પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ
સુમન શાહ
ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક. આધુનિક અને અનુ-આધુનિક સમયગાળામાં પ્રવૃત્ત મહત્ત્વના વિવેચક, મૂળે સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. વડોદરા યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થી પરંપરામાંના એક એવા અભ્યાસી જેમણે વિદ્વાન વિવેચકોની હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું. ‘સુરેશ હ. જોષી’ના સમગ્ર સાહિત્યકાર્યને કેન્દ્રમાં રાખી સંશોધનલક્ષી સ્વાધ્યાય રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી. એમનો આ સંશોધનગ્રંથ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ખાસ્સો ચર્ચામાં રહેલો. રૂપરચનાવાદ, સંરચનાવાદ તથા નવ્યવિવેચન અને કૃતિનિષ્ઠ વિવેચનામાં સવિશેષ રસ. જરાક નોખાં શીર્ષકોવાળા એમના ગ્રંથો સાહિત્યવિચાર તથા અભ્યાસનિષ્ઠા બાબતે વધુ ધ્યાન ખેંચે છે. ‘નવ્ય વિવેચન પછી–’, ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ તથા ‘સંરચના અને સંરચન’ ઇત્યાદિએ વિવેચનની આબોહવા બદલવામાં ખાસ્સો ભાગ ભજવેલો. અધ્યયન અને અધ્યાપનમાં સતત સક્રિય અને સજ્જતા બાબતે સભાન રહીને પોતાના સમયમાં ‘ભાષા સાહિત્યના અધ્યાપન’ ક્ષેત્રે ધ્યાનપાત્ર પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. વિભાષી કૃતિઓના અનુવાદો પણ આપતા રહ્યા છે. વિવેચક છે એવા જ સજાગ, જવાબદાર સર્જક છે. નવલકથા, વાર્તા, નિબંધ અને કવિતા લખ્યાં છે. છેલ્લા બેઅઢી દાયકાથી ટૂંકી વાર્તામાં ધ્યાનપાત્ર સર્જન કરવા સાથે સુ. જો. સા.ફો.ની વાર્તાશિબિરો દ્વારા નવી પેઢી સાથે ‘વાર્તામંથન’ કરી રહ્યા છે. ‘શબ્દસૃષ્ટિ’ તથા ‘ખેવના’ના તંત્રી/સંપાદક હતા. યુરપ તથા અમેરિકામાં પણ સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનો આપ્યાં છે.
(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)
મને સોંપાયેલા ૪ કવિઓમાંના પ્રિય હરીશ, પ્રિય વિનોદ, પ્રિય મણિલાલ, અનુપસ્થિત છતાં ઉપસ્થિત બાબુ સુથાર, ‘પ્રતિપદા’ના સૌ આયોજકો, બીજા કવિમિત્રો અને સૌ સભાજનોઃ
થોડી રમૂજથી પ્રારમ્ભ કરુંઃ આ ઉત્સવ છે, કવિતાનો ઉત્સવ છે, સરળ મનાતી અનુ-આધુનિક કવિતાનો ઉત્સવ છે, ઉત્સવ છે છતાં આયોજકોએ એને એકદમની કડક શિસ્તમાં બાંધ્યો છે. જડબેસલાક બંદોબસ્ત છે. સૌથી મોટો બંદોબસ્ત વક્તા બાબતે છે. કોઈપણ કાર્યક્રમની સુકલ્પિત સફળતાનો મૂળાધાર વક્તાઓ હોય છે એ વાતની આયોજકોને પાક્કી ખબર છે. એમને ડર છે કે વક્તા ઉત્સવરત થઈ જાય, ફૅસ્ટિવ, સ્વૈરમતિએ લીલામય થઈ નાચતો-ગાતો થઈ જાય, તો શું થાય. તેથી એમણે વક્તાઓને બરાબ્બરના બાંધ્યા છે. જુઓ, નિમન્ત્રણની સાથે જ ચતુર્વિધે બાંધ્યા છેઃ સૌથી મોટું સમયબન્ધન છેઃ ૩૦ મિનિટ. એટલે કે મૉંઢાં બાંધ્યા છે. બીજું છે, સામગ્રીબન્ધનઃ એટલા સમયમાં માત્ર ૪ કવિઓનાં માત્ર ૮૬ કાવ્યો વિશે બોલવાનું છે! બાથ ભીડી બતાવવાની છે. ત્રીજું, પસંદગીબન્ધનઃ આ કાવ્યો કવિઓએ પોતે પસંદ કરેલાં છે. એટલે કે વક્તાની સમ્પાદનપ્રવણ દૃષ્ટિમતિને, યોગ્યને ચૂંટી શકતી આંગળીઓને પણ પકડમાં લીધી છે. ચૉથું બન્ધન છે, વક્તવ્યનીતિરીતિબન્ધનઃ એ માટે ૪-૫ મુદ્દા આપ્યા છે. તેને ધ્યાનમાં રાખી તેના વશમાં રહી બોલવાનું છે. એટલે કે વક્તાના મગજને પણ આયોજકમનવાંછિત ફ્રેમમાં જકડી લેવાયું છે.
