મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવેશક પરિચય: મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય

From Ekatra Wiki
Revision as of 17:09, 30 August 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રવેશક પરિચય: મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય

‘અર્વાચીન ગુજરાતી સાહિત્ય’ની પહેલાંનું સાહિત્ય એ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય’ – એવી સાવ સાદી વાત કરવા જઈએ ત્યારે કોઈને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે, તો પછી ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ કયું? એવું કોઈ સાહિત્ય ખરું? આમાં ‘મધ્યકાલીન’ શબ્દ છે એ ગુજરાતના એક વ્યાપક સામાજિક-રાજકીય ઇતિહાસના ગાળાને સૂચવતો શબ્દ છે. ૧૧મી-૧૨મી સદી પહેલાંનું ગુજરાત એ રીતે પ્રાચીન ગુજરાત ને ૧૨મીથી ૧૯મી સદી (પૂર્વાર્ધ) સુધીનું ગુજરાત એ મધ્યકાલીન ગુજરાત; એટલે એ સમયગાળામાં રચાયું એ સાહિત્ય પણ ‘મધ્યકાલીન’ ગુજરાતી સાહિત્ય કહેવાયું. ગુજરાતી ભાષાનાં પ્રાથમિક લક્ષણો જેમાં દેખાવા માંડ્યાં એ સમયગાળાથી શરૂ થતું આ સાહિત્ય એક રીતે તો ગુજરાતીનું પહેલું ને એ અર્થમાં પ્રાચીન સાહિત્ય પણ ગણાય તો ખરું જ – વિદ્વાન અભ્યાસી કે.કા. શાસ્ત્રીએ શરૂઆતનાં ૨૦૦-૩૦૦ વર્ષના સાહિત્યસમય માટે ‘પ્રાચીન કાળ’ શબ્દ યોજ્યો પણ છે. પરંતુ સામાજિક-રાજકીય-સાહિત્યિક સમયગાળાની એકવાક્યતા રહી શકે એટલા માટે જ એને ‘મધ્યકાલીન’ કહીએ છીએ.

મિશ્ર ભાષાભૂમિકાનું ગુજરાતી સાહિત્ય ૧૨મી સદીના ગુજરાતી જૈન સાધુ આચાર્ય હેમચંદ્ર તે સમયના ગુજરાતના રાજા કુમારપાળના પાટણમાં અત્યંત આદરણીય મુનિ તેમ જ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યના પ્રખર વિદ્વાન અને કવિ હતા. એ ‘કલિકાલ સર્વજ્ઞ’ કહેવાતા હતા. એમણે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ નામે એક બૃહદ વ્યાકરણ ગ્રંથ લખેલો, એનું હાથી પર અંબાડીમાં મૂકીને નગરમાં ફેરવીને અભૂતપૂર્વ સન્માન કરવામાં આવેલું. હેમચંદ્રાચાર્યે એ વ્યાકરણમાં, પોતાના સમયની લોકભાષામાં પ્રચલિત કવિતા હતી