ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/ગદ્ય : ભોગીલાલ સાંડેસરા

From Ekatra Foundation
Revision as of 17:01, 19 July 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૮. ગદ્ય

ભોગીલાલ સાંડેસરા

જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્ય લખાણો અણછતાં કે વિરલ હતાં એવો એક સામાન્ય ખ્યાલ કેટલાક સમય પહેલાં પ્રવર્તતો હતો, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ પ્રમાણપુરઃસર નહોતો એ નિશ્ચિત થાય છે. ઠેઠ ઈસવી સનના તેરમા શતકથી માંડી જૂની ગુજરાતીમાં (અથવા ડૉ. તેસ્સિતોરિએ પ્રચલિત કરેલો શબ્દ વાપરીએ તો જૂની પશ્ચિમ રાજસ્થાનીમાં અથવા શ્રી ઉમાશંકર જોશીએ સૂચવેલો સુભગ શબ્દ પ્રયોજીએ તો, મારુ-ગુર્જર ભાષામાં) ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. ગદ્ય અર્વાચીન કાળમાં સાહિત્યના અનેક પ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું, ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિત ક્ષેત્રમાં યે થોડાંક અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોના અનુવાદરૂપ બાલાવબોધો; પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલાં ‘પૃથ્વીચન્દ્રચરિત’ (ઈ. ૧૪૨૨) જેવાં ગદ્યકાવ્યો કે ‘સભાશૃંગાર’ આદિ વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્યકથા’ (ઈ. ૧૪૯૪ આસપાસ)૧[1] જેવી ક્વચિત્ અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને ‘કાદંબરી કથાનક’ (ઈ.ના ૧૭મા શતકનો ઉત્તરાર્ધ)૨[2] જેવા સરળ કથાસંક્ષેપો; દાર્શનિક ચર્ચાઓ, વાદ-વિવાદો અને પ્રશ્નોત્તરીઓ; ઔક્તિક તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો – એ જૂના ગુજરાતી સાહિત્યના પ્રાપ્ત વિવિધ પ્રકારો છે. ઉપલબ્ધ જૂનું ગુજરાતી ગદ્યસાહિત્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો, ‘બૃહત્કાવ્યદોહન’ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવડા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે થાય. જો કે જુદાજુદા ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિશે વિચારતાં મને લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ, અલ્પોક્તિનો છે. આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં ઉપલબ્ધ ગદ્યગ્રંથોનું હવે વિહંગાવલોકન કરીએ. એવા ગ્રંથોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય : બાલાવબોધ, વર્ણક અને ઔક્તિક.

૧. બાલાવબોધ

‘બાલ’ એટલે વયમાં નહિ, પણ સમજ કે જ્ઞાનમાં બાલ; એના ‘અવબોધ’ માટે થયેલી રચનાઓ તે ‘બાલાવબોધ’. ગુજરાતીમાં જૂનામાં જૂનું ગદ્યસાહિત્ય જૈન શાસ્ત્રગ્રંથોમાં બાલાવબોધ રૂપે છે. બાલાવબોધ આમ જો કે જૈન સાહિત્યનો શબ્દ છે, પણ એનો અર્થ સહેજ વિસ્તારીને ‘ભાગવત’, ‘ભગવદ્ગીતા’, ‘ગીતગોવિન્દ’, ‘ચાણક્યનીતિશાસ્ત્ર’, ‘યોગવાસિષ્ઠ,’ ‘સિંહાસનબત્રીસી’, ‘પંચાખ્યાન’, ‘ગણિતસાર’ આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઇતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય, કેમ કે આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં કેટલીક વાર મૂળ ગ્રંથનું ભાષાન્તર હોય છે, તો કેટલીક વાર દૃષ્ટાન્તકથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂળનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. પણ બાલાવબોધનો એક ઉત્તરકાલીન પ્રકાર ‘સ્તબક’ અથવા ‘ટબા’ રૂપે ઓળખાય છે. તેમાં માત્ર શબ્દશઃ ભાષાન્તર જ હોય છે. એમાં ‘સ્તબક’ની પોથીઓની લેખનપદ્ધતિ કારણભૂત છે. બાલાવબોધના વાચકો કરતાં પણ જેમનું શાસ્ત્રજ્ઞાન કે ભાષાજ્ઞાન મર્યાદિત હોય તેવા વાચકોને ધ્યાનમાં રાખીને ‘સ્તબક’ની રચના થયેલી છે. એમાં પોથીના પ્રત્યેક પૃષ્ઠ ઉપર શાસ્ત્રગ્રંથની ત્રણ કે ચાર પંક્તિ મોટા અક્ષરોમાં લખવામાં આવતી અને પ્રત્યેક પંક્તિની નીચે ઝીણા અક્ષરમાં ગુજરાતીમાં એનો અર્થ લખવામાં આવતો, જેથી વાચકને પ્રત્યેક શબ્દનો ભાવ સમજવામાં સરળતા થાય. આ પ્રકારની લેખનપદ્ધતિને કારણે પ્રત્યેક પૃષ્ઠ ઉપર નાના અને મોટા અક્ષરોમાં લખાયેલી પંક્તિઓનાં જાણે કે ‘સ્તબક’ – ઝૂમખાં – રચાયાં હોય એમ જણાતું. એ ઉપરથી આ પ્રકારના અનુવાદ માટે ‘સ્તબક’ શબ્દ વપરાયો, જેમાંથી ગુજરાતી ‘ટબો’ વ્યુત્પન્ન થયો. બાલાવબોધના કર્તાઓ પોતાના વિષયના જાણકાર વિદ્વાનો હતા એ કારણે એમના અનુવાદો શિષ્ટ હોય છે અને શબ્દોની પસંદગી મૂળને અનુસરતી તથા સમુચિત અર્થની વાહક હોય છે. એમનો પ્રથમ ઉદ્દેશ સાહિત્યિક આનંદ આપવાનો નહિ, પણ વાચકને મૂળ ગ્રંથના વિષય-વસ્તુનું જ્ઞાન કરાવવાનો હોય છે, છતાં અનેક ગ્રંથોમાં સાહિત્યિક વાર્તાલાપ-શૈલી કે અલંકારપ્રચુર વર્ણકશૈલીની એંધાણીઓ વરતાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં બાલાવબોધ પાંચ-પચીસ નહિ, પણ કુડીબંધ છે, અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં સંઘરાયેલા શાસ્ત્રજ્ઞાનને લોકભાષાઓ દ્વારા બહુજનસમાજ સમક્ષ સરળ સ્વરૂપમાં મૂકવાની જે પ્રવૃત્તિ મધ્ય કાળમાં સમસ્ત ભારતવર્ષમાં નજરે પડે છે તે જ આ બાલાવબોધોની બહોળી અનુવાદપ્રવૃત્તિમાં ચાલક બળરૂપે છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ ગણાશે. રૂપદૃષ્ટિ તેમજ અર્થદૃષ્ટિએ ભાષાવિકાસના અભ્યાસ માટે બાલાવબોધસમેત જૂનું ગદ્યસાહિત્ય બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. ઈ. ૧૨૭૪માં આશાપલ્લીમાં લખાયેલ ‘આરાધના’૩[3] ઉપલબ્ધ ગદ્યકૃતિઓમાં સૌથી જૂની છે. સરળ અને સાથોસાથ સંસ્કૃતમય ગદ્યનો એક નમૂનો એમાં જોવા મળે છેઃ