આ વાસ્તવિક વીગતોના આધાર પર મને મારે વિશે એક અતિવાસ્તવિક કલ્પના થાય છેઃ જાણે કે આયોજકોએ મને નિમન્ત્રણ આપીને ફાંસીએ ચડાવ્યો છે! જોકે પણ એટલે, ફાંસીની કુટિલ નીતિ અનુસાર મને આભાસી પ્રેમભાવથી પૂછાઈ પણ રહ્યું છે – બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે...?
મને છોડી મૂકો નામની છેલ્લી ઇચ્છાને ફાંસીવાળા ક્યારેય માન્ય નથી રાખતા એ જાણું છું એટલે વ્યવહારુ ઇચ્છા છે કે મને સમયબન્ધન સિવાયનાં તમામ બન્ધનોથી મુક્ત કરો. એ હું જાળવીશ – અને જો ન જાળવું, ૩૦ મિનિટને વટી જઉં, તો પછી મારું જે કરવું હોય એ કરજો!
ooo
જો તમારી હા છે, તો શરૂમાં જ જણાવી દઉં કે હું બે વસ્તુ નથી કરવાનોઃ એકઃ હું સર્જનના કૅટેગોરાઈઝેશનમાં, કોટિ-કરણમાં, નહીં ઊતરું. એટલે કે આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. એ જ રીતે કયો કવિ મૉડર્નિસ્ટ, પોસ્ટમૉડર્નિસ્ટ, પોસ્ટ-પોસ્ટમૉડર્નિસ્ટ કે કયો એ ત્રણેયનાં લક્ષણોથી સમવેત છે એ પણ નથી કહેવાનોઃ બીજુંઃ હું સર્જનના પ્રપંચસમવાયમાં નહીં ઊતરું. એટલે કે જેને આપણે રૂપનિર્મિતિ કહીએ છીએ એ ફૉર્મની સાધકબાધક પંચાતમાં નથી ઊતરવાનો – એનો અર્થ એ કે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની ચીલાચાલુ વાતો નથી કરવાનો. એટલે કે જીવનક્ષેત્રમાંથી સ્ફુરતાં કાવ્યવસ્તુઓ વિશે, ગીત ગઝલ સૉનેટ વગેરે કાવ્યના પ્રકારો વિશે, છાન્દસ અછાન્દસ વગેરે કાવ્યનાં માધ્યમો વિશે અને શિષ્ટ, અર્ધ-શિષ્ટ કે લોકતત્ત્વો ધરાવતી સર્વસામાન્ય કે કવિવિશિષ્ટ કાવ્યબાનીઓ વિશે નથી કહેવાનો. નથી કહેવાનો એટલે એ બાબતોની પરીક્ષા નથી કરવાનો – આ ખરું આ ખોટું પ્રકારે માર્ક્સ આપીને કશાં પરિણામો જાહેર નથી કરવા.
