ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/લૌકિક કથા આદિ : ભોગીલાલ સાંડેસરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭ લૌકિક કથા આદિ

ભોગીલાલ સાંડેસરા

૧ લૌકિક કથાઓ

લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યને બહુ નિકટનો સંબંધ છે. લોકસંગીત જેમ શિષ્ટ સંગીતકલાના મૂળમાં રહેલું છે, લોકનૃત્ય જેમ શિષ્ટ નૃત્યકલાના વિકાસનું ઉપાદાન તેમજ નિમિત્ત કારણ છે, અને લોકનાટ્ય જેમ નાટ્યકલા અને નાટ્યશાસ્ત્રના વિકાસ અને પ્રચારમાં પ્રેરણારૂપ બનેલું છે, તેમ સાહિત્યકલાને વિશે પણ એમ કહી શકાય. લોકસાહિત્યે શિષ્ટ સાહિત્યને પ્રેર્યું છે તથા એને સામગ્રી પૂરી પાડી છે. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનાં વિકાસ અને પરિમાર્જન વિના શિષ્ટ સાહિત્ય તરીકે ઓળખાતા જૂનાસાહિત્યના કેટલાયે પ્રકારોનું સર્જન કલ્પી શકાતું નથી. પછી એવોયે સમય આવે કે જ્યારે લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યના બે સમાન્તર મહાપ્રવાહો, પરસ્પરના ઝાઝા સંપર્કમાં આવ્યા વિના, વહે અને પુષ્ટ બને. પણ કાલાનુક્રમમાં જોઈએ તો, લોકસાહિત્ય પહેલું અને શિષ્ટ સાહિત્ય પછી. સમસ્ત સુધરેલા જગતના સાહિત્ય ઉપર નજર કરતાં જણાશે કે પ્રાચીનતમ શિષ્ટ સાહિત્યમાં તે તે દેશના લોકસાહિત્યનો અર્થાત્ પરંપરાગત પુરાણકથાઓ, અનુશ્રુતિઓ, વીરગાથાઓ, ધર્મકથાઓ, દૃષ્ટાંતકથાઓ, લોકકથાઓ, ગીતકથાઓ, બાળવાર્તા આદિનો સંગ્રહ અને સંચય થયો છે. આપણા દેશમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ તથા પશ્ચિમમાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ આ વાતનાં સબળ ઉદાહરણરૂપ છે. બહુજનસમાજમાં ઉદ્ભવેલી ભારતીય લોકવાર્તાઓ વિવિધ પ્રકારનાં રૂપાન્તરો પામી સંસ્કૃત અને પ્રાકૃત જેવી પ્રશિષ્ટ ભાષાઓમાં ગઈ અને ત્યાંથી પાછી નવ્ય ભારતીય ભાષાઓનાં જૂનાં સ્વરૂપોમાં સાહિત્યિક રૂપ ધારણ કરીને આવી. બીજી બાજુ એ જ વાર્તાઓનાં વિવિધ રૂપાન્તરો લોકમુખે તો પ્રચલિત રહ્યાં. ભારતીય સાહિત્યમાં, ઈ.ની પહેલી સદી આસપાસ થઈ ગયેલા ગુણાઢ્ય કવિની પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી લુપ્ત ‘બૃહત્કથા’ કેવળ આનંદલક્ષી સાંસારિક વાર્તાઓનો મહાન સમુચ્ચય હતો. ‘પંચતંત્ર’ અને એની વિવિધ પાઠપરંપરાઓમાં લોકકથાઓનો ઉપયોગ દુન્યવી ડહાપણ અને રાજનીતિના સિદ્ધાંતો શીખવવા માટે કરેલો છે, જ્યારે ‘જાતક’માં બૌદ્ધ, અવદાનોમાં અને પ્રાચીન જૈન સાહિત્યમાં મળતી પુષ્કળ વાર્તાઓ, ખરું જોતાં, ધર્મકથાનું સ્વરૂપ પામેલી લોકકથાઓ જ છે. ગુણાઢ્ય કવિની ‘બૃહત્કથા’ એ માત્ર ભારતીય સાહિત્યનો જ નહિ, પણ કદાચ વિશ્વસાહિત્યનો પ્રાચીનતમ કથારત્નાકાર ગણાય. ગુણાઢ્ય કવિ પ્રતિષ્ઠાનના સાતવાહન અથવા શાલિવાહન રાજાના દરબારમાં હતો. એક લાખ શ્લોક પ્રમાણનો આ વિરાટ કથાગ્રંથ આપણા દેશની લોકકથાઓનો બૃહત્તમ સંગ્રહ હોઈ ભારતીય સાહિત્યમાં ખૂબ લોકપ્રિય હતો, અને ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી, બલકે પ્રસ્તુત ક્ષેત્રમાં એ કરતાંયે કંઈક અદકી એવી, એની પ્રતિષ્ઠા હતી. સંસ્કૃતનાં સંખ્યાબંધ સુપ્રસિદ્ધ કાવ્યનાટકો અને કથાગ્રન્થોનું વસ્તુ ‘બૃહત્કથા’માંથી અથવા એનાં સંસ્કૃત રૂપાન્તરોમાંથી લેવાયેલું છે અને એમાંની કથાઓનું સાતત્ય પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્ય સુધી બરાબર રહેલું છે. કોઈ ધર્મગ્રંથ સાથે સરખાવી શકાય એવાં આદર અને લોકપ્રિયતા ‘બૃહત્કથા’એ પ્રાપ્ત કર્યાં હતાં; અનેક વિખ્યાત સંસ્કૃત અને પ્રાકૃત કવિઓએ પોતાની રચનાઓમાં ‘બૃહત્કથા’ અને એના કર્તા વિશે સબહુમાન ઉલ્લેખો કરેલા છે. ‘બૃહત્કથા’ના નાયક નરવાહનદત્તના પિતા વત્સરાજ ઉદયનની કથામાં નિપુણ એવા અવંતિજનપદવાસી ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’માં કર્યો છે. આ ઉપરાંત ‘હર્ષચરિત’નો કર્તા બાણ, ‘વાસવદત્તા’કાર સુબંધુ, ‘કાવ્યાદર્શ’નો કર્તા દંડી, પ્રાકૃત મહાકથા ‘કુવલયમાલા’ના કર્તા ઉદ્દ્યોતનસૂરિ, ‘દશરૂપક’નો કર્તા અને માલવપતિ મુંજનો સભાસદ ધનંજય તેમજ એનો ભાઈ તથા ટીકાકાર ધનિક, ‘ઉદયસુન્દરીકથા’નો કર્તા કાયસ્થ સોઢલ, ‘કાવ્યાનુશાસન’કાર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર, ‘આર્યાસપ્તશતી’કાર ગોવર્ધન, ‘સુરથોત્સવ’ મહાકાવ્યનો કર્તા તથા ગુજરાતના મંત્રી વસ્તુપાળનો મિત્ર સોમેશ્વર – આવા અનેક પ્રતિષ્ઠિત ગ્રંથકારોએ પૈશાચી પ્રાકૃત જેવી હલકી ગણાયેલી લોકભાષામાં રચાયેલ ‘બૃહત્કથા’ અને એના કર્તા ગુણાઢ્યને અંજલિઓ સમર્પી છે. ‘બૃહત્કથા’ની ખ્યાતિ ભારતવર્ષની બહાર પણ હતી. નવમી સદીના, કંબોડિયાના એક શિલાલેખમાં ગુણાઢ્ય કવિને માનાંજલિ અપાયેલી છે. આપણા દેશના પ્રાચીન સાહિત્યમાં અનેક વાર એવું બન્યું છે કે કોઈ પ્રસિદ્ધ પ્રાકૃત ગ્રંથના સંસ્કૃતમાં સારોદ્વાર અને સંક્ષેપ તૈયાર થાય એટલે મૂળ ગ્રંથ ક્રમશઃ અજાણ્યો બને અને લુપ્ત થઈ જાય. ‘બૃહત્કથા’ વિશે પણ એમ થયું જણાય છે. એના સંસ્કૃત સંક્ષેપોમાં બુધસ્વામી-કૃત અપૂર્ણ ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ’ (ઈ.નો પાંચમો-છઠ્ઠો સૈકો), સોમદેવકૃત ‘કથાસરિત્સાગર’ અને ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથામંજરી’ (બંને ઈ.નો અગિયારમો સૈકો) એ ત્રણ રચનાઓ છે. એ પૈકી સોમદેવકૃત ‘કથાસરિત્સાગર’નો વિસ્તાર લગભગ વાલ્મીકિના ‘રામાયણ’ જેટલો હોઈ એના ઉપરથી મૂળ ગ્રંથની ઇયત્તાની કંઈક કલ્પના આવશે. વાચક સંઘદાસગણિકૃત ‘વસુદેવ-હિંડી’ એ પાંચમા સૈકા આસપાસ ‘બૃહત્કથા’નું પ્રાકૃત ગદ્યમાં થયેલું જૈન રૂપાન્તર છે. મૂળ ‘બૃહત્કથા’માં વત્સરાજ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં અનેકવિધ પરિભ્રમણો-પરાક્રમો તથા અનેક વિદ્યાધર અને માનવકન્યાઓ સાથે એનાં પાણિગ્રહણ વર્ણવેલાં છે અને કથાના આ મુખ્ય કલેવરમાં સેંકડો નાનાંમોટાં વાર્તાચક્રો અને આડકથાઓ આવે છે. ‘સિંહાસનબત્રીસી’ અને ‘વેતાલપચીસી’નાં વાર્તાચક્રો સૌ પહેલાં એમાં મળે છે. ‘પંચતંત્ર’ની વાર્તાઓનો સમાવેશ પણ એની અમુક પાઠપરંપરામાં હતો. ‘ મુગ્ધકથાઓ’ – અડવાની વાતો પણ એમાં હતી. એમ કહી શકાય કે લોકવાર્તાઓના આ સમૂહને સમાવવા માટે કર્તાએ નરવાહનદત્તની મુખ્ય કથાનો ઉપયોગ કર્યો છે. આ રચનાનું જૈન રૂપાંતર તે ‘વસુદેવ-હિંડી’. ‘વસુદેવ-હિંડી’ એટલે ‘વસુદેવનું પરિભ્રમણ’. જૈન પુરાણકથા પ્રમાણે, શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને નીકળ્યા હતા અને વર્ષોના પરિભ્રમણ દરમિયાન એમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં તથા અનેક પ્રકારનાં પરાક્રમો કરતાં જગતના કડવા-મીઠા અનુભવો લીધા હતા. એનો વૃત્તાંત એ ‘વસુદેવ-હિંડી’ના કથાભાગનું મુખ્ય કલેવર છે, પણ જ્યાંજ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધર્મકથાઓ, લોકકથાઓ અને વાદસ્થલો તેમજ તીર્થંકરો તથા સાધુઓ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્રો તથા ‘કથાનુયોગ’માં સમાવેશ પામતી બીજી અનેક વાતોનું નિરૂપણ કરીને ‘વસુદેવ-હિંડી’ ગ્રંથને એક મહાકાય ધર્મકથારૂપે રજૂ કર્યો છે. ‘બૃહત્કથા’ના નાયક નરવાહનદત્તને સ્થાને જૈન લેખકે શ્રીકૃષ્ણના પિતા વસુદેવને મૂક્યા છે અને બીજાં કેટલાંક પરિવર્તનો કરીને મૂળની શૃંગારકથાને ધર્મકથાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. (... सिंगारकहाववएसेण धम्मं चेव परिकहेमि । – ‘વસુદેવ-હિંડી’નો અપ્રગટ મધ્યમ ખંડ). છતાં ઠેઠ પાંચમી સદી જેટલા પ્રાચીન કાળમાં તેમજ પ્રાકૃત ભાષામાં એની રચના થયેલી હોઈ, મૂળ ‘બૃહત્કથા’ની લાક્ષણિકતા તેમજ ગુણાઢ્યની કાવ્યશક્તિનું વધારે સ્પષ્ટ જીવંત અને પ્રતીતિજનક ચિત્ર રજૂ કરે છે, એમ ‘કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથામંજરી’ જેવા પછીના કાળના સંસ્કૃત સંક્ષેપો સાથે ‘વસુદેવ-હિંડી’ની તુલના કરતાં લાગે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જોઈએ તો, રામાયણ-મહાભારત અને અન્ય પુરાણાદિને આધારે થયેલી રચનાઓની તુલનાએ લોકવાર્તાને વસ્તુ તરીકે લઈને ગ્રથિત થયેલી કૃતિઓનું પ્રમાણ કંઈ ઓછું નથી. પ્રાકૃત સાહિત્યમાં પણ કેવળ ધાર્મિક કૃતિઓને બાદ કરીએ તો, બાકીની રચનાઓમાં વાર્તાઓનું પ્રમાણ ઠીકઠીક છે. ધાર્મિક કૃતિઓમાં પણ, કથાગ્રંથો અને ઉપદેશગ્રંથોમાંની દૃષ્ટાન્તકથાઓ વસ્તુતઃ લોકવાર્તાઓનું ઉદ્દેશપ્રધાન સ્વરૂપ જ છે. સંસ્કૃત અને તદુત્થ લોકભાષાઓની અનેકાનેક અનુવાદાત્મક રચનાઓ દ્વારા લુપ્ત ‘બૃહત્કથા’ પણ ભારતીય સાહિત્યમાં આજ સુધી જીવંત રહી છે. કેવળ ઉદાહરણરૂપે જ થોડાક નિર્દેશો કરીએ તો, ‘સ્વપ્નવાસવદત્ત’, ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ’ અને ‘ચારુદત્ત’ એ ભાસ કવિનાં નાટકો ‘બૃહત્કથા’માં સંકલિત થયેલી અનુશ્રુતિઓને આધારે રચાયાં છે. શૂદ્રકના વિખ્યાત નાટક ‘મૃચ્છકટિક’ની રચનામાં ભાસના નાટક ‘ચારુદત્ત’નો આધાર લેવાયો છે એ જાણીતું છે. ચક્રવર્તી કવિ હર્ષનું નાટક ‘નાગાનન્દ’, જેમાં વિદ્યાધર જીમૂતવાહન પ્રાણાર્પણ કરીને પણ ગરુડ પાસે નાગ લોકોને અભય અપાવે છે, એનું વસ્તુ ‘બૃહત્કથા’માંથી લેવાયું છે. ભવભૂતિના ‘માલતીમાધવ’ નાટકનું વસ્તુ પણ લોકકથા જ છે. ભાણ પ્રહસન આદિ રૂપકોનું મૂળ લોકનાટ્યમાં હોય એમ સ્પષ્ટ જણાય છે. સંસ્કૃત ગદ્યકથાઓમાં બાણની ‘કાદંબરી’ અને દંડીનું ‘દશકુમારચરિત’ એ લોકવાર્તા કે લોકવાર્તાઓના સમુચ્ચયો છે. સુબંધુકૃત ‘વાસવદત્તા’, વાદીભસિંહકૃત ‘ગદ્યચિંતામણિ,’ હરિશ્ચંદ્રકૃત ‘જીવન્ધરચંપૂ’ આદિમાં સમગ્ર વસ્તુ ‘બૃહત્કથા’નું છે. સોઢલકૃત ‘ઉદયસુન્દરીકથા’, ધનપાલકૃત ‘તિલકમંજરી’ આદિ કેટલીયે એવી કથાઓ છે કે જે ગદ્યકાવ્યો હોવા ઉપરાંત લોકવાર્તાના પ્રાચીન સાહિત્યના પરિશીલન માટે ઉપયોગી છે. ગુજરાતમાં મધ્યકાળમાં રચાયેલા સંસ્કૃત પ્રબન્ધો – ‘પ્રબન્ધચિન્તામણિ’, ‘પ્રબન્ધકોશ’, ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ’, ‘પ્રબન્ધપંચશતી’, ‘ઉપદેશતરંગિણી,’ કુમારપાળ અને વસ્તુપાળનાં અનેક ચરિત્રો તથા એ પ્રકારની બીજી બહુસંખ્ય રચનાઓ – ઐતિહાસિક અનુશ્રુતિ અને લૌકિક કથાઓની રસપ્રદ સંસૃષ્ટિ રજૂ કરે છે. ‘સિંહાસનબત્રીસી’, ‘વૈતાલપચીસી’, ‘પંચદંડ’ આદિ વિક્રમ-વિષયક વાર્તાચક્રો ઉપરાંત ‘શુકસપ્તતિ’ (સુકસિત્તરી, સૂડાબહોતેરી), ‘માધવાનલ-કામકંદલા’, ‘નંદચરિત્ર’ (નંદબત્રીસી), ‘સદયવત્સકથા’ (સદેવંત-સાવળિંગા), ‘આરામશોભા’ આદિ કથાઓની સંસ્કૃતમાં રચના પણ ગુજરાત અને રાજસ્થાનમાં થઈ છે. ‘વિનોદકથાસંગ્રહ’માં હાસ્યરસના લોકપ્રચલિત ટુચકાઓને સંસ્કૃત રૂપમાં સંઘર્યા છે અને ‘ભરટકદ્વાત્રિંશિકા’માં કોઈ અજ્ઞાતનામા લેખકે અજ્ઞાન બાવાઓની મૂર્ખતાની રમૂજી વાતો એકત્ર કરી છે. આમ લગભગ બધા કથાવિષયો ઉપર ગુજરાતીમાં પણ રચનાઓ થઈ છે, અને કેટલાક દાખલાઓમાં તે તે વિષયની સંસ્કૃત રચનાઓ કરતાં ગુજરાતી રચનાઓ આનુપૂર્વીની દૃષ્ટિએ જૂની છે. સાહિત્યના પ્રવાહો તથા એ પ્રવાહોને પ્રવર્તાવનાર બળોની દૃષ્ટિએ આ સંસ્કૃત તેમજ ગુજરાતી રચનાઓને એક જ કોટિની ગણવી જોઈએ, કેમકે ભાષાના આવરણને બાદ કરતાં (એ ભાષાભેદ પણ પ્રમાણમાં ગૌણ છે, કેમ કે લૌકિક કથાઓ વર્ણવતી આપણા દેશની સંસ્કૃત રચનાઓ પણ લોકભાષાના શબ્દપ્રયોગો અને રૂઢિપ્રયોગોથી તરબોળ છે) એ રચનાઓનું અંતસ્તત્ત્વ સર્વ રીતે સમાન છે. આમ છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ વિશેના આ ગ્રંથમાં, ગૌણમુખ્ય ભાવથી જોતાં તેમજ વિષયનિરૂપણની અનુકૂળતાની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની કૃતિઓને કેન્દ્રમાં રાખીને આપણે અવલોકન કરીશું. બહુજનસમાજમાંથી લોકવાર્તાઓ સંસ્કૃત અને પ્રાકૃત જેવી પ્રશિષ્ટ ભાષાઓના ગ્રંથોમાં ગઈ અને ત્યાંથી પાછી લોકભાષાઓમાં સાહિત્યિક રૂપે આવી, જેને લૌકિક કથા કે પદ્ય-વારતા રૂપે ઓળખીએ છીએ. અવિકલ રૂપે ઉપલબ્ધ કથાઓની વાત કરીએ તો, ગુજરાતીમાં ‘હંસાઉલિ’કાર અસાઈત અને ‘સદયવત્સકથા’કાર ભીમથી માંડી નિદાન શામળ ભટ્ટ સુધી આ સાહિત્યપરંપરા સબળ રીતે ચાલુ રહી છે. અસાઈતથી શામળ સુધીનાં આશરે ચારસો-સવાચારસો વર્ષમાં વિક્રમ, નંદ-માધવાનલ, સદયવત્સ, ચંદનમલયાગિરિ વગેરે લોકપ્રસિદ્ધ પાત્રો ઉપરાંત બીજી અનેક લૌકિક કથાઓ વિશે એકથી વધારે ગુજરાતી લેખકોએ રચના કરી છે. એ રચનાઓની સંખ્યા એટલી મોટી છે કે તે તે વિષયની સંસ્કૃત રચનાઓનાં નિર્દેશ સાથેની એની વ્યવસ્થિત યાદીનું પણ એક નાનું પુસ્તક થાય. એક જ કથાવસ્તુ પરત્વે જુદાજુદા કવિઓની રચનામાં સમયાનુસાર, પ્રસંગાનુસાર, ધર્માનુસાર વિવિધ ફેરફારો માલૂમ પડે છે. કોઈ વાર પુરોગામીઓની સબળ અસર પછીના લેખકો ઉપર પડેલી જણાય છે. કર્તા જૈન હોય કે વૈદિક એ પોતાના મત પ્રમાણે, વૃદ્ધમાન્ય વાર્તાઓના કોઈ પ્રસંગ વધારી-ઘટાડી ઇષ્ટ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે અથવા વસ્તુસંકલનામાં તદનુસાર પરિવર્તન કરે છે. ક્વચિત્ એકની એક વાર્તા કશા ખાસ ફેરફાર વિના અનેક લેખકોની કૃતિઓમાં નિરૂપાય છે. લોકમુખે તો આ બધી વાર્તાઓનાં વિવિધ સ્વરૂપો આજ સુધી પ્રચલિત છે. લૌકિક કથાના બે પ્રવાહો આમ શિષ્ટ સાહિત્યમાં સાથોસાથ વહેતા રહ્યા છે અને પરસ્પરને પ્રભાવિત કરતા રહ્યા છે. ઈ. ૧૧૫૦ થી ૧૪૫૦ સુધીનો કાલખંડ એ, સામાન્યતઃ જોઈએ તો, આચાર્ય હેમચંદ્રના સમયથી માંડી નરસિંહ મહેતાની કાવ્ય-રચનાપ્રવૃત્તિ શરૂ થઈ એના કિંચિત્ પૂર્વકાળ સુધીનો યુગ છે. ખાસ કરીને જૈન જ્ઞાનભંડારો વડે થયેલાં સાહિત્યસંગોપનને કારણે બીજી કોઈ પણ નવ્ય ભારતીય આર્યભાષાની તુલનાએ ગુજરાતીનું પ્રારંભિક સાહિત્ય વિશેષ પ્રમાણમાં સચવાયું છે અને પદ્યમાં તેમજ ગદ્યમાં સાહિત્યના વિવિધ પ્રકારોના નમૂના આટલા જૂના સમયમાં પણ આપણને મળ્યા છે, જોકે એમાં લૌકિક કથાઓની સંખ્યા અલ્પ છે. એનો અર્થ એટલો જ છે કે આ પ્રકારની કથાઓ પણ રચાઈ હશે, પણ એ પૂરતા પ્રમાણમાં આજ સુધી સચવાઈ નથી. હેમચંદ્રકૃત ‘સિદ્ધહેમ’ વ્યાકરણના આઠમા અધ્યાયના અપભ્રંશ ભાગમાં કર્તાએ પોતાના સમયના તેમ એ પૂર્વેના લોકસાહિત્ય તેમજ શિષ્ટસાહિત્યમાંથી અને પ્રચલિત સુભાષિતોમાંથી અનેક અવતરણ ટાંક્યાં છે, એમાંથી નીચેનાં બે જુઓ :

