કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૯. એક જ રટના
Revision as of 11:40, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૩૯. એક જ રટના
સુન્દરમ્
ઉચ્છ્વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.
હે ઉન્નત ગિરિશૃંગનિવાસી!
અમ ભૂતલનો તું બન વાસી,
અણુ અણુમાં અમ ર્હે તું હુલાસી,
મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો.
હે અજરાં તેજોના રાશિ!
અમ અંધારાં જા તું પ્રકાશી,
વખડા જા ધરતીનાં પ્રાશી,
અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો.
હે આનંદ પરમના જલધિ!
અમ ઝરણાંની સંહર અવધિ,
અમ કલશે સંભર તવ રસ-ધી,
પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો.
એપ્રિલ, ૧૯૪૩
(યાત્રા, પૃ. ૧૩૮)