એનું મુખ્ય કારણ એ છે કે કાવ્યની એ પ્રકારની રૂપપરક પરીક્ષા પછી આપણો સમીક્ષક ત્યાં જ અટકી જતો હોય છે. કશી આગળની શોધમાં નથી ઊતરતો. કાવ્ય અને કવિ ઉપરાન્ત મનુષ્યજીવન અને સંસાર અંગે સાહિત્ય શું કરે છે એવુંતેવું કંઈક કહેવાવું જોઈએ એ એનાથી નથી કહેવાતું. કેમકે એને તો સંતોષભરી મજા લેવી હોય છે કે કૃતિલક્ષી રહીને પોતે પદ પદ વચ્ચેના સમ્બન્ધોને કેવા ઉકેલી આપ્યા, સર્જનનું કેવું બધું રહસ્ય ખોલી દીધું. ઇતિ સિદ્ધમ્ ગણીને એ ખુશહાલ થઈ જાય છે. એથી એના અહમ્-ની પુષ્ટિ થાય છે પણ એથી સાહિત્યકલાની સંસ્થિત સમજમાં કશો નવતર સંચાર નથી થતો.
હા, એક રૂપપરક સમીક્ષક તરીકે એવી કૃતિલક્ષી પરીક્ષાનું મારે મન ભારે મૂલ્ય છે, કેમકે સમીક્ષા માત્રનો શુભારમ્ભ એનાથી થાય છે. એથી કવિની સર્જકતા પર ઘણો પ્રકાશ પડે છે. એથી ભાવકને સારી પેઠે શિક્ષિત-દીક્ષિત કરી શકાય છે. પણ કાવ્યકલાના વ્યાપક પ્રસરણની વાતનું કશું નથી થતું. પ્રજાના વ્યાપક વાચકવર્ગની રુચિમતિનું ઘડતર નથી થતું. કાવ્યપદાર્થ થોડાક લોકોના વિચારવિનિમયનો વિષય બની રહે છે. એટલે એ મૂલ્યના વિકાસશીલ ઉછેરની ચિન્તા મને ત્યારે પણ હતી, આજે પણ છે. (મને યાદ આવે છે, નીરવ પટેલની કવિતા વિશેના મારા વ્યાખ્યાનમાં મેં એ જ હેતુની વાગ્મિતાશાસ્ત્રની મદદ લઈને રૂપપરક વાતને વિકસાવી હતી. એ વ્યાખ્યાન લેખ રૂપે ગ્રન્થસ્થ છે.)
આ ચિન્તા મારા આ વ્યાખ્યાનનો પહેલો મુખ્ય સૂર છેઃ
મેં નક્કી એમ રાખ્યું છે કે પહેલાં એ ચિન્તા-સૂરને ધ્યાનમાં રાખીને વાત કરું. એટલે કે મને સોંપાયેલા ૪ કવિઓની સૃષ્ટિ સંદર્ભે એવો વિકાસશીલ ઉછેર કેવી રીતે થઈ શકે એના કંઈક ઇશારા કરું. અને પછી એક બીજા સૂરને રમતો મૂકી વિદ્વદ્જનો કરતા હોય છે એમ હું પણ મારી વાણીને વિરામ આપું.
મેં કહ્યું એમ આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. પણ એટલું જરૂર કહું કે આ ઉત્સવના પ્રાતિપદિક સૌન્દર્યથી શોભતા કાર્યક્રમ-સમ્પુટમાં આ ૪ ઉપરાન્તનાં જેમનાં છબિચિત્રો છે એ ૧૩ કવિઓની સૃષ્ટિને માત્ર રૂપપરક રહીને કે માત્ર કૃતિલક્ષી રહીને જોયા કરવાનો હવેના સમયમાં ખાસ કશો મતલબ નથી રહેવાનો.
