અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ચાલ મજાની આંબાવાડી

Revision as of 15:10, 21 August 2021 by Atulraval (talk | contribs)


ચાલ મજાની આંબાવાડી

‘ગની’ દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું, કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

(નિરાંત, ૧૯૮૧, પૃ. ૧)



‘ગની’ દહીંવાળા • ચાલ મજાની આંબાવાડી • સ્વરનિયોજન: સૌમિલ મુનશી • સ્વર: ઐશ્વર્યા મજમુદાર