કથોપકથન/અનુકમ્પાશીલ માનવ

From Ekatra Wiki
Revision as of 05:33, 8 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દુર્ગ / અનુકમ્પાશીલ માનવ

સુરેશ જોષી

ગઈ (1960) જાનેવારીની ચોથી તારીખે મોટર અકસ્માતથી આલ્બેર કૅમ્યૂનું અવસાન થયું. પોતાના આ પ્રકારના અવસાન પર કૅમ્યૂને ટીકા કરવાની હોય તો એ કદાચ આટલું જ કહે: જોયું ને, કેવું અસંગત!

આ અસંગતિ – absurdityનો સંકેત કૅમ્યૂની સૃષ્ટિમાંથી સ્પષ્ટ થાય છે. એમ તો ફ્રેન્ચ સાહિત્યમાં 1926માં આન્દ્રે માલરોએ એની નવલકથામાં આ સંકેતનો પ્રવેશ કરાવ્યો જ હતો. એની નવલકથાના એક પાત્રને મુખે એણે બોલાવ્યું છે: ‘યુરોપના માનવીના જીવનના કેન્દ્રમાં, એના જીવનની બધી મહાન ક્ષણોને આવરી લેતી, પાયાની અસંગતિ રહેલી છે.’ ફ્રેન્ચ કવિ આંરિ મિશોની કવિતામાંનું પાત્ર Plume એ કૅમ્યૂની નવલકથા ‘The Outsider’ના નાયકના જ ગોત્રનું છે. એક પ્રકારની નિલિર્પ્ત નિષ્ક્રિયતાથી એ બધી ઘટનાઓમાંથી પસાર થાય છે. પણ દુનિયાની રચના જ એવી છે કે કોઈ અહીં નિષ્કલુષ કે નિષ્પાપ રહી શકતું નથી. ઘટનાઓની તન્તુજાળ કોઈને છોડતી નથી.

આમ છતાં આ અસંગતિના સંકેતને કૅમ્યૂએ પોતે નવી વિશિષ્ટતાથી અનુપ્રાણિત કર્યો છે. કોઈ પણ યુગનો સમર્થ સર્જક પોતાના યુગની સમસ્યાઓના કેન્દ્રસ્થાનથી દૂર રહીને સરજી શકતો નથી. જેટલી એની સંવિત્તિ વધારે વ્યાપક અને વિશદ તેટલે અંશે એની કૃતિ વધારે સાચી અને સમર્થ. કેમ્યૂના સર્જનની મહત્તા એની સંવિત્તિની વ્યાપકતા અને વિશદતામાં રહેલી છે. લ્લચગિ બનચૈાિઅ – નિર્મળ વિશદતા એ જ, કૅમ્યૂને મતે, સન્દિગ્ધતાથી ભરેલા આ વિશ્વમાં, માનવીનો એક માત્ર વિશિષ્ટ અધિકાર છે. પૂરેપૂરી પ્રામાણિકતા, સન્નિષ્ઠા અને સચ્ચાઈથી જીવનારને અસંગતિ વરતાયા વિના રહેતી નથી. એક બાજુ તર્કના પ્રમેયના ચોકઠામાંથી હંમેશાં છટકી જતું સન્દિગ્ધ વિશૃંખલ વિશ્વ અને બીજી બાજુ એ વિશ્વને તર્કબદ્ધ અસન્દિગ્ધ રૂપે પારખી લેવા ઇચ્છતી માનવીની બુદ્ધિ; એક બાજુ અનન્તને માટેની મનુષ્યની અભીપ્સા અને બીજી બાજુ નિશ્ચિત અન્ત રૂપ મરણ – આમ આકસ્મિકતા, સન્દિગ્ધતા, માનવજીવન અને ‘સત્ય’ વચ્ચેનું ન ટાળી શકાય એવું દ્વૈત અને જેને યથાર્થ કે વાસ્તવિક કહીએ છીએ તેની તર્કશ્રદ્ધેય બુદ્ધિસમ્મત સમજની અશક્યતા – આ પાયામાં રહેલી અસંગતિ છે. અસંગતિ એ નિરપેક્ષ અસમ્બદ્ધ અદ્વિતીય તત્ત્વ નથી. એ માનવીનું મન અને જગત – આ બે વચ્ચેનો સમ્બન્ધ છે. આ પરિસ્થિતિની વિશદ સૂઝને પણ કૅમ્યૂ ‘અસંગતિ’ કહીને ઓળખાવે છે.

આ અનિવાર્ય ક્લેશકર દ્વૈતનો પડકાર ઝીલવા માટેનું મનુષ્ય પાસેનું સૌથી સબળ શસ્ત્ર તે પોતે જે પરિસ્થિતિમાં છે તેને વિશેની વિશદ નિર્ભ્રાન્ત સંવિત્તિ.

