અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં જોશી/સાંજ

From Ekatra Wiki
Revision as of 21:29, 20 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


સાંજ

મીરાં જોશી

હવે સૂરજ આથમે છે બસ,
સાંજ પડતી નથી…
સાંજને ગળી જાય છે,
ઘર તરફ જતાં વાહનોનો ધુમાડો…
ઓવરટાઇમના કલાકો…
ભાવની રકઝકમાં અટવાતાં બજારો…
હવે સાંજ,
બાલ્કનીમાં આવીને બેસતી નથી…
હીંચકો ઝૂલ્યા કરે છે મંદ પવને, એકલો એકલો…
હવે ઘરની પાળી ઉપર,
પંખીઓના ટહુકા આવીને બેસતા નથી.
હવે આકાશે
સૂર્યાસ્તની રંગોળી ઊંચાં મકાનોની
આરપાર ખોવાઈ જાય છે…
હવે,
બપોર અને રાત વચ્ચે સાંજની ઘટનાનો
એક આભાસ માત્ર થાય છે…
હવે માત્ર સૂરજ આથમે છે બસ…
સાંજ પડતી નથી…

(પદ્ય, જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૨૦, પૃ. ૨૦)