એમાંથી, એ વ્યાકરણના અપભ્રંશ વિભાગમાં, દૃષ્ટાંતો ટાંકેલાં. કાવ્યત્વની તેમજ ભાષાની રીતે એ દૃષ્ટાંત-દુહા ખૂબ નોંધપાત્ર હતા. વિદ્વાનોએ એ ઉદાહરણ-પદ્યોને ગુજરાતી ભાષાની આરંભકાલીન કવિતા તરીકે સ્વીકાર્યાં છે. એટલે કે ત્યાંથી – ૧૨મી સદીથી – મધ્યકાલીન ગુજરાતી કવિતાની શરૂઆત ગણાય. આરંભકાલની – આશરે ૧૨મીથી ૧૪મી સદી સુધીની આ ગુજરાતી કવિતામાં ગુજરાતી ભાષાની પ્રાચીન ભૂમિકાનાં લક્ષણો છે – એટલે કે એ (પછીથી સ્વતંત્ર થયેલી) હિંદી, રાજસ્થાની ને ગુજરાતી પ્રાચીન રૂપ અપભ્રંશની મિશ્ર સ્થિતિ બતાવે છે. એ ભાષા આજે વાંચતાં એમાંનાં ઘણાં શબ્દ-રૂપો અને પંક્તિઓ આજે ન પકડાય – એનો પણ આજની ભાષામાં અનુવાદ કરવો પડે. (આ બૃહદ સંચયમાં, આરંભકાલીન કવિતા એવા અનુવાદ સાથે મૂકી છે)

ધર્મ-સૂત્ર અને કવિશક્તિ ૧૯મી સદી આસપાસ ભારત અને ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક જીવનમાં ઘણાં મોટાં પરિવર્તનો આવ્યાં. અંગ્રેજી શાસન, અંગ્રેજ પ્રજા અને સંસ્કૃતિના પ્રભાવક પ્રવેશે એક પ્રકારની ‘અર્વાચીનતા’ (Modernity) પ્રગટાવી. ત્યાં સુધીની ગુજરાતી પ્રજાની તાસીર, ને એ રીતે ગુજરાતી ભાષાનું સાહિત્ય, ‘મધ્યકાલીન’. એટલે મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો લગભગ ૭૦૦ વર્ષનો ગણાય. પ્રજાની સંસ્કારિતા – એનાં સાંસ્કૃતિક વલણો – એના સાહિત્યમાં સીધી કે આડકતરી રીતે પણ પ્રગટ થવાનાં. વ્યાપક પ્રજા- જીવન વૈયક્તિક-કૌટુંબિક-સામાજિક આનંદો અને આપત્તિઓ, ઈર્ષા અને ઉદારતા, રિવાજો અને ઉત્સવો, અંગત ઊર્મિઓ અને સામાજિક રૂઢિઓથી ગુંથાયેલું રહેવાનું જ. પણ એના કેન્દ્રમાં કોઈ એક મજબૂત સૂત્ર પરોવાયેલું હોવાનું – મધ્યકાલીન સમાજનું એ કેન્દ્રીય સૂત્ર હતું ધર્મ-પરાયણતા, ભક્તિભાવ. અને આ ધર્મતત્ત્વ વ્યક્તિની આંતરિક લાગણીઓ-ભાવનાઓથી લઈને અનેક સામાજિક-સાંસ્કૃતિક ઘટકોમાં વ્યાપેલું હતું. સામાજિક ઉત્સવો ને રિવાજો ધર્મ-નિષ્ઠ હતા. એટલે મધ્યકાલીન કવિતાનો મુખ્ય સૂર પણ ભક્તિ હતો. ભક્તિકેન્દ્રી પદો-ભજનો-સ્તવનોમાં જ નહીં, ‘કથા’ને વર્ણવતાં-ગાતાં લાંબાં કાવ્યો રાસા, ચરિત, ચોપાઈ, આખ્યાન, વગેરેમાં પણ એ સૂર આછા