જગત અને માનવમનને સાંકળનારી કડી તે જ અસંગતિ. જો એ સમ્બન્ધને જાળવી રાખવો હોય તો અસંગતિનો સ્વીકાર કર્યે જ છૂટકો. પણ અસંગતિના આવા સ્વીકારમાં એક પ્રકારનો પડકાર પણ રહેલો છે. જે અસંગતિથી સંકળાયેલા આ સમ્બન્ધનું tension સહી શકતા નથી, તેઓ કોઈ પણ પ્રકારે આ સમ્બન્ધને છેદી નાખવાની યુક્તિ ઉપજાવે છે – દ્વૈતમાંથી અદ્વૈતનું આશ્વાસન ઊભું કરે છે. કૅમ્યૂને મતે આ ‘આધ્યાત્મિક’ કે ‘વૈયક્તિક આપઘાત’ કરવા જેવું છે: ક્યાં તો જગતને સમજવા મથતી બુદ્ધિને નકારી દો અથવા તો બધું શૂન્ય છે એમ કહી દો. અસંગતિનો પડકાર જ, એક રીતે જોઈએ તો, આપણા પુરુષાર્થનું પ્રેરક બળ છે.

માનવીય સન્દર્ભની બહારની કોઈ ભૂમિકા પર કૂદકો મારીને આનું સમાધાન શોધવું એ આ પડકારથી પરાજય પામ્યાનો સ્વીકાર કરવા બરાબર છે. માનવીય સન્દર્ભની બહારના એવા અતીત નિરપેક્ષ તત્ત્વથી પોકળ આશ્વાસન સિવાય આપણને કશાની પ્રાપ્તિ થઈ નથી. પુરુષાર્થની સક્રિયતા માટે અસંગતિનો સ્વીકાર આપણા હિતમાં છે. અસંગતિનો શાહમૃગીય વૃત્તિથી નકાર કરવાને બદલે એને પડકારવાનો પુરુષાર્થ કરવો એ વધુ ઇષ્ટ છે. જે બુદ્ધિની પકડમાં આવતું નથી, ને વિશૃંખલ છે, તેને પકડવા મથતી બુદ્ધિનો નિષ્ફળ છતાં અવિરત પ્રયત્ન એ આપણા જીવનનું સૌથી ગૌરવભર્યું ભવ્ય દૃશ્ય છે.

આમ પડકાર અથવા વિદ્રોહ (rebel) જ આપણા જીવનનું વિધાયક બળ છે, મૂલ્ય (value) છે: I resist, therefore we are. કૅમ્યૂ કહે છે કે આ સૃષ્ટિમાં કશો સુસંગત બુદ્ધિગમ્ય અર્થ રહેલો નથી, પણ એમાં માનવી છે, ને એ માનવી એવા અર્થની શોધમાં છે. આપણને તો આ માનવી સાથે નિસ્બત છે. આપણી ‘શાશ્વતી સમા’ તો દિવસના રાત તરફના વળાંકમાં છે; આપણે ક્ષણને જ જીવીએ છીએ ને જાણીએ છીએ. મૃત્યુ પછી કશું સાતત્ય રહેતું નથી.

અનુભવોના સંકલનમાંથી કોઈ પરમ તત્ત્વ નીપજી આવે એવી અગમ્ય રાસાયણિક પ્રક્રિયા થતી નથી. આથી બધી જ ક્ષણો એક સરખા મહત્ત્વની છે. અહીં એકની અવેજીમાં બીજું મૂકીને જીવી શકાય નહિ. આવી ક્ષણક્ષણની સજાગ સજીવતાનો ક્ષુરધારનિશિત આપણો માર્ગ છે. આપણી આસક્તિને સમ્બન્ધની અપેક્ષા છે, પણ જ્યાં અસંગતિ સિવાયનો કશો સમ્બન્ધ જ ન હોય, ત્યાં આસક્તિ નહીં પણ નિલિર્પ્તતા જ આપણને પરવડે. માટે કૅમ્યૂ કહે છે કે આપણું ભોજ્ય તે નિલિર્પ્તતા છે ને આપણું પેય તે અસંગતિ છે – આમાંથી જ આપણે પોષણ મેળવવાનું છે; કોઈ નિરપેક્ષ અતીત તત્ત્વની ભ્રાન્તિને આધારે લટકતા રહેવાનું નથી. આ દૃષ્ટિમાં શૂન્યવાદની અરાજકતા નથી, અહીં કશું અદૃષ્ટ આપણા પુરુષાર્થની ધારને ખાંડી કરતું નથી, અહીં વિશદ સંવિત્તિનો સ્વચ્છ પ્રકાશ છે, ભ્રાન્તિનું ધૂંધળું ધુમ્મસ નથી.

