ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભાલણ
કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગુજરાતી ભાષાને એનું વિશિષ્ટ સ્થાન સરજી આપનારા નરસિંહ મહેતાને આપણે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખાતો થયો ત્યારથી ‘આદિકવિ’ના બિરુદથી બિરદાવતા આવ્યા છીએ. જૈન સાહિત્યકારોએ મુખ્યત્વે લાવી આપેલા સાહિત્યપ્રકાર – ‘રાસ’ ‘ફાગુ’ ‘લૌકિક કથા’ ‘બારમાસી’ ‘કક્કા-માતૃકા’ અને ‘ગદ્ય બાલાવબોધો’થી સ્વતંત્ર રીતે રાસયુગમાં માત્ર જેનાં બીજ રોપાયાં હતાં તેવા પદપ્રકારનો વિકાસ અસામાન્ય રીતે હજારો પદોની રચના કરીને નરસિંહ મહેતાએ કરી આપ્યો : ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ના સાહિત્યમાં ‘ફાગુ’ અને ‘બારમાસી’ના સ્વલ્પ અપવાદે કાવ્યતત્ત્વનાં દર્શન વિરલ હતાં, જ્યારે નરસિંહ મહેતાએ ઊર્મિથી ઊછળતાં શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય તેવાં ભિન્ન ભિન્ન ઢાળનાં પદોમાં કવિતાનો ભારે પ્રવાહ વહાવ્યો તેમાં પ્રસંગવશાત્ નિરૂપણાત્મક કાવ્યો-પૌરાણિક વસ્તુને તેમજ આત્મચરિતાત્મક વસ્તુ લઈને પણ – બાંધ્યાં. સુદામાચરિત અને શ્રીકૃષ્ણની બાળલીલાનાં – શ્રી કૃષ્ણજન્મનાં પદો અને ‘મામેરું’ ‘હૂંડી’ ‘વિવાહ’ ‘હાર’ અને ‘ઝારી’નાં આત્મચરિતને લગતાં પદોમાં પૌરાણિક ઉપાખ્યાનોમાંના પ્રકારના દર્શન થાય, એની ચાતુરીઓમાં પણ આખ્યાન પ્રકારના બીજનો અનુભવ કરી શકાય, પરંતુ એ ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનારો ‘ભક્તકવિ’ હોઈ એ ‘આખ્યાન-ગાયક’ બની શક્યો નહિ. પૌરાણિક ઉપાખ્યાનોમાંથી વસ્તુ લઈ વીરસિંહે ‘ઉષાહરણ’ (ઈ.સ. ૧૪૬૦-૬૫ લગભગ), કર્મણ મંત્રીએ ‘સીતાહરણ’ (ઈ.સ. ૧૪૭૦), માંડણ બંધારાએ ‘રામાયણ’ અને ‘રુક્માંગદની કથા’ (ઈ.સ.ની પંદરમી સદીનો ઉત્તરાર્ધ), ભીમે ‘હરિલીલા-ષોડશકલા’ (ઈ.સ. ૧૪૮૫), જનાર્દન ત્રવાડીએ ‘ઉષાહરણ’ (ઈ.સ. ૧૪૯૨), વાસુએ ‘સગાળશા આખ્યાન’ (ઈ.સ. ૧૪૯૦-૧૫૦૦ લગભગ), દેહલે ‘અભિવન ઊઝણૂ’ (ઈ.સ. ૧૪૯૦-૧૫૦૦ લગભગ), કીકુ વસહીએ ‘બાલચસ્તિ’ (ઈ.સ. ૧૪૯૦-૧૫૦૦ લગભગ) અને શ્રીધર અડાલજાએ ‘ગૌરી ચરિત્ર’ (ઈ.સ. ૧૫૦૯), આ પ્રકારની રચનાઓ રચી આપી હતી. આ રચનાઓમાં સળંગ બંધની રચનાઓ પણ છે અને ખંડ પાડીને પણ થયેલી રચનાઓ છે. જનાર્દનનું ‘ઉષાહરણ’ નરસિંહ મહેતાની પદ્ધતિના પ્રકારનાં, કેટલાક વૈવિધ્ય સાથે, પદોમાં રચાયેલું છે, તો શ્રીધર અડાલજાએ નરસિંહ મહેતાની ‘ચાતુરીઓ’માં પ્રયોજાયેલા એક ઢાળને પકડી રચના સાધી આપી છે. ભાલણે તો ‘શિવભીલડીસંવાદ’ સળંગ બંધમાં જ રચી આપ્યો છે, પરંતુ એણે આખ્યાન પ્રકારનો વિકાસ સાધી આપવાની સાથોસાથ ‘કડવાબંધ’નો પુરસ્કાર કર્યો. એ ખરું છે કે ‘કડવાબંધ’ના વાહન તરીકે સ્વીકારેલી દેશીઓ નવી નથી, છેક ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’ (ઈ.સ. ૧૧૮૫)થી લઈ ‘રાસયુગ’ના અનેક રાસોમાં અને છેક નરસિંહ મહેતા અને જનાર્દનનાં પદોમાં પ્રયોજાયેલી દેશીઓની પરંપરામાં બેસી જાય તેવી છે, પરંતુ એણે જે વ્યવસ્થા વ્યાપક કરી તે કડવા-પદ્ધતિની. હા, ‘કડવક’નો પ્રકાર નવો નથી; અપભ્રંશ ભાષાનાં પ્રાચીન સંધિકાવ્યોમાં ‘કડવક’નો એકમ હતો, અને ‘રેવંતગિરિરાસ’ જેવી કૃતિમાં૧ બીજા રાસોની ‘ભાસ–ઠવણી’ જેવા એકમને બદલે ‘કડવક’ એકમ કહેવામાં આવેલો પણ છે, પરંતુ ભાલણે તો ‘કડવા’નો એકમ લઈ, એમાં ભિન્ન ભિન્ન દેશીઓનો પ્રયોગ કરી, વસ્તુ તરીકે મહાભારત-રામાયણ અને અન્ય પુરાણોમાંથી કથાનકો પસંદ કરી લોકો સમક્ષ ગાઈ શકાય એ રીતનો કાવ્યબંધ સાધી આપ્યો. એણે વસ્તુ તરીકે લીધેલાં ‘ઉપાખ્યાનો’માંના ‘ઉપ’ ઉપસર્ગને જતો કરી ‘આખ્યાન’ સંજ્ઞાનો સમાદર કર્યો; જેમકે
‘તાલમય સકલ અર્થ પદબંધે બાંધું નલ-આખ્યાન’૨
‘યુધિષ્ઠિર આનંદ પામ્ય સાંભળી આખ્યાન’૩
મહાભારત-આરણ્યક પર્વમાંના ‘નલોપાખ્યાન’ને જ પહેલા અવતરણમાં ‘નલ-આખ્યાન’ કહે છે અને ‘ઉપાખ્યાન’ એવી ચાલુ સંજ્ઞાનો ત્યાગ કરી બીજા અવતરણમાં ‘આખ્યાન’ કહે છે. પરંતુ પૌરાણિક ઉપાખ્યાનો જ એનાં આખ્યાનોનો વિષય હતાં એવું એના માનસમાં હજી સ્પષ્ટ થયું નહિ હોય, કારણ કે એણે ‘કાદંબરી’ના સારાનુવાદને પણ ‘ભાખાઇ કીધૂ આખ્યાન’૪ કહ્યું છે. બેશક, એની પુષ્પિકા એની જ લખેલી હોય તો, ત્યાં પૂર્વ ભાગને અંતે ‘गुज्जरभाषा कवितबंध કહે છે,’૫ તો ઉત્તર ભાગના આરંભમાં બાણે ‘કાદંબરી’ અધૂરી રાખેલી એ બતાવવા ‘પિતા સ્વર્ગ પામ્યું નિ અધવચિ ઉત્તમ રહ્યું આખ્યાન’.૬ એમ કહીને પણ પુષ્પિકામાં ‘उपाख्यान त्रवाडी भालणकृत संषूर्ण’ એમ કહ્યું છે.૭ આમ ‘કાદંબરી’ જેવી સર્વથા કાલ્પનિક કોટિની ‘લૌકિક કથા’ને પણ ‘આખ્યાન’ અને સંસ્કૃત રૂઢ શબ્દ ‘ઉપાખ્યાન’ કહેવામાં એણે સંકોચ નથી સેવ્યો એમ કહી શકાય, પરંતુ ‘આખ્યાન’ની આ વ્યાપકતા એની સાથે જ પૂર્ણ થાય છે અને એના અનુગામીઓ ‘લૌકિક કથાઓ’ને ‘આખ્યાન’ કહેતા જોવામાં આવ્યા નથી. હા, ભાલણે ક્વચિત્ આખ્યાનપ્રકારની રચનાને ‘રાસ’ કહેલ છે; જેમ કે દશમસ્કંધમાં ‘રુક્મણીવિવાહ’ને અંતેઃ
‘ગાન કરે જે પ્રેમશૂં એ કૃષ્ણવિહિવા–રાસ,
સુખ પામી સંસારનાં ને અંતે વૈકુંઠવાસ.’૮
તો એ જ રીતે એના અનુગામીઓમાંના નાકર અને એના પછીના વિષ્ણુદાસે એ પ્રકારની રચનાઓને ‘રાસ’ કહેલ પણ છે; જેમકે
‘રામકૃપાએ કીધો રાસ, કહિ નાકર હરિનો દાસ.’૯
‘રામકૃપાએ કીધો રાસ, કર જોડીને કહે વિષ્ણુદાસ.’૧૦
જૈન સાહિત્યકારોએ પૌરાણિક કોટિનાં ધાર્મિક કથાનકોને માટે ‘રાસ’ સંજ્ઞા વ્યાપક કરી હતી તેનું જ ભાલણ-નાકર-વિષ્ણુદાસમાં આ અનુસંધાન જણાય છે; રચનાઓ પૌરાણિક આખ્યાનોની જ છે.