સમ્યક્ત્વપ્રતિપત્તિ કરહુ, અરિહંતુ દેવતા સુસાધુ ગુરુ જિનપ્રણીત
ધર્મ્મુ સમ્યક્ત્વદંડકુ ઉચ્ચરહુ, સાગારપ્રત્યાખ્યાનુ ઊચરહુ, ચઊહુ
સરણિ પઇસરહુ. પરમેશ્વર અરહંતસરણિ સકલકર્મનિર્મુક્તસિદ્ધસરણિ
સંસારપરિવારસમુત્તરણયાનપાત્રમહાસત્ત્વસાધુસરણિ
સકલપાપપટલકવલનકલાકલિતુ કેવલિપ્રણીતુ ધર્મ્મુસરણિ સિદ્ધ
સંઘગણ કેવલિ શ્રુત આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ વ્રતિણી શ્રાવક
શ્રાવિકા ઇહ જ કાઈ આશાતના કી હુંતી તાહ મિચ્છા મિ દુક્કડં.

ઈ. ૧૨૮૪ના અરસામાં લખાયેલા જણાતા ‘અતિચાર’માંથી૪[4]

કાલવેલા પઢયં, વિનયહીણુ બહુમાનહીણુ ઉપધાનહીણુ ગુરુનિણ્હવ
અનેરા કણ્હઇં પઢયં, અનેરઇં કહઇં વ્યંજનકૂડુ અર્થકૂડુ તદુભયકૂડુ
કૂડઉ અક્ખરુ કાનઇ માત્રિં આગલઉ ઓછઉ દેવંદણવાંદણઇ
પડિક્કમઇ સઝાઉ કરતાં પઢતાં ગુણતાં હુઉ હુયઇ, અર્થકૂડુ કહઇં
હુઇ, સૂત્રુ અર્થુ બેઉ કૂડાં કહ્યાં હુઇ, જ્ઞાનોપકરણ પાટી પોથી
કમલી સાંપુડં સાંપુડી આશાતન પગુ લાગઉ થુંકુ લાગઉ પઢતાં
પ્રદ્વૈષ મચ્છરુ અંતરાઈઉ હઉં કીધઉં હુઇ, તથા જ્ઞાનદ્રવ્યુ ભક્ષિતુ
ઉપેક્ષિતુ પ્રજ્ઞાપરાધિ વિણાસ્ય વિણાસિતઉં ઉવેખ્યં હુંતી સક્તિ
સાર સંભાલ ન કીધિયઈ, અનેરઇ જ્ઞાનાચારિઉ કોઇ અતીચારુ હુઉ
સૂક્ષ્મ બાદરુ મનિ વચનિ કાય પક્ષદિવસમાહિ, તેહ સવહિ મિચ્છા
મિ દુક્કડં.

ઈ. ૧૩૦૨માં લખાયેલું એક ‘સર્વતીર્થ નમસ્કાર સ્તવન બાલાવબોધ’૫[5] પણ છે. વળી એ જ અરસામાં લખાયેલા ‘નવકારવ્યાખ્યાન’માંથી૬[6] થોડો નમૂનો જોઈએઃ

नमो अरिहंताणं ।।1।। માહરઉ નમસ્કાર અરિહંત હઉ, કિસા જિ
અરિહંત; રાગેષરૂપિઆ અરિ વયરિ જેહિ હણિયા, અથવા ચતુષષ્ટિ
ઇંદ્રસંબંધિની પૂજા મહિમા અરિહઇ; જિ ઉત્પન્ન દિવ્ય વિમલ
કેવલજ્ઞાન, ચઉત્રીસ અતિશયિ સમન્વિત,
અષ્ટમહાપ્રાતિહાર્યશોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ
અરિહંત ભગવંત માહરઉ નમસ્કારુ હઉ.