માનવી આ અસંગતિને કેવી રીતે પડકારે છે? કૅમ્યૂ કહે છે કે મનુષ્યની સર્જકપ્રતિભા એ આ અસંગતિને સ્વીકારીને પોતાની આગવી સૃષ્ટિમાં નવી સંગતિ સરજાવે છે. કળામાં વાસ્તવિકતાનો નકારપૂર્વકનો સ્વીકાર છે. આ નકારપૂર્વકના સ્વીકારને કારણે વિશૃંખલ અરાજકતાભરી વાસ્તવિકતામાંથી સર્જક પોતાનું ઋત ઉપજાવે છે. આમ કળામાં વિશિષ્ટ સંવિધાનને સિદ્ધ કરનારું જે આયોજન તે જ particular અને universal વચ્ચેની વ્યવહારમાં દેખાતી અસંગતિને ટાળે છે. આપણે જે સંવેદનો ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એમાં સાતત્ય નથી, અસંગતિ નથી; પણ કળાકાર એ સંવેદનોને વિશિષ્ટ સંવિધાનથી જે સ્વરૂપ આપે છે તેમાં આ પૃથક્ પૃથક્ સંવેદનો એકબીજામાં લય પામીને એક અનનુભૂત સંવિત્તિ ઉપજાવે છે. ઇતિહાસ માનવજીવનની ઘટનાઓને ‘પ્રગતિ’, ‘વિકાસ’, ‘ઉત્ક્રાન્તિ’ કે એવા કશા સિદ્ધાન્તના સૂત્રમાં પરોવવા મથે છે. એથી માનવી પ્રગટ થતો નથી. માનવી ઇતિહાસની શતરંજનું પ્યાદું નથી. ઇતિહાસમાં મનુષ્ય સાધન છે. કળામાં મનુષ્ય વિધાયક છે. આથી કૅમ્યૂ માને છે કે અસંગતિની વિશદ સૂઝ કળાકારને માથે એનો પડકાર ઝીલવાની ગમ્ભીર જવાબદારી નાંખે છે.

આ સન્દર્ભમાં કૅમ્યૂની કૃતિઓનું સંવિધાન તપાસવા જેવું છે. એની પ્રથમ નવલકથા ‘ધ આઉટસાઇડર’નું શીર્ષક જ આ સુસમ્બદ્ધ જણાતી સૃષ્ટિમાં પોતાનો મેળ બેસાડી ન શકતો, જીવન જીવવાને તન્ત્ર રચી, એ તન્ત્રમાં જ આખરે જીવનને ગૂંચવી મારતો મનુષ્ય આગંતુક જેવો છે એ તરફ આંગળી ચીંધે છે. આ નવલકથાનો નાયક ઇન્દ્રિયજન્ય સંવેદનાઓને વર્ણવે છે, પણ એ સંવેદનાઓને કશાક તત્ત્વની મદદથી સાંકળીને એમાંથી કશુંક મૂલ્ય ઉપજાવવાની ખટપટમાં પડતો નથી. બધું એની આજુબાજુ બને છે: માતાનું મરણ, પ્રેમ, હત્યા – પણ એ કશાના કેન્દ્રમાં નથી. નરી સંવેદના – ક્ષણમાં થઈને લોપ પામતી સંવેદના સિવાય બીજો કશો પ્રેરક હેતુ એનામાં દેખાતો નથી. વાર્તાની સૃષ્ટિમાં જ ગુરુત્વાકર્ષણનું બળ છે, તેમાં સ્થિરતા જાળવીને ટકી રહેવા જેવું નક્કર તત્ત્વ નવલકથાકારે એનામાં ઉપજાવ્યંુ છે.

વાર્તા નાયકને મુખે કહેવાઈ છે. આવી યોજનામાં પોતાનું આત્મગત માનસશાસ્ત્રીય ઝીણવટથી તંતોતંત તપાસવાની જોગવાઈ છે, પણ કૅમ્યૂ આ આત્મલક્ષી સ્વગતોક્તિમાં પરલક્ષિતાના ગુણને ઉપજાવે છે. વાર્તાના નાયકનું મન એ માત્ર એક પારદર્શી માધ્યમ છે. એ એક પછી એક પસાર થતી સંવેદનાનાં ચિત્રો બતાવે છે, એને જોડનારી સાંકળ બનતું નથી. વળી વાર્તામાં સમયની કરોડરજ્જુના પણ બધા મણકા છૂટા વેરી નાખ્યા હોય એવું લાગે છે. કૅમ્યૂએ વાક્યરચનામાં કરેલો કાળનો ઉપયોગ ભૂતકાળ કે ભવિષ્યકાળને સૂચવતો નથી, પણ એક વિશૃંખલ, અપ્રવાહી એવા ઐન્દ્રિક સંવેદનોને જ રજૂ કરે છે. આથી બે પાત્રોના સંવાદને પણ વર્ણનાત્મક રૂપે જ રજૂ કર્યા છે.