ભાલણનો સમય
‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (ઈ.સ. ૧૮૬૬) પ્રસિદ્ધ કરતાં વ્રજલાલ કા. શાસ્ત્રીએ ‘કાદંબરી–દશમસ્કંધ’માંથી અવતરણ લીધાં, પણ ભાલણના સમયના વિષયમાં કશું લખેલું નહિ. કવિ નર્મદે ‘નર્મકોશ’ની ‘ગુજરાતી ભાષા’ વાળી પ્રસ્તાવના (ઈ.સ. ૧૮૭૨)માં ભાલણ ઈ.સ. ના ૧૭મા સૈકામાં થયાનો નિર્દેશ કર્યો.૧૧ હરિ હર્ષદ ધ્રુવે ભાલણની પ્રસિદ્ધ રચનાઓ વિશે કહેતાં સૂચવ્યું કે ‘... તેને વિ.સં. ૧૬૧૬ પહેલાં મૂકવો પડશે; જોકે તેને કવિ નરસિંહ મહેતાના અને તેના સમકાલીન ‘હરિલીલા’વાળા ભીમ કવિ અને ‘કાન્હડદે–પ્રબંધ’–વાળા પદ્મનાભ જેટલો તો આગળ નહિ મુકાય, પણ તે તેમના સમયથી બહુ અર્વાચીન નહિ કરાય.’૧૨ આ પછી ઈ.સ. ૧૮૮૭માં ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’માં ‘સપ્તશતી’ આપતાં, નારાયણ ભારતીએ ભાલણનું જીવનચરિત બાંધતાં એને સં. ૧૪૬૧ (ઈ.સ. ૧૪૦૫) થી હોવાનો અભિપ્રાય આપ્યો. જ્યારે ‘પ્રાચીન કાવ્યમાળા’માં હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળાએ એક નળાખ્યાન છાપ્યું ત્યારે એમાં ‘પંદરસેં પીસતાલીસ માંહિ ગયા નળગુણગ્રામ જી’ એમ સં. ૧૫૪૫ (ઈ.સ. ૧૪૮૯)નું વર્ષ મળતાં૧૪ નરસિંહ મહેતાના કંઈક ઉત્તર સમકાલમાં ભાલણ થયો હોવાનું આપણા સાહિત્યેતિહાસોમાં શરૂ થયું. પરંતુ રામલાલ મોદીએ પુરવાર કરી આપ્યું કે ભાલણને નામે છપાયેલું બીજું ‘નળાખ્યાન’ ભાલણની રચના નથી.૧૫ એ પણ અહીં નોંધવું જોઈએ કે આ બીજું ‘નળાખ્યાન’ બૃહત્કાવ્યદોહનના ગ્રંથ બીજામાં પૂર્વ કાલમાં છપાયેલું ત્યારે એમાં વર્ષવાળી કડી હતી નહિ. ભાલણનો સમય નક્કી કરવામાં બે વસ્તુ નિયામક બની રહી છે તે (૧.) એણે ‘દશમસ્કંધ’ની લીલાનાં પદોની રચના કરી તેમાં વ્રજ ભાષાનાં ૫-૬ પદ રચ્યાં માલૂમ પડી આવ્યાં છે૧૬ અને (૨.) એણે એની પૂર્વના પૌરાણિક આખ્યાનોમાં નહિ તેવો કડવાબંધ વિકસાવી આપ્યો છે એ. ભાલણના ‘દશમસ્કંધ’ની સારી જૂની હાથપ્રતો મળે છે,૧૭ જેમાં વ્રજભાષાનાં પાંચ પદ એની જ છાપનાં સુલભ છે એટલે પ્રક્ષિપ્ત કહી શકાય એમ નથી. (૧) હિંદી સાહિત્યનો ઇતિહાસ જોતાં એમાં એક વસ્તુ તદ્દન સ્પષ્ટ છે કે હિંદીની પ્રાણરૂપ વ્રજભાષાની રચનાઓનો સાહિત્યિક કોટિનો આરંભ તો વૈષ્ણવ ધર્મના એક આચાર્ય શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ.સ. ૧૪૭૩-૧૫૩૧)ના અષ્ટછાપમાંના પહેલા ચાર ભક્તકવિ કુંભનદાસ સૂરદાસ પરમાનંદદાસ, અને ચરોતરના ગુજરાતી પાટીદાર કૃષ્ણદાસે શ્રીકૃષ્ણલીલાને લગતાં હજારો પદોનો વ્રજભાષામાં પ્રવાહ વહાવી આપ્યો ત્યારથી ચોક્કસ સ્વરૂપમાં થયો.૧૮ અષ્ટછાપમાં જેનું સ્થાન નથી તેવા બે સગુણદાસોમાંનો એક સગુણદાસ શ્રીવલ્લભાચાર્યજીના બાલ્યકાલમાં હતો અને એણે થોડાં જ પદ રચેલાં જાણવામાં આવ્યાં છે,૧૯ પરંતુ સાહિત્યનું વ્યાપક વાહન તો વ્રજભાષાને ઈ.સ. ૧૫૦૦ આસપાસથી જ મળ્યું છે. ભાલણનાં પદોની ધાટી સૂરદાસ વગેરેનાં પદોની ધાટીને અનુરૂપ છે, એટલું જ નહિ, પરમાનંદદાસનું પલનાનું, ‘માઈ મીઠે હરિજૂ કે બોલનાં’ એ પદનો અનુવાદ કહી શકાય તેવું ભાલણનું ‘મીઠું તે હરિનું બોલવું’૨૦ મળી આવે છે, જેમાં શ્રીવલ્લભાચાર્યના ‘અધરં મધુરં’થી શરૂ થતા, જાણીતા मधुराष्टक નો આશય સચવાયેલો જોવા મળે છે. શ્રીવલ્લભાચાર્યજી ઈ.સ. ૧૪૯૦-૧૫૦૯ના આસપાસના સમયમાં ત્રણવાર સૌરાષ્ટ્રનાં તીર્થસ્થળોમાં ભારત-પરિક્રમા દરમ્યાન, અને ચોથી વાર ઈ.સ. ૧૫૨૯માં દ્વારકા પણ આવ્યા હતા.૨૧ આ પ્રવાસોમાં એમણે પુષ્ટિમાર્ગનો બહોળો પ્રચાર કરી અનેક શિષ્ય કર્યા હતા. એમનાં શ્રીમદ્ભાગવત પરનાં વ્યાખ્યાન ઈ.સ. ૧૪૯૦-૧૫૦૯ વચ્ચે સિદ્ધપુરમાં પણ થયાં હતાં. અને ગોવિંદ દવે, જગન્નાથ જોષી, રાણા વ્યાસ જેવા વિદ્વાન શિષ્યો સિદ્ધપુરમાં હતા.૨૨ ગુજરાતમાંથી વૈષ્ણવો સારા પ્રમાણમાં મથુરા પ્રદેશની યાત્રાઓએ નીકળતા હતા અને એ સમયે ગિરિગોવર્ધન ઉપરના શ્રીનાથજીના મંદિરમાં દર્શનાર્થે જતા હતા, જ્યાં કુંભનદાસને કીર્તનની સેવા સોંપી હતી.૨૩ સૂરદાસ પરમાનંદદાસ અને પછી શ્રીનાથજીના મંદિરના અધિકારી સ્થાને રહેલા ગુજરાતી કૃષ્ણદાસ પટેલની કીર્તનોની સેવા પણ ચાલુ રહી હતી. ભાલણ આવી પોતાની કોઈ યાત્રામાં વ્રજપ્રદેશમાં ગયો હતો કે નહિ એ વિશે જાણવામાં આવ્યું નથી, પરંતુ વ્રજભાષામાં શ્રીકૃષ્ણની લીલાનાં ગવાતાં પદ એના સાંભળવામાં આવ્યાં હશે એમ એણે રચેલાં વ્રજભાષાનાં સ્વતંત્ર પ્રાચીન પાંચ પદોથી સરળતાથી કહી શકાય એમ છે. વિશેષમાં કૃષ્ણદાસ પટેલનાં ગાવામાં અઘરાં પડે તેવાં લાંબા બંધનાં પદોનો પ્રકાર પણ ભાલણે ગુજરાતી પદોમાં બંધ જોવા મળતો નથી. પોતાની પદરચનામાં આમ ભાલણ નરસિંહ મહેતા અને મીરાંથી આગળ વધેલો છે. ભાલણ શાસ્ત્રીય રાગોનો પણ જાણકાર હોવાનું એનાં ચારસોથી વધુ જાણવામાં આવેલાં પદોથી સમજાય છે. વ્રજભાષાની એની પદરચના ઉપરાંત ‘નટનારાયણ’ જેવા અઘરા રાગનાં લાંબાં બંધના પદ૨૫ એને અષ્ટછાપના પહેલા ચાર ભક્તકવિઓનો ઉત્તરકાલીન સમકાલીન નહિ, તો સમકાલીન તો કહી જ જાય છે. (૨) એનાં વ્રજભાષાનાં પાંચ કે છ જેટલાં સ્વલ્પ જ, પરંતુ ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણલીલાનાં અને રામબાલલીલાનાં મળી ચારસોથી પણ વધુ સંખ્યાનાં પદોમાં ‘ધ્રુવપદ’ની પહેલી કડીનાં દર્શન થતાં નથી, પરંતુ એના દશમસ્કંધમાં પદ–મથાળે નિરૂપણાત્મક ભાગમાં ‘કડવાં’નો બંધ સમાદ્દત કર્યો છે તેમાં અને નલાખ્યાન વગેરે સંખ્યાબંધ આખ્યાનોમાં આપેલાં ચોખ્ખાં કડવાંઓમાં, સામાન્ય રીતે બહુ લાંબા નહિ એવા એકમનાંમાં, સામાન્ય રીતે ‘ઢાળ’ની પહેલાં ‘ધ્રુવ કડી’ આપવાનો આરંભ કર્યો છે, એ પ્રકારનો પુરસ્કારક તો પ્રાચીન સાહિત્યની પ્રાપ્ય સામગ્રી જોતાં, ભાલણ જ છે.૨૬ ગીતગોવિંદમાં ‘ધ્રુવકડી’ મોટે ભાગે એના પછીના ‘બંધ’ના ઢાળની કે માપની મળે છે, જ્યારે ભાલણની ‘ધ્રુવ કડી’માં તારતમ્ય પણ જોવા મળે છે. આ પ્રકાર નરસિંહ મહેતાની ‘ચાતુરી’ઓમાંના પ્રકારથી અને શ્રીધર અડાલજાએ રચેલા ‘ગૌરીચરિત્ર’ (ઈ.સ. ૧૫૦૯)માંના પ્રકારથી જુદો તરી આવે છે. ભાલણ પોતાના પ્રકારનો આ અભિનવ ‘કડવા-બંધ’ વિકસાવે છે; બેશક, એ હજી કડવાને અંતે ‘ઊથલો’ કે ‘વલણ’ પ્રકારની સમાપન-કડીનો આરંભ કરતો નથી, જે એના ઉત્તરસમકાલીન, વડોદરાના, નાકરનાં મહાભારતનાં આખ્યાનોમાં જોવા મળે છે.૨૭ એ ખરું કે નરસિંહ મહેતાની ‘ચાતુરી’ઓમાં નાના નાના ખંડ પાડતા બંધમાં એકથી વધુ વાર ‘ઊથલા’ (અને ‘વલણ’) નાં દર્શન થાય છે,૨૮ જેની સાથે નાકરે સામદૃત કરેલા ‘ઊથલા’ (કિંવા ‘વલણ’) નો સંબંધ જોવા મળતો નથી. આમ વ્રજભાષા અને કડવા બંધ–એ બે કારણોથી ભાલણનો કાવ્યકાલ ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦ના ગાળામાં – અર્થાત્ મીરાંના સમકાલમાં સાહજિક રીતે આવી રહે છે. ભાલણ હજી એની વિદ્યાર્થી-દશામાં હશે તેવા સમયનો સિદ્ધપુરમાં અને પ્રભાસપાટણમાં રહીને ભીમ પોતાની ‘હરિલીલા–ષોડશકલા’ (ઈ.સ. ૧૪૮૫) અને ‘પ્રબોધપ્રકાશ’ (ઈ.સ. ૧૪૮૯) એ બે રચના કરી જાય છે, તે બંનેમાં – એકમાં ‘મહારિષિ’ ‘દ્વિજ’ એવો પોતાના ગુરુ માટેનો મભ્ભમ નિર્દેશ અને બીજામાં વેદાંતપારગ ‘પુરુષોત્તમ’નો અને ‘નૃસિંહ વ્યાસ’ (પ્રભાસ પાટણના વાસી)નો સ્પષ્ટ નિર્દેશ કરે છે.૨૯ આમાંનો ‘મહારિષિ’ ‘દ્વિજ’ ને ‘પુરુષોત્તમ’ એકાત્મક કહી શકાય એમ છે. આ ‘પુરુષોત્તમ’ એ ભાલણની ઉત્તરાવસ્થામાં સંન્યસ્તપ્રકારના જીવનમાંથી ‘પુરુષોત્તમ મહારાજ’ એવું નામ સ્વીકારવામાં આવેલું હતું એમ બતાવી ભાલણથી અનન્ય હોવાનો વાદ એક સમયે પ્રચલિત કરવામાં આવ્યો હતો,૩૦ પરંતુ ઇતિહાસપુષ્ટ પ્રમાણોના અભાવે આ વાદ આપોઆપ જ ઊડી ગયો છે, એટલે ભાલણને ભીમ સમકાલીન કહેવાની પણ આજે સ્થિતિ રહી નથી.