વિવરણો કેમ લખાતાં એનો એક સારો નમૂનો અહીં જોવા મળે છે. પછીના સમયનાં અનેક વિવરણો અને ભાષાન્તરોમાં એ પદ્ધતિ વ્યાપક છે. એ ખંડાન્વયપદ્ધતિ છે, જેમાં મુખ્ય વાક્ય કે વિધાન રજૂ કર્યા પછી, જુદાજુદા પ્રશ્નો કરી એના સ્પષ્ટીકરણરૂપે વિવરણ થતું. પણ આ સર્વ અતિસંક્ષિપ્ત ગદ્યકૃતિઓ છે. સુદીર્ઘ અને વ્યવસ્થિત ગદ્યરચના આપણને પ્રથમવાર તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ઈ. ૧૩૫૫)માં૭[7] મળે છે. આ વિસ્તૃત રચના બતાવે છે કે એની પૂર્વે ગુજરાતી ગદ્યનું ખેડાણ સારા પ્રમાણમાં થયું હોવું જોઈએ. ધાર્મિક વિષયોના ઉદાહરણરૂપે કર્તાએ એમાં નાનીમોટી અનેક કથાઓ આપી છે. એમાંની એક સંક્ષિપ્ત કથા અહીં જોઈએ૮[8] :

કાશ્યપુ નાવી તેહરહઇં કિણિહિં વિદ્યાધરિ તૂઠઇં હૂંતઇ વિદ્યા દીધી.
તેહનઇ પ્રભાવિ તેહની ભાંડી આકાશિ થિકી તેહ સરસી ચાલઇ.
અનેરઇં દિવસિ દગસૂકરુ-ભણિયઇ બ્રાહ્મણ તિણિ દીઠી. તઉ તિણિ
બ્રાહ્મણિ તેહની સેવા કીધી. વિદ્યા તેહ કન્હા બ્રાહ્મણિ લીધી.
વિદ્યાપ્રભાવિ તેહની ધોયતી આકાશિ થિકી તેહ સરસી ચાલઇ. તઉ
લોકુ આગેઇ બ્રાહ્મણ રહઇં ભક્તિ કરતઉ, તેઉ આશ્ચર્યું દેખી કરી
ઘણેરઉં તેહ બ્રાહ્મણ રહઇં ભક્તિ પૂજા સત્કાર બહુમાન કરિવા
લાગઉ. ઇસી પરિ બ્રાહ્મણુ કાશ્યપની વિદ્યા કરી શ્રીપ્રાપ્તુ હૂયઉ
અનેરઈ દિવસિ અનેરઇ કિણિહિં પૂછિઉ સુ બ્રાહ્મણુ — “ભગવન્!
મહંતુ તુમ્હારઉ પ્રભાવુ, સુ તપ તણઉ પ્રભાવુ કિંવા વિદ્યા તણઉ
પ્રભાવુ?” બ્રાહ્મણુ ભણઇ ‘વિદ્યા તણઉ પ્રભાવુ એઉં.’ ‘એ વિદ્યા
કિહાંહુંતી લાધી?’ વિપ્રુ ભણઇ ‘હિમવંત ગિરિ વર્તમાનિ ગુરુયઈ
ગુરિ તૂસી કરી આપી.’ ઇસા કથન સમકાલિહિં જિ આકાશિ હૂંતી
ધોયતી ભૂમિ પડી. પાછઈ સુ બ્રાહ્મણુ લઘુતાપ્રાપ્તુ હુઇ.
શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’નો બ્રાહ્મણ રાજકીર્તિમિ

શ્રકૃત બાલાવબોધ ઈ. ૧૩૯૩માં રચાયો છે.૯[9] તત્કાલીન અને પૂર્વકાલીન ગુજરાતનાં તોલ માપ અને નાણાં વિશે એ સારી માહિતી આપે છે અને પાટણના એક મોઢ વણિક કુટુંબનાં બાળકોને એ વિષયનું જ્ઞાન આપવા માટે એની રચના થઈ છે એ નોંધપાત્ર છે. એના પ્રારંભિક મંગલાચરણનું પ્રૌઢ સંસ્કૃતમય ગદ્ય મળે છે :

શિવુ ભણઇ દેવાધિદેવુ ભટ્ટારકુ મહેશ્વરુ, કિસુ જુ પરમેશ્વરુ,
કૈલાસશિષરમંડનુ, પાર્વતીહૃદયરમણુ, વિશ્વનાથ જિણં વિશ્વ
નીપજાવિઉં, તસુ નમસ્કાર કરીઉ બાલાવબોધનાર્થુ, બાલ ભણીઇં
અજ્ઞાન તીહ કિહિં અવબોધ જાણિવા તણઇ અર્થિ
આત્મીયયશોવૃદ્ધ્યર્થ શ્રેયસ્કરણાર્થ શ્રીધરાચાર્યું ગણિત પ્રકટીકૃતુ.

