ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન
કેવળ પુનર્મુદ્રણને બદલે નવી આવૃત્તિઓ કરવાના પરિષદના નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ચારે ગ્રંથોમાંની કેટલીક સામગ્રીની ફેરતપાસ જરૂરી બની હતી. ઈ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યકોશ’ની કામગીરી આરંભી હતી ને એમાં ઘણાબધા સંદર્ભોની તુલનાત્મક ચકાસણીને પરિણામે જે અધિકૃત વિગતો તારવવામાં આવી હતી એના પ્રકાશમાં સાહિત્યકોશપૂર્વે પ્રકાશિત થયેલી સાહિત્યના ઇતિહાસ, સંશોધન અને વિવેચનના ગ્રંથોમાંની કેટલીક સામગ્રી તથ્યોની દૃષ્ટિએ ફેરવિચાર ને સંમાર્જનને પાત્ર ઠરી હતી. કર્તાઓનાં નામોના, એક જ નામના એકાધિક કર્તાઓના ને એમના કર્તૃત્વના; કર્તાઓના સમય-નિર્ધારણના; રચનાકારો(રચયિતા) અને લેખનકારો(લહિયા)નાં નામોની સંદિગ્ધતાના અને ભેળસેળના; કૃતિઓના રચનાસમયના – કેટલાક પ્રશ્નો ઉપર તરી આવ્યા હતા. ઇતિહાસ-ગ્રંથોની આ નવી આવૃત્તિને, એ બધા સંદર્ભે, અદ્યતન(અપડેટેડ) કરવાનું વિચાર્યું છે. વિવિધ વિદ્વાનોના હાથે સમયાનુક્રમી પ્રકરણોરૂપે આ ઇતિહાસગ્રંથો તૈયાર થયા હોવાથી, શૈલીની ભલે નહીં પણ લેખનપદ્ધતિની શક્ય એટલી એકવાક્યતા ઊભી થાય તો એનું માળખું વધુ શાસ્ત્રીય ને એકરૂપ કરવાનું બની શકે, એ દૃષ્ટિકોણથી પણ સંમાર્જનો કરી લેવાનું રાખ્યું છે. જુદેજુદે હાથે, સમયાનુક્રમી પ્રકરણોરૂપે, તૈયાર થતા સંકલિત-સંપાદિત ઇતિહાસ-લેખનના પ્રશ્નો રહેવાના. એટલે એમાં સંપાદકની કામગીરી, ને એનું ઉત્તરદાયિત્વ પણ, વધી જવાનાં. આ ઇતિહાસગ્રંથોની પ્રથમ આવૃત્તિનું સંપાદન, તેમજ સહસંપાદન, ગુજરાતીના ઉત્તમ વિદ્વાનો-સારસ્વતોના હાથમાં સોંપાયેલું હોવાથી તેમજ એના સહયોગી લેખકો તરીકે પણ આપણા કેટલાક તજ્જ્ઞ અભ્યાસીઓની મદદ મળી હોવાથી સાહિત્યના ઇતિહાસને સમૃદ્ધ કરે એવા તેજસ્વી અંશો આ ગ્રંથોમાં અવશ્ય દેખાય છે. તેમ છતાં, ભલે દરેકની આગવી છતાં ભિન્નભિન્ન શૈલીઓના – ને ખાસ તો લેખનપદ્ધતિના – જુદાપણાનો સામનો કરવાનો તો આ બૃહદ્ ઇતિહાસને પણ આવ્યો છે. એ ઘણે અંશે સ્વાભાવિક પણ ગણાય એટલે આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં પણ પરિરૂપ ને લેખનપદ્ધતિની પૂરી એકવાક્યતા સુધી જવું તો શક્ય હતું નહીં છતાં અહીં યથાશક્ય, ને જરૂરી એટલી, એકવાક્યતા સાધવાની મથામણ કરી છે. અલબત્ત, એમ કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, ઘણી જહેમત લેવાની થઈ છે. પુસ્તકમાં લેખનપદ્ધતિની એકરૂપતા માટે આ મુજબનાં સંમાર્જન, ફેરફારો અહીં કરી લીધાં છે : ૧.૧ ‘લ/ળ’ના વિકલ્પવાળા શબ્દોમાં, ગુજરાતીમાં હવે રૂઢ થયેલા ‘ળ’ને જાળવ્યો છે. ઉ.ત. મધ્યકાળ, કુમારપાળ, સકળ વગેરે; પરંતુ કૃતિનામોમાં મૂળનો ‘લ’ જાળવ્યો છે. જેમકે ‘કુમારપાલપ્રબંધ’. તત્સમ પ્રત્યયોવાળાં પદોમાં ‘લ’ રૂઢ રહ્યો છે એટલે ત્યાં પણ એને જાળવ્યો છે : મધ્યકાલીન, તત્કાલીન વગેરે. ૧.