ભાલણનાં વતન અને જ્ઞાતિ
ભાલણે પોતાનું વતન ‘પાટણ’ (‘ગુજરાત પાટણ’) માં હોય એવો નિર્દેશ એના ‘મામકી આખ્યાન’ને અંતે કર્યો છે; જેવો કે
‘પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ’.૩૧
એના ‘દશમસ્કંધ’ની એક હાથપ્રતની પુષ્પિકામાં એના તરફથી યા લહિયા તરફથી લખવામાં આવેલી વિગતે આને ટેકો આપ્યો છેઃ ‘इति श्री भागवतपुराणे दशमस्कन्धे बाललीलापदबंध पाटणनगर भो- ब्राह्मण भालणकृत संपूर्णं ।’૩૨ એની બીજી રચનાઓની પુષ્પિકાઓમાં ‘ત્રવાડી’ શબ્દ પણ મળતો હોઈ,૩૩ એના વતનના નિશ્ચય સાથે એ ‘મોઢ બ્રાહ્મણ’ હતો એનું પ્રબળ પ્રમાણ એના જીવનમાં ઉત્તરોત્તર વિકસેલી રામભક્તિનું મળે છે.૩૪ મોઢ બ્રાહ્મણો અને વણિકોના ઇષ્ટદેવ ‘શ્રીરામ’ હોવાનું જાણીતું છે. એ ખરું છે કે ભાલણ એની વહેલાંની રચનાઓમાં આરૂઢ રામભક્ત નથી જણાતો. એની ‘સપ્તશતી’ના પદ્યાનુવાદમાં તો એ દેવીભક્ત લાગે,૩૫ પરંતુ સામાન્ય બ્રાહ્મણ સંપ્રદાયનો હોવાનું ‘શૈલસુતાસુત’ ગણેશને ‘સપ્તશતી’ના આરંભ (પહેલી અને દસમી કડી) માં નમન કરી સરસ્વતીને પણ યાદ કરે છે; ‘કાદંબરી’ અને ‘નલાખ્યાન’ને આરંભે શ્રી ગુરુ-ગણપતિ-સરસ્વતીનાં મંગલ કરે છે.૩૬ ‘નલાખ્યાન’માં એક સ્થળે ‘જેણી પેરે રાખે તેણી પેરે રહીએ ભાલણ–પ્રભુ એવો રઘુનાથ રામ તરફનો આદર પકડાય છે. પછી તો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એની આરૂઢ રામભક્તિ વધતી ચાલે છે અને અંતે એ શ્રીકૃષ્ણની લીલામાં પણ શ્રીરામની અનન્યતા જુએ છે; જેવી કે
‘એને બાંધ્યો હું શું છોડું, નામે જુગ છોડાય રે;
ભાલણ-પ્રભુ સીતાપતિ સ્વામી દામોદર કરી ગાય રે’૩૮
દશમસ્કંધમાં આવાં બીજાં પણ સ્થાન સુલભ છે.૩૯ બેશક, દશમસ્કંધના આરંભમાં ‘સરસ્વતી’નું જ મંગલ કરે છે.૪૦
ભાલણનો ગુરુ
ભાલણના ‘મામકી આખ્યાન’ (‘રામમાહાત્મ્ય)ની પુષ્પિકામાં એવું મળે છે કે
‘ઇતિ શ્રીપદ્મપુરાણે ઉમામાહેશ્વરસંવાદે ત્રવાડી ભાલણકૃત મામકીનું
આખ્યાન સંપૂરણ શ્રી ગુરુબ્રહ્મપ્રિયાનંદનાથજી’ની પ્રેરણાથી લખાણું છે. શ્રી’.૪૧
આ પુષ્પિકામાંના ‘શ્રીગુરુબ્રહ્મપ્રિયાનંદનાથજી’ની પ્રેરણાથી લહિયાએ આ આખ્યાનની નકલ કરી એટલું જ સમજાય છે. એ ખરું કે ‘ધ્રુવાખ્યાન’નો આરંભ જોતાં કોઈ એક વિશિષ્ટ ગુરુ હોવાનું સમજાય છે; જેમકે
‘શ્રીપાતજીની કૃપા કરીને કથા કાંઈ કહેવાય.
કહે કવિ હું ગુરુ તણા અહોનિશ પૂજું પાય ર૦.’૪૨
‘શ્રીપાત’ હોય તો એ વિશેષ સંજ્ઞા નથી, સંન્યાસી માટેની સંમાન્ય સંજ્ઞા છે; સંભવ છે કે ‘શ્રીપતિ’ હોય. એના ‘જાલંધર આખ્યાન’ની એક પ્રત (સં. ૧૭૨૬ – ઈ.સ. ૧૬૭૦) માં આરંભે ‘શ્રીપતના ચર્ણકમલનિ પ્રથમં કરું પ્રણામ’૪૩ મળી આવે છે, જ્યાં પછી (સં. ૧૭૩૮ – ઈ.સ. ૧૬૮૨) ની પ્રતમાં’૪૪ ‘સીતાપતિ ચરણકમલને પ્રેમે કરૂં...’ મળે છે. અહીં ‘શ્રીપત–શ્રીપતિ’ લક્ષ્મીના પતિ કરતાં ગુરુની વિશેષ સંજ્ઞા હોવાની વધુ શક્યતા છે. ‘સીતાપતિ’ એ પછીનો સુધારો સમજાય છે.
ભાલણના પુત્રો
મધ્યકાલીન સાહિત્યકારોમાં કદાચ ભાલણ એક એવો કવિ છે કે જેના પુત્રોએ પિતાનો થોડો ઘણો વારસો સાચવી રાખ્યો હોય. ઉદ્ધવના ‘બબ્રુવાહન આખ્યાન’માં:
‘કર જોડીને કેહે આનંદે ભાલણસુત ઓધવદાસ.’૪૫
અને વિષ્ણુદાસના ‘રામાયણ ઉત્તરકાંડ’માં :
‘ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઉપજે મન ઉલ્લાસ,
કર જોડીભાલણસુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ.’૪૬
અને ખુદ ભાલણ પણ ‘મામકી આખ્યાન’ને અંતે કહે છે કે
‘ભાલણની વાણી સાંભળી વિષ્ણુદાસ પૂછે છે વળી.’૪૭
આ ત્રીજા પ્રમાણને લક્ષમાં ન લઈએ તોયે પ્રથમનાં બે અવતરણોથી ઉદ્ધવ અને વિષ્ણુદાસ ભાલણના પુત્રો સમજાય છે : ત્રીજો ચતુર્ભુજ હતો એમ કહેવાયું છે,૪૮ પણ એને માટે કોઈ પ્રમાણ મળ્યું નથી. ભાલણસુત વિષ્ણુદાસ ૧૭મી સદીના પૂર્વાર્ધના ખંભાતના મકરકુલના નાગર બ્રાહ્મણ વિષ્ણુદાસથી પૂર્વનો છે.૪૯ ભાલણસુત વિષ્ણુદાસના રામાયણ-ઉત્તરકાંડના છેલ્લાં બે જ કડવાં મળ્યાં છે અને એમાં એનું રચ્યા-વર્ષ વગેરે, ‘સં. ૧૫૭૫ના કાર્તિક સુદિ ૫ બુધવાર’ કહેલ છે.૫૦ પરંતુ રામલાલ ચુ. મોદીએ ગણિતથી ‘સં. ૧૫૧૫- પનરોતરો’ હોવાની સંભાવના કરી છે એ સંભવિત છે.૫૧ ભાલણની ઉત્તરાવસ્થામાં ખીલતા આવતા વિષ્ણુદાસે સં.૧૫૭૫-ઈ.સ.૧૫૧૮ માં રચના કરી અશક્ય ન કહી શકાય. આમ વિષ્ણુદાસનું આ વર્ષ ભાલણના સમયના નિશ્ચયમાં સહાયક થઈ પડે એમ છે. એ નોંધપાત્ર છે કે ભાલણે પેટને માટે નહિ, પરંતુ કુટુંબના આનંદ ખાતર સાહિત્યસેવા કરી હતી, જેમ કે,
‘રૂકમિણીને વિવાહે સંતોખાણો નહિ પરિવાર,
તે માટે વિવાહ વિસ્તારે સત્યભામાનો ભાખું.’૫૨
કડવાં અને કડીઓની સંખ્યા અને ફલશ્રુતિ
કડવાબંધનાં આખ્યાનોમાં કડવાંઓની અને કડીઓની સંખ્યા આપવાનો આરંભ પણ ભાલણથી જાણવામાં આવ્યો છે. બેશક, એનાં બધાં જ આખ્યાનોમાં આમ નથી થયું; ‘ધ્રુવાખ્યાન’માં માત્ર મળે છે.૫૩ ત્યાં ‘ફલશ્રુતિ’ પણ કહી છે, જેવી તો બીજાં આખ્યાનોને અંતે પણ છે.૫૪
ભાલણની ગુજર ભાખા
આચાર્ય હેમચંદ્રના સમયમાં વ્યાકરણસ્થ થયેલી અપભ્રંશ ભાષા મારે મતે ‘ગૌર્જર અપભ્રંશ’ લોકમાં અર્વાચીન ભાષાની આદ્ય ભૂમિકાની લાક્ષણિકતા નાખી રહી હતી અને ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ના રૂપમાં પરિણત થયે જતી હતી. પંદરમી સદીના આરંભની આસપાસ ગુજરાત-સૌરાષ્ટ્ર- પશ્ચિમ રાજસ્થાનમાં અર્વાચીન ભાષાનાં બીજ સંપૂર્ણપણે નખાઈ ગયાં હતાં. આ ભૂભાગના સાહિત્યકારો રચનાઓ કર્યે જતા હતા, જેમાં જૈનેતર સાહિત્યકારોમાં નરસિંહ મહેતા, વીરસિંહ, કર્મણ મંત્રી, ભીમ, જનાર્દન, માંડણ બંધારો, શ્રીધર અડાલજો મોઢ વગેરે પોતપોતાને અનુકૂળ સાહિત્યપ્રકાર ખેડતા આવતા હતા. આ નવી વિકસી આવેલી ભૂમિકાની કોઈ સંજ્ઞા હજી સાહિત્યગ્રંથોમાં સૂચિત થઈ પકડાઈ નથી. નરસિંહ મહેતાના નામે ચડેલા ‘સુરતસંગ્રામ’માં ‘અપભ્રષ્ટ ગિરા વિશે કાવ્ય કેવું દિસે, ગાય હીસે ને જ્યમ તીર લાગે’૫૫ એ ‘અપભ્રષ્ટ ગિરા’ કહેવડાવવાનો પ્રયત્ન છે, પરંતુ એ રચના તો ૧૯મી સદીની છેલ્લી પચીસીની લાગી છે.૫૬ ‘કાન્હડદે પ્રબંધ’ (વિ.સં. ૧૫૧૨ – ઈ.સ. ૧૪૫૬)માં પદ્મનાભ ‘પ્રાકૃતબંધ કવિતમતિ કરી’૫૭ એમ પોતાની ભાષાને ‘પ્રાકૃત’ કહે છે તે ‘સંસ્કૃતથી’ જુદી પાડવા. આ સમયની સંજ્ઞા આપનારો તો અત્યાર સુધીમાં ભાલણ જ પહેલો જાણવામાં આવ્યો છે :
‘ગુરુપદપંકજને પ્રણમું, બ્રહ્મસુતાને ધ્યાઊં,
ગુજર ભાષાએ નલરાના ગુણ મનોહર ગાઊં. ૧’૫૮
એણે દશમસ્કંધમાં ‘ગુર્જર ભાખા’ કહેલ છે; ૫૯ તો કાદંબરીમાં પણ ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી.’૬૦ એમ ‘ગુજ્જર ભાખા’ કહી છે. અન્યત્ર એણે માત્ર ‘ભાખા’ શબ્દ જ પ્રયોજ્યો છે; જેમકે ‘તેહની પ્રિછવા કારણિ કીધો ભાલણિ ભાખાબંધ’૬૧ ‘ભાખાઈ કીધું આખ્યાન’. કાદંબરી–પૂર્વ ભાગની પુષ્પિકામાં ‘ગુર્જર ભાષા–કવિત્તબંધ’ અને ઉત્તર ભાગની પુષ્પિકામાં ‘પ્રાકૃત ભાષા’ એવા શબ્દ મળે છે તેને લક્ષ્યમાં ન પણ લઈએ, પરંતુ કાવ્યાંતર્ગત શબ્દો તો સ્પષ્ટ જ છે. ‘નલાખ્યાન’માં એ પોતાની આ ‘ગુજર ભાખા’ને ‘કથામાત્ર એ નૈષધરાની, અપભ્રંશ ઐં દાખી’૬૨ એમ ‘અપભ્રંશ’ પણ કહે છે એ ‘પ્રાકૃત’ની જેમ એક પ્રકાર કહેવાના આશયથી જ.