‘શ્રાવકવ્રતાદિ અતિચાર’નું સાદું ગદ્ય ઈ. ૧૪૧૦માં લખાયેલું મળ્યું છે.૧૦[10] ઈસવી સનના ચૌદમા શતકના ઉત્તરાર્ધમાં અને પંદરમાના પૂર્વાર્ધમાં થયેલા તપાગચ્છના આચાર્ય સોમસુન્દરસૂરિ (ઈ. ૧૩૭૪-૧૪૪૩) પ્રકાંડ પંડિત હોવા સાથે એક શિષ્ટ ગ્રંથકાર હતા. એમણે અનેક સંસ્કૃત ગ્રંથો અને ગુજરાતી કાવ્યો ઉપરાંત ‘ઉપદેશમાલા’ (ઈ. ૧૪૨૯), ‘ષડાવશ્યક’, ‘યોગશાસ્ત્ર’, ‘આરાધનાપતાકા’, ‘નવતત્ત્વ’, ‘ભક્તામરસ્તોત્ર’, ‘ષષ્ટિશતક પ્રકરણ’૧૧[11] આદિ ઉપર બાલાવબોધો આપ્યા છે. ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિએ સં. ૧૫૦૧ (ઈ. ૧૪૪૫)માં ‘ષષ્ટિશતક’ ઉપર બાલાવબોધ રચ્યો છે. ‘ષષ્ટિશતક’ ઉપરાંત બીજા અનેક શાસ્ત્રીય ગ્રંથો ઉપર ઉપાધ્યાય મેરુસુન્દરના વિશદ બાલાવબોધો આપણા અભ્યાસપાત્ર કાલખંડ પછી તુરતમાં રચાયા હોઈ એની મર્યાદામાં આવતા નથી. સોમસુન્દરસૂરિના ‘યોગશાસ્ત્ર’ બાલાવબોધમાંની એક સંક્ષિપ્ત કથા એમની સરળ પણ રસપ્રદ ગદ્યશૈલીના ઉદાહરણ તરીકે જોવા જેવી છે :

આગઇ એકઇં ગામિ બિ ભાઇ હૂંતા. પહિલિ મેઘની વૃષ્ટિઇં એક
ભાઈ નદીતઈ તીરિ કાષ્ઠાદિક કાઢિવા ગિઉ. ઇસિઇ પૂર વહી ગિઉં
છઈ નદીનઇ તટિ સોનીયા ભરિ કડાહિ દીઠી. તે લેઇ કાદમ
ખરડિયા ભણી નિવરઇ દ્રહ માહિ ધોવા લાગઉ. તેતલઇં તે હાથ
હૂંતી વિછૂટી. દ્રહમાંહિ પડી. તેહની મૂર્છાઇં કરી પેલઉ ગહિલઉ
થિઉ. ઇમઇ જિ કહઇ ‘આંહાં ધોતાં ગઈ ગઈ.’ પાછઉ ધરિ
આવિઉ. જિ કો બોલાવઇ તેહ હ્રઇં ‘ધોતાં ગઈ ગઈ’ ઇમ જિ
કહઇ. પછઇ સગે તે ઓરડી માહિ ધાતી કેતલાઇ દિહાડા ભૂષિઉ
રાષિઉ. ભૂખઇં કરી તે ગહિલપણઉં ગિઉં. વડા ભાઈ આગલિ
સોનઇઆ ભરી કડાહીનઉ વૃત્તાંત કહિઉ. તેહહ્રઇં તે વાત
સાંભલતાં મોહઇં કરી ગહિલપણઉં થિઊં. ઇમ જિ કહઇ ‘તઇં કાંઈ
ધોઇં?’ જિ કો બોલાવઇ તેહ આગલિ ઇમ જિ કહઇ ‘તઇં કાંઈ
ધોઇં?’ પછઇ સગે તે હૂ ઓરડી માંહિ ધાતી ભૂષઇં સૂકવિઉ.
તેહઇનઉ ગહિલપણઉં ઇમ ગમિઉં. ઇમ જીવ અણછતીઇં વસ્તઇં
મોહઇં કરી ગહિલઉ થાઇ પછઇં મરી દુર્ગતિઇ જાઇ.૧૨[12]

મોટે ભાગે શબ્દાર્થ અને પ્રસંગોપાત્ત ભાવાર્થ સમજાવતા ‘ષષ્ટિશતક’ ઉપરના જિનસાગરસૂરિના બાલાવબોધમાંથી એક ગાથાનું વિવરણ જોઈએ૧૩[13] :

सुद्धे मग्गे जाया सुहेण गच्छंति सुद्धमग्गम्मि ।
जे पुण अमग्गजाया मग्गे गच्छंति तं चुज्जं ॥८३॥

સુદ્ધઈ નિર્મલઇ માર્ગિ જાત ઉપના દ્વિ જાત જે હુઇં તે સુખિઇં સમાધિઇં ભલી પરિઇં શુદ્ધઇ નિઃપાપ માર્ગિ गच्छंति ચાલઇ તે આશ્ચર્ય નહીં. ભલા અનઇ ભૂલઇ માર્ગિ હીંડઇ. જેમ રોહણાચલિ રત્નનઉં આશ્ચર્ય નહી, જિ લંકાઇં સોના હોવાનઉં આશ્ચર્ય નહીં, પુણ જે અમાર્ગજાત ત્રિજાતઇં હુઇં તે માર્ગિ માર્ગિ જઈ ચાલઉં તઉ તે આશ્ચર્ય. જિમ ઉકરડી માહે રત્ન ઊપનઉં હૂંતઉ આશ્ચર્ય ભણી હુઇં.

