એકાંકી નાટકો/પિયો ગોરી
પ્રવેશાનુક્રમે પાત્રો : સ્ટેશન માસ્ટર, નગરશેઠ, કવિરાજ, ફોજદાર, સુશીલ, કાળિયો માળી, મેનેજર, ડાયરેક્ટર, ડોરકીપર.
દૃશ્ય : રંગભૂમિની એક પાંખ દૃશ્યમાન. જમણે રંગભૂમિના પડદાઓની ત્રણ કોર; અને ડાબે નટશાળામાં જવા માટે ઊતરવાનાં પગથિયાં. પાછળનાં બારણાંમાં થઈને નેપથ્યમાં જવાય છે. નેપથ્યદ્વારની બરાબર મધ્યમાં ઊંચે ઘડિયાળ ટિંગાય છે. પડદો ચડે છે ત્યારે કલાકનો કાંટો નવ અને દશની વચ્ચે, અને મિનિટનો કાંટો દશની ઉપર દેખાય છે. એક નાનકડા ગોળ ટેબલની અરતીફરતી નેતરની ખુરશીઓ પડી છે. ટેબલ ઉપર લાંબા કુલ્સકેપ કાગળ ઉપર લખેલી આજે ભજવાનાર ‘પ્રણવીર પ્રતાપ’ નાટકની હસ્તપ્રતને દાબીને પિત્તળની એક મોટી ટેકરી પડી છે. લાકડાની રકાબીમાં પાનસોપારીની સામગ્રી અને દેશી બીડીઓ વેરણછેરણ છે. દૂર ભીંતને અઢેલીને એક જરીપુરાણો બાંકડો ગોઠવવામાં આવ્યો છે. કવિરાજ, નગરશેઠ ફોજદાર, સ્ટેશન માસ્તર, અને કવિરાજના જમાઈ સુશીલ ખુરશીઓમાં ગોઠવાયા છે. પાછળના બાંકડા ઉપર કાળિયો માળી શાહનશાહ અકબરશાહના ‘ડ્રેશ’માં એક નખિયા બીડી પીતો બેઠો છે. ડાબી તરફનાં પગથિયાં ચડી આવી એક છોકરો ટેબલ પરની ટોકરી ઉપાડી વગાડતો વગાડતો ચાલ્યો જાય છે. એ જ વખતે રંગભૂમિ ઉપર વીજળીની બત્તીઓમાંની કેટલીક હોલાય છે. નાટકશાળામાંથી આવતો ગણગણાટ ઓછો થાય છે.) સ્ટેશન માસ્તર : બીજી ટકોરી? નગરશેઠ : ના-રે-ના! પે’લી. (ખુરશી ઉપર પલોંઠી વાળે છે.) કવિરાજ : હાઉસ કેવોક થયો છે ? ફોજદાર : પીટ ભરાઈ ગયો છે. ઓરચેસ્ટ્રામાંય ઘણું આવી ગયાં છે. બાકી બધું ખાલીખમ! નગરશેઠ : ઓરચેસ્ટ્રાવાળાં બ...દ્ધાંય મફતિયાં. આમાં નાટક કંપની શું ચાલે? જવા દ્યો ને : કાંઈ નથી એમાં! સ્ટેશન માસ્તર : આ તો ખુદાબખશીયું ગામ છે. ખિસ્સામાંથી કોઈ દોઢિયું ન કાઢે દોઢિયું. ફોજદાર : સા-આ-વ મફતિયું. એટલે તો મેં દશ પાસના પાંચ કરી નાખ્યા. કવિરાજ : હા, બીજું શું થાય? સ્ટેશન માસ્તર : મેંય તે ગુડ્ઝક્લાર્ક અને સાંધાવાળાના પાસે બંધ કરાવ્યા. નગરશેઠ : આ પરમ દિની જ વાત. મારો ભાણેજ આવ્યો ને કે’ કે નાટક જોવા જવું છે. — ફુલાભાઈ ઉપર ચિઠ્ઠી લખી દ્યો. મેં ખિસ્સામાંથી ચાર આના કાઠી કહ્યું : ‘‘લે ભાઈ, પીટમાં બેસીને જોઈ આવેલું. બાકી એક ચિઠ્ઠીબિઠ્ઠી ન મળે!’’ લ્યો હવે માનશો તમે? નહિ તો ફુલાભાઈની કંપની એટલે આપણા ઘરની કંપની કે’વાવ. પણ જ્યાં આખું ગામ જ ભિખારડું ત્યાં આપણાથી તે કેટલું કે’વાય? જવા દ્યો ને : કાંઈ નથી એમાં! (કડિયામાંથી પતરાની એક લાંબી ડાબલી કાઢી હથેળીમાં તંબાકુ અને ચૂનો કેળવે છે.) કવિરાજ : પણ હજી મેનેજર કેમ ન આવ્યા? અંદર ગયા છે. તે બહાર જ નીકળતા નથી. ઊંઘી તો નહિ ગયા હોય ને? સુશીલ : (કવિરાજનો જમાઈ સુશીલ આછું મલકી નીચે જોઈ જાય છે) કાળિયો માળી : (બાંકડા ઉપર બીડીનો તણખો ઘસી નાખી આગળ આવે છે.) અંદર કાંઈક ગોટાળો છે. નગરશેઠ : વળી શું છે? કાળિયો માળી : કોને ખબર? પણ ડાયરેક્ટર ઉતાવળા ઉતાવળા આવી એમને બોલાવી ગયા. કવિરાજ : (ગાવા લાગે છે) જગતની સર્વ શેરીમાં દિસે છે ગજબ ગોટાળો સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) ફોજદાર : કયા નાટકનું, કવિરાજ? કવિરાજ : ‘પ્રમત્ત પ્રમદા!’ સ્ટેશન માસ્તર : વાહ! કેવું સુંદર નામ છે! નગરશેઠ : કવિરાજને સુંદર નામોનો ઘણો શોખ છે. કવિરાજ : ખરું કહ્યું. મરહૂમ મહારાજા સાહેબનો પણ એવો મત હતો. પણ હવેના રાજાઓ... નગરશેઠ : (ઉપાડી લઈ) જવા દો ને : કાંઈ નથી એમાં! (તમાકુ નીચલા હોઠ અને દાંતની વચ્ચે ચડાવે છે.) સ્ટેશન માસ્તર : કવિરાજના છોકરાંઓનાં નામ પણ એક જુઓ અને એક ભૂલો, હો નગરશેઠ. કવિરાજ : તમે તો એની વાત કરો છો. પણ લ્યો આ અમારા સુશીલ. પહેલાં એમનું નામ હતું શંકરપ્રસાદ. મને ન ગમ્યું. દીકરીનું નામ સુશીલા એટલે એમનું પાડ્યું સુશીલ. એમ નામ બદલાવવામાં તે કોઈ ના પાડે છે? સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) નગરશેઠ : વાહ! કવિરાજ : અને માનશો? મને નામ ઉપરથી જ નાટકો સ્ફુરે છે. લ્યો હવે આ સુશીલા અને સુશીલનું યુગ્મ ‘સુશીલાસુશીલ’ કે ‘સુશીલસુશીલા’ એ નક્કી થયું કે એક નવું નાટક! સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : (બબડતા બબડતા જ નેપથ્યદ્વારમાંથી પ્રવેશ કરે છે. પાછળ ડાયરેક્ટર છે.) બધા ગધેડા જ ભેગા થયા છે. દિવસરાત લાતાલાતી. બીજો ધંધો જ નથી સૂઝતો. કવિરાજ : (ગાવા લાગે છે :) તું ગધેડી, હું ગધેડો; કરશું લાતાલાત! ‘મયુરમેનકા’ના કોમિકમાંથી, નગરશેઠ. નગરશેઠ : શું કો’ છો! (અદબ વાળે છે.) મેનેજર : (ખુરશીમાં બેસતાં) ડાયરેક્ટર, જરા બહાર જોઈ આવો તો. ન્યાયાધીશ સાહેબની ખુરશી નાખી છે કે નહિ? એક કરવા જાઉં ત્યાં બીજું રહી જાય. મારે તે કાંઈ ઓછી ઉપાધિ છે? (ડાયરેક્ટર જાય છે.) ફોજદાર : પણ આ બધું છે શું? જરા શાંત તો થાવ. કવિરાજ : (ગાવા લાગે છે) શાંત શાંત થા સજની નાર! મેનેજર : (આંખ ફાડી કવિરાજ સામે જોવે છે.) કવિરાજ : ‘અમૃતાંજન’માંથી, સાહેબ! સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : તમે જ બધાના મૂળમાં છો, કવિરાજ! કવિરાજ : (ગાવા લાગે છે.) ન દોષિત માનશો મુજને, બિનાનાં મૂળ ઊંડાં છે. ‘દૂષિત દારા’માંથી, ફુલાભાઈ. પણ કહો તો, હું જ બધાના મૂળમાં કેવી રીતે? મેનેજર : મગનો અને છગનો બૈરી માટે બાઝ્યા. તમે જાણતા હશો કે એ બન્ને ભાઈઓ છે, અને એમની ઉપર આપણી કંપનીનો આધાર છે! નગરશેઠે : હા....