વાર્તાનું પહેલું વાક્ય માતાના મરણના સમાચાર અંગેનું છે. પણ વાર્તાના પ્રારમ્ભ પહેલાંની શાન્તિમાં ખલેલ પાડ્યા વિના, કશા આગવા વજન વિના, એ ઉચ્ચારાય છે. આ નિલિર્પ્તતા ગદ્યના વિન્યાસમાં પણ કૅમ્યૂએ પ્રતિફલિત કરી છે. મોટે ભાગે અનલંકૃત, લાંબા વખતથી પડી રહીને પવનના ઘસારાથી ધારદાર બનેલા પથ્થરના જેવું એ ગદ્ય અન્વયને ટાળે છે; એમાં કેવળ ક્રિયાઓ છે, વિશેષણો નથી. એકસરખા, ખરીને હોલવાઈ જતા, અગ્નિના તણખા જેવું એ ગદ્ય કૅમ્યૂની વિશિષ્ટ સિદ્ધિ છે. વાર્તાના નાયકની નિલિર્પ્તતા એની નિર્દોષતાનો પર્યાય બની રહે છે. એ કશામાં પોતાના કર્તૃત્વનું આરોપણ કરતો નથી. વાર્તાના પ્રથમ ભાગના અન્તમાં આરબની હત્યાનો પ્રસંગ આવે છે, ત્યાં ગદ્યમાં દ્રુત લયનો સંચાર થાય છે, ભાષા અલંકૃત બને છે. કારણ કે સૂર્યનો પ્રખર તાપ, સમુદ્રનાં ચળકતાં પાણી, આરબની છરીની ધાર પરનો તગતગતો પ્રકાશ – આ બધી સંવેદનાઓ એને પરાભૂત કરીને ભ્રાન્તિમાં લગભગ પરવશ કરે છે, ને ત્યારે કાંસાના એક સરખા અવાજથી લમણા ફાડી નાંખતો હોય એવો સૂર્ય, છરીની તીક્ષ્ણ ધાર પરથી લંબાઈને આંખને પોતાની અણીથી વીંધી નાખતો ચળકાટ, પોતાનો બધો ભાર ઠાલવીને ઊભી રહેતી ગરમ હવા – આ બધાંમાં પિસ્તોલનો ઘોડો દબાઈ જાય છે. આંખ ઉપર ફરી વળેલી ઝાંયને કારણે એ કશું જોઈ શકતો નથી, ને બંધ બારણું ઠોકતો હોય તેમ બીજી ત્રણ ગોળીઓ છોડે છે. આમાં કશાય આશયનો અભાવ છે.

ને છતાં બીજા ભાગમાં અદાલતમાં કામ ચાલે છે, ત્યારે આ બધી સંવેદનાઓમાંથી એક ભાત ઉપસાવી કાઢીને, એને કેન્દ્રમાં કર્તા તરીકે સ્થાપવામાં આવે છે ત્યારે એને આશ્ચર્ય થાય છે. આપણાં કાર્યો અકળ રીતે એકબીજા સાથે જોડાઈ જઈને એવાં તો પરિણામો લાવે છે કે એની ગતિને ગીતાકારે પણ ‘ગહન’ કહી છે. માતાના મરણ પરત્વેની એની નિલિર્પ્તતાને આ હત્યા સાથે સાંકળવામાં આવે છે. આ અસંગતિ કૅમ્યૂ પોતાની વિશિષ્ટ શૈલીથી ઉપસાવી આપે છે. મરણની નિશ્ચિતતા સામે આવીને ઊભી રહે છે ને ત્યારે પહેલી વાર પાદરી આગળ હૃદયનો ઉદ્રેક રજૂ કરે છે. રુક્ષ ગદ્યના પડમાં રહેલો ઊમિર્નો ફલ્ગુસ્રોત અન્તમાં બહાર વહી જાય છે. કથનમાં જ રહસ્યને પ્રકટ કરતી આ લઘુ નવલ, એના સંવિધાન અને કર્તાની જીવનદૃષ્ટિ સાથેના એની કળાના વિરલ સામંજસ્યને કારણે, કેટલાકને મતે કૅમ્યૂની શ્રેષ્ઠ કૃતિ બની રહે છે.