૨. વર્ણક અને બોલી

જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યના જે વિવિધ પ્રકારો મળે છે તેમાં ‘વર્ણક’ એક વિશિષ્ટ પ્રકાર છે. ‘વર્ણક’ એટલે કોઈ પણ વિષયના વર્ણનની પરંપરાથી લગભગ નિશ્ચિત થયેલી એક ધાટી. અનુપ્રાસમય પદ્યાનુકારી ગદ્ય ‘બોલી’માં ઘણુંખરું વર્ણકોની રચના થઈ છે. કથાકારો અને પ્રવચનકારો શ્રોતાઓના મનોરંજન અને ઉદ્બોધન અર્થે આવા વર્ણકોનો ઉપયોગ કરતા હતા અને હજી કરે છે. પ્રાચીન ભારતીય સાહિત્યપ્રણાલિમાં – સંસ્કૃત, પાલિ તેમજ પ્રાકૃતમાં વર્ણકની પરિપાટીનાં મૂળ શોધી શકાય એમ છે. પાલિ સાહિત્યમાં ‘પેય્યાલ’ અને જૈન આગમસાહિત્યમાં નિર્દિષ્ટ ‘વણ્ણઓ’ (જેમનું સંપૂર્ણ અવતરણ ‘ઔપપાતિકસૂત્ર’માં અપાયું છે અને અન્ય સૂત્રોમાં કેવળ નિર્દેશ પર્યાપ્ત ગણાયો છે.) એ વર્ણકનું પૂર્વરૂપ જ છે. ઈ. ૧૪૨૨માં પાલનપુરમાં રચાયેલ, માણિક્યસુન્દરસૂરિકૃત ‘પૃથ્વીચન્દ્રચરિત’૧૪[14] એક નાનકડી કથાની આસપાસ ગૂંથાયેલો વર્ણકસંગ્રહ છે. પૈઠણનો રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવની પુત્રી રત્નમંજરીને પરણે છે. કેટલાક સમય પછી તીર્થંકર ધર્મનાથની દેશના સાંભળી, પોતાના પુત્ર મહીધરને રાજગાદી સોંપી રાજા દીક્ષા લે છે. આટલા સ્વલ્પ કથાવસ્તુને આધારે એક ગદ્યકાવ્ય રજૂ કરીને કર્તાએ ‘પૃથ્વીચન્દ્રચરિત’નું ‘વાગ્વિલાસ’ એવું અપરનામ સાર્થક કર્યું છે. પ્રારંભમાં જ શબ્દાલંકૃત શૈલીમાં માણિક્યસુન્દરે પુણ્યનો મહિમા ગાયો છે તે જોવાથી આ અનુપ્રાસમય લેખનપદ્ધતિનો તરત ખ્યાલ આવી શકશે :

પુણ્ય લગઈ પૃથ્વીપીઠિ પ્રસિદ્ધિ, પુણ્ય લગઇ મનવાંછિત સિદ્ધિ;
પુણ્ય લગઇ નિર્મલ બુદ્ધિ, પુણ્ય લગઇ ઋદ્ધિ વૃદ્ધિ; પુણ્ય લગઇ
શરીર નીરોગ, પુણ્ય લગઇ અભંગુર ભોગ, પુણ્ય લગઇ કુટુંબ
પરિવાર તણા સંયોગ; પુણ્ય લગઇ પલાણીયઇં તુરંગ, પુણ્ય લગઇ
નવનવા રંગ; પુણ્ય લગઇ ધરિ ગજઘટા, ચાલતાં દીજઈ ચંદન
છટા; પુણ્ય લગઇ નિરુપમ રૂપ, અલક્ષ્ય સ્વરૂપ; પુણ્ય લગઇ
વસિવા પ્રધાન આવાસ, તુરંગમ તણી લાસ, પૂજઇં મન ચીંતવી
આસ; પુણ્ય લગઇ આનંદદાયિની મૂર્ત્તિ, અદ્ભુત સ્ફૂર્ત્તિ, પુણ્ય
લગઇ ભલા આહાર, અદ્ભુત શૃંગાર; પુણ્ય લગઇ સર્વત્ર બહુમાન,
ઘણું કિસ્યું કહીયઇ, પામીયઇ કેવલજ્ઞાન.

દ્વીપ, ક્ષેત્ર, નગર, રાજસભા, નાયક-નાયિકા, ઋતુ, વન, ચતુરંગ સેના-હાથી, ઘોડા, રથ, પદાતિ, ઘોર, અટવી, યુદ્ધ, સામૈયું, સ્વયંવર, લગ્નોત્સવ, ભોજનસમારંભ, સ્વપ્ન, જ્ઞાતિભેદો આદિનાં આલંકારિક છતાં પ્રાસાદિક વર્ણનોથી આખીયે રચના સંભૃત છે. એમાંથી વર્ષાઋતુનું વર્ણન ઉદાહરણ તરીકે જોઈએ૧૫[15] :

ઇસિઇં અવસરિ આવિઉ આષાઢ, ઇતર ગુણિ સંબાઢ; કાટઇયઇ
લોહ, ધામ તણઉ નિરોહ; છાસિ ખાટી, પાણી વીયાઈ માટી;
વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તાણુઉ કાલ, નાઠઉ દુકાલસ; જીણઇ
વર્ષાકાલિ મધુર ધ્વનિ મેહ ગાજઇ, દુર્ભિક્ષ તણા ભય ભાજઇ,
જાણે સુભિક્ષ ભૂપતિ આવતાં જયઢક્કા વાજઇ; ચિહું દિસિ વીજ
ઝલહલઇ, પંથી ઘર ભણી પુલઇ; વિપરીત આકાશ, ચંદ્ર-સૂર્ય
પારિયાસ; રાતિ અંધારી, લવઇં તિમિરી; ઉત્તરનઉ ઊનયણ, છાયઉ
ગયણ; દિસિ ઘોર, નાચઇં મોર, સધર, વરસઇ ધારાધર; પાણી
તણા પ્રવાહ ષલહલઇં, વાડજિ ઊપરિ વેલા વલઇં; ચીખિલ ચાલતાં
શકટ સ્ખલઈં, લોક તણાં મન ધર્મ ઊપરિ વલઇં, નદી મહાપૂરિ
આવઇં, પૃથ્વીપીઠ પ્લાવઇં; નવાં કિસલય ગહગહઇં; વલ્લીવિતાન
લહલહઇં; કુટુંબી લોક માચઇ, મહાત્મા બઇઠાં પુસ્તક વાંચઈ;
પર્વતતઉ નીઝરણ વિછૂટંઇ, ભરિયાં સરોવર ફૂંટઇં.

