કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૨. શિવાજીનું હાલરડું

From Ekatra Wiki
Revision as of 08:04, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. શિવાજીનું હાલરડું

ઝવેરચંદ મેઘાણી

[કાચબા-કાચબીના ભજન પરથી ઘડેલો ઢાળ]
આભમાં ઊગેલ ચાંદલો ને
જીજાબાઈને આવ્યાં બાળ
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે!
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ-લખમણની વાત
માતાજીને મુખ જે દિ’થી
ઊડી એની ઊંઘ તે દિ’થી. – શિવાજીનેo

પોઢજો રે, મારાં બાળ!
પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળાં જુદ્ધ ખેલાશે
સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે. – શિવાજીનેo

ધાવજો રે, મારાં પેટ!
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રે’શે નહિ, રણઘેલુડા!
ખાવા મૂઠી ધાનની વેળા. – શિવાજીનેo

પે’રી ઓઢી લેજો પાતળાં રે!
પીળાં લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે. – શિવાજીનેo

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
ફેરવી લેજો આજ!
તે દિ’ તારે હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની. – શિવાજીનેo

લાલ કંકુ કેરા ચાંદલા ને
ભાલે તાણજો કેસર-આડ્ય
તે દિ’ તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા. – શિવાજીનેo

આજ માતા ચોડે ચૂમીયું રે, બાળા!
ઝીલજો બેવડ ગાલ
તે દિ’ તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે. – શિવાજીનેo

આજ માતાજીની ગોદમાં રે
તુંને હૂંફ આવે આઠ પો’ર
તે દિ’ કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે. – શિવાજીનેo

આજ માતા દેતી પાથરી રે
કૂણાં ફૂલડાં કેરી સેજ
તે દિ’ તારી વીર-પથારી
પાથરશે વીશ-ભુજાળી. – શિવાજીનેo

આજ માતાજીને ખોળલે રે
તારાં માથડાં ઝોલે જાય
તે દિ’ તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકાં. – શિવાજીનેo

સૂઈ લેજે, મારા કેસરી રે!
તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ, બાળુડા!
માને હાથ ભેટ બંધાવા.

જાગી વે’લો આવજે, વીરા!
ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઈ ઝુલાવે.

૧૯૨૮

ભાવનગર મુકામે, સ્વ. મિત્ર અમૃતલાલ દાણી વગેરે સ્નેહીજનોની હૂંફમાં બાલ-કિશોરોને માટે ગીતો રચવાના ઊર્મિપ્રવાહમાં ભીંજાયેલો હતો ત્યારે, અમારા આંગણામાં ચૂનો કૂટતી મજૂરણો એક ગીત ગાતી હતી:


પરભાતે સૂરજ ઊગિયો રે
સીતા રામની જોવે વાટ:
શેરડીએ સંતો આવે
ભિક્ષા તેને કોઈ નો લાવે.

એ પરથી ઢાળ સૂઝ્યો. આ ઢાળ ‘કાચબા-કાચબી’થી જુદો પડે છે. રચનામાં પણ એ ભજનની કડીથી એક મોટું ચરણ આમાં કમતી છે. દસમી કડીમાં ‘બંધૂકાં’ એ ‘બંદૂકો’નું ચારણી બહુવચન-રૂપ છે.

(સોના-નાવડી, પૃ. ૨૭૩-૨૭૫)