કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૨. બાપુ ધગી ગયા...
રમેશ પારેખ
બાકસને મારી લાત ને બાપુ ધગી ગયા,
ખાલી થયું ‘કજાત’ ને બાપુ ધગી ગયા.
ભગલે વધાઈ ખાધી : ‘અરે, ધામધૂમ છે,
મુખી જમાડે નાત ’ને બાપુ ધગી ગયા.
નાત્યુંનાં રાંધણાંમાં શક્કરવાર હોય શું?
બોલ્યા કે : ‘મેલ્ય વાત’ ને બાપુ ધગી ગયા.
ખખડાવી ડેલી કોઈએ (ત્યાં ડેલી હચમચી,
ભીંતોય બેસી જાત!) ને બાપુ ધગી ગયા.
ગઢમાં મુખીએ મોકલ્યો પીરસેલ એક થાળ,
ભગલો કહે : ‘નિરાંત!’ ને બાપુ ધગી ગયા.
ભગલો વદ્યો કે : ‘વાહ રે, ધન ભાગ, ધન ઘડી,
નહીં તો શું આજ ખાત?’ ને બાપુ ધગી ગયા.
આ ભૂખ(અસ્ત્રીજાત!)થી (ને અન્ય રૂબરૂ!)
થાવું પડ્યું મહાત ને બાપુ ધગી ગયા.
આંખોમાં આવ્યો મોતિયો તે ઓછું ભાળતા,
અંદાજે ખાધો ભાત ને બાપુ ધગી ગયા.
‘બાપુ, મીઠાઈ પે’લાં સીધો ભાત?’ એમ ક્હૈ :
ભગલાએ કાઢ્યા દાંત ને બાપુ ધગી ગયા.
કીધું કે — ‘ગોલકીના, મીઠાઈમાં શું બળ્યું?
છેલ્લે જરાક ખાત’ — ને બાપુ ધગી ગયા.
‘દહીં લ્યો ને બાપુ, સામે પડી દહીંની વાટકી’
ભગલાએ રાખી ખાંત ને બાપુ ધગી ગયા.
ગર્જ્યા કે : ‘મારી સામે પડી? બે બદામની?
એની તે શી વિસાત?’ ને બાપુ ધગી ગયા.
‘ભગલા, કરું છું ખાતમો સામે પડેલનો,
રહેવા ન દઉં હયાત’ — ને બાપુ ધગી ગયા.
તલવાર જેમ હાથ ચલાવ્યો એ યુદ્ધમાં,
ભગલાનો ચંચુપાત ને બાપુ ધગી ગયા.
ભગલો કહે : ‘મીઠાઈમાં ઘી ચોખ્ખું હોત તો
હું પણ જરૂર ખાત’ ને બાપુ ધગી ગયા.
સીંચાણા જેમ ઝાપટ્યા થાળી ઉપર, રમેશ
અેનો કહ્યો વૃત્તાંત ને બાપુ ધગી ગયા.
૨૫-૧૨-’૮૨/શનિ/નાતાલ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૦૧-૪૦૨)