કે ઘેરા, પ્રગટ કે અપ્રગટ રૂપે સંભળાતો. મધ્યકાળનું સાહિત્ય એ ગાન અને શ્રવણનું સાહિત્ય હતું. એટલે લાંબાં કાવ્યોને અંતે કવિ ‘ફલશ્રુતિ’ સંભળાવતો. ફલ-શ્રુતિ એટલે શ્રુતિનું – સાંભળવાનું – ફળ. ‘જે કોઈ ગાય, શીખે, સાંભળશે; એની ભવની ભાવટ ટળશે’ – એ પ્રકારનો પ્રબોધક સૂર એ ભક્તિસૂર હતો. પણ એથી કરીને, મધ્યકાળનું સાહિત્ય માત્ર ભક્તિના,ધર્મના સાંકડે મારગે જ ચાલ્યું – એમ કહી શકાશે નહીં. સમય જતાં, નવા સંપર્કો અને નવા અનુભવોથી પ્રજાજીવનની સીમાઓ તૂટે, ક્ષિતિજો વિસ્તરે એટલે નવાંનવાં રૂપો, ને વિશેષ પરિમાણો ે પ્રગટ થતાં જવાનાં. એ કારણે ‘અર્વાચીન’ કાળ માનવજીવન તેમજ સાહિત્યની રીતે વ્યાપક બન્યો. પરંતુ મધ્યકાળના સાહિત્યે પણ, એ સમયના વર્તુળમાં રહીને વ્યાપ અને ઊંડાણ બતાવ્યાં છે. કવિત્વનું, કવિશક્તિનું તો એવું છે કે કોઈપણ કાળમાં એનાં શિખરો રચાવાનાં – સમયના ભૌતિક વિકાસ-આલેખ સાથે એની માત્ર સમાંતર ગતિ જ હોય એવું નથી. ભારતીય સાહિત્ય જ જોઈએ તો એમાં વ્યાસ-વાલ્મીકિ, કાલિદાસ, કબીર, નરસિંહ, જેવાં ઉત્તુંગ કવિ-શિખરો દેખાયાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાક ઉત્તમ સર્જકોની કવિ તરીકેની જે ઊંચાઈ છે એ અર્વાચીન કવિઓ કરતાં નીચી નથી – ક્યારેક તો કોઈ મધ્યકાલીન કવિની આંતરિક કવિશક્તિ ને એનું ઊંડાણ આજે પણ ન ઓળંગી શકાય એવાં જણાય છે!

સાંપ્રદાયિક સંકડાશ નહીં પણ ઉદારતા, સમ-ભાવ ગુજરાતમાં ત્યારે પણ કેટકેટલા ધર્મ-સંપ્રદાયો ને ભક્તિ-માર્ગો હતા – વૈષ્ણવ, શૈવ, શક્તિ, સ્વામિનારાયણ, જૈન, ઈસ્લામ, જરથોસ્તી; પ્રેમલક્ષણા ભક્તિમાર્ગ અને અદ્વૈત જ્ઞાનમાર્ગ, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. પણ દરેકે પોતપોતાની દિશામાં ગતિ કરતી વખતે બીજાની ગતિનો ન તો અવરોધ અનુભવ્યો, ન તો અવરોધ ઊભો કર્યો. ધર્મ સાથે સ્વ-ધર્મ-ભક્તિ-માર્ગનું સમત્વ ઊપસતું રહ્યું. ક્યારેક અદ્વૈત અને નિર્ગુણ ઉપાસનામાં હિંદુ અને ઈસ્લામનો સમન્વય પણ જોવા મળે છે; પ્રાચીન મહાકાવ્યોનાં કથાનકો આલેખવાની પરંપરા જૈન અને જૈનેતર બંને કવિઓમાં, પોતપોતાનાં ધર્મ-તત્ત્વો સાંકળીને પણ, એકસરખી ચાલતી રહેલી છે.

