રવીન્દ્રપર્વ/૧૫૧. સવારે મેં જાગી ઊઠી
Revision as of 08:02, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૧. સવારે મેં જાગી ઊઠી| }} <poem> સવારે મેં જાગી ઊઠી ફૂલદાની મહી...")
૧૫૧. સવારે મેં જાગી ઊઠી
સવારે મેં જાગી ઊઠી
ફૂલદાની મહીં દીઠું ગુલાબનું ફૂલ;
પ્રશ્ન થયો મને —
કેટલાય જુગ તણા આવર્તને
સૌન્દર્યના પરિણામે
જે શક્તિએ કર્યું છે પ્રકટ તને
અપૂર્ણ ને કુત્સિતના પ્રતિ પદે પીડનને ટાળી
તે શું અન્ધ, તે શું અન્યમના?
તેય છે શું વૈરાગ્યવતી સંન્યાસીના જેવી
સુન્દર ને અસુન્દર તણો નહીં ભેદ જેને?
માત્ર જ્ઞાનક્રિયા
માત્ર બલક્રિયા,
અન્ય બોધતણું નહીં કશું કામ એને?
કોઈ તર્ક કરી કહે, સૃષ્ટિની સભાએ
સુશ્રી કુશ્રી બિરાજે છે સમાન આસને —
પ્રહરીની કશી બાધા નહીં.
હું તો કવિ, તર્ક હું ના જાણું,
આ વિશ્વને જોઉં એના સમગ્ર સ્વરૂપે —
લક્ષકોટિ ગ્રહતારા આકાશે આકાશે
વહન કરીને ચાલે પ્રકાણ્ડ સુષમા,
છન્દ નહીં તૂટે એનો, સૂર નહીં તૂટે,
વિકૃતિથી થાયે ના સ્ખલન;
તેથી તો આકાશે જોઉં સ્તરે સ્તરે ખોલી પાંખડીઓ
ખીલી ઊઠે જ્યોતિર્મય વિરાટ ગુલાબ.