એરિસ્ટોટલની વ્યાખ્યાને અનુસરતી ટે્રજેડીના નાયકની ‘ધ આઉટસાઇડર’નો નાયક વિડમ્બના કરતો લાગે છે. એની પછીની નવલકથા ‘ધ પ્લેગ’માં અલ્જીરિયામાંના ઓરાન નામના શહેરમાં ફાટી નીકળેલા પ્લેગની વાત છે. આ પ્લેગ સમર્થ પ્રતીક બની રહે છે. ફ્રાન્સ ઉપરના કબજા દરમિયાનના જર્મન સૈન્યના તન્ત્રને પણ આ પ્લેગથી કૅમ્યૂએ સૂચવ્યું છે, ને સાથે અનિષ્ટ માત્રની એમાં વાત છે. અહીં પણ સમય બંધિયાર પાણીના જેવો અનુભવાય છે. શહેરની એક બાજુએ સમુદ્રની સીમા છે ને બીજી બાજુ દીવાલ. ગદ્યમાં પણ પુનરાવર્તનને કારણે આવતું એકસૂરીલાપણું છે. મહામારીના વિશિષ્ટ સંજોગોમાં જુદાં જુદાં પાત્રો કેવી રીતે વર્તે છે તે કૅમ્યૂએ ઝીણવટથી બતાવ્યું છે. શરૂઆતમાં પોતે કરેલાં નફાખોરી, કાળા બજાર વગેરે કૃત્યોને કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કરતો Cottard – આ પ્લેગને કારણે જીવવાનો નવો રસ પ્રાપ્ત કરે છે. ઉંદરો અને પાછળથી માણસોનાં મરણની ગણતરી કરતો ય્ચિહગ આ બધાં દરમિયાન નવલકથા લખવાનો પ્રયત્ન કરતો હોય છે, પણ એક વાક્યથી આગળ એ વધી શકતો નથી. મહામારીના અનિષ્ટની સામે ઝૂઝવામાં માનવ માનવ વચ્ચે એક પ્રકારની આત્મીયતા ને ઘનિષ્ઠતા કેળવાય છે. અનિષ્ટની સામેના વિદ્રોહ (rebel)માંથી જન્મતું આ એક મૂલ્ય (value) અહીં રજૂ થાય છે.

વિજ્ઞાનીઓ, દાક્તરો અને સૌ કોઈ આ મહામારી સામે ઝૂઝે છે. પાદરી આ અનિષ્ટને માટે ઓરાનના રહેવાસીઓનાં અધામિર્ક આચરણને જવાબદાર લેખે છ.ે પણ જેણે કશું પાપ નથી કર્યું એવા નિર્દોષ બાળકની મૃત્યુની જવાબદારી કોની? ‘પ્રભુની અકળ ગતિ’ને નામે એ પ્રશ્નને ઉડાવી દેવાનું બની શકે નહિ. આ વાર્તા જેને મુખે કહેવાઈ છે તે દાક્તર Rieux બાળકને મૃત્યુની સાથે ઝઘડતું જુએ છે, પોતાના હાથમાં પકડેલી બાળકની નાડીના ધબકારા સાથે ઘડીભર એની પોતાની નાડીના ધબકારા ભળી જાય છે, પણ પછી તરત જ બાળકની નાડી મંદ પડીને થંભી જાય છે. એટલી એક ઘડીમાં દાક્તર જે એકતા અથવા આત્મલુપ્તિ અનુભવે છે, તેમાં એક પ્રકારની સાર્થકતા રહી છે. આવી જ રીતે પોતાની બેવફા પત્નીને માટે ઝૂરી મરતા Grandને આંસુ સારતો જોઈને દાક્તરને એની સાથે ઊંડી એકતાનો અનુભવ થાય છે. આવી માનવ માનવ વચ્ચેની વણકથી એકતા એ જ સૌથી પવિત્ર વસ્તુ છે, એક મૂલ્ય છે. આ સમ્બન્ધને દૂરતાની અપેક્ષા છે, ને છતાં આવી એકતાની પળે જ આપણે દૂર છતાં સાચી નિકટતાની શુદ્ધ સંવિત્તિને પ્રાપ્ત કરીએ છીએ. પણ એ ચિરકાળની સ્થિતિ નથી.

બીજી જ ક્ષણે એ સ્થિતિમાંથી આપણે હદપાર થઈ જઈએ છીએ. આ હદપાર દશાનું ઉગ્ર ભાન પ્રકટાવવું એ કૅમ્યૂની કૃતિનું મોટું બળ છે. આ સ્થિતિ કળાકારની માત્ર તટસ્થતા નથી. વિજ્ઞાનની કેવળ નિરીક્ષક વૃત્તિ નથી; Grand અને Rieux એ બે પાત્રો વચ્ચે માનસિક બંધારણની દૃષ્ટિએ અન્તર ઘણું છે, તે છતાં સિદ્ધ થતી આ એકતાની શુદ્ધ સંવિત્તિ એ વિદ્રોહ (Rebel)માં સાથે ઝૂઝતા માનવીનું મોટું મૂલ્ય (value) છે. આવી પવિત્રતા માણસને ઈશ્વરની જરૂર ઊભી કર્યા વિના સન્ત બનાવે છે. Tarrou નામનું પાત્ર આવો સન્ત થવાને મથે છે. દાક્તર Rieuxને પરાજિત માનવ માટે સન્ત કરતાં વધારે સહાનુભૂતિ છે, આથી એ સન્ત થવા મથે છે. Tarrou એના જવાબમાં કહે છે: ‘હા, આપણે બંને એક જ વસ્તુ માટે મથી રહ્યા છીએ, પણ હું કદાચ તમારાથી ઓછો મહત્ત્વાકાંક્ષી છું!’