માનવભાવોનાં અનેક રૂપો માનવભાવોનાં અનેક રૂપો મધ્યકાલીન સાહિત્યમાં ઊપસતાં રહ્યાં છે. એમાં સંસારની માયાથી વિમુખ કરતો ઉપદેશ ને વૈરાગ્યબોધ છે એની સાથે માનવ-મનના ને માનવ-જીવનના અનેકવિધ ઉલ્લાસો, આનંદોનું ગાન પણ છે; ભક્તિ અને શૃંગાર – એ જુદાં કે વિરોધી નહીં પણ અંતત: એક રૂપ છે એવું અનેક કવિઓમાં જોવા મળશે. વૈરાગ્યબોધની ને ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનની કવિતા કરનાર નરસિંહે નિબિડ શૃંગારની કવિતા પણ કરી છે. ભક્તિનો અર્થ જ વિ-ભક્ત નહીં પણ ભક્ત થવું, જોડાવું, સમરસ થવું એ છે. ફાગુ, બારમાસા, આખ્યાનો, રાસા-પ્રબંધો, પદ્યવાર્તાઓ જેવાં દીર્ઘ કાવ્ય-સ્વરૂપોમાં તો જીવનનાં, માનવસંબંધોનાં, માનવવ્યવહારોનાં, માનવપાત્રોની અનેકવિધ ચિત્ત-લીલાઓનાં અઢળક રૂપો-ચિત્રો-ઘટનાઓ આલેખન પામ્યાં છે ધર્મને અંતર્હિત રાખીને આખા જીવનને ને જગતને બાથમાં લેતાં વ્યાપક અને વિશાળ, ક્યારેક તો મહત્ત્વાકાંક્ષી આલેખનો મધ્યકાળમાં થયાં છે. મુક્તક/સ્તવન/પદ થી લઈને ગરબા/ફાગુ જેવાં ઊર્મિકથાનકોમાંથી પસાર કરીને મધ્યકાલીન ગુજરાતી કવિતાએ, પ્રાચીન મહાકાવ્યોનાં કથાનકોને સ્વતંત્ર દીર્ઘ કથાકાવ્યોમાં રૂપાંતરિત કરી આપતી આખ્યાનાત્મક કવિતાનાં વિવિધ રૂપો ખેડ્યાં છે. એની એક સુદીર્ઘ જ નહીં, વૈભવશાળી પરંપરા છે. એટલે કેન્દ્રે ધર્મ હતો પણ બાકીનું આખું વર્તુળ ધર્મ-ભીના સંસારથી વ્યાપેલું હતું.મામેરુંમાં વસ્ત્રો, આભૂષણોનું મોહક વૈવિધ્ય પણ આલેખાયું છે; નળાખ્યાન જેવાં કાવ્યોમાં વૃક્ષો-વનસ્પતિનો વૈભવ ને ફાગુ કાવ્યોમાં વસંત-વર્ષાના ઉદ્દીપક પ્રકૃતિસૌંદર્યનું નિરૂપણ; કાન્હડદે પ્રબંધ અને રણયજ્ઞ જેવાંમાં યુદ્ધસામગ્રી અને યુદ્ધનું વર્ણન; અનેક પદોમાં પ્રેમ-શૃંગારની કવિતા ઉપરાંત બુદ્ધિ-ચાતુર્યને આલેખતી શામળની લોક-કથાઓ; સમુદ્ર-વહાણ-વિવાદ રાસ જેવામાં તર્કશક્તિને પણ રસાળ કરતી રસપ્રદ કથા-ગૂંથણી...એમ આખા માનવ-સંબંધ-સંસારથી બલકે માનવ-રસ-વિશ્વથી મધ્યકાળની કવિતા વ્યાપેલી છે. મધ્યકાલીન કવિતાનું આ ઐશ્વર્ય છે – બંને અર્થમાં. એમાં ઈશ્વર-પરાયણતા પણ છે, એ રીતે એ ઐશ્વર્યમય છે ને એ વ્યાપ તથા ઊંડાણ બન્નેની રીતે સમૃદ્ધ છે – એ રીતે પણ એ ઐશ્વર્યશાળી છે. નાત-જાતના, સ્ત્રી-પુરુષના, ઉચ્ચ-અવચના, સ્પૃશ્ય-અસ્પૃશ્યના ભેદો એ સમાજમાં તો હતા, પણ ભક્તો ને કવિઓના વર્ગે એવા ભેદ ક્યાંય દેખાડ્યા નથી. મધ્યકાળમાં મીરાં, ગંગાસતી જેવી કેટલી બધી સ્ત્રી-કવિઓ છે જેમણે આત્મગૌરવને આગળ રાખતી, ભક્તિ અને જ્ઞાનના ઊંડાણને પામવા કરતી કવિતા આપી છે! મધ્યકાળના આ અનેક કવિઓમાં સંસારીઓ પણ છે ને સંતો પણ છે; સાધુઓ પણ છે ને શ્રાવકો પણ છે; દરેક વર્ગના – સમાજે જેમને નીચલા વર્ગના ગણાવ્યા એવા વર્ગના – પણ સન્માન્ય ઠરેલા કવિઓ મધ્યકાળમાં સર્જનરત ને ભક્તિનિરત હતા. એમણે આ રીતે જ આવા ક્ષુલ્લક ભેદો નષ્ટ કર્યા છે એમ નહીં – કેટલાકે તો સમાજના જ્ઞાતિશ્રેષ્ઠીઓ, સાધુશ્રેષ્ઠીઓ, વિદ્યાશ્રેષ્ઠીઓમાં પણ દંભ દેખાયો તો એની સામે વિદ્રોહી અવાજ ઊંચક્યો છે. નરસિંહ હરિજનવાસમાં ભજન કરવા જતાં ટીકા પામે છે તો નાગરોને ‘અધવધરા’ – અણસમજુ ને અધકચરા કહે છે – ને ‘એવા રે અમે એવા રે એવા’ સંભળાવે છે. ને જ્ઞાનનો દંભ કરનાર ને ‘આ તો પરપંચ સહુ પેટ ભરવા તણા’ કહીને એમના નિમ્નસ્તરને બતાવે છે. મીરાંએ રાજસત્તા સામે, મેવાડત્યાગ કરીને ને સમર્પિત ઈશ્વર-પ્રેમની સબળ કવિતા લખીને એક જાતનો વિદ્રોહ જ કરેલો. અખા જેવાએ બહુ મોટા અવાજે સામાજિક-ધાર્મિક રૂઢિગ્રસ્તતા અને દંભ સામે તીક્ષ્ણ તીર જેવી સોંસરી કવિતા લખી છે. મધ્યકાલીન કવિઓમાં આતમસૂઝથી ભક્તિની આર્દ્રતાની કવિતા લખનાર સંત કવિઓ ઉપરાંત પ્રાચીન ધર્મ-જ્ઞાન-કવિતાની પરંપરાને આત્મસાત્ કરનાર વિદગ્ધ કવિઓ પણ છે. નરસિંહ અને પ્રેમાનંદ જ ેવાને પૌરાણિક સાહિત્યનો કોઈ સંસ્કૃતજ્ઞ ગુરુજનોએ કરાવેલો ને એ ઉપરાંત સીધો પરિચય પણ હતો. ભાલણ તો સંસ્કૃતના જાણકાર પંડિત હતા. અનેક જૈન સાધુ કવિઓ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશનાં સાહિત્યોના ને ન્યાય, મીમાંસા આદિ વિદ્યાઓના જાણકાર વિદ્વાનો પણ હતા. પ્રાચીન અને સમકાલીન પરંપરાઓને એ કવિઓએ પચાવી હતી ને એ એમની કવિતામાં પ્રતિબિંબિત થતું હતું. અલબત્ત, આ કવિઓ જ્ઞાની કરતાં સર્જકો વધારે હતા. જેમનામાં ઉચ્ચ કવિત્વ અને કથાકૌશલ હતાં એ વધુ ઉત્તમ કવિઓ તરીકે આજેય પ્રભાવક અને આસ્વાદ્ય રહ્યા છે. મધ્યકાલીન કવિતા, જો આપણે એની ભાષાલઢણો ને એની ગાન-કથન-પરંપરાનો પરિચય કેળવીએ તો એના ઊંડાણમાં જે સાચી ને ઊંચા બરની કવિતા હતી એની નજીક આપણને લઈ જાય. નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, દયારામ, સમયસુંદર, યશોવિજય, કુશળલાભ, રવિદાસ, ગંગાસતી, દાસી જીવણ, બ્રહ્માનંદ... એવા કેટકેટલા સર્જકો આજે પણ આપણને ઉત્તમ પ્રતિભાવાળા લાગશે – અરે, કોઈ સંત કવિનું એકાદ પદ પણ એનાં ભાવ અને ભાષાની માર્મિકતાથી આપણને પ્રસન્ન કરશે.