એનું એક જુદું નોંધપાત્ર કારણ પણ છેઃ હું ૪ કવિઓની વાતમાં વ્યસ્ત રહુંઃ કાવ્યકલાની સૂઝ-સમજ બાબતે હરીશ, વિનોદ, મણિલાલ અને બાબુ ચારે ચાર કવિઓ સજાગ છે. સાહિત્યદ્રવ્યરૂપ શબ્દના પૂરેપૂરા વિવેકી છે. જેમકે હરીશને તળના, શિષ્ટ, અંગ્રેજી, ઉર્દૂ કે અરબી-ફારસી મૂળના શબ્દોની જાતભાતનું પાકું જ્ઞાન છે. વિનોદ સંસ્કૃત તત્સમોના જાણભેદુ કવિ છે. મણિલાલ લોક અને કાવ્યપરમ્પરામાં નીવડેલી શબ્દસમૃદ્ધિથી વાકેફ છે. બાબુ વિદેશે વસે છે છતાં એમનું ગુજરાતી શબ્દોનું ભંડોળ સચવાયેલું છે. ચારેયને ખબર છે કે શબ્દથી કાવ્યશબ્દની સફર કેવીક હોય છે. ચારેયને ખબર છે કે કયો શબ્દ કાવ્યના અવતાર-પ્રસંગમાં શું આપશે, શું નહીં આપે. ચારેયને આપણી કાવ્યપરમ્પરાની અને સર્જનમાં અનિવાર્ય પ્રયોગશીલતાની પાક્કી ઓળખ છે. ચારેય પોતાના કવિ-શીલને અને સર્જક-વ્યક્તિત્વને માણી-પ્રમાણી શકે છે. પોતાની શક્તિ અને મર્યાદા બન્નેને સમજીને જીવી જાણે છે. મારું મન્તવ્ય છે કે આ કવિઓથી વધારે, ઓછું કે સદંતર ન લખાય એનાં અનેક કારણોમાં એમની એ જાત-ઓળખ મુખ્ય કારણ છે.
મારું મન્તવ્ય એમ છે કે કવિઓ જ્યારે આ બધી બાબતે નીવડેલા હોય ત્યારે એમની ખાલી રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવી એ મને કાલા થઈને કાછડીમાં હાથ ઘાલવા જેવું હસનીય લાગે છે. સોનાને, અરે આ તો સોનું છે કહેવા પ્રકારની એમાં મને આછકલાઈ લાગે છે. કવિઓ સર્જનનાં ચારે ચાર પરિમાણને વિશે—વસ્તુ, પ્રકાર, માધ્યમ અને બાની વિશે – સમજદાર અને સૂઝબૂઝવાળા હોય, પોતાની રચનામાં જે-તેના યોગ-પ્રયોગ કે વિનિયોગને વિશે વિવેકી હોય, એમનું કવિ તરીકેનું શીલ બંધાયું હોય, વ્યક્તિત્વ નીખર્યું હોય, ત્યારે એઓની માત્ર રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવાનો કોઈ મતલબ નથી રહેતો – આખી પ્રવૃત્તિ સ્વાન્તઃ સુખાય દીસે છે.ચાલોને જોઈએ આપણે કે મને સોંપાયેલાં કાવ્યોની રૂપનિર્મિતિ બાબતે પરીક્ષા-સમીક્ષા કરું તો કેવું થાય અને મેં જણાવ્યું એમ રૂપથી આગળ વધવા ચાહું તો કેવું થાય – જરા ધ્યાન આપોઃ
જેમકે, હું કહું કે હરીશની ‘પદપ્રાંજલિ’ રચનાનું પ્રાસવિધાન મને એકદમનું કાર્યસાધક અને તેથી સર્વોત્તમ લાગે છે. પણ ‘મણિકર્ણિકા’નું પ્રાસવિધાન મને એમ નથી લાગતું. સહજ પ્રાસ અને અ-સહજ પ્રાસ શોધી બતાવીને મારી એ બન્નેે લાગણીઓની હું સાધક-બાધક ચર્ચા કરું – એટલે, બસ વાત પૂરી! ‘પુણ્યસ્મરણ’-નું કાવ્યવસ્તુ શૂન્ય પાલનપુરી પરત્વે મને સહજ ભાસે છે, પણ કૃષ્ણરામ પરત્વેનું અસહજ ભાસે છે. મારા એ બન્ને ભાસ માટેની મારી દલીલો રજૂ કરું – એટલે, બસ વાત પૂરી!
પરન્તુ એ ‘પુણ્યસ્મરણ’ રચનાદ્વયની આ પંક્તિઓ –‘સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી’
– કે
‘છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ
અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી’
અને
‘નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે
જે તરસ ને તૃપ્તિની વચ્ચેના ઠેકાણે વસ્યા છે’
– કે
‘એમની પાસે નથી એકે ય તે અંગત ચહેરો
જે સ્વયંનાં કૈં પ્રતિબિંબોનાં પોલાણે વસ્યા છે.’