રક્ખઇ સા વિસ-હારિણી બે કર ચુંબિવિ જીઉ,
પડિબિંબિઅ-મુંજાલુ જલુ જેહિં અડોહિઉ પીઉ.
બાહ વિછોડવિ જાહિ તુહું હઉં તેવઁઇ કો દોસુ,
હિઅય-ટ્ટિઉ જઇ નીસરહિ જાણઉં મુંજ સરોસુ. (સૂત્ર ૪૩૯)

આ દુહા કોઈ કથા-કાવ્યમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે એ સ્પષ્ટ છે. એમાં નાયક મુંજ છે. માળવાનો પ્રસિદ્ધ વિદ્યાવિલાસી રાજા મુંજ તે જ આ હોય એ અસંભવિત નથી. હેમચંદ્રના લઘુવયસ્ક સમકાલીન સોમપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલ ‘કુમારપાલપ્રતિબોધ’ (ઈ. ૧૧૮૫)માં કેટલોક ભાગ અપભ્રંશમાં છે અને એમાં કેટલીક લૌકિક કથાઓ છે. મેરુતુંગાચાર્યકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’(ઈ. ૧૩૦૫), રાજશેખરસૂરિકૃત ‘પ્રબન્ધકોશ’ (ઈ. ૧૩૪૯) આદિ અનેક પ્રબંધોમાં સંસ્કૃત વૃત્તાન્તકથનની વચ્ચેવચ્ચે ઉત્તરકાલીન અપભ્રંશ કે જૂની ગુજરાતીમાં અનેક દુહાઓ વેરાયેલા છે તે પણ વિવિધ લૌકિક કથાઓ, ગીતકથાઓ કે કથાકાવ્યોનો પ્રચાર સિદ્ધ કરે છે. એ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે બારમી, તેરમી અને ચૌદમી સદીમાં આ પ્રદેશની ભાષાનું સાહિત્ય સુવિકસિત હતું અને અનેક લોકપ્રસિદ્ધ પાત્રોને લગતાં કથાનકો, વાર્તાઓ અને દુહા સમાજમાં પ્રચલિત હતા. આ કાળખંડમાં રચાયેલી સળંગ લૌકિક કથાઓ અલ્પ પ્રમાણમાં બચી છે, પણ એના વિકસિત સાહિત્યસ્વરૂપ ઉપરથી સ્પષ્ટ છે કે પ્રાકૃત અને અપભ્રંશની આ પ્રકારની સાહિત્યપરંપરાનો પૂરો લાભ આ કૃતિઓને મળ્યો છે. અર્થાત્ આ સાહિત્યસ્વરૂપ ઉપલબ્ધ કૃતિઓની રચના પૂર્વે લાંબા સમયથી ખેડાતું હોવું જોઈએ. જૈન કવિ વિજયભદ્રે રચેલી ‘હંસરાજ-વચ્છરાજ ચોપાઈ’ (ઈ. ૧૩૫૫) સળંગરૂપે ઉપલબ્ધ સૌથી જૂની લૌકિક કથા છે, પણ એ હજુ અપ્રગટ હોઈ એની સમાલોચના શક્ય નથી. એ પછી ટૂંક સમયમાં રચાયેલી અસાઈતકૃત ‘હંસાઉલિ’ (ઈ. ૧૩૭૧)નું કથાવસ્તુ વિજયભદ્રની કૃતિથી અભિન્ન હોય એવું અનુમાન થાય છે. પ્રચલિત અનુશ્રુતિ પ્રમાણે, અસાઈતનું મૂળ વતન સિદ્ધપુર હતું અને એના પિતાનું નામ રાજારામ ઠાકર હતું. એ યજુર્વેદી ભારદ્વાજ ગોત્રનો ઔદીચ્ય બ્રાહ્મણ હતો. પાસેના ઊંઝા ગામનો હેમાળા નામે પાટીદાર અસાઈતના શિષ્ય જેવો હતો. એની ખૂબસૂરત પુત્રી ગંગાને એક મુસ્લિમ સરદાર પાસેથી બચાવવાના પ્રયત્નમાં એ પોતાની પુત્રી છે એમ પુરવાર કરવા માટે અસાઈતે એની સાથે ભોજન કર્યું અને પરિણામે એ જ્ઞાતિબહિષ્કૃત થયો અને ઊંઝામાં હેમાળા પટેલના આશ્રયે આવી એણે નિવાસ કર્યો. ત્યાં રહી અસાઈતે ભવાઈના ત્રણસો સાઠ વેશ લખ્યા એમ કહેવાય છે. (અત્યારે પણ ભવાઈના કેટલાક વેશોમાં ‘અસાઈત ઠાકર’નું નામ આવે છે.) આ વંશજો તે ભવાઈના વેશો ભજવનાર, અભિનયકલાનિપુણ તરગાળા એમ મનાય છે. અસાઈતકૃત ‘હંસાઉલિ’[1] ચાર ખંડમાં ૪૭૦ કડીમાં વહેંચાયેલી છે. (ઈ.ની ૧૭મી સદીમાં ખંભાતના કવિ શિવદાસે આ જ વિષય ઉપર ‘હંસાચારખંડી’ નામે ઓળખાતી કૃતિ રચી છે.) વિજયભદ્ર અને અસાઈત બંનેની કૃતિઓ લૌકિક કથાઓ માટે પરાપૂર્વથી પ્રયોજિત માત્રામેળ છંદોમાં રચાઈ છે. વિશેષ એ કે અસાઈતની ‘હંસાઉલિ’માં નાયિકાના મુખમાં દેશી રાગમાં રચાયેલાં ત્રણ ગીતો પ્રસંગોપાત્ત મુકાયાં છે. કથાપ્રસંગો અદ્ભુતરસપ્રધાન હોઈ આકર્ષક છે, પણ કાવ્યરસની દૃષ્ટિએ ‘હંસાઉલિ’ સાધારણ છે. કૃતિનો સાર સંક્ષેપમાં જોઈએ : શંભુ શક્તિને, વિઘ્નહર ગણેશને, કાશ્મીરમુખમંડની સરસ્વતીને તથા વેદવ્યાસ અને વાલ્મીકિને પ્રણામ કરીને અસાઈત કહે છે કે હું વીરકથા વર્ણવીશ. પૈઠણ નગરમાં શાલિવાહનનો પુત્ર નરવાહન રાજા હતો. એનો નાનો ભાઈ શક્તિકુમાર હતો. એક વાર રાજાએ સ્વપ્નમાં કનકાપુર પાટણના રાજા કનકભ્રમની કુંવરી હંસાઉલિ સાથે લગ્ન કર્યું. એ સમયે રાજકાજ અંગે પ્રધાને મનકેસરે એને જગાડ્યો. રાજા ક્રોધાયમાન થઈ પ્રધાનને મારવા તૈયાર થયો ત્યારે પ્રધાને કહ્યું કે ‘એક માસમાં તમને એ કન્યા પરણાવીશ.’ મંત્રીએ પછી સદાવ્રત માંડ્યાં અને પરદેશી અતિથિઓને એમાં જમાડવા માંડ્યા. એક અતિથિએ કહ્યું કે ‘સમુદ્રની પેલે પાર કનકાપુર પાટણ છે, ત્યાંના રાજા કનકભ્રમની પુત્રી હંસાઉલિ ઘણી સુંદર છે.’ પછી ‘દેસાઉરિ મંત્રી’ (પરદેશમંત્રી)ને સાથે લઈ મનકેસર રાજદ્વારમાં ગયો, રાજાએ પોતાના ભાઈ શક્તિકુમારને ગાદીએ બેસાડ્યો, અને ત્રણે ત્યાંથી નીકળ્યા. કનકાપુર પહોંચી ત્યાં માલણને ઘેર ઊતર્યાં. ત્યાં એમણે જાણ્યું કે હંસાઉલિ પુરુષ-દ્વેષિણી છે અને અમુક દિવસોએ શક્તિમઠમાં દેવીનું દર્શન કરવા જાય છે ત્યારે પુરુષનો સંહાર કરે છે. પછી હંસાઉલિ દેવીના દર્શને ગઈ ત્યારે મૂર્તિની પાછળ ઊભા રહી મનકેસરે એને નરહત્યા કરવા બદલ ઠપકો આપ્યો. હંસાઉલિએ પુરુષદ્વેષિણી થવાનું કારણ આપ્યું. પૂર્વભવમાં પોતે પંખિણી હતી, પોતાને અને બચ્ચાંને બળતાં મૂકીને પતિ ચાલ્યો ગયો હતો એને કારણે દ્વેષ ઉત્પન્ન થયો. મંત્રીની ચતુરાઈથી દેવી પ્રસન્ન થઈ, અને મંત્રીએ એની પાસેથી ચિત્રવિદ્યા માગી. પછી એ ચિત્રકારનો ધંધો કરવા માંડ્યો. એની કીર્તિ સાંભળી હંસાઉલિએ એને બોલાવ્યો. મંત્રીએ ચિત્ર કરીને બતાવ્યું કે પંખિણીનો પતિ નાસી ગયો નહોતો, પણ પાણી લેવા ગયો હતો અને પોતાના કુટુંબને બળતું જોઈ પોતે પણ દવમાં બળી મર્યો હતો. આ જોઈ હંસાઉલિને પસ્તાવો થયો. ચિતારાએ કહાવ્યું કે એ પંખી નરવાહનરૂપે જન્મ્યો છે. આથી હંસાઉલિ નરવાહનમાં આસક્ત થઈ અને એક માસ પછી સ્વયંવરમાં નરવાહનને વરી. હંસાઉલિને બે બળવાન પુત્ર જન્મ્યા : હંસ અને વત્સ. એમના પ્રત્યે કામાતુર થયેલી એમની અપરમાતા રાણી લીલાવતીએ, પોતાનો હેતુ સિદ્ધ નહિ થતાં, રાજા પાસે એમને દેહાન્તદંડનો આદેશ કરાવ્યો. પણ મંત્રી મનકેસરે રાજકુમારોને બચાવ્યા. વનમાં એમને જીવતા છોડ્યા અને એમને બદલે હરણની આંખો લાવીને રાજાને બતાવી. આ તરફ વનમાં સર્પદંશ થતાં હંસનું મરણ થયું. એક સરોવરતટે વડના ઝાડ ઉપર હંસનું શબ બાંધીને વત્સ પોતાના કાન્તિનગરમાં ચંદનકાષ્ઠ લેવા ગયો. એ સમયે ત્યાં ગરુડ પાણી પીવા આવ્યું. એની પાંખના પવનથી હંસનું ઝેર ઊતર્યું અને બંધ છોડીને એ ઝાડ ઉપરથી નીચે ઊતર્યો. બીજી બાજુ, ‘વત્સરાજ નગરમાં એક વેપારીને ત્યાં બે ઘોડા અને બાર રત્નની થાપણ મૂકીને તથા ચંદનકાષ્ઠ લઈને પાછો આવ્યો, પણ હંસને એણે ન જોયો. શબને કોઈ પશુ લઈ ગયું હશે એવો તર્ક કર્યો, પણ ત્યાં તો હંસનાં પગલાં જોઈ આશ્ચર્ય પામ્યો. પાછો નગરમાં આવી એણે વેપારી પાસે પોતાની થાપણ માગી ત્યારે વેપારીએ ચોરીનું આળ ચડાવ્યું. વત્સના વધની આજ્ઞા થઈ, પણ તલાર-નગરરક્ષકની પત્નીએ એને નિર્દોષ જાણીને બચાવ્યો અને ધર્મપુત્ર કરીને રાખ્યો. હંસ પણ એ જ નગરમાં આવી કેલ્હણ નામના કબાડીને ત્યાં આશ્રિત રહ્યો હતો.’ હવે, પેલા લુચ્ચા વેપારીનું વહાણ પરદેશ જવા સજ્જ થયું, પણ બંદરમાંથી ઊપડે જ નહિ. જોશીએ કહ્યું, ‘થાપણમોષનું આ પરિણામ છે; કોઈ બત્રીસો આવે તો ઊપડે.’ શેઠ બધું સમજી ગયો. રાજાને વિનંતી કરી, તલારના ધર્મપુત્રને (વત્સને) સાથે વહાણમાં મોકલ્યો. વહાણ પ્રવાસ કરતું સનકાવતી નગરીમાં આવ્યું. ત્યાંની રાજપુત્રી ચિત્રલેખા વત્સને જોઈ મોહ પામી. માતાપિતાને કહી એણે સ્વયંવર કરાવ્યો અને વત્સ સાથે એ પરણી. પણ વહાણવટી શાહુકારના પુત્રે કહ્યું કે ‘આ તો અમારો અશ્વપાલ છે.’ આથી રાજા ક્રોધાયમાન થયો, વત્સને મારવાને રાજાએ ઘણા પ્રયત્ન કર્યા, પણ દર વખતે એનો ચમત્કારિક બચાવ થતાં રાજા આશ્ચર્ય પામ્યો. છેવટે ચિત્રલેખાના આગ્રહથી વત્સે પોતાની સાચી ઓળખાણ આપી બંધુવિરહનું દુઃખ પ્રગટ કર્યું. વહાણવટીના પુત્ર પુષ્પદંતના કહેવાથી પછી બધાં સમુદ્રમાર્ગે કાન્તિનગરી જવા નીકળ્યાં. વત્સને ખાસ તો પોતાના ભાઈ હંસને મળવાની ઇચ્છા હતી. (આ બાજુ, કાન્તિનગરનો રાજા અપુત્ર મરણ પામતાં હાથણીએ હંસ ઉપર કળશ ઢોળ્યો હતો અને એ રાજા થયો હતો.) માર્ગમાં પુષ્પદંતે વત્સને સમુદ્રમાં ફેંકી દીધો અને ચિત્રલેખા પાસે લગ્નની માગણી કરી. ‘છએક માસ શોક ન પાળીએ તો પહેલો પતિ પ્રેત થઈને પીડ કરે’ એમ કહી ચિત્રલેખાએ પુષ્પદંતને ધીરજ રાખવા સમજાવ્યો. બીજી તરફ, સમુદ્રમાં ફેંકાયેલો વત્સ સમુદ્રકિનારે કાન્તિનગરમાં ઊતરી એક વાડીમાં જઈ સૂઈ રહ્યો. એના આગમનથી બધાં વૃક્ષો ખીલી ઊઠ્યાં. માલણે એ જોયું અને એને લાગ્યું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. કુંવર જાગ્યો, અને માલણ, જેનો પતિ અને પાંચ પુત્રો મરણ પામ્યા હતા તે, એને ધર્મપુત્ર કરીને પોતાને ઘેર લઈ ગઈ, પણ વત્સને હંસનો અને પત્નીનો એમ બે વિરહ પીડતા હતા. થોડા દિવસમાં સમુદ્રમાંથી વહાણ આવ્યાની વધામણી આવી અને પુષ્પદંત રાજકુમારીને પરણીને આવ્યો છે એવી સંભળાઈ. વત્સે માલણને કહ્યું કે ‘એમને ત્યાં રોજ હાજરી આપજો.’ ચિત્રલેખાના દેહપ્રમાણ કુસુમના વિવિધ અલંકારો તૈયાર કરીને એ માલણ મારફત મોકલવા લાગ્યો. અલંકારોમાં મર્મપૂર્વક એણે પોતાનું નામ લખ્યું એ જોઈને ચિત્રલેખા ચમત્કૃત થઈ અને આઘાતથી મૂર્ચ્છા પામી. ભાનમાં આવી એણે પૂછ્યું : ‘આ પુષ્પ કોણે ગૂંથ્યાં છે?’ માલણે કહ્યું : ‘મારા પુત્રે.’ ચિત્રલેખા સમજી ગઈ. પાનના બીડામાં એણે પત્ર મોકલ્યો : ‘હે સ્વામી, હું અખંડશીલવતી છું.’ આ તરફ કાન્તિનગરમાં હંસરાજે પડો ફેરવ્યો કે ‘બંધુ વત્સરાજની જે ખબર આપે તેને અર્ધું રાજ્ય આપું.’ ચિત્રલેખાએ પડો અટકાવ્યો, મહાજન સમક્ષ બધો વૃતાન્ત કહ્યો, અને અનેક સંકટો વેઠ્યા પછી માલણને ઘેર વત્સરાજ વિદ્યમાન છે એ જણાવ્યું. હંસરાજ ત્યાં જઈ પોતાના બાંધવને મળ્યો અને એણે આજ્ઞા કરી : ‘અપરાધી શેઠને સકુટુંબ શૂળીએ ચડાવો’, પણ વત્સરાજે પોતાના કર્મને દોષ દઈ તરણા ઉપર કુહાડો મારવાની ના કહી. હંસરાજે વીરનું વચન લોપ્યું નહિ, અને બંને ભાઈઓ સકલ સૈન્ય સહિત પ્રતિષ્ઠાનપુર-પૈઠણ ગયા, ત્યાં માતાપિતા અને પરિવારને મળ્યા. નગરમાં આનંદઆનંદ થઈ રહ્યો. હંસરાજ કાન્તિનગરીનો રાજા થયો અને વત્સરાજ પ્રતિષ્ઠાનમાં રહ્યો. અંતમાં, અસાઈત કહે છે કે સકલ લોકરંજની અને કલિયુગમાં ઉભયલોકપાવની આ કથા વાંચતાં દોષ-દારિદ્ર્ય ટળે છે અને નવે નિધિ આંગણમાં આવે છે.’ ‘હંસાઉલિ’માં નાયિકાના મુખમાં મુકાયેલાં ત્રણ ગીતોનો નિર્દેશ અગાઉ કર્યો છે. પૂર્વભવમાં પંખી પતિને યાદ કરી નાયિકા વિલાપ કરે છે એ પ્રસંગનું ગીત (ખંડ ૧, કડી ૭૯-૮૨) આકર્ષક છે :

રાજકુંઅરિ હીઅડુ હણિ : પૂરવ પ્રેમ-પ્રસંગ,
આગિ દાવાનલ દહિ, વલી દુષ દાઝિ અંગ.
[દેષી] પોપટ પંષીઆ, નવલનેહ નરનાથ;
જિમ વનિ ભૂલિ હરણલી, તિમ હૂં સામી સાથ. પોપટ૦
કિલકિલતી વન વિચરતી, બેલી વર વીસાસ,
સધિ સામી સાહસ કીઉ : હૂં એકલી નિરાસ. પોપટ૦
ભણિ અસાઈત ભવ-અંતરિ સમરિ સામણિ કંત,
હંસાઉલિ ધરતી ઢલી, પ્રીઉ પ્રીઉ મુષિ ભણંત. પોપટ૦

કથા-કાવ્યોમાં વચ્ચેવચ્ચે કરુણ અને વીરરસનાં ગીતો મૂકવાનો પ્રઘાત જૂના ગુજરાતી સાહિત્યમાં વ્યાપક છે, અને ‘હંસાઉલિ’ બતાવે છે કે નિદાન ચૌદમા સૈકા સુધીમાં આ પરંપરા સુસ્થાપિત થઈ ચૂકી હતી. સંભવ છે કે એ પરંપરા અપભ્રંશકાલ જેટલી જૂની હોય. એ પછી સદીઓ સુધી એ પરંપરા ચાલુ રહી છે અને સંખ્યાબંધ જૈન અને જૈનેતર કૃતિઓમાં આવાં ગીતો છે. પદ્મનાભના ‘કાન્હડદેપ્રબન્ધ’માં, પ્રેમાનંદના ‘દશમસ્કંધ’ આદિમાં આવાં ગીતોરૂપે કેટલાંક ઉત્તમ ઊર્મિકાવ્યો મળે છે અને એ જ પરંપરાના પ્રભાવ નીચે સત્તરમા સૈકાનો વેદાન્તી કવિ અખો પોતાના કડવાબદ્ધ દાર્શનિક કાવ્ય ‘અખેગીતા’માં અનેક શ્રેષ્ઠ ગીતો આપે છે. ‘હંસાઉલિ’ના સમય પછી મળતી ઉપલબ્ધ લૌકિક કથાઓમાં જિનોદયસૂરિનો ‘ત્રિવિક્રમરાસ’ ઈ. ૧૩૫૯માં રચાયેલો છે. જિનોદયસૂરિ ખરતર ગચ્છના જૈન આચાર્ય હતા. એઓ પાલનપુરના વતની હતા. એમનો જન્મ ઈ. ૧૩૧૯માં થયો હતો. એમનાં માતાપિતાનાં નામ રુદ્રપાલ અને ધારલદેવી હતાં. તથા એમનું પોતાનું પૂર્વાશ્રમનું નામ સમર હતું. એમની દીક્ષા બાલ્યાવસ્થામાં જ, ઈ. ૧૩૨૬માં થઈ હતી અને એમને સોમપ્રભ નામ આપ્યું હતું. ઈ. ૧૩૫૦માં જેસલમેરમાં એમને ‘વાચનાચાર્ય’ની પદવી અપાઈ હતી, અને ઈ. ૧૩૫૯માં ખંભાતમાં જૂના ગુજરાતી ગદ્યસાહિત્યના ઇતિહાસમાં ‘ષડાવશ્યક બાલાવબોધ’ના કર્તા તરીકે જાણીતા તરુણપ્રભસૂરિને હસ્તે—એમને આચાર્યપદવી મળી હતી અને જિનોદયસૂરિ નામ અપાયું હતું. જિનોદયસૂરિનું અવસાન ઈ. ૧૩૭૬માં થયું હતું. એમને સૂરિપદ પ્રાપ્તિ થઈ એ અરસામાં – ઈ. ૧૩૫૯ આસપાસ – એ અંગેના મહોત્સવને વર્ણવતો ‘શ્રીજિનોદયસૂરિપટ્ટાભિષેક રાસ’ એમના એક શિષ્ય જ્ઞાનકલશ મુનિએ રચેલો છે. જિનોદયસૂરિના ‘ત્રિવિક્રમરાસ’માં વિક્રમનાં પરાક્રમોના પ્રસંગ નિરૂપાયા હશે એ સ્પષ્ટ છે, પણ એ રાસ હજી અપ્રગટ હોઈ (‘જૈન ગૂર્જર કવિઓ,’ ભાગ ૧; પૃ. ૧૫-૧૬) એની સમાલોચના શક્ય નથી. ઈ. ૧૪૪૩માં રચાયેલ સાધુકીર્તિનો ‘વિક્રમચરિત્રકુમારરાસ’ પણ અપ્રગટ છે; એની એક જૂની હસ્તપ્રત રામલાલ મોદી પાસે મારા જોવામાં આવી હતી. એ પછી એક સદી કરતાં વધુ સમય બાદ રચાયેલ, જૈનેતર મધુસૂદનકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ’ (સંપાદક શંકરપ્રસાદ રાવળ, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૫) સાથે સાધુકીર્તિની કૃતિનું કેટલુંક સામ્ય છે. એ જ અરસામાં રચાયેલ સર્વાનંદસૂરિકૃત ‘મંગલકલશ ચોપાઈ’માં મંગલકલશ વિદ્યાધરની ચમત્કારપ્રધાન ચરિત્રકથા છે. આ અપ્રગટ કૃતિ પ્રારંભમાં એક વસ્તુ છંદ આપી દુહા-ચોપાઈમાં રચાયેલી જણાય છે. (‘જૈન ગૂર્જર કવિઓ’, ભાગ ૧, પૃ. ૩૫). જિનોદયસૂરિના એક શિષ્ય અને ઠક્કર માલ્હના પુત્ર શ્રાવક વિદ્ધણુએ ઈ. ૧૩૬૭માં ‘જ્ઞાનપંચમી ચોપાઈ’ રચી છે. ૫૪૮ કડીનું એ કાવ્ય છે અને જ્ઞાનપંચમી અર્થાત્ કાર્તિક સુદિ પાંચમનું માહાત્મ્ય વર્ણવતું વરદત્ત અને ગુણમંજરીનું જૈન સમાજમાં પ્રસિદ્ધ કથાનક એમાં વર્ણવાયું છે. બીજા અનેક દાખલાઓમાં બન્યું છે તેમ, એમાં લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ અપાયું છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં આ વિશે અનેક કૃતિઓ રચાઈ છે. વિદ્ધણુની કૃતિ હજી અપ્રગટ છે (પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચિમનલાલ દલાલનો નિબંધ, પૃ. ૨૪). જ્ઞાનપંચમીને સૌભાગ્યપંચમી પણ કહે છે. ગદ્યમાં રચાયેલી એક અજ્ઞાતકર્તૃક ‘સૌભાગ્યપંચમી-કથા’ સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાની મને તક મળી હતી. (આત્માનંદપ્રકાશ, માગશર સંવત ૧૯૮૮, ઈ. ૧૯૩૨). આ કાળખંડમાં રચાયેલી બે સુંદર લૌકિક કથાઓ મળે છે : ભીમકૃત ‘સદયવત્સવીરપ્રબન્ધ’[2] અને હીરાણંદસૂરિકૃત ‘વિદ્યાવિલાસ પવાડો’.[3] ‘સદયવત્સવીરપ્રબન્ધ’ જૈનેતર – સંભવતઃ બ્રાહ્મણ કવિની કૃતિ છે, જ્યારે ‘વિદ્યાવિલાસ પવાડો’ જૈનસાધુ કવિની રચના છે. ‘સદયવત્સવીર પ્રબન્ધ’, ‘સદયવત્સવીર ચરિત્ર’, ‘સદયવત્સ-સાવલિંગા’, ‘સદેવંત-સામલિ’ એ વિવિધ નામો સદેવંત-સાવળિંગાની લોકપ્રસિદ્ધ વાર્તાનાં છે. સદયવત્સ અથવા સદેવંતનું ટૂંકું નામ ‘સદય’ કે ‘સુદો’ છે અને ‘સાવલિંગા’નું ટૂંકું નામ ‘સામલિ’ છે. ભીમની ઉપર્યુંક્ત કૃતિની છઠ્ઠી કડીમાં