કૅમ્યૂ સૂચવે છે કે સાચા માનવ બનવું એ સન્ત બનવા કરતાં વધારે મહત્ત્વાકાંક્ષાભર્યું છે.

બંધિયાર નગરની બંધ હવા, અકડાઈ ગયેલો સમય, વિચ્છેદ ભોગવતાં નગરજનો અને મરણ – આ બધાંનું વિશિષ્ટ વાતાવરણ આ નવલકથામાં કૅમ્યૂએ સમર્થ રીતે ઉપજાવ્યું છે. આ મહામારી, મનુષ્યના કોઈ પ્રયત્નને કારણે નહિ, પણ આવી હતી તેવી જ અકળ રીતે ચાલી જાય છે. Tarrou પ્લેગમાં મરણ પામે છે, દાક્તરની પત્ની નગરની બહાર સેનેટોરિયમમાં મરી જાય છે. ને નગરજનો મહામારીમાંથી મુક્ત થયાનો ઉલ્લાસ માણે છે, ત્યારે ‘મહામારીના જન્તુનો પૂરો નાશ કદી થયો નથી ને એ ફરી માથું ઊંચકે જ છે’ એ જ્ઞાનને કારણે વિષાદગ્રસ્ત દાક્તર Rieux એકલો દરિયાકાંઠે ઊભો હોય છે.

વિદ્રોહની એક મૂલ્ય તરીકેની સ્થાપના તર્કની ભૂમિકા પર ટકી શકે તેવી નથી, કળાકૃતિમાં આપણને એ પ્રશ્ન ઊભો ભલે ન થતો હોય. આ અનિષ્ટમાં મનુષ્યની જવાબદારી કેટલી? યુદ્ધ જેવા અનિષ્ટને ટાળવું હોય તો ‘કેવળ રોગનાં જન્તુનાં વાહક ન થવાની તકેદારી જ પૂરતી નથી.’ પણ કૅમ્યૂને માનવહત્યાથી અરેરાટી થાય છે. Tarrouએ સત્તર વર્ષની વયે દેહાન્તદણ્ડની સજા પામેલા કેદીને જોયેલો ત્યારથી માનવહત્યાની મહામારીનાં કીટાણુના વાહક ન બનવાનો એનો સંકલ્પ હતો. પણ આખરે એય મહામારીના જન્તુથી મર્યો. હિરોશિમા પછી તો આ મહામારીની વ્યાપકતા અને ઉગ્રતા વધી છે. આથી કેવળ અનુકમ્પાશીલ માનવતા કે ‘ચેપી જન્તુના વાહક ન બનવાની તકેદારી આ પરિસ્થિતિ માટે પૂરતી ન થઈ પડે. ને એટલે અંશે વિદ્રોહની એક મૂલ્ય તરીકેની સ્થાપનામાં ઊણપ રહી જાય – એવી આ કૃતિની ટીકા થઈ છે. સાર્ત્ર અને કેમ્યૂ અહીંથી છૂટા પડે છે.

‘ધ ફોલ’ એ કૅમ્યૂની છેલ્લી નવલકથા છે. એ કદાચ એની સૌથી સન્દિગ્ધ કૃતિ છે. એનો નાયક Jean Baptiste Clemence તથા કૃતિનું શીર્ષક બાઇબલ તરફ આંગળી ચીંધે છે. અહીં અનિષ્ટને માટેની માનવીની જવાબદારીનો સ્વીકાર છે. સદ્ગુણોના આચરણનું અભિમાન, પોતાના સદાચરણના સાધન રૂપે અન્ય માનવોને વાપરવાની ધૃષ્ટતા, અને બીજાનાં આચરણનો ન્યાય ચૂકવવાની વૃત્તિ, એ પોતે જ કેવાં અનિષ્ટો છે, તેનું જ્ઞાન ક્લેમેન્સને થાય છે. આ જ્ઞાનને પરિણામે એની નિર્દોષતા ચાલી જાય છે, ને એડનની દુનિયામાંથી, પેરિસના જીવનમાંથી હદપાર થઈને સૂર્યહીન ધૂંધળી આમસ્ટરડામની દુનિયામાં આવે છે. હવે એ outsider છે. હવે એ પોતાના પશ્ચાત્તાપની કથા બધાને કહે છે.