– એ પંક્તિઓનાં રૂપ ઉપરાન્તની એની કાવ્યસ્થ અર્થસમ્પદાને હું સ્પર્શતો નથી પણ એ સમ્પદા સૂચવે છે કે મને જે સહજ-અસહજ ભાસ્યું તેને મારે જોડે-જોડે મૂકીને આગળનું કંઈક વિચારવું જોઈએ. મતલબ કે મારે શૂન્ય પાલનપુરી અને કૃષ્ણરામના વિશેષોને સાથે સાથે મૂકીને હરીશના કાવ્યશીલ વક્તવ્યને વિસ્તારવું જોેઈએ. પણ એ જાતની અર્થ-સન્નિધિ કરવાનું હું કે આપણે રૂપતુષ્ટ લોકો નથી કરતા કેમકે એવી વિસ્તૃતિને જરૂરી નથી ગણતા કેમકે રૂપ પાસે જે કંઈ બધું હમેશાં આપણને ફિક્કું અને ગૌણ ભાસે છે. બાકી હરીશની સૃષ્ટિના વાચકવર્ગ વડે થનારા સ્વાગત અને સ્વીકાર બાબતે હું ઘણું કહી શકું. કહી શકું કે સુરાલયની આ મસ્તીની અને આ રસ્મોની વાચકને આજકાલ સ્મૃતિ નથી રહી. કેમકે સિજ્દાની અને રિન્દની ખબર નથી રહી. એને સુરાહીને પ્યાલામાં ખાલી કરતાં આવડે છે, પણ પ્યાલા સુરાહીમાં ખાલી કરવાવાળા આખા નુસ્ખાની એને જાણ નથી. એ એને કાં તો અગમનિગમવાચી લાગે છે કે પછી કવેતાઈ. સમીક્ષક એને રૂપ-દર્શન કરાવે તો ય એની ના-ની હા નથી થતી. એટલે સમીક્ષકે એને પ્રેરવો જોઈએ કે ભાઈ તું તારી મસ્તી ને તારી રસ્મો જોડે આને મૂકી જો ને જરા કલ્પના કર કે પ્યાલા સુરાહીમાં ખાલી કરાય તો કેવુંક થાય. મારું મન્તવ્ય એમ બને છે કે સમીક્ષકે જાડ્યગ્રસ્ત વાચકવર્ગના સ્મૃતિભ્રંશ સામે, એના ભાગેડુપણા સામે, રચનાની સોબતમાં રહીને લડી બતાવવાનું હોય. એ લડાઈ કાવ્યસ્થ અર્થસમ્પદાના જોરે લડી શકાય. પણ એમ લડવામાં રૂપવાદીઓને નાનમ થાય છે. કેમકે એઓનો ગ્રહ બંધાઈ ગયો છે – એમ કે એ કામ અમારું નહીં! વિનોદની "કાવ્યારમ્ભે સરસ્વતી-પ્રાર્થના"માં કાવ્યબાનીનું જે ગામ્ભીર્ય છે તેનું એક જુદું જ રૂપ "ઍકસટસી"માં છે, પણ "દેહની આરતી"માં એ મને વેરવિખેર થઈ ગયું લાગ્યું છે. મારાં આ નિરીક્ષણોનાં કારણો આપું – એટલે, બસ વાત પૂરી! પણ – "પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!/ વેૈખરિયે વળગ્યો લૂણો કાપજો"-માં અને "અરથું નરથુંને બેવડ વાળ્યા" કે ‘ઝળઝળિયાં ઝીલી ઝીલી તુલસી ટોયાં’-માં ઊંડા ઊતરવાનું જે ઈજન છે એ આપણે નથી સ્વીકારતા. બાકી વાચકને સમીક્ષક કહી શકે – કે પાઘડીઓ પડખે મેલી દેવી એટલે શું – વૈખરીએ વળગેલો લૂણો એટલે શું – એવું આજનો કવિ મા સરસ્વતીને કહે છે તે શા માટે કહે છે. "ઍક્સ્ટસી"-ના પૃથ્વીય છન્દોવિધાનથી પ્રગટેલી કાવ્યબાનીથી આપણે તાજુબ થઈએ છીએ ને એમ એના કાવ્યમાધ્યમનું મહિમ્નગાન કરીએ છીએ. "ઝડાફ વીજ મેઘ" "પ્રંચડ દ્રુત ઓમ્" "હફડ ધૂર્જટિ ઝાડવાં" ‘ફરે લફક જીભ’ વગેરે શ્રુતિ-અતિશયો આપણને ખુશ-ખુશ કરી મૂકે