અથવા અને/દિલ્હી

Revision as of 22:18, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દિલ્હી | ગુલામમોહમ્મદ શેખ}} <poem> ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દિલ્હી

ગુલામમોહમ્મદ શેખ

ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો;
તુગલકાબાદના ખંડેરમાં ઘાસ અને પથ્થરનું સંવનન.
પડછાયામાં કમાન, કમાનમાં પડછાયા: ખિડકી મસ્જિદ.
સોયની જેમ આંખને વીંધી
આરપાર નીકળતી
જામા મસ્જિદનાં પગથિયાંની હાર.
પેટના મૂળથી અન્નનળી સુધી ઊભો થતો કુતુબ.
ગંધ ચારેકોર
અન્નની, માંસની, લોહીની – જેલની, મ્હેલની,
ગઈ કાલની, સદીઓની.
શ્વાસ આ ક્ષણનો.
આંખ આજની, ઊડે ઇતિહાસમાં.
ગાલિબની મઝારની તિરાડમાં ઊતરે,
ખાનખાનાનનું અધખવાયું હાડકું શોધવા આથડે,
જહાનઆરાનું કમનસીબ ઓઢી
નીકળી પડે મકબરે, મકબરે.
હજી ધૂળ, હજી ધુમ્મસ
હજી માંસ અને પથ્થરમાં તફાવત પડ્યો નથી.
લાલ કિલ્લાની પશ્ચિમ કમાને સૂતેલી
હોલીની યોનિની અગાશીમાં થઈને
સૂર્યનું એક કિરણ
મારી આંખમાં ઘોંચાય છે.
હજી પરોઢ,
સત્યને સ્વપ્ન સંભોગે.
સવાર કેવી હશે?

ડિસેમ્બર, ૧૯૭૩
અથવા