સ્વયંવરમંડપનું સંક્ષિપ્ત વર્ણન જુઓઃ૧૬[16]

તેતલઇં સૂત્રહારે સ્વયંવરમંડપ નીપાયુ, પોયણિને પાને છાયુ; કર્પૂર
કસ્તૂરી મહમહઇં, ઊપરિ ધ્વજ લહલહઇં; ચંદ્રૂઆ તણી વિચિત્રાઈ,
પૂતલી તણી કાવિલાઇં: થંભકુંભી તણા મનોહર ઘાટ, પઠઇ ભાટ;
રત્નમઇ તોરણ નઇ મોતીસરિ, અલંકારિઉ કુસુમ તણે પ્રકરિ,
વાદિત્ર વાજઇં, માંગલિક્ય ગીત છાજઇં; આરીસા ઝલકઇં, ચાલતાં
સ્ત્રીના નેઉર ખલકઇં. ઇસિઇ મંડપિ રાયયોગ્ય માંડ્યાં નામાંકિત
સિંહાસણ, માગણહારનઇં પગિ પગિ દીજઇ વાસણ.

આ પ્રકારની રચનાઓની સાહિત્યિક પૂર્વપરંપરા હોવી જોઈએ. ‘પૃથ્વીચન્દ્રચરિત’થી થોડાંક વર્ષ પૂર્વે રચાયેલા, જયશેખરસૂરિના ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’માં ‘બોલી’ના બે પ્રયોગ છે; એમાંનો એક૧૭[17] :

તિવાર પૂંઠિ મોકલાવિઉ સ્વામી, સ્વામી તણઉ આયસ પામી;
ચાલિઉ વિવેકુ રાઉ, વિસ્તરિઉ વિશ્વિ ભડવાઉ, તત્ત્વચિંતન-પટ્ટહસ્તિ
હૂઉ આસણિ, નિવૃત્તિ સુમતિ બેઉ ચાલ્યાં જુજુએ સુખાસણિ;
પીયાણઇ પીયાણઇ વાધઇ પરિવાર, જે જિ કાંઈ પ્રાર્થઇ તેહ રઇં
હઇ તે વસ્તુનુ દાન અનિવાર; તત્ત્વકથા-ત્રંબ દ્રહકઇં, ધજ અલંબ
લહલહઇં, સાધુ તણાં હૃદય ગહગહઇં; દુષ્ટ દોષી તણઉં દાટણ,
પામિઉં પુણ્યરંગ પાટણ.

જયશેખરસૂરિની પ્રકીર્ણ ગુજરાતી રચનાઓની એક સંગ્રહપોથીમાંથી બોલીમય ત્રણ ‘શ્લોક’ – સલાકો મળ્યા છે, તેમાં એક ‘શ્રીઋષભદેવ-નેમિનાથ શ્લોક’ છે.૧૮[18]

અહો શ્યાલક! જિમ ગ્રહમાહિ ચંદ્રુ, સુરવૃંદમાહિ ઇંદ્ર, મંત્રાક્ષરમાહિ
ઓંકાર ધર્મમાહિ પરોપકારં, નદીમાહિ ગંગા, મહાસતીમાહિ સીતા,
મંત્રમાહિ પંચપરમેષ્ઠિ નમસ્કારુ, દાયિકમાહિ ઉભય દાતારુ, ગુરુયઉ
તિમ તીર્થ સિવિહુંમાહિ સિદ્ધ ક્ષેત્રુ, શ્રી શત્રુંજય નામ પર્વતું; તેહ
ઊપરિ શ્રીનાભિરાયા તણા કુલનઇં અવતંસુ, માતા
મરુદેવાકુક્ષિસવસરોવરરાજહંસુ, તેત્રીસ કોટિ દેવતા તણઉં દેહરાસરુ
ચંદ્રમંડલ તણી પરિ મનોહરુ, સુવર્ણ્ણવર્ણ્ણિ રાજમાનુ, વૃષભલાંચ્છનિ
આહારઇ મનિ શ્રીયુગાદિદેવતા વસઇ; અનઇ યાદવકુલશૃંગાર,
સમગ્ર જીવનઇ રક્ષાકારુ, સૌભાગ્યસુન્દરુ, મહિમામંદિરુ, ઊનયા મેઘુ
સમાનુ વાનિ, પામીઇ સંપદ જેહનઇં ધ્યાનિ સ પરમેસરુ શ્રીરૈવતાદ્રિ
ભણીઇ ગિરિનારુ તીર્થ, તેહનઇ શિખરિ મુકુટાયમાનુ શ્રીનેમિનાથ
દેવતા વર્ણવીઇ.’

છંદોબદ્ધ રચનાઓમાં વચ્ચે બોલી-યુક્ત ગદ્ય મૂકવાની રૂઢિ પછીના સમયમાં પણ ચાલુ રહી હતી. ઈસવી સનના પંદરમા શતકના પૂર્વાર્ધમાં રચાયેલ હીરાણંદકૃત ‘વસ્તુપાલરાસ’ અને ઉત્તરાર્ધમાં રચાયેલાં નરપતિકૃત ‘પંચદંડ’, વીરસિંહકૃત ‘ઉષાહરણ’ આદિ કાવ્યોમાં તથા એ પછીની પણ કેટલીક કૃતિઓમાં આ સાહિત્યિક પ્રઘાત નજરે પડે છે. ‘વર્ણક-સમુચ્ચય’માં૧૯[19] સંકલિત વર્ણકો ઈસવી સનના પંદરમા શતકના ઉત્તરાર્ધ પછીના જણાય છે, પણ આ મોટે ભાગે પરંપરાપ્રાપ્ત રચનાઓ હોઈ એઓની પરિપાટી અને સાહિત્યિક સામગ્રી સોલંકીયુગને સ્પર્શ કરતી માનવું એ વધારે પડતું નથી. અન્ય ભગિનીભાષાઓની પ્રકાશિત રચનાઓમાં માત્ર જૂની મૈથિલી ભાષામાં અનુમાને ચૌદમા સૈકામાં રચાયેલ જ્યોતિરીશ્વર કવિશેખરકૃત ‘વર્ણરત્નાકર’ની૨૦[20] તુલના આપણા વર્ણકો સાથે કરી શકાય એમ છે.