ભાલણની સાહિત્યસેવા
ભાલણની પ્રાપ્ય કૃતિઓનો અભ્યાસ કરતાં એની શક્તિની દૃષ્ટિએ ત્રણ કક્ષાની કૃતિઓ જોવા મળે છે : સામાન્ય : (૧) શિવભીલડી સંવાદ, (૨) જાલંધર આખ્યાન, (૩) દુર્વાસા આખ્યાન, (૪) મામકી આખ્યાન, (૫) દ્રૌપદી-વસ્ત્રાહરણ-તૂટક મધ્યમ : (૬) રામવિવાહ, (૭) ધ્રુવાખ્યાન, (૮) મૃગી આખ્યાન, (૯) રામાયણ-તૂટક, (૧૦) દશમસ્કંધ ઉત્તમ : (૧૧) પહેલું નલાખ્યાન, (૧૨) સપ્તશતી–આખ્યાનરૂપમાં અનુવાદ, (૧૩) કાદંબરી આખ્યાનરૂપમાં સારાનુવાદ, ઉપરાંત (૧૪) દશમસ્કંધમાં સામેલ થયેલાં મળતાં અને હજી અપ્રસિદ્ધ કહી શકાય તેવાં શ્રીકૃષ્ણબાલલીલાને લગતાં સંખ્યાબંધ પદ, (૧૫) એવાં રામબાલચરિતને લગતાં પદ. આમ ભાલણ આખ્યાનકાર અનુવાદક અને પદકાર એમ ત્રણ સ્વરૂપોમાં ગુજરાતી સાહિત્યની વિશાળ સેવા આપી ગયો છે. એક બીજું ‘નલાખ્યાન’ ભાલણના કર્તૃત્વના નિર્દેશ સાથે બૃહત્કાવ્યદોહન (ભાગ બીજો- શરૂની આવૃત્તિ)માં અને પછીથી રામલાલ મોદી તરફથી ‘પહેલા નલાખ્યાન’ સાથે છપાયેલું, પરંતુ ખુદ રામલાલ મોદીએ જ એ ભાલણની કૃતિ ન હોવાનું સિદ્ધ કરી આપ્યું છે.૬૩
આખ્યાનકાર ભાલણ
‘શિવભીલડીસંવાદ કિંવા ‘હરસંવાદ’ એ ૭૯ કડીઓનું નાનું સળંગબંધનું આખ્યાન-કોટિનું કાવ્ય છે, અને એની પહેલી રચના હોય એમ એની અતિ સામાન્યતાથી લાગે છે. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’નું એક જ કડવું મળે છે. એનાં સામાન્ય આખ્યાનોમાં ‘જાલંધર આખ્યાન’ ‘દુર્વાસા આખ્યાન’ અને ‘મામકી આખ્યાન’ કડવાબદ્ધ રચનાઓ છે, જેમાં કોઈ પણ પ્રકારની પ્રૌઢિ જોવામાં નથી આવતી, સામાન્ય કથાનિરૂપણ જ ‘પદબંધ’માં નિરૂપાયેલ છે. એના અપ્રસિદ્ધ ‘રામવિવાહ’ કિંવા ‘સીતાવિવાહ’માં, ‘ધ્રુવાખ્યાન’માં, ‘મૃગી આખ્યાન’માં, ‘રામાયણ’નાં ચાર પદોએ તૂટતા આખ્યાનમાં અને ‘દશમસ્કંધ’માંનાં મોટા ભાગનાં કથાનકોમાં વચ્ચે સ્પષ્ટ ઉમેરાયેલાં પદોને બાદ કરી નાખતાં કડવાબંધનાં પદોમાં એ કાંઈક રોચક તત્ત્વ આપવા સફળ થાય છે. એની આખ્યાનકાર તરીકેની સિદ્ધિ એના ‘પહેલા નલાખ્યાન’માં અનુભવાય છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આખ્યાનોની રચના કરવામાં એ પ્રસંગચિત્રણ કરતાં પ્રસંગનિરૂપણમાં વધુ લક્ષ્ય આપતો હોઈ મુખ્યત્વે કથાવસ્તુ જ નિરૂપે છે અને તેથી કરીને રસો અને અલંકારોને પ્રેમાનંદના પ્રકારની ઉન્નત માત્રાએ સાધી આપી શકતો નથી. જ્યાં એને એ કોટિ સાધ્ય બની છે ત્યાં સંસ્કૃત ગ્રંથોનો એને સહારો મળ્યો પકડી શકાય છે. એની પાસે હથોટી છે અને સામાન્ય રચનામાં પણ રોચકતા લાવી આપે છે. શિવજીને લુબ્ધ કરવા ‘શિવભીલડી–સંવાદ’માં –
‘નાટારંગ માંડયો રંભા–શું, ઉમિયાજી આનંદે,
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં તે મોહ્યા અતિ છંદે. ૨૬
મણિધર મોહ્યો મહી સ્થળે, રહ્યો મસ્તક ડોલે.
શૂન્ય શબ્દ પંખી થયાં મુખથી નવ બોલે. ૨૭
શંભુ પાસે આવીને વળી પાછી ફરતી;
તાન માન રંગ રાગ–શું, ત્રિપુરારીનું મન હરતી. ૨૮
મોહનીરૂપે કામિની દીઠી જેની વાર,
મૂર્છાગત શંભુ હવા, નહિ શ્વાસ તે વાર. ૨૯’ ૬૪
શૃંગાર રસને અનુકૂળ ઉદ્દીપક સામગ્રી ઉમાના દેહમાં ખડી કરી નાયકના અનુભાવ દ્વારા મૂર્છામાં પરિણમતી બતાવવામાં અહીં ભાલણ આછી પણ શક્તિ બતાવે છે. નળ-દમયંતીના કથાનકમાં એને ખીલવાનો મોકો મળે છે. શૃંગાર રસના વિપ્રલંભ અને સંયોગ એ બેઉનું નિરૂપણ આ આખ્યાનમાં થયું છે, જેમાં વિપ્રલંભને બહેલાવવામાં એને સારી સફળતા મળી છે. અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ પ્રથમ દમયંતી પાસે આવી નળ તરફ એના દિલનું ખેંચાણ કરે છે :
‘નારી કોએ નહીં તુજ સરખી, નર નહીં કો નલ-તોલિ. ૮
જુ નલ રાજા વર તૂં પામી, જન્મ સફલ તુજ હોય.
ચૌદ લોકમાંહાં નહીં તે તોલિ રૂપિ બીજું હોય. ૯
નૈષધ નરનિ જો તું નારી, શરખિ શરખી જોડ;
નહીંતરિ વિધાતાની લાગિ રૂપ રચ્યાની ખોડ. ૧૦’ ૬૫
થોડા જ શબ્દોમાં એ પ્રસંગને ખડો કરી દે છે અને ત્યાં જ દમયંતીના ‘વિપ્રલંભ’ની તીવ્રતા શરૂ થાય છે. કવિ ‘રસ શૃંગાર તણુ થ્યુ અંકુર : વિપ્રલંભ તે રીત. ૧૩’ કહે છે. અહીં થોડો ‘નૈષધીયચરિત’ મહાકાવ્યના શ્લોકોનો સહારો લઈ પ્રસંગને બહલાવ્યા પછી પોતાના સ્વતંત્ર શબ્દોમાં પણ એ તાદૃશતા લાવવામાં સફળતા મેળવે છે :
‘હાર ગ્રહીનિ કહિ કામિની, ગુણવંત છિ તૂં, નવિ ઘટિ;
પરનારીના બે પયોધરનિ સ્પર્શ કરિ છિ શા મટિ? ૧૫
ઇંદુ આવી જઘનનિ એ અડિ છિ નીલજ થઈ.
કલંકી શૂં કરિ નહીં, જે લાજ તું તારી ગઈ? ૧૬
પુષ્પશર એ કામના તે, સખી, શાહાનિ પાથરિ?