‘તિહ સુઅ સદયકુમાર, સબલ સામલિ-ભત્તારહ’

એ પ્રમાણે આ વાર્તાનાં નાયક-નાયિકાનો ઉલ્લેખ છે. હેમચંદ્રના ‘અપભ્રંશ વ્યાકરણ’માં નીચેનો દુહો ઉદ્ધૃત થયો છે :

જિમ જિમ વંકિ લોઅણહું ણિરુ સામલિ સિક્ખેઇ,
તિમ તિમ વમ્મહુ નિઅય-સરુ ખર-પત્થરિ તિક્ખેઇ (સૂત્ર ૩૪૪)

આ દુહાનો પૂર્વાપર સંદર્ભ અજ્ઞાત છે, પણ એમાંનો ‘સામલિ’ પ્રયોગ ‘સાંવરિ’ એવા સામાન્ય અર્થમાં નહિ લેતાં, ભીમ કવિની જેમ પ્રસ્તુત કથાની નાયિકાના અર્થમાં ઘટાવીએ તો, હેમચંદ્રના સમય પહેલાં પણ અપભ્રંશમાં આ કથા સુપ્રચલિત હતી અને એમાંથી પ્રસ્તુત અવતરણ લેવાયું છે એમ અનુમાન થાય. અબ્દુર્ રહેમાનના ‘સંદેશક-રાસક’માં, મૂલતાનનગરના વર્ણનમાં, વેદ, મહાભારત, રામચરિત અને નલચરિત સાથે સદયવત્સકથાનું ગાન ત્યાં થતું હતું એવો ઉલ્લેખ છે તે પણ આ દૃષ્ટિએ સૂચક છે. ભીમ કવિનો આ ‘સદયવત્સવીર પ્રબન્ધ’ ૭૩૦ કડીનું આકર્ષક કાવ્ય છે. દુહા, સોરઠા, પદ્ધડી, ચોપાઈ, અડયલ, વસ્તુ, છપ્પય, કુંડળિયા, ચામર અને મોતીદામ છંદોમાં એનો કાવ્યબંધ બંધાયેલો છે અને વચ્ચેવચ્ચે ગીતોનો પ્રયોગ પણ છે. વિકસિત છંદોબંધ તથા પ્રૌઢ કાવ્યબાની તેમજ કથામાં ઉદ્ધૃત થયેલા કથાપ્રસંગ-સંબદ્ધ પ્રાકૃત અને સંસ્કૃત સુભાષિતો આ કથાની પૂર્વકાલીન સાહિત્યપરંપરાનું સબળ સૂચન કરે છે. ભીમ કવિનું આ કાવ્ય પ્રેમ અને પરાક્રમના પ્રસંગોની ફૂલગૂંથણી કરે છે તથા શૃંગાર, વીર અને અદ્ભુત રસના તરંગો ઉછાળે છે. આ પ્રાચીન કથાકાવ્યનો સંક્ષિપ્ત સાર જોઈએ : ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સ અને રાણી મહાલક્ષ્મીનો સદયવત્સ નામે પરાક્રમી પુત્ર હતો એ દ્યૂતનો વ્યસની હતો. પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનને સાવલિંગા નામે પુત્રી હતી. એના સ્વયંવરનું નિમંત્રણ મળતાં પ્રભુવત્સ રાજાએ મંત્રી સાથે સદયવત્સને ત્યાં મોકલ્યો હતો. મંત્રી કૃપણ હોઈ કુમારને ખર્ચ માટે આવશ્યક દ્રવ્ય આપતો નહોતો, તેથી બંને વચ્ચે મનદુઃખ થયું હતું. સ્વયંવરમાં સદયવત્સના ગુણોથી આકર્ષિત થઈને સાવલિંગા એને વરી. ઉજ્જયિનીમાં મહાદેવ નામે એક દરિદ્ર જ્યોતિષી રહેતો હતો તે અર્થપ્રાપ્તિ માટે રાજસભામાં ઉપસ્થિત થયો. રાજાએ એની પરીક્ષા કરવા માટે પોતાના જયમંગલ હાથીનું ભવિષ્ય પૂછ્યું. જ્યોતિષીએ કહ્યું કે ‘આવતી કાલે બપોરે હાથી મરણ પામશે.’ રાજાએ ક્રોધાયમાન થઈને જ્યોતિષીને કેદમાં પૂર્યો અને સેવકોને જયમંગલ હાથીની વિશેષ રક્ષા કરવાની આજ્ઞા કરી, પણ વિધિવશાત્ બીજે દિવસે બપોરે હાથી મદોન્મત્ત થઈને બજારમાં ભાગ્યો. એ સમયે એક સગર્ભા બ્રાહ્મણીના સીમંતનો વરઘોડો એના પિયરથી સાસરે જઈ રહ્યો હતો. લોકો નાઠા, પણ બ્રાહ્મણી ભાગી ન શકી. હાથીએ એને પકડી. ત્યાંથી પસાર થતા સદયવત્સે હાથીને મારીને બ્રાહ્મણીની રક્ષા કરી. આથી પ્રભુવત્સ રાજાએ પ્રસન્ન થઈને એને યુવરાજ પદ આપવાનો નિશ્ચય કર્યો, પણ કૃપણ મંત્રીએ વિચાર્યું કે આમ થશે તો પોતાની કૃપણતાનું સદયવત્સ વેર લેશે. એણે રાજાને સમજાવ્યું કે ‘એક સાધારણ સ્ત્રીની રક્ષા માટે સદયવત્સે રાજમાન્ય હાથીને મારી નાખ્યો એ ઠીક ન થયું.’ રાજાએ પણ એ વાત માનીને કુમારને એકાએક રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. દેશવટામાં સાવલિંગા પણ સદયવત્સની સાથે નીકળી. ચાલતાંચાલતાં એઓ એક વનમાં આવી પહોંચ્યાં. ત્યાં સાવલિંગાને ખૂબ તરસ લાગતાં સદયવત્સ પાણી શોધવા ગયો. એણે એક પરબ જોઈ. પરબવાળી વૃદ્ધાએ કહ્યું કે ‘આ હરસિદ્ધ માતાની પરબ છે, જેટલું પાણી લેશો તેટલું લોહી આપવું પડશે.’ કુમારે પ્રેમવશાત્ આ શરતનો સ્વીકાર કર્યો અને સાવલિંગાને પાણી પાયું. વૃદ્ધાએ લોહી માગતાં સદયવત્સ પોતાનો શિરચ્છેદ કરવા તૈયાર થયો ત્યારે દેવીએ એને અટકાવીને કહ્યું કે ‘હું ઉજ્જયિની અને પ્રતિષ્ઠાનની કુલદેવી છું, મેં તારી પરીક્ષા કરવા માટે આ યુક્તિ કરી હતી.’ કુમારે એની પાસે સંગ્રામમાં અને દ્યૂતમાં વિજય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ પાસાના દ્યૂતમાં વિજય માટે એને બે પાસા, કપર્દક દ્યૂતમાં વિજય માટે કપર્દિકાઓ અને સંગ્રામમાં વિજય માટે લોહછૂરિકા આપી. આગળ ચાલતાં સાવલિંગાએ સ્ત્રીઓના સમૂહની વચ્ચે એક કુમારિકાને ધ્યાન કરતી જોઈ. સાવલિંગાએ પ્રશ્ન કરતાં કહ્યું કે ‘અહીંથી પાંચ કોસ દૂર આવેલ ધારાવતી નગરીના રાજા ધારાવીરની લીલાવતી નામે હું પુત્રી છું. બંદીજનોના મુખે સદયવત્સના ગુણ સાંભળીને એને વરવા માટે આ કામિતપ્રદ તીર્થમાં છ મહિનાથી ધ્યાન ધરી રહી છું. સદયવત્સ મળ્યો નહિ તેથી આવતી કાલે ચિતામાં બળી મરીશ.’ સાવલિંગાએ આ વાત સદયવત્સને કરી. કુમાર ધારાવતી નગરીમાં આવ્યો અને એણે લીલાવતી સાથે લગ્ન કર્યું. લીલાવતીને પિયરમાં રાખી સદયવત્સ અને સાવલિંગા આગળ ચાલ્યાં. માર્ગમાં એમને ચાર ચોર મળ્યા. તેમણે સદયવત્સને દ્યૂત રમવાનું આહ્વાન આપ્યું અને હારે એણે મસ્તક આપવું પડે એવી શરત રાખી. દેવીના વરદાનથી સદયવત્સ જીત્યો, પણ એણે સજ્જનતાથી ચોરોનાં મસ્તક છેદ્યાં નહિ. આથી ખુશ થઈને ચોરોએ એને અદૃષ્ટાંજન, રસસિદ્ધિ, સંજીવની આદિ વિદ્યાઓ આપવા માંડી, પણ સદયવત્સે એ લીધી નહિ. આમ છતાં એક ચોરે એના ઉત્તરીયના છેડે પદ્મિનીપત્રવેષ્ટિત લક્ષ મૂલ્યનો કંચુક બાંધી દીધો. આગળ ચાલતાં એઓ એક નિર્જન નગરમાં પહોંચ્યાં. ત્યાં રાજભવન પાસે એક સ્ત્રી રડતી હતી. તેણે સદયવત્સને કહ્યું કે ‘હું નંદરાજાની લક્ષ્મી છું અને અનાથ હોવાને કારણે રડું છું. તમે મારા સ્વામી થાઓ.’ લક્ષ્મીએ સદયવત્સને ધનના ઢગલા બતાવ્યા. પછી સદયવત્સ અને સાવલિંગા પ્રતિષ્ઠાન આવ્યાં અને પાસેના નગરમાં બારોટને ત્યાં ઊતર્યાં. સસરાનું ગામ હોવાથી પ્રવેશ માટે યોગ્ય વસ્ત્રાભૂષણ લેવા માટે સદયવત્સ નગરમાં જવા માંડ્યો ત્યારે સાવલિંગાએ કહ્યું કે ‘તમે પાંચ દિવસમાં પાછા નહિ આવો તો હું ચિતામાં પ્રવેશ કરીશ.’ નગરપ્રવેશ કરતાં કુમારને એક ઠૂંઠો સામે મળ્યો. સિંહલના રાજાનો એ સુરસુંદર નામે પુત્ર હતો. પાંચસો હાથી અને એક કરોડ મહોર લઈને એ કૌતુકવશાત્ નગર જોવા આવ્યો હતો, પણ દ્યૂતમાં એ હારી ગયો અને જુગારીઓએ એના હાથ અને કાન કાપી નાખ્યા હતા. ઠૂંઠાની સાથે કુમારે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં સદયવત્સની વિદગ્ધતા પ્રગટ કરનારા કેટલાક પ્રસંગો બન્યા. રાજમાન્ય વેશ્યા કામસેના એને જોઈને મોહિત થઈ ગઈ. એના આગ્રહથી સદયવત્સ કેટલોક સમય એને ઘેર જઈને રહ્યો, નગરમાં દ્યૂત ખેલીને એણે ઘણું ધન મેળવ્યું. એમાંથી કેટલુંક સાવલિંગા માટે આભૂષણો ખરીદવા માટે ઠૂંઠાને સોંપ્યું અને બાકીનું કામસેનાને આપ્યું. સાવલિંગા સાથે વચનબદ્ધ હોવાને કારણે સદયવત્સ પાંચમે દિવસે કામસેના પાસેથી નીકળ્યો. એ સમયે રોકાવાનો આગ્રહ કરતાં કામસેનાએ એનું ઉત્તરીય ખેંચ્યું તો એમાંથી રત્નમય કંચુક નીકળ્યો. કામસેનાએ એ માગ્યો એટલે સદયવત્સે ઉદારતાથી એને આપી દીધો. કામસેના એ કંચુક પહેરીને રાજસભામાં ગઈ. ત્યાં એક શ્રેષ્ઠીએ પોતાનો ચોરાયેલો કંચુક આ જ છે એમ માનીને રાજાને ફરિયાદ કરી. રાજાએ કામસેનાને શૂળીની સજા ફરમાવી. આ સાંભળીને સદયવત્સે વધસ્થળની ઉપર આવીને કોટવાળને કહ્યું કે, ‘ચોર હું છું; કામસેનાને છોડી દો,’ એમ કહીને કામસેનાને જબરદસ્તીથી છોડાવી દીધી. રાજાની સેનાને પણ સદયવત્સે હરાવી દીધી. આ તરફ, પાંચ દિન વીતી જવા છતાં સદયવત્સ નહિ આવવાથી સાવલિંગાએ ચિતાપ્રવેશની તૈયારી કરી. આ સાંભળી સદયવત્સ શૂળીસ્થાને પાછા આવવાની પ્રતિજ્ઞા કરી સાવલિંગા પાસે ગયો અને એને બચાવી પાછો શૂળીસ્થાન ઉપર આવ્યો. રાજાએ સદયવત્સને એનું નામ ઠામ પૂછ્યું, પણ એણે બતાવ્યું નહિ એટલે કામસેનાને પૂછ્યું. કામસેનાએ સદયવત્સનું નામાંકિત ખડ્ગ લાવીને રાજાને બતાવ્યું, પણ ગુપ્ત રહેવા ઇચ્છતા સદયવત્સે કહ્યું : ‘આ ખડ્ગ મેં સદયવત્સ પાસેથી દ્યૂતમાં જીત્યું હતું.’ પછી રાજાએ એને વશ કરવા માટે ગજઘટા બોલાવી, પણ એણે સિંહનાદ કરીને ભગાડી દીધી. છેવટે રાજાએ પોતાના પરાક્રમી જમાઈને ઓળખ્યો, પરસ્પરનું પુનર્મિલન થયું, અને રાજાએ પોતાના પુત્ર શક્તિસિંહને મોકલીને સાવલિંગાને પોતાને ત્યાં બોલાવી લીધી. પાછા ફરતાં, સદયવત્સ જે નિર્જન નગર જોઈ આવ્યો હતો ત્યાં ગયો અને ત્યાં વીરકોટ નામે નવું નગર એણે વસાવ્યું. ત્યાં આનંદપૂર્વક રહેતાં સદયવત્સને લીલાવતી રાણીથી વનવીર અને સાવલિંગાથી વીરભાનુ એમ બે પુત્ર થયા. થોડા સમય બાદ ભાટ પાસેથી સદયવત્સે સાંભળ્યું કે પિતાની ઉજ્જયિની નગરીને શત્રુઓએ છ માસથી ઘેરી છે. સૈન્ય સાથે કુમારોને લઈ સદયવત્સ ત્યાં આવ્યો અને શત્રુઓને એણે ભગાડી દીધા. પુત્રો અને પત્નીઓ સહિત એણે આવીને રાજા પ્રભુવત્સને પ્રણામ કર્યાં. નગરીમાં આનંદ છવાયો, પંચશબ્દ વાદિત્ર વાગ્યાં. સદયવત્સને માતાએ આશિષ આપી અને પ્રભુવત્સ રાજાએ એના રાજ્યનો ભાર સમર્પ્યો. છેવટે પુણ્યનો મહિમાગાન કરીને ભક્તકવિ કાવ્યની સમાપ્તિ કરે છે. ‘સદયવત્સવીર પ્રબન્ધ’માં ભીમ કવિનાં ભાષાવૈભવ, વર્ણનશક્તિ, રસનિરૂપણ અને ચોટદાર સંવાદોનો પૂરો ખ્યાલ આ સંક્ષિપ્ત સાર ઉપરથી વાચકને ભાગ્યે આવે. એમાંથી બેત્રણ નમૂના જોઈએ. પ્રભુવત્સના રાજકુલનું દુહાબદ્ધ વર્ણન :

