કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૨. ફાગણી
બાલમુકુન્દ દવે
આવડાં તે રૂપ શીદ ઢોળ્યાં અલી ફાગણી?
આવડા તે રંગ શીદ ઘોળ્યા રે લોલ?
આવડા તે રાગ શીદ રેલ્યા અલી ફાગણી?
આવડા તે ફાગ શીદ ખેલ્યા રે લોલ?
આવડા તે વીંજણા શા વાયા અલી ફાગણી?
વાયરામાં આવડી શી માયા રે લોલ?
આવડી શી કાજગરી કાયા અલી ફાગણી?
આવડાં શાં તેજ અને છાયા રે લોલ?
કેસૂડે એવું તું કૉળી અલી ફાગણી!
કા’નજીની પાઘડી રતુંબડી રે લોલ.
મંજરીએ એવું તું મોરી અલી ફાગણી!
રાધિકાની હીરાગળ ચૂંદડી રે લોલ.
સરવરિયે સોહી સલોણી એવી ફાગણી!
ગોપિકાની ઘૂમતી વલોણી રે લોલ.
પૂનમમાં એવું તું મલકી અલી ફાગણી!
છલકી જાણે દૂધની દોણી રે લોલ.
(મારાં) નીંદરતાં નીર તેં ઢંઢોળ્યાં અલી ફાગણી!
સૂતેલાં સમણાં સંકોર્યાં રે લોલ.
(એ તો) પોયણીની પાંદડીમાં ડોલ્યાં અલી ફાગણી!
વાંસળીના વેહ મહીં બોલ્યાં રે લોલ.
કે’ણે ઘડ્યો આ ઉનાળો અલી ફાગણી!
કામણનો આવડો શો ચાળો રે લોલ?
દા’ડે દઝાડે લૂની ઝાળો અલી ફાગણી!
ચાંદનીનો રાતે અંગારો રે લોલ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૨)