આ! મેનેજર : માંડ માંડ બન્નેને પાઠ કરવા સમજાવ્યા. પણ....(મૂંઝાયા દેખાય છે.) કવિરાજ : તો હવે શું છે! આમ વાત વાતમાં ગભરાઈ શું જાવ છો? મેનેજર : ભાઈ, તમે ન સમજો. વળી બન્ને ભાઈઓ આજે ભાઈ-ભાઈનો પાઠ કરવાના છે. નગરશેઠ : હા...આ....આ...! કવિરાજ : મગનો મહારાણો પ્રતાપ : અને છગનો શક્તિસિંહ! કેમ એમ જ ને? મેનેજર : અને પાછું બન્નેનું દ્વંદ્વયુદ્ધ! મારી તો છાતી ધડકે છે. ફોજદાર : પણ એમાં તમારી છાતી શું કામ ઘડકે? મેનેજર : (કંટાળાથી) ભાઈ, તમે એ ન સમજો. લડતાં લડતો કોઈ સાચેસાચ ભાલો ભોંકી દે તો? સ્ટેશન માસ્તર : હા... હા....હા....હા.....(હસી પડે છે.) તમેય તે કોમિક કરો છો! ફોજદાર : તે લાકડાના ભાલા આપો ને! આવાં જ કારણોથી અમે તમને હથિયાર વાપરવાની પરવાનગી નથી આપતા. કવિરાજ : પણ સાહેબ, આ તો નાટક છે નાટક. એ કેમ ભૂલી જાવ છો? મેનેજર : ભાઈ, તમે એ ન સમજો. મૂકો ને માથાફોડ. આવો જ એક પ્રસંગ પહેલાં પણ બની ગયો છે. સ્ટેશન માસ્તર : (સૂડી વતી સોપારી કાતરતા) કેવો? મેનેજર : આવો જ! સ્ટેશન માસ્તર: હં...હં...હં... આવો જ! ફોજદાર : પેલા રજ્જુ-કેસની વાત કરતા લાગો છો. મેનેજર : ના ભાઈ, ના. તમને એની ન ખબર પડે. એ વખતે તો તમે હવાલદારેય નહોતા, ફોજબર સાહેબ! નગરશેઠ : હા....આ...આ! (ખુરશી તાણીને નજીક આવે છે.) સ્ટેશન માસ્તર : કેટલા વખત પરની વાત છે! કદાચ હું જાણતો હોઈશ. (નજીક જાય છે.) મેનેજર : ના રે ભાઈ, ના. આ વાતને તો દશ વરસ થયાં દશ. હુંય એ વખતે તો ડોકીપર હતો. ફોજદાર : શું કહો છો? મેનેજર : જે કહું છું તે. અને એ વખતે કંપનીમાં પતિપત્નીનું એક જોડું કામ કરતું. બહુ હોશિયાર! ફોજદાર : પછી? (ખુરશી તાણે છે.) મેનેજર : પતિનો પગાર પાંચસો અને પત્નીનો એક હજાર. એકનું નામ વર્ધમાન અને બીજીનું નામ સુંદરા. ફોજદાર : કાંઈક અણસાર આવે છે. મેનેજર : તમે કાંઈ ન જાણો, ભાઈ. વાત બહુ જુદી જ હતી. નગરશેઠ : આગળ, આગળ, સાહેબ. ડોરકીપર : (પ્રવેશ કરી) દરવાજા બહાર રસાલાવાળાઓનું એક ટોળું એકઠું થયું છે, સાહેબ. આપને બોલાવે છે. મેનેજર : મારું શું કામ છે? ડોરકીપર : કહે છે કે પાસ નહિ આપો તો પથરા ફેંકશું. મેનેજર : બાળો એમને પાંચ પાસ (ડોરકીપર જાય છે.) ભિખારડા! નગરશેઠ : ખરું બોલ્યા, મારા સાહેબ; બધા ભિખારડા જ છે. નહિ તો ચાર આનામાં ચોફાળ ઓઢવો પડતો હશે જાણે! પણ આગળ, આગળ, સાહેબ. મેનેજર : હા; હું ક્યાં પહોંચ્યો હતો? કવિરાજ : પ્રસ્તાવનામાં. સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : હેન્ડબિલમાં જે દિવસે એમનાં નામ હોય તે રાત્રે અડધા માણસો તો બહાર જ રહી ગયા હોય એટલી ગિરદી થાય. કાળિયો માળી : (રસપૂર્વક અચંબાથી) એમ? નગરશેઠ : હા, હા, અસલના એક્ટરોની તે કાંઈ વાત છે! બધા તારી જેવા હશે જાણે. જાણે જવા દ્યો ને : કાંઈ નથી એમાં! મેનેજર : એમાં પોપટલાલ પાદરાકરનું ‘‘વિષનો પ્યાલો નાટક ચાલે. માનશો નહિ, પણ ત્રણ મહિનામાં નવ્વાણું નાઈટ! સ્ટેશન માસ્તર : ત્રીશ તરી નેવું. પણ કાંઈ નહિ, અંગ્રેજી મહિના હશે! સુશીલ : (ફિક્કું હસ્યા વિના સ્ટેશન માસ્તર સામે જોઈ રહે છે.) કવિરાજ : ઓ-હ્-હો! સમજ્યો શેક્સપિયરના ‘ઓથેલો’ની તફડંચી. મેનેજર : બરાબર એ જ. કવિરાજ. પણ એ વખતમાં કવિઓને તફડંચી કરતા આજના જેટલી મુશ્કેલી ન નડતી. આજે તો કવિઓએ ઘરનું ઉમેરીને નાટકને કદરૂપું બનાવવું પડે છે. પણ વાત આગળ ચલાવીએ. કવિરાજ : હા, હા. મેનેજર : પત્ની બેવફા છે. એવી શંકા જવાથી પતિ એને ઝેરનો પ્યાલો પાય છે એવો એક સીન ત્રીજા અંકમાં આવે છે. કવિરાજ : ‘ઓથેલો’માં પણ એમ જ છે. મેનેજર : અને વર્ધમાન અને સુંદરા પતિપત્નીનો પાઠ કરતાં. નગરશેઠ : એનાથી બીજું રૂડું શું? એવું થતું હોય તો અમે નાટક કંપની સામે અનીતિ અનીતિની બૂમો પાડવી બંધ કરીએ; લ્યો માનશો? ત્યારે? જવા દ્યો ને : એમાં કાંઈ છે નહિ. મેનેજર : એમાં એની સોમી નાઈટ પડી. લોકોની મેદની માતી નહોતી. નાટકને અંતે સુંદર-વર્ધમાનને સોનાના ચાંદ એનાયત કરવામાં આવનાર હતા. કવિરાજ : એ વખતની વાત જ જુદી છે. હવેનું પલ્બિક જ જ્યાં સાવ ધાનિયા થઈ ગયું છે ત્યાં કોઈ શું કરે? મેનેજર : લોકોની મેદની માતી નહોતી. પદડો ચડ્યો ત્યારે સોય પડ્યાનોય અવાજ થાય એવો શૂનકાર હતો. ફોજદાર : અને હવે ધોકા પછાડી પછાડીને મરી જઈએ તોય સીટીઓ શાંત પડતી નથી. લોકો જ બગડી ગયા છે બધા. નગરશેઠ : ત્યારે? જવા દ્યો ને : એમાં કાંઈ છે નહિ, મારા સાહેલ! સુશીલ : (આછું મલક્યા વિના સામે જોઈ નીચે જોઈ જાય છે.) મેનેજર : બીજા અંક પછી લોકો માંહોમાંહે વાત કરતા હતા : ‘‘સુંદરા અને વર્ધમાન આજે રંગમાં છે! આવા ઓતપ્રોત કદી એમને જોયાં નથી!’’ નગરશેઠ : વાહ ભાઈ વાહ! પછી શું પૂછવાનું હોય? મેનેજર : પણ પછી જે બની ગયું તે રોમાંચ ખડા કરે તેવું છે. ઝેરના પ્યાલાવાળા પ્રવેશમાં .... (થિયેટર ઉપરની ઘણીખરી બત્તીઓ બુઝાય છે. ઓસરતા અજવાળા અગિયાર સુધી પહોંચેલી મિનિટનો કાંટો દેખાય છે. બીજી ટોકરીના અવાજમાં મેનેજરનું પાછળનું વાક્ય તણાઈ જાય છે.