કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૨. બાપુ ધગી ગયા...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૨. બાપુ ધગી ગયા...

રમેશ પારેખ

બાકસને મારી લાત ને બાપુ ધગી ગયા,
ખાલી થયું ‘કજાત’ ને બાપુ ધગી ગયા.

ભગલે વધાઈ ખાધી : ‘અરે, ધામધૂમ છે,
મુખી જમાડે નાત ’ને બાપુ ધગી ગયા.

નાત્યુંનાં રાંધણાંમાં શક્કરવાર હોય શું?
બોલ્યા કે : ‘મેલ્ય વાત’ ને બાપુ ધગી ગયા.

ખખડાવી ડેલી કોઈએ (ત્યાં ડેલી હચમચી,
ભીંતોય બેસી જાત!) ને બાપુ ધગી ગયા.

ગઢમાં મુખીએ મોકલ્યો પીરસેલ એક થાળ,
ભગલો કહે : ‘નિરાંત!’ ને બાપુ ધગી ગયા.

ભગલો વદ્યો કે : ‘વાહ રે, ધન ભાગ, ધન ઘડી,
નહીં તો શું આજ ખાત?’ ને બાપુ ધગી ગયા.

આ ભૂખ(અસ્ત્રીજાત!)થી (ને અન્ય આબરૂ!)
થાવું પડ્યું મહાત ને બાપુ ધગી ગયા.

આંખોમાં આવ્યો મોતિયો તે ઓછું ભાળતા,
અંદાજે ખાધો ભાત ને બાપુ ધગી ગયા.

‘બાપુ, મીઠાઈ પે’લાં સીધો ભાત?’ એમ ક્‌હૈ :
ભગલાએ કાઢ્યા દાંત ને બાપુ ધગી ગયા.

કીધું કે — ‘ગોલકીના, મીઠાઈમાં શું બળ્યું?
છેલ્લે જરાક ખાત’ — ને બાપુ ધગી ગયા.

‘દહીં લ્યો ને બાપુ, સામે પડી દહીંની વાટકી’
ભગલાએ રાખી ખાંત ને બાપુ ધગી ગયા.

ગર્જ્યા કે : ‘મારી સામે પડી? બે બદામની?
એની તે શી વિસાત?’ ને બાપુ ધગી ગયા.

‘ભગલા, કરું છું ખાતમો સામે પડેલનો,
રહેવા ન દઉં હયાત’ — ને બાપુ ધગી ગયા.

તલવાર જેમ હાથ ચલાવ્યો એ યુદ્ધમાં,
ભગલાનો ચંચુપાત ને બાપુ ધગી ગયા.

ભગલો કહે : ‘મીઠાઈમાં ઘી ચોખ્ખું હોત તો
હું પણ જરૂર ખાત’ ને બાપુ ધગી ગયા.

સીંચાણા જેમ ઝાપટ્યા થાળી ઉપર, રમેશ
અેનો કહ્યો વૃત્તાંત ને બાપુ ધગી ગયા.

૨૫-૧૨-’૮૨/શનિ/નાતાલ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૦૧-૪૦૨)