બંધી તલીયા તોરણહ, ગૂડીય વન્નરવાલિ;
દીસઈ દીવાલી તણા ઉચ્છવ હુઇ અગાલિ.
પંચશબ્દ નિનાદ રસિ વદ્ધાવી વાજંતિ;
પડસદ્દે પૂરી ભુવણ ગયણંગણિ ગજ્જંતિ.
વિપ્પ વેઅ-ધુણિ ઉચ્ચરઇં, કરઇં સુકવિ કઇવાર;
રાયંગણિ રાજા તણઇ મિલિયા મગ્ગણહાર.
વરમંડપિ મંડિય ગજર, વજ્જઇ નાચિણિ ચંગ.
કિહિં કપ્પડ, કિહિં દિઇં કણય, કિહિં કેકાણ કચ્છાહિ;
ધન દેયંતો કિલકિલઇ, પહુવચ્છ મનમાંહિ.’ (કડી ૭૯-૮૩)

વરયાત્રાના વર્ણનમાં ગીત અને છંદની સંસૃષ્ટિનો નમૂનો જુઓ :

આસણ તણઉ અણાવિઉ એ,
નરવરિઇં તરલ તુરંગ, એ સખી!
સાહણપતિ પહ્ણાણવિઉ એ, પલાણિ પવંગ,
તીણઇ વરરાઉ ચડાવિઉ એ.

ચડંતિ લેવિ જે જડંતિ, તે તુરંગ આણીઉ,
જે સુદ્ધ ખિત્ત સાલુહુત્ત લક્ષણે વખાણિઉ;
પાયાલિ હુંતિ કીઅયઉ, હો મહીય આસણે,
સોહંતિ સદયવત્સ વીર, તે તુરંગ આસણે.

ચિહું દિસિ ચ્યારિ ચમર ઢલઈ એ-આ-આ,
સિર વરિ એ સોહઇ છત્ર, વિપ્ર વેય-ધુનિ ઉચ્ચરઇ એ-આ-આ;
આગલિ એ નાનાવિધ પાત્ર,
બહુ બંદિણ કલરવ કરઇ એ.

કરંતિ બંદિણા અણિક્ક, મંગલિક્ક માલયં,
વિચિત્ત નૃત્તિ પત્ર પાઉ, રાગ રંગ તાલય;
ચડી તુરંગિ, ચંગી અંગિ, સાર સુંદરી રસે,
તિ ચાલવંતિ, નારિ ચ્યારિ, ચામરં ચિહું દિસે. (કડી ૩૧૭-૩૨૦)

કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થયેલી સાવલિંગાની અંતિમ પ્રાર્થનાના થોડાક સોરઠા ધ્યાન ખેંચે છે :

‘સૂદ! તમ્હારી સાથ થિઉ આંતરૂ અતિ ઊતરઉ;
હિત જોસિ જગનાથ, સાહસિ સામલિઆ ધણી!
ઊલે અંતરિ એહિ, તડ પહિલૂં પામિઉં નહીં,
વાહણ વિહિ-વસિ હોઉ, ન રહઇ નીજામા પખઇ.
નીસરિ સૂદા સાથિ, જીવ! માહારી પ્રિય-પખઇ;
તે જાણઇ જગનાથ, નાહ-વિછોડ્યાં માણસાં.’ (કડી ૬૦૦-૬૦૨)

જોકે ઉપર્યુક્ત સોરઠા ભીમ કવિએ પરંપરાગત લોકસાહિત્યમાંથી લીધા હોય એ પણ સંભવિત છે. ભીમ કવિની પછી આ કથાનાં વિવિધ રૂપાન્તરો ગુજરાત અને રાજસ્થાનના સાહિત્યમાં વ્યાપક છે. ઈ. ૧૪૭૧માં જૈન આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હર્ષવર્ધનગણિએ ‘સદયવત્સકથા’ સંસ્કૃતમાં રચી છે. જૈન ધર્મનું માહાત્મ્ય દર્શાવતા પ્રસંગો કર્તાએ એમાં ગૂંથ્યા છે તે બાદ કરીએ તો મુખ્ય કથાભાગમાં એ ભીમનું અનુસરણ કરે છે. એ પછી કીર્તિવર્ધન ઈ. ૧૬૪૧, નિત્યલાભ ઈ. ૧૭૨૬ અને કેટલાક અજ્ઞાતનામા જૈન કવિઓએ ગુજરાતીમાં આ વિશે કાવ્યરચના કરી છે. આ સિવાય પણ આ કથાપ્રસંગ વર્ણવતી અનેક નાની-મોટી અજ્ઞાતકર્તૃક રચનાઓ છે. સદેવંત-સાવલિંગાની રસ્તે વેચાતી વાર્તામાં નાયક-નાયિકાના આઠ ભવનો વૃત્તાંત મળે છે તે ઉપર્યુક્ત જૂની શિષ્ટ કૃતિઓમાં નથી, પણ એ કથાપરંપરાનાં મૂળ લોકસાહિત્યમાં ઘણાં જૂનાં હશે એમ સહજ અનુમાન થાય છે. હીરાણંદસૂરિકૃત ‘વિદ્યાવિલાસ પવાડો’ ઈ. ૧૪૨૯માં રચાયેલી કૃતિ છે. હીરાણંદસૂરિ પીંપલ ગચ્છના જૈન આચાર્ય વીરપ્રભસૂરિના શિષ્ય હતા. ઈ. ૧૪૨૯માં એમણે ‘વસ્તુપાલરાસ’ પણ રચ્યો છે.[4] ‘દશાર્ણભદ્રરાસ’, ‘જંબુસ્વામીનો વિવાહલો’ ઈ. ૧૪૩૯, ‘કલિકાલ રાસ’ ઈ. ૧૪૩૦, ‘કલિકાલબત્રીસી’ અને ‘લક્ષ્મી-સરસ્વતીવિવાદ ગીત’ એ જાણવામાં આવેલી એમની બીજી રચનાઓ છે.[5] એક વણિક શેઠનો મૂર્ખ પુત્ર ગુરુસેવામાં વિનય દાખવવાથી મૂર્ખચટ્ટને બદલે વિનયચટ્ટ કહેવાયો. એને ગુરુકૃપાથી સરસ્વતીનો પ્રસાદ મળતાં વિદ્યાનો વિલાસ કરનાર – વિદ્યાવિલાસ કહેવાયો, અને આખરે વિદ્યાના પ્રતાપથી રાજકન્યા પરણી એણે રાજ્ય મેળવ્યું. એ રીતે વિદ્યાવિલાસ રાજાનું નામ દૃષ્ટાન્તયોગ્ય ગણાયું. કેટલાંય જૂનાં કાવ્યોમાં ‘જાણે બીજો વિદ્યાવિલાસ’ એવી ઉત્પ્રેક્ષા વિદ્વાન પુરુષ માટે અવારનવાર જોવામાં આવે છે. ‘વિદ્યાવિલાસ પવાડા’નો નાયક એ વિદ્યાવિલાસ છે. દુહા, ચોપાઈ, વસ્તુ અને ગીતોમાં રચાયેલી એ કૃતિનો કથાસાર આ છે : ‘શત્રુંજય ઉપર આદિનાથ, હસ્તિનાપુરમાં શાન્તિનાથ, ઉજ્જયંત ઉ૫૨ નેમિનાથ, જીરાવલમાં પાર્શ્વનાથ, સાચોરમાં વર્ધમાન મહાવીર અને કાશ્મીરવાસિની સરસ્વતીને પ્રણામ કરીને હીરાણંદસૂરી વિદ્યાવિલાસનું ચરિત્ર કહે છે તે, હે ભવિકો, ભાવ ધરીને સાંભળો. માલવદેશની ઉજ્જયિની નગરીમાં જગનીક રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં ધનવાહ નામે શ્રેષ્ઠી વસતો હતો. એના ચાર પુત્ર હતા: ધનસાર, ગુણસાર, સાગર અને ધનસાગર. એક વાર એ ચારેને બોલાવીને શ્રેષ્ઠીએ પૂછ્યું કે ‘મારા ઘરનો ભાર તમે કેવી રીતે ધારણ કરશો? ’ પહેલા પુત્રે કહ્યું કે ‘હું ઘેર હાટ માંડીશ.’ બીજાએ કહ્યું : ‘વહાણવટું કરીને હું સોનાની પાટો લાવીશ.’ ત્રીજાએ કહ્યું : ‘હું ઘરનાં ગોરુ ચારીશ.’ ચોથાએ કહ્યું : ‘ઉજ્જયિનીના રાજાને જીતીને હું એનું રાજ્ય લઈશ અને એ રીતે પિતાનાં સર્વ મનવાંછિત કામો સિદ્ધ કરીશ.’ આ સાંભળીને રાજાથી ભય પામતા પિતાએ એ ચોથા પુત્રને ઘર બહાર કાઢી મૂક્યો. નગરની બહાર એ સમયે જયસાગર સાર્થવાહ પોતાનો સાર્થ લઈ શ્રીપુર જવા તૈયાર થઈને ઊભો હતો તેની સાથે ધનસાગર જોડાયો અને કેટલેક દિવસે શ્રીપુર પહોંચ્યો. નગરમાં ફરતાં એણે એક નિશાળ જોઈ અને ત્યાં પંડિત પાસે એણે ભણવાનું શરૂ કર્યું. એ વિનયશીલ હતો, પણ ઘણી મહેનત કરવા છતાં એને એકે અક્ષર આવડતો નહિ, આથી બીજા નિશાળિયા એને મૂરખચટ્ટ કહેતા, પણ એના વિનયને કારણે પંડિત એને વિનયચટ્ટ કહી બોલાવતા. એ નગરમાં સુરસુંદર રાજા હતો અને કમલા રાણી હતી. એની સૌભાગ્યસુન્દરી પુત્રી રૂપમાં રંભા જેવી હતી. એ પણ એ નિશાળમાં ભણતી હતી. રાજાના મંત્રીનો મનમોહન નામે પુત્ર પણ ત્યાં જ ભણવા આવતો. રાજકુમારીએ એના ઉપર મોહિત થઈ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ મનમોહનને એ ગમતું નહોતું. એણે વિનયચટ્ટને કહ્યું કે, ‘મારે બદલે કુંવરીને પરણીને તું પરદેશ જા.’ પણ પોતે મૂર્ખ હતો, આ ચતુર કુંવરીને કેમ પરણી શકે? સરસ્વતીના મંદિર આગળ જઈ એ પોતાનું શીશ છેદવા તૈયાર થયો એટલે ભારતી પ્રસન્ન થઈ અને સકલ કલાનો જાણ થયો. પછી ગુરુ પાસે એણે વિદાય માગી અને ગુરુએ એને શારદામંત્ર આપ્યો. પછી મંત્રી પુત્રનો વેશ ધારણ કરી રાત્રે એ કામદેવના મંદિરમાં આવ્યો. સખી સહિત રાજપુત્રી ત્રણ અશ્વ સાથે ધનભંડાર લઈને ત્યાં આવી હતી. કર્મસંયોગે પાણિગ્રહણ થયું અને ત્રણે જણ ત્યાંથી મારતે ઘોડે ઊપડ્યાં. માર્ગમાં રાજકુમારીએ અનેક સમસ્યાઓ મૂકી, પણ વિનયચટ્ટ એકેયનો ઉત્તર આપતો નહોતો. પ્રભાત થયું એટલે મનમોહનને બદલે મૂરખચટ્ટને જોઈને કુંવરી વિલાપ કરવા લાગી, પણ સરજ્યું શી રીતે મિથ્યા થાય? આમ કરતાં ત્રણેય આહડ નગરમાં આવ્યાં અને ત્યાં એક આવાસ લઈને રહ્યાં. જેને પોતે મૂર્ખ માનતી હતી તેની તરફ રાજકુંવરી નજર માંડીને જોતી પણ નહોતી, પણ વિદ્યાભંડાર વિનયચટ્ટ પોતાની વિદ્યા વડે નગરલોકનાં મન રંજન કરતો હતો અને તેથી નાગરિકોએ એનું નામ ‘વિદ્યાવિલાસ’ પાડ્યું હતું. એ નગરનો જયસિંહદેવ રાજા તળાવ ખોદાવતો હતો તેમાંથી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ મળ્યો હતો તે કોઈ વાંચી શકતું નહોતું, એ વિદ્યાવિલાસે વાંચ્યો, અને અગાઉના ભીમ રાજાએ દાટેલી સુવર્ણની અગિયાર કોટિ એને આધારે રાજાએ મેળવી. પ્રસન્ન થયેલા રાજાએ વિદ્યાવિલાસને પ્રધાન બનાવ્યો. સખીએ આવીને સૌભાગ્યસુંદરી આગળ વિદ્યાવિલાસની પ્રશંસા કરી, પણ સૌભાગ્યસુંદરી તો એની અવગણના જ કરતી. એક વાર રાજાએ વિદ્યાવિલાસનું ઘરસૂત્ર જોવા માટે કહ્યું : ‘કાલે તમારે ત્યાં અમે જમવા આવીશું.’ વિદ્યાવિલાસને ચિંતાતુર જોઈ, બધી વાતનો ભેદ મેળવી સખીએ પોતાની સ્વામિની આગળ વાત કરી ત્યારે એ બોલી કે ‘મારા સરખી સોળ નારીને શણગારીને લાવો તો રાજાને હું ઉમંગપૂર્વક જમાડું.’ વિદ્યાવિલાસે કહ્યું કે ‘બાકી સર્વ વાત સોહ્યલી છે, એક માત્ર તારી સ્વામિની સોહ્યલી નથી.’ પછી રાજા ભોજન કરવા આવ્યો ત્યારે સોળ સુન્દરીઓ સાથે સત્તરમી સૌભાગ્યસુંદરીએ રાજાનો સત્કાર કર્યો અને ભાતભાતનાં ભોજન પીરસ્યાં. પણ એમાંથી પ્રધાનપત્ની કોણ એ રાજા કળી શક્યો નહિ. આ ચતુરાઈથી મનમાં એ હસ્યો. બીજી એક યુક્તિ વિચારી એણે પ્રધાનને કહ્યું : ‘આપણા નગરમાં દેવીની જાતર દર વર્ષે થાય છે, એમાં પુરુષ મૃદંગ વગાડે છે અને સ્ત્રી નૃત્ય કરે છે. એ માન ઓણ સાલ તમને ઘટે છે.’ રાજાનો આ આદેશ સાંભળીને વિદ્યાવિલાસ ઉદાસ થઈને ઘેર આવ્યો. સૌભાગ્યસુંદરીને તો વિદ્યાવિલાસ પ્રત્યે હજી તિરસ્કાર હતો, પણ સખીએ એને જેમ તેમ કરી સમજાવી. જાતરના દિવસે બધાં દેવીના મંદિરે આવ્યાં અને વિદ્યાવિલાસે મૃદંગવાદન શરૂ કર્યું તે સાંભળીને સૌભાગ્યસુન્દરીને સમજાયું કે આ પણ સાચો કલાકોવિદ છે. એણે પોતાની જાતને ધન્ય માની ઉલ્લાસપૂર્વક નૃત્ય કર્યું અને રાજા તથા સર્વ લોક પ્રસન્ન થયા. ઉત્સવ પૂરો કરી ઘેર જતાં સૌભાગ્યસુન્દરીને યાદ આવ્યું કે પોતાની રત્નજડિત વીંટી નૃત્ય કરતાં દેવળમાં પડી ગઈ હતી. વિદ્યાવિલાસ એ લેવા ગયો. વીંટી લઈને પાછો વળ્યો ત્યારે નગરના દરવાજા બંધ થઈ ગયા હોઈ ગઢની મોટી ખાળમાં થઈ એ અંદર પ્રવેશ્યો. એ સમયે એને સર્પ ડસ્યો અને ઘેર આવતાં સુરસેના ગણિકાના આંગણામાં એ બેભાન થઈને પડ્યો. ગણિકાએ એને ઘરમાં લાવી મણિજલ પાઈને સચેત કર્યો, પણ પોતાને ઘેર જ રહેવા એને આગ્રહ કર્યો. ગણિકા એને પગે મંત્રેલો દોરો બાંધે એટલે એ પોપટ થઈ જાય અને છોડે એટલે પુરુષ બને. એમ સમય વીતવા લાગ્યો. આ બાજુ, વિદ્યાવિલાસ પાછો નહિ આવવાથી, સૌભાગ્યસુન્દરી ચિંતાતુર થઈ શોકમાં સમય ગાળવા લાગી. રાજાએ પડો ફેરવ્યો કે ‘મહેતાનો પત્તો જે મેળવશે તેને મારી પુત્રી ગુણસુન્દરી પરણાવીશ અને અર્ધું રાજ્ય આપીશ.’ પોપટરૂપે રહેલો વિદ્યાવિલાસ એક વાર પાંજરું ઉઘાડું હતું ત્યારે રાજકુમારીને આવાસે ઊડીને આવ્યો. રાજકુમારીએ એને હાથ ઉપર બેસાડ્યો, સુલલિત વાણીથી બોલાવ્યો તથા સાકર અને દ્રાક્ષની ચણ આપી. પોપટને પગે દોરો બાંધેલો જોઈ રાજકુમારીએ છોડ્યો એટલે એ વિદ્યાવિલાસ થઈ ગયો. બધો ભેદ જાણીને રાજકુમારીએ દોરો પાછો બાંધી દીધો, મંત્રી પોપટરૂપે પાછો ગણિકાના પાંજરામાં જઈને બેઠો અને રાજકુમારી અતિ ઉલ્લાસપૂર્વક સૌભાગ્યસુન્દરીને સમાચાર કહેવા ગઈ. સૌભાગ્યસુન્દરીએ સખીઓ દ્વારા રાજાને ખબર આપી. રાજાએ ગણિકાને તેડાવી. એણે માંડીને બધી વાત કહી. મંત્રીને આલિંગન દઈ રાજાએ ગણિકાને રજા આપી. અને અર્ધું રાજ્ય આપી રાજકુમારી પરણાવી. લગ્નોત્સવ થયો અને મંત્રી ઘેર આવ્યો. બાલપણમાં પિતાએ કહેલાં વચન મંત્રીને એક વાર યાદ આવ્યાં. રાજાનો આદેશ લઈ, સૈન્ય તૈયાર કરી એણે ઉજ્જયિની ઉપર આક્રમણ કર્યું અને જગનીક રાજાને હરાવ્યો. વિદ્યાવિલાસે ઉત્સવપૂર્વક રાજા તરીકે નગરપ્રવેશ કર્યો. પછી એણે દૂત મોકલી પોતાના પિતા ધનવાહ શેઠને તેડાવીને પૂછ્યું : ‘શેઠ, તમારે કેટલા પુત્ર?’ ધનવાહે ઉત્તર આપ્યો : ‘પ્રભુ! ત્રણ પુત્રો વડે મારું ઘરસૂત્ર સારું ચાલે છે.’ વિદ્યાવિલાસે પૂછ્યું : ‘ત્રણ પુત્ર સિવાય તમારે કોઈ સંતાન હતું કે?’ શેઠે ઉત્તર આપ્યો : ‘પ્રભુ! ચોથો બાળક તો રીસાઈને પરદેશ ગયો હતો.’ રાજાએ પ્રગટ થઈને કહ્યું : ‘એ જ હું તમારો ચોથો પુત્ર.’ સૌ હર્ષિત થયાં અને ઇંદ્રની જેમ વિદ્યાવિલાસ ઉજ્જયિનીનું રાજ્ય કરવા લાગ્યો. એક વાર જ્ઞાનતિલકસૂરિ ઉજ્જયિનીમાં આવ્યા અને રાજાએ સપરિવાર જઈને એમને વંદન કર્યાં. સૂરિએ રાજાનો પૂર્વભવ કહ્યો. પૂર્વજન્મમાં કરેલી શાસ્ત્રની અવજ્ઞાને કારણે એ મૂર્ખચટ્ટ કહેવાયો, પણ તપના પ્રભાવથી માળવાનો રાજા થયો. આ સાંભળી રાજાને જાતિસ્મરણ-પૂર્વજન્મનું સ્મરણ – થયું અને લક્ષ્મીને પવન સમાન, યૌવનને સંધ્યારાગ સમાન અને જીવિતને જલબિન્દુ સમાન જાણીને, પુત્રને રાજ્ય સોંપી એણે દીક્ષા લીધી અને એ સંયમપૂર્વક શિવપુરી પહોંચ્યો. કવિતા, છંદોબંધ અને ભાષા એ ત્રણે દૃષ્ટિએ ‘વિદ્યાવિલાસ પવાડો’ એક નોંધપાત્ર કૃતિ છે. નિશાળે ભણવા જતી રાજકન્યા સૌભાગ્યસુન્દરીનું વર્ણન :