૨ દ્વિરુક્તોને સમાસ ગણીને એનાં પદોને છૂટાંછૂટાં ન લખતાં એકશબ્દરૂપ લખ્યાં છે. જેમકે, ‘ઠેરઠેર’, ‘લઈલઈને’ વગેરે. ૧.૩ સંદર્ભદર્શક નોંધો તે-તે પાના નીચે નહીં, પણ પ્રકરણને અંતે મુકાયેલી હોવાથી ‘પાદટીપ’ (ફુટનોટ્સ) શબ્દ રાખ્યો નથી, એને બદલે ‘સંદર્ભનોંધ’ શબ્દ મૂક્યો છે. એ રીતે, ‘એજન’નું પણ સર્વત્ર ‘એ જ’ એવું સ્પષ્ટ અર્થ-નિર્દેશકરૂપ મૂક્યું છે. ૨. કોઈ વિશેષ સંદર્ભ જરૂરી હોય એ સિવાયનાં સ્થાનોમાં બધે સંવતને ઈસવી સનમાં ફેરવીને વર્ષનિર્દેશો કર્યા છે. અલબત્ત, જ્યાં કૃતિનું રચનાવર્ષ વગેરે (એની પંક્તિઓનો આધાર લઈને) તિથિ-વાર-માસ-વર્ષ (સંવત) – એમ સર્વ વિગતો સાથે દર્શાવ્યાં હોય, કે એવા બીજા નિર્ણાયક બનનારા વિગતનિર્દેશો હોય ત્યાં તિથિ-માસ સમેત સંવત તથા ઈસવી સન બંને જાળવ્યાં છે. આ સિવાય બધે જ, સંવત ને ઈસવી સન સાથેસાથે દર્શાવ્યાં હોય એમાંથી ઈસવી સન જ જાળવ્યા છે. આંકડાકીય ભ્રાન્તિની સંભાવનાને ટાળનારી વિશદતાના સંદર્ભે આ ફેરફાર ઉપયોગી જણાયો છે. ગ્રંથમાં બધે જ સદી-નિર્દેશો તો ઈસવી સન પ્રમાણે જ થયા છે (જેમકે, ઈ.ની ૧૨મી સદી, વગેરે) – એ જોતાં પણ ઉપર મુજબના ફેરફારની (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે. ૩ વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/કર્તૃત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ:૧ (૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં ‘જૈનગૂર્જર કવિઓ’ વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે. આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે. ૪. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઈપમાં કરી લીધાં છે. ૫. ગ્રંથ: ૨ની પહેલી આવૃત્તિ(૧૯૭૬)નું શોધન-વર્ધન તેમજ કેટલીક પુનર્વ્યવસ્થા આ બીજી આવૃત્તિમાં નીચે મુજબ કરેલાં છે : ૫.૧ ગ્રંથ :૨, ઈ. ૧૪૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના સમગ્ર મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસને સમાવતો હોવાથી સ્વાભાવિક રીતે જ એની પૃષ્ઠસંખ્યા વધારે હતી (પાનાં ૮૬૦). એ કારણે, ગ્રંથ દળદાળ થયેલો. આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં કેટલાંક ઉમેરણોની સંભાવના હોવાથી પૃષ્ઠસંખ્યા એથી પણ વધવાની હતી. એટલે, ગ્રંથ:૨ને બે ખંડોમાં વહેંચી દીધો છે : ગ્રંથ : ૨, ખંડ-૧ : ઈ. ૧૪૫૦થી ઈ.૧૬૫૦ ગ્રંથ : ૨, ખંડ-૨ : ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦ એ મુજબ આ ગ્રંથ:૨ ખંડ-૧માં ‘અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા’ સુધીનાં પ્રકરણો સમાવ્યાં છે. સમયદૃષ્ટિએ સંગતિ રહે એ માટે, ઈ. ૧૭૫૦ સુધીના સમયગાળાને આવરી લેતું પ્રકરણ ‘જૈન સાહિત્ય-૨’ હવે પછીના ખંડ-૨માં સમાવ્યું છે. ૫.