છે, સારી વાત છે, પણ એ આખા કાવ્યશીલ ઉપક્રમ સાથે એક્સ્ટસીનો એટલે કે માનવીય હર્ષોન્માદ કે પરમાનન્દનો આપણે કશો યોગ નથી વિચારતા. વિચારીએ તો એ ભાવવિશેષનો અંદાજ આવે અને વાચકવર્ગને કહી શકીએ કે માણસના ભાવજગતનો વિલક્ષણ વૈભવ શું ચીજ છે. એને પૂછીને પ્રેરી શકાય કે દોસ્ત, તારા બારામાં આવો કોઈ હર્ષોન્માદ સંભવેલો કે કેમ, સંભવ્યો હોય તો તું કેવા શબ્દોમાં કહી બતાવે. વગેરે. વિનોદની "પરંતુ"-થી "તુણ્ડિલ-તુણ્ડિકા" લગીની સમગ્ર સૃષ્ટિમાં આવી કાવ્યસ્થ અર્થસમ્પદા ભરી પડી છે પણ આપણે તો જરા-જીરણ ચિત્તમાંચડા પરથી – વૉર્ન આઉટ માઈન્ડસૅટ પરથી – એમને માત્ર ગીતકવિ રૂપે ઓળખાવવાનું જ ચાલુ રાખ્યું છે!
એ જ ચિત્તમાંચડેથી મણિલાલને ઘરવતનગામપરિવેશના કવિ કહ્યા કરીએ છીએ. પણ –"સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે એ કોણ!/ ટહૂકો થઈને પંખીમાંથી
છૂટે છે કોણ!" – કે
"મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, / ક્યાંય દીવો બળતો નથી
તે શું હશે?/ શું હશે મારા પ્રવાસમાં?" –
"શમણાંમાં સૂર્યોદય થાય/ ને ખીણોમાં ઝરણાં ફૂટે!/ પછી સવારે/ ખળખળ ખળખળ વહેવા માંડે તું –/ આ અરણ્યથી તે અરણ્ય સુધી..."-માં
"માટી અને મેઘનાં મન મળી ગયાં છે"-માં
જે અપ્રતિમ મેળ છે તે કેટલો તો શામક છે પણ આપણને એ શમનની માણસજોગી વાત માંડવામાં રસ નથી પડતો. આપણે તો બસ "ગામ જવાની હઠ છોડી દે" નામના ગઝલ-ગાનને નામે જ મણિલાલને પૉંખ્યા કરીએ છીએ!
બાબુના દૃષ્ટાન્તમાં મોટાભાગના વિવેચકો આ માણસ આપણા જેવું નથી લખતો ને જે લખે છે તે અગડમ્ બગડમ્ છે એમ બારોબારનો ફૅંસલો કરીને પોતાને રસ્તે ફંટાઈ જાય છે. તો વળી, બાબુ સુથાર આપણી કવિતામાં "અંતર મંતર જાદુ મંતર/ મેલડી વંતરી ભૂત શિકોતર" લાવ્યા કહીને પડીકું વાળી દેવાય છે. પણ એ કવિ જો એમ લખતા હોય કે –"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે
"શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના
માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ
ને ભેજ"–
રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે? મારો ઉત્તર છે કવિની સિગ્નેચર, એનો માર્કો, એની વૈયક્તિક વિશેષતા. એ વિશેષતાનું એના વડે ભાત-ભાતની રીતે થયા કરતું વિકસન. આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાતી નથી, એને શાસ્ત્રમાં બાંધવાનું કામ કપરું છે. મને કહેતાં આનન્દ થાય છે કે હરીશ, વિનોદ, મણિલાલ કે બાબુ ભલે આયોજકોને અનુ-આધુનિક કાવ્યોત્સવનાં સર્વસાધારણ કે સહિયારાં ભાજન લાગ્યાં હોય પણ એ ચારેય