બસો જેટલી ભજનરચનાઓ લોકભજનિકોને કંઠે આજે પણ જીવંત પ્રવાહરૂપે – કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. ‘અમારાં રે અવગુણ રે ગુરુજીનાં ગુણ તો ઘણાં હો જી...’, ‘સતગુરુએ મુંને ચોરી શીખવાડી, શાન ગણેશિયો ઘડાયો રે...’, મારા ગુરુજીની બલિહારી....’, ‘કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું...’, ‘અંજવાળું રે હવે અંજવાળું ગુરુજી તમે આવ્યે મારે અંજવાળું....’, જેવાં ગુરુમાહાત્મ્યનું ગાન કરતાં ભજનો; ‘દેખંદા કોઈ આ દિલમાંય ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...’, ‘અબધૂ ઝણ રણ રણ રણ વાગે.....’, ‘જા સોહાગણ જા રે ગગનમાં જ્યોત જલત હૈ જા....,’ આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની.....’ જેવાં અનાહત નાદ અને સાધના-અનુભવ વર્ણવતાં ભજનો; ‘ભૂલ્યા ભટકો છો બાર મારા હંસલા કેમ ઊતરશો પાર.....’, શું કરવાં સુખ પારકાં...’, ‘શાને માટે ભજતો નથી સહેજે સીતારામ....’, ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ....’, ‘રામભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા?’ જેવાં વૈરાગ્ય ઉપદેશનાં ચેતવણીપદો; ‘મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરશનકા...’, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર...’, ‘એજી એ તો જીવણની નજરૂમાં આયો રે મોરલો ગગન મંડળ ઘર આયો....’ જેવાં અવધૂત દશાનાં મસ્તીપદો; ‘સાયાંજીને કે’જો રે આટલી મારી વિનતિ રે જી....’, પ્રેમ કટારી આરંપાર નિકસી મેરે નાથકી...’, ‘કલેજા કટારી રે રૂદિયા કટારી રે માડી! મું ને માવે લૈ ને મારી.....’મીકાજી મેં જાલ્યો તારો મરમ..... મેં પણ દાસી રામ તોરી દાસી...’ એવાં રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે.....’, માવાની મોરલીયે મારાં મનડાં હેર્યા રે...’, ‘જશોદા જીવનને રે માતાજી મોહનને રે કે’જે તારા કાનને....’ અને ‘શામળિયે કરી છે ચકચૂર...’ જેવાં તીવ્ર વિરહવ્યથાનાં – પ્રેમલક્ષણા ભક્તિનાં દાસીભાવનાં ભજનો નારીહૃદયની સુકોમળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, કટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો, વગેરે પરંપરિત રૂપકો લઈને દાસીજીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સાધુક્કડી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવવૈવિધ્ય ધરાવતાં ભાવગીતો-ભક્તિપદોનું સર્જન કરે છે. દાસી જીવણની શિષ્યપરંપરામાં થયેલા કોટડા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે.

રવિભાણ સંપ્રદાયના ગૌણ કવિઓ

આ સંપ્રદાયની કવિ-શિષ્ય પરંપરામાં રાધનપુર નજીકના કલ્યાણદાસ, વાંકાનેરના રતનદાસ, રાધનપુરના મોહનદાસ, સાંતલપુરના રાઘોદાસ, કચ્છ વિરાણીના તલકદાસ, સ્વરૂપદાસ, શ્યામદાસ, મેરમદાસ, રાજુલદાસ, ગબલદાસ, લાલસાહેબ (પાટણ), ચરણદાસ, વણારસીમાતા, જીવણદાસ, ગંગસાહેબ, ભીમદાસચારણ, હરજીવનદાસ, જેવા નાના-મોટા અનેક સંત-ભજનિક કવિઓની ભજનવાણી રવિભાણ સંપ્રદાયની જગ્યાઓમાં પડેલી હસ્તપ્રતોમાં સચવાયેલી જોવા મળે છે, એમાંની કેટલીક લોકભજનિકોની મંડળીઓમાં ગવાય છે. રવિભાણસંપ્રદાયના સાધના-સિદ્ધાંતો અને વિચારધારા મુજબ આ દરેક સંતકવિઓની રચનાઓમાં નામનો મહિમા, ગુરુમહિમા, વૈરાગ્ય-ઉપદેશ અને યોગસાધના દ્વારા પરમતત્ત્વ સાથે અનુસંધાન તથા કબીરસાહેબ કથિત શબ્દસૂરતયોગની સાધના મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન, યોગ, અને કર્મસેવા એ અધ્યાત્મમાર્ગના ચારે પ્રવાહોનો સમન્વય આ સંતોની વાણીમાં થયેલો જોવા મળે છે.

0

નાથપંથ

નાથપંથનો મૂળ ઉદ્ગમ સંપ્રદાયની માન્યતા મુજબ આદિનાથ શિવજી સાથે જોડાયેલો છે. જેને મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથે સંગઠિત રૂપમાં પ્રવાહિત કર્યો. નાથપંથની મુખ્ય બાર જેટલી શાખાઓ – સત્યનાથી, રામનાથી, પાલકનાથી, ગંગાનાથી, નટેશ્વરી, પાવનાથી, ધર્મનાથી, માનનાથી, કપિલનાથી, રાવલપંથી, વૈરાગ્યપંથી અને માતાપંથી કે આઈનાથીમાંથી અનેક શાખા-પ્રશાખાઓ ફૂટતી રહી છે. માનવશરીરની સ્થૂળ અને સૂક્ષ્મ તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર પોતાનું પૂર્ણ આધિપત્ય દાખવીને ‘હઠયોગ’ની ક્રિયાઓ દ્વારા પોતાની ચેતનાને શૂન્ય કે અ-મન સુધી પહોંચાડવા માટે હઠયોગી સાધકો શરીરને ખૂબ જ કષ્ટ આપે છે. નાથપંથી યોગીઓને ‘કનફટ્ટા જોગી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ પોતાના કાનમાં હાથીદાંતનાં મોટાં કુંડળ પહેરે છે. નવનાથ અને ચોરાશી સિદ્ધને પોતાના આરાધ્ય ઇષ્ટ માનીને એમની સાધનાપ્રણાલી મુજબ નાતપંથી સાધકો નેતિ, ધોતી, બસ્તી, નૌલી વગેરે ક્રિયાઓ અને ખેચરી મહા વજ્રોલી વગેરે મુદ્રાઓ દ્વારા ક્રિયાયોગ આચરે છે. બીજમારગી મહાપંથી પાટઉપાસના સમયે પણ નાથયોગીની હાજરી હોય, રામદેવપીરના ગુરુ તરીકે પણ યોગી બાબનાથનું નામ મળે, આમ નાથ સંપ્રદાયની સાધનાધારાએ સંતસાહિત્યના ઘડતરમાં અગત્યનો ફાળો આપ્યો છે. ગુજરાતીમાં ગોરખનાથના નામાચરણો ધરાવતી અનેક ભજનરચનાઓ મળે છે. કાં તો એ મૂળ ગોરક્ષ-રચિત રચનાઓનું ગુજરાતીકરણ કે લૌકિકીકરણ પામેલી રચનાઓ છે અથવા તો એ પરંપરામાં થયેલા સાધક યોગીઓ દ્વારા ગોરખનાથને નામે રચાયેલી ભજન કે પદ કૃતિઓ છે. ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ, નિલંધરનાથ, ગોપીચંદ, મેનાવતી, ભર્તૃહરિ, ગેબીનાથ, ભૈરવનાથ, કાનપરી, ભૂતનાથ, વેલનાથ, રૂખડિયો, રામૈયો, વિશ્વનાથ, તોલાપુરી, ધૂલીનાથ, કંથડનાથ, તૂડાપૂરી, મરકટનાથ, જીવણનાથ વગેરે કવિઓને નામે ગુજરાતી ભાષામાં યોગસાધના સંબંધી નાથપંથી ભજનરચનાઓ પ્રાપ્ત થાય છે, જેમાં ઉપદેશ, સાધના, અવળવાણી, નાથપંથી સાધકોની ચરિત્ર કથાઓ, અને રૂપકાત્મક ભજનો સમાવિષ્ટ છે. રહસ્યમાર્ગી અધ્યાત્મ-અનુભવના ઉદ્ગારોની માર્મિકતાએ તેમજ ભક્તિની તલ્લીનતાએ સંતસાહિત્યનું લાક્ષણિક રૂપ ઉપસાવ્યું છે ને કંઠપરંપરામાં એનાં પદોના સાતત્યે ભક્તિધારાને વહનશીલ રાખી છે.