એ કથા ક્લેમેન્સ કોઈકને ઉદ્દેશીને કહેતો હોય એવી એકોક્તિના સ્વરૂપે કહેવાઈ છે, એમાં શ્રોતા અધ્યાહાર છે. વાસ્તવમાં એ આપણને સૌને એ વાત કહીને, આપણે પણ બધાં આ બાબતમાં એકસરખાં દોષિત છીએ એનું ભાન કરાવી રહ્યો છે. પોતાના સદાચરણના ઘમંડમાં આત્મતુષ્ટ ક્લેમેન્સ સીન નદી પરથી પસાર થતો હોય છે, ત્યારે આપઘાત કરવાને પાણીમાં પડેલી એક સ્ત્રી મદદ માટે બૂમો પાડે છે. ક્લેમેન્સ એને બચાવવા જઈ શકતો નથી. આ પ્રસંગે એની પોતાને વિશેની ભ્રાન્તિનું આવરણ ખસી જાય છે. એ સ્ત્રીનું હાસ્ય એને ક્યાંય જંપવા દેતું નથી. એ હાસ્યના અવાજને ઢાંકવાને એ એકસરખું બોલ્યે જાય છે. મોઢે વળતાં ફીણની જેમ શબ્દો એના મોઢામાંથી નીકળ્યે જ જાય છે. એમાં વ્યંગ છે, કટાક્ષ છે, પોતે પોતાની હાંસી ઉડાવે છે.

અહીં વળી ગદ્યની એક નવી જ છટા કૅમ્યૂએ પ્રકટાવી છે. બીજી વ્યક્તિની ઉક્તિને અધ્યાહાર રાખવાથી કેટલાક પ્રશ્નોને ઊભા ન કરવાની સગવડ પણ એમાં છે. કૅમ્યૂએ પોતે એક પ્રસંગે કહ્યું છે કે, યુરોપનાં લોકોએ ભગવાનને છોડ્યો છે, પણ પાપવૃત્તિના વળગણમાંથી એઓ છૂટી શક્યા નથી. આથી ન્યાયની અદાલતોમાં ને કોન્સન્ટ્રેશન કેંપમાં ન્યાય ચૂકવવાનું કામ હજુ એમણે છોડ્યું નથી. ‘ધ ફોલ’નો નાયક આવા યુરોપનો પ્રતિનિધિ છે. એનું પતન થયું છે કારણ કે એ કેવળ પશ્ચાત્તાપ કરીને બેસી રહે છે. વિદ્રોહ કરતો નથી. ઇસુ ખ્રિસ્તને પ્રાર્થતા સન્ત જોનનું અરણ્યરુદન તો મિથ્યા ન ગયું, પણ આ ક્લેમેન્સનું અરણ્યરુદન તો વન્ધ્ય છે એવું એમાં સૂચન છે.

કૅમ્યૂને નાટ્યપ્રવૃત્તિમાં ઘણો રસ છે. દોસ્તોએવ્સ્કીના ‘બ્રધર્સ કારામાઝોવ’નું નાટ્યરૂપાન્તર કરીને એણે પોતે ઇવાનનું પાત્ર ભજવેલું. હમણાં જ ફોકનરના ‘રેક્વિએમ ફોર અ નન’નું નાટ્યરૂપાન્તર એણે કર્યું છે. આ ઉપરાંત એણે ચાર નાટકો લખ્યાં છે, પણ રંગભૂમિ ઉપર ‘કેલિગ્યુલા’ને જ સફળતા મળી છે. એમાં સીઝર કેયસનું ઐતિહાસિક પાત્ર અસંગતિના પ્રતીકરૂપ બનીને રજૂ થયું છે. અહીં પણ મરણ અને એને પરિણામે બીજાં મરણોની પરમ્પરા છે. પોતાની બહેનના – જે એની પ્રિયા પણ હતી – મરણને પરિણામે કેલિગ્યુલાને વિશ્વમાં રહેલી અસંગતિનું ઉગ્ર ભાન થાય છે, એ અસંગતિની સામે એ પોતે પરમ અસંગતિ ઊભી કરવા અનેક અમાનુષી કૃત્યો આચરીને બહુ જ ઊલટુંસૂલટું કરી નાખવા મથે છે. એમાંથી જ વિદ્રોહ પ્રકટે છે ને એને પરિણામે કેલિગ્યુલાનો અન્ત આવે છે. વિદ્રોહના બળને પ્રકટાવવાને સમર્થ નીવડેલી એની અસંગતિ જ આમ એક મૂલ્ય બની રહે છે. ગ્રીક નાટયકળાના ઉત્કૃષ્ટ નિદર્શનરૂપ આ નાટકનું સંવિધાન કૅમ્યૂની નાટ્યસ્વરૂપની શક્યતાઓની સૂઝનો પરિચય કરાવે છે. પ્રાર્થના, વિલાપ, મિજબાની, કોરસ, એકોક્તિ – આ બધાં અંગો રંગભૂમિ પર પણ એને સફળ બનાવે છે.