કવિવ્યક્તિ છે, એકમેકથી વ્યાવર્તક છે, વિશિષ્ટ છે, ચારેયની પોતાની સિગ્નેચર છે. આ સિગ્નેચર મારા વક્તવ્યનો બીજો સૂર છેઃ એને હું મને અપાયેલા સમયમાં સમેટવા ચાહું છુંઃ મુખ્ય મારે એ જણાવવું છે કે કોઈપણ કલાકારની સિગ્નેચર બને છે શી રીતેઃ પુષ્કળ લખવાથી? ના, હરગિજ નહીં! એ તો બને છે ‘દત્ત’ અને ‘નિપુણતા’ના સંયોગથીઃ આ પ્રકારેઃ પોતાને જે અપાયેલું છે એ ‘દત્ત’ને – ‘ગીવન’ને – કવિ પચાવે છે. પોતાને અપાયેલાં જન્મ પરિવાર ઉછેર કેળવણી સમાજ-સંસ્કૃતિ અને સમ્પ્રાપ્ત સાહિત્યિક સંસ્કૃતિને બલકે પોતાને મળેલી ઈશ્વરદત્ત સર્જકતાને પણ એ પચાવે છે. ને એને પોતાની નિપુણતા સાથે સંયોજે છે. પરિણામે એ ઘણું કમાઈ શકે છે, ઍક્વાયર કરી શકે છે. એનું એ ‘અર્જિત’ એની જમીન બને છે જે પર ઊભો રહીને એ પોતાનાં સર્જનાત્મક ઉડ્ડયનો સાધતો હોય છે. જુઓ, આ જમીન-ઉડ્ડયન-ના નિદર્શનને મૌન અને શબ્દ, અંકન અને ઉલ્લંઘન, કેન્દ્ર અને વર્તુળ કે આપણે જેના ચતુરસુજાણ ગણાઈએ છીએ એ અભિધા અને વ્યંજના પણ કહી શકીએ. હરીશે ગુજરાતી સાહિત્યમાં આકાર પામેલી આધુનિક વેદના-સંવેદનાને અને તેની સામેના દીસતા સાધુસન્તશીલ રહસ્યલોકને તેમજ એ બન્નેથી એકસામટા પ્રગટેલા જીવનતત્ત્વબોધને જાણ્યો-માણ્યો છે. વિરુદ્ધ દીસતી એ બન્ને પરમ્પરાઓના મર્મને પચાવ્યા છે. એ દત્ત સાથે એમની નિપુણતાનો સંયોગ થયો ને ત્યારે આપણને "ધ્રિબાંગસુંદર કાણ્ડ" અને "મૂવિન્ગ ઑન માય ઓન મૅલ્ટિન્ગ" મળ્યાં. ‘ફાર્બસ ગુજરાતી સભા’ના ઉપક્રમે ૨૮ વર્ષ પર ૧૯૮૬-માં મેં આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના પર વ્યાખ્યાન આપેલું, જે એ જ નામના મારા પુસ્તકમાં પ્રકાશિત છે. એમાં મેં હરીશના કાવ્યના વૈતથ્યની દિશામાં વળેલાઢળેલા મિસ્ટર ધ્રિબાંગસુંદરને ‘વૈયક્તિક મિથ’ કહીને ઓળખાવ્યો છે અને "મૂવિન્ગ..." રચનાને ‘વિતથા કવિતાનું કાવ્ય’ કહી છે. આ બન્ને પ્રત્યયોથી, કાવ્યસર્જનના અનુભવજ્ઞાનથી, હરીશની જમીન બની. એ પછીનાં એમનાં ઉડ્ડયનો એ જમીન પરથી છે. પહેલું ઉડ્ડયન સંભવ્યું તે "સુનો ભાઈ સાધો", એ પછીનું "શબદમાં જિનકું ખાસ ખબરાં પડી" અને એ પછીનું તે "નાચિકેતસૂત્ર".
એમનાં એ ઉડ્ડયનોના સગડ એમની સમગ્ર સૃષ્ટિમાં જોવા મળે છેઃ અહીં પણ મને એ જ્યાંત્યાં દેખાયાં છેઃ જેમકે –"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/
વણમસ્તકનો મુરશીદ બોલ્યો/ જોગી, અંદર આ જા/
પડ્્યો બોલ ઝીલ્યો,/ વણજિહ્વા પૂરી ટાપસીઃ હાજી".
જેમકે –
"જે વસ્તુઓ અંદરની તરફ ઊઘડે છે/ કેવલ અંદરની તરફ/તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ."