સોલ કલા સુંદરિ સસિવયણી, ચંપકવન્ની બાલ;
કાજલસામલ લહકઇ વેણી, ચંચલ નયણ વિસાલ.
અધર સુરંગ જિસ્યા પરવાલી, સરલ સુકોમલ બાહ;
પીણ પયોહર અતિહિં મણોહર, જાણે અમિય-પ્રવાહ.
ઊરયુગલ કિરિ કદલીથંભા, ચરણકમલ સુકમાલ;
મયગલ જિમ માલ્હંતી ચાલઇ, બોલઇ વયણ રસાલ.
(કડી ૧૭-૧૮)

સૌભાગ્યસુંદરીના નૃત્યમાં વિદ્યાવિલાસના મૃદંગવાદનનું વર્ણન જુઓ :

ધાં ધાં ધપસુ મહુર મૃદંગ, ચચપટ ચચપટ તાલુ સુરંગ;
કધુંગનિ ધોંગનિ ધુંગા નાદિ, ગાઇં નાગડ દોં દોં સાદિ.
મપધુનિ મપધુનિ ઝઝણણ વીણ, નિનિખુણિ, જોંખણિ આઉજ લીણ;
વાજી ઓં ઓં મંગલ શંખ, ધિધિકટ ધેંકડ પાડ અસંખ.
ઝાગડ દિગિ દિગિ સિરિ વલ્લરી, ઝુણણ ઝુણણ પાઉ નેઉરી;
દોં દોં છંદિહિં તિવિલ રસાલ, ધુણણ ધુણણ ઘુગ્ઘુર ઘમકાર.
રિમઝિમિ રિમઝિમિ ઝિઝિમ કંસાલ, કરરિ કરરિ કરિ ઘટ પટ તાલ;
ભરર ભરર સિરિ ભેરિઅ સાદ. પાયડીઉ આલવીઉ નાદ.
નિસુણી એવંવિહ બહુ તાલ, મનિ ચમકી ને નવરંગ બાલ;
નાચી અતિ ઘણ ઉલ્લટ ધરી, રાજકુંઅરિ સોહગસુંદરી.’
(કડી ૧૦૨-૧૦૬)

છંદોબદ્ધ કથામાં વચ્ચેવચ્ચે કેટલાંક ગીતો આવે છે અને એ ભાવનિરૂપણ તેમજ વિરામની ગરજ સારે છે. આવી કથાઓનું પઠન થતું હશે અને અનેક લોકો તે રસપૂર્વક સાંભળતા હશે એ સ્થિતિની કલ્પના કરીએ ત્યારે ગીતોની ફૂલગૂંથણી સૂચક બને છે. આખ્યાનો ઠંડી રાતે ચકલે-ચૌટે ગવાતાં તેમ જૈન ઉપાશ્રયોમાં બપોરના સમયે ગૃહસ્થો એકત્ર થઈ એમાંના એક વડે ગવાતી પદ્યબદ્ધ ધર્મકથાઓનું શ્રવણ કરતા એ રિવાજ હજી ગઈ પેઢી સુધી હતો. પોપટ બની ગયેલા વિદ્યાવિલાસની વાટ જોતી સૌભાગ્યસુંદરીના વિલાપનું એક ગીત ‘વિદ્યાવિલાસપવાડા’માંથી જોઈએ :

રાગ સૂંધઉ
નિસિ ભરિ સોહગ સુંદરી રે જોઈ વાલંભ વાટ,
નીંદ્ર ન આવઇ નયણલે રે હિઅડઇ ખરઉ ઉચાટ.
સુણિ સામી લીલ-વિલાસ, વલિ વાલિંભ વિદ્યાવિલાસ,
મઝ તુઝ વિણ ઘડીય છ માસ, પ્રભુ પૂરિ-ન મનકી આસ.
ઇમ વિરહિં પ્રિય વિણ બોલઇ. આંકણી.

સીહીઅ સમાણી સેજડી રે, ચંદન જેહવી ઝાલ;
દાવાનલ જિમ દીવડઉ રે, કમલ જિસ્યાં કરવાલ.
સુણિ૦
મઝ ન સુહાઇ ચાંદલુ રે, જાણે વિસ વરસંતિ;
સીતલ વાઉ સોહામણુ રે, પ્રિય વિણ તાપ કરંતિ.
સુણિ૦
દાખી ડાહિમ આપણી રે, રંજિ મુઝ મનમોર;
છયલપણઇં છાનઉ રહ્યું રે, હીયડઉં કરી કઠોર.
સુણિ૦
એતા દીહ ન જાણીયા રે, નિરગુણ જાણી કંત;
હિવ ખિણ જાતઉ વરસ સઉ રે, જાઇ મુઝ વિલવંત.
સુણિ૦
જઈ કરવત સિર તાહરઇ રે, દીજત સિરજણહાર;
વર વછોહ્યાં સાજણાં રે, તઉ તઉ જાણત સાર.
સુણિ૦
ઓલંભા દીજઇ કુણહ-રઇ રે, કુણિહિં દીજઇ દોસ;
હીરાણંદ ઇમ ઊચરઇ રે, કીજઇ નિજ સંતોષ.
સુણિ૦
(કડી ૧૧૬-૧૨૨)

ઈ. ૧૨૨૯માં રચાયેલ વિનયચંદ્રકૃત સંસ્કૃત ‘મલ્લિનાથ મહાકાવ્ય’માં એક આડકથા તરીકે વિદ્યાવિલાસની કથા આવે છે. ૨૦૩ શ્લોકના એ સંસ્કૃત ઉપાખ્યાનને કથાવસ્તુની દૃષ્ટિએ હીરાણંદ અનુસરે છે. આ કથાનકની પરંપરા એ પછી ગુજરાતી સાહિત્યમાં અવિચ્છિન્નપણે ચાલુ રહી છે. ઈ. ૧૪૬૦માં ખરતરગચ્છીય ઉપાધ્યાય જ્ઞાનસાગરકૃત ‘વિદ્યાવિલાસ ચોપાઈ, ઈ. ૧૪૭૫માં અજ્ઞાત જૈન કવિકૃત ‘વિદ્યાવિલાસ ચોપાઈ’, ઈ. ૧૬૧૬માં માણેકકૃત ‘વિદ્યાવિલાસ રાસ’ નોંધપાત્ર છે. અઢારમા શતકમાં વળી જિનહર્ષ, અમરચંદ અને ઋષભસાગર એ જૈન કવિઓએ આ જ વિષય ઉપર લખ્યું છે. સુરતના લઘુ અને સુખ એ બે વણિક ભાઈઓએ ઈ. ૧૬૬૭માં ‘વિનયચટ્ટની વાર્તા’ રચી છે. ૨૦૩ શ્લોકની નાનકડી સંસ્કૃત આખ્યાયિકા લઘુ અને સુખની વિસ્તૃત પદ્યકથારૂપે ક્રમશઃ કેવી રીતે અવતાર પામે છે એનો સાહિત્યિક ઇતિહાસ તપાસવા જેવો છે. રત્નસિંહસૂરિશિષ્યકૃત ‘ઉપદેશમાલાકથાનક છપ્પય’[6]નો નિર્દેશ અહીં જ કરવો ઉચિત થશે. કેટલાક અભ્યાસીઓ માને છે તેમ, અહીં છપ્પા એ કોઈ સાહિત્યપ્રકાર નથી, ઈ.ની નવમી સદી પૂર્વે ક્યારેક મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલ, ધર્મદાસગણિકૃત ‘ઉપદેશમાલા’માંની કથાઓનો સારોદ્ધાર આ કાવ્ય છપ્પાઓમાં આપતું હોઈ કથાકૃતિઓની સમાલોચનાને અંતે એનો નિર્દેશ ઉચિત થશે. ‘ઉપદેશમાલા’ એ ધર્મબોધ અને નીતિબોધ અર્થે લખાયેલો પ્રકરણગ્રંથ છે, અને જૈન સાહિત્યમાં એ ખૂબ લોકપ્રિય હોઈ એના ઉપર અઢાર સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા અને જૂની ગુજરાતીમાં ત્રણ બાલાવબોધો જાણવામાં આવ્યાં છે. ‘ઉપદેશમાલાકથાનક છપ્પય’માં કર્તાએ ૮૧ ઝમકદાર છપ્પામાં ‘ઉપદેશમાલા’ની કથાઓનો સાર આપ્યો છે. એમાં કર્તાએ પોતાનો સ્પષ્ટ નામોલ્લેખ નહિ કરતાં પોતાને રત્નસિંહસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. પણ રત્નસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્રે ઈ. ૧૨૬૯ આસપાસ ‘નેમિનાથ ચતુષ્પદિકા’ રચી છે તે જ આ છપ્પાઓના કર્તા હોય એમ અનુમાન થાય છે. એમ હોય તો, ઈ.ના તેરમા શતકના ઉત્તરાર્ધની એ રચના ગણતાં ‘ઉપદેશમાલાકથાનક છપ્પય’ પછી આશરે સો-સવાસો વર્ષે ‘ખરતર ગુરુ ગુણ વર્ણન છપ્પય’ નામે એક વિસ્તૃત કાવ્ય પણ રચાયેલું છે.[7] ખરતર ગચ્છના આચાર્યોના ગુણનું એમાં વર્ણન છે. ઈ. ૧૪૧૯ આસપાસ વિદ્યમાન આચાર્ય જિનભદ્રસૂરિ સુધી આવીને એ વર્ણન અટકે છે, એ ઉપરથી એના કર્તા જિનભદ્રસૂરિના શિષ્યમંડળમાં હશે એવું અનુમાન થાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી માંડી ઈ.ના પંદરમા શતકના આરંભ સુધીના ખરતર ગચ્છના આચાર્યોની આનુપૂર્વી તથા એમના જીવનવૃત્ત વિશેની ઉપયોગી માહિતી એમાંથી મળતી હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ આ રચના અગત્યની છે.