બાણશેય્યા પૂઢીઇ તે શર્મ, કુહુ કિહાંથી કરિ? ૧૭
અંગથીઆં ચંદન ધૂઓ; દેહ માહારાનિ કસિ.
પ્રત્યક્ષ જૂઓ પારખૂં, વિષધર જેણિ બહુ વશિ. ૧૮
ગાન–વેણુ ગતિ નહીં, જુ મનથી મોહ નવિ ટલિ.
સઘલઇ એ સુખ કરિ, જુ નલ રાજા આવી મ્યલિ. ૧૯
ઘિરિ ન રમિ, વન ન ગમિ, સૂની ચાલિ લડથડિ.
વિરહિ પીડી વામનયણી પુષ્પેશેય્યાંઇ પડિ. ૨૦’ ૬૬
‘કરુણ’નો પ્રસંગ ખાસ કરી ‘જાલંધર અખ્યાન’માં જોવા મળે છે, જ્યાં હરિએ માયા કરીને જાલંધરનાં ધડ શિર વૃંદાની સમક્ષ મૂક્યાં-ત્યાં વૃંદાનો વિલાપ મૂકવામાં આવ્યો છે; પતિ મરી ગયો છે એવું પ્રત્યક્ષ નિહાળતાં એ બાપડી કકળી ઊઠે છે –
‘કર માંહે તે મસ્તક લેઈને ઓળખીઓ ભરથાર જી.
ગાઢે રોવા લાગી કામિની, ‘ધિક મારો અવતાર જી.
સુખની વેલાં દુ:ખ તો આવ્યું; પાપ તણો નહિ પાર જી.
પિયુ પડ્યા, મુને મરણ ન આવ્યું, તો શેની સાધ્વી નાર જી?
પિયુડા મારા એમ કાં પોઢ્યા? ઉત્તર દ્યો એક વાર જી.
અબળા ઉપર રીસ શી એવડી, તેનો કહો વિસ્તાર જી.
મારે કોય તો છે નહિ, તમ વિના આધાર જી.
આણ તમારા ચરણકમળની, જો જીવું લગાર જી.
શુક્રાચાર્ય ક્યાં ગયા, જે જીવાડે આ વાર જી?
દીન દામણી હું થઈ છું; તમો કરો મારી સાર જી.’ ૬૭
નબળી કૃતિ હોઈ એ ખીલી શકતો નથી; એ ‘દશમસ્કંધ’માં વધુ રોચકતા લાવી આપે છે:
‘પીયુ શું થાશે, આજની રજની મને કયી પેરે જાશે?
ઝરમર મેહ વર્ષે છે રે ભારી, વીજળી ઝબૂકે ને નિશા અંધારી.
કોણે કહી રે ગગનથી વાણી, ક્રોધે ભરાણો રે પાપી પ્રાણી.
ત્યારે મૃત્યુ તો ભલું રે થાતું, આ દુઃખ દિન દિનનું ત્યારે જાતું.
પગે બેડી ને પરવશ રહેવું, કીધું પોતાનું પોતે રે સહેવું.
ખટ બાળક એણે માર્યાં પહેલું, હવે આશ કીજે તેહ ઘેલું.
છેલ્લો પુત્ર તે કેમ ઊગરશે? કારજ આપણું તે કયી પેરે સરસે?
ઉદરમાંહે તે દુઃખ દે છે આજ, વાંકી વેળા શી કરૂં લાજ?
બાળક રોશે ને આવશે ધાઈ, નહિ મૂકે એ પાપી ભાઈ.
એવો નહિ જે આવી મૂકાવે, શું કીજે જો મરણ ન આવે?” ૬૮
પ્રેમાનંદની નિરૂપણશક્તિ ભાલણ પાસે નથી એ અહીં જોઈ શકાય એમ છે. એ વેગનાં દર્શન ભાલણમાં નથી થતાં; આખ્યાન-કવિ તરીકે ભાલણ પગથી પાડી આપે છે એટલું જ. એની ‘નલાખ્યાન’ જેવી કૃતિમાં પણ એ સર્વાંશે ખીલી શકતો નથી, સ્વતંત્ર પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન આપી શકતો નથી.
અનુવાદક ભાલણ
‘નલાખ્યાન’માં જ્યાં ‘નૈષધીયચરિત’ના થોડા શ્લોકોની છાયા અપનાવી લીધી છે ત્યાં એ અનુવાદકની શક્તિ બતાવતો અનુભવાય છે. આ એક નમૂનાથી પણ એની પ્રતીતિ થઈ શકશે :
‘નલ-શિરિ એ અંબોડા બાંધ્યા, કરતાં’તાં મલસ્નાન.
શામ કલંક રહ્યાં શિરિ બે, એ જાણું રાય નિદાન. ૭
વિહિચી મેરુ માહાગિરિ નાપ્યુ માત્ર તણિ તાં પાણિ,
તું શૂં દાન કર્યૂં મિ મહી માંહાં, મનિ મોટી એ કાણિ. ૮
બ્રાહ્મણનિ તાં વરૂણ કરતાં સિંધુ ન થ્યો મારુઆડિ,
તું પુણ્ય કર્યું મિ મન-શૂં ચિંતા પામી હાડિ. ૯’ ૬૯
‘નલાખ્યાન’માં ૩૧ જેટલાં સ્થાનોમાં ‘નૈષધીયચરિત’ના શ્લોકોનો ગુજરાતી અનુવાદ એણે સાચવી આપ્યો છે,૭૦ જેને કારણે ‘નલાખ્યાન’માં આકર્ષણનું રોચકતાનું તત્ત્વ ઊપસી આવે છે. એણે ત્રણ સ્થળે ‘નલચંપૂ’માંથી આવું લઈ આત્મસાત કરી આપ્યું છે.”૭૧ ‘નલાખ્યાન’-માં આમ તો ‘મહાભારત આરણ્યક પર્વ’ના ‘નલોપાખ્યાન’ની જ કથાનું પ્રામાણિક રીતે અનુસરણ કર્યું છે, આમ છતાં એણે પોતા તરફથી પણ સ્વતંત્ર ઉમેરણ કર્યું છે.૭૨ એનો આખા ને આખા અનુવાદ તરીકેનો પ્રયત્ન એની લગભગ આરંભની રચના કહી શકાય તેવો ‘દુર્ગાસપ્તશતી’નો કડવાબદ્ધ પદ્યાનુવાદ છે; એમાં એ ખાસ કોઈ વિશિષ્ટતા આપી શક્યો નથી. ‘દશમસ્કંધ’માં વચ્ચે વચ્ચે આવતાં પદોને અલગ તારવી લેવામાં આવે તો સીધે સીધું કથાનક સાદા કડવાબંધમાં પકડાઈ જાય છે. કથાનકવાળાં કડવાંઓમાં પણ એ સાદો અનુવાદક–પ્રમાણમાં સંક્ષિપ્તતાપૂર્વકનો – જ જોવા મળે, જે ઉપર યથાસ્થાન બતાવ્યું છે. ‘દશમસ્કંધ’માં એનાં સ્વતંત્ર આખ્યાન સળંગ કથાક્રમમાં આમેજ કરી લીધાં છે,૭૩ એ બંનેના આદિ-અંત જોતાં તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. આ બે નાનાં આખ્યાનોમાં સ્વતંત્ર આખ્યાનકાર તરીકે એ જુદો તરી આવે છે. એનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન તો સમગ્ર ‘કાદંબરી’નો આખ્યાનરૂપના કડવાબંધમાં આપેલો સારાનુવાદ છે. એણે અન્ય કોઈ પણ રચના ન કરી હોત અને આ માત્ર ‘કાદંબરી’ જ આપી હોત તોયે ‘અનુવાદક’ માત્ર નહિ, ‘અનુવાદક કવિ’ની શક્તિનો પરિચય આપી શકવા સમર્થ બની શકત. સંસ્કૃત સાહિત્યમાં બાણની ‘કાદંબરી’ મોટા મોટા સમાસોથી ભરેલી ગદ્યરચના છે. વાચક આ સમાસનિબિડ ગદ્ય વાંચતાં વર્ણનોના જાળામાં એવો તો જકડાઈ જાય કે કથાતંતુની સળંગસૂત્રતા ગુમાવી બેસે. ‘કાદંબરી’ની ભાષા ખૂબ સરળ છતાં દીર્ઘ સમાસોને લઈ વાચકના વાચનની કસોટી કરે છે. ભાલણે આવી અસામાન્ય કોટિની સમૃદ્ધ રચનાને પોતાની ‘ગુજર ભાખા’માં રમતી ભમતી કરી આપી છે. એ સારાનુવાદ એ દૃષ્ટિએ છે કે પ્રસંગ-નિરૂપણમાં સંખ્યાબંધ આવતાં વિશેષણો અને લાંબાં વર્ણનોમાંથી કથાતંતુની સળંગસૂત્રતા બરોબર જળવાઈ રહે એ રીતે ઘણું છોડી દે છે; એ છોડીને સંતોષ ન લેતાં સંખ્યાબંધ સ્થળોએ પ્રસંગાનુરૂપ સ્વતંત્ર ઉમેરણ પણ કરી આપે છે. આ સિદ્ધિ એની આગવી જ કહી શકાય, જે ‘સપ્તશતી’ કે ‘ભાગવત-દશમસ્કંધ’ના અનુવાદ (સ્વતંત્ર કોટિનાં પદોને બાજુએ રાખી)માં એ બતાવી શક્યો નહોતો, ‘નલાખ્યાન’માં પણ નહિ. એણે મૂળના રસ, અલંકાર, ભાવને જાળવવામાં ઉચ્ચ કોટિની સાવધાની રાખી છે. આ અનુવાદ છે એવો ખ્યાલ ન હોય તો વાચકને એ સ્વતંત્ર જ કૃતિ લાગે. એણે સારાનુવાદનો આરંભ કરતાં જ કહ્યું છે કે –
અનેક ઉપમા, કઠિણ સંસ્કૃત ગદ્ય, પદ્ય ક્યહીંએક,
સાહિત્ય સકલ તણી ચાતુરી તેહ-માંહાં રચી વિવેક, ૩
અતિ પંડિત હુઇ તે પ્રીછિ, તેહનું નહી ઉપાય,
મુગધ રસિક સાંભલવા ઈછિ, પણિ પ્રીછિ નવિ જાય. ૪
તેહનિ પ્રીછવા કારણિ કીધો ભાલણિ ભાખા-બંધ;
સકલ ઉપમા કહી ન જાઇ, કિંચિત કથા-સમંધ. ૫. ૭૪
અને–
‘હવિ કથા સંક્ષેપિ કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં,
યે લહૂં બુદ્ધિપ્રમાણિ માહરી રે.