જેમકે –
"જો પિપલમંડી/ સ્થળ હોય તો/ એ છે અત્ર ને અનવદ્ય/ પળ
હોય તો/ એ છે સહજ ને સદ્ય / જેમ બે સ્થળ વચ્ચે દ્વિધાનો
અવકાશ બચતો નથી/ એમ કશું જ અંતર નથી રહેતું/ અસ્થિ
અને આસ્થા વચ્ચે/ સ્થાન અને પ્રસ્થાન વચ્ચે/ પીપલમંડી
અને પન્નીગલી વચ્ચે."
"ઝાલર વાગે જૂઠડી". બીજું છે, "શિખંડી" અને ત્રીજું છે, "તુણ્ડિલ-તુણ્ડિકા".
કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે – કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે – "કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ. મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. મને સોંપાયેલા ૪ કવિઓમાં મણિલાલ કવિ-ઉપરાન્તના સાહિત્યકાર છે. આપણે એમનામાંના કવિને વિશે જરાતરા સ્થિર થયા હોઈએ ત્યાં એ આપણને એમના નિબન્ધોમાં લઈ જાય, વાર્તાઓમાં ખેંચી જાય, પોતે લખેલા ચરિત્ર-ગ્રન્થો બતાડે. વગેરે. ગ્રામ-પરિવેશની પ્રકૃતિ જોડે નિરન્તર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપને કરીને સાહિત્યલેખનમાં પરોવાય છે. એમનો પણ આપણી આધુનિકતાવાદી સાહિત્ય-સંસ્કૃતિમાં ઉછેર થાય છે એટલે એમનામાં પણ સંશયગ્રસ્ત સર્જકમન પ્રગટે છે અને એમ દત્ત અને નિપુણતાનો સંયોગ રચાતો ચાલે છે. એ પ્રકારે એમનાં ઉડ્ડયનો શરૂ થાય છે. પહેલું ઉડ્ડયન છે, "પદ્મા વિનાના દેશમાં" અને તે પછીનું છે, "ડુંગર કોરી ઘર કર્યાં".
મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે.જેમકે –
"કોઈ સાદ પાડે છે વર્ષોથી/ ડુંગરમાળાઓની પેલે પારથી/
વનવગડામાં રમતીભમતી કેડી જેવો..."
"કૂંપળની ભાષામાં/જંગલ બોલ્યું /તન તરણાનું ડોલ્યું/
ઝરણાએ મોં ખોલ્યું".
જેમકે –
"વનવટો પામેલાં/ પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?/
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે/ સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં."
જેમકે –
"ખરી ગયેલા સગપણ વચ્ચે/ ઊભો છું હું ભવરણ વચ્ચે...."
જેમકે –
"જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં / દૂર મલકમાં ફરી
જવાના અવસર આવ્યા."
જેમકે –
"માણસના અસ્તિત્વને મૅણો ચડ્યો છે / ભૂખ્યા ઈશ્વરો
ઘોરખોદિયા બનીને નીકળી પડ્યા છે... નહીં તો / મારી ભાષાની
ઘરથાળે / આકડિયા શા માટે / ઊગવા લાગે?"
જેમકે –
"જીવ અને શિવને/ એક સાથે / આઠમ અને અગિયારસ બેસશે,
મંકોડાઓની પીઠ પર / ચાંદો ઊગશે/ અને અળસિયાં/ માથે
મુગટ/ ડીલે જરકસી જામા પહેરીને/ બહાર નીકળશે."
જેમકે –
"ગામમાં, ગલીઓમાં, નવેરામાં, નળિયાંમાં, / શેણી-વિજાણંદની
વારતામાં /
ને ભાઈ-બેનના હેતમાં/ ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે/
ક્યાંય પણ દેખાતું નથી મનેખ."
જેમકે –
"ડોશીને લાગ્યું કે/ એનો અન્ત હવે નજીક છે / ત્યારે એ
ચુપચાપ ઊભી થઈ, / કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં /
વાંસનાં ચાર લાકડાં / અને કાથીનું પીલ્લું / નીચે લઈ આવી /
બાંધી દીધી / એની પોતાની એક નનામી." જેમકે –