૨. રૂપકગ્રંથિ

રૂપકગ્રંથિ (Allegory) પૂર્વ તેમજ પશ્ચિમમાં લોકપ્રિય એવો સાહિત્યપ્રકાર છે અને એનો વિનિયોગ મોટે ભાગે ધર્મપ્રચાર માટે થયો છે. આ પ્રકારની રચનાઓમાં પાત્રો શુભાશુભ ગુણોનાં પ્રતીકો હોઈ એવી રચનાઓનું મુખ્ય કથયિતવ્ય ગ્રહણ કરવાનું લોકોને સરળ પડે છે, જો કે આવી કૃતિઓ સામાન્યતામાં સરી પડે અને સાહિત્યિક દૃષ્ટિએ જોતાં યંત્રવત્ નિરૂપણ કરનારી બની જાય એ એનું ભયસ્થાન છે. જૂના ગુજરાતી સાહિત્યમાં આ સાહિત્ય પ્રકારના નમૂના સંખ્યાબંધ છે, જો કે જે કાલખંડની આપણે અહીં વાત કરીએ છીએ તેમાં એવી રચનાઓ કેવળ બે-ત્રણ ઉપલબ્ધ છે. એમાં સૌથી જૂનું જિનપ્રભાચાર્યનું ‘ભવ્યચરિત’ છે.[8] ઈસવી સનના તેરમા શતકમાં થઈ ગયેલા, આગમગચ્છીય જિનપ્રભાચાર્યે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા જૂની ગુજરાતીમાં નાનાંમોટાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે : ‘મદનરેખા સંધિ’ (ઈ. ૧૨૪૧), ‘જ્ઞાનપ્રકાશ કુલક,’ ‘ચતુર્વિધભાવના કુલક,’ ‘મલ્લિચરિત્ર’, ‘જીવાનુશાસ્તિ સંધિ’, ‘નેમિનાથરાસુ,’ ‘યુગાદિજિનચરિત કુલક,’ ‘ભવ્યચરિત,’ ‘ભવ્યકુટુંબચરિત,’ ‘સર્વચૈત્યપરિપાટી સ્વાધ્યાય’, ‘સુભાષિતકુલક’, ‘શ્રાવકવિધિ-પ્રકરણ’, ‘ધર્માધર્મવિચાર કુલક’, ‘વજ્રસ્વામીચરિત’(ઈ. ૧૨૬૦), ‘નેમિનાથજન્માભિષેક,’ ‘મુનિસુવ્રતસ્વામી સ્તોત્ર,’ ‘છપ્પન દિશાકુમારી જન્માભિષેક,’ ‘જિનસ્તુતિ’ ઇત્યાદિ કાવ્યોમાં કર્તા તરીકે એમનો નામોલ્લેખ છે. કવિના નામોલ્લેખ વિનાનાં બીજાં કેટલાંક કાવ્યો તાડપત્રની એક જ પોથીમાંથી મળે છે તે પણ જિનપ્રભાચાર્યકૃત હોવાનું માનવામાં આવે છે. એમના ‘ભવ્યચરિત’માં નિરૂપિત કથાનકનો સંક્ષેપ નીચે પ્રમાણે છે : ભવપુર નામે નગરમાં અનાદિ કાળથી મોહ નામે રાજા રાજ્ય કરતો હતો. એની મિથ્યાદૃષ્ટિ નામે પુત્રીમાં આસક્ત થયેલા લોકો ધર્માધર્મ, ભક્ષ્યાભક્ષ્ય અને ગમ્યાગમ્યને જાણતા નહોતા તથા એના વડે ભવમાં ભમાડાતા હતા. આ તરફ જિનરાજનો ઉદય થયો; એમણે ધર્મધ્યાનપુરમાં સંયમ નામે રાજા સ્થાપ્યો. એ રાજાને સર્વવિરતિ નામે પુત્રી હતી. ભવિક જીવને ભવિતવ્યતાને લીધે આત્મભાન થયું અને એણે સંયમ કને સર્વવિરતિની માગણી કરી. સંયમે એ આપી અને ભવિક ધર્મધ્યાન કરતો શિવપુરના માર્ગે લાગ્યો. આથી મિથ્યાદૃષ્ટિને ક્રોધ થયો અને એ સર્વવિરતિ સાથે કલહ કરવા લાગી અને ભવિકને પણ પોતાનો સ્નેહ નહિ તોડવા માટે કહેવા લાગી, પણ પોતાનાં અનેક દુઃખોનું કારણ એ હોવાથી ભવિકે એનો તિરસ્કાર કર્યો, એટલે એ રડતીરડતી પોતાના પિતા મોહરાજને ત્યાં ગઈ. મોહરાજાએ એની જ્યેષ્ઠ ભગિની ભવિતવ્યતાને બોલાવી, અને આવું અનિષ્ટ સૂત્ર ગોઠવવા માટે એને ઠપકો આપ્યો. પોતાનું નાનું કુટુંબ જિનરાજાને પહોંચી શકતું ન હોવાથી એ શોકાતુર થઈને બેઠો. એની આ સ્થિતિ મિથ્યાત્વી મંત્રીએ જોઈ. એણે કહ્યું : ‘પ્રભુ! શોક શા માટે કરો છો? દરેકની યોગ્યતા પ્રમાણે એને આદેશ આપો!’ ક્રોધ બોલ્યો : ‘પ્રભુ! આજ્ઞા આપો તો જિનના પરિવારને આ દેશ છોડાવી દઉં.’ માને કહ્યું : ‘માયાકુમારીની સહાયથી હું સૌ કોઈને હરાવીશ.’ લોભ બોલ્યો : ‘મારી સામે કોઈ યોદ્ધો આવી શકે એમ નથી.’ મદને કહ્યું : ‘મને રણનો પટો આપો તો ત્રણે ભુવનને વ્યાકુળ કરી નાખું.’ પ્રમાદે કહ્યું : ‘કાં તો તમને ત્રિભુવનના રાજા બનાવું, કાં તો સમરાંગણમાં મરી જાઉં.’ આ સાંભળીને સંતોષ પામેલા મોહે પરમાનંદનગરને ઘેરો ઘાલ્યો. પહેલાં તો શરણે આવવાના કહેણ સાથે એણે જિનરાજા પાસે દૂત મોકલ્યો, પણ કંઈ વળ્યું નહિ. આગમનો ઢોલ વગડાવવામાં આવ્યો તે સાંભળીને મોહના સઘળા સુભટો સંતાઈ ગયા. વિવેકની આગેવાની નીચે, અઢાર સહસ્ર શીલાંગ-રથથી યુક્ત સંયમનું સૈન્ય બહાર નીકળ્યું. સુભટ પ્રમાદ સામે આવ્યો, એને વિવેકે સ્થાનભ્રષ્ટ કર્યો, ક્રોધકુમારને ઉપશમકુમારે માર્યો; માનને માર્દવે અનેક બાણ વડે વીંધી નાખ્યો; માયાને આર્જવે મારી નાખી. એ જોઈને મોહરાજાનું દળ નાસવા માંડ્યું. લોભમલ્લને સંતોષે એના પરિજન સાથે માર્યો, ભટ દર્પને શીલ સુભટે હણ્યો. પછી મોહરાજ સામે આવ્યો, તેના સંયમરાજે ધ્યાનખડ્ગ વડે ટુકડા કરી નાખ્યા. સંયમનૃપનો જયકાર થયો. પરમાનંદનગરમાં ઉત્સાહ વ્યાપ્યો. મોહના જે કોઈ અનંત જીવ શરણ માગતા આવ્યા તેમનું રક્ષણ કરવામાં આવ્યું. સુગુરુ કહે છે કે સકલ જીવલોકમાં જિનપ્રભુ સિવાય બીજું શરણસ્થાન નથી. ૪૪ કડીની, ચોપાઈ છંદમાં રચાયેલી આ નાની કૃતિ કાવ્યરસની દૃષ્ટિએ સાધારણ છે, પણ ભાષાનો પ્રવાહ એમાં સરળ અને નિરાડંબર રીતે વહેતો જાય છે, પ્રારંભની થોડીક કડીઓ જોઈએ :

ભવિય સુણઉ ભવજીવહ ચરિઉ, સંખેવિહિ મણુ નિચ્ચલુ ધરિઉ;
અત્થિ અણાઇય ભવપુર નામુ, મોહરાઉ તહિં વસઇ પગામુ.
મિચ્છદિટ્ઠિ તસુ વલ્લહ ધૂઅ, સયલ જીવ સા પિયયમ હૂય;
તિણિહિં મોહિઉ એઉ જિયલોઉ, વિનડિજ્જંતુ ધરઇ પમોઉ.
કહવિ ન જાણઇ ધમ્માધમ્મુ, ભક્ખાભક્ખુ, ન ગમ્માગમ્મું;
નિચ્ચુરુટ્ઠુ સા પુણ ધરનારિ, જીવ ભમાડઇ વિવિહ પયારિ.
(કડી ૧-૩)

કવિના નામોલ્લેખ વિનાનું, પણ જિનપ્રભાચાર્યકૃત ગણવામાં આવેલું, ‘જિનપ્રભુ-મોહરાજ વિજયોક્તિ’ એ નામનું અપ્રગટ કાવ્ય પણ આ પ્રકારની રૂપકગ્રન્થિ છે. મોહનો પરાજય તથા હેમાચાર્યના ઉપદેશને પરિણામે રાજા કુમારપાળનો જૈન ધર્મસ્વીકાર વર્ણવતું યશઃપાલનું રૂપકપ્રધાન સંસ્કૃત નાટક ‘મોહપરાજય’ (ઈ. ૧૨૨૯-૩૨), જે એની રચના પછી તુરત ઉત્તર ગુજરાતમાં થરાદમાં ભજવાતું હતું, તેની આ પ્રકારનાં રૂપકો ઉપર ઠીક અસર થઈ જણાય છે. કુમારપાળ અને હેમચન્દ્ર સિવાયનાં, એમાંનાં સર્વ પાત્ર શુભાશુભ ગુણોનાં પ્રતીકો જ છે. એ પછીની રૂપકપ્રધાન ગુજરાતી કાવ્યરચનાઓમાં જયશેખરસૂરિકૃત ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’[9] સૌથી જૂનો છે તેમ કવિતાદૃષ્ટિએ પણ અસાધારણ મહત્ત્વનો છે. એના કર્તા જયશેખરસૂરિ અંચલગચ્છના જૈન આચાર્ય હતા. ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’માં રચનાવર્ષ આપ્યું નથી, પણ જયશેખરસૂરિએ પોતે જ ઈ. ૧૪૦૬માં સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધચિન્તામણિ’ નામની કૃતિનો એ ગુજરાતી અનુવાદ છે, એટલે એ પછી ટૂંક સમયમાં એ રચાયો હશે એમ ગણી શકાય. જયશેખરસૂરિ સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતીના વ્યુત્પન્ન વિદ્વાન અને કવિ હતા અને એ ત્રણે ભાષાઓમાં એમણે સાહિત્યસર્જન કર્યું છે. એમણે ઈ. ૧૩૮૦માં ‘ઉપદેશચિન્તામણિ’ નામે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણનો બૃહત્ સંસ્કૃત ગ્રંથ તથા ઈ. ૧૪૦૬માં ‘ધમ્મિલ્લચરિત’ મહાકાવ્ય રચ્યું છે. ‘જૈન કુમારસંભવ’ એમની એક વિશિષ્ટ સંસ્કૃત રચના છે. આ ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં એમની અનેક સંક્ષિપ્ત કાવ્યરચનાઓ મળે છે. ગુજરાતી રચનાઓમાં અનુક્રમે ૫૮ અને ૪૯ કડીઓના બે ‘નેમિનાથ ફાગુ’ આપણા જૂના સાહિત્યમાં ફાગુરચનાની બે છંદઃપરિપાટીઓનું સુન્દર પ્રતિનિધિત્વ રજૂ કરે છે. ગુજરાતી ગદ્યકાવ્ય ‘પૃથ્વીચન્દ્રચરિત’ના કર્તા માણિક્યસુન્દરે આ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો એમ એમણે પોતે જ એક સ્થળે કહ્યું છે. આ ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’ને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં ‘પરમહંસપ્રબન્ધ’ કે ‘હંસવિચારપ્રબન્ધ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર’ નામ માટે કર્તાને પોતાને પણ અભિમાન છે, કારણ કે કાવ્યના આરંભમાં ૮મી કડીમાં એમણે કહ્યું છે કે :

પુણ્ય-પાપ બે ભઈ ટલઇં દીસઇ મુક્ખ-દુયારુ;
સાવધાન તે સંભલઉ, હરિષઇં હંસ વિચારુ.