ઢાલ
માહારિ બુદ્ધિપ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર;
પદિ પદ બંધાણ રચતાં થાઇ અતિ વિસ્તાર. ૨’૭૫
અને એ વિસ્તાર રોકવા જતાં પણ ૬૭૬૫ અર્ધ કડીઓ (૩૩૮૨।। કડીઓ) થઈ છે. વાર્તાવસ્તુનો વિચ્છેદ ન થાય એ વિશે ભાલણની સાવધાની પણ દાદ માગી લે છે. એક માત્ર નમૂનો જોઈએ :
‘નામિ નરપતિ ત્રાસ જ પામિ, જે મહાબલિયા યોધ;
શત્રુમંડલિનિ મનિ ભાસિ નરહરિના સમુ ક્રોધ; ૭
સેના બહુ શોભાની કાજિ, અવરિ ન આવિ કામિ;
આપ-નામ-પ્રતાપિ કરી જેણિ જીત્યા બહુ સંગ્રામ; ૮
મને ધરમ, કોપિ યમ, તાપિ પાવક, ધનદ પ્રસાદ,
રૂપિ મન્મથ, બુદ્ધિ સુરગુરુ, શિશુસમ મુખય ઓલ્હાદ, ૯
વાણી વેધા–પુત્રી, તેજિ તરણિ, મરુત બલમાન,
ભાર સહેવે ભૂ-સમ, તોલિ મેરુ મહિધર સ્થાન; ૧૦
યે રાજા પૃથવીઅ પાલતિ વરણસંકર ચિત્રામિ,
કાવ્ય વિષઇ દૃઢ બંધ, કેશનૂં ગ્રહણ સુરતસંગ્રામિ, ૧૧
કનકદંડ તે છત્ર રાયનિ, સ્વપ્ન વિષિ વિયોગ,
ધૂજિ ધ્વજ, પરલોક થકી ભય, વાંછિત વસુધાં ભોગ, ૧૨
શુકસારિકાનિ રક્ષાગૃહ, સારી રમતાં મારિ,
ધૂમિ અશ્રુપાત, ચાપકિ ફેરવતાં હય–પ્રહાર, ૧૩
શૂલ પ્રસાદ ચંડિકા કેરિ, ગાંધીનિ પણિ કુષ્ઠ,
સંનિપાત વ્યાકરણ વિષિ, તિહાં રોગ નહીં દેહ દુષ્ટ, ૧૪.
મદ મહાગજનિ, રાગ ગીત માંહાં, ક્રય-વિક્રય માંહિ માન,
લોભ ધરમનુ, અહંકાર તે જેહનિ બ્રહ્મજ્ઞાન. ૧૫’ ૭૫
શૂદ્રક રાજાનું આલંકારિક વર્ણન આપતાં બાણે વિસ્તારથી આપેલાં વાક્યોમાં કેટલાક ટુકડા જ નહિ, પંક્તિઓ પણ છોડી દીધી છે, છતાં ઉપરના અનુવાદમાં સળંગસૂત્રતા સાચવી આપે છે; પણ ભાલણની વિશિષ્ટતા એ છે કે પોતા તરફથી અનુરૂપ લાગતું ઉમેરી પણ લે છે. ઉપરના અવતરણમાં ‘સેના બહુ સોભાનિ કાજિ, અવરિ ન આવિ કામિ’ ‘તોલિ મેરુ મહિધર સ્થાન’ ‘વાંછિત વસુધા ભોગ’ ‘શુકસારિકાનિ રક્ષાગૃહ’ ‘શૂલ પ્રાસાદ ચંડિકા કેરિ, ગાંધીની પણિ કુષ્ઠ’ ‘સંનિપાત વ્યાકરણ વિષિ, તિહાં રોગ નહીં દેહ દુષ્ટ’ ‘ક્રય-વિક્રય માંહિ માન’ ‘લોભ ધરમનુ’ ‘અહંકાર તે જેહનિ બ્રહ્મજ્ઞાન’ આ વસ્તુ ઉમેરી લે છે. આમાં મૂળના શ્લેષ જેમ જાળવ્યા છે તે જ રીતે ઉમેરણમાં પણ શ્લેષ મૂર્ત કરી આપી સાંધો જણાવા દીધો નથી. અનુવાદક તરીકેની એની સિદ્ધિની મુલવણી કરતાં કહેવું જોઈએ કે ‘સપ્તશતી’ અને ‘દશમસ્કંધ’ (કથામાં સ્પષ્ટ ઉમેરી લેવામાં આવેલાં ગેય પદોને બાદ રાખીને કડવાબંધની સમગ્ર રચના)માં એ સાદો પદ્યાનુવાદક જ રહ્યો છે; ‘નલાખ્યાન’માં એ મહાભારતના ‘નલોપાખ્યાન’નો સારાનુવાદ આપતાં ‘નૈષધીયચરિત’ મહાકાવ્યમાંથી સંસ્કૃત ‘કાદંબરી’ના અચ્છોદ સરોવરના વર્ણનના થોડા નમૂના લઈ,૭૬ સાદા કથાનકમાં વણી લઈ કાવ્યને આકર્ષક બનાવી લીધું છે. ‘કાદંબરી’ સીધો સારાનુવાદ છે; એમાં પણ એણે સંખ્યાબંધ સ્થળોએ પોતા તરફથી પ્રસંગચિત્રણમાં ઉમેરણ કરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવી આપ્યો છે.૭૭
પદકાર ભાલણ
પૌરાણિક આખ્યાનો–કડવાબદ્ધ–નો એ પુરસ્કાર બને છે, પણ માત્ર એ સાદો આખ્યાનગાયક હોય એવો અનુભવ થાય છે; કવિની પ્રતિભાનાં આપણે દર્શન નથી કરી શકતાં. અનુવાદક તરીકે ‘નલાખ્યાન’માં એની પ્રતિભા ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય, ‘નલચંપૂ’ અને ક્વચિત્ ‘કાદંબરી’ના સહારાથી થોડો ચમત્કાર સર્જવા લાગે છે; ‘કાદંબરી’ના સારાનુવાદમાં પોતાના તરફનાં ઉમેરણોમાં એ બાણની સાથે તદાત્મકતા સાધવામાં સફળ થઈ પોતાની કવિપ્રતિભાનો અનુભવ કરાવે છે. હવે જ્યારે એ શ્રીકૃષ્ણ અને રામની લીલાનાં ‘ભક્તકવિ’ની હેસિયતથી પદ ગાય છે ત્યારે એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘વાત્સલ્ય’ રસનો (કાવ્યશાસ્ત્રમાં ખૂબ મોડેથી સ્વીકારાયેલા અને સંસ્કૃત સાહિત્યમાં સામાન્ય રીતે પ્રયોજવામાં ન આવેલા રસનો) સુંદર પરિપાક રજૂ કરી આપે છે. એણે એવા જ અલ્પજ્ઞાત ‘ભક્તિરસ’ની પણ કવિતા ગાઈ છે. નરસિંહ મહેતાની અને ભાલણની પદોમાં વ્યક્ત થતી કવિપ્રતિભાની તુલના કરીએ તો નરસિંહનાં પદોમાં શુદ્ધ શૃંગાર રસ–એના વિપ્રલંભ અને સંયોગ એ બેઉ પ્રકાર સાથે–મૂર્ત થતો અનુભવાય છે, જ્યારે ભાલણનાં પદોમાં શૃંગારનાં દર્શન જવલ્લેજ થાય છે, અને થાય છે ત્યાં કાંતો ‘વાત્સલ્ય’માં અથવા તો ‘ભક્તિ’માં અંતર્ગત થઈ સ્વતંત્રતા ધારણ કરી જ શકતો નથી. બંને ભક્તકવિઓ હોવા છતાં નરસિંહ મહેતો શૃંગારરસનો કવિ છે, ભાલણ ભક્તિરસનો કવિ છે. કથાત્મક કાવ્ય એક ચોક્કસ પ્રકારના માળખામાં રચવાનો નિરૂપકોનો પ્રયત્ન હોય છે અને પ્રસંગોને યથાસ્થાન દીપતા બનાવવા એને સાવધાની રાખવાની હોય છે; પદપ્રકારની કવિતામાં આ લેખકને એવા પ્રકારનું કોઈ બંધન ફરજિયાત નથી; બેશક, કેટલીક વાર કથાનો તાણો એમાં પ્રસંગવશાત્ સંધાતો પણ હોય. દા.ત. ‘રામબાલચરિત’માં એ વત્સલ અને ભક્તિથી છલકાતા હૃદયે બાલલીલા તન્મય થઈને ગાતો હોય છે. એના અનુસંધાનમાં
‘પ્રભુ ગંગાથી ઊતર્યા પાર, મિથિલાનાં મંગળ જોવા;
ગુરુસંગ બે રાજકુમાર, મિથિલાનાં મંગળ જોવા;
એક ઇંદુ ને એક છે કામ, મિથિલાનાં મંગળ જોવા;
એક ગૌર ને ઘનશ્યામ, મિથિલાનાં મંગળ જોવા. ૨
પ્રભુ હીંડે છે લટકતી ચાલ્ય, મિથિલાનાં મંગળ જોવા. ૩’૭૮
કવિનો આશય પોતાના હૃદયમાં મૂર્ત થતી ઇષ્ટ છબીને શબ્દદેહ આપી કથાંશને સાંધવાનો માત્ર હોય છે, જ્યાં કથાભાગ હોય છે ત્યાં, બાકી એને એમાં આત્મલક્ષિતા જ મૂર્ત કરવાની હોય છે :
‘એવા દશરથના બાલ, લાલ પારણે ઝૂલે;
શ્યામ સ્વરૂપ દેખીને મારું મન ભૂલે. એવા૰ ૧
એવા ‘હાલો હાલો’ મુખે હાલરું કહે;
વળી શ્રુતિ ને વેદ જેને કંઠે રહે. એવા૰ ૨
મૈયા ઢળકતી ઢળકતી તાણે દોરી;
શિવ સનકાદિક ને બ્રહ્માદિક રહ્યા હેરી. એવા૰ ૩
ખાંતે ધાવે ખેલણી વળી પડી રહે મૂકે;
એવા રમતા રામનામ ધ્યાન સાંખ ન મૂકે. એવા૰ ૪
અદપડિયાળી આંખડી મીંચે ને ઉઘાડે;
બાળકને બહાર કાઢી મૈયા પ્રભુને પોઢાડે. એવા૰ ૫
ઝડપ નાંખે ઝરમર ને વળી પાય વતી તોડે;
ભાલણ–પ્રભુ રઘુનાથ મારો ભવબંધન છોડે. એવા૰ ૬’ ૭૯
