અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/જણ જીવો જી

From Ekatra Wiki
Revision as of 19:26, 22 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


જણ જીવો જી

લાભશંકર ઠાકર

ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી,
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.
તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જીવો જી,
ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જીવો જી.
મારગમાં મોહનજી મળિયા રે જણ જીવો જી,
રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવો જી.
ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી,
અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી.
ખાવું શેં? પીવું શેં? લાળિયા રે જણ જીવો જી,
હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવો જી.
ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવો જી,
ખટમાસ વ્હેણ સાવ વાળિયાં રે જણ જીવો જી.
ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવો જી,
અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.
(ટોળાં અવાજ ઘોંઘાટ, ૧૯૯૦, પૃ. ૩૩)



આસ્વાદ: હોવાપણાની નિરર્થકતાને ઉકેલવા મથતું કવિકર્મ – મણિલાલ હ. પટેલ

કવિતા દરેક વખતે કશુંક કહેવા સારુ ન પણ લખાતી હોય. બલકે કવિતા ઘણી વાર કશુંય કહેવા માટે નથી જ લખાતી. કવિતા કવિના મનની કશીક વિશેષ આબોહવા વર્ણવવા તાકે છે. મનને તાગવાનું અઘરું કામ કવિતા ઘણી વાર કરી આપે છે. કવિતા આપણને કશોક વિશેષ અનુભવ ‘ફીલ’ કરાવવા ચાહે છે. ક્વચિત્ વિચારતત્ત્વને પણ કવિતા ભાવોર્મિમાં ભીંજવીને આપણને ‘અનુભવવા’ કહે છે. કવિતા અનુભવનો વિષય છે — ને એ અનુભવનો આપણા મનને સૂક્ષ્મ આસ્વાદ મળી રહે એવી એની રચનાપ્રયુક્તિ હોય છે. કવિનું સંવેદન, કવિના ભાષાકર્મના બળે કરીને, ભાવકમાં જીવી ઊઠે છે — ભાવકનું આવું સમસંવેદન કવિનો તથા કવિતાનો મકસદ છે. લાભશંકર ઠાકરની આ રચના ‘જણ જીવો જી!’ આ સંદર્ભમાં વાંચવાની અને ‘ફીલ’ કરવાની છે.

વળી કવિતામાં પંક્તિએ પંક્તિનો અન્વય આપી અને એનો અર્થ બેસાડી આપવાનું દરેક કાવ્ય સંદર્ભે શક્ય નથી. કેટલાક સર્રિયલ સંદર્ભો પંક્તિ રૂપે હઠાત્ આવીને ગોઠવાઈ જતા હોય છે — એ અર્થ ન પણ આપે તોય પઠન તથા આસ્વાદમાં કૈંક ઉમેરણ કરી આપતા હોય છે — કમસેકમ એ કશો વિક્ષેપ કરતા નથી. બેસણામાં ચાર-પાંચ સગાંઓની વચ્ચે એકબે બિનસગાં આવીને બેસે છે ત્યારે એ પણ પરિવેશનો આવકાર્ય હિસ્સો બની જાય છે. ‘જણ જીવો જી’માં આવું કશુંક બને છે ને એય કૃતિસમગ્રમાં મળીભળી જાય છે.

આ કાવ્ય લયમાં છે, લોકલયમાં છે, મરશિયાં જેવાં લોકકાવ્યોનો લય અહીં લોકભાષા સાથે પ્રગટ થયો છે — પ્રાસાનુપ્રાસોએ એને પોષ્યો છે. મિત્રો બેઠા હોય અને કૈંક માયાની કે જીવનની નિરર્થકતાની વાતો ચાલતી હોય ત્યારે લા૰ઠા૰ પોતાના પોતે રચેલા આ મરશિયાને તાલ/લયમાં ગાતા… જાણે નિરર્થકતાનો ઉત્સવ ઊજવતા હોય. લા૰ઠા૰ના મરણ બાદ લા૰ઠા૰નાં સંસ્મરણો વાગોળતાં ચિનુ મોદી પણ આ કાવ્યની પંક્તિઓ ગાઈને — મનોમન — જાણે પરંપરાગત અંજલિ આપે છે ને ભીની આંખો ફેરવી લે છે! ‘જણ જીવો જી’ — એ મરી જનારને થયેલું હયાતીવાચક સંબોધન છે. મૃત્યુ પામનારની પાછળ સ્વજન (સાવ અંગત એકબે પ્રિયજન હોય તે) –ની ઘવાયેલી ને નિરાધાર બની ગયેલી લાગણીઓને જુદે જુદે સંદર્ભે કવિ રજૂ કરે છે — જરા ઊંચે અવાજે ગાઈ દેખાડે છે :

‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.’