૪૩૨ કડીનું આ ઠીકઠીક લાંબું કાવ્ય છે. રૂપકગ્રંથિની મર્યાદામાં રહીને આવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અસ્ખલિત વહ્યો જાય છે. એમાં કર્તાની સંવિધાનશક્તિનો, ભાષાપ્રભુત્વનો તથા એની કવિપ્રતિભાનો વિજય છે. કાવ્યનો છંદોબંધ દુહા, ચોપાઈ, વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છંદોમાં તથા ગીતોમાં થયેલો છે. ‘કાવ્ય’ નામે ઓળખાતા અશુદ્ધ ભુજંગીનો પણ કોઈ ઠેકાણે પ્રયોગ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં એમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય – જે ‘બોલી’ નામે ઓળખાય છે તે – પણ એમાં પ્રસંગોપાત્ત આવે છે. આ રૂપકગ્રંથિનું વસ્તુ સંક્ષેપમાં જોઈએ : પ્રારંભમાં પરમેશ્વર અને સરસ્વતીને પ્રણામ કરીને કવિ કહે છે કે ત્રણે ભુવનમાં જેનું તેજ પ્રસર્યું હતું તેવો પરમહંસ નામે રાજા હતો. એ બુદ્ધિમહોદધિ, બલવાન, અકલ, અજેય, અનાદિ અને અનંત હતો. એ પરમહંસ રાજાને ચેતના નામે ચતુર રાણી હતી, અને બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. એકવાર માયા નામે નવયૌવનાને રાજાએ જોઈ, અને એમાં એ લુબ્ધ થયો. ચેતના અદૃશ્ય થઈ ગઈ. વિશ્વનું રાજ્ય છોડી પરમહંસે કાયાનગરી વસાવી, અને મન નામે અમાત્યને વહીવટ સોંપી દીધો. માયા અને મન બંનેએ એક થઈ પરમહંસને કેદ કર્યો, અને મન રાજા થયો. આ મન રાજાને બે રાણીઓ હતી : પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એમાંથી પ્રવૃત્તિનો પુત્ર મોહ અને નિવૃત્તિનો પુત્ર વિવેક નામે હતો. મન રાજાએ મોહને રાજ્ય આપ્યું. પ્રવૃત્તિની ભંભેરણીથી મન રાજાએ નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો દીધો, એટલે એ બંને પ્રવચનપુરી પાસેના આત્મારામ વનમાં વિમલબોધ નામે કુલપતિ પાસે આવ્યાં. કુલપતિએ પોતાની પુત્રી વિવેકને પરણાવી અને પ્રવચનપુરીના અરિહંત રાજા પાસે લઈ ગયા. અરિહંત રાજાએ વિવેકને પુણ્યરંગ પાટણનો રાજા બનાવ્યો. પછી વસંતનો પ્રારંભ થતાં મોહનો પુત્ર કામકુમાર દિગ્વિજય માટે નીકળ્યો અને અનેક દેશો ઉપર વિજય કરીને એણે પુણ્યરંગ પાટણ તરફ પ્રયાણ કર્યું. એ સમયે વિવેક પ્રજાજનોને સાથે લઈ, અરિહંત પ્રભુના સામંત સદુપદેશની પુત્રી સંયમશ્રીના સ્વયંવરમાં ગયો હતો, એટલે કામકુમારે ખાલી નગર ઉપર કબજો કર્યો. આ તરફ, વિવેકનાં અદ્ભુત પરાક્રમો જોઈ સંયમશ્રીએ એનાં કંઠમાં વરમાળા આરોપી. એ પછી શત્રુંજય પાસે વિવેક અને મોહનાં સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું, તેમાં વિવેકે બ્રહ્માયુધથી મોહનો વધ કર્યો. આ કુલક્ષય જોઈને મોહની માતા પ્રવૃત્તિ ઝૂરવા લાગી. મન પણ શોકાતુર થઈ ગયો. વિવેકે એને સમજાવીને શાંત કર્યો. મન રાજાએ વિવેકને રાજ્ય આપ્યું, તોપણ મોહને એ ભૂલી શકતો નહોતો. વિવેકે મનને સમજાવ્યો કે તાત! મોહની ભ્રમણા છોડી દો, સમતા આદરો, મમતા દૂર મૂકો. ચાર કષાયોને હણી પાંચે ઇન્દ્રિયોને જીતી શમરસના પૂરમાં ખેલો.... ઓમ્કારમાં સ્થિર રહીને પરમાનંદ પ્રાપ્ત કરો. આ ઉપદેશને અનુસરવાનો પ્રયત્ન કરવા છતાં મનને ફરીફરી મોહનું સ્મરણ થતું હતું. છેવટે એણે આઠ કર્મરૂપી સહચરો સાથે શુક્લ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી અજ્ઞાતવાસમાં રહેલી ચેતનાએ હવે અવસર આવેલો જાણી પોતાના પતિ પરમહંસ પાસે આવીને કહ્યું, ‘સ્વામી! માયાને લીધે તમે તમારા ઉપર અનેક વીતક વીત્યાં. એ વીતક હવે શા સારુ સંભારવા? તમે વિશ્વનું સામ્રાજ્ય મૂકી આ અપવિત્ર કાયાનગરીમાં કેમ બંધાઈ રહ્યા છો? આપે આપને વિમાસો! ઊઠો, પોતાની શક્તિ પ્રકાશો! માયાનો લાગ હવે ટળી ગયો છે, મનમહેતાએ અગ્નિપ્રવેશ કર્યો છે, અને કુટુંબસહિત મોહ રણક્ષેત્રમાં નાશ પામ્યો છે. માટે હે સ્વામી! હવે વિના વિલંબે પ્રકાશો.’ ચેતનારાણીનો આ સંકેત મનમાં વસતાં પરમહંસ સચેત થયો અને પરમજ્યોતિ પ્રકાશ પામ્યો. કાયા મૂકીને પરમહંસ મોકળો-મુક્ત થયો. વિવેક ગમે તેમ તોયે મનની સંતતિ માટે એને જુદો કર્યો, અને પોતે ત્રિભુવનનો પતિ થયો. ફાગણ જતાં આંબો ખીલે છે, ગ્રીષ્મઋતુ જતાં નદીમાં પૂર આવે છે, કૃષ્ણપક્ષ પછી ચંદ્રની વૃદ્ધિ થાય છે, સાગરમાં ઓટ પછી ભરતી આવે છે, દડો એક વાર પડીને પાછો ઊછળે છે, કપૂર કપૂરના ઠામમાં જ પડે છે. પુણ્યપસાયે ભાવઠ ભાંગી અને પરમહંસ રાજાએ રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. એ પરમહંસ આત્મા જ સિદ્ધપુરીનો પંથ બતાવે છે, એ જ જીવન છે, એ જ શિવ અર્થાત્ કલ્યાણનો ગ્રંથ છે, અને એ જ મૂલ મંત્ર અને મણિ છે. જયશેખરસૂરિની સુન્દર કવિતાનાં એક બે ઉદાહરણ જોઈએ. પ્રારંભમાં જ પરમહંસ રાજાના ઐશ્વર્યનું ઓજસયુક્ત વર્ણન આપતાં :

તેજવંત ત્રિહુ ભુવન મઝારિ, પરમહંસ નરવર અવધારિ;
જેહ જપત નવિ લાગઇ પાપ, દિનિ દિનિ વાધઇ અધિક પ્રતાપ.
બુદ્ધિમહોદધિ બહુ બલવંત, અકલ અજેઉ અનાદિ અનંત;
ક્ષણિ અમરંગણિ, ક્ષણિ પાતાળિ, ઇચ્છાં વિલસઇ તે ત્રિહુ કાલિ.
વાધિઉ નીઠ સુ ત્રિભુવનિ માઇ, નાન્હઉ કુંથુ શરીરિ સમાઇ;
દીપતિ દિણયર-કોડિહિ જિસિઉ, જિહાં જોઉ તિહાં દેષઉ તિસિઉ.
એક ભણઇ એહ જિ અરિહંત, એહ જિ હરિ હુરુ અલખુ અનંતુ;
જિમ જિમ જાણિઉ તિણિ તિમ કહિઉ, મન ઇંદ્રિઅ-બલિ તે નવિ ગ્રહિઉ.
કાઠિ જલણુ જિમ ધરણિહિં ત્રેહુ, કુસુમિહિં પરિમલું ગોરસિ નેહુ;
તિલિહિં તેલુ જિમ તાઢિક નીરિ, તિમ તે નિવસઇ જગતશરીરિ.
(કડી ૯-૧૨)

સ્વયંવરમાં સંયમશ્રી વિવેકને વરી એ પ્રસંગે થયેલા આનંદોત્સવનું વર્ણન કરતા ધોળમાંથી થોડીક પંક્તિઓ :

હિવ ધઉલ
પહિલું થિરુ વન થિર હૂઆં એ, જણ દીજઈ, બીડાં જૂજૂઆં એ;
લેઇ લગન વધાવિઉં એ, વિણ તેડા સહૂઇ આવિઉં એ.
પ્રવચનપુરિ ય વધામણાં એ, સવિ ભાજઇ જૂનાં રૂસણાં એ;
બઇઠી તેવડતેવડી એ, દિં પાપડ સાલેવડી વડી એ.
ગેલિહિં ગોરડી એ, પકવાને ભરિઇ ઓરડી એ;
ફૂલંકે ફિરઇં એ, વર વયણિ અમીરસ નિતુ ઝરઇ એ.
કીજઇં મંડપ મોકલા એ, મેલિઇ ચાઉંરિ ચાકુલા એ;
ગુરવિ સજન જિમાડિઇં એ, પુરિ સાદ અમારી પાડિઇં એ.
(૩૨૯-૩૨)

આ રચના વિશે શ્રી કેશવલાલ ધ્રુવ ઉચિત રીતે લખે છે : ‘આ એક ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે... કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખિલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર્ય અને રસની મિલાવટને પોષે છે, અને વેગ અને સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે... જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.’ (‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય,’ પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૩) રૂપકપ્રધાન કાવ્યરચનાનો પ્રવાહ આ પછી ગુજરાતી સાહિત્યમાં અવિચ્છિન્નપણે ચાલુ રહ્યો છે. બ્રાહ્મણ કવિ ભીમકૃત ‘પ્રબોધપ્રકાશ’ (ઈ. ૧૪૯૦) એ, વિવેકને હસ્તે મોહનો પરાજય વર્ણવતા કૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો ગુજરાતી પદ્યમાં સારોદ્ધાર છે. ઈ. ૧૫૨૬માં જૈન કવિ સહજસુન્દરે ‘આત્મરાજ રાસ’ રચ્યો છે, ઈસવી સનના સત્તરમા સૈકાના અંતમાં જૈન કવિઓ સુમતિરંગ અને ધર્મમંદિરે લોકવિવેકનો રાસ અથવા ‘પ્રબોધચિન્તામણિ’ નામે કાવ્યો રચ્યાં છે તે દેખીતી રીતે જ જયશેખરસૂરિની સંસ્કૃત રચનાને આધારે છે. પ્રેમાનંદકૃત ‘વિવેકવણજારો,’ જિનદાસનો ‘વ્યાપારી રાસ’ (ઈ. ૧૭૩૫) અને જીવરામ ભટ્ટકૃત ‘જીવરાજ શેઠની મુસાફરી’ (ઈ. ૧૭૪૪) એ વાણિજ્યમૂલક રૂપકો છે.

૩. માતૃકા અને કક્ક

માતૃકા અને કક્ક એ ઉપદેશાત્મક કવિતાના પ્રકાર છે, અને એ તેરમા સૈકા જેટલા જૂના સમયમાં સંપૂર્ણ વિકસિત રૂપે મળે છે. માતૃકા એટલે મૂળાક્ષર. માતૃકા-કાવ્યમાં ‘અ’થી માંડી પ્રત્યેક મૂળાક્ષરથી શરૂ થતાં એક કે વધુ ઉપદેશાત્મક પદ્યો અપાય છે. માતૃકામાં છંદ ઘણુંખરું ચોપાઈ હોય છે, એથી આ પ્રકારના કાવ્યો ‘માતૃકા ચોપાઈ’ પણ કહેવાય છે. કક્ક કાવ્યોમાં ‘ક’થી માંડી પ્રત્યેક વ્યંજનથી શરૂ થતાં પદ્યો હોય છે. કક્ક ઘણું ખરું દુહામાં હોય છે. આ પ્રકારની રચનાઓમાં સૌથી પ્રાચીન ઉપલબ્ધ રચના અજ્ઞાત કવિકૃત ‘માતૃકાચઉપઈ’[10] છે. જે અજ્ઞાતનામા કવિએ (ઈ. ૧૨૭૧)માં ‘સપ્તક્ષેત્રી રાસ’ આપ્યો છે તેની જ એ કૃતિ હોય એમ બંને કૃતિનાં કેટલાંક આંતરિક પ્રમાણોથી જણાય છે. કુલ ૬૪ કડીની આ રચનામાં મંગલાચરણ અને સમાપનની કેટલીક કડીઓ બાદ કરતાં, મૂળાક્ષરોથી શરૂ થતી ઉપદેશપ્રધાન કવિતા કર્તાએ આપી છે. જિનેશ્વરસૂરિના શિષ્ય જગડુએ ઈ. ૧૨૭૫ આસપાસ આ જ પદ્ધતિએ ‘સમ્યક્ત્વમાઈચઉપઈ’[11] ૬૪ કડીમાં આપી છે. અજ્ઞાત કવિની ૬૧ કડીની ‘સંવેગમાતૃકા’ ઈ. ૧૨૯૪ આસપાસ રચાઈ છે, તે હજી અપ્રગટ છે.[12] પદ્મકૃત ૫૭ કડીની ‘દુહામાતૃકા’ અથવા ‘ધર્મમાતૃકા’[13] અને ૭૧ કડીનો ‘શાલિભદ્ર કક્ક’[14] એ બંને રચનાઓ અનુમાને ઈ.ના તેરમા સૈકાની છે. એમાંથી ‘શાલિભદ્ર કક્ક’ની વિશેષતા એ છે કે એમાં કેવળ ઉપદેશ-પદ્યો નથી, પણ જૈન સંત શાલિભદ્રની જીવનકથા કક્કા-રૂપે વર્ણવી છે. વિદ્ધણુએ અને દેવસુન્દરસૂરિના કોઈ શિષ્યે ઈ. ૧૩૯૪ આસપાસ ‘કાકબંધિચઉપઈ’[15] નામનાં બે અલગ નાનકડાં કાવ્યો રચ્યાં છે; એ બંનેય હજી અપ્રગટ છે. આ સાહિત્યપ્રકારોની સર્વ ઉપલબ્ધ રચનાઓ જૈનકૃત છે, પણ એનો અર્થ એવો નથી કે એ પ્રકારની જૈનેતર રચનાઓ નહિ થઈ હોય. જૈનેતર રચનાઓ હસ્તપ્રતોની વ્યવસ્થિત સંગોપન-પદ્ધતિને અભાવે સચવાઈ નથી એમ અનુમાન કરવું ઉચિત છે. ઠેઠ અર્વાચીન કાળના ઉદય સુધી રચાયેલા આપણા જૂના સાહિત્યમાં માતૃકા અને કક્ક પ્રકારની જૈન અને જૈનેતર કૃતિઓ સારા પ્રમાણમાં મળે છે, એ પણ ઉપર્યુક્ત અનુમાનને અનુમોદન આપે છે.

સંદર્ભનોંધ

  1. હંસાઉલિ, સંપાદક – કે. કા. શાસ્ત્રી, ગુજરાત વિદ્યાસભા. અમદાવાદ, ૧૯૪૫.
  2. સદયવત્સવીરપ્રબંધ, સંપાદક – મંજુલાલ મજમુદાર, શ્રી સાદૂલ રાજસ્થાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બીકાનેર, ૧૯૬૧.
  3. પ્રગટઃ ‘ગુર્જર રાસાવલી’માં, ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, નં. ૧૧૮, પ્રાચ્ય વિદ્યામન્દિર, વડોદરા, ૧૯૫૬ (સંપાદકો – બ. ક. ઠાકોર, મોહનલાલ દલીચંદ દેસાઈ અને મધુસૂદન મોદી).
  4. વસ્તુપાલરાસ, સંપાદક – ભોગીલાલ સાંડેસરા, ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિક, પૃ. ૧, અંકઃ ૧; ઑક્ટોબર ૧૯૬૩.
  5. જુઓ એ જ.
  6. ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’માં મુદ્રિત (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, નં. ૧૩, વડોદરા, ૧૯૨૦, સંપાદક-શ્રી ચિમનલાલ ડી. દલાલ).
  7. ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ’માં મુદ્રિત (સંપાદકો – શ્રી. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, કલકત્તા, સં. ૧૯૯૪, ઈ. ૧૯૩૮.)
  8. ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ – જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૩૬ (સંપાદકઃ ભોગીલાલ સાંડેસરા)માં મુદ્રિત.
  9. ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, સંપાદક લાલચંદ ભગવાનદાસ ગાંધી, – અભયચંદ ભગવાનદાસ ગાંધી, ભાવનગર, સં. ૧૯૭૭ (ઈ. ૧૯૨૧). થોડોક સંક્ષેપ કરીને આ કાવ્ય કેશવલાલ ધ્રુવે ‘પ્રબોધચિન્તામણિ’ એ નામથી ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’માં છપાવ્યું છે (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૨૭).
  10. માતૃકાચઉપઈ, ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ,’ પૃ. ૭૪-૭૮.
  11. એ જ, પૃ. ૭૮-૮૨.
  12. જુઓ પાટણ ગ્રંથભંડારની સૂચિ, ભાગ ૧ (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, નં. ૭૬, વડોદરા, ૧૯૩૭), પૃ. ૧૯૦.
  13. ‘ધર્મમાતૃકા’, ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ,’ પૃ. ૬૭-૭૧.
  14. શાલિભદ્રકક્કઃ એ જ, પૃ. ૬૨-૬૭.
  15. ‘જૈન ગૂર્જર કવિઓ,’ ભાગ ૧, પૃ ૧૯-૨૦.