મુસ્લિમ સંત-કવિઓ*[1]

મધ્યકાલીન કવિતાપ્રવાહોમાં મુસ્લિમ કવિઓનું કાર્ય પણ નોંધપાત્ર છે. પૂર્વકાલીન (૧૩મી સદીના) અબ્દુર્ રહેમાન તથા ૧૮મી સદીના રાજે જેવા ખ્યાત કવિઓ ઉપરાંત, જ્ઞાનમાર્ગી ને પ્રેમલક્ષણાની પદકવિતા-ધારામાં ભળતી, પ્રચલિત પદ-પ્રકારોમાં અને સંગીતના રાગો-ઢાળોમાં રજૂ થયેલી, બોલચાલની ભાષા ઉપરાંત હિંદી-અરબીની છાંટવાળી ભાષાને પણ પ્રયોજતી મુસ્લિમ-ખોજા સંત કવિઓની કવિતાનું એક લાક્ષણિક રૂપ ઊપસે છે.

કેટલાક મહત્ત્વના કવિઓ : નૂર કે નૂરુદ્દીન

કોઈ નિશ્ચિત સમયગાળાના સાબિત ન થતા, સંભવતઃ ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવ્યા હોવાની સંભાવના ધરાવતા આ કવિને નામે કેટલાક ચમત્કારો પ્રવર્તે છે એ, લોકમાનસમાં તે એક પ્રભાવક ધર્મોપદેશક તરીકે દૃઢ થયેલા હોવાનો ખ્યાલ આપે છે. આ નિઝારી ઇસ્લામી સંતનાં ‘જ્ઞાન’ નામે ઓળખાયેલાં પદો ભક્તિબોધક છે અને એમાં કેટલાક લાક્ષણિક પૌરાણિક સંદર્ભો ઉપરાંત આગમવાણીના અંશો છે. હિંદીના ભાષામરોડોવાળાં આ કાવ્યો એમનાં રચેલાં નહીં પણ એમના ભક્તિબોધને કોઈએ એમના નામે પદ્ય-બદ્ધ કર્યો હોવાનો એક મત પણ છે.

કાયમુદ્દીન

ઉત્તર ગુજરાતના કડીના વતની ને હઝરત બદરૂદ્દીનના પુત્ર એવા આ કવિના વ્યાપક ધર્મદર્શનને કારણે એમને ઘણા અનુયાયી સંતો-કવિઓ મળ્યા. એમાં મુસ્લિમો હતા ને હિંદુઓ પણ હતા. ઈ.૧૭૫૫માં રચેલી એમની એક કૃતિ મળે છે ને ધર્મપરંપરાનો પ્રસાર કરતા પ્રવાસ દરમ્યાન ઈ.૧૭૭૩માં એમનું અવસાન થયેલું – એ વિગતો એમને ૧૮મી સદીના કવિ ઠેરવે છે. એમનાં કલામો(ભજનો)માં એમનું ધર્મદર્શન અદ્વૈતવિચાર ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિની આર્દ્રતાવાળી કવિતામાં ઝિલાયું છે. એમાં રૂપકાત્મકતા ધ્યાનપાત્ર છેઃ “વિવાહ માંડ્યો રે સ્વામી અલખશું, સતગુરુ દીનદયાળ’. વિવિધ કાવ્યરૂપો–ગરબો, ગરબી, બારમાસી, રવેણી, મંગલ અને ઝૂલણા, પ્રભાત, બિલાવલ આદિ રાગનામો-ઢાળોમાં રજૂ થયેલી ભક્તિકવિતા ઉપરાંત એમણે ઉર્દૂમાં ‘નૂરે રોશન’ (ઈ.૧૭૫૫) તથા ‘દિલે રોશન’ નામના ગ્રંથો પણ રચેલા છે.