કવિ ભક્ત છે અને તેથી જ આમાં ભગવાન રામનું માહાત્મ્યજ્ઞાન સ્પષ્ટ ઊપસી આવે છે; સળંગ કથાનો એ કોઈ ભાગ બનતું નથી. ‘દશમસ્કંધ’માં ચાલુ ભાગવતી કથામાં આમેજ કરી લેવામાં આવેલાં પદ તદ્દન સ્વતંત્ર છે. જૂની હાથપ્રતોમાં સ્વતંત્ર સંગ્રહ પણ જોવા મળ્યો છે. રામબાલલીલાનાં પદોની સંખ્યા વધુ મોટી છે. આ પદો બધાં જ ભાલણની ઉત્તરાવસ્થાનાં ન પણ હોય, કારણ કે ઉત્તરાવસ્થામાં એ ચુસ્ત રામભક્ત જ હતો, એટલો આરૂઢ કે ભગવાન કૃષ્ણની લીલા ગાતાં પણ ‘એ સીતાપતિ રામ જ છે રામ જ છે’૮૦ એવી ભાવનાથી એણે ગાન કર્યું છે. આમ છતાં પ્રૌઢિ કૃષ્ણબાલલીલાનાં પદોમાં સવિશેષ જોવા મળે છે. માતા જશોદાનું માતૃહૃદય બાલક્રષ્ણમાં કેવું હતું એનો પરિચય સબળ રીતે આવાં પદોમાં સુલભ છે. કવિની ચિત્રણા માતાની સાથે તદાકાર વૃત્તિ સાધી ‘આ માતા અને આ કવિ’ એવો ભેદ પડવા દેતી નથી. નીચેની ‘ગરબી’ પ્રકારની પંક્તિઓ જુઓ :
‘બાઈ, જાઓ મંદિર સહુકો આપણે રે,
સોડ ભલાઈ ફોકટ લેતાં આજ હો;
ઓલંભા દાહાડી એના લાવતાં રે,
સાંભળીને મુજને થાતી લાજ હો. જાઓ૰ ૧
કુંવર તો વણસે માહારો રે,
તમારું કાંઈ આવે ને જાય હો;
માખણનો ચોર સહુ એને કહે રે,
એમ તો મારો મહિમા ઓછો થાય હો. જાઓ૰ ૨
નવલક્ષ ઘેર ધેનુ માહરે રે,
આલીગારો કરતો હીંડે આળ હો;
ખાવું પીવું અતિ ઘણું રે,
ફોકટ પર-ઘેર જઈને ખાયે ગાળ હો. જાઓ૰ ૩
શીખામણ મારી તો માને નહિ રે,
નહિતર તે જાયે શાને કાજ હો;
દહીં ને દૂધ માખણ છે ઘણું રે,
જાણે તો નાનું સરખું રાજ હો. જાઓ૰ ૪
મોંનાં મીઠાં, મેલાં છે મનમાં રે,
જાણું છું જે પ્રેમ છે અપાર હો;
સ્વારથ વાહાલો સહુને આપણો રે,
પરદુઃખ લાગે નહિ લગાર હો. જાઓ૰ ૫
સાચા એ સમ ખાશો તો છોડશું રે,
શીખામણ ત્યાં લાગે જો એક વાર હો;
ભાલણ-પ્રભુની કળા કોહો જાણે નહિ રે,
જો આવે બ્રહ્મને ત્રિપુરાર હો. જાઓ૰ ૬’ ૮૧
અહીં ગોપીઓની અનેક રાવોથી બાંધેલા કૃષ્ણને સપાડું લઈ છોડાવવા આવેલી ગોપીઓને કવિ જશોદાના મુખમાં ઉપાલંભ અપાવે છે. એમાંથી બાલુડા પ્રત્યેના વાત્સલ્યની ચડતી માત્રા, જુઓ જશોદાના વચનમાં :
‘આવ આતા, હું દૂધ પાઉં, પાલણડે પોઢો મનમોહન;
હરિ, હરખે હાલરું ગાઉં. આવ૰ ૧
માખણ ચોર્યું કો કહે આવી, શ્યામસુંદર, હું ઝાંખી થાઉં;
નવલક્ષ ધેનુ દૂઝે માહારે, લોક માંહે, કેમ સમાઉં? આવ૰ ૨
ઓલંભે આવે આહીરડી, સહુ આગળ શા શા સમ ખાઉં?
ભાલણ–પ્રભુ રઘુનાથ રમો ઘેર, પ્રાણજીવન હું વરણે જાઉં. આવ૰ ૩.’ ૮૨
અને માતૃહૃદયની ઘેરી છાપ :
‘તારાં ભામણડા લઉં, મનમોહન, વાહાલા, વાળુ કીજે રે;
માખણ રોટી દૂધ કૂર છે, જે ભાવે તે ખીજે રે. ૧
દૂબળો દેખી તુજને કંથ ઘણું ઘેર કીજે રે;
એટલું માગું છું હું, માહાવા, ઘેર ઘેર ન જઈએ બીજે રે. ૨
તું તો સર્વસ્વ છે મહારા રે, તું દીઠે મન ભીંજે રે;
ભાલણ-પ્રભુ રઘુનાથ, એટલું સંસાર તણું સુખ દીજે રે. ૩. ‘૮૩
જેમ માતાના હૃદયનું કવિ ચિત્રણ આપે છે તેવું જ ગોપાંગનાઓના કૃષ્ણ તરફના સ્નેહનું પણ ચિત્રણ ખડું કરી આપે છે. આમાં પણ માતૃસ્નેહનાં–વત્સલતા-યુક્ત સ્નેહનાં–જ દર્શન થાય છે; જેમકે –
‘જશોદા, છોડો કહાનને, હું આપું ગોરસ ગોળી રે;
એવડી રીસ ઘટે નહિ તમને, હું જાણું છું ભોળી રે. જસોદા૰ ૧
આગળ ઊભા દુ:ખ ધરે છે, બાળક સઘળી ટોળી રે;
આંખડી અતિ અણિયાળી એહેની થઈ છે રાતી ચોળી રે. જસોદા૰ ૨
હઠ કીધે કાંઈ નહિ આવે જે મહી નાખ્યું છે ઢોળી રે.
તમને તો દુ:ખ નથી લાગતું, ભાલણ–પ્રભુના મનમાં હોળી રે. જસોદા૰ ૩’૮૪
કવિએ ક્વચિત્ ગોપાંગનાઓનો કામુક ભાવ પણ ગાયો છે; એમાં ‘પ્રેમસાગર માંહે અમને બોળો, એટલું રાખજો ચિત્તઃ બાપ’૮૫ ‘ભાલણ પ્રભુ રઘુનાથજી, આપણે રમીએ રૂડી પેર. આ૰ ૪’૮૬ વગેરેની રીતે જાર-ભાવનાં પણ દર્શન થાય છે, પણ શ્રીકૃષ્ણના સ્વરૂપનું માહાત્મ્યજ્ઞાન હોઈ એ શૃંગારને બદલે ભક્તિમાં પરિણત થતું જોવા મળે છે :
‘મુઝને શું કરશે શું કરશે વેરીડાં હેરી?
હું દાસી તો થઈ રહી છું નંદકુંવર કેરી. મુ૰ ૧
જાણું રમતા રમતા આવે હરિ આણી શેરી;
મારગ માંહે વીણવા બેસું હું મોતીડાં વેરી. મુ૰ ૨
સાસુ નણદી મોક્ષ થયાં છે પિયુને ભંભેરી;
હું તો કોઈનું કહ્યું ન માનું, વાત તેહ અનેરી. મુ૰ ૩
નિત્યે વૃંદાવન માંહે જાઉં મન્મથની હું પ્રેરી;
ભાલણપ્રભુ રામ વશ કીધા, નવ જાઉં ફેરી. મુ૰ ૪.’ ૮૭
દાણલીલાનાં પદોમાં કેટલીક મજાક પણ ઉડાવવામાં આવેલી અનુભવાય છે; વળી રાધા તરફના કૃષ્ણના વિશેષ અનુરાગનાં પણ દર્શન થાય છે. માનલીલા પણ ભાલણે ગાઈ છે, નાયિકાના વિરહનાં પણ પદ ગાયાં છે. આવાં પદોમાં જયદેવના ‘ગીતગોવિંદ’નું કેટલેક અંશે અનુકરણ થતું જોવા મળે છે. પરંતુ ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં, જૂની પ્રણાલીની ઘરેડમાં, જેમાં ક્વચિત્ ચમત્કાર પણ લાવી આપે છેઃ
‘કૌસ્તુભમાં નિજ રૂપ દેખી રીસાવી પ્યારી;
જાણ્યું ખોળામાં બેઠી છે, મુજ સરખી કો નારી. દેખી૰ ૧
દૂતીને ત્યાં ગાળ દે છે, તું તો ધૂતારી;
મને શાને તેડી આવી, એ તો વ્યભિચારી. દેખી૰ ૨
મધ્ય નાયિકા સાન કરીને, બુદ્ધિ કહી સારી;
કંઠ થકી કેશવજી મેલો, મહામણિ ઉતારી. દેખી૰ ૩
રાધાએ ત્યાં નારી ન દીઠી, દીઠા કંસારિ;
ભાલણ-પ્રભુ રાઘવ-શું વાધી પ્રીત અતિ ભારી. દેખી૰ ૪’ ૮૮
મને એમ લાગ્યું છે કે અષ્ટછાપના પહેલા ચાર કવિઓની કવિતાપ્રણાલીની છાયામાં ભાલણ આવ્યો છે અને એના ‘વત્સલ’ અને ‘ભક્તિ’નાં પદોના પ્રવાહમાં આગળ જતાં દાણ-માન વગેરેનાં પદ પણ નિરૂપાયાં છે. આ એની મોટી ઉંમરે પહોંચ્યા પછીની રચનાઓ કહી શકાય કે જ્યારે એ શ્રીકૃષ્ણ અને શ્રીરામને એકાત્મક રીતે જોતો અનુભવતો થઈ ચૂક્યો હતો. આ એના માહાત્મ્યજ્ઞાનની ભક્તિની મર્યાદા છે. નરસિંહ મહેતા અને ભાલણ વચ્ચે જે ભેદ છે તે એ કે નરસિંહ પ્રથમ કવિ છે અને પછી ભક્ત છે, ભાલણ પ્રથમ ભક્ત છે અને પછી કવિ છે; નરસિંહમાં કવિત્વ સહજ છે, ભાલણમાં કવિત્વ આગંતુક છે. આ કારણે એ નરસિંહ મહેતાની કવિપ્રતિભાને આંબી શકતો નથી; આ કારણે જ ગુજરાતના પ્રથમ કક્ષાના મધ્યકાલીન કવિઓ–નરસિંહ, પ્રેમાનંદ અને દયારામની હરોળમાં ન આવતાં ભાલણ કવિઓની બીજી હરોળમાં માનવંતું સ્થાન પામી રહે છે.
સંદર્ભનોંધ :
[1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27] [28] [29] [30] [31] [32] [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50] [51] [52] [53] [54] [55] [56] [57] [58] [59] [60] [61] [62] [63] [64] [65] [66] [67] [68] [69] [70] [71] [72] [73] [74] [75] [76] [77] [78] [79] [80] [81] [82] [83] [84] [85] [86] [87]
- ↑ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, પૃ. ૧ વગેરે
- ↑ ૨. નલાખ્યાન (ભાલણ), ૧-૧, પૃ. ૧
- ↑ ૩. એ જ. ૩૦-૩૫, પૃ. ૭૩
- ↑ ૪. કાદંબરી (ભાલણ) : પૂર્વ ભાગ, ૨૩-૧૯૫
- ↑ ૫. એ જ, પૃ. ૧૭૮
- ↑ ૬. કાદંબરી (ભાલણ) : ઉત્તર ભાગ, ૨૮-૫.