‘ઠાકર’ એટલે લાભશંકર ‘ઠાકર’! (ઘડીક ‘ઠાકર’ કહેતાં ત્રભાણામાં બિરાજી ન્હાતા ઠાકોરજી પણ આંખમાં બલકે મનમાં હાજર થઈ જાય છે ખરા! પણ અહીં એ ‘ઠાકોરજી’ વગરના ‘ઠાકર’ની વાત છે.) લા૰ઠા૰એ હયાતીમાં લખેલું આ પોતાનું મરશિયું છે — એમાંય વાત તો નિરર્થકતાની જ કરેલી છે. જે આંખો વ્હાલ વરસાવતી કે ક્રોધે રાતીપીળી થાતી હતી તે હવે બોરના ઠળિયા જેવી ઠાલી થઈ ગઈ છે — હવે કીકી કશું જોતી — કહેતી નથી! ઠળિયા જેવું હોવું કશા કામનું નથી. હૈયાનાં ફળિયાં ખાલીખમ થઈ ગયાં છે — કોનાં હૈયાનાં ફળિયાં? –ની વાત છે? પાછળ મરશિયું ગાવા મજબૂર બનેલા સ્વજનના હૈયામાં હવે પડસાળ — આંગણું — શેરીનો એકસામટો સૂનકાર ફરી વળ્યો છે. ફળિયાનું હોવું પણ શૂન્ય થઈ ગયું છે! હવે બોલનારા નથી, બેઠક નથી. પગરવ નથી, આવનજાવન નથી! બધું ખાલીખમ થઈ ગયું છે! ‘ઠાકર’ — ચેતના — પરમતત્ત્વનો અંશ ચાલી જતાં દેહમાં પણ આવો જ ખાલીપો વ્યાપી જતો હશે — આવી વ્યંજના — કવિને અભિપ્રેત ન હોય તોય — ભાવકના ચિત્તમાં જાગે છે.

હયાતી અટકી પડી. દિવસો ખૂટ્યા — રોજેરોજ વાર રૂપે ગણતા તે સળિયા (હીંચકો તૂટે એમ) કડડડ કરતા તૂટી પડ્યા… ઘર ઉપર છવાયેલાં / છાયેલાં નળિયાંય ખૂટી ગયાં! વર્ષો જેવાં નળિયાં, જે હયાતીના છાપરે છાયેલાં હતાં!! હે નાગર, હે નગરમાં (દેહમાં) વસનારા માનવ… બધું તૂટ્યું છે — ખૂટ્યું છે! હોવાનું અંજળ ખૂટી ગયું છે. હવે તો તમે તમારા મનમાં જીવવાના… સ્મરણમાં જીવવાના! તમને તો સરગાપુરીને મારગ જાતાં મોહનજી મળ્યા જ હશે… પણ અહીં તમારી રાધાનાં હાડ તમારા અભાવે કરીને સાવ ગળી-ઓગળી ગયાં છે! જીવનમાં સહેજવારમાં ઊથલપાથલ મચી ગઈ. કવિ લા૰ઠા૰ની ભાષાપ્રયુક્તિ અહીં નોખી રીતે હોવાની નિરર્થકતાને ચીંધી દે છે :

‘ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી. અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી’

હોવાપણાની અર્થહીન ઊથલપાથલને — એવા જીવનને — કવિ તાકે છે.

જણ / જનારો જીવ તો ચાલ્યો જાય છે. પાછળ રહે છે એ પ્રિયજનને તો ખાવુંપીવું લાળા-કોલસા જેવું (લાળિયા) થઈ પડે છે. જીવતાં જીવતાં જ જાણે પાળિયા — હોવાની પ્રતીતિ થાય છે. નથી ઉમંગ, નથી ઉલ્લાસ! જીવનની નિરર્થકતાને પિછાણનાર અને અસ્તિત્વવાદની ભૂમિકાએ વિચારનાર લા૰ઠા૰ને પોતાને જીવતેજીવ પણ આવો — શૂન્યતાનો — અનુભવ થયો હોય… ને આ કાવ્ય એવી ભૂમિકાએ કશોક અર્થસંકેત કરતું હોવાનો મને વહેમ પડે છે.

છ માસ બધું નિદ્રામાં વહી ગયું! જીવવાની પ્રતીતિ જ જાણે ન્હોતી થતી — હાસ્તો! પ્રિયજન (હોવાને અર્થ આપનાર) તો હતા નહિ! પછી તો જીવવાનાં વ્હેણ પણ પાછાં વળતાં થયાં! હા, હવે ચઢતાં પૂર ન્હોતાં! વળતાં પાણી હતાં… પછી તો ભડ ભડ ચેહમાં એય બળ્યા ને પાછળ રહ્યાં તેય બળ્યાં! પણ જે આ હોવાપણાનો અર્થ/નર્થ જે સમજી કે પામી ગયા… તેમણે ખરેખર અલખને અજવાળવાનું કામ કર્યું છે. ‘અમથાં અલખ’! હા, આ અલખ અને એની લીલા પણ અમસ્થી જ તો છે! જેમ જીવવું / હોવું તે પણ અમસ્થું હોય છે! લા૰ઠા૰ના એક બીજા અસ્તિત્વપરક તત્ત્વને તાકતું ગીત યાદ આવશે : — ‘આ અમથું ખીલ્યું ફૂલ સમજ્યા… આ અમથો ઊગ્યો સૂરજ સમજ્યા.’ હોવાને આમ હળવાશથી જોવું — અનુભવવું તથા હોવાપણાની અર્થહીનતાને ગંભીરતાથી ચીંધી બતાવે એવું કવિકર્મ કરનાર લા૰ઠા૰ને સલામ! (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)