રતનબાઈ

જૈન કવયિત્રી રતનબાઈ (૧૬મી સદી) અને જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી રતનબાઈ (ઈ. ૧૭૮૧માં હયાત)થી જુદાં આ કાયમુદ્દીન-શિષ્યા રતનબાઈ (૧૮મી ઉત્તરાર્ધ) કરજણનાં વોરા જ્ઞાતિનાં હતાં. અરબી-ફારસીની કંઈક વધુ છાંટ ધરાવતી એમની કવિતામાં ગુરુ કાયમુદ્દીન વિશે રચાયેલી કૃતિઓ પ્રેમલક્ષણાનો ઠીકઠીક ઉદ્રેક બતાવે છે : ‘બાઈ રતનને મુરશીદ મળિયા, એ જ અમારા છે નાથ’, ‘મુરશદ નામની માળા રે લીધી, છોડું કંઈ નહીં સાથ રે’, વગેરે. મહદંશે એમનાં પદો ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં છે જે ગરબી, કલામ એવાં નામથી પણ મળે છે.

અભરામ બાવા

કાયમુદ્દીનની શિષ્ય-પરંપરામાં આ કવિ પણ નોંધપાત્ર છે. ભરુચ બાજુના ગામના આ કવિએ ગુજરાતી ઉપરાંત હિંદી-ઉર્દૂમાં પણ રચનાઓ કર્યાની વિગતો મળે છે. પ્રભુપ્રેમ, ગુરુવંદના, સાધુજનના આચારો વગેરે એમની ભક્તિ-ઉપદેશની કવિતામાં રૂપકાત્મક રીતે તળપદી વાણીમાં ઝિલાયાં છે. ભક્તિ ઉપરાંત અદ્વૈતવાદની પરંપરામાં પણ એમણે ‘કલામ’ નામે ઓળખાતાં ગરબો-સાખી વગેરે રૂપનાં કાવ્યો રચેલાં છે. ભજનોમાં થયેલા રાગ-નિર્દેશો કવિની સંગીતરુચિનો ખ્યાલ પણ આપે છે.

નબી મિયાં

અભરામ બાવાના આ શિષ્ય કવિ ભરુચના સૈયદ હતા. યોગ અને વેદાંતના કલામો ઉપરાંત ભક્તિ વિશેનાં એમનાં પદોની સહજ વહનવાળી, દૃષ્ટાંતોને ગૂંથતી લોકભોગ્ય અભિવ્યક્તિ નોંધપાત્ર છે. હિંદીમાં પણ આ કવિએ પદ-રચના કરેલી છે.

ઉમર બાવા

ઉમર બાવા અભરામ બાવાની શિષ્ય પરંપરાના કવિ હતા. યોગ અને અદ્વૈતવિચારની તથા પ્રેમલક્ષણાભક્તિની એમની કવિતા ભજન, ગરબા એવાં રૂપે મળે છે. એમાં હિંદીની છાંટ છે ને વિશેષ નોંધપાત્ર એ છે કે એમની કવિતા લુહારી અને સુથારી વ્યવસાયોની સંજ્ઞાઓ રૂપકાત્મક દૃષ્ટાંતો તરીકે પ્રયોજે છે ને એની અભિવ્યક્તિમાં અવળવાણીનાં તત્ત્વો પણ છે.

પૂંજા બાવા

અભરામ બાવાના આ શિષ્ય ખંભાતના ખારવા કવિ હતા. એમનાં પદોમાં કેદાર, પ્રભાત, બિલાવલ જેવા વિવિધ રાગો યોજાયા છે ને એના વિષયો વેદાંતજ્ઞાન અને ભક્તિમાર્ગના છે. આ કવિઓ ઉપરાંત ‘જી રે વીરાં! ક્રોડી નવાણું ને છપન બત્રીસા, તે કરતા ઘટકળશની પૂજા રે’ જેવી યૌગિક સંજ્ઞાઓ રૂપક તરીકે યોજતા નૂર સાગર; ‘જો જો રે દેવાંગી માની ચુંદડી...પરબે પૂજાય માની ચુંદડી’ જેવાં હિંદુ દેવી ભક્તિનાં પદો રચનાર શાર્દૂલ પીર; ‘સખી મહાપદ કેરી વાત, કોઈ જન જાણે રે’ એવા જ્ઞાનવિશેષને નિરૂપતા સદરૂદ્દીન જેવા કવિઓનાં ભજનો પણ પદ-સંગ્રહોમાં સંચિત થયેલાં છે જે મુસ્લિમ પરંપરાની કવિતાની જીવંત ધારાનો અનુભવ કરાવે છે.

નોંધ

  1. * મુસ્લિમ સંતકવિઓ વિશેનું લખાણ રમણ સોનીનું છે – સં.