૩. ઔક્તિક

‘ઔક્તિક’ એટલે ઉક્તિ અથવા ભાષા વિશેની રચના. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટે તૈયાર થયેલી કૃતિઓને ઔક્તિક કહે છે. ઔક્તિકના મૂળ કર્તાઓને મન ગુજરાતી ભાષા એક સાધનથી વિશેષ નથી, પણ આધુનિક અભ્યાસીને તો ઔક્તિકો ખૂબ ઉપયોગી છે, કેમકે ભાષાની વ્યાકરણ-વિષયક લાક્ષણિકતાઓનું એ નિરૂપણ કરે છે. પ્રત્યેક ઔક્તિકમાં ઘણુંખરું એક નાનો શબ્દકોશ હોય છે (જો કે એમાં શબ્દો અકારાદિ ક્રમે ગોઠવેલા હોતા નથી), અને એથી ભાષાના શબ્દભંડોળ તેમજ શબ્દોના અર્થવિકાસના અભ્યાસ માટે ઔક્તિકો બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. શ્રીમાલવંશીય ઠક્કુર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ (ઈ. ૧૨૮૦)૨૧[21] સૌથી પ્રાચીન ઉપલબ્ધ ઔક્તિક છે. એ વખતની ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ‘કાતંત્ર’ વ્યાકરણનું જ્ઞાન થવા માટે ‘બાલશિક્ષા’ રચાયેલ છે. બારમા સૈકામાં ‘સિદ્ધહેમ’ વ્યાકરણ રચાયું ત્યાર પહેલાં ગુજરાતમાં સર્વત્ર ‘કાતંત્ર’ વ્યાકરણનો પ્રચાર હતો અને એ પછી પણ એનો પ્રભાવ ઠીક સમય સુધી ચાલુ રહ્યો હતો. સંજ્ઞાપ્રક્રમ, સંધિપ્રક્રમ, સ્યાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસપ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ, સંસ્કારપ્રક્રમ અને ત્યાદિપ્રક્રમ એ પ્રમાણે આઠ પ્રક્રમોમાં ‘બાલશિક્ષા’ વહેંચાયેલ છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ (ઈ. ૧૩૦૪) તેનાથી પચીસ વર્ષ પૂર્વે ગુજરાતી ભાષાનું સ્વરૂપ કેવું હતું એના ઉપર આ ગ્રંથ પ્રકાશ પાડે છે. એ પછી, ઈ.ના ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં કોઈ ભટ્ટારક સોમપ્રભસૂરિકૃત ‘ઔક્તિક’ તથા એ જ અરસામાં દેવભદ્રના શિષ્ય તિલકકૃત ‘ઔક્તિક’ મળે છે. બંને અપ્રગટ છે.૨૨[22] કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ (ઈ. ૧૩૯૪)૨૩[23] એવા સમયે રચાયું છે કે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન બની રહે છે. અજ્ઞાતકર્તૃક ‘ષટ્કારક’૨૪[24]ની રચના પણ એ અરસામાં થઈ છે. દેવસુન્દરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ ઈ. ૧૪૧૦માં ‘ક્રિયારત્નસમુચ્ચય’૨૫[25] નામે ધાતુકોશ રચ્યો છે, અને એમાં તત્કાલીન ભાષામાં ક્રિયાપ્રયોગ કેમ થતા એનાં ઉદાહરણ આપ્યાં છે. ઈ. ૧૪૨૮માં કોઈ અજ્ઞાત બ્રાહ્મણ લેખકનું ‘ઉક્તિયુક્તમ્’૨૬[26] એક વિસ્તૃત અને વિશદ ઔક્તિક છે. ઈસવી સનની સત્તરમી સદીના આરંભનું સાધુસુન્દરગણિકૃત ‘ઉક્તિરત્નાકર’૨૭[27] ઔક્તિકરચનાની આ પરંપરાના સાતત્યનો એક સુંદર નમૂનો છે. આ પ્રદેશની ભાષા શુદ્ધ ગુજરાતીરૂપે સ્થિર વિકાસ પામતી હતી તે સમયે આ બધાં ઔક્તિક રચાયેલાં હોઈ ભાષાવિકાસના અભ્યાસ માટે એમનું મહત્ત્વ ભાગ્યે સમજાવવું પડે છે. જૂની ગુજરાતીનો એક નાનકડો સાર્થ શબ્દકોશ કેવળ ઔક્તિકોને આધારે જ તૈયાર કરી શકાય એમ છે. આ પછીના સમયમાં પણ નાનાંમોટાં અનેક ઔક્તિકો રચાતાં રહ્યાં છે, કેમકે ઔક્તિકો દ્વારા સંસ્કૃતના અધ્યયનમાં સરળ પ્રવેશ થઈ શકતો હતો, અને જેમને ઉચ્ચ વિદ્યાની સાધના કરવી હતી અથવા વિદગ્ધ સાહિત્યિક સમાજમાં સ્થાન મેળવવું હતું અથવા ધાર્મિક અને દાર્શનિક અભ્યાસ વિશિષ્ટ રીતે કરવો હતો તેમને માટે સંસ્કૃતની અનિવાર્ય આવશ્યકતા હતી.