૨ પ્રથમાવૃત્તિનું પ્રકરણ: ૨ ‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’ સાહિત્યસ્વરૂપોના ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ કંઈક અપર્યાપ્ત હતું એથી, એના લેખક ડૉ. ચંદ્રકાન્ત મહેતાની સંમતિથી, ‘મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો’ નામના એમના પુસ્તક (‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’ નામે ૧૯૫૪માં પ્રગટ થયેલા એમના જ પુસ્તકની સંવર્ધિત-સંમાર્જિત આવૃત્તિ, ઈ. ૨૦૦૦)નો આધાર લઈને એ પ્રકરણનું અહીં સંવર્ધિત સંપાદન કરી લીધું છે. ૫.૩ પ્રકરણ : ૩ ‘જૈન સાહિત્ય : ૧’માં મુખ્યત્વે સમયદર્શી ને ક્યાંક અન્ય વિગતોનું પણ સંમાર્જન કરવાનું થયું છે. વળી, કેટલીક મહત્ત્વની કૃતિઓનો પરિચય લખાવીને એમાં ઉમેરી પણ લીધો છે. ૫.૪ પહેલી આવૃત્તિમાં, પ્રકરણ : ૫ ‘આદિભક્તિયુગના કવિઓ અને ભાલણ’ એમ સંયુક્ત રૂપે હતું એને સંગતિ માટે બે પ્રકરણો રૂપે અલગ કરી લેવામાં આવ્યું છે. (ભાલણના સાહિત્યકાર્યને એક સ્વતંત્ર પ્રકરણનો મોભો મળે એ જરૂરી લાગ્યું છે.) વળી, આદિભક્તિયુગના કવિઓની આનુપૂર્વી, એમના સમયના સંદર્ભમાં બદલી છે. આમ કરવામાં દેખીતી રીતે જ, સંદર્ભનિર્દેશો આદિની પુનર્વ્યવસ્થા પણ કરવાની થઈ છે. ૫.૫ ‘અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા’માં એક અગત્યના કવિ વસ્તો વિશ્વંભર વિશે લખાણ ઉમેરી લીધું છે. સાહિત્યના ઇતિહાસની આ ગ્રંથશ્રેણીની પહેલી આવૃત્તિઓના પ્રકાશન પછી લગભગ એક દાયકે, ગુજરાતી સાહિત્ય પરિષદે જ, ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ:૧ : મધ્યકાલીન’ (૧૯૮૯)નું પ્રકાશન કરેલું, જેમાં તે સમય સુધીના ગુજરાતી સાહિત્ય અંગેના લગભગ બધા જ ઇતિહાસ-વિષયક ગ્રંથો-સંદર્ભોનો ઉપયોગ ને એની સંશુદ્ધિ થયેલાં હોવાથી વિગતોની દૃષ્ટિએ એ અધિકૃત પ્રકાશન હતું. આ બીજી આવૃત્તિ વખતે એ કોશગ્રંથનો વિગત ચકાસણી આદિ માટે વારંવાર ઉપયોગ કરવાનો થયો છે. એ માટે એના સંપાદકોનું ઋણ સ્વીકારું છું. ૬. ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે. સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડ્યો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં. આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ આપી છે. આ આવૃત્તિમાં, કેટલીક વિગત-ચકાસણી માટે, ‘જૈન સાહિત્ય-૧’માં કૃતિઓ વિશે લખાણો તૈયાર કરી આપવા માટે તેમજ શબ્દસૂચિ માટે ડૉ. રાજેશ પંડ્યાનો પ્રસન્નતાપૂર્વક આભાર માનું છું. પરિષદે આ સંપાદન સોંપ્યું એથી સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નિકટથી જોવાની તક મળી. પરિષદનો એ માટે આભારી છું.
વડોદરા; ૧૫, જૂન ૨૦૦૩
– રમણ સોની