‘ક્રોસપરપઝ’માં પણ અસંગતિનું વાતાવરણ છે. સૂર્ય અને પ્રકાશની દુનિયામાંથી ઘણાં વર્ષે પાછો આવતો ભાઈ કેવળ નિર્દોષ કુતૂહલથી પોતાની ઓળખાણ પોતાની માતા તથા બહેનને આપતો નથી. પણ આ દુનિયામાં નિર્દોષતાનું પણ મૂલ્ય ચૂકવી આપવું પડે છે. માદીકરી એ ધનિક ઘરાકનું કાસળ કાઢી નાખીને એના પૈસા પચાવી પાડે છે. બહેન માર્થાને આ દુનિયા છોડીને સૂર્યના પ્રકાશની દુનિયામાં જવું છે. ભાઈ દુનિયાની વાત કરીને એ વિશે એને અધીર બનાવે છે, ને આથી લોહીના સમ્બન્ધને કારણે ઊપજેલી મમતાની ઉપરવટ થઈને માદીકરી એને ઝેર આપી દે છે. આ ઝેર આપનાર નોકરડી બહેરી છે. છમજેગિનો એક અર્થ બહેરો, કર્કશ પણ થાય છે તે અહીં સૂચક છે. આમ દીકરાની પોતાના આત્મીયો આગળ પ્રકટ થવાની ઝંખના, માર્થાની સૂર્યથી પ્રકાશિત ઉજ્જ્વળ દેશમાં જવાની ઝંખના અને માતાની દીકરાને ઓળખવાની ઝંખના – આ એક વિફળતામાં પરિણમે છે. અન્તે દીકરાની વહુ મારિયા આ સ્થિતિમાંથી બચવા ઘૂંટણીએ પડીને ભગવાનનું રક્ષણ યાચે છે ત્યારે સામે ભગવાન નથી, પણ પેલી ઝેર આપનાર બહેરી નોકરડી છે. આ પતાકાસ્થાનકનો ઉપયોગ અત્યન્ત વેધક રીતે થયો છે. રક્ષણની આ યાચનાના જવાબમાં બહેરી નોકરડી બરાડી ઊઠે છે: ‘ના!’ અહીં નાટક પૂરું થાય છે. અહીં પણ બે દુનિયા છે, ને એ દુનિયા વચ્ચેનો વિચ્છેદ છે. આ ઉપરાંત, પોતાની ઓળખાણ આપીને પોતાને વિશે નિશ્ચિત બનવાનું પણ આ દુનિયામાં હવે કેવું અશક્યવત્ બનતું જાય છે એનું પણ સૂચન છે.

કળાકાર તરીકે કૅમ્યૂની વિશિષ્ટતા એ છે કે એની પોતાની સર્જનસૃષ્ટિમાં પણ એની દરેક કૃતિ પુનરાવર્તન સહી ન શકે એવી અદ્વિતીય છે. જે સમસ્યાઓ તર્કની ભૂમિકા પર રહીને ઉકેલી શકાતી નથી તેનું કળાના ક્ષેત્રમાં સફળ સંવિધાન એણે કર્યું છે. કળાકાર સમસ્યા ઉકેલતો નથી, સમસ્યાનું ઉગ્ર ભાન પ્રકટાવે છે.

કૅમ્યૂએ આપણા યુગની સમસ્યા વિશે એની કળાકૃતિઓમાં ઊંડી સૂઝ પ્રકટ કરી છે. એની કૃતિઓમાં કેટલાકને ઊંડી હતાશાનું દર્શન થાય છે. પણ કૅમ્યૂ કહે છે કે સુખભરી, કેવળ આનન્દમય વાર્તા લખવાનું એને ઘણું મન છે. એની ગમે તેવી વિષાદભરી રચનાના કેન્દ્રમાં સૂર્યના પ્રકાશની ઉષ્મા અનુભવાશે એમ એ કહે છે. માનવીના ભાવિ વિશે એને આશા નથી, પણ માનવતા વિશે એને આશા ને શ્રદ્ધા છે. દોસ્તોએવ્સ્કીની Notes from the Undergroundનો નાયક, તથા The Idiotનો નાયક પ્રિન્સ મિશ્કિન કૅમ્યૂની સૃષ્ટિનાં પાત્રોના પુરોગામી છે. કાફકાની સૃષ્ટિમાં પણ એનો અણસાર છે. જ્યાં બીજાઓએ યાતના અને અનિશ્ચિતતાથી વ્યાકુળ થઈને ‘હે ભગવાન!’ એવો ઉદ્ગાર કાઢ્યો, ત્યાં કૅમ્યૂએ ‘અસંગત’ કહીને એને પડકારીને પુરુષાર્થને સદા જાગૃત ને ઉદ્યમ રાખવાનું જ ઇષ્ટ લેખ્યું છે. કૅમ્યૂના આ શબ્દો આપણા કાનમાં હમેશાં રણક્યા કરશે: ‘In the midst of winter, I discovered that there was in me an invincible summer.’