શ્રાવ્યકલા લલિત કળાઓનું એક વર્ગીકરણ એમ કહે છે કે ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય એ દૃશ્ય કળાઓ છે ને સંગીત, સાહિત્ય એ શ્રાવ્ય કળાઓ છે. લેખન અને મુદ્રણ આવ્યું એ પછી સાહિત્યને કોઈ દૃશ્ય/વાચ્ય કળા કહેવા લલચાય પરંતુ મૂળભૂત રીતે સાહિત્ય એ પઠન-ગાયન અને એના શ્રવણની કળા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યપ્રધાન છે. મધ્યકાલીન લોકસમાજની સવાર નરસિંહ જેવા કવિઓનાં પ્રભાતિયાંના ગાન-શ્રવણથી પડતી ને રાત પ્રેમાનંદ સરખા આખ્યાનકારોનાં કથા-પઠન, ગાયન ને અભિનયનથી રસાવહ બનતી. મંદિરો, દેરાસરો, મસ્જિદો, થાનકો ને ઘરોનાં આંગણાં સુધ્ધાં સ્તુતિ-સ્તવન-પ્રાર્થનાના ગાનથી ગૂંજતાં રહેતાં. લિપિજ્ઞાન પામેલો વર્ગ હસ્તપ્રતોમાં કવિતાનું વાચન કરતો ત્યારે પણ શ્રવણ-સંસ્કારો એની મદદે આવતા – ખરેખર તો આપણે સૌ કવિતા ‘વાંચતાં-વાંચતાં’ ‘સાંભળતા’ પણ હોઈએ જ છીએ. આ ગાયન-શ્રવણની પરંપરાને લીધે મધ્યકાલીન સાહિત્ય એકદમ પ્રત્યક્ષ રહેતું. કવિ/સંત ભજનિક અને શ્રોતવર્ગ એકબીજાની મુખોમુખ – સમક્ષ રહેલા. એથી જ મધ્યકાલીન સાહિત્યમાં એક જીવંત તારનો અનુભવ થાય છે. ઓજસ્ , પ્રસાદ અને માધુર્ય નામના જે કાવ્યગુણો કહેવાય છે એ આ પ્રત્યક્ષ સાહિત્યને કારણે વધુ શુદ્ધ રૂપે – પારદર્શકતાથી – પમાતા. ને ધર્મસંસ્કારની સાથે જ કલાસંસ્કાર પણ દૃઢ થતા જતા. ધર્મ કેન્દ્રમાં રહેતો, પણ પછી પ્રજાસમુદાયને કવિતાના અનેકવિધ રસોમાં પ્રસરવાની મોકળાશ રહેતી. નરસિંહ મહેતાએ જે કહ્યું કે, ‘વિવિધ રચના કરી, અનેક રસ લેવાને; શિવ થકી જીવ થયો એ જ આશે’ એને વિવિધરૂપા સૃષ્ટિની જેમ વિવિધરૂપા કવિતા સાથે પણ જોડી શકાય.

મધ્યકાલીન ગુજરાતી કવિતા આમ ધર્મ-સંપ્રદાય-સીમિત કે એકસૂરીલી ન હતી – ચિત્તનો વિસ્તાર કરતા અર્થલયથી, શબ્દલયથી ને પ્રાસ-અનુપ્રાસોથી પ્રગટતા વર્ણ-ધ્વનિ-લયથી એ આપણને પરિપ્લાવિત કરે છે. તો હવે, એ વિવિધ નાદવાળી ને શીતોષ્મ પ્રવાહવાળી મધ્યકાલીન કવિતા-સરિતામાં નિમજ્જન કરીએ. – રમણ સોની