બોલે ઝીણા મોર/શિરીષનાં ફૂલ અને શિંગો

From Ekatra Wiki
Revision as of 11:52, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શિરીષનાં ફૂલ અને શિંગો

ભોળાભાઈ પટેલ

અજવાળિયાની સાતમ-આઠમની આછી ચાંદનીમાં લગભગ નિર્જન સડકને કિનારે ચાલતાં ચાલતાં સુગંધની તળાવડીમાં પડી ગયો. મનબદનમાં તરબતર પ્રસન્નતા વ્યાપી ગઈ. ઊભો રહી ગયો. શિરીષ આખું એનાં કોમળ રેશમી રેષાવાળાં ફૂલોથી લદાઈ ગયું હતું, અને એની આસપાસ સુગંધની એક અદૃષ્ટ તળાવડી રચાઈ ગઈ હતી.

શિરીષને ફૂલો આવી ગયાં? આવી શું ગયાં, આખું વૃક્ષ પુષ્પમય બની ગયું છે. પણ હજી તો ગયા વર્ષે બેઠેલી શિરીષની શિંગો તો લટકી રહી છે. નવાં ફૂલો કરતાં વધારે તો એ સુકાઈ ગયેલી અને થોડા પવનમાં પણ ખખડતી લાંબી શિંગો વધારે દેખાય છે.

સવારમાં તો રાતે ખીલવાં શરૂ થયેલાં શિરીષનાં ફૂલોની નીચે બિછાત થઈ જશે; પણ તોય શિંગો – ગયા વરસની શિંગો લટકતી રહેશે. એ શિંગો નવાં ફૂલ આવવા છતાં જલદી ટૂટી જતી નથી, ડાળીએ વળગી રહે છે. આ જોઈ હિન્દીના પ્રસિદ્ધ લેખક હજારીપ્રસાદ દ્વિવેદીને એક સાર્થક ઉપમા સૂઝી હતી. એમણે કહ્યું છે કે નવા વરસનાં ફૂલો આવ્યાં પછી શિરીષની આ સુકાયેલી લટકતી શિંગો જોઈને એવા નેતાઓની યાદ આવે છે, જે નવી પેઢી આવી જવા છતાં; પોતાનો સમય પાકી જવા છતાં પોતાના સ્થાને ચીટકી રહે છે. નવાને સ્થાન આપવા એ તૈયાર નથી. આવ્યું છે કે આવશે – માની વળગી રહે છે. પોતાનો સમય થયો છે, એ જાણવા છતાં આવા લોકો મનથી માનતા નથી, ચીટકી રહે છે.

શિરીષનાં સુગંધસભર તાજાં ફૂલો વચ્ચે સુક્કી ખખડતી શિંગો કેવી વરવી લાગે છે! આઉટડેટેડ; પણ જગ્યા છોડતી નથી.

પણ લાગે છે કે માણસ માટે જગ્યા છોડવાનું અઘરું છે. એક જગ્યા સાથે એક વાર જોડાયા પછી પોતાનો સમય પાક્યો છે એમ લાગ્યા છતાં શિરીષની શિંગોની જેમ લટકનારા ઘણા મહાપુરુષો છે. એમને એવું છે કે કદાચ, પોતે નહિ રહે તો તાજાં શિરીષનું શું થશે? કદાચ પોતે નહિ હોય તો નવા આવનાર માટે આ બધું સંભાળવાનું અઘરું થઈ પડશે. માંડ માંડ ગોઠવાયેલું તંત્ર ખોરંભે પડી જશે. સદ્‌સેવાના ખ્યાલથી પણ સુકાવા છતાં ડાળીએ લટકવાનું કષ્ટ એ સહે છે. કેટલીક વાર એમને ઠસાવવામાં પણ આવતું હોય છે કે હજી તમારી જરૂર છે. નવી પેઢી હજી ભાર ઉપાડે એમ નથી.

એક વાર એક નાટકના દિગ્દર્શનની જવાબદારી મારે માથે આવેલી. એમાં સ્ત્રી-પાત્રો વધારે હતાં, પરંતુ નાટકમાં પતિ-પત્નીનો પાઠ પણ આવતો હતો. પત્ની એટલે કે શરૂઆતમાં તો પ્રિયતમાનો પાઠ કરવા તૈયાર થનાર છોકરીએ કહ્યું કે હું પાઠ ત્યારે જ લઉં, જો પતિ તરીકેનો પાઠ કરનાર પણ છોકરી હોય. એટલે કે છોકરીએ છોકરાનો પાઠ કરવાનો. બહેનોની કૉલેજમાં એવું કરવું જ પડતું હોય છે. આપણાં જૂનાં નાટકોમાં એથી ઊલટું હતું. ખેર, એક છોકરીને પતિનો પાઠ આપ્યો. થોડાક દિવસ રિહર્સલના, પછી નાટક. છોકરાનો પાઠ બરાબર ફાવી ગયો. નાટક પૂરું થયા પછી પાઠ ભજવનાર સૌ પોતપોતાનાં અસલ કપડાં પહેરવા લાગ્યાં, પણ છોકરાનો પાઠ કરનાર છોકરી પુરુષવેશ ઉતારવા તૈયાર નહોતી. કહે, ‘આ વેશ ઉતારવાનો હવે ગમતો નથી. થાય છે, હમેશાં પુરુષવેશ પહેરું.’