- ↑ ૭. એ જ, પૃ. ૧૨૮
- ↑ ૮. ગુજરાત વિદ્યાસભા, હ. લિ. પુ. નં. ૧૩૯૨, પૃ. ૪૦૦૦; ‘દશમસ્કંધ’, પદ ૩૪૧મું, પૃ. ૨૮૦
- ↑ ૯. નલાખ્યાન (નાકર) : છેલ્લું કડવું (ગુ. વિ. સભા, હ. લિ. પુ. નં. ૭૩૮)
- ↑ ૧૦. રુક્માંગદપુરી (વિષ્ણુદાસ) : છેલ્લું કડવું (ગુ. વિ. સભા. હ. લિ. પુ. નં. ૪૭૭અ)
- ↑ ૧૧. નર્મકોશ : ગુજરાતી ભાષા, પૃ. ઘ
- ↑ ૧૨. બુદ્ધિપ્રકાશ, વર્ષ ૩૨, પૃ. ૧૫૩ (ઈ. સ. ૧૮૮૫)
- ↑ ૧૩. પ્રાચીન કાવ્ય ત્રિમાસિક : ચંડી આખ્યાન (ભાલણ), પ્રસ્તાવના, પૃ. ૧૪
- ↑ ૧૪. પ્રાચીન કાવ્યમાળા, ગ્રંથ ૧૧, નલાખ્યાન (ભાલણનું બીજું), ૨૮-૭
- ↑ ૧૫. રામલાલ ચુ. મોદી, બે નળાખ્યાન, પ્રસ્તાવના, પૃ. ૮
- ↑ ૧૬. દશમસ્કંધ (ભાલણ), પદ ૭૭, ૨૫૧, ૨૫૩ થી ૨૫૫ અને ૨૬૫)
- ↑ ૧૭. ગુ. વિ. સભા, હ. લિ. પુ. નં. ૧૫૭ (ઉતાર્યાં વર્ષ સં. ૧૭૭૫)
- ↑ ૧૮. डा. धीरेन्द्र वर्मा, व्रजभाषा व्याकरण : ‘व्रजभाषामें लिखी गई सोलहवीं शतीब्दीसे पहलेव प्रामाणिक रचनाएँ उपलब्ध नहीं हैं । (पृ. 12 ) ‘संक्षेप में यह कहा जा सकता कि ब्रजभाषा से संबंध रखनेवाली 15 वीं शताब्दी तक की प्रकाशित प्रामाणिक सामग्री अभी शून्य के बराबर है। (पृ. 31)
- ↑ ૧૯. કે. કા. શાસ્ત્રી, શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી, પૃ. ૫૭
- ↑ ૨૦. દશમસ્કંધ (ભાલણ), ૧૦૩ પૃ. ૭૪
- ↑ ૨૧. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૫૬, પાદટીપ ૧૪મી
- ↑ ૨૨. એ જ, પૃ. ૧૫૦-૧૫૧
- ↑ ૨૩. એ જ, પૃ. ૧૧૫, ૨૧૪
- ↑ ૨૪. ૨૫. કે. કા. શાસ્ત્રી : ભાલણ એક અધ્યયન, પૃ. ૪૦ (જુઓ દશમસ્કંધ-ભાલણનાં પદ, ૪૫, ૩૧૨, ૩૮૬, ૪૪૯, ૪૬૫, ૪૭૧)
- ↑ ૨૬. દશમસ્કંધ (ભાલણ), કડવું ૨, ૩, ૫, ૮ વગેરે અનેક
- ↑ ૨૭. નાકરનું વિરાટપર્વ
- ↑ ૨૮. નરસિંહ મહેતાની ‘ચાતુરીઓ’ (સંપા. ચૈતન્યબાળા દિવેટિયા)
- ↑ ૨૯. ભીમ, હરિલીલા-ષોડશકલા, પૃ. ૧૨-૧૪ અને પ્રબોધપ્રકાશ, પૃ. ૧
- ↑ ૩૦. ચંડી આખ્યાન (ભાલણ), પ્રસ્તાવના, પૃ. ૧૧
- ↑ ૩૧. બુદ્ધિપ્રકાશ, વર્ષ ૭૪, પૃ. ૫૩
- ↑ ૩૨. ગુ. વિ. સભા, હ. લિ. પુ. નં. ૧૫૭
- ↑ ૩૩. એ. જ. હ. લિ. પુ. નં. ૧૫૯ ની ‘કાદંબરી’ની પ્રતની પુષ્પિકા
- ↑ ૩૪. કે. કા. શાસ્ત્રી, ભાલણ એક અધ્યયન, પૃ. ૪૫
- ↑ ૩૫. સપ્તશતી-ચંડી, આખ્યાન (ભાલણ), કડવું ૧ લું, કડી ૬-૮
- ↑ ૩૬. કાદંબરી (ભાલણ), પૂર્વ ભાગ, ૧-૧;
- ↑ ૩૭. એજન, ૧૭-૧૦
- ↑ ૩૮. દશમસ્કંધ (ભાલણ), પૃ. ૪૦
- ↑ ૩૯. એજન, પૃ. ૪૧, ૫૧, ૭૮, ૮૧ વગેરે
- ↑ ૪૦. એજન, પૃ. ૧
- ↑ ૪૧. બુદ્ધિપ્રકાશ, વર્ષ, ૭૪
- ↑ ૪૨. ધ્રુવાખ્યાન, કડવું ૧૮ મું
- ↑ ૪૩. ગુ. વિ. સભા, હ. લિ. પુ. નં. ૨૩
- ↑ ૪૪. એ જ., હ. લિ. પુ. નં. ૭૯૪અ
- ↑ ૪૫. એ જ., હ. લિ. પુ. નં. ૪૩૬બ
- ↑ ૪૬. એ જ, હ. લિ. પુ. નં. ૪૮૫
- ↑ ૪૭. બુદ્ધિપ્રકાશ, વર્ષ, પૃ. ૫૩
- ↑ ૪૮. કે. કા. શાસ્ત્રી, કવિચરિત (બીજી આવૃત્તિ), પૃ. ૨૮૦-૮૧
- ↑ ૪૯. ગુ. વિ. સભા, હ. લિ. પુ. નં. ૪૮૫
- ↑ ૫૦. એ જ. અને એ જ બે કડવાં હરગોવિંદદાસ કાંટાવાળાએ ઉદ્ધવકૃત ‘રામાયણ’માં અંતે ઉમેર્યાં છે.
- ↑ ૫૧. રામલાલ ચુ. મોદી, ભાલણ ઉદ્ધવ અને ભીમ, પૃ. ૩૪
- ↑ ૫૨. દશમસ્કંધ (ભાલણ), પૃ. ૨૮૪
- ↑ ૫૩. ‘સાહિત્ય’ માસિક, વર્ષ, ૧૧ મું ભા. નિ. મહેતાનું સંપાદન, ‘ધ્રુવાખ્યાન’
- ↑ ૫૪. એ જ, કડવું ૧૮ મું અને ‘રામવિવાહ’ (અપ્રસિદ્ધ), કડવું ૨૧ મું
- ↑ ૫૫. નરસે મહેતા કૃત કાવ્યસંગ્રહ - ‘સુરતસંગ્રામ’, ૭૨-૨
- ↑ ૫૬. કે. કા. શાસ્ત્રી, ‘નરસિંહ મહેતો – એક અધ્યયન’,
- ↑ ૫૭. કાન્હડદે-પ્રબંધ (પદ્મનાભ), ૪-૩૫૦
- ↑ ૫૮. નલાખ્યાન (ભાલણ), ૧-૧
- ↑ ૫૯. દશમસ્કંધ (ભાલણ) ૩૨૬-૧, ૩૪૭-૧, ૩૩૬-૧૫
- ↑ ૬૦. કાદંબરી (ભાલણ), પૂર્વ ભાગ, ૪૦-૧૧૭
- ↑ ૬૧. એ જ, ૧-૫ અને ૨૩-૧૯૫
- ↑ ૬૨. નલાખ્યાન (ભાલણ), ૧-૧૦
- ↑ ૬૩. જુઓ પાદટીપ ૧૫ મી.
- ↑ ૬૪. બૃહત્કાવ્યદોહન, ભાગ-૧ (‘શિવભીલડી સંવાદ’)
- ↑ ૬૫. નલાખ્યાન (ભાલણ), કડવું ૫ મું, પૃ. ૮
- ↑ ૬૬. એ જ, કડવું ૮ મું, પૃ. ૧૪-૧૫
- ↑ ૬૭. જાલંધર આખ્યાન (ભાલણ), કડવું ૧૮ મું, પૃ. ૧૩૬-૧૩૭
- ↑ ૬૮. દશમસ્કંધ (ભાલણ), કડવું ૪ થું, પૃ. ૧૦-૧૧
- ↑ ૬૯. નલાખ્યાન (ભાલણ), કડવું ૪ થું, પૃ. ૬
- ↑ ૭૦. કે. કા. શાસ્ત્રી, ભાલણ : એક અધ્યયન, પૃ. ૧૩૭-૧૩૮
- ↑ ૭૧. એ જ, પૃ. ૧૩૮
- ↑ ૭૨. એ જ, પૃ. ૧૩૯-૧૩૩
- ↑ ૭૩. દશમસ્કંધ (ભાલણ), અનુક્રમે પદો ૩૨૬-૩૪૧, ૩૪૭-૩૬૬
- ↑ ૭૪. કાદંબરી (ભાલણ), પૂર્વ ભાગ, કડવું ૧ લું
- ↑ ૭૫. એ જ, કડવું ૨જું
- ↑ ૭૬. કે. કા. શાસ્ત્રી, ભાલણ : એક અધ્યયન, પૃ. ૧૩૮
- ↑ ૭૭. કે. કા. શાસ્ત્રી કાદંબરી : અધ્યયન (બીજી આવૃત્તિ), પૃ. ૬૭-૭૧ જ્યાં પણ બધાં ઉમેરણો તો સૂચવી શકાયાં નથી.
- ↑ ૭૮. રામબાલચરિત (ભાલણ), પદ ૩૬ મું
- ↑ ૭૯. એ જ, પદ ૨૧ મું.
- ↑ ૮૦. જેવું કે ‘ભાલણ પ્રભુ સીતાપતિ સ્વામી દામોદર કરી ગાયે’ (દશમસ્કંધ ભાલણ, પૃ. ૪૦ વગેરે)
- ↑ ૮૧. દશમસ્કંધ (ભાલણ), પદ ૫૫મું, પૃ. ૪૧, ૪૨
- ↑ ૮૨. એ જ, પદ ૬૩ મું, પૃ. ૪૬
- ↑ ૮૩. એ જ, પદ ૭૫ મું, પૃ. ૫૩
- ↑ ૮૪. એ જ, પદ ૫૦ મું, પૃ. ૪૦
- ↑ ૮૫. એ જ, પદ ૬૧ મું, પૃ. ૪૫
- ↑ ૮૬. એ જ, પદ ૭૧ મું, પૃ. ૫૧
- ↑ ૮૭. એ જ, પદ ૯૮ મું, પૃ. ૭૧-૭૨
- ↑ ૮૮. એ જ, પદ ૧૪૧ મું, પૃ. ૧૦૬.