સંદર્ભનોંધ

  1. ૧. મુદ્રિત : સંપા. ભોગીલાલ સાંડેસરા, ‘પ્રસ્થાન’, ફાગણ-ચૈત્ર, સં. ૧૯૮૮ (ઈ. ૧૯૩૨)
  2. ૨. મુદ્રિત : સંપા. આચાર્ય જિનવિજયજી, ‘પુરાતત્ત્વ’, પુસ્તક ૫, અંક ૪
  3. ૩. મુદ્રિત : ‘પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ’, પૃ. ૮૬-૮૭; ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ’ (સંપા. જિનવિજયજી), પૃ. ૨૧૮-૧૯
  4. ૪. મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૭-૮૮
  5. ૫. મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૮-૮૯, પ્રાગુગદ્યસંદર્ભ, પૃ. ૨૧૯
  6. ૬. મુદ્રિત : પ્રાગૂકાસંગ્રહ, પૃ. ૮૯-૯૦, પ્રાગુગદ્યસંદર્ભ, પૃ. ૨૧૯-૨૨૧
  7. ૭. એમાંથી છપાયેલી ૨૩ કથાઓ માટે જુઓ પ્રાગુગદ્યસંદર્ભ, પૃ. ૧-૫૯
  8. ૮. એ જ, પૃ. ૫૪
  9. ૯. મુદ્રિત : સંપા. ભોગીલાલ સાંડેસરા (જુઓ બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં નિબંધ ‘મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાં વિષે કેટલીક માહિતી.’ વળી Weights, Measures and Coinage of Mediaeval Gujarat, Journal of the Numismatic Society of India, December 1946
  10. ૧૦. પ્રાગુગદ્યસંદર્ભ, પૃ. ૬૦-૬૬
  11. ૧૧. ‘ઉપદેશમાલા’ અને ‘યોગશાસ્ત્ર’ના બાલાવબોધોમાંની કથાઓ માટે જુઓ ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’નાં પૃ. ૬૭-૧૨૬. ‘ષષ્ટિશતક’ ઉપરના સોમસુન્દરસૂરિ, જિનસાગરસૂરિ અને મેરુસુદરના બાલાવબોધો ભોગીલાલ સાંડેસરાએ એક સાથે સંપાદિત કર્યા છે (પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલા, ગ્રંથ ૧, વડોદરા, ૧૯૫૩)
  12. ૧૨. ‘પ્રાગુગદ્યસંદર્ભ’ પૃ. ૯૯
  13. ૧૩. ‘ષષ્ટિશતક પ્રકરણ’, ત્રણ બાલાવબોધો સહિત, પૃ. ૮૪-૮૫
  14. ૧૪. ‘પ્રાગૂકાવ્યસંગ્રહ’, પૃ. ૯૨-૧૩૦; ‘પ્રાગુગદ્યસંદર્ભ’, પૃ.૧૨૭-૬૦
  15. ૧૫. ‘પ્રાગૂકાવ્યસંગ્રહ’, પૃ. ૧૦૦
  16. ૧૬. એ જ, પૃ. ૧૧૧
  17. ૧૭. ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’, પૃ. ૧૫. બીજા પ્રયોગ માટે જુઓ પૃ. ૪૩
  18. ૧૮. ‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક’, ઑગસ્ટ ૧૯૬૧-૬૨માં ભોગીલાલ સાંડેસરાનો લેખ ‘જયશેખરસૂરિકૃત ત્રણ શ્લોક.’
  19. ૧૯. સંપા. ભોગીલાલ સાંડેસરા (પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા, ગ્રંથ ૪, વડોદરા, ૧૯૫૬)
  20. ૨૦. સંપા. સુનીતિકુમાર ચેટરજી અને પં. બબુઆ મિશ્ર, કલકત્તા, ૧૯૪૦
  21. ૨૧. ‘બાલશિક્ષા’નો પ્રથમ પરિચય પં. લાલચંદ ગાંધીએ ‘પુરાતત્ત્વ’(પુ. ૩, અંકઃ૧)માં આપ્યો હતો. જેસલમેરના ભંડારમાં સચવાયેલી હસ્તપ્રત ઉપરથી એનું સંપાદન આચાર્ય જિનવિજયજીએ કર્યું છે. (રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા, ગ્રંથ ૩, જોધપુર, ૧૯૬૨)
  22. ૨૨. એની નોંધ માટે જુઓ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પાટણના ભંડાર વિશેનો ચિમનલાલ દલાલનો લેખ, પૃ. ૩૬-૩૭
  23. ૨૩. ગુજરાત વિદ્યાસભાના સંગ્રહમાંની સં. ૧૪૯૦(ઈ. ૧૪૩૪)ની હસ્તપ્રત ઉપરથી એનું સંપાદન હરિ હર્ષદ ધ્રુવે કર્યું હતું. બીજી અનેક પ્રતોનો આધાર લઈ એમાંથી ઉપયોગી વિભાગોનું સંકલન જિનવિજયજીએ ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’ (પૃ.૧૭૨-૮૦)માં આપ્યું છે.
  24. ૨૪. જુઓ ચિમનલાલ દલાલનો ઉપર્યુક્ત લેખ, પૃ. ૩૭.
  25. ૨૫. મુદ્રિત : યશોવિજયજી જૈન પાઠશાળા દ્વારા, બનારસ, ૧૯૦૮
  26. ૨૬. આ કૃતિના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ ‘સાહિત્ય’ માસિક, મે ૧૯૩૨માં ભોગીલાલ સાંડેસરાનો લેખ ‘જૂની ગુજરાતી ભાષામાં એક ટૂંકી સમાસશિક્ષા.’
  27. ૨૭. મુદ્રિત : જિનવિજયજી (રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા, ગ્રંથ ૧૬, જયપુર, ૧૯૫૭)