મને યાદ છે એ કન્યાના શબ્દો અને એના એ વખતના ભાવ. આજે શિરીષની લટકતી શિંગોના પ્રસંગમાં એ ઘટના યાદ આવી ગઈ. એ કિશોરી કન્યાનો તો થોડા દિવસનો પાઠ હતો, પણ આપણે તો રોજેરોજનો પાઠ કરીને એ પાઠ સાથે એવા અભિન્ન જડાઈ જઈએ છીએ કે એનાથી જુદા એટલે ખરેખર એક વ્યક્તિ હોવાનું ભુલાઈ જતું હોય છે. અધ્યક્ષ, મંત્રી, ડિરેક્ટર, કમિશનર, ઇન્સ્પેક્ટર, મૅનેજિંગ ડિરેક્ટર, ચૅરમૅન, ડૉક્ટર, પ્રોફેસર કે પ્રધાન વગેરેના પાઠ કરતાં કરતાં એવી ટેવ પડી જાય છે કે પછી એ પાઠનો વેશ ઉતારવાનો વખત આવે ત્યારે ગમતું નથી.

નાટકકારો એટલે તો ઘણી વાર જીવનને રંગભૂમિ સાથે સરખાવતા હોય છે. શેક્સપિયર વારંવાર આ રૂપકનો ઉપયોગ કરે છેઃ વિશ્વ એ રંગભૂમિ છે, અને એમાં દરેક સ્ત્રી-પુરુષને પોતાનો પાઠ ભજવવાનો હોય છે. એ પાઠ ભજવતાં ભજવતાં એ સ્ત્રી કે પુરુષ પોતાનો સમર્થ અભિનય બતાવી સૌની વાહ વાહ મેળવી લેતા હોય છે અને પછી સમય આવતાં એ વિસ્મૃતિના ગર્તમાં ડૂબી જતા હોય છે.

જીવનનો પાઠ અને નાટકનો પાઠ એ બે વચ્ચે આમ ઘણી સમાનતા છે. જેમ નાટકનો પાઠ પૂરો થતાં પોતાનો એ વેશ બદલી માણસ ‘સામાન્ય’ માણસ બની જાય છે, તેમ જીવનમાં બને ખરું? માણસ ‘સામાન્ય’ માણસ બની જાય ખરો? એવું પણ બને છે. પણ એવું બનવું એટલું અસામાન્ય છે કે એના વિષે કવિતા કરવી પડે.

આવી એક કવિતા ગ્રીક કવિ કેવેફીની છે. એક ઐતિહાસિક ઘટના પરથી એણે કવિતા કરી છે. એક રાજા ડ્રેમેડિયસને પ્રજાએ કહ્યું કે તમે રાજા થવાને યોગ્ય નથી, અને તેઓ એની જગ્યાએ પિરુસને રાજા તરીકે પસંદ કરે છે :

મહાન આત્મા
રાજા ડ્રેમેડિયસે,
કહેવાય છે, આ સાંભળી
જરાય રાજાની જેમ
રુઆબ ન બતાવ્યો.
એ પોતાના શિબિરમાં ગયો
પોતાનો સુવર્ણનો પોશાક દૂર કરી દીધો
જલદીથી સાદાં કપડાં
પહેરી લીધાં,
અને ચાલી નીકળ્યો
એક નટની જેમ,
જે ભજવણી પૂરી થયા પછી
પોતાનો વેશ બદલી
ચાલતો થાય છે…

ઘણી વાર થાય છે, રાજા ડ્રેમેડિયસ જેવું આપણું મન હોય તો? લાગે કે હવે કોઈ સ્થાનને વળગી રહેવામાં શ્રેય નથી, તો તે છોડી દઈ શકાય, એટલી આસાનીથી કે જાણે નટ પાઠ પૂરો થતાં વેશ બદલી ચાલતો થાય.

પણ આપણે તો ભજવણીના વેશને જ સાચો વેશ માની લઈએ છીએ, પછી છોડવાનું મુશ્કેલ બની જાય છે. નવાં શિરીષ સુગંધની તળાવડી રચી દે છે, છતાં વાસંતી પવનમાં સુક્કી શિંગો લટકતી ખખડતી ડાળીને બાઝી રહેતી હોય છે. શું એ જાણતી નથી કે એની ભજવણી પૂરી થઈ ગઈ છે?

૨-૪-૮૯